Sunday, March 07, 2010

શૂરોપૂરો

ખચ્ચાક ખચ્ચાક ખચ્ચાક દુશ્મનોનાં માથાં વઢાતાં હોય એમ દાતરડું રજકો વાઢી રહ્યું હતું. પણ હજુ તો માંડ બે’ક પાથરા વઢાયા હશે, ત્યાં તો આથમણી પા કાળો બોકાસો અને રીડિયારમણ.
ગોઠણિયાભર રામસંગ બાપુના દેહની ભૂમિમાં ભંડારાયેલો શૂરાપૂરાનો ભોરિંગ ફુત્કાર કરતો બહાર આવ્યો ને જમણા હાથમાં સાણસી જેવાં આંગળાં વચ્ચે જકડાયેલા દાતરડા પર મીટ માંડી મોરલી માથે મણિધર ડોલે એમ ડોલવા લાગ્યો.
રખે ભ્રમણા હોય! બાપુએ કાનસૂરી માંડી. રડિબામ રડિબામ બૂંગિયાનો વિલાપ ને તરઘાયા પર દાંડીનું ધ્રિજાંગ…ધ્રિજાંગ…
“ નક્કી લૂટારાવ. વિચાર સું કરે’છ, રામસંગ ઠાકોર!” માંયલા શૂરાપૂરાએ હાકોટો કર્યો.
“…પણ માળું હું એકલો કરીશ શું આમાં –ગામ નકરું ખદ્દ્દડ સે ન્યાં?” ગોઠણિયે હાથ મેલી ઊભા થતાં બાપુની વૈખરીએ દલીલ કરી.
“અરે ફ્ટ્ય ભૂંડા… માળા રામસંગ ઠાકોર! તારી રગુની નીકમાં રાણા પરતાપનું ધિંગું લોહી વહે છે ઇય ભૂલી ગયો? રીડ પડ્યે છુપાય તો એ રજપૂત શેનો?”
બસ, થઇ રહ્યું, રામસંગ ઠાકોરને રૂંવે રૂંવે રજપૂતાઇ ફૂટી નીકળી અને –
“ આ આવ્યો, ઊભા રે’જો, ગોલકીનાઉં.” કહેતાંકને બાપુએ ગામ ભણી ગડગડતી દોટ મેલી.
“હાલ્યા આવો જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ઇ. હાળા ચોરટવ મલકના!” લૂંટારાની વચમાં કૂંડાળે પડેલા રામસંગ બાપુએ ગર્જના કરી ને ધિંગાણું જામી પડ્યું. પછી તો તલવારું માંડી સબોસબ વીંઝાવા. માથાં માડ્યા ફટોફટ ઉતરવા. અને જોતજોતામાં—આંખના પલકારામાં તો નવનાં ઢીમ ઢાળી દીધાં બાપુએ. અને જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગી રહેલા બાકીના લૂંટારાની પીઠ પાછળ દોડી રહેલા બાપુની ત્રાડ આકાશને આંબી ગઇ. “ઊભા ર્યો, ઊભા ર્યો, મરદના દીકરાવ, વરતા જાવ અપસાઉં ને.”
ને ભાગતા લૂંટારાના કૂલે ભટકાતા પગ ભાળી બાપુ સ્વગત ખડખડ હસ્યા : “ કોઇ છબ્યો નંઇ દીકરો!’
--સોંપો પડી ગયો. પાદરના વડલાના તોતિંગ થડના ટેકે બાપુના થાકીને લોથ થઇ ગયેલા શરીરે ટેકો લીધો. ગામ ઢાળી નજર નોંધી. ચકલુંય ફરકતું નહોતું.
“એલા હવે તો ઘરમાંથી બા’રા નીકળો-- હાળા બાયલાવ.” બાપુ બબડ્યા. પણ આખા ગામના આગળા અકબંધ હતા. એટલે છેવટ બાપુએ પંડ્યેજ પોતાની પીઠ ઠપકારવી પડી : “ રંગ રાખ્યો, રામસંગ ઠાકોર ! તું ન હત તો ન થાવાનું થઇ જાત આજ આંઇ.”
અને બાપુએ પોતાની શૂરવીરતાની સરવે શરૂ કરી—“ એક, બે, ત્રણ, ચાર, પાંચ…નવ, નવ? નવને? મેં એકલે પંડ્યે આટલાને માર્યા?”
આશ્ચર્ય અને અહોભાવથી ભીંજાયેલું બાપુનું મન વિચારે ચડી ગયું : “હાળું ગામ વાળૂ તો કોઇ ભેરે થ્યું નહીં. આ તો ઠીક સે બધું પાર ઉતરી ગ્યું સમેસૂતર, ને કદીક હું ક્યાંક—હું ક્યાંક કામ આવે ગ્યો હોત, હું ખપી ગ્યો હોત તો…તો?”
ને ભાવિમાં ડૂબી ગયેલા બાપુની દ્રષ્ટિ સમક્ષ પોતાનો પાળિયો તરવા લાગ્યો.—એ લાલચટ્ટાક સિંદૂરિયા પાળિયાને ગામેડું શૂરાપૂરા તરીકે પૂજે છે. બાપુની માનતાઉં આવે છે. બાપુએ કંઇકના રોગદોગ દૂર કરી દીધા, કંઇકના વળગાડ કાઢ્યા, અરે મીંઢળબંધાં વરઘોડિયાંનાં મીંઢળેય બાપુને પાળિયે છૂટે.
મે નથી વરહતો ? નિવેદ કરો બાપુનાં. ઘઉંમાં ગેરુ આવ્યો છ? લાપશી માનો બાપુની. ઢોરને તનખિયો થ્યોછ ? બાપુને દૂધે નવડાવો. ગામમાં કોગળિયું આવ્યું છ? જાવ બાપુને શરણે…આમ બાપુ તો એકમાત્ર આધાર બની ગયા ગામનો. ત્યાં…ત્યા તો વડની પછળ સંતાયેલા એક લૂંટારાએ બાપુની પીઠમાં તલવાર પરોવી દીધી ને બાપુએ જોરથી રાડ્ય પાડી.
બાપુની રાડ્ય સાંભળીને બાજુના થાળામાં રેં’ટ હાંકતો મેપલો બળદને ઊભા રાખી હાંફળો ફાંફળો દોડતો આવ્યો—“શું થ્યું બાપુ ! કેમ રાડ્ય પાડી ? અરે તમને તો લોઇ નીકળ્યું છ કે શું ?”
“થાય શું ક્પ્પાળ તારા બાપનું ? આ રજકો વાઢતાં જરાક અમથું દાતરડું અડી ગ્યું ને ઇમાં લગરીક અવાજ નીકળી ગ્યો મોંમાંથી, ત્યાં તો હાળા વેવલીનાએ સીમ ગજવી દીધી. મારા મોઢા સામે શું તાકી બેઠો છ ? જા જઈને ઘા ઝાડવું ગોત્ય.” દાતરડાનો ઘા કરી પછેડી વડે આંગળી લૂછતા બાપુ બોલ્યા.