Saturday, December 07, 2013

બેગાની શાદીમેં ’અબ્દુલ્લા’ દિવાના!

 
  ગઈ કાલે ફારૂક અબ્દુલાનું નિવેદન મીડિયામાં સારું એવું ચર્ચામાં રહ્યું. ખુદ બેટા ઉમરે પણ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે પાપાએ માફી માગી લેવી જોઇએ. બધાં મીડિયામાં બન્ને પ્રકારના અભિપ્રાય જોવા મળ્યા, જેમાં મોટાભાગના લોકોનું કહેવું એવું હતું કે ફારૂક અબ્દુલ્લાએ બાફ્યું છે અને માફી માગવી જોઇએ જ્યારે કેટલાક લોકોને ફારૂકની વાતમાં કાંઇજ અજૂગતું હોય એવું લાગ્યું નહીં, અને ત્રીજી એક વચ્ચેની પ્રજાતી એવી હતી જે ’એતો મઝાકમાં એવું કહ્યું હશે....’ એમ કહીને છટકવા માગતી હતી.

     સ્વાભાવિક રીતેજ જે લોકોએ ખુલીને ફારૂકનો વિરોધ કર્યો એ લોકો યુપીએની બહારના હતા અને વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવો એ પોતાનો ધર્મ છે એવું માનીને વિરોધ કરનારા હતા. (આવું એટલા માટે લખવું પડ્યું કારણ કે જ્યારે પોતાના પક્ષની નીચે રેલો આવ્યો છે ત્યારે આ બધાજ મોઢું સીવી લે છે.)

     આશ્ચર્યજનક રીતે જસવંતસિંહ જે ભાજપમા દિગ્ગજ છે એમને ફારૂકની પડખે ઊભા રહેવાનું ઠીક લાગ્યું! અને કોંગ્રેસે ’બીચ વાલા’ રહેવામાં સલામતી જોઇ!

     તો આપણે સમજવાની કોશિશ કરીએ કે ખરેખર ફારૂકે કહ્યું એનો મતલબ શું થાય અને એમાં કશું વાંધાજનક કહી શકાય કે નહીં. ફારૂક અબ્દુલ્લાનું કહેવું એમ હતું કે ’હવે તો છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’

     પહેલી નજરે, ઉપર ઉપરથી જોતાં આ વાત બહુ સામાન્ય લાગે છે, એમાં કશું વાંધાજનક લાગતું નથી, પણ એ જે કાંઇ બોલાયું છે એની આગળ-પાછળના સંદર્ભોને સમજવાની કોશિશ કરીએ ત્યારે સમજાય છે કે કેટલી ગંભીર વાત છે અને એક પુરૂષવાદી માનસિકતાનો સ્ત્રી જાતિ પર કેવો ગંભીર આરોપ છે!

    ફારૂક અબ્દુલ્લાને આવું બોલવા માટે નજીકના ભૂતકાળની બે ઘટનાઓ જવાબદાર છે, એક, તરૂણ તેજપાલ નો લિફ્ટકાંડ અને બીજો જસ્ટીસ ગાંગુલી વાળી ઘટના. હવે જ્યારે ફારૂક આ બે ઘટનાને આધારે એમ કહે છે કે ’છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’ તો એનો સીધો અર્થ એવો થાય કે ફારૂક અબ્દુલ્લા એમ માને છે કે આ બન્ને ઘટનામાં બન્ને પુરૂષો બિચારા નિર્દોષ છે અને એ ભોળુડાઓને દુષ્ટ કન્યાઓએ ફસાવ્યા છે!

     હવે એક ક્ષણ એવું માની લઈએ કે ચાલો ફારૂકનો કહેવાનો મતલબ આવો નહોતો. તો બીજો શું મતલબ કાઢી શકાય? બીજો કોઇ મતલબ નીકળે છે ખરો? વિચારો...

    બીજો જે મતલબ નીકળે જ છે અને  અતિ ભયાનક નીકળે  છે! આ બયાનનો બીજો અર્થ એવી સીધી ધમકી છે કે જો સ્ત્રીઓએ નોકરી કરવી હોય, તો પુરૂષોને અડપલાં કરવાં દેવાં પડશે, નોકરી દાતા એ તમારો કૃષ્ણ છે તમારે પોતાને ગોપી સ્વરૂપ સમજીને સમર્પિત થઈ જવાનું છે! (ઓલ્યા બાપ-દીકરો મગજમાંથી જતા નથી એટલે ઉદાહરણ પણ આવાંજ સૂઝેને!)

     અલબત્ત, પછી ફારૂકે માફી માગી લીધી, કઈ રીતે માગી એ પણ બધાએ ગઈકાલે મીડિયામાં જોયું. માફી માગતી વખતે જે બળતરા, તકલીફ, ચીડ, ગુસ્સો દેખાતા હતા એજ સાબત કરતા હતા કે ફારૂક અબ્દુલ્લાએ જે કાંઇ પણ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કર્યું છે એની પાછળનું કારણ માત્ર ’ચોર કી દાઢીમેં તીનકા’ એટલું જ છે!

     સામાન્ય રીતે મીડિયાને મસાલો જોઇતો હોય છે, આપણું મીડિયા અને આપણા પત્રકારો કોઇ પણ સીધાસાદા  સ્ટેટમેન્ટમાંથી મનગમતા અર્થો કાઢીને પોતાનું પેટિયું રળવા માટે કુખ્યાત છે, પણ ફારૂક અબ્દુલ્લાએ તો જે કહ્યું ને મીડિયાએ જે રીતે રજૂ કર્યું એમાં મીડિઆ સાચું હતું એમ મારૂં માનવું છે.

    અંતમાં,

     ફારૂકને એટલી તો ક્રેડિટ આપવી પડશે કે ભલે જે રીતે માગી હોય એ રીતે પણ એણે માફી તો માગી કે પછી માગવી પડી, પણ સ.પા. ના નફ્ફટ શિરોમણી નરેશ અગ્રવાલને તો આજ પ્રકારના નિવેદન પછી એવી જરૂર પણ નથી લાગી!

Thursday, August 15, 2013

કુછાંદસ ’ડુંગળી, આંખ, રોટલો અને પાણી’ એક અધ્યયન...

ડુંગળી, આંખ, રોટલો અને પાણી
-(અ) કવિ અધીર અમદાવાદી                                               


હવે
જયારે જયારે 
હું રોટલા
વિષે વિચારું છું
ત્યારે ત્યારે
ડુંગળી યાદ આવે છે.
ડુંગળી યાદ આવે છે 
એટલે આંખમાં
પાણી આવી જાય છે.
કોણ કહે છે 
ડુંગળી સમારવાથી
આંખમાં પાણી આવે છે?
ડુંગળી સ્મરવાથી પણ
હવે આંખમાં પાણી આવે છે. 

(ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત 'ગરીબ ગામડું' એવોર્ડ વિજેતા કવિતા)


’ગુલાબી કાગડો’ ’રોટલીનું તીરકામઠું’ ’સાયકલનું પંચર સાથે હનીમૂન’ અને ’ભડકે બળે છે વરસાદ’, જેવી ક્રાંતિકારી કવિતાઓ ગુજરાતી સાહિત્યને આપી, ગુજરાતી પ્રજાને કૃત્ય કૃત્ય કરનાર કવિશ્રી અધીર અમદાવાદીએ ટૂંકા ગાળામાં કવિતા(ની પત્તર ખાંડવા) ક્ષેત્રે જે કાઠું કાઢ્યું છે એનાથી ભાવકોની એમની પાસેથી અપેક્ષાઓ પણ વધી જાય એ સ્વાભાવિક છે, એટલે જ્યારે કવિ જ્યારે એમની નવું કુછાંદસ,’ડુંગળી, આંખ, રોટલો અને પાણી..’ લઈને આવ્યા ત્યારે આપણને એક ગુજરાતી તરીકે ખાતરી થાય છે કે મૃત:પ્રાય થઈ રહેલી ગુજરાતી ભાષાનું ભાવિ (એ દિશામાં!) ઉજળું છે. તો આવો માણીએ કુછંદે ચડેલા કવિના આ કુછાંદસને..


સૌ પ્રથમ તો કવિએ એમની કવિતા લખવા માટે જે વિષયની પસંદગી કરી છે એજ કાબિલે દાદ છે. કવિતાના વિષય વસ્તુથીજ પ્રતિપાદિત થઈ જાય છે કે કવિ એક લબ્ધપ્રતિષ્ઠિત (એટલે કે ખાઇબદેલ!) અમદાવાદી છે. કવિતાના શિર્ષકમાં એક સાથે ચાર શબ્દોનું જે સંયોજન કરવામાં આવ્યું છે એમાં પણ કવિનું અમદાવાદી સિદ્ધહસ્તપણું દેખાય છે. ભાવક એકવાર (હિંમત કરીને) વાંચવાની શરૂઆત કરે એટલે કવિતાનું ભાવવિશ્વ ધીમે ધીમે ડુંગળીના પડની માફક ઉઘડતું જાય છે અને ભાવકને (અશ્રુઓમાં) તરબોળ કરતું જાય છે.

કવિતાની પહેલી પંક્તિ છે ’હવે..’ આ હવે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કવિ વિઝનરી છે, ભૂતકાળ સાથે બહુ નિસ્બત રાખતા નથી, હવે શું થવાનું છે એ એના માટે મહત્વનું છે. ’હવે’ શબ્દની સાથે વાચક પણ સ્તબ્ધ થઈને આગળ શું બનવાનું છે એની ઈન્તેજારીમાં સજ્જડબમ થઈ જાય છે એ કવિનું કવિ તરીકેનું સાફલ્ય છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ’વેલ બિગીન ઇઝ હાફ ડન’ પણ અહીં મને કહેવા દો કે કવિએ શિર્ષક પછી માત્ર આ એક શબ્દ ’હવે’ લખીને છોડી દીધું હોત તો પણ કવિતા પૂર્ણ ગણી શકાઇ હોત (અને ગુજરાતી સાહિત્ય અને વાચક પર મોટો ઉપકાર હોત!) અને ’ગરીબ ગામડું’ એવોર્ડ નક્કીજ હતો.

આગળ કવિ લખે છે, “જ્યારે જ્યારે હું રોટલા વિશે વિચારું છું….” વાહ..વાહ..ક્યા બાત હૈ! ઘરમાં ઘણા દિવસ પછી સો ગ્રામ ડુંગળી આવી હોય, આખું ઘર કુંડાળે વળીને એ ડુંગળીને ફરતે બેઠું હોય ને એ ડુંગળીનું પહેલું પડ ખૂલે ને આખું ઘર જે રીતે ડુંગળીના અસ્તિત્વથી સભર રીતે મઘમઘી ઉઠે એ રીતે આ કવિતા અહીંથી ઉઘડે છે! અલબત્ત, કેટલાક વાંકદેખા વિવેચકોએ આ પંક્તિનો આધાર લઈને કવિની ટીકા કરી છે કે અહીં કવિનો અહં દેખાય છે કે  કારણકે અહીં ’હું’ શબ્દ પ્રયોજાયો છે ને એની સાથે ’વિચારું છું’ લખાયું છે એટલે આવું કહીને કવિ અહીં હું વિચારક છું, હું બુદ્ધીશાળી છું એવું પ્રતિપાદિત કરવા માગે છે!

પછીની પંક્તિમાં કવિતાનું હાર્દ છે અને રહસ્યસ્ફોટ થાય છે. કવિ આગળ લખે છે, ’ત્યારે ત્યારે ડુંગળી યાદ આવે છે, ડુંગળી યાદ આવે છે…’ ડુંગળીની યાદ એ પ્રિયતમાની યાદ કરતાં પણ વધારે તીવ્ર અને દર્દભરી હોય એ, માત્ર ગુજરાતી ભાષામાંજ નહીં પણ વિશ્વની કોઇ પણ ભાષામાં પહેલો પ્રયોગ છે અને વિશ્વ સાહિત્ય આ માટે હમેશા કવિનું ઋણી રહેશે. કવિ અહીં ’ડુંગળી યાદ આવે છે “ એ પંક્તિની પુનરુક્તિ કરીને પોતાની (અને વાચકની પણ) પીડાને ઘુંટે છે એ એની બહુ મોટી સિદ્ધી છે.

’એટલે આંખમાં પાણી આવી જાય છે..’ આ પંક્તિની અંદર કવિતાનું લયમાધુર્ય ચરમ પર છે એમ કહી શકાય. અલબત્ત, કેટલાક દુષ્ટ વિવેચકોનું કહેવું છે અહીં પહોંચતા સુધીમાં ભાવકોની પીડા જોઈને કવિની આંખમાં પાણી આવી જાય છે, ખરેખર જો એવું જ હોય તો હું કહીશ કે સલામ છે કવિને અને કવિની સંવેદનાને જે પોતે, પોતાની કવિતાનો અત્યાચાર સહેતા ભાવકની સાથે તાદાત્મ્ય સાધી શકે છે અને એની પીડાની અનુભૂતી કરે છે!

અંત તરફ આવતાં કવિ પ્રશ્ન કરે છે કે “કોણ કહે છે…” ત્યારે આ પંક્તિઓમાં શોર્યરસ દેખાય છે, પડકાર દેખાય છે, ખુમારી દેખાય છે ને દેખાય છે કવિનું સ્વાભિમાન. પણ આગળની પંક્તિ ’ ડુંગળી સમારવાથી આંખમાં પાણી આવે છે’ ’ડુંગળી સ્મરવાથી પણ હવે આંખમાં પાણી આવે છે’ માં અહીં જે રીતે ’સમારવા’ અને ’સ્મરવા’ની શ્લેષની જે ચમત્કૃતિ  સર્જાઈ છે એ આ કવિને સૂરદાસની કક્ષાએ લઈ જઈને મૂકે છે. ભારતીય કવિતાના ઈતિહાસમાં સૂરદાસના “મૈં નહીં માખન ખાયો..” અને “મૈં ને હી માખન ખાયો” પછી આ દિશામાં ખેડાણ તદ્દન બંધ થઈ ગયેલું. કવિએ આ પ્રયોગ દ્વારા સાહિત્યને એક નવી દિશા આપી છે એમ ચોક્કસ કહી શકાય..

ટૂંકમાં આવી મૂલ્યવાન કવિતાને એવોર્ડ ન મળ્યો હોત તો જ નવાઈ લાગત. આ કવિતાનું આર્થિક મૂલ્ય અત્યાર સુધી વિશ્વમાં લખાયેલી તમામ કવિતાઓ કરતાં એટલા માટે વધી  જાય છે કારણ કે પ્રસ્તુત કવિતામાં શિર્ષકથી શરૂ કરીને અંત સુધીમાં પાંચ વખત…હા પૂરા પાંચ વખત ’ડુંગળી’ શબ્દ પ્રયોજાયો છે!

Sunday, June 09, 2013

એ મને પ્રેમ કરે છે

      ગળથૂથી

Good relationship don't just happen. They take time, patience, and two people who truly want to be together!  
       સાચ્ચેજ મગજ બહેર મારી ગયું હતું, વાતજ એવી હતી. કશી સમજણ નહોતી પડતી. ખરેખર આવું હોઇ શકે? આવું કેવી રીતે બનીજ શકે? તો શું એ ખોટું બોલતી હશે? એનો માસૂમ ચહેરો અને એના પરના નિર્મળ હાવભાવ યાદ આવતાં થયું કે ના, ના.. એ ખોટું તો બોલતી જ નથી, ખોટું બોલીને એને એમાં ફાયદો શું? પણ તો પણ એવું તો કઈ રીતે શક્ય છે? ક્યાં ગોવા અને ક્યાં દિલ્હી! ક્યાં એ અને ક્યાં આ! ગજ્જબનો ગુંચવાડો થયો હતો ભેજામાં. એક બાજુથી તર્કની રીતે કોઇ ગડ બેસતી નહોતી એટલે દિમાગ એની વાત માનવાની ના પાડતું હતું ને બીજી બાજુ દિલ કહેતું હતું કે ના એ ખોટું નથી બોલતી!

        ઉંમર આશરે પચ્ચીસની આસપાસ હશે. એનું નામ તેજલ(નામ બદલ્યું છે). ભલે નામ એવા ગુણ નહોતા, પણ કંઇ સાવ નાખી દીધા જેવી પણ નહોતી. મોટાભાગે તો પોતાનામાંજ ખોવાયેલી રહેતી પણ ક્લાસમાં પોતાનાથી મોટી ઉંમરના શિક્ષક ભાઇ બહેનો સામે ટ્રેનર તરીકે ખીલી ઉઠતી. પણ જેવો સાંજે સાડા પાંચે ક્લાસ પૂરો થાય ને બહાર આવે એટલે જાણે પોતાની જાતની સ્વિચ ઓફ કરી દેતી. બે વર્ષ પહેલાં એક એનજીઓ BJS (ભારતીય જૈન સંઘટના) સાથે હું પ્રોજેકટ મેનેજર તરીકે જોડાયેલો હતો ત્યારની આ વાત છે. દર વર્ષે એપ્રિલ-મે માં એ એનજીઓ સાથે જોડાયેલી શાળાના શિક્ષકોની, પુના ખાતે તાલિમ શિબિર થતી ત્યારે BJSના ગુજરાત અને ગોવાના કર્મચારીઓને ટ્રેનર તરીકે પુના બોલાવવામાં આવતા એમાં ગોવાની ટીમમાંથી આ એક તેજલ પણ ખરી. સવારે નવથી સાંજે સાડા પાંચ-છ સુધી ક્લાસ ચાલે. પછી છૂટીને ફ્રેશ થઈ કેમ્પસની બહાર આવેલી કેન્ટીન આગળ બેસીને વડા-પાંઉ અથવા મીસળનો નાસ્તો અને ચા. એક દિવસ અમારા બીજા બધા સહકર્મચારીઓ શહેરમાં ગયેલા ને હું ને તેજલ એકલા બેઠેલા કેન્ટીન પર. મને લાગ્યું કે એ મને કંઇક કહેવા માગે છે પણ મુંઝાય છે. છેવટે પંદર વીસ મીનિટના અંતરાલ પછી એનું મૌન તૂટ્યું અને બોલી:
        “સર, આપ મેરી શાદીમેં આયેંગે ના?”
        “બિલકુલ આઉંગા, અગર તુ બુલાયેગી! લેકિન કબ હૈ તેરી શાદી?” એનું આ રીતે બોલવું મને ગમ્યુ ને મેં તક ઝડપી વાતચીત ને આગળ ચલાવવાની કોશિશ કરી.
        “વો તો અભી તય નહીં હૈ….કુછ સમશ્યા હૈ...”
        “ઐસા ક્યા પ્રોબ્લેમ હૈ? તુ કિસી સે પ્યાર કરતી હૈ ઔર જાતી યા મઝહબ કા પ્રોબ્લેમ હૈ?”
મેં સાવ હવામાં તીર ફેંક્યું, પણ બિલકુલ નિશાન પર લાગ્યું!
        “ઐસા હી સમજો..” એ બોલી. મારી અંદર રહેલો રેશનલ આત્મા ઉછળી આવ્યો અને મને એની વાતમાં વધારે રસ પડ્યો.
        “જરા ખુલકે બતા, મૈં અપની ઔર સે તુમ્હારી જો ભી હો સકે હેલ્પ કરુંગા.”
        એ થોડી શરમાઈ, ને પછી બોલી, “દર અસલ બાત યે હૈ કી હમ લોગ કોંકણી બ્રાહ્મણ હૈ ઔર ઉનકા ધર્મ અલગ હૈ…”
        “તો ક્યા હુઆ? કૌન સે ધર્મ સે હૈ વો?”
        “જી…વો પારસી હૈ.”
        “તો ઇસમેં ભી ક્યા પ્રોબ્લેમ હૈ? અગર તુમ્હારે મમ્મી-પાપા મના કર રહે હૈ ઔર લડકા અચ્છા હૈ તો ભાગ કે શાદી કરલો, વૈસે..વો રહતા કહાં હૈ?”
        “દિલ્હી.”
        “તો તો જ્યાદા અચ્છા હૈ ના, તુ દિલ્હી ચલી જાના..”
        “લેકિન ઉસકી મમ્મી નહીં માન રહી હૈ, વો બહોત બડે પરિવાર સે હૈ ના…”
        “અરે પ્યારમેં છોટા યા બડા કુછ નહીં હોતા, જાતી યા મઝહબ કુછ નહીં હોતા” હું હજુ કહીકતથી અજાણ રેશનાલીઝમ ને સેક્યૂલારીઝમના કેફમાં હતો, “ વૈસે પારસી હૈ યે તો તુને બતાયા તો અબ નામ ભી બતા દે!”
        “ગાંધી સરનેમ હૈ ઉસકી…”
        અચાનક મારા દિમાગમાં પોકરણના અણુવિસ્ફોટ કરતાં પણ મોટો વિસ્ફોટ થયો ને એક સાથે લાખો ટ્યૂબલાઇટ ઝળહળી ઉઠી! અરે બાપરે..! આ છોકરી કોની વાત કરે છે! આવું શક્ય જ કઈ રીતે છે? પછી તો રોજ એ મારી સાથે ખુલીને વાત કરતી ને એની વાતો વિષય રાહુલ ગાંધીજ હોય. રાહુલજી એને પહેલીવાર ક્યાં મળ્યા, પછી બીજી વાર એમની ગોવામાં સભા હતીને એ આગળની હરોળમાં હતીને એને જોઇને રાહુજી કેવા  શરમાઈ ગયાને ભાષણની લાઇન ભૂલી ગયા, ગઈ કાલે એમનો ફોન આવેલો ને એની સાથે અરધી કલાક વાત કરેલી, વગેરે વગેરે. એટલી બધી આત્મવિશ્વાસથી વાત કરે કે સાચી હકીકત મને ખબર હોવા છતાં એક ક્ષણ માટે માની લેવાનું મન થાય! એના અવાજનો રણકો અને એના ચહેરા પરના ભાવ જોઇને કોઇ રીતે ન લાગે એ જુઠ્ઠું બોલે છે, ને કહીકતમાં એ ક્યાં જુઠ્ઠું બોલતી હતી! એતો એક ગંભીર અને વિચિત્ર કહેવાય એવી માનસિક સમશ્યાનો ભોગ બનેલી હતી.
        વર્ષો પહેલાં મેં ડૉ મુકુલ ચોક્સીના પુસ્તક ’આ મન પાચમના મેળામાં’ માં વાંચેલું ખરું ’ઈરોટોમેનિયા’ નામની આ વિચિત્ર માનસિક બિમારી વિશે પણ તેજલ એ પ્રત્યક્ષ રીતે મારા પરિચયમાં આવેલ એનું પહેલું દર્દી. માત્ર યુવાન સ્ત્રીઓમાં અને જવલ્લે જ જોવા મળતી ’ઈરોટોમેનિયા’એ અજીબ કિસમની માનસિક બિમારી છે. સામાન્ય રીતે એવી યુવતીઓ આ બિમારીનો ભોગ બનેલી જોવા મળે છે જેને પોતાના સ્વજનો તરફથી પ્રેમ નથી મળ્યો હોતો. માતા-પિતા કે પછી સમવસ્કો દ્વારા સતત અવગણના થવાને કારણે એ વ્યક્તિ એવું માનતી થઈ જાય છે કે પોતે કોઇના પ્રેમને લાયક જ નથી, પણ એવા સમયે એનું અજાગ્રત મન બળવો પોકારી ઉઠે છે અને ગાઈ વગાડીને દુનિયાને કહેવા લાગે છે કે ’કોણે કહ્યું કે હું કોઇના પ્રેમને લાયક નથી? જુઓ ફલાણી સેલીબ્રેટી મને પ્રેમ કરે છે!
        યાદ છે, ૨૦૦૭માં અભિષેક બચ્ચનના લગ્ન વખતે જાહ્નવી કપૂર નામની મોડૅલે મીડિયામાં મચાવેલું તોફાન? અભિષેક એને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરેલ છે એવા કંઇક આક્ષેપ કરેલા એટલું જ નહીં પણ ’પ્રતિક્ષા’ની બહાર બ્લેડથી પોતાની ધોરી નસ કાપીને આત્મહત્યાની કોશિશ પણ કરેલી. અહીં આ વાત વાંચીને કેટલાક લોકોને પરવીન બાબીએ અભિષેકના પપ્પા પર લગાવેલા આક્ષેપ પણ યાદ આવી શકે છે, પણ એ વળી અલગ પ્રકારની ’સ્ક્રીઝોફેનિયા’ નામની બિમારીનો ભોગ બનેલી હતી. હોલિવૂડની જુડી ફોસ્ટર નામની અભિનેત્રી પણ ’ઈરોટોમેનિયા’નો ભોગ બનેલી ને રોનાલ્ડ રિગન એના પ્રેમમાં હોવાનો દાવો કર્યાનું ક્યાંક વાંચ્યાનું યાદ છે.

        તેજલ પાસેથી જેટલા દિવસ અમે પુનામાં સાથે રહ્યા એટલા દિવસ રોજેરોજ રાહુલજી સાથે એણે કરેલી વાતો સાંભળવા મળતી, બીજા સાથીદારો પાછળથી એની મઝાક કરતાને કટાક્ષ કરતા. પણ હું સત્ય જાણતો હતો એટલેજ ભલે તેજલ સાચી નહોતી છતાં એ જુઠ્ઠી છે એમ પણ હું નહોતો માનતો. આજે એ ગોવામાં છે અને મને આશા છે કે એ ફરી પાછી વાસ્તવિક દુનિયામાં આવી ગઈ હશે.

ગંગાજળ:
જે યુવતી કોઇ સેલીબ્રેટીની ’ફેન’ હશે એ એમ કહેશે કે ’એ વ્યક્તિ મને બહુ ગમે છે.’ પણ એ જો ’ઈરોટોમેનિક’ હશે તો એમ કહેશે કે ’હું એને ગમું છું’!

Monday, April 15, 2013

દરેક માતાનો યક્ષ પ્રશ્ન: ’બાળક જમતું નથી’.


          ગળથૂથી:
થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો. પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!


         આ રોજનો ક્રમ. એકદમ નિયમિત રીતે અને એમજ ચાલે બધું એમાં કોઇ ફેરફાર ન હોય. સાંજના સાડાસાત થી આઠની વચ્ચે આશરે ચાર સાડાચાર વર્ષનો પિન્ટુ (નામ બદલ્યું છે) પોતાની ટ્રાઈસિકલ ચલાવતો નીકળે. બાજુમાં એનાં મમ્મી ચાલતાં હોય જે સાથે ચાલતાં દાદીના હાથમાં રહેલી થાળીમાંથી ઘી ને ખીચડી કે પછી રોટલીને શાકનો કોળિયો લઈને પિન્ટુના મોંમાં મૂકે ને પછી કેટલીયે અરજીઓ કરે ત્યારે પિન્ટુભાઇ ઉપકાર કરતા હોય એમ પોતે જાતેજ ચાવીને પેટમાં ઉતારે! વચ્ચે ક્યારેક પાણી પીવું હોય તો એનાથી બે વર્ષ મોટી બહેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને આ સેનામાં જોડાયેલી જ છે ને હા, વચ્ચે જો કાંઇ ખૂટે તો દોડીને ઘરેથી લઈ આવવા માટે પપ્પા પણ સાથેજ છે!

            છએક વર્ષ પહેલાં રાજકોટની બાજુના એક શહેરમાં થોડા સમય માટે રહેવાનું થયું ત્યારે અમે જે કેમ્પસમાં રહેતા હતા ત્યાં રોજ સાંજે આ અફલાતૂન દ્રશ્ય જોવા મળતું! આખું લાવલશ્કર અરધા એકરમાં ફેલાયેલા કેમ્પસમાં ચારપાંચ આંટા મારી લે ત્યારે પિન્ટુભાઇનું જમવાનું પતે. આ વાતમાં જરીકે અતિશયોક્તિ નથી કારણકે રોજ સાંજે નજર સામે અનેકવાર જોયું છે એટલે એવું તો દિમાગમાં છપાઈ ગયું છે કે આજે પણ આ લખતી વખતે યાદ કરું છું ત્યારે એ આખી ઘટના ચિત્રપટની જેમ નજર સામે દેખાય છે. આ તો એક ઘટના છે પણ આના જેવું દેખાતું કોઇને કોઇ દ્રશ્ય દરેક નાના બાળક વાળા ઘરમાં ભજવાતું હોય છે,  અરે, મારા પોતાના ઘરમાં પણ જોયું છે! એક મિત્રના દીકરાને જમાડવા માટે રોજ શેરીમાંથી બકરું કે કૂતરું પકડીને લઈ આવવું પડતું ને પછી એની સાથે રમતાં રમતાં કે પછી એના પર બેસીને બાળારાજા જમે તો વળી એક મિત્રના બાળકને જમાડવા માટે તો થાળી તૈયાર કરી ઘરથી બે કિલોમીટર દૂર મહિલા કોલેજ સર્કલ લઈને જઈએ ત્યારે ત્યાં આવતાં જતાં વાહનોને જોતાં જોતાં જમે. આ બધા તો એક્સ્ટ્રીમ કિસ્સા છે પણ જે ઘરમાં ચારપાંચ વર્ષનું બાળક હશે એ બધાને અનુભવ હશે કે એને જમાડવા માટે કંઇને કંઈ નાટકબાજી કરવીજ પડે છે. ભાગ્યેજ કોઇ માબાપ હશે એણે ડૉક્ટરને એમ નહીં કહ્યું હોય કે સાહેબ આને ભૂખ લાગે એવી કોઇ દવા લખી આપો!

            આવું કેમ બનતું હશે? બાળકને ખરેખર ભૂખ નહીં લાગતી હોય? અને ભૂખ ન લાગે અને પૂરતું ન જમે તો શરીરને પોષણ કરી રીતે મળે એ દરેક માબાપની સ્વાભાવિક ચિંતા છે અને આ ચિંતામાં દરેક પેરન્ટ એક બહુજ મહત્વની વાતને નજરઅંદાજ કરી જાય છે કે બાળકનો વિકાસ એકદમ સામાન્ય રીતે થઈ રહ્યો છે. ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં બરાબર છે, વજન એકદમ પરફેક્ટ છે, એની સ્ફૂર્તિ કે દોડાદોડી કે પછી રોજીંદી ધમાલમાં કોઇ ઓટ નથી આવી.
           
ગુજરાતના પ્રસિદ્ધ બાળરોગ નિષ્ણાત, લેખક અને માનવતાવાદી ડૉક્ટર, ડૉ. આઇ. કે વીજળીવાળાએ બહુજ તર્કબદ્ધ અને સરળ રીતે આ બાબતને સમજાવવાની કોશિશ કરી છે. ડૉ. વીજળીવાળા કહે છે, “જન્મ પછી એક વરસની ઉંમર સુધીમાં બાળકનું વજન ત્રણ ગણું વધે છે. એટલે લગભગ એક થી સવા વરસ સુધી એને બરાબર ભૂખ લાગે છે. જન્મ વખતે ત્રણ કિલોનું બાળક એક સવા વરસની ઉંમર સુધીમાં લગભગ ૧૦ થી ૧૧ કિલોનું થઈ જાય છે. આમ કુલ ૭ થી ૮ કિલો વજન એક જ વરસમાં વધે છે. ત્યાર પછી પાંચ વરસની ઉંમર સુધીમાં (પાંચ વરસમાં એનું વજન ફક્ત ૫ કિલો જેટલું જ વધે છે. એનો અર્થ એ કે પ્રથમ વરસની સરખામણીમાં પાંચમા ભાગ જેટલું જ વધે છે. એટલે સ્વાભાવિક રીતે જ એટલી ઓછી ભૂખ લાગવાની! ઝડપી વિકાસનો પ્રથમ તબક્કો પૂરો થયો હોવાથી વધારે કૅલરી શક્તિરૂપે જમા કરવાની જરૂર હોતી નથી. જેથી બાળકનું શરીર જ ખોરાકની જરૂરિયાત ઘટાડી દે છે. પરિણામ સ્વરૂપે બાળક  ઓછું જમે છે.”
           
            ડૉ. વીજળીવાળાએ બાળકોને જમાડવા અંગે કેટલીક ટીપ્સ પણ આપી છે જે ખરેખર સમજવા જેવી છે,
§  જમવા માટે બળજબરી ન કરવી, આગ્રહ કરવો પણ દુરાગ્રહ ક્યારેય ન કરવો.
§  ક્યારેક સાંજે બાળક જમ્યા વિના સૂઈ જાય તો એને જગાડીને ન ખવડાવો, એના શરીરને જે જરૂરી હતું એ બાળકે આપ્યું છે. ઊંઘની જરૂર હતી  ખાવાની નહીં, તેથી સૂઈ ગયું.
§  બીજાની હાજરીમાં ક્યારેય, ’અમારું બાળક જમતું નથી’ એવી ચર્ચા ન કરવી. આનાથી બાળકને ’ન જમવાથી’ પોતાનું મહત્વ વધતું હોય એવું લાગે છે અને એના લીધે એ સાચી ભૂખ લાગશે તો પણ વ્યક્ત નહીં કરે!
§  એને ન ભાવતું ખવડાવવાનો ક્યારેય દુરાગ્રહ ના કરો, કોઇ શાકના હજાર ગુણ હોય તો પણ એને ન ભાવે તો પરાણે ન ખવડાવો.
§  બાળકની જમવાની થાળી કે ડીશ, મોટાંની થાળી જેવડી જ રાખો.
§  થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો. પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!


            આ અને આવી ઘણી બધી જાણકારી ડૉ. વીજળીવાળાએ એ પોતાના પુસ્તક ’બાળ આરોગ્યશાત્ર’નાં ’જમવાથી દૂર ભાગતાં બાળકો’ આ પ્રકરણમાં આપી છે. તબીબીશાત્ર અંગે જરૂરી જ્ઞાન અને માહિતી સરળ ભાષામાં આપતાં પુસ્તકોનો ગુજરાતી ભાષામાં દુષ્કાળ છે એમાંયે બાળ આરોગ્યના ક્ષેત્રે તો ખાસ. એટલે ડૉ. વીજળીવાળાએ ૨૦૦૩માં એકદમ રસાળ શૈલીમાં આ પુસ્તક ગુજરાતની જનતા સામે મૂકીને બહુ મોટો ઉપકાર કર્યો છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રસૂતી પૂર્વેની સંભાળથી લઈને બાળક મોટું થઈ જાય ત્યાં સુધીમાં એને થતી તકલીફો, બિમારીઓ અને અકસ્માતો અંગે સાડાત્રણસો પાનાનાં આ પુસ્તકમાં ખૂબજ સરળ અને રસાળ શૈલીમાં માહિતી આપવામાં આવી છે જે દરેક બાળકના માબાપને માટે આ પુસ્તકને ભગવદ્‌ગીતા, કુરાન કે બાઈબલ કરતાં વધારે ઉપયોગી સાબિત કરે છે.


ગંગાજળ:
ભવિષ્યમા કદાચ પ્રકાશવર્ષ કરતાં વધારે ગતિ ધરાવતું વાહન શોધાઈ જશે, બીજા કોઇ ગ્રહ પર જીવન શોધાઈ જશે, કદાચ અમરત્વ બક્ષે એવી કોઇ દવા શોધાઈ જશે પણ તમે એવી કોઇ માતાને નહીં શોધી શકો જેના મોઢેથી આ સંવાદ સાંભળવા મળે કે,”મારું બાળક પેટ ભરીને જમે છે…” !!!

Tuesday, March 12, 2013

’મસ્તી કી પાઠશાલા’-નવાનદીસર પ્રાથમિક શાળા.


ગળથૂથી

"ગધેડાના બચ્ચાંને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઇએ કે સિંહની ભાષામાં, તો એ શું કહેશે? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં". -વિનોબા ભાવે.

સમરહીલ સ્કૂલ કેમ્પસ

          ’ભાર વિનાનું ભણતરએટલે શુંઓછા વજન વાળી સ્કૂલ બેગ? કે પછી પરીક્ષાનું ભારણ હોવું ? જ્યાં સફળતાનો માપદંડ કાગળ પર છપાયેલા નિર્જીવ આંકડા ના હોય પણ સફળતાની વ્યાખ્યા બાળકો પોતે નિર્ધારીત કરતાં હોય એવી કોઇ સ્કૂલ વિશે સાંભળ્યું છે? જ્યાં બાળકને પોતાની મરજી હોય ત્યાં સુધી રમવું અને જ્યારે સામેથી ભણવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારેજ એને ભણાવવામાં આવે, એવી સ્કૂલ સંભવ છે? હા, ઈંગ્લેન્ડમાં એક એવી સ્કૂલ છે જ્યાં બાળકો પર બિલકુલ શિસ્તનું ભારણ નથી, જ્યાં નિયમો બાળકો પોતેજ બનાવે છે અને નિયમો તોડનારને શું દંડ કરવો જોઇએ પણ બાળકો નક્કી કરે છે અને સ્કૂલ એટલે .એસ નીલ દ્વારા સ્થપાયેલી સમરહિલ સ્કૂલ. સમરહિલ સ્કૂલીંગનો એક એવો નિરાળો વિચાર છે જેમાં બાળકે સ્કૂલના ઢાંચામાં નથી ઢળવાનું પણ સ્કૂલે બાળકને અનુકૂળ થવાનું હોય છે! બાળકોએ વર્ગમાં આવવું ફરજિયાત નથી અને બાળક પોતાની મરજી મુજબ જે કરવું હોય કરવા માટે સ્વતંત્ર છે.એસ.નીલ માનતા કે જ્યારે બધાજ પૂર્વગ્રહો બાજુ પર રાખીને બાળકને ભણાવવામાં આવે છે ત્યારે બાળક વધુ સરળતાથી શીખી શકે છે. મનોવિજ્ઞાનનો સીધો સાદો નિયમ છે કે જો મનગમતું કામ પણ જવાબદારી તરીકે લાદવામાં આવે તો બોજારૂપ લાગે છે. સમાજમાં કોઇ પણ વ્યક્તિ જ્યારે પરંપરાથી હટીને કોઇ નવો વિચાર રમતો મૂકે છે ત્યારે શરૂઆતમાં એને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડે છે, એમજ .એસ.નીલને પણ ૧૯૨૧માં પોતાના શિક્ષણ અને બાળઉછેર અંગેના ક્રાંતિકારી વિચારોને મૂર્તિમંત કરવા માટે જ્યારે પહેલ વહેલી જર્મનીમાં સમરહિલ સ્કૂલની સ્થાપના કરી ત્યારે સ્વાભાવિક રીતે પડકારોનો સામનો કરવો પડ્યો અને થોડા મહિનામાંજ ઑસ્ટ્રિયા શિફ્ટ થવું પડ્યું, પછી ત્યાં પણ ઠરીઠામ ના થઈ શક્યા અને ૧૯૨૩માં ઈન્ગ્લેન્ડમાં સ્કૂલ ચાલુ કરી. ઈન્ગ્લેન્ડમાં પણ પડકારો આવ્યા અને પણ એટલે સુધી કે સરકારે સ્કૂલ બંધ કરાવી દેવાની કોશિશ કરી, પણ .એસ. નીલ હિંમત હાર્યા વિના પોતાના ક્રાંતિકારી વિચારોને વળગી રહ્યા, પરિણામ આવ્યું આજે વિશ્વમાં ઘણા દેશોમાં સમરહિલની ધૂંધળી ઝેરોક્સ જેવી સ્કૂલો ફૂટી નીકળી. આપણા દેશમાં પણ કેટલીક સ્કૂલોએ સમરહિલના રસ્તે ચાલવાની કોશિશ કરી છે, ખાસ કરીને ખાનગી સ્કૂલોએ.

A.S.Neill
            પણ કોઇ સરકારી શાળામાં પરંપરા અને નિયમોને કોરાણે મૂકીને કોઇ નવા અને અનોખા પ્રયોગ થતા હોય એવું શક્ય છે? આજે અહીં આપણે ગુજરાતની એક એવી શાળા અને એવા શિક્ષકોની વાત કરવી છે જ્યાં શિક્ષણકાર્ય ફરજના ભાગરૂપે નથી થતું પણ એક સામાજિક ઉત્થાનના હેતુથી યજ્ઞની જેમ થાય છે અને યજ્ઞને સફળ બનાવવા માટે ઘણી બધી રૂઢિ અને પરંપરાને તોડી નંખાઈ છે.

            “અમે કશું નવું નથી કર્યું પણ શાળાના એવા કેટલાક નિયમો, જે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને નહોતા ગમતા દૂર કર્યા અને વિદ્યાર્થીઓને સ્વતંત્રતા આપી, જેમ કે ગમે ત્યાં અને ગમે તે રીતે બેસવું, ગમે ત્યારે વાંચવું લખવું, શાળામાં જોર જોરથી હસવું, ગાવું, ઓરડાને બદલે ખુલ્લા આકાશ નીચે જઈને ભણવું વગેરેઅમારી સ્કૂલની બાજુમાં નદી અને કોતરો છે, હવે શાળાના બાળકો ત્યાં રમવા ગયા હોય ત્યાંથી પકડી લાવું અને ઓરડામાં પૂરીને પછી એમને કહું કે ચાલો આપણે આજે નદી વિશેનો પાઠ શીખવાનો છે, પર્યાવરણ ચોપડીમાં પાના નંબર ફલાણા ફલાણા ખોલોકેટલા બાળકોને રસ પડશે?” આદિવાસી વિસ્તાર પંચમહાલમાં ગોધરાથી ૩૦ કિલોમીટર દૂર આવેલી એક ખોબા જેવડા ગામની શાળા નવાનદીસરના શિક્ષક રાકેશ પટેલ જ્યારે રીતે વાતની શરૂઆત કરે છે ત્યારે મને જાણે હું કોઇ બીજી દુનિયામાંથી આવેલા શિક્ષકની સાથે વાત કરતો હોઉં એવી લાગણી થાય છે! રાકેશ પટેલ પોતાની શાળા વિશે બહુજ ભાવપૂર્વક વાત આગળ ચલાવે છે અને હું એમની વાતોમાં ખોવાઇને મારી પ્રાથમિક શાળામાં પહોંચી જાઉં છું! મને લાગે છે કે આતો મારીજ વાત કરે છે! કદાચ ઘણા વિદ્યાર્થીઓને મારી જેમ એવું લાગતું હશે કે શીખવા માટે અમુક સમયથી અમુક સમય સુધી એક ઓરડામાં શા માટે પૂરાઈ રહેવું પડે? અમુક રીતે બેસવાનું એવું શા માટે? અમુક રીતેજ બોલાય એવું કેમ?

            પીટીસી પૂરું કર્યા પછી જ્યારે પોતાના ગામ નજીકના ગામમાં પહેલવેલી નિમણૂક થઈ ત્યારે રાકેશ પટેલને પોતાના બધાં સ્વપ્ન સાકાર થતાં લાગ્યાં. તાલીમનાં બે વર્ષ દરમિયાન મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓમાં રેડી દેવાનો ઉત્સાહ ઉછાળા મારતો હતો, પણ શાળામાં પહેલા દિવસેજ જે વાતાવરણ જોયું એનાથી મોતિયા મરી ગયાં! વિદ્યાર્થીઓ સાવ મેલાઘેલા, કપડાં ફાટેલા તૂટેલાં, નાક વહેતાં હોય, મરજી પડે ત્યારે શાળાએ આવે અને મરજી પડે ત્યારે પાછાં ઘરે! પાઠ્યપુસ્તક ખોલીને કૃષ્ણ અને સુદામાનો પાઠ ભણાવવાની શરૂઆત કરી તો બાળકો મોઢાં વકાસીને જોયા કરે! ચાલો, પાઠમાં રસ ના પડ્યો તો હવે ગવડાવું એતો ગમશેજ, પણ ગવડાવવાની શરૂઆત કરી તો એક પણ બાળક ઝીલી ના શકેએકજ દિવસમાં બે વર્ષની તાલીમનો બધો કેફ ઉતરી ગયો અને સાંજ સુધીમા તો નક્કી કરી પણ લીધું કે અહીં નોકરી આપણાથી નહીં કરી શકાય. ઘરે આવી, દાદીમા જે નિવૃત શિક્ષિકા હતાં અને સવારે ઉત્સાહથી જેને પગે લાગીને શાળાએ પ્રસ્થાન કરેલું એમને નિર્ણય જણાવી દીધો કે હું કાલથી શાળાએ નહીં જાઉં અને રાજીનામું આપું છું. દાદીનું અનુભવી મન સમજી ગયું, હકીકતનો અંદાજ આવી ગયો. કંઇજ કહ્યું, કોઇ શિખામણ આપી કે સમજાવવાની કોશિશ કરી, બસ એટલું કહ્યું, “દીકરા તારી મરજી, પણ મારી કે વાત માન, આવતી કાલે ખાલી એક દિવસ સ્કૂલે જજે અને બાળકોને ખાલી એટલું પૂછજે કે કેટલાં બાળકો ન્હાઈને આવ્યાં છે?”  દાદીમાંનું માન રાખવા રાકેશભાઇ બીજા દિવસે સ્કૂલે ગયા અને કેટલાં બાળકો ન્હાઈને આવ્યાં છે જાણવાની કોશિશ કરી, બસ એમાંથી બાળકોના મન અને ઘરની પરિસ્થિતિ સુધી પહોંચી ગયા, જે કાંઇ જોયું, જાણ્યું અને સમજ્યું એનાથી હચમચી ગયા! મહીસાગર પર ડેમ બનાવતી વખતે જે ગામો ડૂબમાં ગયાં એના વિસ્થાપિતોને અહીં ફરીથી વસાવેલા એટલે ગામનું નામ નવાનદીસર. ગામલોકો કારમી ગરીબીમાં અને મજૂરી એકમાત્ર વિકલ્પ, રોજ ઊઠીને પેટનો ખાડો પૂરવાની જદ્દોજેહદ. મોટાં મજૂરીએ જાય ત્યારે બે ટંકનું પેટ જોગું માંડ થાય અને મા-બાપ મજૂરીએ જાય એટલે મોટાં બાળકો શાળા છોડીને ઘરે નાનકડાંને સાંચવવા રહેવું પડે. ક્યારેક મજૂરી માટે આખા પરિવારે દૂરના વિસ્તારો સુધી સ્થળાંતર પણ કરવું પડે ત્યારે મહિનાઓ સુધી શાળાને ભૂલી જવી પડે. આવી સ્થિતિમાં શિક્ષણના પરંપરાગત ખ્યાલો, નિયમો અને સિદ્ધાંતો ક્યાંથી કામ કરે? ધીમે ધીમે સંજોગો અનુસાર નવી કેડી કંડારતા ગયા ને આજે એવી સ્થિતિ આવીને ઊભી છે કે નવાનદીસર  ગુજરાતની એક ઉદાહરણરૂપ શાળા બની ગઈ છે. શાળામાં શિક્ષણ કરતાં વિશેષ નાગરિક ઘડતર પર ધ્યાન દેવામાં આવે છે. આજે આખી શાળાનું સંચાલન સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના હાથમાં છે. શાળામાં રાષ્ટ્રિય તહેવારો ઉપરાંત સામાજિક તહેવારોની ઉજવણી તો થાય છે ઉપરાંત મહાપુરુષોના જન્મદિવસ ઊજવાય છે અને તમામ ઊજવણીનું આયોજન માત્ર બાળકોજ કરે છે. બાળકો નાટકો લખે છે ડિરેક્ટ કરે છે અને ભજવે પણ છે અને રીતે પાઠયપુસ્તકોમાંનું ભણતર પાત્રોને જીવંત કરીને શીખે છેશિક્ષકો માત્ર નિરીક્ષકોના રોલમાં છે. વિદ્યાર્થીઓની સંસદ ચાલે છે, નિયમિત રીતે ચૂંટણી થાય છે અને યોગ્ય નેતાની પસંદગી થાય છે. બાળકો ભણતરની સાથે સાથે લોકશાહીના પાઠ પણ ભણે છે.

            શરૂઆતમાં ગામલોકોની થોડીઘણી કનડગત ખરી. ક્યારેક કંઈક ચોરી જાય કે વૃક્ષોને નુકશાન પહોંચાડે એવું એવું. પણ ગ્રામજનોએ જ્યારે જોયું કે શિક્ષકો એમના ભલા માટેજ કામ કરે છે ત્યારે અહોભાવ જાગવા લાગ્યો અને થયું કે આપણે શાળા માટે બીજું કાંઇ કરી શકીએ એમ તો નથી પણ નડીએ નહીં પણ એક મોટી સેવા ગણાશે!
           
            “અમારી શાળામાં અમે જે નવા પ્રયોગો કર્યા એની સઘળી સફળતાનું શ્રેય અમારા આચાર્ય ગોપાલભાઇ અને અન્ય શિક્ષકોને જાય છે..” રાકેશ પટેલ વિનમ્રતાથી અને ભાવથી પોતાના સાથી શિક્ષકોને યાદ કરે છે, “ અમારા સદ્નસીબે અમારી શાળામાં અત્યારે જે આઠ શિક્ષકો છે બધાજ ખૂબજ ઉત્સાહી છે અને એટલે સુધી કે બીજી શાળાઓને પણ મીઠી ઈર્ષા થાય છે કે તમારે ત્યાંજ કેમ બધા ઉત્સાહી શિક્ષકો આવે છે!”
માતા પ્રકૃતિના ખોળે પર્યાવરણા પાઠ

            એટલી બધી વૈવિધ્યસભર અને નવી પ્રવૃત્તિઓ થતી રહે છે કે દરેક વિશે અહીં એક એક વાક્ય લખાય તો પણ મહાનિબંધ થાય! શાળા વિશે અને એમાં ચાલતી ગતિવિધિ વિશે તમારે વિગતવાર જાણવું હોય તો તમારે એના બ્લોગ http://nvndsr.blogspot.in/ ની મુલાકાત લેવી રહી, અને હા, અહીં પણ કહેવું જરૂરી છે કે નવાનદીસર ગુજરાતની પહેલવેલી શાળા છે જેણે બ્લોગ શરૂ કર્યો હોય. શાળાનું એક મુખપત્ર પણ નીકળે છે જેનું નામ છેબાયૉસ્કોપ’. જેમને શિક્ષણમાં રસ છે, જેમને દેશના ઉજ્જ્વળ ભાવિમાં રસ છે અથવા જેમના બાળકો પ્રાથમિક શાળામાં ભણે છે એવા તમામ લોકો બ્લોગની એકવાર મુલાકાત લેવીજ રહી.

            સામાન્ય રીતે આવા દૂરના છેવાડાના વિસ્તારમાં કામચોર શિક્ષકને સજારૂપે મોકલાતા હોય છે, કારણ કે શહેરની સુખસુવિધા અને મનોરંજન અહીંથી જોજનો દૂર છે, અહીં છે માત્ર ભલાભોળાં અને રોજ જીવતા રહેવાની જહેમત કરતા માનવી. આવા વિસ્તારમાં રહીને પણ શિક્ષકોએ જે કામગીરી કરી છે અને કરી રહ્યા છે જોતાં ચોક્કસપણે એમ કહી શકાય કે દિલ્હીમાં બેઠેલા લોકો કરતાં ક્યાંય સારી રીતે લોકો રાષ્ટ્રનિર્માણનું કામ કરી રહ્યા છે!
રાષ્ટ્રિય તહેવારની ઉજવણી - આયોજન બાળકોનું.


ગંગાજળ:
“જે મા-બાપને માટે પોતાના સંતાનની સફળતા કરતાં એની ખુશી વધારે મહત્વની હોય એના માટેજ આ શિક્ષણપદ્ધતિ છે.” –સમરહિલની પ્રસ્તાવનામાંથી.