Monday, April 15, 2013

દરેક માતાનો યક્ષ પ્રશ્ન: ’બાળક જમતું નથી’.


          ગળથૂથી:
થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો. પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!


         આ રોજનો ક્રમ. એકદમ નિયમિત રીતે અને એમજ ચાલે બધું એમાં કોઇ ફેરફાર ન હોય. સાંજના સાડાસાત થી આઠની વચ્ચે આશરે ચાર સાડાચાર વર્ષનો પિન્ટુ (નામ બદલ્યું છે) પોતાની ટ્રાઈસિકલ ચલાવતો નીકળે. બાજુમાં એનાં મમ્મી ચાલતાં હોય જે સાથે ચાલતાં દાદીના હાથમાં રહેલી થાળીમાંથી ઘી ને ખીચડી કે પછી રોટલીને શાકનો કોળિયો લઈને પિન્ટુના મોંમાં મૂકે ને પછી કેટલીયે અરજીઓ કરે ત્યારે પિન્ટુભાઇ ઉપકાર કરતા હોય એમ પોતે જાતેજ ચાવીને પેટમાં ઉતારે! વચ્ચે ક્યારેક પાણી પીવું હોય તો એનાથી બે વર્ષ મોટી બહેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને આ સેનામાં જોડાયેલી જ છે ને હા, વચ્ચે જો કાંઇ ખૂટે તો દોડીને ઘરેથી લઈ આવવા માટે પપ્પા પણ સાથેજ છે!

            છએક વર્ષ પહેલાં રાજકોટની બાજુના એક શહેરમાં થોડા સમય માટે રહેવાનું થયું ત્યારે અમે જે કેમ્પસમાં રહેતા હતા ત્યાં રોજ સાંજે આ અફલાતૂન દ્રશ્ય જોવા મળતું! આખું લાવલશ્કર અરધા એકરમાં ફેલાયેલા કેમ્પસમાં ચારપાંચ આંટા મારી લે ત્યારે પિન્ટુભાઇનું જમવાનું પતે. આ વાતમાં જરીકે અતિશયોક્તિ નથી કારણકે રોજ સાંજે નજર સામે અનેકવાર જોયું છે એટલે એવું તો દિમાગમાં છપાઈ ગયું છે કે આજે પણ આ લખતી વખતે યાદ કરું છું ત્યારે એ આખી ઘટના ચિત્રપટની જેમ નજર સામે દેખાય છે. આ તો એક ઘટના છે પણ આના જેવું દેખાતું કોઇને કોઇ દ્રશ્ય દરેક નાના બાળક વાળા ઘરમાં ભજવાતું હોય છે,  અરે, મારા પોતાના ઘરમાં પણ જોયું છે! એક મિત્રના દીકરાને જમાડવા માટે રોજ શેરીમાંથી બકરું કે કૂતરું પકડીને લઈ આવવું પડતું ને પછી એની સાથે રમતાં રમતાં કે પછી એના પર બેસીને બાળારાજા જમે તો વળી એક મિત્રના બાળકને જમાડવા માટે તો થાળી તૈયાર કરી ઘરથી બે કિલોમીટર દૂર મહિલા કોલેજ સર્કલ લઈને જઈએ ત્યારે ત્યાં આવતાં જતાં વાહનોને જોતાં જોતાં જમે. આ બધા તો એક્સ્ટ્રીમ કિસ્સા છે પણ જે ઘરમાં ચારપાંચ વર્ષનું બાળક હશે એ બધાને અનુભવ હશે કે એને જમાડવા માટે કંઇને કંઈ નાટકબાજી કરવીજ પડે છે. ભાગ્યેજ કોઇ માબાપ હશે એણે ડૉક્ટરને એમ નહીં કહ્યું હોય કે સાહેબ આને ભૂખ લાગે એવી કોઇ દવા લખી આપો!

            આવું કેમ બનતું હશે? બાળકને ખરેખર ભૂખ નહીં લાગતી હોય? અને ભૂખ ન લાગે અને પૂરતું ન જમે તો શરીરને પોષણ કરી રીતે મળે એ દરેક માબાપની સ્વાભાવિક ચિંતા છે અને આ ચિંતામાં દરેક પેરન્ટ એક બહુજ મહત્વની વાતને નજરઅંદાજ કરી જાય છે કે બાળકનો વિકાસ એકદમ સામાન્ય રીતે થઈ રહ્યો છે. ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં બરાબર છે, વજન એકદમ પરફેક્ટ છે, એની સ્ફૂર્તિ કે દોડાદોડી કે પછી રોજીંદી ધમાલમાં કોઇ ઓટ નથી આવી.
           
ગુજરાતના પ્રસિદ્ધ બાળરોગ નિષ્ણાત, લેખક અને માનવતાવાદી ડૉક્ટર, ડૉ. આઇ. કે વીજળીવાળાએ બહુજ તર્કબદ્ધ અને સરળ રીતે આ બાબતને સમજાવવાની કોશિશ કરી છે. ડૉ. વીજળીવાળા કહે છે, “જન્મ પછી એક વરસની ઉંમર સુધીમાં બાળકનું વજન ત્રણ ગણું વધે છે. એટલે લગભગ એક થી સવા વરસ સુધી એને બરાબર ભૂખ લાગે છે. જન્મ વખતે ત્રણ કિલોનું બાળક એક સવા વરસની ઉંમર સુધીમાં લગભગ ૧૦ થી ૧૧ કિલોનું થઈ જાય છે. આમ કુલ ૭ થી ૮ કિલો વજન એક જ વરસમાં વધે છે. ત્યાર પછી પાંચ વરસની ઉંમર સુધીમાં (પાંચ વરસમાં એનું વજન ફક્ત ૫ કિલો જેટલું જ વધે છે. એનો અર્થ એ કે પ્રથમ વરસની સરખામણીમાં પાંચમા ભાગ જેટલું જ વધે છે. એટલે સ્વાભાવિક રીતે જ એટલી ઓછી ભૂખ લાગવાની! ઝડપી વિકાસનો પ્રથમ તબક્કો પૂરો થયો હોવાથી વધારે કૅલરી શક્તિરૂપે જમા કરવાની જરૂર હોતી નથી. જેથી બાળકનું શરીર જ ખોરાકની જરૂરિયાત ઘટાડી દે છે. પરિણામ સ્વરૂપે બાળક  ઓછું જમે છે.”
           
            ડૉ. વીજળીવાળાએ બાળકોને જમાડવા અંગે કેટલીક ટીપ્સ પણ આપી છે જે ખરેખર સમજવા જેવી છે,
§  જમવા માટે બળજબરી ન કરવી, આગ્રહ કરવો પણ દુરાગ્રહ ક્યારેય ન કરવો.
§  ક્યારેક સાંજે બાળક જમ્યા વિના સૂઈ જાય તો એને જગાડીને ન ખવડાવો, એના શરીરને જે જરૂરી હતું એ બાળકે આપ્યું છે. ઊંઘની જરૂર હતી  ખાવાની નહીં, તેથી સૂઈ ગયું.
§  બીજાની હાજરીમાં ક્યારેય, ’અમારું બાળક જમતું નથી’ એવી ચર્ચા ન કરવી. આનાથી બાળકને ’ન જમવાથી’ પોતાનું મહત્વ વધતું હોય એવું લાગે છે અને એના લીધે એ સાચી ભૂખ લાગશે તો પણ વ્યક્ત નહીં કરે!
§  એને ન ભાવતું ખવડાવવાનો ક્યારેય દુરાગ્રહ ના કરો, કોઇ શાકના હજાર ગુણ હોય તો પણ એને ન ભાવે તો પરાણે ન ખવડાવો.
§  બાળકની જમવાની થાળી કે ડીશ, મોટાંની થાળી જેવડી જ રાખો.
§  થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો. પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!


            આ અને આવી ઘણી બધી જાણકારી ડૉ. વીજળીવાળાએ એ પોતાના પુસ્તક ’બાળ આરોગ્યશાત્ર’નાં ’જમવાથી દૂર ભાગતાં બાળકો’ આ પ્રકરણમાં આપી છે. તબીબીશાત્ર અંગે જરૂરી જ્ઞાન અને માહિતી સરળ ભાષામાં આપતાં પુસ્તકોનો ગુજરાતી ભાષામાં દુષ્કાળ છે એમાંયે બાળ આરોગ્યના ક્ષેત્રે તો ખાસ. એટલે ડૉ. વીજળીવાળાએ ૨૦૦૩માં એકદમ રસાળ શૈલીમાં આ પુસ્તક ગુજરાતની જનતા સામે મૂકીને બહુ મોટો ઉપકાર કર્યો છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રસૂતી પૂર્વેની સંભાળથી લઈને બાળક મોટું થઈ જાય ત્યાં સુધીમાં એને થતી તકલીફો, બિમારીઓ અને અકસ્માતો અંગે સાડાત્રણસો પાનાનાં આ પુસ્તકમાં ખૂબજ સરળ અને રસાળ શૈલીમાં માહિતી આપવામાં આવી છે જે દરેક બાળકના માબાપને માટે આ પુસ્તકને ભગવદ્‌ગીતા, કુરાન કે બાઈબલ કરતાં વધારે ઉપયોગી સાબિત કરે છે.


ગંગાજળ:
ભવિષ્યમા કદાચ પ્રકાશવર્ષ કરતાં વધારે ગતિ ધરાવતું વાહન શોધાઈ જશે, બીજા કોઇ ગ્રહ પર જીવન શોધાઈ જશે, કદાચ અમરત્વ બક્ષે એવી કોઇ દવા શોધાઈ જશે પણ તમે એવી કોઇ માતાને નહીં શોધી શકો જેના મોઢેથી આ સંવાદ સાંભળવા મળે કે,”મારું બાળક પેટ ભરીને જમે છે…” !!!