Saturday, December 07, 2013

બેગાની શાદીમેં ’અબ્દુલ્લા’ દિવાના!

 
  ગઈ કાલે ફારૂક અબ્દુલાનું નિવેદન મીડિયામાં સારું એવું ચર્ચામાં રહ્યું. ખુદ બેટા ઉમરે પણ ટ્વીટ કરીને કહેવું પડ્યું કે પાપાએ માફી માગી લેવી જોઇએ. બધાં મીડિયામાં બન્ને પ્રકારના અભિપ્રાય જોવા મળ્યા, જેમાં મોટાભાગના લોકોનું કહેવું એવું હતું કે ફારૂક અબ્દુલ્લાએ બાફ્યું છે અને માફી માગવી જોઇએ જ્યારે કેટલાક લોકોને ફારૂકની વાતમાં કાંઇજ અજૂગતું હોય એવું લાગ્યું નહીં, અને ત્રીજી એક વચ્ચેની પ્રજાતી એવી હતી જે ’એતો મઝાકમાં એવું કહ્યું હશે....’ એમ કહીને છટકવા માગતી હતી.

     સ્વાભાવિક રીતેજ જે લોકોએ ખુલીને ફારૂકનો વિરોધ કર્યો એ લોકો યુપીએની બહારના હતા અને વિરોધ પક્ષ તરીકે વિરોધ કરવો એ પોતાનો ધર્મ છે એવું માનીને વિરોધ કરનારા હતા. (આવું એટલા માટે લખવું પડ્યું કારણ કે જ્યારે પોતાના પક્ષની નીચે રેલો આવ્યો છે ત્યારે આ બધાજ મોઢું સીવી લે છે.)

     આશ્ચર્યજનક રીતે જસવંતસિંહ જે ભાજપમા દિગ્ગજ છે એમને ફારૂકની પડખે ઊભા રહેવાનું ઠીક લાગ્યું! અને કોંગ્રેસે ’બીચ વાલા’ રહેવામાં સલામતી જોઇ!

     તો આપણે સમજવાની કોશિશ કરીએ કે ખરેખર ફારૂકે કહ્યું એનો મતલબ શું થાય અને એમાં કશું વાંધાજનક કહી શકાય કે નહીં. ફારૂક અબ્દુલ્લાનું કહેવું એમ હતું કે ’હવે તો છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’

     પહેલી નજરે, ઉપર ઉપરથી જોતાં આ વાત બહુ સામાન્ય લાગે છે, એમાં કશું વાંધાજનક લાગતું નથી, પણ એ જે કાંઇ બોલાયું છે એની આગળ-પાછળના સંદર્ભોને સમજવાની કોશિશ કરીએ ત્યારે સમજાય છે કે કેટલી ગંભીર વાત છે અને એક પુરૂષવાદી માનસિકતાનો સ્ત્રી જાતિ પર કેવો ગંભીર આરોપ છે!

    ફારૂક અબ્દુલ્લાને આવું બોલવા માટે નજીકના ભૂતકાળની બે ઘટનાઓ જવાબદાર છે, એક, તરૂણ તેજપાલ નો લિફ્ટકાંડ અને બીજો જસ્ટીસ ગાંગુલી વાળી ઘટના. હવે જ્યારે ફારૂક આ બે ઘટનાને આધારે એમ કહે છે કે ’છોકરીઓ સાથે વાત કરવામાં પણ ડર લાગવા માડ્યો છે, હું તો ક્યારેય કોઇ કન્યાને પીએ તરીકે રાખવાની હિંમત નહીં કરું’ તો એનો સીધો અર્થ એવો થાય કે ફારૂક અબ્દુલ્લા એમ માને છે કે આ બન્ને ઘટનામાં બન્ને પુરૂષો બિચારા નિર્દોષ છે અને એ ભોળુડાઓને દુષ્ટ કન્યાઓએ ફસાવ્યા છે!

     હવે એક ક્ષણ એવું માની લઈએ કે ચાલો ફારૂકનો કહેવાનો મતલબ આવો નહોતો. તો બીજો શું મતલબ કાઢી શકાય? બીજો કોઇ મતલબ નીકળે છે ખરો? વિચારો...

    બીજો જે મતલબ નીકળે જ છે અને  અતિ ભયાનક નીકળે  છે! આ બયાનનો બીજો અર્થ એવી સીધી ધમકી છે કે જો સ્ત્રીઓએ નોકરી કરવી હોય, તો પુરૂષોને અડપલાં કરવાં દેવાં પડશે, નોકરી દાતા એ તમારો કૃષ્ણ છે તમારે પોતાને ગોપી સ્વરૂપ સમજીને સમર્પિત થઈ જવાનું છે! (ઓલ્યા બાપ-દીકરો મગજમાંથી જતા નથી એટલે ઉદાહરણ પણ આવાંજ સૂઝેને!)

     અલબત્ત, પછી ફારૂકે માફી માગી લીધી, કઈ રીતે માગી એ પણ બધાએ ગઈકાલે મીડિયામાં જોયું. માફી માગતી વખતે જે બળતરા, તકલીફ, ચીડ, ગુસ્સો દેખાતા હતા એજ સાબત કરતા હતા કે ફારૂક અબ્દુલ્લાએ જે કાંઇ પણ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ કર્યું છે એની પાછળનું કારણ માત્ર ’ચોર કી દાઢીમેં તીનકા’ એટલું જ છે!

     સામાન્ય રીતે મીડિયાને મસાલો જોઇતો હોય છે, આપણું મીડિયા અને આપણા પત્રકારો કોઇ પણ સીધાસાદા  સ્ટેટમેન્ટમાંથી મનગમતા અર્થો કાઢીને પોતાનું પેટિયું રળવા માટે કુખ્યાત છે, પણ ફારૂક અબ્દુલ્લાએ તો જે કહ્યું ને મીડિયાએ જે રીતે રજૂ કર્યું એમાં મીડિઆ સાચું હતું એમ મારૂં માનવું છે.

    અંતમાં,

     ફારૂકને એટલી તો ક્રેડિટ આપવી પડશે કે ભલે જે રીતે માગી હોય એ રીતે પણ એણે માફી તો માગી કે પછી માગવી પડી, પણ સ.પા. ના નફ્ફટ શિરોમણી નરેશ અગ્રવાલને તો આજ પ્રકારના નિવેદન પછી એવી જરૂર પણ નથી લાગી!