Sunday, December 14, 2014

મીડિયા V/s મીડિયા   

     ભારતીય ઈલેક્ટ્રોનિક મીડિયાની વિશ્વસનિયતાનો ગ્રાફ છેલ્લા ઘણા સમયથી સતત ન્યૂટને શોધેલા ગુરૂત્વાકર્ષણના નિયમને અનુસરી રહ્યો છે. જોકે એના માટે ન્યૂટન બિલકુલ જવાબદાર નથી, ન્યૂટને કદાચ ગુરૂત્વાકર્ષણનો નિયમ ના શોધ્યો હોત તો લોકો કાંઈ જમીનથી અદ્ધર ના ચાલતા હોત, પણ એક સમયે જેને લોકશાહીનો ચોથા સ્તંભ હોવાનું સન્માન આપવામાં આવ્યું છે એ સામુહિક માધ્યમો પોતે માનસિક રીતે પોતે ચોથી જાગીર હોવાના કેફમાં જરૂર છે પણ છેલ્લા ઘણા સમયથી વારંવાર એનો ચહેરો ખુલ્લો પડતો રહ્યો છે અને એવું દેખાઇ રહ્યું છે કે એનું પતન તો ગુરૂત્વાકર્ષણનો નિયમ તો ઠીક પણ ગુરૂત્વાકર્ષણ ના હોત તો પણ નિશ્ચિત હતું કારણ કે એના પાયામાં ક્યારનોયે હરામની કમાણીના પૈસાનો લુણો લાગી ચૂક્યો છે અને છાપાં અને ટીવીના કમનસીબે, સોશ્યલ મીડિયાનું છત્ર બહુ ઝડપથી અને વિકરાળ રીતે વિસ્તરતું જાય છે.


અલબત્ત, એ વાત ખરી કે સોશ્યલ મીડિયાના આવ્યા પછી મીડિયાનાં જૂનાં અને પરંપરાગત માધ્યમોની પોલ વારંવાર ખુલતી રહી છે અને ખુલતી રહે છે એનો અર્થ એ નથી કે સોશ્યલ મીડિયા દૂધે ધોયેલું અને પવિત્ર છે! રોજેરોજ અનેક ઘટનાઓ એવી બને છે જેનાથી સોશ્યલ મીડિયાત્નો દુરૂપયોગ અને ઘાતકતા સામે આવતા રહે છે. આજે સોશ્યલ મીડિયાના પ્રસારની સાથે દરેક માણસ વ્યક્તિગત રીતે એક મીની મીડિયા બની ગયો છે ત્યારે એની અંદર વધારે સડો પેસે એ એકદમ સ્વાભાવિક છે સાથે સા્થે એક બહુ અગત્યની બાબત એ છે કે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા લોકોમાં બીજાં માધ્યમનોની વિશ્વસનિયતા ઘટી છે અને અળખામણાં થયાં એજ રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલો જણ સોશ્યલ મીડિયા પર આવતી માહિતી અંગે પણ પૂરેપૂરો સાશંક રહે છે અને નિરક્ષીર વિવેકનો ઉપયોગ કરીને સાચું શું અને ખોટું શું એ તારવતાં શીખી ગયો છે અમુક અંશે. જ્યારે ટીવી ચેનલ્સ દર્શકો અને છાપાંઓના વાચકો (જે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા નથી) એમની પાસે સત્યને ચાળવાની ચાળણી હોવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે અને મોટા ભાગે છપાયેલું કે પછી દેખાડાયેલું ને સંભળાવાયેલું માની લેવા સિવાય એની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.

એક રસપ્રદ બાબત એ છે કે સોશ્યલ મીડ્યા સાથે જોડાયેલા મોટા ભાગના લોકો, લગભગ તમામ લોકો, મીડિયાના અન્ય દ્રશ્ય-શ્રાવ્ય અને વાચ્ય માધ્યમો સાથે પણ જોડાયેલા છે અને પોતાના હાથમાં સોશ્યલ મીડિયા નામનું બ્રહ્માસ્ત્ર હોવાના ગુમાન સાથે (અને કારણે) બીજાં માધ્યમોને આલોચકની તીખી નજરે જોતા રહે છે અને જેવો મોકો મળે કે તરતજ સોશ્યલ  મીડિયા પર અન્ય માધ્યમોનું વસ્ત્રાહરણ કરતા રહે છે. પરંતુ આપણા દેશમાં જ્યાં ઈન્ટરનેટ અને કમ્પ્યુટરનો વપરાશ હજુ વિકસિત દેશોના પ્રમાણમાં પાપા પગલી ભરે છે ત્યારે સ્વાભાવિક કે છે દેશના ઘણા વિસ્તારો હજુ ટીવીથી પણ વંચિત છે એ સંજોગોમાં એમના માટે છાપાં અને રેડિયો બોલે એ બ્રહ્મવાક્ય છે જ્યારે જ્યાં સુધી સોશ્યલમીડિયા નથી પહોંચ્યું ત્યાં જે ટીવી દેખાડે એજ સનાતન સત્ય છે. એટલે જે રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાયેલા તમામ લોકો અન્ય માધ્યમોની પણ જાણકારી રાખે છે એનાથી ઉલ્ટું, ટીવી અને સમાચારપત્રો સાથે જોડાયેલી દેશની મોટાભાગની વસ્તી સોશ્યલ મીડિયાથી વંચિત છે! મતલબ કે દેશમાં બહુ ઓછો વર્ગ એવો છે કે જેની પાસે સોશ્યલ મીડિયા નામનું એરણ છે જેની કસોટીએ ચડાવીને એ અન્ય માધ્યમો દ્વારા પિરસાતી સામગ્રીની યથાર્થતાને ચકાસી શકે. ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પાસે મનમાની કરવાનું આ સૌથી મોટું કારણ છે!

સોશ્યલ મીડિયા પર સોશ્યલ મીડિયા વિરૂદ્ધ અન્ય માધ્યમોનો જંગ સતત ચાલતો રહે છે અને અન્ય માધ્યમો સોશ્યલ મીડિયાને તુચ્છ કીડી સમાન અને પોતાને મદમસ્ત હાથી માનીને પોતાની મસ્તીમાંજ ચાલતા રહે છે ને વારંવાર એવું થતું રહે છે કે આ તુચ્છ ચીંટી હાથીના કાનમાં ઘુસી જઈને એના મર્મસ્થાન પર ચોટ પહોંચાડી એને હચમચાવી મૂકે છે. વર્તમાન સમયનું સૌથી મોટું ઉદાહરણ અભિષેક મનુ સિંઘવી વાળી ઘટના છે જ્યારે તમામ અન્ય મીડિયાના મોઢામાં હજાર હજારની નોટના ડટ્ટાઓ ઠૂંસી દેવામાં આવેલા એટલે એ બિચારું કશું બોલી નહોતા શકતું એ સંજોગોમાં સોશ્યલ મીડિયાએ પોતાની તાકાત દેખાડી અને અભિષેક મનુ સિંઘવીની ફિલમ રિલીઝ થઈ ગઈ ને અન્ય માધ્યમોની ફિલમ ઉતરી ગઈ! પછીતો કહેવુંજ શું, પોતાનું વસ્ત્રાહરણ થતાં ધુંધવાયેલું અને ગિન્નાએલું ઈલેક્ટ્રોનિક મીડિયા એક થઈને સોશ્યલ મીડિયા પર તૂટી પડેલું. સોશ્યલ મીડિયા નિરંકુશ છે, ઘાતક છે, અંકુશ જરૂરી છે બ્લા બ્લા બ્લા..ડિબેટો દિવસો સુધી ચાલેલી ને છેવટે સમય નામની બર્નોલે એની અગન શાંત પાડેલ! તાજેતરની એક ઘટનામાં અમેરિકામાં ભારતના એક પત્રકારે ત્યાંના નાગરિકો સાથે કરેલી બદતમીઝીના વીડિયોને એડિટ કરી પોતાને અનુકુળ આવે એટલી ફિલમ બતાવી મીડિયાએ સમાજને પોતાના ચશ્મા પહેરાવીને દેખાડવાની ભરપૂર કોશીશ કરી પણ અહીં પણ વળી પાછું સોશ્યલ મીડિયાએ બનેલી ઘટનાની આખી ફિલ્મ રીલીઝ કરીને લાગતા વળગતાઓની પોલ ખોલી નાખેલી!


પોતાના પર જરા સરખું નિયંત્રણ આવતાં ’કટોકટી’ ’ફાસીઝમ’ ’સરમુખ્યારશાહી’ જેવા શબ્દોની ફેંકાફેંકી કરીને કાગારોળ કરી મૂકતું મીડિયા, સોશ્યલ મીડિયા પર નિયંત્રણ મૂકવાની વકિલાત કરે છે! અલબત્ત, સોશ્યલ મીડિયાએ પણ છેલ્લા કેટલાક સમયમાં પોતાનો જે ચહેરો અને ચાલચલગત બતાવી છે એ કોઇ પણ સમજદાર માણસને એ માનવા પ્રેરે કે આ નિરંકુશ  માધ્યમને પણ કોઇ અંકૂશની જરૂર તો છેજ. મ્યાનમારમાં બનેલી ઘટનાઓને કારણે મુંબઈને પેટમાં પીડા ઉપડતી હોય કે યુપીના મુઝફ્ફરનગરમાં બનતી ઘટનાઓ પાછળ, જેને કાંઈ લાગતું વળગતું નથી એવી વીડિયો ક્લીપ જવાબદાર હોય, ત્યારે આ સોશ્યલ મીડિયાનો વિકૃત ચહેરો સામે આવ્યો છે. ગઈ કાલે બેંગલુરુથી ઝડપાયેલ મહેંદી મસરૂર જે છેલ્લા ઘણા સમયથી દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠનનું ટ્વીટર એકાઉન્ટ ચલાવતો હતો એ ઘટનાએ સોશ્યલ મીડિયાના દુરુપયોગ અને અંકૂશ અંગે બહુ ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે. જોકે એ હકીકત સ્વીકારવી જોઇએ કે જેના સર્વરનું નિયંત્રણ વિદેશથી થાય છે એવી સોશ્યલ સાઈટો પર સરકાર સંપૂર્ણ નિયંત્રણ કરી શકે એ શક્ય નથી, પણ એટલું જરૂર કરી શકાય કે જે રીતે અન્ય જગ્યાએ કેવાયસી ડોક્યુમેન્ટસનું વેરીફિકેશન જરૂરી છે એ રીતે સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ ઓપન કરવા માટે પણ ફોટો આઈડી અને સરનામું જેવા પુરાવાઓ ફરજીયાત કરી દેવા જોઇએ. આનાથી ઘણાખરા અંશે સોશ્યલ મીડિયા પર અંકૂશ ચોક્કસ રાખી શકાશે. બાકી ટેલિવિઝ્ન અને પ્રિન્ટ મીડિયા જે પ્રકારનું નિયંત્રણ સોશ્યલ મીડિયા પર ઈચ્છે છે એતો કોઇ પણ સંજોગોમાં શક્ય નથી!

સોશ્યલ મીડિયા પર નિયંત્રણ આવે કે ન આવે પણ એટલું ચોક્કસ છે કે આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાએ પોતાનું વલણ બદલવું પડશે, સુધરવું પડશે અને સમજી લેવું પડશે કે હવે ધનના ઢગલા નીચે સત્યને દબાવી દેવું શક્ય નથી, કારણકે આવનારા સમયમાં સ્માર્ટ ફોનના વપરાશની સાથે સાથે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધીને ઘર ઘર સુધી પહોંચવાનો છે અને સ્માર્ટ ફોન ધરાવનાર હરતો ફરતો દરેક વ્યક્તિ એક મીડિયા બનીજ ગયો છે!

ઊંબાડિયું:
જે કોઇ અન્ય મીડિયા સોશ્યલ મીડિયાની વિરૂદ્ધમાં હોય એને એન્ટી સોશ્યલ કહેવાય?Thursday, November 20, 2014

રામપાલ કે હરામપાલ?

   
    આ દેશની વિટંબણાએ છે કે આઝાદીના ૬૭ વર્ષ પછી પણ કોઈ ઠગ, મવાલી કે લફંગો જ્યારે સાધુનો વેશ ધારણ કરે છે ત્યારે પોતાની આજુબાજુ લાખો અંધ ઘેટાંઓ ભેગાં કરી શકે છે, ને એ પણ એવાં સમર્પિત ઘેટાંઓ જે આ ચારસોવીશને બચાવવા માટે પોતાના દેશ સામે યુદ્ધમાં ઉતરી જાય છે! ગઈ કાલે ચૌદ ચૌદ દિવસના હાઈવોલ્ટેજ ડ્રામા અને કરોડો રૂપિયાનાં આંધણ પછી એક બે બદામના લબાડે સવાસો કરોડના આ દેશ સામે છેડેલા યુદ્ધનો અંત આવ્યો.

     હા, આ યુદ્ધ જ હતું. હરીયાણા પુલીસે તો હજુ ગઈ કાલે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાની કલમ રામપાલ સામે લગાડી પણ આ લખનારે ચાર દિવસ પહેલાં ટ્વિટ્ટ કરીને કહેલું કે આ બગાવત છે, દેશ સામે યુદ્ધ છે. દેશના બંધારણ અને કોર્ટની ઐસી તૈસી કરવી, પોતાની ખાનગી સેના ઊભી કરવી અને રાજ્યની પોલીસ સામે ગોળીબાર કરવો, પેટ્રોલ બોમ્બ અને એલપીજી બોમ્બનો મારો કરવો, યુદ્ધ કે રાષ્ટ્રદ્રોહમાં આનાથી વિશેષ બીજું શું હોઇ શકે? અલબત્ત, આ આખી ઘટનામાં તદ્દન મજબૂરીની અવસ્થામાં મૂકાઈ ગયેલ હોવા છતાં હરીયાણા પોલીસે જે રીતે સંયમ અને કુનેહથી કામ લીધું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે, પણ મીડિયાને માટે માત્ર એના પત્રકારોને પડેલા ડંડા વધારે અગત્યના છે! જ્યારે આશ્રમની અંદર પંદર હજાર જેટલા લોકોને બંદી બનાવાયેલા હોય, હિજડા બાબાએ આશ્રમની બહાર હજારો સ્ત્રીઓ અને બાળકોને ઢાલ બનાવ્યા હોય, એ સંજોગોમાં પોલીસ પર નકામી હોવાનું, કાંઈ કરતી ના હોવાનું આળ મૂકીને તીરે બેસીને તમાશો જોતાં જોતાં ચિલ્લાવું સહેલું છે, પણ તટસ્થ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ખરેખર રાજ્ય સરકાર અને પોલીસ જે કંઇ કરી રહી છે એ કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે એ સમજવું પણ એટલું બધું અઘરું નથી શરત એ છે કે દાનત હોવી જોઈએ અને પક્ષીય પૂર્વગ્રહોથી મૂક્ત થવું પડે! પણ આપણા દેશમાં, રાજકિય ચશ્મા ચડાવેલા ગદ્દારોને આજે પણ હજુ કંદહાર કાંડમાં દુશ્મન દેશની ધરતી પર બંધક બનાવાયેલા ૩૦૦ જેટલા મુસાફરોની જીંદગી અને એના સેંકડો સગાવહાલાંની વ્યથા ના દેખાતી હોય પણ દેખાય માત્ર દેશના નાગરીકોને બચાવવા માટે છોડી મૂકાયેલા આતંકવાદીઓ!

     અમારા પિતાજી પાસેથી એક વાત સાંભળેલી. એક ગામમાં એક ઘરે એક બ્રાહ્મણ માંગવા આવ્યો એટલે એ ગરીબ ખેડૂતે પૂછ્યું, “મહારાજ સી્ધો લેશો કે પછી જમશો?” મહારાજે એક આંખ ફાંગી કરતાં લાલચથી કહ્યું,”પહેલાં જમાડીને પછી સીધો આપજો જજમાન!” પેલા ખેડૂતને બિચારાને ઘરમાં હાંલ્લાં કુશ્તી કરતાં હતાં એટલે એનાથી હાયકારો નીકળી ગયો,”અહો, મહારાજ..તો તો હું મરીજ જાઉં!” મહારાજ ક્યાં ઓછો ઉતરે એમ હતો! એ કહે, “ જો તું મરી જા તો કારજ પણ ખાઈને જાઉં!” આપણા દેશમાં જ્યારે પણ કંદહાર કે પછી હિસાર જેવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે વિપક્ષ આ પ્રકારનાજ મુર્દાખોરના રોલમાં આવી જાય છે, પાડોશીનો છોકરો આંબા પર ચડ્યો છે જે બધું બરાબર રહ્યું કેરી ખાશું નહીંતર કારજ! રામપાલના કિસ્સામાં, છેલ્લા એક અઠવાડિયાથી તડાપીટ બોલાવતા મીડિયાવાળા અને કોંગ્રેસીઓ એક વાત ઈરાદાપૂર્વક ભૂલી ગયા કે રામપાલે જે કાંઈ એનું સામ્રાજ્ય ઊભું કર્યું, જે  રીતે  જમીનો હડપ કરી ને પોતાની શસ્ત્રસજ્જ આર્મી બનાવી એ કાંઇ બેચાર મહિનામાં તો નથી થયું, તો પછી બે મહિના જૂની સરકાર પર તમામ દોષનો ટોપલો ઢોળવાનો અર્થ શો? કોંગ્રેસનું વલણ તો સમજી શકાય એ એતો એમજ કરે, પણ મીડિયાએ આ બાબતે તટસ્થ વલણ રાખીને સત્યનો પક્ષ લેવાની જરૂર હતી. પણ વો દિન કહાં!

     આ દરમિયાનમાં સોશ્યલ મીડિયામાં પણ બન્ને સાઈડની સડેલી માનસિકતા સ્પષ્ટ રીતે દેખાઇ આવી. ઈટાલીભક્તો એકદમ અતાર્કિક કહી શકાય એવે સરખામણી કરીને સવાલ ઉઠાવતા હતા કે પાકિસ્તાનમાંથી દાઉદને પકડી લાવવાના પડકારો થાય છે એને દેશમા રહેલો એક રામપાલ પકડાતો નથી! ત્યારે અદ્દ્લ કંદહારની જેમજ એ કોંગ્રેસીઓને માટે, અહીં પણ આશ્રમમાં રહેલા પંદર હજાર જેટલા લોકો કે પછી આશ્રમની બહાર પાખંડી બાબાની ઢાલ બનીને ઊભેલાં સ્ત્રીઓ અને બાળકોની જીંદગીની કોઇ કિંમતજ નહોતી, અને સાથે સાથે મનમાં એક વિચારીને મલકાતા હતા કે અમારા હુડ્ડાના રાજમાં છેલ્લાં વર્ષોમાં જે કાંઈ પણ સડો થયો છે એ તમારે આ બે મહિના જૂની સરકાર કેવી રીતે મટાડે છે એ જોઇએ! બીજી બાજુ, આવા આસારામ કે પછી રામપાલ જેવા લફંગાઓની સાથે કાંઇ પણ લાગતું વળગતું ના હોવા છતાં, એ માત્ર હિન્દુ ધર્મના કોઇ સંપ્રદાયના પ્રતિનિધિ છે એટલા ખાતરજ કેટલાક લોકોને એનાં પાપની લીટી ટૂંકી કરવાની આત્મવંચનામાં અચાનક બુખારી અને ઓવેશી સાંભરી આવે છે!

     હરીયાણા પોલીસ સામે પરિસ્થિતિ ખરેખર ખતરનાક હતી. એક બાજુથી કોર્ટેની વારંવાર ફટકાર વાગતી હતી, બીજી બાજુ મીડિયા ખાઈ પી ને પાછળ પડેલું અને કોંગ્રેસવાળાને તો આવી પરિસ્થિતિ જોઇતીજ હોય! આ સંજોગોમાં, સામે સ્ત્રીઓ અને બાળકો હોય અને પગલાં લેવાં પડે ત્યારે ક્યારેક કયાંક એવું પણ બને કે થોડું વધારે કડક થઈ ને નીતિ નિયમો નેવે મૂકવા પડે એવામાં જાણે અજાણે કે પછી મજબૂરીવશ માનવઅધિકારોનો ભંગ પણ થાય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ એવું ઈચ્છે એકે મીડિયાના કેમેરા દૂર રહે. પણ માત્ર ટીઆરપી પર જીવતા આ પ્રાણીઓને પરવડે ખરું? ને છેવટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો ને પરિણામી મીડિયા સંપૂર્ણપણે યુ ટર્ન મારીને સામેના છાબડે બેસી ગયું! રામપાલ સામે ઉગામેલો દંડો હળવો થઈ ગયો ને પોલીસ અને હરીયાણા સરકાર સામે ગદા ઉપાડી! છતાં આ તમામ વિપરિત કહી શકાય એવી પરિસ્થિતિની અંદર હરીયાણા પોલીસે જે રીતે સંયમથી કામ લઈને ઓછામાં ઓછા કોલેટરોલ ડેમેજ સાથે જે રીતે રામપાલને પકડ્યો એ ખરેખર પ્રસંશાને પાત્રજ છે. સામે આ રામપાલ સામે દેશદ્રોહ સહિતની જે પ્રકારની કલમો પોલીસે લગાડી છે એ જોતાં એ આવનારાં ઘણાં વર્ષો સુધી બહાર આવે એવે શક્યતા ઓછી છે, પણ મને આ દેશની જનતા પર પૂરો ભરોસો છે, આગામી એક બે વરસમાં એ નવો રામપાલ કે પછી બીજો આસારામ પેદા કરીજ લેશે!

Friday, September 26, 2014

"બે યાર....આવું તે કાંઇ હોતું હશે?" ભાગ-૨

ઝુકર પ્રભુ તો ગયા, મારી નીંદર બગાડીને ને મને ધંધે લગાડીને! જે મૂવીને રિલીઝ થયે ચાર વિક થઈ ગયાં હોય, જેનાં બે-પાંચ હજાર રિવ્યૂ લખાઇ ચૂક્યા હોય, એનો રિવ્યૂ લખો એટલે કોક ને કોક કાંઠલો ઝાલે કે આતો મેં લખ્યું ’તું એની કોપી કરી! પણ સામે, ન લખવા બદલ જે ભયાનક કાર્યવાહીની ધમકી હતી એ જોતાં ’કોપી’ કર્યાની ગાળ ખાઈ લેવી સારી એમ માનીને કલમ, સોરી, કી બોર્ડ ઘસડવાનું ચાલુ કરું છું….

ફિલ્મમાં આમતો બે નહીં પણ ત્રણ યાર છે પણ પ્રોડ્યૂસર કે પછી ડિરેક્ટરને લાગ્યું હશે કે ત્રણનો આંકડો અપશુકનિયાળ કહેવાય, એટલે પછી ફિલ્મનું નામ ’બે યાર’ રાખ્યું હશે એમ માની શકાય. (બે…યાર! સમજા કરો!). આ ફિલ્મના કાસ્ટીંગની શરૂઆત ઊંધેથી થઈ હશે એવું લાગે છે, કારણ કે ટીનીયાની સામે જિગલી છે, જાડીયાની સામે બુકાની છે પણ ચકાનો વારો આવતા સુધીમાં બજેટ ખતમ થઈ જાય છે અને ચકીની વ્યવસ્થા થઈ શકતી નથી! જેના કારણે આખી ફિલ્મ “આવતી કાલે મોર અને ઢેલ લગનના માંડવામાં બંધાઈ જશે..” “કેટલાંક રૂપજ એવાં હોય છે કે જેને ધરાઈ ધરાઈને પીવાનું અને પછી બોલવાનું મન થાય…” “હું તમારી બન્ને પાપણ નીચે મારી પ્રિતનાં તોરણ ટીંગાયેલાં જોઇ શકું છું..” જેવા સર્વકાલિન રસપ્રચૂર સંવાદોની વંચિત રહી જાય છે!

ફિલ્મની શરૂઆતમાં લાભુ માતાજીની એન્ટ્રી થાય છે ત્યારે એમ લાગે છે કે એક મહાન ધાર્મિક ફિલ્મ જોવા મળશે! પણ જ્યાં તમે શ્રદ્ધાથી હાથ જોડી, આંખ બંધ કરી…(નહીં નહીં..આંખ બંધ થાય તો ફિલ્મ કેમ જોઇ શકાય? એટલે આંખ બંધ કરવાનું કેન્સલ!) ભક્તિભાવપૂર્વક ફિલ્મની સાથે તાદાત્ય્મ સાધો છો ત્યાંતો ફિલ્મ ઊંધે માથે પછડાય છે અને ડિરેકટરની આ “મેં ઈધર જાઉં, યા ઉધર જાઉં..” પ્રકારની ચંચળ મનોવૃત્તિનો ભોગ બિચારા ભોળા પ્રેક્ષકો બને છે અને એક મહાન ધાર્મિક ગુજરાતી ફિલ્મના પુણ્યથી વંચિત રહી જાય છે!

ખેર, ફિલ્મમાં આવતી (કે આવતો?) લાભુ માએ ભલે લોકોનાં સપના પૂરાં ના કર્યાં પણ આ ફિલ્મે અમારી જીંદગીનાં મોટામાં મોટાં બે સપનાં પૂરાં કર્યાં છે. મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે પાંચ વરસ બગાડનારા અમોને એક વાતનો હમેશાં અફસોસ રહેતો કે કોઇ ફિલ્મના હીરો તરીકે એમ.આર. શા માટે નહીં? હીરો રિક્ષાવાળો, રેંકડીવાળો, શાકભાજીવાળો, પાકિટમાર, ચોર હોય પણ એમ.આર. નહીં! ગુજરાતી તો ઠીક પણ કોઇ હિન્દી ફિલ્મમાં પણ નહીં! કોઇ પ્રોડ્યૂસર કે ડિરેક્ટર એકાદવાર ફિલ્ડમાં જઈને જાતે અનુભવ કરે તો ખબર પડે કે એક એમ.આર.ની જોબ, ઉપર દર્શાવેલ કામ કરતાં કેટલી બધી સંઘર્ષપૂર્ણ છે! છેવટે અભિષેક જૈને અમારું આ સપનું પુરું કરી દીધું ને સાથે સાથે એનાથી પણ મોટું એક સપનું પણ પુરું કર્યું. એમ.આર. તરીકે અમો ડૉક્ટર્સના હાથે હડધૂત થતા, મેડીકલ સ્ટોરવાળાના હાથે અપમાનિત થતા ત્યારે અમને જાગતાં, ખુલ્લી આંખે એક સપનું આવતું કે એકવાર, બસ એકવાર કોઇ એક ડોક્ટરને ચોક્કસ જગ્યાએ લાત મારવા મળે અને પછી એને “હડ્ય..હડ્ય..”  કહી દઉં! પણ એ કદી શક્ય બન્યું નહીં. “બે યાર”માં ચકો અને ટીનીયો જે રીતે ડોક્ટરની ચેમ્બરમાં પાવો વગાડે છે, જે રીતે ડોક્ટરને બોલતા અટકાવીને ઊંચા અવાજે સામે બોલી અપમાન કરે છે, જે રીતે ડોક્ટરની હાજરીમાંજ પેશન્ટને ધમકાવે છે, એણે અમારા એમ.આર.ભાઇઓના યુગો યુગોથી થતા અપમાનનો બદલો લઈ લીધો છે! મારું ચાલે હું ખાલી આ એક સીન માટેજ આ ફિલ્મને ઓસ્કર આપી દઉં! અલબત્ત, ફિલ્મોના ઈતિહાસમાં આ કદાચ પહેલી ફિલ્મ એવી હશે કે જેમાં હીરો, હીરોઇન સામે પાવો વગાડવાને બદલે ડોક્ટરને રિઝવવા પાવો વગાડે છે! જોકે આ અંગે અમારા ગરબડદાસનું કહેવું એવું છે કે મદારી જે હેતુથી મોરલી વગાડે છે એવું આમાં સમજવું!

ફિલ્મમાં જેમ ચકો અને ટીનીયો, એમ.આર. તરીકે માત્ર એકજ ડોક્ટરને મળે છે એજ રીતે ચકાના બાપાની હોટેલમાં આખી ફિલ્મમાં આ ત્રણ મફતિયા, ચકો, ટીનીયો અને ઉદય સિવાય કોઇ ઘરાક નથી, બોલો! અને કોઇ ઘરાક નથી આવતા એ ગમમાં ચકાના બાપા જીતુભાઇ, સામેની ભીંતે ટિંગાડેલા પેઈન્ટિંગને જોઇ જોઇને દિવસો કાઢે છે, પણ પછી ચકાની મુર્ખામીને કારણે જીતુભાઇનું એ એકમાત્ર સુખ, ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો એકમાત્ર સહારો પણ છિનવાઈ જાય છે અને એના આઘાતને કારણે જીતુભાઇનું માનસિક સંતુલન એટલું બધું ગરબડ થઈ જાય છે કે ખરેખર સારું શું અને ખોટું શું એ ભૂલી જાય છે અને પોતાનું દુ:ખ ભૂલવા પોતાના સગ્ગા દીકરાને દારુના રવાડે ચડાવી દે છે! (શીસ્સ….ચૂપ..કોણ બોલ્યું કે એ દારુવાળા સીને વખતે જીતુભાઇને તો પેઇંટીંગની વાત ખબર પણ નહોતી!)

બાપાની પ્રેરણાથી દારુની લતે ચડી ગયેલો ચકો, સારા નરસાનું ભાન ભૂલી જાય છે અને ખાસ ભાઇબંધ ટીનીયા સાથે મારા મારી કરી બેસે છે. એ પછી નશો ઉતરતાં એને પસ્તાવો થાય છે અને લાગે છે કે આમાં બધો વાંક એના બાપનોજ છે, એના બાપ જીતુભાઇને એને દારુની લતે ચડાવ્યો તો એને ટીનીયા સાથે ઝગડો થયો ને! એટલે પછી ચકો પોતાના બાપા સાથે ડખો કરે છે! છેવટે એને સમજાય છે કે આમાં બાપાનો પણ વાંક નથી પણ બધાના મૂળમાં પેલું પેઈન્ટીંગ છે, એટલે એ ભિષ્મ પ્રતિજ્ઞા કરે છે અને ગાંધીને ફોન પર પોતાની “મારીને મૂકી દેવાની” પ્રતિજ્ઞા સંભળાવે પણ છે. અહીથી વાય બી ગાંધીને પાડી દેવાનું પ્લાનિંગ ચાલુ થાય છે અને એમાં જોડાય છે ’વીર તાંબાના હાંડા-ઘડા વાળો’ પ્રબોધ ગુપ્તા. એક વાત તો ખરેખર અદ્‌ભૂત છે કે આ પ્રબોધ ગુપ્તા નામના તાજા જન્મેલા ચિત્રકારનો પ્રોફાઇલ આ લોકો એટલો સ્ટ્રોંગ બનાવે છે કે એનો ઈન્ટર્વ્યૂ કરનાર જય વસાવડા જેવા, પોતાને હમેશાં છેલ્લામાં છેલ્લી માહિતીથી અપડેટ રાખતા, ગુજરાતના સૌથી લોકપ્રિય લેખકને પણ ખ્યાલ નથી આવતો કે આ હજુ બે દા’ડા પહેલાં પેદા થયેલો ચિત્રકાર છે!

છેવટે ચકો, ટીનીયો, જીગલી, બુકાનીવાળીનો ઉદયો અને આ તાંબાના હાંડા-ઘડાવાળો ભેગા થઈને વાય બી ગાંધીનો ઘડો લાડવો કરી નાખે છે અને જીતુભાઇને પોતાની ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો સહારો પાછો મળી જાય છે. આમ લાભુ માંની કૃપાથી સૌ સારાં વાના થાય છે. લાભુ માં ચકા ટીનીયાને ફળ્યાં એવાં સૌને ફળજો!

ફિલ્મ જોઈને આવેલા અમારા ગરબડદાસે આવીને મને સવાલ કર્યો, “ આ ફિલ્મમાં બધાની(___) ચાયનિઝ છે?”

“કેમ તમને એમ લાગ્યું ગરબડદાસ?” મેં સામો સવાલ કર્યો.

તો ગરબડદાસ કહે, “બધાની કેવી તકલાદી છે! વાતે વાતે ફાટી જાય છે!”
____________________________________________________________________

ઉંબાડિયું:

પપ્પુ: “બા..બાઆ… આ  ’ફાટી ગઈ’ અને ’મારીને મૂકી દઈશ’ એટલે શું  થાય?

બા (સ્વગત): “આ મૂવો કોઇને કોઇ બહાને ૨૦૧૪ની ચૂંટણીના જખમ રૂઝાવાજ નથી દેતો!” 

લખ્યા તારીખ: ૨૪.૦૯.૨૦૧૪.

"બે યાર....આવું તે કાંઇ હોતું હશે?" ભાગ-૧

હજી તો માંડ જરીક આંખ લાગી હતી ત્યાં ધડામ દઈને ઢીંઢા પર કાંક વાગ્યું. પડખું ફરીને આંખ ચોળતાં ચોળતાં જોયું તો પાંચ હાથ પૂરો ને વાને ઉજળો એક જણ હાથમાં ગદા લઈને ઊભો છે. બોસ, થોડીવાર માટે તો લિટરલી આપણી ફાટી ગઈ! યમદૂતનાં તેડાં આવી ગયાં કે શું? પણ ના ના…જમડા આવા રૂપાળા તો નોજ હોય, કોઇ સીરિયલમાં કે ફિલમમાં આવો હેન્ડસમ જમ કે જમદૂત જોયો નથી, આ ઈતો નથીજ. પણ રખેને નવી ભરતી થઈ હોય!

“દુષ્ટ, નાલાયક…તારી આવી ગુસ્તાખી?” આગંતુકે ગુસ્સાથી ગદા ઉગામતાં બરાડો પાડ્યો. હવે મારી આંખ બરાબર ઊઘડી ગઈ, આગંતુકનો ચહેરો જાણીતો લાગ્યો. જરી વધારે ધ્યાનથી જોયું તો…

“અરે..અરે…ઝુકર પ્રભુ, આપ સાક્ષાત! આપ સાક્ષાત મારે આંગણે? હું તો ધન્ય થઈ ગયો!”

“હવે ધન્યવાળી…તારો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? મારે રૂબરૂ ધક્કો ખાવો પડ્યો!”

“પ્રભુ, આ રાજકોટ છે, અહીં બપોરે ૧.૩૦ થી ૩.૩૦ બધાના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે…”

“હેં? હેં? હે? એવડું મોટું જામર લગાડેલું છે? પણ જામર પણ માત્ર નેટવર્ક ખોરવાનું જ કામ કરી શકે, આ એવી કેવી નવી ટેકનોલોજી છે કે જેનાથી બે કલાક માટે લાખો ફોન સ્વિચ ઓફ થઈ જાય? “

“ અરે ના પ્રભુના, એવી કોઇ ટેક્નોલોજી નથી. આતો બપોરે અમારા રાજકોટવાળાના જઠરની બેટરી જેવી રિચાર્જ થાય એવુંજ દિમાગનું નેટવર્ક ખોરવાઈ જાય છે અને બધા બે કલાક માટે સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે. બીજા પ્રદેશના અદેખા લોકો આને બપોરની ઊંઘ કહીને અમને બદનામ કરે છે…”

“ઠીક છે ઠીક છે, બહુ હોશિયારી ના માર..તું તારી જાતને એટલો બધો હોશિયાર માને છે કે ગુજરાતનો ફેસબુકનો નિયમ તોડવાની ગુસ્તાખી કરે છે?”

“ક્ષમા કરો પ્રભુ, મને કાંઇ ખ્યાલ નથી, અજાણતાં મારાથી કોઇ અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરો..આપ જણાવો કે મારાથી શું અપરાધ થયો છે અને પ્રાયશ્ચિત આપો..”

“હે ગુસ્તાખ ફેસબુકિયા મનુષ્ય, ગુજરાતના મોટા ભાગના ફેસબુકિયા મૂવી જોઈ આવ્યા પછી સૌ પ્રથમ ધાર્મિક શ્રદ્ધાથી જે કાર્ય કરે છે તે હજી બે બે દિવસ વિતી જવા છતાં તેં કર્યું નથી! તારી આવી હિંમત?”

“કયું કાર્ય પ્રભુ? હું કાંઇ સમજ્યો નહીં!”

“જા જા..બહુ ભોળા બનવાનું નાટક ના કર, ભૂતકાળમાં તો તેં પણ આ નિયમ બરાબર પાળ્યો છે. આ વખતેજ ચૂકી ગયો!”

“કયો નિયમ પ્રભુ? જરીક ફોડ પાડીને વાત કરો તો સારું!”

“બહુ હોશિયારી ના માર, આ પહેલાં તું જ્યારે પણ મૂવી જોઇને આવ્યો છે ત્યારે તું ક્યારેય એનો રિવ્યૂ લખવાનું ચૂક્યો નથી ને આ વખતે બે દિવસ વિતી જવા છતાં હજુ તારી વોલને ’બે..યાર’ના રિવ્યૂથી ધન્ય નથી કરી!”

“ઓહ પ્રભુ, તો એમ વાત છે! અ વખતે મેં લખ્યું નથી એનું કારણ એ છે ઝુકર પ્રભુ, કે હું આ મૂવી છેક ચોથા વિક માં જોવા ગયો, ત્યાં સુધીમાં બાકીના બધા ફેસબુકિયા વિવેચકોએ આ મૂવી અંગે એટલું બધું વિશ્લેષણ કરી નાખ્યું (મૂવીની ઘણી ખૂબીઓ અને વિશેષતાઓ તો અભિષેક જૈનને પણ આ રિવ્યૂ વાંચ્યા પછી ખબર પડી!) કે આ બધા રિવ્યૂની સામગ્રી પરથી ’બે યાર’ની બીજી આઠ દસ રિમેક આરામથી બની જાય!”

“ઠીક છે ઠીક છે…તો પણ એક કટ્ટર ફેસબુકિયા તરીકે તું આ જવાબદારીમાંથી છટકી ના શકે, તારે પણ રિવ્યૂ લખવો જ પડશે, કોઇ બહાનું નહીં ચાલે!”

“ઝુકર પ્રભુ, અમે કાઠિયાવાડી, આમ કાંઇ લુખ્ખીથી ડરી ના જઈએ, લખું કે ના લખું એ મારી મરજી..આમ ધમકી ના આપો…ના લખ્યું તો શું કરી લેશો?”

“દુષ્ટ તારી આટલી બધી હિંમત કે મારી સામે થાય છે? હું તને નર્કમાં નાખીશ!”

“ખી...ખી…ખી…ખી…” મારાથી જોરથી હસી પડાયું!

“કેમ દાંત કાઢે છે? તને નર્કની બીક નથી લાગતી?”

“બીક? નર્કની બીક? ઝુકર પ્રભુ, મને તો શું કોઇ ભારતીયને નર્કની બીક ના લાગે! સવારે જાગે ત્યારથી જદ્દોજેહદમાં લાગી જતા,લોકલ ટ્રેનની ભીડમાં અથડાતા-કૂટાતા, સરકારી ઓફિસોમાં અધિકારીઓના હાથે હડધૂત થતા, રેશનની લાઇનોમાં થોડીક ખાંડ કે બે લિટર કેરોસીન માટે કલાકો સુધી તપ કરતા, મજબૂરીવશ સરકારી હોસ્પીટલોમાં સબડતા ને ગેસના એક વધારાના સિલીન્ડર માટે એજન્સીવાળાને લબડતા કોઇ પણ ભારતીયને તમે નર્કની બીક આપીને ડરાવી ના શકો!”

“મૂર્ખ…મારું નર્ક એનાથી પણ વધારે યાતનામય છે, મારા નર્કનું નામ પડે ત્યાં ભલભલા થથરી જાય છે, આતંકવાદીઓ પણ પોતાનું હથિયાર હેઠી મૂકીને શરણે આવી જાય છે!”

“પ્રભુ, એવું તે વળી શું છે આપના નર્કમાં?”

“ઠીક છે, તો હવે તને નર્કનો અનુભવ કરાવીજ દઉં…આજથી તને તારા ફેસબુકના મિત્રો દ્વારા રોજના ૧૫૦ લેખે પોસ્ટમાં ટેગ કરવામાં આવશે, રોજની તને કેન્ડીક્રશ સાગા રમવાનીની ઓછામાંઓછી ૭૫ રિકવેસ્ટ આવશે, રોજ તને ઓછાંમાં ઓછાં ૩૦ ગૃપમાં એડ કરવામાં આવશે……”

“નહીં પ્રભુ..નહીં…આવો જુલમ ના કરો…હું આપ કહો તે કરવા તૈયાર છું, આપ કહો તો નથી જોયાં એવા મૂવીના રિવ્યૂ પણ લખી નાખું, આપ કહો તો હજુ  નથી બન્યાં એવાં મૂવીનાં રિવ્યૂ પણ લખી નાખું…પણ આવી ભયાનક સજા ના કરો!”

ને મારી આંખ હવે ખરેખર ઊઘડી ગઈ, એટલો પરસેવો થયો હતો કે પથારી પણ ભીની (પરસેવાથી સ્તો વળી!) થઈ ગઈ હતી. આજુબાજું માં કોઇ નહોતું. હાશ…આ સપનું જ હતું, એક ભયાનક સપનું…પણ તોયે જોખમ ના લેવાય, હવે રિવ્યૂ તો લખવોજ પડશે, ’બે યાર’નો રિવ્યૂ ના લખ્યો ને રખે ઝુકર પ્રભુએ સપનામાં આપેલી ભયાનક અતિભયાનક ધમકી સાચી પડી ગઇ તો? આમાં જોખમ ના લેવાય બોસ!

તમારે ’બે યાર’નો એક વધુ રિવ્યૂ સહન કરવોજ રહ્યો…આવતી કાલે!
લખ્યા તારીખ ૨૩.૦૯.૨૦૧૪

રેશનાલિઝમ: વળી એક વધુ કટ્ટર સંપ્રદાય?

આશરે વીશેક વર્ષ પહેલાંની વાત છે. રાજકોટમાં રેશનાલિસ્ટોનું એક અધિવેશન યોજાયું છે. ગુજરાતભરમાંથી સારા સારા વિચારકો આવ્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઇ પણ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય સાથે થતી હોય છે આ એક ઔપરાચિકતા છે, પણ આ તો રેશનાલિસ્ટોનો કાર્યક્રમ છે આમાં દીપ પ્રાગટ્ય કરાય? તો તો ઘોર અનર્થ થઈ જાય! એટલે પછી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત એક ગુલાબનું ફૂલ આપીને કરવામાં આવે છે. શ્રોતાઓમાં બિરાજમાન કટ્ટર રેશનાલિસ્ટોમાં ચણભણ થાય છે, ’રેશનાલિઝમમાં ફૂલ આપીને સ્વાગત કરી શકાય ખરું?’

        કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કરવું એ માત્ર સંસ્કૃતિ જ નહીં પણ ભાવના સાથે પણ જોડાયેલ છે. (આ સંસ્કૃતિ શબ્દ સામે વળી કોઇ રેશનાલિસ્ટને વાંધો નહીં પડે ને?) અને સામાન્ય રીતે પુષ્પનો હાર પહેરાવીને અથવા પુષ્પગુચ્છ આપીને તો અમુક જગ્યાએ સુતરની આંટી પહેરાવીને મહેમાનોનું સ્વાગત કરવાની પરંપરા છે. (’પરંપરા’! વધુ એક ઘોર અનર્થકારી શબ્દ! હે માં! (હે પ્રભુ તો ના બોલાય!) ડગલેને પગલે આવતી આ અડચણો વચ્ચે હું આ લેખ પૂરો કઈ રીતે કરીશ?) દીપ પ્રગટ્યમાંથી ધાર્મિકતાને થોડીવાર સાઇડમાં મૂકી દઈએ તો કોઇ પણ કાર્યક્રમની શરૂઆતમાં, (શારીરિક રીતે તો)  સભાખંડમાં બેઠેલા પણ શેરબજારથી માંડીને સંસદ ભવન સુધી ભટકતા આત્માઓને સભાખંડમાં પરત લાવીને એમનું ધ્યાન મંચ તરફ કેન્દ્રિત કરવું જરૂરી છે અને એના માટે કોઇક ઔપચારીક વિધી કરવી પડે તો પછી દીપ પ્રાકટ્ય શા માટે નહીં? દીવો હિન્દુ ધર્મ સાથે જોડાયેલ છે એટલા કારણથીજ અસ્પૃશ્ય થઈ જાય?

        Rational શબ્દનો અર્થ ગુજરાતી લેક્સિકોનમાં આ મુજબ છે, સમજશકિતવાળું, વિચાર શકિત ધરાવતું બુદ્ધિગમ્ય, બુદ્ધિશાળી, બુદ્ધિસંપન્ન, વિચારશકિતવાળું. સરસ વાત છે, જોવા જઈએ તો રેશનલ હોવું એ ખરેખર વ્યક્તિગત, સમાજ માટે અને કુટુંબ માટે બહુ સારી અને હિતકારી વાત છે. પણ જે હાલત આ રાજકારણીઓએ ભારતના સેક્યૂલારિઝમની કરી છે લગભગ એજ દશા રેશનાલિઝમની આજના બની બેઠેલા અધકચરા રેશનાલિસ્ટોએ કરી છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. આજકાલના કહેવાતા રેશનાલિસ્ટો રેશનાલિઝમને માટીના પીંડાની જેમ કુંભારને ચાકડે ચડાવીને પછી પોતાને અનુકૂળ આવે એવા અર્થનો ઘાટ ઘડી નાખે છે! પૂજાપાઠ કે મંત્રતંત્ર અને અંધશ્રદ્ધા સામે રેશનાલિસ્ટોને વાંધો હોય એ સમજી શકાય છે પણ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં રેશનાલિઝમ ઉપર ક્યું આભ તૂટી પડતું હશે એ મને આજે પણ નથી સમજાયું! આ તો અદ્દલ પેલી વાત જેવું થયું કે નાની અમથી બાબતોને કારણે લોકોને લાગવા માંડે છે કે “ફલાણા ઢીકણા ધરમ ખતરે મેં હૈ…” એમ એક માસૂમ ફૂલને કારણે આખું રેશનાલિઝમ ખતરામાં પડી જાય!

        વીવેકપંથી નામનું સુંદર વિચાર પ્રેરક મેગેઝીન ચલાવતા ગુલાભભાઇ ભેડાએ રેશનાલિસ્ટનાં બત્રીસ લક્ષણો ગણાવ્યાં છે, એમાંનાં કેટલાંક જોઇએ તો..
 • જન્મથી જ જીવન શરૂ થાય છે અને મૃત્યુથી પૂર્ણ થાય છે; એની આગળ કે પાછળ કશુંજ નથી હોતું એવી દ્રઢ માન્યતા.
 • જીવન નિર્ભેળ, નિર્બંધ અને મુક્ત આનંદ માટેજ છે એવી સ્પષ્ટ અનુભૂતિ.
 • તારાઓ નક્ષત્રો, ગ્રહો વિશે કૂતુહલ, પણ માનવ પર એની અસર માનવાનો ઈન્કાર.
 • ચિંતનશીલ પણ ચિંતાઓથી દૂર.
 • વ્યક્તિ, વાત અને વસ્તુનું તટસ્થ રીતે વિવેકબુદ્ધિથી મૂલ્યાંકન કરી જાણે.
 • જિદી ખરો પણ જડ નહીં.
 • નિંદા અને ખુશામતથી પર.
 • પ્રતિસ્પર્ધી જરૂર બને પણ કોઇને પાડી દેવાની વૃતિ નહીં.
 • તાર્કિક દલિલો ભરપૂર કરે પણ વિતંડાવાદથી દૂર રહે.
 • કોઇ પણ સુધારો સ્વીકારવા તત્પર

વગેરે..વગેરે..

        આ બધી તો બહુ સરસ વાતો છે, એની સામે કોઇને વાંધો શા માટે હોઇ શકે? તો પછી રેશનાલિઝમ અને રેશનાલિસ્ટ આજે આટલા અળખામણા કેમ થયા છે? રેશનાલિઝમ જેવી સુંદર વિચારધારાને નૂકશાન કઈ કઈ બાબતોએ કર્યું છે એ સમજવાની કોશિશ કરીએ.

 • ટૂંકી દ્રષ્ટિ: રેશનાલિઝ્મ એટલે કે વિવેકબુદ્ધિવાદ, જ્યાં વિવેકબુદ્ધિથી વિચારવાની વાત હોય ત્યાં કદી ટૂંકી દ્રષ્ટિ સંભવે ખરી? આમ જોવા જઈએ તો બન્ને સામા છેડાની વાત છે, પણ આજકાલના રેશનાલિસ્ટોએ આ દિવસ અને રાતને ભેગા કરી દેવાનું શક્ય કરી દેખાડ્યું છે! કોઇ પણ સામાજિક કે રાજકિય ઘટના બને એટલે એના સંદર્ભે આવનારા વર્ષોમાં આવનારા એનાં પરિણામો અને સ્પર્શતાં અન્ય પરિમાણો અંગે જરીકે લાંબું વિચાર્યા સિવાય, ’ભમ’ દઈને પોતાનો કહેવાતો ’રેશનલ’ અભિપ્રાય ફેંકી દેવાનો! પોતાના પગના પંજાથી આગળનું જોવાનુંજ નહીં! આજકાલના સમયની વિંટબણા કહો તો વિટંબણા એ છે કે આજના સમયમાં આવી ઉલટીઓ કરવા માટે સોશ્યલ મીડિયા એ હાથવગું સાધન છે.
 • જડતા: વળી પાછો આ બીજો એવો શબ્દ છે રેશનાલિઝમમાં તદ્દન સામેના છેડે જ આવે, પણ આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકોમાં આ ભરપૂર જોવા મળે છે. સાચું રેશનાલિઝમ કદી ભૂલનો સ્વીકાર કરવામાં રોકતું નથી. ભૂલ કોઇનાથી પણ થઈ શકે છે. ઉતાવળે અભિપ્રાય અપાઈ જાય એવું બની શકે અને કોઇ ક્ષતિ તરફ આંગળી ચીંધે ત્યારે ભૂલ સુધારવામાં અને અફસોસ વ્યકત કરવામાં પાછો ના પડે એ સાચો રેશનાલિસ્ટ. પણ વો દિન કહાં?
 • અહંકાર: તર્કબદ્ધ ચર્ચા વિતંડાવાદમાં પરિણમવા પાછળનું કારણ મોટાભાગે ’તારા કરતાં હું વધારે જાણું છું’ એવો અહંકાર હોત છે. પરિણામે ચર્ચામાંથી તર્કની બાદબાકી થઈ જાય છે અને શરૂથાય છે ગાળાગાળી અને રચાય છે સામે વાળાને હલકો દેખાડવાની શાબ્દિક માયાજાળ! (અલબત્ત, એ વાત અલગ છે કે સામેવાળાને હલકો દેખાડવાની આ વૃત્તિ વ્યક્તિને ખુદને પતનની ગર્તામાં લઈ જાય છે.)
 • પૂર્વગ્રહિત માનસિકતા: સામાન્ય રીતે એવું જોવાઈ રહ્યું છે કે આજકાલ પોતાને રેશનાલિસ્ટ તરીકે ઓળખાવતા લોકો કોઇને કોઇ ગ્રંથિથી ગ્રસિત છે. અમુક લોકો જકડીને એવી ગાંઠ વાળીને બેઠા છે કે જે કાંઇ પરંપરાગત છે એ બધુંજ ખરાબ છે, તો અમુક લોકોની દ્રષ્ટિએ જે કાંઈ ભારતીય અને ભારતીય સંસ્કૃતિને લગતું છે એ માત્ર ઘેટાંઓને માટેજ છે! કેટલાક લોકો પોતાના રાજકિય પૂર્વગ્રહોને લઈને રેશનાલિઝમમાં ઘુસેલા છે, જેઓનું માનવું છેકે આજે દેશની એકતા અને અખંડિતતા સામે સૌથી મોટો ખતરો હિન્દુત્વવાદી કોમવાદનો છે! (રાહુલ ગાંધી આવું કહ્યાનું વિકિલિક્સે કદાચ ૨૦૧૧ કે ૨૦૧૨માં કહ્યું પણ આવું બેશર્મ અને નફ્ફટ સ્ટેટ્સમેન્ટ લલિત નગરશેઠ નામના એક ’મહાન’ રેશનાલિસ્ટનું છે જે ’વીવેકપંથી’ના વિશેષાંકમાં ૫૬મા પાને છપાયેલું છે!)
રેશનલ વ્યક્તિએ છે જે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને વાતનું મૂલ્યાંકન કરે છે પણ અહીં તો એવું છે કે બોલનારનાં કપડાંનો રંગ જો અમુક તમુક હોય તો એની વાત ખોટી અને પરંપરાવાદી તથા અંધશ્રદ્ધા વધારનાર છે એવું આજના ધધૂપપૂ રેશનાલિસ્ટો પહેલેથીજ નક્કી કરી નાખે છે!

બીજી એક વિચિત્ર પ્રજાતિ રેશનાલિઝમમાં ઘુસેલી જોવા મળે છે જે રેશનાલિઝમના નામે વર્ણવ્યવસ્થાને કારણે સમાજના એક વર્ગને જે સહન કરવું પડ્યું છે એને યાદ કરી કરીને સતત સમાજના અમુક ચોક્કસ વર્ગને ઉદ્દેશીને ભાંડણલીલા ચલાવતા રહે છે, યાદ રહે, અત્રે એવું બિલકુલ પ્રસ્થાપિત કરવાનો ઈરાદો નથી કે વર્ણવ્યસ્થા બહુ સારી હતી કે કોઇને કશો અન્યાય થયો નથી, કહેવું માત્ર એટલું છે કે અહીં પણ અમુક લોકો વિવેકબુદ્ધિને અલવિદા કરી, માત્ર પૂર્વગ્રહિત માનસિકતા લઈનેજ બેઠા છે જે રેશનાલિઝમની ઘોર ખોદે છે!

ટૂંકમાં આજકાલ રેશનાલિઝમને નામે જે કાંઈ જોવા મળે છે એ જોતાં લાગે છે કે રેશનાલિઝમ નામના એક નવા કટ્ટર સંપ્રદાયનો ઉદય થયો છે. એવો કટ્ટર સંપ્રદાય કે જે પોતાના વિચારો રાખે અને કોઇ વિરોધ કરે તો એને મૂર્ખ, ઘેટાં, ગધેડા જેવા શબ્દો વડે અપમાનિત કરીને હડધૂત કરી કાઢવાના અને જે હઈશો હઈશોમાં જોડાઈ જાય એ બધા મહાજ્ઞાની! ટૂંકમાં કટ્ટર ધાર્મિક સંપ્રદાયોની જેમજ, પોતાના વાડામાં ઊંધું ઘાલીને હાજીહા કરવા વાળાં ઘેટાંઓ ભેગાં કરવાની વૃત્તિ. આ પ્રકારના રેશનાલિસ્ટો ચામાચીડિયાની જેમ ઝાડ પર ઊંધા લટકે અને પછી બૂમાબૂમ કરી મૂકે કે “જુઓ જુઓ…હું નહોતો કહેતો કે દુનિયા ઊંધી છે!”

ચુસ્ત હિન્દુ, ચુસ્ત મુસ્લીમ, ચુસ્ત સ્વામિનારાયણ, ચુસ્ત જૈન, ચુસ્ત વૈષ્ણવ ની જેમ હવે ચુસ્ત રેશનાલિસ્ટ શબ્દો સાંભળવા મળે તો નવાઈ નહીં લાગે….

ઊંબાડિયું:
સામાન્ય રીતે કોઇનું અવસાન થાય તો એને ’ફલાણા ઢીકણા સ્વર્ગસ્થ થયા છે’ એમ કહેવામાં આવે છે, પણ જો મરનાર ચુસ્ત રેશનાલિસ્ટ હોય તો શું કહેવાય?

’ફલાણા ઢીકણા તર્કસ્થ થયા છે!”

(નોધ: લખનાર પોતે રેશનાલિઝમને સારી રીતે સમજી ગયા  છે એવો અહીં કોઇ દાવો નથી, લેખક રેશનાલિઝમને સમજવાની કોશિશ કરે છે એમ કહી શકાય.)
લખ્યા તારીખ: ૨૬.૦૮.૨૦૧૪

ગતકડું: અમેરિકા એક ભંગાર દેશ!

"અરે પણ સાવ આવું તે કાંઈ હોતું હશે?"

"શેની વાત કરો છો ગરબડદાસ?"

"અરે પણ આ તો ખરેખર હદ કે’વાય!"

"શું હદને શેની હદ એ મગનું નામ મરી પાડો તો કાંક ખબર પડે!"

"અરે ઓધડદાસ, આ અમેરિકા જુઓને...કેવો ભંગાર દેશ છે!"

"કાં લે વળી..તમને શું વાંધો પડ્યો અમેરિકા સામે? સાહેબને વિઝા નહોતા આપતા એટલે? હવે માફ કરી દો એ વાત પર..હવે તો ઉંબરે કંકુ-ચોખા પણ મૂકી ગયા પછી શું છે?"

"અરે ઓઘડદાસ, એમ વાત નથી!"

"તો? તો કેમ વાત છે? તમે ઓલ્યા પચા-પંચાવન જણે વિઝા ન આપવાની અરજી કરેલી ઈ માઇલા છો કે નોતરું મળવાથી દુ:ખી થઈ ગ્યા?"

"અરે ના ભઈ...ઈતો તેડાવે એની ગરજે એમાં આપણા કેટલા ટકા!"

"તો પછી આટલા આકળા કેમ થયા છો અમેરિકા ઉપર? હવે તો પેલાં દેવયાની બેન વાળું પણ ટાઢું પડી ગયું!"

"ઓઘડદાસ....એ ખોબ્રાગડે સારુ હું મારું ખોપરું ખપાવું  ઇ માઇલો નઈ હો...તેલ લેવા ગઈ એ બાઇ!"

"અરે હા ગરબડદાસ, તેલ ઉપર યાદ આવ્યું, મને લાગે છે કે આ ઈરાકમાં અમેરિકાએ જેદી જરૂર નોતી તેદી જમાદારી કરીને હવે જરૂર છે ત્યાર હાથ ઊંચા કરી લીધા એમાં તમને વાંધો પડ્યો હશે, નંઈ?" 

"ઓઘડદાસ...ઓઘડદાસ....ઝીંકાઝીક બંધ કરો ને હું કહું છું ઇ સાંભળો, નકર મારા પંડ્યમાં બગદાદી આવવાની તૈયારી છે!"

"તી હું યે કંઇનો ઈજ કઉં છું કે આમ આડાઅવળી વાત કરવા કરતાં ભહી નાખોને સીધેસીધું કે અમેરિકા તમને ભંગાર કેમ લાગ્યું?"

" આ તમે છાપામાં નોં વાંચ્યું ઓઘડદાસ આજે?"

"શું વાંચવાનું? છાપામાં તો ઘણું આવે છે, વશીકરણ ની જાહેરતાથી રાશિભવિષ્ય સુધીનું..આમાં અમેરિકાને શું લેવા દેવા?"

"અરે ભઈ...ઈ નહીં...ઓબામાભાઇના સમાચાર હતા એની વાત કરું છું!"

"ઓબામાભાઇના એવા શું સમાચાર હતા કે તમે આમ આખા અમેરિકા ઉપર અકળાઇ ગયા?"

"બન્યું એવું કે કાલ્ય ઓબામાંભાઇ કોઇ હોટલમાં જમવા ગયેલા.."

"હા તે જાય..એમાં શું થઈ ગ્યું? બચાડાં મીશેલ બેનને પણ રાંધણિયામાં કોક દિ તો રજા જોયેને! એમાં અમેરિકા ઉપર કાં અકળાઇ જાવ?"

"અરે પણ ઓઘડદાસ તમે પૂરી વાત તો સાંભળો, ઈ હોટલમાં ખાવાવાળાની લાંબી લાઇન હતી..."

"બચ્ચાડા બધા ઘરના દુખિયા હશે!"

"ઓઘડદાસ...હવે વચમાં એક અક્ષર બોલ્યા છો તો..."

"અરે નહી બોલું...ઓઘડદાસ બોલો બોલો આ લાંબી લાઇન હતી એમાં અમેરિકા કેમ ભંગાર દેશ?"

"આ ઓબામાભાઇને બિચારાને કેટલા વહીવટ હોય..એટલે એમણે લાઇનમાંથી બેચાર જણને ઠેકાડીને પોતાનો વારો લઈ લીધો, એમાં તો પબ્લીકે દેકારો કરી મૂક્યો ને બિચારા ઓબામાભાઇએ માફી માગવી પડી!"

"હા હો ગરબડદાસ...માળું બેટું ઈ જબરું કેવાય! આપણી ન્યાં તો પચ્ચાહજારની વસ્તીવાળા ગામનું બે બદામનું કોર્પોરેટરિયું હોય તો એને પણ કાંઇ કેવાય નહીં, નહીંતર ફડાકાવાળી થઈ જાય!"

લખ્યા તારીખ: ૧૨.૦૭.૨૦૧૪

મિશન ઈમ્પોસિબલ!

ઈતિહાસનું આજે પુનરાવર્તન થતું હતું. પોતાની આલિશાન ઓફીસની એસી ચેમ્બરમાં બેઠા બેઠા શ્રી બુદ્ધ, ગૂગલ હેંગઆઉટ દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા પોતાના શિષ્યો સાથે ધર્મલાભ કરતા હતા ત્યાં પટાવાળાએ આવીને સમાચાર આપ્યા કે, “એક સ્ત્રી રડતાં રડતાં આવી છે અને આપને મળવા માગે છે.”

સાંભળી ૧૮ ડીગ્રી ટેમ્પરેચરમાં પણ શ્રી બુદ્ધના કપાળે પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયાં! પ્રસંગ યાદ આવી ગયો. થોડા વર્ષો પહેલાં આજ રીતે અચાનક કોઇ સ્ત્રી આવેલી ચડેલી, અને ખબર નહીં, નેટ પરથી સર્ચ કરતાં શ્રી બુદ્ધનો પ્રોફાઇલ જોઇને એને કોણ જાણે શું ગેરસમજ થયેલી કે સાવ અજૂગતી માગણી લઈને આવેલી! બનેલું એવું કે એનો  વીશ વરસનો એકનો દીકરો લઠ્ઠાકાંડનો ભોગ બનીને મૃત્યુ પામેલો અને સ્ત્રી શ્રી બુદ્ધ પાસે એને જીવતો કરવાની માગણી લઈને આવેલી! થોડીવાર તો શ્રી બુદ્ધ ચકરાવે ચડી ગયેલા કે આને સમજાવવી કેમ? પણ ભલું થજો પિયુન પ્રાગજીનું કે એણે કાનમાં પેલો જાણીતો રાઈ વાળો ઉપાય સુઝાડ્યો! ને સ્ત્રીને ટાસ્ક આપીને રવાના કરી દીધેલી કે જેના ઘરમાં કોઇ મૃત્યુ ના થયું હોય એવા ઘરેથી એક મુઠ્ઠી રાઈ લઈ આવ એટલે તારા દીકરાને જીવતો કરી દઉં!

શ્રી બુદ્ધને મનમાં પહેલી ચિંતા તો પેઠી કે ક્યાંક સ્ત્રીને એવું ઘર તો મળી નથી ગયું ને જ્યાં મૃત્યુ ના થયું હોય! જો એમ બન્યું તો શું કરવું એવા વિચારમાં શ્રી બુદ્ધ માથું ખજવાળતા હતા ત્યાં આગતુક સ્ત્રી ચેમ્બરમાં પ્રવેશી. એને જોઇને શ્રી બુદ્ધનો શ્વાસ હેઠો બેઠો કેહાશ. નથી!”

આગંતુક સ્ત્રી ચહેરા પરથી એકદમ  ચિંતાતુર દેખાતી હતી. શ્રી બુદ્ધે ઈશારાથી એને ખુરશીમાં બેસવાનું કહ્યું, અને પછી હળવેથી પૂછ્યું, “બોલો બહેન, આપની શું સમશ્યા છે? હું આપની શું મદદ કરી શકું?”

આગંતુક સ્ત્રીએ  સૌ પ્રથમ તો  જણાવી દીધું કેતમારે કામ કરવું હોય ત્યારે તમે કેવી રીતે છટકી જાવ છો મને ખબર છે, પેલો રાઈ વાળો કિસ્સો મારા વાંચવામાં આવી ગયેલ છે એટલે મહેરબાની કરીને બહાનું કાઢતા!”

શ્રી બુદ્ધને હવે કપાળની સાથે સાથે હથેળીમાં પણ પરસેવો છૂટી ગયો! “બાપરે..આતો બહુ પહોંચેલી માયા લાગે છે! ઠીક છે પહેલાં એની સમશ્યા તો સાંભળી લઉં પછી પડશે એવા દેવાશે!”

આગંતુક સ્ત્રીએ ધીમા અવાજે ને ગળગળા સાદે પોતાની સમશ્યા રજુ કરી અને સાંભળીને શ્રી બુદ્ધને ચક્કર આવતાં આવતાં રહી ગયાં! “અરે બાપરે.. તો અતિશય અઘરું ટાસ્ક! હવે આમાંથી કેમ છટકવું? રાઇ વાળામાં તો આણે પહેલેથીજ બાંધી લીધો હતો!”

શ્રી બુદ્ધ પહેલાંતો મુઝાયા, પછી મનમાં ગૂગલ દેવનું સ્મરણ કરીને માઉસ પર આંગળીઓને રમતી મૂકી. થોડીવાર આમતેમ ક્લીક કરી છેવટે ઊંડો શ્વાસ લઈ, આગંતુક સ્ત્રીની સામે નજર માંડતાં કહ્યું, ”જૂઓ બહેન, કામ થઈ જશે પણ હું તમને ઉપાય બતાવું કરવો પડશે. તમને અઘરું ના લાગે માટે હું તમને એક નહીં પણ ઘણા વિકલ્પ આપું છું એમાંથી કોઇ પણ એક ઉપાય કરી નાખો એટલે તમારું કામ થઈ જશે!”

બોલો બોલો..તમે કહેશો હું કરવા તૈયાર છું..” આગંતુકે આશાભરી નજરે જોયું.

જુઓ, ઉપાય પહેલો, એવો અર્ધ વપરાયેલો સાબુનો કટકો લઈ આવો જે નહાતી વખતે ક્યારેય કોઇના હાથમાંથી છટક્યોજ ના હોય!”
આગંતુક સ્ત્રીએ ચીડાઇને કહ્યું,”શક્ય નથી, બીજો વિકલ્પ આપો..”

તો પછી એક કામ કરો..એવા ઘરેથી થોડા લીલા વટાણા લઈ આવો, જે ઘરમાં વટાણાની શીંગો ફોલતી વખતે એકપણ વટાણો છટકીને સોફા નીચે, કબાટ નીચે, ડાયનિંગ ટેબલ નીચે કે પલંગની ને ગયો હોય!”

ત્રીજો વિકલ્પ…” આગંતુકે પગ પછાડતાં કહ્યું.

 “તો પછી એવી સ્ત્રી શોધી લાવો, જેણે પોતાના ઘરે મળવા આવેલી બહેનપણીને જવાના સમયે ફાયનલ ગુડ બાય કરી દીધા પછી પણ કમ્પાઉન્ડના દરવાજે ઊભીને પંદર મિનિટ વાતો કરી હોય, અથવા એવો પુરુષ શોધી લાવો જે્ણે ટીવી જોતી વખતે પોતાના હાથમાં રિમોટ હોય અને એવરેજ બે મિનિટના એક ના હિસાબે ચેનલ ના બદલી હોય!”

પેલી સ્ત્રી ગુસ્સાથી આગબબૂલા થતી ઊભી થઈ, પગ પછાડીને મનમાંને મનમાં શ્રી બુદ્ધને મણ મણની ચોપડાવતી જતી રહી!

પછી દૂર ઊભીને તમાશો જોઇ રહેલો પિયૂન પ્રાગજી પાસે આવ્યો અને શ્રી બુદ્ધને ઉદ્દેશીને કહ્યું,”ક્યારેક તો કોઇક નું કામ કરો! જ્યારે હોય ત્યારે આવાં ને આવાં નાટક કર્યા કરો છો તે! પેલી નું તો સમજ્યા કે દીકરાને જીવતો કરવાનું અશક્ય કામ હતું એટલે તમે રાઇના બહાને કાઢી મૂકી, પણ આનું કામ તો કરવું હતું!”

બોલ્યા મોટા ઉપાડેઆનું કામ તો કરવું હતું…”શ્રી બુદ્ધે ચિડાઈને પ્રાગજીના ચાળા પાડ્યા, અને આગળ કહ્યું, “ દોઢ ડાહ્યો થાય છે તે તને ખબર છે કે આને શું કામ હતું? આના કરતાં તો પહેલાં આવેલી એનું કામ સહેલું હતું. એનો મોબાઇલ નંબર હોય તો એને કોલ કરીને બોલાવ, રાઇ વાળું કેન્સલ કરીનેય એના દીકરાને જીવતો કરવાનું કાંક ગોઠવુંપણ આનું તો અસંભવ..!”

કેમ એવું વળી શું કામ હતું કે મરેલાને જીવતો કરવા કરતાં પણ અઘરું હોય?” પ્રાગજી પ્રશ્ન ચિહ્ન બની ગયો.

તો સાંભળ, મન મક્કમ અને હૈયું સાબુત રાખીને સાંભળ કે આને શું કામ હતું! આને એના મંદબુદ્ધિ પપ્પુને પ્રાઈમ મિનિસ્ટર બનાવવો હતો, બોલ, શક્ય છે?”


ને પ્રાગજી બેભાન!
લખ્યા તારીખ: ૦૬.૦૫.૨૦૧૪.