Saturday, January 17, 2015

રૂપિયા-પૈસાના ચલણ વિનાની ’આ તે કેવી દુનિયા’!

 
 કાંદીવલી સ્ટેશન, સાંજના સાડાસાત-આઠની આસપાસનો સમય છે. મુંબઈનો વરસાદ એની આદત મુજબ ટાણું કટાણું જોયા વિના પોતાની મસ્તીથી વરસી રહ્યો છે. ત્રીસ-બત્રીસ વરસનો એક યુવાન લોકલમાંથી ઉતરી, સ્ટેશન બહાર નીકળી, પોતાના ઘરે જવા માટે ઓટો રીક્ષા શોધે છે, પણ અહીં તો આડા દિવસે પણ રશ અવર્સમાં રીક્ષા પકડવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે ને એમાંયે જયારે વરસાદ ચાલુ હોય ત્યારે તો પૂછવું જ શું! પંદર મીનિટ..અરધી કલાક..કલાક…પણ હજુ રીક્ષા સુધીની લાઇન ટૂંકી થવાનું નામ લેતી નથી. છેવટે કંટાળીને એ યુવાન ગાંધી ચીંધ્યા માર્ગે ઘર તરફ કૂચ કરવાનું વિચારે છે અને તરત અમલ પણ કરે છે!

ઘરની દિશામાં એક તરફ પગ ચાલે ને આ બાજુ મનમાં વિચારોની આંધી. કોઈ પણ વ્યક્તિના મનમાં આવા સમયે શું વિચારો ચાલતા હોય? બીજા શું વળી! મનમાં ને મનમાં, મુંબઈની લોકલને, વરસાદને, સરકારને અને રીક્ષાવાળાઓને મણ મણની જોખાવતો હોય! પણ ના, અહીં એવું નથી. આ યુવાનનું સર્જક મન કોઇ જુદીજ દિશામાં દોડી રહ્યું છે. એ વિચારે છે, અત્યારે મારી ખીસ્સામાં પૈસા છે, બીજા ઘણા લોકોના ખીસામાં પણ પૂરતા પૈસા હશે છતાં, ઘર સુધી પહોંચવા માટે રીક્ષા કે ટેક્ષી કશું ભાડે કરવામાં આ રૂપિયા કામ આવતા નથી, તો અત્યારે ખીસામાં પડેલા આ રૂપિયાની કિંમત કેટલી? છાપાંની પસ્તી જેટલી? કદાચ એનાથી પણ ઓછી! કેમ કે છાપાની પસ્તી પણ કામમાં આવે છે જ્યારે આ રૂપિયા તો અત્યારે સાવ નક્કામા છે! તો પછી એક એવી દુનિયા હોય તો જેમાં આ રૂપિયા-પૈસા કે પછી કોઇ સ્થૂળ નાણું ચલણ તરીકે ના હોય અને લોકોના કર્મોના આધારે બધો વહિવટ ચાલે?

      બસ, અહીં બીજ રોપાયું, એક અનોખી, હિન્દીમાં કે કોઇ પણ ભાષામાં કદી નથી આવી એવા વિષયવાળી ફિલ્મનું. મૂળ સૌરાષ્ટ્રના અને બોલિવુડમાં સંઘર્ષ કરતા, સર્જકતાથી ફાટફાટ થતા એવા યુવાન તેજસ પડિયા આવા પ્રયોગો કરવા એ નવી કે પહેલીવારની વાત નથી, મેઘાણીના ’ઘટમાં ઘોડાં થનગને’ કૂળના એવા ’અણેદીઠેલી ભોમ પર’ આંખ માંડવાની આદત ધરાવનાર તેજતર્રાર યુવાન છે, એટલે જ આ અગાઉ પણ ’એક શુક્રવાર’ નામની એક મોબાઇલ પર શુટ કરેલી ફિલ્મ અને સતિષ કૌશિક અને મનોજ બાજપાઇ જેવા દિગ્ગજોને લઈને એક ઝીરો બજેટ ફિલ્મ કરી ચુક્યા છે અને હવે ગુજરાતી દર્શકો માટે ’આ તે કેવી દુનિયા’ લઈને આવ્યા છે.

     લાંબા અને ચિત્રવિચિત્ર ઢંગધડાવગરનાં ગુજરાતી ફિલ્મોનાં નામો સાંભળવા અને વાંચવા ટેવાયેલા દર્શકોના કાન ’આ તે કેવી દુનિયા’ વાંચીને ચમકે એ સ્વાભાવિક છે. એક જિજ્ઞાસા ઊભી થાય છે નામ સાંભળીનેજ, નામમાં અદ્રશ્ય રીતે સંભળાતું પ્રશ્નાર્થ ચિહ્ન જોઇને. તો કેવી છે આ દુનિયા જેની દિગ્દર્શક તેજસ પડિયાએ અહીં કલ્પના કરી છે?

     આકાશ અને સમીર, શોલેના જય અને વિરુ જેવી આ મિત્રોની જોડી જેનું કામ છે ચોરીનું અને લોકોને ઠગવાનું, પૈસા લૂંટવાનું અને એ પૈસાથી તાગડધિન્ના કરવાનું. એકવાર એક બેંકમાં મોટો હાથ માર્યા પછી અનાયાસે એક એવી દુનિયામાં આવી જાય છે જ્યાં રૂપિયા પૈસાની કોઇ કિંમત નથી! પોતાની પાસે છેલ્લી બેંક લૂંટના સાઠ લાખ રોકડા ભરેલો થેલો છે પણ હોસ્પીટલ, બસ કે પછી ચા ની લારી, ક્યાંય પણ આ પૈસાનું મૂલ્ય છાપાંની પસ્તી જેટલું પણ નથી! શરૂઆતમાં બન્ને દોસ્તોને આ કશું સમજાતું નથી કે જ્યાં પણ જાય છે ત્યાં લોકો પૈસા લેવાની ને પૈસાના બદલે કાંઇપણ આપવાની ના શા માટે પાડે છે, પણ પછી છેવટે એક જાણીતો જણ દેખાય છે એ છે ભીખુ ભિખારી, એ ભીખુ ભિખારી જેને બેંકમાં ચોરી કરવાનો પ્લાન બનાવતી વખતે પાંચ રૂપિયા આપેલા. અહીં એ ભીખુ ભિખારી લકઝુરિયસ કારમાં છે! છેવટે આકાશ અને સમીર બન્ને દોસ્તો આ ભીખુ ભિખારીના કહેવાથી ’મગજના મિકેનિક’ એવા એક બાબા પાસે પહોંચે છે જેની પાસે દરેકનાં પાપ-પુણ્યનો હિસાબ છે. આ બાબા પાસે ગયા પછી બન્નેને સમજાય છે કે આ દુનિયાનો વહિવટ, વહેવાર અને લેવડદેવડ ચાલે છે માત્ર પુણ્યના પોંઇટ્સ પર! તમારા પૂર્વજન્મનાં કર્મોના આધારે આવેલું પુણ્યનું બેલેન્સ તો છેજ પણ સાથે સાથે અહીં પણ તમે જે કાંઈ સારાં કે ખરાબ કામ કરો છો એના આધારે તમારા પુણ્યના બેલેન્સમાં જમા ઉધાર થાય છે. આ બાબા એમને જગો ઉર્ફે જગદીશ,જે જમીન મકાનનો દલાલ છે એમની પાસે મોકલે છે, જગો મકાન અને વાહન(!)ની વ્યવસ્થા કરી આપે છે. મૂળભૂત રીતે ટૂંકા રસ્તે પૈસા કમાનારા જીવ એટલે અહીં પણ બન્નેને શોર્ટ કટ સુઝે છે અને પુણ્યના પોંઇટ કમાવા માટે જેમની પાસે પુણ્યનું ખૂબજ બેલેન્સ છે એવા પુણ્યથી માલેતુજાર શ્રીમંતની દીકરીનું અપહરણ કરે છે…

     પછી શું થાય છે? શું એ શ્રીમંત વ્યક્તિ પોતાની દીકરીને છોડાવવા માટે પોતા ભાગમાંથી આ બન્નેને પુણ્યના પોંઇટ્સ આપે છે? આ બધી ગરબડો, આ બન્નેની આ દુનિયામાં ટકી રહેવાની, જીવવાની અને કમાવાની જે મથામણ છે એમાંથી ગોટાળા સર્જાય છે એમાં હાસ્ય તો છેજ પણ સાથે સાથે એક સંદેશ પણ છે. બન્ને આ દુનિયામાં કેવી રીતે આવી ચડ્યા છે, પછી આ દુનિયામાં એમની શું હાલત થાય છે ને પાછા પોતાની મૂળ દુનિયામાં આવી શકે છે કે નહીં એ જાણવા માટે તમારે આ મૂવી ’આ તે કેવી દુનિયા’ જોવું જ રહ્યું.

     ગુજરાતી ફિલ્મોનો એક યુગ હતો, સુવર્ણયુગ પણ હતો એ જાણીને ૮૦ પછી જન્મેલી પેઢીને કદાચ નવાઇ લાગશે, એ યુગનું નામ હતું ઉપેન્દ્ર યુગ! ઉપેન્દ્ર ત્રિવેદીના સમયમાં ગુજરાતી ફિલ્મો ટોચ પર હતી, માત્ર ફિલ્મોજ નહીં ગીતસંગીત પણ માણવા લાયક હતું. ગુજરાતી લોકસંગીતની ઓળખ એવા પ્રફુલ્લ દવે પણ આ ઉપેન્દ્ર યુગની દેન છે. ઉપેન્દ્ર ત્રિવેદીના સમયમાં પરંપરાગત ગુજરાતી ફિલ્મોની સાથે સાથે કેટલીક માણવા લાયક અર્બન ફિલ્મો પણ આવેલી જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત ’સંતુ રંગીલી’, કાંતિ મડિયાની લેન્ડમાર્ક જેવી ’કાશીનો દીકરો’ ખાસ યાદ કરવી પડે. પછી રાજીવ અને દીપક ઘીવાલા સુધી બધું ઠીક ઠીક ચાલ્યું ને પછી ઓટલો વળી ગયો! શરૂઆત થઈ પતનની અને એક લાંબા અંધાકાર યુગની. ધીમે ધીમે એવું બન્યું કે એક આમ ગુજરાતીને પોતાની માતૃભાષામાં બનતી ફિલ્મોની વાર્તા અને પાત્રો કોઇ બીજા ગ્રહની વાત હોય એવું લાગવા માંડ્યું! એક બહુ લાંબા સમયગાળા પછેએ માત્ર બીબાંઢાળ ગુજરાતી ફિલ્મોની એક રેઢિયાળ પરંપરામાંથી ગુજરાતી સિનેમાને છોડાવવાનું શ્રેય આભિષેક જૈનને જાય છે જેણે પહેલાં ’કેવી રીતે જઈશ’ અને પછી હાલમાંજ ’બે યાર..’ જેવી હટકે ફિલ્મો આપીને દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચીને સાબિત કરી દીધું કે ગુજરાતી દર્શકો ગુજરાતી સિનેમાથી વિમુખ થયા એમાં દર્શકોનો વાંક નથી પણ વાંક ’વીર તાંબાના હાડાં-ઘડા વાળો’ છાપ ફિલ્મો બનાવતા નિર્માતા-દિગ્દર્શકોનો  છે. અભિષેક જૈને આ જે એક અર્બન ફિલ્મો બનાવવાની શરૂ કરી એજ પરંપરાની જ આ ફિલ્મ છે ’આ તે કેવી દુનિયા’. ને આ પરંપરાની હોવા છતાં ઘણી અલગ પણ છે. આ ફિલ્મને એક રીતે જોતાં ’ઓહ માય ગોડ’ અને ’પીકે’ ની પરંપરાની પણ કહી શકાય ને છતાં પાછી એ બન્ને ફિલ્મો કરતાં પણ ઘણી અલગ છે કારણ કે અહીં જે સંદેશ છે એ એકદમ સરસ ખટ્ટમીઠી ગોળી જેવો છે, સુગરકોટેડ ક્વિનાઈન જેવો પણ નહીં, જેના કારણે કોઇ વિવાદને તો કોઇ અવકાશજ  નથી.

     ’આ તે કેવી દુનિયા’ એટલે કે સ્વર્ગ અને નર્ક સિવાયનું કુદરતનું ત્રીજું ડિપાર્ટમેન્ટ, સાવ અલગ પ્રકારનોજ વિષય જે પહેલાં કદી આવ્યો નથી એના પર કામ કરવાનું અને એને ન્યાય આપવાનું પ્રમાણમાં નવોદીત કહી શકાય એવા લેખક તેજસ પડિયા, સ્ક્રીન પ્લે રાઇટર તેજસ પડિયા અને દિગ્દર્શક તેજસ પડિયા એ ત્રણેયને માટે ખૂબજ પડકારરૂપ રહ્યું છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એક બીજી બહુજ અગત્યની વાતની અહીં નોંધ લેવી પડે કે જ્યારે કોઇ ફિલ્મના લેખક. પટકથા લેખક અને દિગ્દર્શકના રોલમાં કોઇ એકજ વ્યક્તિ હોય ત્યારે એના સકારાત્મક પાસાં છે એજ રીતે કેટલાંક નકારાત્મક પાસાં પણ છે. કોઇ વાદ વિવાદ વિના, એકદમ સરળતાથી ફિલ્મ નિર્માણનું કામ આગળ વધતું રહે છે એ સકારાત્મક પાસું છે અને એજ બાબત નકારાત્મક પણ! કોઇ પણ ફિલ્મ પરદા પર આવતાં પહેલાં ચાર વખત બનેલી હોય છે, હા ચાર વખત! પહેલીવાર ફિલ્મ સર્જાય છે એના લેખકની કલ્પનામાં, એ પછી પટકથા લેખકની કલ્પનામાં અને ત્રીજી વખત નિર્માણ પામે છે દિગ્દર્શકના મનોજગતમાં. પછી જ્યારે ખરેખર નિર્માણ ચાલુ થાય છે ત્યારે આ ત્રણેય ફિલ્મો વચ્ચે ક્યારેક ક્યારેક ટક્કર સર્જાય છે, વાદવિવાદ થાય છે, ક્યારેક આ વિવાદ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે પણ છેવટે જે શ્રેષ્ઠ હોય એનો વિજય થાય છે! એટલે પરિણામ હમેશાં સારું આવવાની શક્યતા વધી જાય છે પણ જ્યારે ત્રણેય ભૂમિકામાં અલગ વ્યક્તિ ના હોય ત્યારે આ બાબતનો છેદ ઊડી જાય છે અને ક્યાંક, ચલાવી લેવાની ભાવના જીતી જાય છે.

     ઘણી બધી બાબતો એવી છે જે ’આ તે કેવી દુનિયા’ ને ખાસ બનાવે છે. જે રીતે આ પ્રકારનો વિષય પહેલીવાર આવ્યો છે એજ રીતે આ ફિલ્મ સાથે સંકાળાયેલા લગભગ તમામ લોકો માટે આ પહેલીવારનું છે. તેજસ પડિયા માટે આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો બધાજ કલાકારો માટે પણ પહેલો અનુભવ છે, સનત વ્યાસ જેવા દિગ્ગજ કહી શકાય એના માટે પણ! સુનીલ વિશ્રાણી સ્ટેજ અને ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો છે પણ ગુજરાતી ફિલ્મ તો પહેલીજ! ફિલ્મનું સંગીજ વિજું શાહનું છે અને એ કહેવાની જરૂર ખરી કે એમની પણ આ પહેલી ગુજરાતી ફિલ્મ છે? પદ્મેશ પંડિત બીજું એક એવું નામ છે જે ગુજરાતી તખ્તા પર છવાયેલું છે પણ આ એમની પહેલી ગુજરાતી ફિલ્મમાં એમણે  તકનો બરાબર લાભ લીધો છે અને છવાઈ ગયા છે, કેટલી જગ્યાએ કૃત્રિમ હાસ્યની ઓવર એકટિંગને બાદ કરતાં. સુનીલ વિશ્રાણી વર્ણાનુપ્રાસ દ્વારા શરુઆતમાં તો મઝા કરાવે છે પણ પછી સતત એ થાય છે ત્યારે એમાંથી હાસ્ત નિષ્પન્ન થવાને બદલે મોનોટોનસ અને બોરિંગ થઈ જાય છે. રાજ જટાનિયા અને કિંજલ પંડ્યા પોતાના હિસ્સે આવેલા કામને ન્યાય આપવાનો પ્રયત્ન કરે છે. યતિન પરમાર એકદમ નેચરલ ફ્લોમાં છેજ સુધી જાય છે.

     કુદરતના ત્રીજા ડિપાર્ટમેન્ટની કલ્પના તેજસભાઇએ સરસ રીતે કરી છે. જેમાં આધુનિક ટેકનોલોજી પણ છે. પાપ-પુણ્યના પોંઈટના પ્લસ માઇનસનો હિસાબ રાખવા માટે કમ્પ્યુટર છે જેમાં કોઇનું પણ નામ એન્ટર કરીને એનું બેલેન્સ જોઇ શકાય છે. દરેક વ્યક્તિને પોતાને પણ એસએમએસ દ્વારા પોતાનાં કર્મોને આધારે વધઘટ થતાં બેલેન્સનો એસએમએસ મળી જાય છે. અહીં, આ આખી ફિલ્મમાં પાપ અને પુણ્યને કોઇ ક્રિયાકાંડ, મંદીરો, જાત્રાધામો કે સાધુબાવાઓ અને ગુરૂઓ જેવા ઈશ્વરના આડતિયાઓ સાથે જોડવાને બદલે માત્ર અને માત્ર દરેક વ્યક્તિના કર્મ સાથે જોડી દીધેલ છે એ એકદમ વાસ્તવિક અને ગળે ઊતરી જાય એવું છે અને એ પણ કોઇની લાગણી દુભાવ્યા વિના! ક્યારેક કેટલાક લોજીલ સવાલો પેદા થાય ખરા કે જો ભાવસાર કાકા જેમાં કામ  કરે છે એ બેંક ત્યાંની ત્યાં છે કોર્પોરેશનની ઓફિસ છે બાકીનું શહેર છે તો પછી આકાશ જેમાં રહેતો હતો એ એપાર્ટમેન્ટ કેમ ગુમ થઈ ગયું? આવું નાનું મોટું જવા દઈએ તો ખરેખર, ગુજરાતી ફિલ્મોને જે સૌથી વધારે મર્યાદા છે નડે છે એ મર્યાદા બજેટની હોવા છતાં, મર્યાદિત બજેટમાં રમીને આખી ટીમે ખૂબજ મહેનત કરી છે અને એક અલગ પ્રકારની ફિલ્મ બનાવી છે એમાં કોઇ શક નથી. એક તો ગુજરાતી ને એમાંયે આવા ઓફબિટ કહી શકાય એવા વિષયની ફિલ્મનું નિર્માણ હાથમાં લેવાનું જોખમ લેવા બદલ અરવિંદ ખત્રી એન્ડ સન્સ વાળા વિજય ખત્રી પણ ઓછા અભિનંદનના અધિકારી નથી. વિજયભાઇને ખાસ તો અભિનંદન એટલા માટે આપવાં પડે કે તેજસભાઇ એ આ ફિલ્મને માત્ર હિંદીમાંજ બનાવવાનું નક્કી કરી નાખેલું. મુખ્ય પાત્ર આકાશ માટે શર્મન જોશી સાથે વાત થયેલી અને વાર્તા સાંભળ્યા પછી શર્મને પણ રસ દાખવેલો છતાં વિજયભાઇના માતૃભાષા પ્રેમ સામે તેજસભાઇએ નમતું જોખવું પડ્યું અને આપણને આવી સરસ ફિલ્મ મળી!

     તેજસભાઇ, વિજયભાઇ ખત્રી અને કલાકારોએ એ એમની ફરજ યોગ્ય રીતે બજાવી દેખાડી, હવે વારો આપણો છે. આપણે ગુજરાતના દર્શકોએ એ દેખાડી દેવાનું છે કે આપણને, આપણી ભાષાને બીજી આવી અલગ કહી શકાય એવી ફિલ્મો જોઇએ છે કે પછી આપણે ’વીર તાંબાના હાંડા ઘડા વાળો’ ટાઇપની ફિલ્મોને લાયક  છીએ? તો બેઠા છો શું, જો આ વાંચવાનું પુરું થયું હોય તો પડતી મૂકો આ ઈન્ટરનેટની દુનિયા અને પહોંચી જાવ નજીક્ના થિયેટરમાં જ્યાં ’આ તે કેવી દુનિયા’ ચાલતું હોય!

1 comment:

  1. Gujarati movies ni quality have dhire dhire sudhri rahi chhe ae joi ne aanad thay chhe . Bey yar ane kevi rite jais kharekhar bollywood ne takkar mare aevi hti .

    ReplyDelete