Thursday, November 29, 2018

સેક્યૂલર ગતકડું

લખ્યા તારીખ: 27/09/2013

થોડા સમય પહેલાં પી એમ ઇન વેઈટીંગ નરેન્દ્ર મોદીએ એક સભામાં ’સેક્યૂલારિઝમનો બુરખો’ એવો શબ્દપ્રયોગ કરેલો ત્યારે મીડિયામાં ખાસી કાગારોળ (આ શબ્દપ્રયોગ માટે કાગ સમાજની ક્ષમાયાચના!) મચેલી. દિવસોના દિવસો સુધી સેક્યૂલર બુરખો છવાયેલો રહેલો. ખાસ, બીજો કોઇ નહીં અને બુરખો શબ્દજ કેમ વાપરવામાં આવ્યો એને લઈને મહા મહા અને અતિજ્ઞાની પંડિતોએ એ વિષયમાં પીએચડી થઈ શકાય એટલાં તારણો અને અર્થઘટનો કરેલાં. મને લાગે છે કે નરેન્દ્રભાઇની ભૂલ તો ખરીજ, આ દેશમાં તમે તમારી જાતને પહેલવહેલાં તો કોમવાદી તરીકે ત્યારેજ સાબિત કરી દીધી જ્યારે તમે બહુમતીમાં જન્મ લીધો. (આ વાક્ય સામે જે કોઇ સેક્યૂલર ભાઇ કે બહેનને વાંધો હોય એણે NAC ના લક્ષીત હિંસા વિરોધી વિધેયકનો ડ્રાફ્ટ જોઇ જવો.) અને ’સેક્યૂલર ઘૂંઘટ’ જેવો સેક્યૂલર શબ્દ વાપરી શકાય એમ હોવા છતાં, ’સેક્યૂલર બુરખા’ જેવા શબ્દો તમે વાપરો, પછી ક્યાં કઈ કહેવાપણું વધે છે!

પણ એક વાત તો છે, કે આ સેક્યૂલારિઝમનો બુરખો છે બહુ કામની ચીજ! જુઓને આ તહેલકાવાળા સજ્જન પુરૂષ શ્રીમાન તરૂણભાઇ તેજપાલ, જેમણે પોતે જાતે જ, પોતાના નાનકડા અપરાધ બદલ પોતાની જાતને છ માસના હોલિ ડે પેકેજની અતિ કઠિનતમ ઘોર સજા આપી છતાં આ ગોવાની બદમાશ કોમવાદી સરકાર એની પાછળ પડી છે કારણકે તરૂણભાઇ સેક્યૂલર છે! (આવું મારું કહેવું નથી પણ તરૂણ તેજપાલે આગોતરા જામીન માટે કોર્ટમાં જે અરજી કરી છે એમાંના શબ્દો છે.) બિચારાને સેક્યૂલર હોવાની કેટલી કિંમત ચૂકવવી પડી કે એ જેને જોઇને ઉત્તેજીત થઈ ગયો એ છોકરીએ આ ધરતી પર જનમ લીધો!

ખરેખર આ દેશમાં સેક્યૂલર લોકોએ કેટલું બધું સહન કરવું પડે છે! સેક્યૂલર હોવાના કારણે અભિષેક મનુ સિંઘવીને એવો ડ્રાયવર ભટકાયો જે એના કારસ્તાનને મોબાઇલમાં રેકોર્ડ કરીલે! સેક્યૂલર હોવાને કારણે એન ડી તિવારીને તો કોઇએ કાવતરું કરીને ગળથૂથીમાંજ વિયાગ્રા જેવું કાંક પીવડાવી દીધેલું!

જેને દેશની બહુમતિ જનતાએ દિલમાં જગ્યા આપેલી ને સરઆંખો પર વરસો સુધી બેસાડેલ એ અઝહરૂદ્દીનને જ્યારે ફિક્સીંગમાં ફસાયો ત્યારે અચાનક યાદ આવ્યું કે પોતે તો લઘુમતિ છે! (આ પણ એક જાતનું સેક્યૂલારિઝમ જ કહેવાય ને?) પછી એને આ કૌભાંડી કારસ્તાન કરવાની લાયકાત માટે સાંસદની ખુરશી ઇનામમાં મળી એ અલગ વાત છે.

સેક્યૂલર હોવાને કારણે નદીમ અને દાઉદભાઇ જેવાઓએ આ દેશ છોડવો પડ્યો છે!

ટૂંકમાં તરૂણભાઇએ આ દેશની એક જમાત પર બહુ મોટો ઉપકાર કર્યો છે, આ સેક્યૂલારિઝમનો પુણ્યપંથ ચીંધીને! દિલ્હી નિર્ભયા કેસના આરોપીઓને પણ હવે ઉપલી કોર્ટમાં આ સેક્યૂલારિઝમ કામ લાગી શકે છે.

ખૂન કરો, ચોરી કરો, બળાત્કાર કરો, કૌભાંડ કરો જે કરવું એ કરો, બસ, છેલ્લે કલાપિની ક્ષમાયાચના સાથે,

"હા સેક્યૂલારિઝમ પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે..."

(અહીં મૂળ પંક્તિમાં મેં માત્ર એકજ શબ્દ ફેરવ્યો છે છતાં જો કોઇને અહીં સેક્યૂલારિઝમ ઓછું પડતું લાગે તો ’પવિત્ર ઝરણું’ ની જગ્યાએ ’આબે ઝમઝમ’ અને સ્વર્ગની જગ્યાએ ’જન્નત’ તથા પુણ્યની જગ્યાએ ’સવાબ’ શબ્દોનો પ્રયોગ કરવો હોય તો છૂટ છે!)