Thursday, November 10, 2011

BSNL કસ્ટમર કેર...who cares?



ભારતની અંદર સૌથી વધુ માળખાકિય સુવિધાઓ ધરાવતી અને સૌથી વ્યાપક માળખું ધરાવતી દૂરસંચાર કંપની કઈ? સૌથી થી જૂની દૂર સંચાર કંપની કઈ? એક ગ્રાહકની સામે રેશિઓ મુજબ સૌથી વધારે કર્મચારીઓ ધરાવતી દૂરસંચાર કંપની કઈ? આ બધા જ સવાલો નો જવાબ સાવ સહેલો છે, તાજું જન્મેલું બચ્ચું પણ કહી શકે કે બીએસએનએલ. તો ચાલો વધુ એક સવાલ, માર્ચ ૨૦૧૧ના આંકડાઓ મુજબ ભારતમાં સૌથી વધુ માર્કેટ શેર ધરાવતી દૂર સંચાર કંપની કઈ? તમે કહેશો કે કેવો વાહિયાત અને બેતુકો સવાલ છે? ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતાં સિમ્પલ લોજીક છે. કોઇ પણ (હજુ જન્મ્યું નથીએ એવું બચ્ચું) પણ કહી શકે કે બીએસએનએલ!

  ઠહેરો...અને હવે નીચે આપેલા ફીગર પર એક નજર નાખો,

Sl. No   .Name of Company    Total Sub Figures    Additions in Aug      %Market Share
1            Bharti Airtel             171,846,824        1,150,298                         28.09%
2            Vodafone Essar          144,144,031      1,133,024                       23.56%
3            IDEA                             98,441,714       2,330,239                      16.09%
4            BSNL                             90,622,219          388,057                      14.81% 



       તમામ સીધાં સાદા લોજીકને તોફોડીને આવો જાદુ કરવાની તાકાત, માત્ર એ ઓર્ગેનાઈઝેશન જ કરી શકે છે જે કાં તો સરકારી હોય, અર્ધ સરકારી હોય કે પછી પહેલાં સરકારી હોવાની જાહોજલાલી ભોગવી ચૂક્યું હોય!

       બધાથી શ્રેષ્ઠ સવલતો અને સરકારનું પીઠબળ હોવા છતાં પહેલો નંબર છોડીને છેક ચોથા નંબરે રહેવું હોય તો એના માટે કેટલી બધ્ધી મહેનત કરવી પડે છે એ અંગેના મારાં નિરીક્ષણ હું અહીં શેર કરૂં છું અને અન્ય બીએસએનએલ ગ્રાહકોને પોતાના અનુભવ શેર કરવા માટે આમંત્રણ આપું છું.

    આશરે ચારેક મહિના પહેલાં MNP લાભ (કે ગેરલાભ?) લઈને બંદા Videocon માંથી BSNL સાથે જોડાયા, Videocon શા માટે છોડ્યું એની કહાણી વળી ઔર રસપ્રદ છે, અવેલેબલ બધી જ કંપનીના ટેરીફ પ્લાનની સરખામણી કરતાં, Videocon લગભગ બધા જ કરતાં સસ્તું..રૂપિયા ૧૪૮ માં મહિનોભર રોજનો એક કલાક મફત વાપરવાની બાદશાહી, પણ બાદશાહી ભોગવવી પડે ગુલામની જેમ કેમકે કંપની નું નેટવર્ક પ્રકૃતિપ્રેમી એટલે આખાયે શહેરમાં ચાર દિવાલોની વચ્ચે હંમેશા બંડ પોકારે! શિયાળની કડકડતી ઠંડી હોય, ઉનાળાઅનો ધોમ તડકો હોય કે પછી વરસતો વરસાદ, જો તમને ફોનમાં વાત કરવાની ગરજ હોય તો દિવાલો અને છાપરાંની કેદમાંથી મુક્ત થાવ ને આકાશ નીચે આવો!

      એમ આવી ગયા BSNLમાં, જે દિવસે સર્વિસ ચાલુ થઈ એ સાંજે BSNL ના કસ્ટમર કેરમાંથી ફોન આવ્યો અને સામે છેડે રહેલા ભાઇએ પ્રેમથી પૂછ્યું છે “ સર આપ BSNL માં શા માટે જોડાયા?” મેં સહેજ ચિડાઇને કહ્યું કે “આગલી કંપનીના નેટવર્કથી સંતોષ નહોતો એટલે મારે એને છોડીને ક્યાંક જવું હતું એટલે તમારા શરણે આવી ગયો છું, બાકી તો આગળ અનુભવે ખબર પડે!” હવે આજે આટલા વખતના અનુભવ પછી મને લાગે છે કે તે દિવસે હું એ ભાઇ ઉપર ખોટો ચિડાઈ ગયો હતો, મને ચિંતન કર્યા પછી એવું લાગે છે કે એ ભાઇ તો મારા શુભચિંતક હતા અને એમનો એ દિવસનો પ્રશ્ન એ પશ્ન નહોતો પણ આડકતરી રીતે ચેતવણી હતી! અને કદાચ સહાનુભૂતી પણ ખરી! પછી ત્રણ ચાર મહિના રગડ ધગડ ચાલ્યું ને અચાનક ૧૪મી ઓકટોબરની સવારે કોલ કરવાની કોશીશ કરીતો સામેથી ફોનમાં એક  બેન મીઠા મધ જેવા અવાજમાં આ મતલબનું બોલ્યા છે “તમારા ખાતાંમાં બેલેન્સ નથી એટલે તમે ફોન નહીં કરે શકો...” અહો આશ્ચર્યમ! હજુ હમણાં જ ટોપ અપ કરાવ્યૂં હતું, કેમ થયું હશે? બેલેન્સ ચેક કરવાની સુવિધા વડે ચેક કરતાં બીજો આંચકો લાગ્યો કે બેલેન્સ તો ૨૪૦ જેવું માતબર છે! એટલે કસ્ટમર કેરમાં  ફોન કર્યો, એક થાકેલા કંટાળેલા અવાજમાં સાંભળવા મળ્યું “ બોલો....” ( આ મને અહીં મોટાભાગે થયેલો અનુભવ છે કે કસ્ટમર કેર માં ફોન કરીએ એટલે ટોન લગભગ એવોજ હોય કે આ ક્યાંથી ટાણા વિનો નો હેરાન કરવા માટે આવી ગયો અને ક્યારે લાઈન ઉપરથી ટળે!)  મેં એમને મારી મુશ્કેલી સમજાવી એટલે એ ભાઇએ કહ્યું કે એક વાર ફોન ને સ્વીચઓફ કરીને સ્વીચઓન કરો એટલે થઈ જશે, કરી જોયું પણ આઉટગોઈંગ કરતી વખતે વચમાં જે ઓલ્યાં બેન આવી જાતાં તાં એ ના ગયાં! ફરી પાછું કસ્ટમરનું ચક્કર અને દર વખતે નવાં નવાં સોલ્યુસન... “ તમારાં ડોક્યુમેન્ટ ફરીથી જમા કરાવો..તમે જીપીઆરએસ વાપરો છો એટલે આ સમશ્યા છે જીપીઆરએસ બંધ કરી દો” વગેરે..વગેરે..છેવટે ક્ટાળીને મેં કોઈ હિસાબે આઉટગોઇંગ ચાલુ થાય એ માટે જીપીઆરએસ બંધ કરવાનું કહ્યું, અને ત્રણ દિવસ પછી ઓલ્યાં વચમાં આવતાં ’તાં એ બેન ગયાં ને હું ફરીથી ફોનવંતો થયો!

     મજાની વાત હવે આવે છે...એકાદ અઠવાડિયા પછી મને થયું કે જીપીઆરએસ ચાલુ કરી દઉં, એટલે ફરી કસ્ટમર કેર માં ફોન અને કહ્યું કે જીપીઆરએસના સેટિંગ્ઝ મોકલો, સામેથી જરૂરી વિગતો પૂછીને જવાબ મળ્યો કે દશ મિનિટમાં મળી જશે, દસ મિનિટના બદલે કલાક થઈ પણ ના મળ્યાં એટલે ફરી પાછો એજ સીલસીલો કસ્ટમર કેરનો..લગભગ ચારથી પાંચ વાર પણ સેટિંગ્ઝ ના મળ્યાં ને નાજ મળ્યાં! એક વાર તો મેં મઝાક માં કહ્યું કે “તમે સેટિંગ્ઝ મોકલો છો પણ વચ્ચેથી ક્યાંકથી ચોરાઈ જાય છે!” એટલે સામે છેડે રહેલા ભાઇએ સાચું માનીને ભોળા ભાવે કહ્યું  કે “ સર તમારો ફોન હેક થયો લાગે છે!” (BSNL ઝીંદાબાદ!)  છેલ્લા ત્રણ દિવસથી આ જીપીઆરએસ અને કસ્ટમર કેર ની લમણાઝીક ચાલતી હતી એમાં આજે એક જ્ઞાની બેન મળ્યા એમણે મને બે જ્ઞાન આપ્યાં એમાં પહેલું એ કે આઉટ ગોઇંગ બંધ થવા અને જીપીઆરએસને કોઇ જ સંબંધ નથી! અને બીજું મહાજ્ઞાન એ કે તમારા આ નંબર પર એક વાર જીપીઆરએસ ડીએક્ટિવેટ થયા પછી એજ નંબર પર ફરીથી એક્ટિવેટ થાય નહીં! લો કર લો બાત! BSNL ના સ્ટાફના અજ્ઞાન વત્તા મૂર્ખાઇને કારણે હું મારા આ નંબર પર ક્યારેય નેટ વાપરી ના શકું એ ક્યાંનો ન્યાય! એટલે મેં એ બહેન ને પૂછ્યું કે “ તો શું આનો મતલબ એ થાય કે મારે આજ નંબર પર નેટ યુઝ કરવું હોય તો મારી પાસે હવે ફરીથી MNP સિવાય બીજો કોઇ ઉપાય નથી?” એટલે એ બહેને ફરીથી એ જ વાક્ય નું પુનરાવર્તન કર્યું કે ’ તમે આ નંબર પર ક્યારેય હવે જીપીઆરએસ ચાલુ નહીં કરાવી શકો.” (BTW...MNP શું ચાહો તો જહન્નમમાં જાવ!)

     આગળ ઉપર જે કંટાળેલા, થાકેલા, ચિડાયેલા પ્રતિભાવોની વાત કરી છે એમાં ઉમેરો કરૂં તો તમે થોડો પ્રશ્નોનો સીલસીલો વધુ ચલાવો  તો BSNL ના કસ્ટમરકેર(!) પ્રતિનીધીઓ ધીરજ ગુમાવીને ગુસ્સે પણ થઈ જાય છે. (કોઇને ખાતરી કરવી હોય તો કોશીશ કરી જો જો!)

    આ સિવાય, ક્યાંય લોકલ BSNL ઓફિસમાં કોઈ પણ કામ માટે જઈએ (પછી ભલેને તમે નવું કનેક્શન લેવા માટે કેમ ના જતા હોવ) એજ ઉતરી ગયેલા, ચીમળાયેલા ચહેરાઓ તમારૂં એ ભાવ સાથે સ્વાગત કરે છે કે માંડ શાંતિથી બેઠા હતા ને આ ક્યાં હેરાન કરવા આવી ગયો! હમણાં નો જ એક અનુંભવ કહું, એક નવું પ્રિપેઈડ લેવા માટે ગયો, ફોર્મ અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને એટલે સાહેબે મંથર ગતિએ આગળની વિધી પતાવીને એક સીમ કાર્ડ આપ્યું ને મારાથી પૂછવાની ગુસ્તાખી થઈ ગઈ કે સાહેબ નંબરમાં કોઈ સિલેક્શન, ઓપ્શન મળશે? અને જાણે મેં એમની બન્ને કિડની માગી લીધી હોય એમ મારી સામે જોઇને ( કર્ટસી: રાજકુમાર હીરાણી) બહુ સખ્ત રીતે જવાબ દીધો કે જે પ્રમાણે સિરિયલ નંબર મુજબ કાર્ડ મળતું હશે એમ મળશે!

     બીજો એક અનુભવ એક વખત બેતાલીસનું રિચાર્જ કરાવવાનુ હતું ને પચાસની નોટ કાઢી એટલે સાહેબે મોઢું બગાડીને કહ્યૂં છુટ્ટા આપો. મેં ક્હ્યૂં કે સાહેબ હં અત્યારે બહાર કયાં છુટ્ટા શોધવા જાઉં, ગલ્લામં જુઓને હશે, એટલે તાડૂકીને “ખોટો ટાઇમ ના બગાડો છુટ્ટા હોય તો જ આવો! “ ને પછી થોડી વાર પછી અચાનક નરમ થઇને સલાહ આપી “ જાવ બહાર પાનના ગલ્લા વાળો રિચાર્જ કુપન રાખે છે એની પાસે કરાવી લો, એની પાસે છુટ્ટા હશે...”
મેં BSNL ઓફિસની બહાર ૫૦ મીટરના અંતરે આવેલ પાનના ગલ્લે રિચાર્જ કરાવી લીધું અને એ પૂછવાનું જરૂરી ના લાગ્યું કે એની અને પેલા સાહેબની વચ્ચે શું ગોઠવણ હતી!

     BSNL નો એક મોટામાં મોટો પ્લસ પોઈટ એ છેકે એ છેક છેવાડાના ગામડા સુધી, જ્યાં કોઈ ખાનગી કંપની સેવા આપવા તૈયાર નથી ( કેમ કે ત્યાં મલાઈ નથી દેખાતી) ત્યાં તાત્કાલિક કમાણીની અપેક્ષા છોડીને સુવિધા પહોંચાડે  છે, પણ સામે ઘણા લોકોનો અનુભવ એવો પણ છે કે બધું જ એકદમ સરસ અને વ્યવસ્થિત ચાલતું હોય, ગ્રાહકોનો વ્યવસ્થિત બેઇઝ બની ગયો હોય એ જોઇને કોઇ ખાનગી કંપની ને લાળ પડવા માંડે અને એ જેવું ત્યાં પોતાનું માળખું લૉંચ કરે એવુ ચમત્કારીક રીતે અત્યાર સુધી સરસ ચાલતું BSNLનું નેટવર્ક નબળું પડી જાય!
( આમ આદમીની જબાન માં કહું તો ટાવર પકડાય નહી!) હવે આ ચમત્કારનું રહસ્ય તો ઉપરના સાહેબો ને જ ખબર હોય!

     ઠીક છે,  જે હોય તે, પણ મારી પાસે તો MNP સિવાય કોઇ જ ઈલાજ નથી, ૧૯૦૦ ઉપર એસએમએસ કરી દીધો છે અને યુનિક કોડ પણ આવી ગયો છે, પણ ક્યાં જાવું એ હજુ નક્કી નથી, તમારા ધ્યાનમાં કોઇ ઓછો કાળો કાગડો હોય તો કહેજો!
Saturday, 29 October 2011

હે...’માં’ પરચાવાળી...!


આજે નવલા નોરતાનો ત્રીજો દિવસ, શેરીની બેનુ દિકરીયું બધાય ઝમકુમાને ઘેરી વળ્યા ને કે કે માજી આજે તો તમારે વાર્તા કહેવી જ પડશે..ઝમકુ મા કે કે ભલે આજે આ નોરતાના સપરમા દા’ડા છે તો હું તમને એક હાજરા હાજૂર માતાજી અને એના પરચાની વાર્તા કહું છું..તો સાંભળો…
    ’એકવાર એક ગામમાં ધોળે દી’એ ધાડ પડી, લૂંટારાઓએ સારો એવો માલ લૂંટી લીધો ને ભાગ્યા, ગામવાળા તો બચ્ચાડા વામકુક્ષી કરતા’તા એટલે ત્યારે તો ખબર ના પડી પણ ગામના કેટલાક પંચાતિયા (એટલે કે પત્રકારો!) જે આખો દા’ડો ચોરે આવેલ ઓટલે બેસીને ચોવટ કરતા રે’તાતા એમાંના કો’ક ને આ ખબર પડી, એટલે ગામના ચોકમાં જઈને ગોકીરો કરી મેલ્યો…પણ ગામ જેનું નામ! એમ કંઇ જાગે? કેટલીયે હોહા કરી તંઇ અરધા-પરધા ગામ વાળાની અરધી પરધી આંખ્ય ઉઘડી ને ઘરની બાર્ય નિકળ્યા. પણ ત્યાં લગીમાં તો લૂંટારા બે ખેરતવા છેટે, ’માં’ ના મંદિરે જઈ ભગત બાપાની ઓરડીના વાડામાં ખાડો ખોદીને માલ સંતાડી દીધો, આ બધો ખખડાટ થ્યો એટલે ’માં’ ના મંદિરના ઓટલે બેસીને ’માં’ ના નામની માળા ફેરવતા ભગત બાપાએ ઝીણી આંખ્ય કરીને બધું જોયું, મનમાં તો થ્યું કે બે બોલ કઉં, પણ પછી થ્યું કે છો’ને બચ્ચાડા ઈ પણ તો ’માં’ ના ભગત જ છે ને! ને વળી જે કંઈ લાવ્યા હશે એમાંથી ’માં’ ને પણ નિવેદ ધરવાના તો છે જ! હું કંઇ કઉં ને વળી ’માતાજી’ નારાજ થઈ જાય તો!
     આ બાજુ જે અરધા-પરધા જે અરધું-પરધું જાગ્યા’તા ( બાકીના હતા એને તો ’માતાજી’માં પૂરી સરધા, એટલે માતાજી જે કરે ઈ હારા હાટુ એમ માનીને પંચાતીયાવ ને ગાળ્યું દેતા’તા કે તમે અમને સુવા દેતા નથ્ય ને ખોટેખોટા ’માં’ ને બદનામ કરો છ?) ઈ ને ઓલ્યા પંચાતીયા બધાય હુડુડુડુ કરતા હડી કાઢીને મંદીરે આવ્યા ને ભગત બાપા આગળ કકળાટ કરી મેલ્યો, પણ ભગત બાપા જેનું નામ! સમતાનો મેરૂ પર્વત! ’માં’ના હાડોહાડ ભગત! ભગત બાપા હળવે દઈને માળા હેઠી મૂકી પછી ઓરડીમાં જઈને પટારો ખોલીને બધાને બતાવ્યો કે  ભાઇ જોઇ લ્યો આ બધાં મારાં લૂગડાં…આમાં એકેયમાં તમને રાઈના દાણા જેટલો પણ ડાઘ દેખાય તો ક્યો?
     ગામવાળા તો બચ્ચાડા ઓઝપાઇ ગ્યા કે આતો આપણે પાપમાં પડ્યા બચ્ચાડા ભગત જેવા ભગત ઉપર શંકા કરીને! નખ્ખોદ જાય એ મૂવા પંચાતીયાવનું! ખોટી આપણી નિંદર બગાડી! ઘરે આવીને ગામવાળા પાછા સુઈ ગ્યા.
    પણ પંચાતીયાવ જેનું નામ, ઈ એમ સુધરે! એમાંના એક જણે મંદિરની વંડી આડે સંતાઈ ને જોયું તો કાં’ક ડખો થાતો હોય એવું લાગ્યું. એણે ઇશારો કરીને બીજા ને બોલાવ્યા, ને જોયું તો લૂંટના માલનો ભાગ પાડવામાં બે જણ ની વચાળે ચડભડ થાતી’તી. પંચાતીયાઓએ ગામ વાળાને પાછા બોલાવ્યા અને કીધું કે જો અમે કે’તાતા ને કે તમારો લૂંટ નો માલ ને ગુનેગાર બધું આંયાં  જ છે!
     ભગત બાપાએ ઓલ્યા બે જણ જે ચડભડ કરતા’તા ને બઊ સમજાવ્યા…કે મૂંગા મરો…ગામમાં આપણી આબરૂ જાય છે, આપણે ઊઘાડા પડીએ છીએ, પણ કોઇ વાતે નો સમજે…પછે તો ભગત બાપા બેયને કાન પકડી, અંદર ’માતાજી’ ના ચરણો માં લઈ ગ્યા…પણ જેને ’માં’ કેવાય..એના તો પરચા જુગ જુગ થી જાણીતા, અંદર મંદિરમાં ’માં’ એ કોણ જાણે કેવો પરચો દેખાડ્યો કે થોડીક વારમાં ઇ બેય જણ એકાબીજાના ગળામાં હાથ નાખીને, એકબીજાને બચ્ચીઓ ભરતા ભરતા બાર નિકળ્યા!
     ઇ જોઈને ’માં’ ના બીજા ભક્તો અને ભગત બાપાના ચેલાઓએ પંચાતીયાવ ને કીધું કે જોઇ લ્યો તમારે જોવું હોય તો, આયાં કોઇ જાત નો ડખો નથી, તો હવે પંચાત મેલો ને બીજા કામે લાગો!
     આ સાંભળીને ગામવાળાતો ઘરે પાછા આવી ગ્યા પણ એમાં ના કેટલાક  હજુ માથું ખંજવાળતા ખંજવાળતા વિચાર કરે છ કે માળું બેટું આ ઇ બે ને ડખો થ્યો ઇ સાચું…બેય ને પાછું સમાધાન થ્યું ઇ સાચું…બેય એકાબીજાને ગળે હાથ નાખીને બચ્ચીઓ ભરતા’તા ઇ સાચું…પણ ઇ બધી વાતમાં આપણી ફરિયાદ એ બેયના ડખ્ખાની હતી કે આપણે લૂંટાણા એની હતી!”
     આમ આ માતાજીની વારતા પૂરી કરીને ઝમકુમાં બોલ્યાં કે આ કળજૂગમાં જે સાચા ભાવથી ’માતા્જી’ની ભક્તિ કરે છે એનાં ગમે એવાં કાળા કામા હોય તોય એનાં કલંક ધોવાઇ જાય છે, તો ’માતાજી’ ભગત બાપાને ને લૂંટારાવ ને જવાં ફળ્યાં એવા સૌને ફળજો! ( આટલુ સાંભળી શ્રોતામાં બેઠેલો એક પંચાતીયાનો છોકરો ધીમેથી ગણગણ્યો, “ગામનું ભલું ઈચ્છતાં હોવ તો ગામ માંથી ટળજો!”)
 Friday, 30 September 2011

Cannibal


“ અબે સાલે….તેરી તો….ઇતની દેર? વિસ્કી લાને અમરીકા ગયા થા કી યુરોપ?...” અને એક પ્રચંડ ગાળ સાથે ગ્લાસ જમીન પર પછડાઇને ટૂકડા ટૂકડામાં વિખેરાઇ ગયો. સપના બારના બધા વેઇટરોના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું અને કામમાં હોવાનો ડોળ કરતા બધા આઘાપાછા થઈ ગયા. કાઉન્ટર ઉપરથી મેનેજર જગજીત ઉર્ફે જગ્ગી દોડતો આવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને અસ્લમભાઇને સામે ઊભો રહ્યો, બીજા ગ્રાહકો હવે શું બને છે ની ઉત્સુકતા સાથે એ ખૂણાના ટેબલ બાજુ નજર માંડીને બેઠા.

ગ્રાન્ટરોડ સ્ટેશનથી દોઢેક કીલોમીટરના અંતરે બદનામ બસ્તીથી નજીક આવેલ સપના બાર, અને એ ’સી’ ગ્રેડના સપના બારના પશ્ચિમ બાજુના ખૂણામાં આવેલું ટેબલ એ અસ્લમભાઇની રોજની બેઠક હતી. સાંજે સાત થી દશ સુધી અસ્લમભાઇનો તમામ કારોબાર અહીંથી જ ચાલતો. સાંજે સાડા છ વાગ્યા પછી કોઇ પણ ગ્રાહક એ ટેબલ પર ન બેસે એની જગજીત ખાસ કાળજી રાખતો અને જો કોઇ ગ્રાહક એ ટેબલનો આગ્રહ રાખે તો સાત પહેલાં કોઇપણ સંજોગોમા ખાલી કરી આપવાની શરત સાથે એ ટેબલ આપવામાં આવતું; કેમકે સાતથી સવા સાતની વચ્ચે ગમે ત્યારે અસ્લમભાઇ અને એના ટપોરીઓ ગણપત અને અબ્દુલની બારમાં દરરોજ અચૂક એન્ટ્રી થતી, એની એન્ટ્રી થતાં જ બાર મેનેજર જગ્ગી અને બધા જ વેઇટર એટેન્શનમાં આવી જતા. અસ્લમભાઇ અને એના રાહુ-કેતુ પોતાના ખાસ ટેબલ ઉપર ગોઠવાતા અને મોબાઇલ ઉપર ધંધાની શરૂઆત થતી, એ દરમ્યાન વધુમાં વધુ દશ જ મિનિટમાં અસ્લમભાઇના ટેબલ ઉપર એની પસંદગીની વિસ્કી અને બાઇટીંગ વગર ઓર્ડરે હાજર થઈ જવાં જ જોઇએ એવો વણલખ્યો કાનૂન હતો, અને એ કાનૂન જો તૂટે તો શું થાય એનો મેનેજર જગ્ગી અને જૂના વેઇટરોને અનુભવ હતો પણ શકૂર બિચારો આજ સવારથી નોકરી પર લાગેલો અને અસ્લમભાઇના ટેબલ સુધી વિસ્કી લઇને જતાં વચ્ચે એક ગ્રાહકનું ટેબલ સાફ કરવા રોકાયો અને દશને બદલે પંદર મિનિટ થઈ ગઇ, બસ ખલ્લાસ….અસ્લમભાઇ નામના ગેંડાનો પિત્તો છટકી ગયો!

આમતો અસ્લમભાઇને ગેંડા કે પછી કોઇ પણ પ્રાણીની ઉપમા આપવામાં આવે તો સમસ્ત પ્રાણી જગત બદનક્ષીનો દાવે માંડે એવું એનું ચરિત્ર હતું. નરાધમ કે નરરાક્ષશ શબ્દો પણ એના માટે વાપવરવામાં આવે તો એનું સન્માન કર્યુ હોય એટલા ટૂંકા પડતા હતા! સાડાપાંચથી પોણા છ ફૂટ વચ્ચેની ઊંચાઇ ને કદાચ એક્સો-એકસો દશ કીલો જેટલું વજન, અંધારામાં સામો મળે તો એકલા દાંત જ દેખાય એટલો ઉજળો વાન! ચહેરા, હાથના કાંડા અને ખભા પર ઘાવના નિશાન ( અને એ નિશાન એ પોતાના સાથીઓને અવારનવાર એટલા ગૌરવથી બતાવતો જેમ કોઇ લશ્કરનો જવાન પોતાની છાતી ઉપરના મેડલ બતાવતો હોય!) અને આવું અદોદળું શરીર હોવા છતાં એમાં રહેલી ચિત્તા જેવી ચપળતા. સામાન્ય માણસનું હોય એના કરતાં થોડું મોટું માથું અને એમાં ઠસોઠસ ભરેલી નિર્દયતા અને ખંધાઇ. પૈસાના બદલામાં કોઇ પણ પ્રકારનું કામ કરવાનો અસ્લમભાઇને છોછ નહોતો અને માણસ મારવો એ મચ્છર મારવા જેટલું એને માટે સહજ હતું, ને હાથમાં લીધેલું કામ પુરું કરવામાં એવો તો પાક્કો હતો કે સુપારીની દુનિયામાં અસ્લમભાઇના નામની કસમો ખવાતી!

“ માફ કરદો ભાઇ….નયા લડકા હે, આજસે હી કામ પે લગા હે ઔર આપકો પહચાનતા નહીં હે….અબે સાલે….મેરા મુંહ ક્યા તકતા હે….ભાઇ કે પૈર પકડલે…” ને જગ્ગીએ જોરથી ધક્કો મારી શકૂરને અસ્લમભાઇના પગમાં ફેંક્યો.

“ઉસકી તો….નયા હે તો ક્યા અપુન કે સર પે બિઠાઉં…સા…”આખેઆખ્ખો અપશબ્દકોશ ઠાલવતાં અસ્લમભાઇએ પગમાં પડેલા થર થર ધ્રૂજતા શકૂરને મારવા માટે લાત ઉગામી, ત્યાં…
“સલામ માલેકૂમ, અસ્લમભાઇ….કૈસે હો?” બોલતાં શેટ્ટી બારમાં દાખલ થયો અને અસ્લમભાઇના ટેબલ તરફ આગળ વધ્યો. શકૂરનું કિસ્મત આજે જોર કરતું હતું અને એટલેજ બરાબર મોકે શેટ્ટી એના માટે ફરિસ્તો બનીને આવ્યો.

શેટ્ટી જ્યારે પણ આવતો ત્યારે કોઇ મોટા શિકારની ઓફર લઈને જ આવતો અને એટલે જ અસ્લમભાઇ શેટ્ટીને ખાસ મહત્વ આપતા.

“ અરે આજા શેટ્ટી આજા…બોત દિનો કે બાત દિખરેલા હે…સાલા તુ તો આજકલ…વો ક્યા બોલતે હે…હાં, ઇદ કા ચાંદ બન ગયેલા હે..” અસ્લમભાઇનો મૂડ અચાનક બદલી ગયો; “ બોલ આજ કીસકી કયામતકા પેગામ લેકે આયેલા હે? અચ્છા પહેલે યે બતા ક્યા પિયેંગા? અરે જગ્ગી અપુનકા યાર આયેલા હે, ઉસકો કુછ વિસ્કી , રમ,વોડકા જો કુછભી મંગતા હે પિલા…”

“આજ કુછ પિનેકા નહીં હે ભાઇ, બહોત જલદી મેં હું, ધંધે કી બાત કર લે?” ખાલી ખુરશીમાં ગોઠવાતાં શેટ્ટી બોલ્યો.

“ સાલે જબભી દેખો તો એસે જલદી મે રહેતા હે જૈસે તેરે પીછવાડેમેં આગ લગેલી હો…ઠીક હે બોલ ક્યા બાત કર રહા થા?”

“ભાઇ એક બોત બડા મુર્ગા હાથ લગેલા હે, કામ કર દેંગે તો બોત માલ મીલેંગા…”

“ અબે સાલે તેરી યે ઘુમાકે બાત કરનેકી આદત ગઈ નહીં…પહેલે તુ બતાયેગા તો પતા ચલેના કી કામ ક્યા હે ઓર તબ જાકે માલ મીલેગા...સીધા મેન પોંઇટ આ, કીસકા ગેમ બજાનેકા હે?”

“ભાઇ કોઇ ઇજનેર હે પટવારી નામકા, વો સાઇન નહીં કરતા ઇસકી વજહ સે આહુજા બિલ્ડર કા દો ખોખા ફસેલા હે, પટવારી સાલા બોત ટેઢી ખીર હે…વો સાલા સમજને કો તૈયાર હી નહીં કી કંટ્રક્શન કે બીજનેસ મેં થોડા બોત તો ઇધર ઉધર કરના પડતા હે તબ જાકે દો પેસા મીલતા હે, ઔર ઇસકી વજે સે આહુજા કા દો ખોખા પીછલે છે-સાત મહીનેસે ફ્સેલા હે…આહુજા બોલતા હે કી અગર ઉસકો ઉડા દિયા તો ઉસકી જગહ જો આયેગા વો ઉસકા આદમી હે ઔર કામ બન જાયેગા…”

“ અરે બસ ઇતની સી બાત હે….જા બોલ દે આહુજા કો, એક હપ્તે મેં કામ હો જાયેગા, અસ્લમભાઇ કી જબાન હે, લેકીન ઉસકો બતા દેના કી પચ્ચીસ પેટી લગેગી…દશ પેટી એડવાંસ મેં બાકી કામ કે બાદ…”

“ પચ્ચીસ પેટી ભાઇ?” શેટ્ટીથી રાડ પડાઇ ગઈ,”જ્યાદા નહીં હે ભાઇ? વો આહુજા તો પંદ્રહ કા બોલ રહા થા…”

“ અબે સાલે…” અસ્લમભાઇના મોઢામાંથી એક વધુ ગંદી ગાળ નીકળી,” યે અસ્લમભાઇકી જબાન હે કોઇ સબ્જીમંડી નહીં જહાં ભાવ તાલ હોતા હો, સમજા? ઉસકો બોલ અગર પચ્ચીસ હે તો ફાઇનલ…વર્ના જાય ઉસકી….”

“ઠીક હે ભાઇ, ઊંટ પહાડકે નીચે આયેલા હે, માનેગા નહીં તો જાયેગા કહાં…મેં બાત કર લેતા હું, ખુદા હાફીઝ ભાઇ.”

“ખુદા હાફીઝ, તેરા કામ બન ગયા સમઝ.”

      @                                    @                                                         @

“ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ને કાયદો ને વ્યવસ્થા ને પોલિસ ને સરકાર ને આ બધા શબ્દો તો જાણે માત્ર શબ્દકોશમાં જ હોય એવું લાગે છે!”

“ અરે…અરે…મેડમ, આમ સવાર સવારમાં કોના ઉપર વરસી રહ્યાં છો? ને આ સરકારે વળી શું બગાડ્યું છે તમારૂં અત્યારના પહોરમાં?”

શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ દંપતિ ડો. તૃપ્તિ અને ડો. તિમિર વચ્ચેના સવારે સાડા સાત વાગે બ્રેકફાસ્ટ ટેબલ પરના આ સંવાદથી જાગી ગયેલો એમનો છ વર્ષનો પુત્ર સિધ્ધાર્થ આંખો ચોળતો ચોળતો પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો.

ડો. તિમિર અને ડો. તૃપ્તિ સામાન્ય રીતે બને છે એમ સાથે જ ભણતાં આંખો લડી ગયેલી અને મન મળી ગયેલાં એટલે પીજી પુરું કર્યા પછી પહેલું કામ પરણવાનું કર્યુ, ને પછી પોતાની હોસ્પીટલ ખોલી સાથે જ પ્રેકટીસ ચાલુ કરી દીધી. આવડત તો હતી જ ને એમાં ભળી બન્નેની મીઠી જબાન અને થોડો સાથ નસીબનો, થોડા સમયમાં તો ’આગમન’ હોસ્પીટલનું નામ થઈ ગયું, ને હોસ્પીટલની સફળતાના ફળ સ્વરૂપ પોશ એરિયામાં ફોર બેડ હોલ કીચન નો બંગલો અને લકઝુરીયસ કાર પણ આવી ગયાં.

“ આ જુઓને વળી પાછું ધોળા દિવસે સરા જાહેર મર્ડર…કોઇ પટવારી નામના એન્જીનીયરને ગુંડાઓ એ એની કારમાં  ઠાર માર્યા…”ડો. તૃપ્તિએ તિમિર તરફ છાપાંનો ઘા કરતાં કહ્યું.

“હેં શું  વાત કરે છે? પટવારી સાહેબનું ખૂન થઈ ગયું? બહુજ સિધ્ધાન્તવાદી માણસ…લાગે છે કે એમને એમની પ્રમાણિકતા જ નડી ગઈ. કોઈએ એમની સોપારી જ આપી હશે…”ડો. તિમિરે છાપાંમાં નજર નાખતાં કહ્યું.

“ ડેડી..ડેડી આ સોપારી આપવી એટલે શું?” ઊંઘરેટી આંખે સિધ્ધાર્થ બોલ્યો.

’જા હવે તું જઈને જલદી બ્રશ કર હમણાં ક્લાસીસનો ટાઇમ થઈ જશે, તારે આવું બધું જાણવાની હમણાં કોઇ જ જરૂર નથી સમજ્યો?” ડો.તૃપ્તિએ આંખો કાઢતાં કહ્યું, ને સિધ્ધાર્થ મોઢું બગાડતો બગાડતો બાથરૂમ બાજુ ગયો.

“ હવે સવાર સવારમાં બિચારા એને શું કામ ખિજાય છે? એનો સવાલ બહુ જ સાહજિક હતો. બાળકની જિજ્ઞાસાવૃત્તિને આ રીતે તોડી ના પડાય…”તિમિરે છાપું સાઇડમાં મુકી ટોસ્ટ ઉપર બટર લગાડતાં કહ્યું.

“બોલ્યા મોટા ઉપાડે…તો શું એને આ ઉંમરે એવું બધું જ્ઞાન આપવાનું કે, બેટા સોપારી એટલે પૈસા લઈને માણસને મારવાનો કોન્ટ્રેક્ટ…”તૃપ્તિએ કટાક્ષ કરતાં કહ્યું ને પછી તિમિરને ઉદ્દેશીને બોલી” શું જમાનો આવ્યો છે! લોકો પૈસા માટે થઈને બીજાની જીંદગી છીનવી લેવા તૈયાર થઈ જાય છે…પૈસા માટે લોકો આ હદ સુધી જઈ શકતા હશે કઈ રીતે?”

“ઓ મેડમ…આ બધી દુનિયાભરની ચિંતા પડતી મેલો ને ઘડિયાળમાં નજર કરો, ક્લીનીક ઉપર પેશન્ટની લાઇન લાગી ગઈ હશે એની ચિંતા કરો…”
@                                                                       @                                                                @

“પપ્પા..પપ્પા…દિકરીને દૂધ પીતી કરી દેવી એટલે શું?”

આઠ વર્ષની દિકરીને મોઢેથી આવો સવાલ સાંભળીને ધર્મેશને આશ્ચર્ય થયું,” કેમ બેટા આજે તને અચાનક આવો સવાલ સુઝ્યો?”

“ એતો પપ્પા એવું છે ને કે ગઈ કાલે ક્લાસમાં અમારા બેન એવું કહેતા હતા કે પહેલાના જમાનામાં દિકરીને દૂધ પીતી કરી દેવાનો ક્રૂર રિવાજ હતો. તે હેં પપ્પા, દિકરીને દૂધ પીવડાવે એમાં ખરાબ શું કહેવાય? આ જુઓને મને દૂધ ભાવતું નથી તોય તમે ને મમ્મી રોજ ખિજાઇને પીવડાવો જ છો ને?”

દિકરીની નિર્દોષતા ઉપર ધર્મેશ અને અલકા બન્ને ને ખડખડાટ હસવું આવ્યું. સાડીનો છેડો મોં ઉપર દાબી હસવાનું રોકવાનો પ્રયત્ન કરતાં અલકા બોલી,”લ્યો આપો હવે જવાબ તમારી લાડલીને…આજ કાલ બહુજ અઘરા પ્રશ્નો પૂછવા માંડી છે ને કાંઇ…”

“હાસ્તો વળી જવાબ તો આપવોજ પડશેને મારી નાનકડી આઇન્સ્ટાઇનને!”

ધર્મેશ, અલકા અને ખરેખર સ્વીટ લાગતી નાનકડી સ્વીટી, આ ત્રણેય જણનો ઇશ્વરનેય ઇર્ષા આવે એવો નાનકડો સુખી સંસાર હતો. ધર્મેશ બેંકમાં ઓફિસર હતો અને અલકા એક સુઘડ અને પ્રેમાળ, ઘરરખ્ખુ ગૃહિણી હતી, અને આ જોડાંને પહેલી નજરે જોનાર સૌ કોઇને એમ જ લાગતું કે એમના લવ મેરેજ છે, એ બન્ને સ્પષ્ટતા કરતાં કે અલકા એ ધર્મેશના મમ્મીની પસંદ છે તો પણ સામેવાળા માનવા માટે તૈયાર ન થતા. સ્વીટી ત્રીજા ધોરણમાં  ભણતી હતી અને ખૂબજ શાર્પ હતી, ઘણી વખત એના પ્રશ્નો ધર્મેશ અને અલકાને મુંઝવણમાં મુકી દેતા અને એટલે જ ધર્મેશ એને લાડમાં ’મારી નાનકડી આઇન્સ્ટાઇન’ કહીને સંબોધતો.

“અહીંયા આવ જોઉં બેટા, મારી બાજુમાં બેસ.” સ્વીટી લાડથી ધર્મેશના ઢીંચણ ઉપર માથું ઢાળીને બેસી ગઈ.”કહોને પપ્પા…કે દૂધ પીવડાવવું એમાં ખરાબ શું કહેવાય? ”

“કહું છું બેટા કહું છું” ધર્મેશે વહાલથી એના વાળમાં આંગળાં પસવારતાં કહ્યું“એમાં એવું છેને બેટા…કે પહેલાના જમાનામાં લોકોને દિકરીઓ ગમતી નહોતીને એટલે એ લોકો પોતાને ત્યાં દિકરી જન્મે કે તરતજ એને દૂધ ભરેલા મોટ્ટા વાસણમાં ડૂબાડી દેતા…એને કહેવાય દિકરીને દૂધ પીતી કરી દેવી…”
સ્વીટી એક ઝટકા સાથે બેઠી થઈ ગઈ, “ છી…કેવું ખરાબ કહેવાય…એ લોકો પોતાની જ દિકરી સાથે આવું શી રીતે કરી શકતા હશે?” ને પછી અલકા સામે જોઇને બોલી,” હેં મમ્મી…મારા પપ્પા તો કેટલા સારા છે નહીં? એ આવું કોઇ દિવસ ન કરે…”ને અલકા એની આંખમાં આવેલાં ઝળઝળીયાં ને છુપાવવા કામને બહાને રસોડામાં જતી રહી.

“ અલક…મારું ટિફીન જરા ઝડપથી લાવજે, મારે મોડું થાય છે, આજે સાંજે હું સાડા ચારની આસપાસ આવી જઈશ, તું તૈયાર રહેજે…ડો.તિમિરની એપોઇન્ટમેન્ટ છે યાદ છે ને?”

ને અંદર રસોડામાં અલકા ગમે એટલો પ્રયત્ન કરવા છતાં ચોમાસું ખાળી શકી નહીં.

                      @                                    @                                    @                            @

“તમે હજુ એકવાર વિચારી જુઓ તો સારું, આ મને બરાબર નથી લાગતું” આગમન હોસ્પીટલના વેઇટીંગ રૂમમાં બીજા દર્દીઓની સાથે પોતાના વારાની રાહ જોઇને બેઠેલી અલકાએ દબાતા અવાજે ધર્મેશને કહ્યું.

“ મેં બધું જ વિચારી જોયું છે અને આજે ફરી પાછો બા નો પણ ફોન હતો, આપણે વડિલોની લાગણીનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે નહીં ડાર્લિંગ?”

“ પણ બે જ વરસની અંદર ફરીથી એનું એજ…ને ગયા વખતે મને કેટલી તકલીફ પડેલી એતો તમને યાદ હશેજ..”

“ હા ડાર્લિંગ, મને બધું જ બરાબર યાદ છે, પણ એ વાત અને આજના સમયમાં ઘણો ફેર છે. છેલ્લા થોડા સમયમાં ટેકનોલોજી અને વિજ્ઞાને પણ કેટલી પ્રગતિ કરી છે? હવે તો એક જ દિવસમાં બધું જ પતી જાય છે અને રજા પણ મળી જાય છે, આજે તારું ચેક અપ થઈ જાય અને બધું નક્કી થઈ જાય એટલે કાલે સવારે દાખલ થઈ ને સાંજે તો પાછા ઘરે જતા રહેવાનું…”

“ઠીક છે તમે જેમ ઠીક સમજો એમ…હું બીજું તો શું કહું…” અલકાની નજર ધરતી ખોતરવા લાગી.

“અલકાબેન ધર્મેશભાઇ….” રીશેપ્શનીસ્ટે કોર્ટના બેલિફની જેમ પ્રલંબ સૂરે પોકાર પાડ્યો.ધર્મેશ ઊભો થઈને ડોકટરની ચેમ્બર તરફ ચાલ્યો અને અલકા લગભગ એની પાછળ ઘસડાઇ.

“ આવો આવો ધર્મેશભાઇ, કેમ છો? મઝામાં અલકાબેન?” ડો. તિમિરે બન્ને ને આવકારતાં કહ્યું, અલકાએ નિરસતાથી ડોકું ધુણાવ્યું, ધર્મેશે હાથ લંબાવી ડોકટર સાથે શેક હેન્ડ કર્યા ને પછી બન્ને જણ સામેની ખુરસી પર ગોઠવાયાં. થોડી વારમાં ડો. તૃપ્તિએ અલકાને અંદર ના રૂમમાં બોલાવી અને એક્ઝામિનેશન ટેબલ પર લીધી.

“હં…તો પછી તમે શું  નક્કી કર્યું છે ધર્મેશભાઇ?” ડો. તિમિરે ધર્મેશ સામે તાકતાં કહ્યું.
“એમાં વિચારવાનું શું બીજું? કેમકે એક દિકરી તો છેજ એટલે જે કરવાનું છે તે નક્કી જ છે, શક્ય હોય તો આવતી કાલે જ પતાવી નાખીએ…કેટલો ક ખર્ચ થશે?”

“ દવાઓ પણ બધી જ અમે અહીંથી જ આપીએ છીએ એટલે બધું મળીને ચાલીસ હજાર જેવું થશે…”

“ચાલીસ હજાર? આમાં તો બહુ વધારે ન કહેવાય ડોકટર?”

“જુઓ ધર્મેશભાઇ, આજકાલ આ બહુ જ જોખમનું કામ છે, કાયદાઓ તો તમને ખબર છે ને?”

“ તો પણ મારું માન રાખીને કંઇક ઓછું કરો તો સારૂં”

“તમે પણ ધર્મેશભાઇ…શાક માર્કેટ સમજીને ભાવતાલ શરૂ કરી દીધા! ઠીક છે સો-બસ્સો ઓછા આપજો બસ?” ડો. તિમિરે ખડખડાટ હસતાં કહ્યું.

                         @                                        @                                    @

અંદર એક્ઝામિનેશન ટેબલ પર સુતેલી અલકા મનમાં આજે બપોરે સ્વીટીએ પૂછેલા સવાલ ઘુમરાતા હતા.

“મમ્મી Cannibal એટલે શું?”

“બેટા Cannibal એટલે જે પોતાની જ જાતીનો શિકાર કરે છે એવું પ્રાણી.”

ને તુરત જ બીજો સવાલ “ મમ્મી આ Cannibalism ક્યા પ્રાણીમાં સૌથી વધારે જોવા મળે છે?”

કોણ જાણે કેમ બપોરે સ્વીટીને એણે જે જવાબ આપ્યો હતો, એનાથી જુદો જ જવાબ અત્યારે એના મનમાં પડઘાતો હતો.

16 April 2010.

જાદુઈ લાકડી(સરકારી)


   થોડા દિવસ પહેલાં તા ૧૬મી સપ્ટેમ્બરના રોજ અમે આ જગ્યાએ એક નોટ લખી હતી અને ગરીબી દૂર કરવાની એક જાદુઈ ફોર્મ્યુલા બતાવી હતી, અમારો આ આઈડિયા ચોરી (શું થાય યાર, એક તો આપણે પેટંટ નો’તો લીધો ને હવે ફરિયાદ કરીએ તો આપણા જેવા નાના માણસનું સાંભાળે કોણ?)  ને એના ઉપરથી ભારત સરકારના આયોજન પંચે જાદુઇ ચિરાગની જગ્યાએ જાદુઈ લાકડી નો આવિસ્કાર કર્યો છે  ( આમે ય સરકારને ડંડા સાથે નાતો પુરાણો છે, પૂછો બાબા રામદેવને!) ને એ જાદુઈ લાકડી એવી તો ફેરવી કે રાતો રાત આખા દેશમાંથી ગરીબી મહદઅંશે દૂર થઈ ગઈ છે.

            ગઈ કાલે આયોજન પંચે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું કરી ને જણાવ્યું છે કે આ દેશમાં શહેરી વિસ્તારમાં રહેનાર જો રોજના રૂપિયા ૩૨ ખર્ચી શકતો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર રૂપિયા ૨૬ ખર્ચી શકે તો એ ગરીબી રેખાની ઉપર છે! આયોજન પંચનો ઈરાદો તો આનથી યે નેક હતો, ગરીબીને આ દેશમાંથી જડમૂળમાંથી નેસ્તનાબુદ કરવાનો હતો  એટલે જ એણે આ જ વર્ષની ૧૪મી મે ના રોજ આવું એક સોગંદનામું દાખલ કરીને આ ગરીબીરેખાને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આ ગરીબી રેખા ની ઉપર આવવા માટેની જે ખર્ચની સીમા શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં  અનુક્રમે રૂપિયા ૨૦ અને રૂપિયા ૧૫ રાખેલ, પણ સુપ્રિમ કોર્ટ જેને કહેવાય, આ દેશના ગરીબોને ઉપર આવવાજ નથી દેવા! ગરીબોને મસ્તક ઊંચું કરીને શાનથી જીવવાજ નથી દેવા! આ સુપ્રિમ કોર્ટ પણ એને ન કરવાના એવા કેટ કેટલાં કામ કરે છે, સરકારે બિચ્ચારીએ આતંકવાદીઓ કરતાં પણ આ દેશને માટે (એટલે કે અમૂક લોકોને માટે!) ખતરનાક એવા બાબા રામદેવને સત્યના માર્ગે લાવવામાટે, સૂતા હતા ત્યારે લાકડીના બે-ચાર હળવા ગોદા મારીને જગાડવાની કોશીશ કરી ’તી તો એમાંયે સુપ્રિમ કોર્ટ પૂછે કે કે બાબાને પહેલેથી જ પુરૂષો માટેના વસ્ત્રોની વ્યવસ્થા કરીને પછી જગાડાયને! ને શેરી ગલીઓમાં આરામથી પતાવટ થઈ જાય એવા કેટકેટલા મામલામાં આ સુપ્રિમ કોરટ વાળા ઘોંચ પરોણા કરે છે.(પૂછો નરેન્દ્ર મોદીને!) એટલે આ મે મહિના વાળી વાત તો સુપ્રિમે માન્ય રાખી હોત તો, વિશ્વના નકશા ઉપર આ ભારતવર્ષ પહેલો એવો દેશ હોત જ્યાં ગરીબી શબ્દ, શબ્દકોશમાંથી નાબુદ થઈ ગયો હોત (ને આ શબ્દ બોલનાર ઉપર એટ્રોસીટી લાગી જાત!) પણ ખેર, કહેવાય છે ને કે ગરીબના નસીબ પણ ગરીબ બીજું શું!

            આ લોકો એટલે કે આયોજન પંચ વાળા કેટલા બધા સરળ અને નિખાલસ માણસો છે નહીં? એમણે આ બત્રીસ રૂપિયા વાળું કેલ્ક્યુલેશન કરવા માટે પણ કોઈ અટપટી ફોર્મ્યુલા નહીં વાપરતાં કેટલી બધી સરળ ગણતરી ધ્યાનમાં લીધી છે કે સામાન્ય માણસને પણ ગરમા ગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય! (માફ કરજો આ ૩૨ રૂપિયામાં શીરાનું ઉદાહરણ આપવું પણ પોસાય  કે નહીં એ આગળ વિચારવું પડશે!) એક માણસને જીવવા માટે એક દિવસમાં અમૂક તમુક કેલેરી જોઇએ અને એટલી કેલેરી મેળવવા મારે નો રોજનો અમુક ખર્ચ આવે…વાહ, કેટલી સીધીને સરળ વાત છે!

            એટલું જ નહીં, આ બત્રીસ રૂપિયામાંથી એક એક પૈસાનો હિસાબ સમજાવ્યો છે, જેમકે એમણે કહ્યું છે કે રોજના ખાવા ઉપર રૂપિયા સાડાપાંચ ખર્ચવા એ તંદુરસ્ત રહેવા માટે પૂરતું છે, વાહ ..વાહ…કેવા ઉચ્ચ વિચાર! લોકોની કેટલી બધી કાળજી છે! અને અહીં આધ્યાત્મિકતા પણ જોઇ શકાય છે, ગાંધીજીની એ પ્રબોધેલ અપરિગ્રહની ભાવના પણ સમાયેલ છે, રોજ એક કેળું (ને ક્યારેક અરધું) ખાઇ ને પાણી પીને સુઇ જવાનું! જો ક્યારેક ચેન્જની ઈચ્છા થાય તો ૧૦૦ ગ્રામ ભીંડા અથવા ૨૦૦ ગ્રામ ટામેટા (અલબત્ત કાચા જ) ખાઈ શકાય! એમતો અહીં રોજના ૧.૦૨ પૈસાની કઠોળની પણ જોગવાઈ છે, એટલે આજના ભાવે રોજ લગભગ દોઢ ગ્રામ તો આવીજ જાય..એક કેળાંનું ભોજન લીધા પછી મુખવાસ તરીકે તો લઈજ શકાય! (કોઇ કહેશે, ધાણા દાળની પડીકીમાં કેટલી ધાણા દાળ આવે છે?) ને જો દાળ બનાવીને ખાવાની લકઝરીની ઇચ્છા હોય તો બે ત્રણ મહિના રાહ ક્યાં નથી જોવાતી! વાંકદેખાઓને જ્યાં ત્યાં સરકારનો વાંક જ દેખાય છે પણ એ નથી જોતા કે સરકારને લોકોનું કેટલું હિત હૈયે વસેલું છે અને એટલે જ ખાંડ ઉપર સિત્તેર પૈસા રોજની ગણતરી આપી છે એટલે લગભગ ૩૫ રૂપિયે કિલો ગણીએ તો યે રોજની વીસ ગ્રામ થાય….આજે ડાયબિટીસનું પ્રમાણ કેટલું  વધી ગયું છે એ તો જુઓ, પછી સરકારના ઇરાદાને એની સાથે જોડી જુઓ!

            શિક્ષણ ઉપર મહીના ના ૨૯ રૂપિયા અને ૬૦ પૈસા પૂરતા છે એમ આયોજન પંચનું વિનમ્રપણે માનવું છે(વાંક દેખાઓ અહીં પણ પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબ્બર, કંપાસ વગેરે વગેરે વગેરેની વાતો વચ્ચે લાવ્યા વિના રહેશે જ નહીં એની મને ખાતરી છે!) તમે હકારાત્મક રીતે વિચારી ને સરકારની ઉદારતા તો જુઓ કે એ એક મહીના ના રૂપિયા ૯.૬૦ બૂટ-ચપ્પલ ઉપર ( સસ્તામાં સસ્તા જોડા પણ જો ૩૦૦ રૂપિયાના ગણીએ તો પણ લગભગ દર ત્રણ વર્ષે નવી જોડી ખરીદી શકાય!) ખર્ચવાની લકઝરી ભોગવે એને પણ ગરીબ માનવા તૈયાર નથી!

            આમ અહીં લોકોને ગરીબી રેખાની ઉપર લાવવા માટે આયોજન કમિશને બહુ ઝીણું કાત્યું છે લોકોની જરૂરિયાતની એકે એક બાબત ઉપર ધ્યાન દીધું છે,બધી જ ગણતરી આપી છે, કપડાં, દવા, બળતણ, અન્ય પરચુરણ ખર્ચ દરેક દરેક જ્ગ્યાએ એટલી બધી મહેનત કરીને પાઈ પાઈ નો હિસાબ કરીને આંકડા ગોઠ્વ્યા છે કે કોઈ જ ગરીબી રેખાની નીચે ના રહે, વાંકદેખાઓ તો એમ પણ કહેશે કે આમા કફ્ન ના, બાળવાના લાકડાના વગેરે ના આંકડા ક્યાં? પણ શું બધું જ સરકારે જ કરવાનું? પછી એટલું તો આપણે કરવું જોઈએ ને?

            છેલ્લે: એક જૂનો જાણીતો ચવાઈને ચૂથ્થો થઈ ગયેલો પણ અહીં પ્રસ્તુત છે એવો જોક:
            “સાહેબ…નદીમાં પાણીની સપાટી વધતી જ જાય છે…પાણી ખતરાના ના નિશાનને વટાવી ગયું છે!”
            “ તો જલદીથી એ નિશાન ને વધારે ઉપર લઈ લો!”
Wednesday, 21 September 2011



જાદુઇ ચિરાગ!


     કાળઝાળ મોંઘવારીથી પીડિત જનતા માટે આજે એક બહુ જ સારા સમાચાર આવ્યા છે , હવે ડરવાની જરૂર નથી, ભલે પેટ્રોલના ભાવ રૂપિયા પાંચ હજાર એક લિટરના થઈ જાય કે પછી એક લિટર દૂધના રૂપિયા હજાર! ગમે તેવા ભાવ વધારાને પહોંચી વળાય એવી એક ફોર્મ્યુલા હાથ લાગી છે, ભારતમાં હવે કોઈ જ ગરીબ નહીં રહે, ને ગરિબીની રેખાને કુત્તુબ મિનાર જેટલી ઊંચાઇએ લઈ જવી પડે એવી હાલત સર્જાય એમ છે, શ્રાવણ મહિનામાં જો તમારે દાન કરીને પુણ્ય કમાવું હશે તો ભીખારીના પણ પ્રિમિયમ બોલાતા હશે કેમ કે ભીખારી નામની પ્રજાતી લગભગ લુપ્ત થઈ જવાના આરે હશે!

     તમને એમ થશે કે આ બધી આ કળિયુગ પછી આવનારા સતયુગની વાતો છે તો ના એવું નથી, તમારા હાથમાં છે તમે ધારો તો આ દિવસો એક અઠવડિયામાં પણ આવી શકે એમ છે, બસ શરત ફક્ત એટલી છે કે....

     ચાલો આ બધી વાત કરતાં પહેલાં આજે આવેલા બીજા એક સમાચાર ઉપર નજર નાખી લઈએ, આજે આપણા કેટલાક મંત્રી મહોદયની સંપત્તિના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, ૨૦૦૯ માં ચૂંટણી લડતી વખતે એમણે જાહેર કરેલી સંપત્તિ અને આજે એમની જે સંપત્તિ છે એ. આંકડાઓ અદ્‌ભૂત છે, જાણીને આનંદ થાય એવા છે તો આપને એક નજર નાખીએ એ ૨૦૦૯ના આંકડા  ને આજના આંકડા ઉપર,

     આમાં સૌથી ટોપ ઉપર છે ડી એમ કે ના શ્રી( ના..ના રાજા ને તો આમાં ગણતા જ નથી એ તો વિશ્વવિક્રમ ધારક છે, એની તો અલગ કેટેગરી આવે!) ડૉ. એસ. જગતશેખરન્‌ જેમની સંપત્તિ ૨૦૦૯માં ૫.૯ કરોડ હતી ને આજે છે ૭૦ કરોડ એટલે લગભગ ૬૪ કરોડનો વધારો બે વર્ષમાં! ( ટકાવારીમાં આ ગ્રોથ કેટલો થાય એ કોઈ ગણી ને મને કહેશે?) એના પછીના ક્રમે આવે છે એન સી પીના પ્રફુલ્લ પટેલ, જે બેતાલીસ કરોડના વધારા સાથે ૭૯.૮ કરોડથી પહોંચ્યાછે ૧૨૨ કરોડે, કોંગ્રેસના કમલનાથે ૧૪ કરોડના આંકડાને ઉલ્ટો કરી ૪૧ કર્યા છે એટલે કે બે વરસમાં ૩૬ કરોડનો ચોખ્ખો વધારો! આ રીતે કુલ ૭૭ પ્રધાનોના આંકડા જોવા કરતાં આપણે ટૂંકમાં જોઈએ તો એવરેજ બધા મંત્રીઓની સંપત્તિ જે ૨૦૦૯માં ૭.૩ કરોડ હતી તે આજે છે ૧૦.૬ કરોડ, એટલે કે એવરેજ ૩.૩ કરોડનો વધારો!( જય હો સોનિયા મૈયા કી, જય હો એમ એમ એસ કી!) એક બહુ જ અગત્યની બાબત, આ સંપત્તિમાં ક્યાંય સ્વિસ બેન્ક વાળા આંકડા જોડેલ નથી એની લાગતા વળગતાઓ એ નોંધ લેવી!

     હવે પાછા મૂળ વાત ઉપર આવીએ તો તકલીફોનો અંત નજીક છે,કાલી રાત વિતવામાં છે ને સોનાનો સૂરજ ક્ષિતિજ ઉપર ઉગવાની તૈયારીમાં છે એને ઉગવા દેવો કે નહીં એ તમારા જ હાથમાં છે, તો લો તમે બધા હવે મને મારવા દોડો એટલુ મોણ નાખ્યા પછી સફળતાનો મંત્ર કહી દઉં...તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે રોકાણ નો એ સ્રોત શોધી કાઢવાનો જ્યાં આ બધાજ મંત્રીઓએ રોકાણ કરીને આ બે વર્ષમાં જ આટલું જંગી વળતર મેળવ્યું છે!

     ( એ...એ... બુટ નહીં ...બુટનહીં...વાગી જાય યાર! ફેંકવા હોય તો ચપ્પલ ફેંકો ને એ પણ નાના સાત વર્ષ ના બાળકના (મારા દિકરાના તૂટી ગયા છે એટલે) સમજો યાર....!)
Friday, 16 September 2011

એકાદ બે હુમલા તો થયા કરે-રાહુલ ગાંધી


તારીખ: ૧૪ જુલાઈ, ૨૦૧૧.
સમય: ૨૪ કલાકમાં થી કોઈ પણ.
(જનતાને માટે તો ખરાબ જ ચાલે છે ને!)
સ્થળ: કોઈ પણ હોય, શું ફેર પડે છે?


રૂમ માં એક ટીવી છે જેના ઉપર કોઈ એક ન્યૂઝ ચેનલ ચાલુ છે, જેના ઉપર મુંબઈના બોમ્બ ધડાકાના સમાચાર આવી રહ્યા છે... ટીવીની સામે  ચાર-પાંચ લોકો  બેઠા છે, વચ્ચે ટેબલ ઉપર એક મોટા થાળમાં તંદુરી મુર્ગી પડેલી છે. વિદેશી દારૂની બોટલો છે ગ્લાસ છે...એવામાં બહારથી દોડીને હાંફ્તો હાંફતો ગભરાયેલો એક જણ આવે છે, " ભાઇ...ભાઇ..ગઝબ હો ગયા...!"
" અબે, ક્યા હો ગયા? તુ બતાયેગા ભી યા યૂં  કુત્તેકી તરહ જબાન નિકાલકે હાંફ્તા રહેગા?" એમાંના એક સરદાર જેવા લાગતા એક જણે આમીરખાન બ્રાન્ડની ’બીપ્‌’...’બીપ્‌’ ફટકારતાં કહ્યું.
"ભાઇ, જલદીસે ઈધરસે અપના બોરિયા-બિસ્તર બાંધકે નિકલનેમેં હી અપની ખૈરિયત હૈ...જલ્દી કરો...!"
"અરે તૂ કુછ બતાયેગભી યા યૂંહી ભોંકતા રહેગા?"
" ભાઇ, મેં બહોત ઘબરા ગયા હું ઔર ઘબરાહટ કી વજહ સે સુભેસે ચાર બાર ટટ્ટી ભી જા ચુકા હું!"
"અબે...તેરી...(આમીરખાન)...(આમીરખાન) તું બોલતા હે યા ઠોક દું અભી?...એ..મુસ્તાક, લા તો તેરા ઘોડા...ઠોક દેતા હું સાલે કો અભીકા અભી, ઈધર હી....(વળી એક મોટી આમીરખાન)"
" ભાઇ માફ કરદો, બતાતાહું બતાતા હું...કલ હમને જો પરાક્રમ કિયા હૈને મુંબઈમેં ઉસકા બહોત જલદ રિએક્સન આયા હૈ...અબ ઈધર અપની ખૈર નહીં હૈ, જલ્દી સે યા તો કહીં ભાગ જાએ યા તો સામને સે પુલીસમે જાકે માફી માંગ કે સરન્ડર હો જાનેમેં હી અપની ખૈરિયત હૈ!"
હવે સરદારને પણ મામલો કંઇક ગંભીર લાગ્યો, એણે ન ગભરાતા હોવાનો દેખાવ કરતાં ને એક ’ઈમરાન’ ફટકારતાં (’ઇમરાન’ એટલે...ન સમજ્યા ભાઇ? સિમ્પલ લોજીક યાર...આમીર એટલે મોટી ’બીપ્‌’ તો ઇમરાન એટલે નાની ’બીપ’!) બોલ્યો " બતા આખીર હુઆ ક્યા હૈ?"
" ભાઇ દિલ્હીમેં કોઈ મેડમ સે સબસે ઉપર...ઉસને બોલા હૈ કી " ઇસ કાયરતા કા ઉચિત જવાબ દિયા જાયેગા!"
એક મિનિટ માટે કમરામાં સન્નાટો! આગંતુક ને લાગ્યું કે પોતાની વાતની ગંભીરતા લોકોને સમજાઇ છે..એક મિનિટની ખામોશી ટૂટી..કમરો ત્યાં હાજર રહેલા લોકોના ના અટ્ટહાસ્યથી ગાજી ઉઠ્યો..ને પછી આગંતુક ને સંબોધિને આમીર-ઈમરાનની રમઝટ બોલી ગઈ!
" અબે સાલે....મેં કોઇ પ્રાઇમ મિનિસ્ટર નહીં હું કી ઉસસે ડરૂં ઔર...ના તો હમ ઉસ પાર્ટીકે મેમ્બર હૈ જો ડર ડર કે જીએ...!"
"લેકિન ભાઇ...."
" અબે...ચૂપ....!કુછ સાલ પહેલે હમને ઉનકે જૈસી કોઈ દૂસરી પાર્ટી થી તબભી જબ હમને ઘરમેં ઘુસકે મારા થા તબભી કોઈ બુઢ્ઢેને બોલા થા કી અબ  આરપારકી લડાઈ હોગી...ક્યા ઉખાડ લિયાથા ઉસ વખ્ત? સાલા....ખુદ કે પૈરો પે તો ઠીક સે ખડા નહીં હો પાતા થા ઔર બાત આરપાર કી...!"
"લેકિન બોસ ફિર ભી ઇસ કામ મેં બહોત રિસ્ક હો ગયા અબ...કિસી દિન પકડે ગયે તો?"
" તો ક્યા?...ઉધર ભી દાવત ખાયેંગે...અંદર બૈઠ કે ઔર ક્યા...સુના નહીં હૈ તુમને, આજ તક ગવર્મેન્ટ હમારે કસાબ ભાઇ પે ઇતના ખર્ચ કરા ચૂકી હૈ કી ઉસમેં સે તીન ચાર ફાઇવ સ્ટાર યા સેવન સ્ટાર બન જાય!"
" લેકિન ફાંસી તો હોની હી હૈ...એક દિન.."
" હાં બિલકુલ સહી બોલા ભીડુ...એક દિન...લેકિન વો એક દિન કૌનસા હૈ ઔર કબ આયેગા યે ઇસકો પતા હૈ?..ઉધર હમારે આકા  બહોત બૈઠે હૈ જો વો એક દિન કભી આને હી નહીં દેંગે...ક્યૂં કી ઉનકોભી તો વોટ ચાહિયે, અપની કુર્સી કો બચાને કે લિયે!"
એટલામાં ટીવીની ન્યૂઝ ચેનલ ઉપર એક ટકલો ચશ્મા વાળો દેખાયો જે બોલતો હતો " હમેં લગતા હૈ કી આજ જનાબ કસાબજી કા જનમદિન હૈ, ઇસ મુબારક મોકે કો બદનામ કરને કી યે આર.એસ. એસ. કી સાજીસ હૈ...યે હિન્દુ આતંકવાદ સબસે બડા ખતરા હૈ...બ્લા...બ્લા...બ્લા..."
" દેખા સબને...લગતા હૈ કી અબભી ડરને કી કોઇ બાત હૈ, હમારે લિયે?"
" હા...સરદાર આપકી બાત સહી હૈ...યે સબ હમારે આકા હૈ ક્યૂં કી હમ જો કામ બહોત હી છોટે મોટે તૌર પે કર રહે હૈ ઇસ દેશ કો નૂકશાન પહોંચાને કા, ઉસમેં તો હમ હર બાર કુછ હી કરોડકા નૂકશાન કર પાતે હૈ...લેકિન યે લોગ તો ટુજી સે લેકર કોમનવેલ્થ તક અરબો અરબો કા ચૂના લગા ચૂકે હૈ ઇસ દેશકો...તો ફિર યે તો હમારા હી કામ હો રહા હૈ ના!"
" લેકિન સરદાર મુંબઈમે કોઈ બુઢા હૈ દાઢી વાલા વો ઔર ઉસકા ભતીજા, હમારે ખિલાફ બહોત બોલતે હૈ...ઠોક દેતે હૈ સાલો કો!"
" ખબરદાર...ખબરદાર...ઐસા સોચાભી તો...વો દોનો તો અપને હી આદમી હૈ, હમારે લિયે બહોત અચ્છા કામ કર રહે હૈ, ઔર હમસે ભી અચ્છેસે કર રહે હૈ!"
" વો કૈસે સરદાર?"
"તુ ભી સાલા એક નંબર કા ...(ઇમરાન)..ઇતનાભી નહીં સમજતા?..(આમીર)...હમારા કામ ક્યા હૈ? હમ યે સબ બમબ્લાસ્ટ ક્યૂં કર રહે હૈ?"
" તાકી ઉન લોગોમેં દહેશત ફૈલ જાય...ભાઇ ભાઇમેં નફરત હો જાય ઔર એક દૂસરે કો મરને મારને કો તૈયાર હો જાય!"
" અરે વાહ, તુ તો કાફી સમઝદાર હૈ....અબ યે બતા..યે ચાચા-ભતીજા ક્યા કર રહે હૈ?"
" સમજ ગયા...સરદાર સમજ ગયા....!...અરે વાહ યે તો બહોત હી અચ્છા હૈ...કામ હમારા હો રહા હૈ ઔર કિસી કો શક ભી નહીં!"

નોંધ: ગઈ કાલે ફરી એક વાર મુંબઈમાં બોમ્બબ્લાસ્ટ થયા ને પછી મનમાં જે તરંગો ઉઠયા એ અહીં ઉતારવાની કોશીશ કરી છે, કોઈ પણ પાત્ર કાલ્પનિક નથી એટલે કોઈએ બંધ બેસતી પાઘડી, ચડ્ડી, લંગોટી જે પહેરવું હોય તે પહેરી શકે છે.(પણ આ દેશની જનતાના એવાં નસીબ ક્યાં?)


તારીખ : ૧૪/૦૭/૨૦૧૧.

વિજોગણનું ગીત


સખી મુંને  શમણાં  ઊગ્યાં રે  અડાબીડ,
સખી  હું  તો  મટકું  મારૂંને થાતી ભીડ,

અટ્ક્યા લૈ ઓરતા આ ભમરાળી કેડીએ,
નેજવું  માંડીને  હું  તો  બેઠી’તી  મેડીએ,
સખી મુંને વાટ્યું જોયાની વળી ચીડ...
સખી મુંને  શમણાં  ઊગ્યાં રે  અડાબીડ.

ઢળતી  બપ્પોરે  મારા  મોભારે  કાગડો,
અમથે  અમથો  મુવો તાણે કાં રાગડો?
સખી  મુંને  અંગેઅંગ ફૂટે  એની  પીડ...
સખી મુંને  શમણાં  ઊગ્યાં રે  અડાબીડ.

લખ્યા તારીખ: ૨૦/૦૨/૨૦૧૧


વિધવાનું ગીત


ઉમ્બરેથી આંગણાં પાછાં વળે ને હવે વાગે નૈં કિનખાબી ઠેસ,
નીંદરનું નામ હવે ચિતરેલ ટૌકો ને શમણાં તો શમણાંને દેશ,

આયખાને સાંભરે એ સથવારો તારો,
રોજ રોજ ઢળતો આ જુવાનીનો પારો,

આયખું તો જેમ તેમ જીવી જવાય પણ ચાડી ફૂંકે છે આ કેશ,
                          ઉમ્બરેથી....      

ઘડિયું લાગે છે મને વરસોની વાત,
કેમ કાઢું દા’ડા, હુંયે માણસની જાત,

દાખલો આ જીવતરનો બેઠો ’તો માંડ ત્યાં છેવટતો શૂન્ય વધી શેષ.
                       ઉમ્બરેથી...

ગઝલ


નહોતું કોઇ કારણ અમસ્તા થાકી ગયા,
મંઝીલ હતી સામે ને રસ્તા થાકી ગયા;

ક્યાં સહેલું છે ખુદને કે ખુદાને મળવાનું,
કૈં’ક સંત, ફકીર અને ફરિસ્તા થાકી ગયા;

અંગૂઠાનું   તો   કેવળ  કર્યું’તું  બહાનું,
છે હકીકત કે શ્વાન ભસતા થાકી ગયા;

હસ્તરેખાને કશી ક્યાં હોય છે નિસ્બત,
સત્ય એ છે કે અમે શ્વસતા થાકી ગયા;

ચાલો  ગઝલ  કરીએ  અહીં મુકામ હવે,
છંદ,રદીફ ને કાફિયાના દસ્તા થાકી ગયા;

Tuesday, May 25, 2010

પરદુ:ખભંજન

અને વિક્રમરાજાને પણ જાણે એનું વ્યસન જ થઇ ગયું હતું. એણે હંમેશની માફક વૈતાળને વડ પરથી ઉતારી ખભે નાખી મૂંગામૂંગા ચાલવા માંડ્યું.



વૈતાળ પાસે પણ હવે તો વાર્તાઓ ખૂટી હતી. તેણે માથું ખંજવાળતાં ખંજવાળતાં યાદ કરવા માંડ્યું, અને પછી કંઇક યાદ આવ્યું હોય એમ બોલવા લાગ્યો: “ હે રાજા વિક્રમ, તું પણ ખરો છે, હવે તને કંટાળો નથી આવતો? એકનું એક કામ વારંવાર કરતાં કોણ નથી કંટાળતું ? પોતાને જેમાં જરા પણ લાભ ન હોય અને એ કામ કંટાળ્યા વગર કરતો હોય એને આ સમાજ પાગલ ગણે છે. તો રાજન્ આજે તને હું આ બાબતને લગતી એક ભવિષ્યકથા કહું છું તે સાંભળ.



“ આજથી સૈકાઓ પછી એટલે કે વીસમી સદીમાં આ દેશમાં એકએકથી ચડી જાય એવાં ઘણાં નગરો હશે, તે નગરોમાં ઓફિસો હશે અને તે ઓફિસોમાં અમુક ઉંમર થાય એટલે માણસોને નિવૃત્ત થવું એવો નિયમ હશે.



“ એવી એક ઓફિસનો એક કર્મચારી નિવૃત્ત થશે. એ તારા જેવો પરદુ:ખભંજન(લાખોમાં એક!) હશે, એટલે એને વિચાર આવશે કે મારે સેવા કરવી છે. એટલે એ સેવાનાં ક્ષેત્રો વિશે વિચારશે અને છેવટે જેનું કોઇજ નથી અને સમાજ જેને હંમેશાં હડધૂત કરે છે તેવા પાગલોની સેવા કરવા માટે એ ઘર છોડી જવાનો નિશ્ચય કરશે.



“ અને છેવટે એ પોતાનાં કુટુંબીજનોને પૂછશે. ત્યારે પત્ની કહેશે : ‘તમને પણ જાતી જિંદગીએ આવાને આવા ફંદ સુઝે છે ! તમારે સેવા જ કરવી હોય તો કરો મારા આ ઠાકોરજીની, પડ્યા રો’ એક ખૂણામાં ને ફેરવ્યા કરો માળા.’



“ પુત્ર કહેશે : ‘મને વાંધો નથી ( હે રાજા વિક્રમ, વિસમી સદીમાં બાપ ઘર છોડી જાય એની સામે કોઇ સુપુત્રને વાંધો નહીં હોય), પણ સમાજ એ સ્વીકારશે નહીં, અમારી સામે આંગળી ચીંધશે. ( હા એ બીક ખરી !).’



“ પુત્રવધૂ કહેશે : ’બાપા, અમે તમને શું નડીએ છીએ? પડ્યા રો’ ને ઘરમાં ! તમારા વિના આ બાબલાને કોણ ફરવા લઈ જશે( મુદ્દાની વાત !) ?’



“ અને કુટુંબીજનોના આવા ( એટલે કેવા?) વિરોધ છતાંય તે ઘર છોડી જશે, અને શહેરના પાગલો ભેગો રખડશે. તેમનો વિશ્વાસ મેળવશે. શહેરની ગલીએ ગલી રખડીને રોટલા માગશે, અને પછી બધાને ભેગા કરીને પ્રેમથી ખવડાવશે. સુધરાઇના નળ ઉપર લઈ જઇને એમને નવડાવશે. એમના નખ કાપી આપશે. એના વાળ કાપી આપશે અને વાળ હોળી આપશે. કોઈને ગૂમડાં, ખસ, ખરજવું – કંઇ થયું હશે તો ધર્માદા દવાખાને લઈ જશે અને સારવાર કરાવશે. જરૂર હશે તો પોતાના પૈસાની દવા પણ લઈ આપશે અને સમયે યાદ કરીને પાશે. શિયાળામાં કપડાંની ભીખ માગશે અને બધાને વહેંચી આપશે. રાત્રે એ બધા ભેગો સૂશે અને કોઈનું ઓઢવાનું ખસી જશે કાળજીપૂર્વક ઓઢાડશે. આમ એ પાગલોનું એક અંગ બની જશે.



“ પરિણામ ?



“ સમાજને શરૂ શરૂમાં તો આ બધું વિચિત્ર લાગશે. થોડીક ચણભણ થશે અને પછી બધું કોઠે પડી જશે. સમાજ એને સ્વીકારી લેશે.



“ તો હે રાજા વિક્રમ, તને મારો એ સવાલ છે કે સમાજ એને કેવા સ્વરૂપે સ્વીકારશે ? જો તું જવાબ નહીં આપે તો હું માની લઈશ કે તું જાણતો નથી. (જાણતો નથી ? કેટલું શરમજનક !)”



“સમાજ એને પણ એક પાગલ તરીકે સ્વીકારી લેશે…”



--એમ વિક્રમ રાજા જવાબ પૂરો આપી રહે તે પહેલાં “શાબ્બાશ” કહેતો ખડખડ હસતો વૈતાળ ફરી એક વાર વડ પર ટિંગાઇ ગયો.

Sunday, March 07, 2010

શૂરોપૂરો

ખચ્ચાક ખચ્ચાક ખચ્ચાક દુશ્મનોનાં માથાં વઢાતાં હોય એમ દાતરડું રજકો વાઢી રહ્યું હતું. પણ હજુ તો માંડ બે’ક પાથરા વઢાયા હશે, ત્યાં તો આથમણી પા કાળો બોકાસો અને રીડિયારમણ.
ગોઠણિયાભર રામસંગ બાપુના દેહની ભૂમિમાં ભંડારાયેલો શૂરાપૂરાનો ભોરિંગ ફુત્કાર કરતો બહાર આવ્યો ને જમણા હાથમાં સાણસી જેવાં આંગળાં વચ્ચે જકડાયેલા દાતરડા પર મીટ માંડી મોરલી માથે મણિધર ડોલે એમ ડોલવા લાગ્યો.
રખે ભ્રમણા હોય! બાપુએ કાનસૂરી માંડી. રડિબામ રડિબામ બૂંગિયાનો વિલાપ ને તરઘાયા પર દાંડીનું ધ્રિજાંગ…ધ્રિજાંગ…
“ નક્કી લૂટારાવ. વિચાર સું કરે’છ, રામસંગ ઠાકોર!” માંયલા શૂરાપૂરાએ હાકોટો કર્યો.
“…પણ માળું હું એકલો કરીશ શું આમાં –ગામ નકરું ખદ્દ્દડ સે ન્યાં?” ગોઠણિયે હાથ મેલી ઊભા થતાં બાપુની વૈખરીએ દલીલ કરી.
“અરે ફ્ટ્ય ભૂંડા… માળા રામસંગ ઠાકોર! તારી રગુની નીકમાં રાણા પરતાપનું ધિંગું લોહી વહે છે ઇય ભૂલી ગયો? રીડ પડ્યે છુપાય તો એ રજપૂત શેનો?”
બસ, થઇ રહ્યું, રામસંગ ઠાકોરને રૂંવે રૂંવે રજપૂતાઇ ફૂટી નીકળી અને –
“ આ આવ્યો, ઊભા રે’જો, ગોલકીનાઉં.” કહેતાંકને બાપુએ ગામ ભણી ગડગડતી દોટ મેલી.
“હાલ્યા આવો જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય ઇ. હાળા ચોરટવ મલકના!” લૂંટારાની વચમાં કૂંડાળે પડેલા રામસંગ બાપુએ ગર્જના કરી ને ધિંગાણું જામી પડ્યું. પછી તો તલવારું માંડી સબોસબ વીંઝાવા. માથાં માડ્યા ફટોફટ ઉતરવા. અને જોતજોતામાં—આંખના પલકારામાં તો નવનાં ઢીમ ઢાળી દીધાં બાપુએ. અને જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગી રહેલા બાકીના લૂંટારાની પીઠ પાછળ દોડી રહેલા બાપુની ત્રાડ આકાશને આંબી ગઇ. “ઊભા ર્યો, ઊભા ર્યો, મરદના દીકરાવ, વરતા જાવ અપસાઉં ને.”
ને ભાગતા લૂંટારાના કૂલે ભટકાતા પગ ભાળી બાપુ સ્વગત ખડખડ હસ્યા : “ કોઇ છબ્યો નંઇ દીકરો!’
--સોંપો પડી ગયો. પાદરના વડલાના તોતિંગ થડના ટેકે બાપુના થાકીને લોથ થઇ ગયેલા શરીરે ટેકો લીધો. ગામ ઢાળી નજર નોંધી. ચકલુંય ફરકતું નહોતું.
“એલા હવે તો ઘરમાંથી બા’રા નીકળો-- હાળા બાયલાવ.” બાપુ બબડ્યા. પણ આખા ગામના આગળા અકબંધ હતા. એટલે છેવટ બાપુએ પંડ્યેજ પોતાની પીઠ ઠપકારવી પડી : “ રંગ રાખ્યો, રામસંગ ઠાકોર ! તું ન હત તો ન થાવાનું થઇ જાત આજ આંઇ.”
અને બાપુએ પોતાની શૂરવીરતાની સરવે શરૂ કરી—“ એક, બે, ત્રણ, ચાર, પાંચ…નવ, નવ? નવને? મેં એકલે પંડ્યે આટલાને માર્યા?”
આશ્ચર્ય અને અહોભાવથી ભીંજાયેલું બાપુનું મન વિચારે ચડી ગયું : “હાળું ગામ વાળૂ તો કોઇ ભેરે થ્યું નહીં. આ તો ઠીક સે બધું પાર ઉતરી ગ્યું સમેસૂતર, ને કદીક હું ક્યાંક—હું ક્યાંક કામ આવે ગ્યો હોત, હું ખપી ગ્યો હોત તો…તો?”
ને ભાવિમાં ડૂબી ગયેલા બાપુની દ્રષ્ટિ સમક્ષ પોતાનો પાળિયો તરવા લાગ્યો.—એ લાલચટ્ટાક સિંદૂરિયા પાળિયાને ગામેડું શૂરાપૂરા તરીકે પૂજે છે. બાપુની માનતાઉં આવે છે. બાપુએ કંઇકના રોગદોગ દૂર કરી દીધા, કંઇકના વળગાડ કાઢ્યા, અરે મીંઢળબંધાં વરઘોડિયાંનાં મીંઢળેય બાપુને પાળિયે છૂટે.
મે નથી વરહતો ? નિવેદ કરો બાપુનાં. ઘઉંમાં ગેરુ આવ્યો છ? લાપશી માનો બાપુની. ઢોરને તનખિયો થ્યોછ ? બાપુને દૂધે નવડાવો. ગામમાં કોગળિયું આવ્યું છ? જાવ બાપુને શરણે…આમ બાપુ તો એકમાત્ર આધાર બની ગયા ગામનો. ત્યાં…ત્યા તો વડની પછળ સંતાયેલા એક લૂંટારાએ બાપુની પીઠમાં તલવાર પરોવી દીધી ને બાપુએ જોરથી રાડ્ય પાડી.
બાપુની રાડ્ય સાંભળીને બાજુના થાળામાં રેં’ટ હાંકતો મેપલો બળદને ઊભા રાખી હાંફળો ફાંફળો દોડતો આવ્યો—“શું થ્યું બાપુ ! કેમ રાડ્ય પાડી ? અરે તમને તો લોઇ નીકળ્યું છ કે શું ?”
“થાય શું ક્પ્પાળ તારા બાપનું ? આ રજકો વાઢતાં જરાક અમથું દાતરડું અડી ગ્યું ને ઇમાં લગરીક અવાજ નીકળી ગ્યો મોંમાંથી, ત્યાં તો હાળા વેવલીનાએ સીમ ગજવી દીધી. મારા મોઢા સામે શું તાકી બેઠો છ ? જા જઈને ઘા ઝાડવું ગોત્ય.” દાતરડાનો ઘા કરી પછેડી વડે આંગળી લૂછતા બાપુ બોલ્યા.

Friday, February 05, 2010

તડપ

આજે...
ગુલાબના સ્પર્શમાં
એની લીસ્સી હથેળીઓની મહેક
નથી અનુભવાતી,
ત્યારે
તમને યાદ આવે છે કે
તમે એને
ભવોભવ સાથે રહેવાના કોલ સાથે
જે ગુલાબ
આપ્યું હતું
એનાથી એના
જનમ જનમના સાથી
કાંટા
વિખૂટા પડાયા છે
એનો તમને ખ્યાલ નહોતો!

Friday, January 29, 2010

ગઝલ

યાદ એની શ્વાસ સુધી પ્રજ્વળે,
ને ગઝલ કાગળ બનીને અવતરે;

એક તણખો ધૂળમાં ફંફોસતા,
હાથ મારા સૂર્ય સુધી વિસ્તરે;

આસમાની આંખ તરસે ઝાંઝવાં,
એક સપનું આભ ઓઢી થરથરે.

Monday, January 11, 2010

ગઝલ

એમ માણસ કો’ક ફાજલ નીકળે,
જેમ દરિયે કોઇ વાદળ નીકળે;

ઓળખે છે કોણ કિસ્મતને અહીં,
જે હમેશાં વ્હેંત આગળ નીકળે;

શબ્દ બન્ને શક્ય છે પર્યાયમાં,
નીકળે મ્રુગજળ કે સાગર નીકળે;

તથ્યનું મંથન કરૂં છું જેટલું,
જીંદગી જેવું હળાહળ નીકળે;

તે છતાં આ રણ વિશે ઊભો હજુ,
કાશ ટીંપા બે’ક ઝાકળ નીકળે.