Wednesday, May 30, 2012

IPL: ઈડિયટ પીપલ્સ લીગ!


ગળથૂથી:
કાર્લ માર્ક્સે સાચું  કહ્યું છેધર્મ  અફીણ છેઅને ભારતમાં ક્રિકેટ  ધર્મ છે, 
એટલે પ્રજાને  અફીણના નશામાં ડૂબેલી રાખો એટલે મોંઘવારીગરીબીબેકારીભ્રષ્ટાચાર
 બધું ભૂલી જાય!

નવા  ’અગ્નિપથમાં એક દ્રશ્ય છે જેમાં ઋષી કપૂર હીરોની બહેનને ઘસડતો એક ચૌરાહા પર આવેલા ઊંચા ઓટલા પર લઈ જાય છે અને પછી એની બોલી લગાવવા માટે હાજર લોકોને, પોતાની પાસેનામાલની ગુણવત્તાનું વર્ણન કરતાં કરતાં ઉકસાવે છે, સામે ટોળામાં ઊભેલા લંપટો પોતપોતાની શક્તિ મુજબ બોલી લગાવે છે, દરમ્યાન, છોકરી રડતી-કકળતી, ધમપછાડા કરતી, રાક્ષસના હાથમાંથી છૂટવા માટે હવાતિયાં મારતી હોય છે. મધ્યયુગમાં અમૂક દેશોમાં દ્રશ્ય બહુ સામાન્ય હતું અને આજે પણ જ્યાં સ્રીઓનો દરજ્જો એક વસ્તુ જેટલો છે એવા હજુ મધ્યયુગમાં જીવતા કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. એજ રીતે, જ્યારે અમેરિકા અને બીજા અમૂક દેશોમાં ગુલામીની પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે ત્યાં પણ ગુલામોની આજ રીતે હરરાજી કરવામાં આવતી અને નિર્જીવ વસ્તુની માફક વેચાયેલા માણસે, જેણે પોતાની સૌથી ઊંચી કિંમત ચૂકવી હોય એની સાથે જવાનું રહેતું. બન્ને પ્રકારની ઘટનાઓમાં એક વાત કોમન હતી, જે વેચાતા હતા મજબૂર હતા પણ એમને સ્વમાન હતું. રીતે સામાનની જેમ વેચાવું અપમાનજનક લાગતું હતું, એટલે ભલે વિરોધ કરવાની ક્ષમતા કે સ્થિતિ ના હોય પણ ચહેરા પર તો લાચારી ને ગ્લાનિ છવાયેલી રહેતી.

                છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં આવાં દ્રશ્યો દર વર્ષે નિયમિત રીતે જોવા મળે છે, બસ વાતાવરણ થોડું અલગ હોય છે, આલીશાન પાંચસિતારા કે સાતસિતારા હોટેલમાં ખરીદ વેચાણનું આયોજન થાય છે, ખરીદારો ફેશનપરેડમાં ભાગ લેવા આવ્યા હોય રીતે સજીધજીને આવે છે અને હાઈ પ્રોફાઇલ ગુલામોની બોલી લાગવાની શરૂઆત થાય છે! જે ગુલામો ઊંચા ભાવે વેચાય છે રાજી થાય છે, બીજા પોતાનો સારો ભાવ કોઈ બોલે એની રાહ જુએ છે, જેના ખરીદારો નથી મળતા અને એના ચાહકો પણ દુ:ખી થઈ જાય છે! હા, આઈપીએલ છે બોસ...જ્યાં ક્રિકેટની આડમાં ઘણા ખેલ ખેલાય છે!

                મને ચોક્કસપણે ખાતરી છે કે લેખનું શિર્ષક વાંચીને ઘણા બધા ક્રિકેટ ચાહકોના ભવાં ચડી જવાનાં છે, છતાં જોખમનો ખ્યાલ રાખી, સમજી વિચારી, જાણીજોઈને શિર્ષક રાખ્યું છે, કારણ કે શિર્ષક રાખવા પાછળ કોઈ એક-બે નહીં પણ ઘણાં પ્રેરકબળ છે! એને સમજવા માટે થોડાં વરસ પાછળ જવું પડશે, આશરે સાડત્રીસ વરસ જ્યારે ૧૯૭૭માં ઓસ્ટ્રેલિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સર્વેસર્વા ગણાતા ચેનલ નાઇન ના માલિક કેરી પેકરે સૌ પ્રથમ જેન્ટલમેન્સ ગેમ ગણાતી રમતના પાયામાં પૈસાનો લૂણો લગાડ્યો! વાત જાણે એમ બની કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ૧૯૭૬માં ઑસ્ટ્રેલિયા દ્વારા રમાનારી ટેસ્ટ સિરીઝના સુવાંગ હક્કો આપવાની માગણી નકારી કાઢી તો વિફરેલા કેરી પેકરે પોતાના પૈસાની તાકાતના જોરે વિશ્વ ક્રિકેટના દિગ્ગજો ગણાય એવા કેટલાક ક્રિકેટરો જેમકે ક્લાઇવ લોઈડ(વેસ્ટ ઈન્ડીઝ), ઈમરાનખાન(પાકિસ્તાન), ચેપલ બંધુઓ(ઑસ્ટ્રેલિયા) જેવાની સાથે મોટી રકમના કરારથી, પોતાની સાથે રમવા સમજાવી પોતાની ક્રિકેટ સિરીઝ શરૂ કરી વિશ્વ ક્રિકેટમાં હાહાકાર મચાવી દીધો. ક્રિકેટ રમતા દેશોએ કેરી પેકર સાથે જોડાયેલા ક્રિકેટરોને અસ્પૃશ્ય જાહેર કરી ને પેકરની સિરીઝને ઉતારી પાડતું નામ આપ્યુંકેરી પેકરનું ક્રિકેટ સર્કસ’ (મોહિન્દર અમરનાથે સિલેક્ટરો માટે વાપરેલ શબ્દબંચ ઓફ જોકર્સને સર્કસ સાથે કોઇ સંબંધ નથી, એની લાગતાવળગતાએ નોંધ લેવી!)  છેવટે બે વર્ષમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું ને કેરી પેકરે પોતાનું સર્કસ સંકેલી લીધું પણ જેમ જમ ઘર ભાળી જાય એમ ક્રિકેટમાં ધીમે ધીમે પૈસાએ પોતાની તાકાત પ્રસારવાની શરૂઆત કરી દીધી. અહીં એક વાતની  નોંધ લેવી જરૂરી છે કે કેરી પેકરના ક્રિકેટને સર્કસ કહી ઉતારી પાડનારા લોકોએ, પેકરે ક્રિકેટમાં શરૂ કરેલી કેટલીક નવી પ્રથાઓ જેમકે, રંગીન કપડાં, સફેદ બોલ, રાત્રી ક્રિકેટ વગેરે અપનાવી લીધી!

                એકવીસમી સદીના પહેલા દશકાની શરૂઆતના વર્ષોમાં ભારતીય ક્રિકેટ જગતમાં કેરી પેકર વાળા પ્રકરણના પુનરાવર્તનની શરૂઆત થઈ, એજ રીતે, અહીં પણ કહાનીમાં એક મીડિયા મહારથી, એક ક્રિકેટ બોર્ડ અને રીતે પ્રસારણના હક્કને લઈને વિવાદ! બસ, ચેનલ નાઇનના કેરી પેકરની જગ્યાએ અહીં નામ હતું ઝી ટેલીફિલ્મસના સુભાષચંદ્રાનું અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની જગ્યાએ ભારતીય ક્રિકેટ બોર્ડ. સુભાષ ચંદ્રાની સાથે જોડાયા કપિલદેવ અને સંદીપ પાટીલ જેવા નિવૃત મહારથીઓ અને અને ૨૦૦૭ માં  Zee Entertainment Enterprises ના નેજા હેઠળ ICL (ઈન્ડિયન ક્રિકેટ લીગ)ની શરૂઆત થઈ. અલબત્ત, સુભાષ ચંદ્રાની આઈસીએલની પિપૂડી બહુ વાગી નહીં પણ એમાંથી ભારતીય ક્રિકેટ બોર્ડને સોનાના ઈંડા આપતી એક મૂર્ગીનો આઇડિયા મળી ગયો જે છે આજની IPL !

                તો હે સુજ્ઞજનો, સુણજો હવે અથ: શ્રી આઇપીએલ કથા! કથામાં ડ્રામા છે, સસ્પેન્સ છે, સેક્સ છે, રોમાન્સ છે, ગ્લેમર છે, એક્સન છે, ગેમ્બલ છે, હીરો છે, હીરોઈન છે, વિલન છે અને સાથે થોડું ક્રિકેટ પણ છે! ૨૦૦૮થી ચાલુ ક્રિકેટના નામે શરૂ થયેલા તમાશાએ હીરોને વિલન બનાવી દીધા છે અને વિલનને હીરો તો અમુક ગંગુ તેલીને રાજા ભોજ બનાવી દીધા છે, એનું સૌથી મોટું ઉદાહરણ શરૂઆતના ત્રણ વર્ષ IPL ના કમિશ્નરની ખુરસી સંભાળનાર લલિત મોદી છે. રાજસ્થાનના ઉદ્યોગપતિ અને રાજકારણી ના દીકરા લલિત મોદીએ IPLકમિશ્નરની ખુરશી સંભાળી પહેલાં એના ખાતે શ્રીપુરાંત સિલક ના નામે કેટલાક નિષ્ફળ પ્રોજેક્ટ સિવાય કશું નહોતું, ને ત્રણ વર્ષ પછી એની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ, એક લકઝરી યૉટ, મર્સીડીઝ એસ ક્લાસ કારનો કાફલો(એક કારની કિંમત-આશરે એક કરોડ) અને કેટલીક બી.એમ.ડબ્લ્યૂ તથા દેશ અને વિદેશમાં બીજી ઘણી ચલ અને અચલ સંપત્તિ. તમે શું માનો છો, IPLકમિશ્નર તરીકે જે પગાર મળ્યો હશે એમાંથી ત્રણ વર્ષમાં આટલું બધું ભેગું કર્યું હોઈ શકે? કે પછી IPLના કમિશ્નરની ખુરશી ભારતના કોઈ પ્રધાનની ખુરશી છે જ્યાં બેસીને આરામથી કોભાંડ કરી આટલા રૂપિયા બનાવી શકાય? જો ઉપરોક્ત બન્ને સવાલના તમારા જવાબ ના માં હોય તો પછી રૂપિયા છાપવાનો એક ઑપ્શન વધે છે જેના માટે આજે ક્રિકેટ વારંવાર બદનામ થઈ રહ્યું છે અને IPL નું ગતકડું ખાસ જેના માટે ચાલુ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે . કોઈ સ્પષ્ટતાની જરૂર છે ખરી? કહેવાય છે કે IPLની ત્રણ ટીમો, RR, KKR અને K11Pમાં પરોક્ષ રીતે લલિત મોદીનો હિસ્સો હતો જેના સહારે બધા ખેલ ખેલી લીધા. જે વહેલું ઊગે વહેલું આથમે કુદરતનો નિયમ અહીં પણ લાગુ પડ્યો, સફળતાના મદમાં ચૂર લલિત મોદીએ ૨૦૦૮માં ભારતની સામાન્ય ચૂંટણીને કારણે IPLની તારીખોમાં આઘાપાછું કરવાની સરકારની વિનંતી પણ ઠુકરાવી દીધી અને અહીં પરવાનગી મળી તો .આફ્રિકામાં જઈને આયોજન કર્યું. બસ અહીંથી સરકારે લલિત મોદી પર નજર રાખવાની શરૂઆત કરી અને મોકો મળ્યો એટલે ઘડોલાડવો કરી નાખ્યો! પરંતુ પહેલાં મોદી સાથેના એક વિવાદમાં કેન્દ્રના એક પ્રધાન શશી થરૂરનો પણ ભોગ લેવાઈ ચૂક્યો હતો.

                શરૂઆતથી, પહેલી સીઝનથીજ IPL સટ્ટાખોરી અંગે તો શંકાના દાયરામાં રહ્યું જે છે પણ બીજાં પણ ઘણા કારણો છે જેના કારણે મીડિયા એને, ’નંગોકા સબસે બડા હમામ’, ’ ગ્રેટ ઈન્ડિયન કેસિનો’, ’ઈન્ડિયન પાપ લીગકે પછીઈન્ડિયન પોર્ન લીગ જેવા વિશેષણોથી નવાજતું રહ્યું છે. તો ક્યાં છે કારણો જેના લીધે IPL હમેશા વિવાદાસ્પદ બની રહ્યું છે? બધીજ બાબતો ઊંડાણથી તપાસવામાં આવે તો કોઈ વ્યક્તિ આસાનીથી પી.એચ.ડી કરી શકે એટલી સામગ્રી અહીં ઉપલબ્ધ છે, પણ આપણે એટલું બધું તલસ્પર્શી રીતે નહીં જોતાં એક ઉપરછલ્લી નજરે IPLની પાંચ સીઝનનું જમા-ઉધાર જાણવાની કોશીશ કરીએ,
•             IPLમાં ઠલવાતા હજારો કરોડ રૂપિયાના સ્રોત મોટાભાગે શંકાસ્પદ રહ્યા છે, હવાલા, વિદેશી ધન, કાળું નાણું, ટેક્ષને લઈને ગરબડો વગેરે..વગેરે..
•             ઉડ્ડયનમંત્રી પ્રફુલ્લ પટેલ ની દીકરી કે પછી શરદપવારની દીકરી સુપ્રિયા સૂળેના નામો પુણેની ટીમની ખરીદીને લઈને વિવાદોમાં રહ્યાં.
•             શશી થરૂર વિવાદ.
•             IPLની બીજી સીઝનમાં પંજાબ સામેની હાર હજમ ના થતાં હરભજને શ્રીસંતને થપ્પડ ઝીંકી દીધી.

એમાંયે પાંચમી અને હમણાં પૂરી થયેલી સીઝને તો વિવાદના નવા શિખરો સર કર્યાં, જેમાં સામેલ છે સ્પોટ ફિક્સીંગમાં પાંચ ખેલાડીઓનું પકડાવું, શાહરૂખનો વાનખેડે પરનો બખેડો, RCBના ખેલાડી દ્વારા વિદેશી મહિલાની છેડતી, બડે બાપની બિગડેલ ઔલાદ સિદ્ધાર્થ માલ્યાના બેજવાબદાર ટ્વીટ અને રેવ પાર્ટીમાંથી ખેલાડીઓનું પકડાવું.

સિવાય પણ ઘણી બાબતો એવી છે જે બહુજ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે IPLના લીધે ક્રિકેટને નૂકશાનજ થયું છે, જેમ કે IPLમાં મળતી મોટી રકમની લાલચે માલિંગા અને સુનિલ નારાયન જેવા ખેલાડીઓએ કારકિર્દીના મધ્યાહ્નને પોતાના દેશ માટે રમવાનું છોડી દીધું, ખેલાડીઓમાં ઈજાનું પ્રમાણ વધ્યું, પ્રતિસ્પર્ધા વધવાને લીધે સંઘભાવના ઘટી. IPLના કેટલાંક જમા પાસાં પર નજર નાખીએ તો નવા નવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક અને સારી એવી રકમ મળતી થઈ અને નિવૃત થઈ ચૂકેલા ખેલાડીઓને કામ મળ્યું, પણ થયો વ્યક્તિગત ફાયદો, એનાથી ક્રિકેટને શું? ખરેખર જોવા જઈએ તો જે બહાના હેઠળ તમાશો શરૂ કર્યો કે નવી પ્રતિભાની શોધ, તો એમાં પાંચ સીઝન પછી, એક રવીન્દ્ર જાડેજા સિવાય કોઇ નામ મને યાદ નથી આવતું કે જેને IPLના કારણે ભારતની ટીમમાં તક મળી હોય!

કાર્લ માર્ક્સે સાચું કહ્યું છે, ધર્મ અફીણ છે, અને ભારતમાં ક્રિકેટ ધર્મ છે. એટલે પ્રજાને અફીણના નશામાં ડૂબેલી રાખો એટલે મોંઘવારી, ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર બધું ભૂલી જાય!

ગંગાજળ:
સાંભળ્યું? આઈ.પી.એલ.માં પાંચ ક્રિકેટરો સ્પોટ ફિક્સીંગમાં પકડાયા..!”
તો ? દિવમાં દારૂ વેચાય એની નવાઈ લાગે? આમાં આટલી નવાઈ શાની લાગે છે?”
દિવમાં કોઈદિ રેડ પાડીને કોઈને પકડ્યાનું સાંભળ્યું છે?”
હા, વાત સાચી! એવું થાય તો નવાઈ લાગેજ!”


લખ્યા તારીખ: ૨૮/૦૫/૨૦૧૨.

Thursday, May 24, 2012

સાઈડ ઈફેક્ટ: લાયકાત વગરની સફળતા પછીની નિષ્ફળતાની

ગળથૂથી:
 ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!
***

        ફિલ્મ ’ચક દે ઇન્ડિયા’ માં એક ડાયલૉગ આવે છે,  “હર ટીમ મેં સિર્ફ એક હી ગુંડા હો શકતા હૈ, ઔર ઈસ ટીમ કા ગુંડા મૈં હું!” ત્યારે એને તાળીઓથી વધાવી લેનાર ચાહકોને એ વાતનો ખ્યાલ પણ ક્યાંથી હોય એક દિવસ સાચેજ ગુંડાગીરી પર ઊતરી આવેલા શાહરૂખને જોઈને તાળીને બદલે છાતી પીટવાનો વખત આવશે!

        હા, ૧૬મી એપ્રીલે, પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના મુંબઈ પરના આસાન વિજય પછી વિજયના નશામાં અને શરાબના નશામાં ધુત થઈ ગયેલ બોલીવુડનો આ બાદશાહ એ ભૂલી ગયો કે પોતે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સનો જ માલિક છે, વાનખેડે સ્ટૅડિયમનો નહી! મેચ પત્યા પછી રાત્રે પોણાબારના સુમારે, સ્ટેડિયમ બંધ થવાની તૈયારી હતી અને ફ્લડ લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી એવા સમયે જઈ પહોંચ્યો સ્ટેડિયમ પર. સ્ટૅડિયમના દરવાજા પર સૌથી પહેલી શાહરૂખની મવાલીગીરીનો ભોગ બની એક યુવતી, ભોગ એના કે એણે કોલકાતાના વિજય બદલ શાહરૂખને અભિનંદન આપ્યા! શાહરૂખે એને સામે પૂછ્યું કે ’તું કઈ ટીમની સપોર્ટર છો?” સ્વાભાવિક જ મુંબઈ નિવાસી કન્યાનો જવાબ હતો મુંબઈ. પછીતો પૂછવું જ શું..શરાબના નશામાં સંપૂર્ણ હોશ ખોઈ બેઠેલા ખાન નો પિત્તો હટી ગયો અને એ યુવતી પર ગાળોનો વરસાદ વરસાવી દીધો! પેલી બિચારીને થયું હશે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં! પછી વારો આવ્યો સ્ટૅડિયમના સુરક્ષા ગાર્ડનો, કે.કે.આર.ના યુનિફૉર્મમાં સજ્જ પોતાની સાથેના પચ્ચીસેક જેટલાં બાળકોને લઈને ભાઇ સાહેબે ને અરધી રાત્રે વાનખેડે પર ક્રિકેટ રમવાની ઇચ્છા થઈ! પણ ગાર્ડ બિચારો ચિઠ્ઠીનો ચાકર, નિયમોનો હવાલો દઈને મેદાનમાં જવાની ના પાડી એટલે વળી પાછો એસ.આર.કે ના પેટમાં પડેલો શેતાન જીભે આવ્યો અને ગાર્ડને બેફામ ગાળો દેવાની શરૂ કરી ને એક ગાર્ડને તો તમાચો પણ મારી દીધો. આ તમાશો જોઈ રહેલા મુંબઈ ક્રિકેટ એસોશીએશનના હોદ્દેદારો દોડીને આવ્યા અને એસ.આર. કે ને શાંત પાડવાની કોશીશ કરી, તો કોશાધ્યક્ષ સાવંત ને ધમકી આપતાં કહ્યું કે “જિન્દા જમીનમેં ગાડ દુંગા!” ને સાથે તમામ વચ્ચે આવીને મામલો ઠંડો કરવાની કોશીશ કરી રહેલા એમ.સી.એ.ના અધિકારીઓ પર ગાળોનો વરસાદ વરસાવતો રહ્યો. યુ ટ્યૂબ પરની આ વિવાદની ઓડિયો સાંભળતાં એમાં શારૂખના મોઢેથી શબ્દો કરતાં અપશબ્દો વધારે નીકળ્યા હોય એવું સ્પષ્ટ રીતે, ’બીપ’.. ’બીપ’..ની સંખ્યા પરથી જણાય છે!

        આમ તો શાહરૂખ ખાન અને વિવાદો નો નાતો છેલ્લા થોડા સમયથી ’એક દૂજે કે લિયે’ જેવો થઈ ગયો છે, પછી એ ફરાહખાન ના પતિ શિરીષ કુંદર સાથે પાર્ટીમાં કરેલી મારા મારી હોય કે ખુલ્લેઆમ કાનૂનની ઐસીતૈસી કરીને સરા જાહેર સ્ટૅડિયમમાં બેસીને સિગારેટ ફૂંકવાની ઘટના હોય. શાહરૂખ ખાનની ૧૫૦ કરોડની ’રા-વન’નો બૉમ્બ ફૂસ્સ થઈ ગયો, એવા મતલબનું શિરીષે ટ્વીટ કર્યું હતું અને લઈને શાહરૂખ નારાજ હતો જેની દાઝ કાઢવાનો મોકો ’અગ્નિપથ’ની પાર્ટીમાં મળી ગયો. શિરીષે આ પાર્ટીમાં સામેથી શાહરૂખને ઉશ્કેરવાની વારંવાર કોશીશ કરી ને શાહરૂખનું લોહી ઉકળી આવ્યું, પછીની ઘટના જગ જાહેર છે. એજ રીતે ૨૦૦૭માં અને પછી હાલ ૨૦૧૨ના આઈપીએલ દરમ્યાન જાહેરમાં સ્ટેડિયમાં સિગારેટ ફૂંકીને પણ શાહરૂખ વિવાદમાં ફસાયો છે અને કોર્ટને જવાબ આપવાનો બાકી છે. મન્નતના ગેરકાયદે બાંધકામનો વિવાદ પણ હજુ તાજો છે.

        સફળતા એ કાચો પારો છે યોગ્ય પાત્ર ન હોય તો પાત્રને બગાડી નાખે છે, સફળતાએ સિંહણનું દૂધ છે જેને પચાવવા માટે સિંહણના બચ્ચાની હોજરી જોઈએ. પણ પાત્ર યોગ્ય ન હોય ને સફળતા આવી પડે તો શું થાય એ જોવા સમજવા માટે દૂર જવાની જરૂર નથી, કોઈ પણ ક્ષેત્રમાં નજર નાખીશું તો આવા ઉદાહરણો હાથવગાં છે જેમકે વિનોદ કાંબલી. સચીન તેંડુલકર કરતાં પણ વધારે પ્રતિભાવાન આ ક્રિકેટર સફળતાને પચાવી ના શક્યો એનું પરિણામ આપણી નજર સામે છે. સાચું સોનું કદી કટાતું નથી એજ રીતે સજ્જનો કદિ સફળતામાં છકી જતા નથી કે નિષ્ફળતા મળે ત્યારે હારીને બેફામ થઈ જતા નથી. અમિતાભ બચ્ચને પોતાના જીવનમાં આ બન્ને દિવસો જોયા છે પણ સફળતાના શિખર પરથી ક્યારેય એનામાં તૂંડ મિજાજી જોવા મળી નથી કે નિષ્ફળતાની ખાઇમાં પડ્યા પછી આછકલાઈ જોવા મળી નથી, અને એટલેજ આજે પણ લોકો ’કૌન બનેગા’ ની આતુરતાપૂર્વક રાહ જુએ છે. શાહરૂખવાળું તો કેબીસી પણ લોકોને યાદ છે તો એની ચીપ હરકતોને લીધે!  ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!

        ’ફૌજી’ સિરીયલથી પોતાની અભિનય કારકીર્દી શરૂ કરનાર આ દિલ્હીના છોકરાએ ટીવી પર બહુ ઝડપથી લોકોના દિલોમાં સ્થાન મેળવ્યા પછી ’દિવાના’ અને ’ચમત્કાર’થી બોલીવુડમાં પ્રવેશ મેળવીને ત્યાં પણ પોતાનો ડંકો વગાડી દીધો. ’દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ’કુછ કુછ હોતા હૈ’ અને ’ચક દે ઇન્ડિયા’ જેવી સુપરહીટ ફિલ્મોની સાથે બીજી અનેક સફળ ફિલ્મો આપી, પણ છેલ્લા કેટલાક સમયથી સફળતાની ગાડી પાટેથી ઉતરી ગયેલી લાગે છે અને એના કારણે માનસિક સંતુલન પણ ખોરવાયું છે. ’રા-વન’ જેવી અતિ મહાત્વકાંક્ષી અને ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ ધડામ્ થઈ ગઈ, તો ’ડોન-૨’ની પણ એજ હાલત થઈ. વળી, આજ સમયગાળામાં, બોલીવુડના આદર્શ પતિ ગણાતા ખાનના દાંપત્યની નૈયા પણ ખરાબે ચડી હોય એવું લાગે છે, પતિ અને પત્નીની વચ્ચે ’વો’ તરીકે પ્રિયંકા ચોપડાનું આગમન થઈ ચૂક્યું છે એવી ગુસપુસ છે અને છેલ્લા ઘણા સમયથી શાહરૂખ અને ગૌરી જાહેરમાં કોઈ કાર્યક્રમમાં સાથે દેખાતા નથી એટલે આ ગુસપુસને હવા મળે છે!

        “ડોનકા દુશ્મન ચાલ ચલે ઈસસે પહેલે ડોન અપની ચાલ ચલ ચૂકા હોતા હૈ..!” આવો ડાયલૉગ ફિલ્મમાં બોલનાર ડોન રિયલ લાઈફમાં પણ શાતિર દિમાગ તો છેજ એવું સ્પષ્ટ રીતે એની પ્રેસ કોન્ફરન્સ જોતાં જણાઈ આવે છે. એક તો આ ઘટના બન્યા પછી આખા દેશના મીડિયામાં હો હા ચાલુ હોવા છતાં, ઘટના ના કલાકો સુધી ડોનજી જવાબ આપવા નીકળ્યા નહીં અને આશરે બાર તેર કલાક પછી પ્રેસ કોન્ફરન્સ કરી. (જેથી નશો સંપૂર્ણપણે ઉતરી જાય) અને પછી પીસીમાં પણ જે રીતની ચાલાકીભરી વાતો કરી એના પરથી ચોક્કસ જણાઈ આવે છે કે ભારતના રાજકારણમાં આ ’બાજીગર’નું ભાવિ ઊજળું છે! પોતે ગાળાગાળી કરી છે એ સ્વીકાર્યું, (કારણકે રેકોર્ડિંગમાં સ્પષ્ટ રીતે સંભાળાય છે) પણ નશો કર્યો હોવાનો ઈન્કાર કર્યો, (કારણ કે ઓડિયો/વિડીયોમાં ક્યાંય એની ગંધ થોડી આવે છે!) અલબત્ત, ડોન ને ત્યાંથી પકડીને દૂર કરી શાંત પાડવાની કોશીશ કરનાર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ખાન સાહેબ મહેકતા હતા. વળી, પોતાના બાળકો સાથે ગેરવર્તણૂક થઈ હોવાની વાત કરી બાળકોના નામે ઇમોશનલ બ્લેકમેઇલીંગની પણ કોશીશ કરી જે વિડીયો ફૂટેજમાં ક્યાંય જણાતું નથી.

        અને રાજકારણીઓ જેનું નામ, આ કિસ્સામાં પણ રાજકારણ કરવાનું શાના ચૂકે! કિર્તી આઝાદને આ આખી ઘટનામાં મેચ ફિક્સીંગથી લોકોનું ધ્યાન હટાવવા માટેની ચાલ દેખાય છે તો લાલુ યાદવને પણ શાહરૂખ નિર્દોષ લાગે છે, (અલબત્ત, આ દેશના તમામ લપોડશંખની સાથે લાલુજીનું એક ભાવનાત્મક જોડાણ છે, પોતીકાપણું લાગે છે!) એજ રીતે વિજય માલ્યા પણ શાહરૂખના બચાવમાં આગળ આવેલ છે એ સ્વાભાવિક છે કારણકે એને શાહરૂખ પોતાના ’પીણા’નો બ્રાન્ડ એમ્બેસેડર લાગ્યો હશે!

        આ ઘટનાને લઈને એમસીઆઇની બેઠક છે, જો વિલાસરાવનું બોલીવુડ કનેકશન કામ નહીં કરી જાય તો શાહરૂખ ખાન માટે આજીવન વાનખેડેમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી જવાનું નિશ્ચિત છે. કોઈ સેલીબ્રેટીને માટે આ દેશમાં કોઈ સ્થળ પર પ્રવેશવાનો પ્રતિબંધ મૂકવામાં આવે એવી આ દેશની કદાચ આ પહેલી ઘટના હશે અને કલંકિત વિક્રમ હમેશાં શાહરૂખના નામે રહેશે!

ગંગાજળ:
અમેરિકાના એરપોર્ટ પર બે વખત સિક્યોરીટીવાળાએ તલાશી લીધી છે ત્યારથી ’સિક્યોરીટી ગાર્ડ’ની એલર્જી થઈ ગઈ હોય એવું લાગે છે!
લખ્યા તારીખ: ૧૮-૫-૨૦૧૨.

Monday, April 02, 2012

તરસ

ગળથૂથી
શબ્દ  બન્ને  શક્ય  છે  પર્યાયમાં,
નીકળે મૃગજળ કે સાગર નીકળે,
*
          આશરે ચાલીસેક વરસ પહેલાંની ઘટના છે. ચૈતર મહિનાનો ધોમ તપે છે, ચારે બાજુ સન્નાટો છે, અગન વરસાવી રહેલા સૂરજના પ્રકોપથી બચવા પ્રાણીઓએ જ્યાં મળ્યા ત્યાં ઝાડના છાંયડા ગોત્યા છે તો જીવ જંતુ પોતાના દરમાં ભરાઇ રહેલાં છે, ક્યાંય એક પંખીડુંયે ફરકતું નથી એવે ટાણે એ ભારેખમ સૂનકારને ચીરતો એક કર્કશ ઘરઘરાટીનો  અવાજ ઊઠે છે ને સાથે ઊઠે છે ગામડાની તૂટી ફૂટી સડક પર દૂર દેખાતી એક  ધૂળની  ડમરી ને એ ડમરીની વચાળે પ્રગટ થાય છે ગુજરાત એસ.ટી. ની હાલતને તાદ્દ્શ બયાન કરતી એક ખખડધજ બસ.

          જેનાં ધોળાં પાટીયાં ઉપર ચિતરેલા કાળા અક્ષર ધૂળના થરની પાછળ માંડ માંડ ઉકેલાતા હતા, બારીઓમાં ક્યારેક કાચ હશે એની સાબિતી આપતી બે-ત્રણ બારી હતી ને હોર્ન સિવાયના લગભગ બધાજ સ્પેરપાર્ટ વગડતા હતા એવી એ બસ જાણે આ તડકાથી હાંફી ગઈ હોય એમ અચાનક બેત્રણ ડચકાં ખાઇને ઊભી રહી ગઈ. ડ્રાઇવરે ચારપાંચ વાર સેલ્ફ મારી જોયો પણ બળવાખોરી ઉપર ઉતરી આવેલી બસે મચક ન આપવાની ગાંઠ વાળી લીધી હતી! છેવટે ડ્રાયવર પોતાના ગંદા મસોતાં જેવા ગમછાથી કપાળનો પરસેવો લૂછતો પોતાની બાજુનો દરવાજો ખોલી નીચે ઉતર્યો. એના હાવભાવ અને ફફડતા હોઠ પરથી સ્પષ્ટ જણાતું હતું કે એ મનમાં ને મનમાં આ બસને અને એસ.ટી. તંત્રને મણ મણની જોખાવતો હતો! બસના મુખ્ય દરવાજેથી કંડકટર અને એની પાછળ પાછળ કંઇક અકળાયેલા ને કંઈક કૂતુહલથી બેચાર જણ બીજા ઉતર્યા. ડ્રાયવરે આગળ એન્જીનની ગરમી અને કંઇક તડકાને લીધે તપી ગયેલાં બોનેટના પતરાંને ખોલવાની મથામણ ચાલુ કરી. છેવટે દસ પંદર મિનીટની મથામણ પછી પતરૂં ખૂલ્યું એટલે ડ્રાયવરે ઓપરેશન કરવા માટે તૈયાર ડોક્ટર જેમ દરદીનું પેટ ચીરીને પછી અંદર નજર કરે એમ, ગંભીર થઈ ને નિદાન કરવાની જદ્દોજેહદ શરૂ કરી. પાંચેક મિનીટની મથામણ પછી, ડોકું બહાર કાઢી, થોમસ આલ્વા એડિસને જ્યારે પહેલવહેલો બલ્બ શોધ્યો ત્યારે એના ચહેરા પર જે ભાવ આવ્યા હશે એવા ભાવ સાથે, સનાનના સમાચાર સંભાળાવ્યા,” ડિઝલની નળી તૂટી ગઈ છે, કોક વાહન મળે એટલે કોડીનાર લેવા જાવું પડશે, એટલે આશરે બે’ક કલાક તો થશેજ...”

          સાંભળીને બસની અંદર (અને બહાર) રહેલાં પેસેન્જરના મોઢામાંથી હાયકારો નીકળી ગયો! ઉપર ધોમ તાપ ને આજુબાજુમાં ક્યાંય આશરો લઈ શકાય એવું ઝાડ પણ ન મળે અને સૌથી નજીકનું ગામ પણ વરસતી લૂ ના લીધે છેટું લાગતું હતું. આ બસમાં એ ૩૨-૩૫ વરસના એક પિતા અને એનો ૮-૧૦ વર્ષનો  દિકરો, જે કોઈ ગામે સામાજીક પ્રસંગે ગયેલા એ પરત આવતા હતા, એમાં દિકરાને તરસ લાગી. ટૂંકી મુસાફરી હતી, અરધી કલાકમાં તો મંઝીલ આવી જવાની હતી એટલે પાણી સાથે લીધેલું નહીં. પિતાએ આશાભરી નજર બસમાં દોડાવી પણ કોઈની પાસે પાણી ના મળે. છેવટે બાપ દિકરો બસની નીચે ઉતર્યાને આજુબાજુ નજર દોડાવી. અરધાક કિલોમીટર છેટે, એક નાનકડા ટેકરા ઉપર એક દેશી નળીયાંવાળું કાચું-પાકું ઘર દેખાયું. દિકરાએ બાપની આંગળી પકડી અને બન્ને એ ઘર તરફ ચાલ્યા.

          ઘર સાવ સામાન્ય, ને જીવતા રહેવાની જહેમત અને જીવન જરૂરી વસ્તુઓનો અભાવ ઊડીને આંખે વળગે એવો પણ આંગણું, આંગણાંમાંનું પાણિઆરૂં ને પાણિઆરામાં રાખેલી પિત્તળની હેલ્ય ને પ્યાલા ચોખ્ખાઇની ચાડી ખાતાં હતાં. પિતાએ બારણાની સાંક્ળ ખખડાવી એટલે અંદરથી થિગડાં મારેલ પણ સુઘડ સાડલો પહેરેલી એક બાઇ બહાર આવીને આ બાપ દિકરા સામે બેઘડી નવાઈથી નજર માંડી રહી. “હાં ..બોલો બાપા કોનું કામ છે?”  બાઇએ વિવેકથી પૂછ્યું.
“બેન કામ તો કોઈનું નથી પણ થોડેક છેટે અમારી બસ ખોટકાણી છે ને અમને બાપ-દિકરાને તરસ લાગી છે એટલે પાણી પીવું છે!”
બાઇ જરાક સંકોચથી એક ડગલું પાછળ હટી ગઈ, એના ચહેરા પણ મુંઝવણ ના ભાવ આવ્યાને પછી આ આગંતૂક બાપ-દિકરાના લૂગડાં માથે આંખ માંડી કાંઇક ઉકેલવાની કોશીશ કરતી નજર નાખી સવાલ પૂછ્યો,
 “ બાપા તમે જાત્યે કેવા?”
“અમે બ્રાહ્મણ છીએ બેન..!”
સાંભળીને બાઇ આંચકો ખાઇ ગઈ, ને બેઘડી પછી પોતાની જાતને સંભાળીને બોલી,
“તમને અમારા ઘરનું પાણી નો ખપે બાપા...અમે તો ’.......’ છીએ..!”
(અહીં ઇન્વર્ટેડ કોમાની વચ્ચે એ શબ્દ છે જે એ બહેન ત્યારે પોતાની જાતીના પરિચયમાં બહુજ સાહજીકતાથી બોલી હતી પણ હવે પ્રતિબંધીત હોઈ એટ્રોસીટીની બીકે લખાયો નથી.)
“બેન, હું બાજુના ગામની નિશાળમાં માસ્તર છું ને મારી નિશાળમાં ગામ આખાનાં છોકરાં ભણવા આવે છે, પાણીનું માટલું એકજ છે જેમાંથી અમે બધા પાણી પીએ છીએ...એટલે આમેય હું વટલાયેલો જ છું, તું જરીકે મુંઝાયા વગર અમને બાપ દિકરાને પાણી પા. અત્યારે અમારી જાત ખાલી માણસજાત છે એટલુંજ  તું જો બેન...”

          છેવટે, એ ભલી બાઇએ કોચવાતા જીવે હાંડામાંથી ચોખ્ખો ઉટકેલો કળશિયો ભરીને પાણી આપ્યું ને બાપ-દિકરાએ ધરાઇને પીધું ને મનમાંને મનમાં એ બાઇનો આભાર માનતા બસ બાજુ ચાલ્યા.

          આ બાજુ, એ બાઇ હજુ અવાચક જેવી દરવાજામાં ઊભી, જાણે પોતાના હાથે કોઈ ઘોર પાપ થઈ ગયું હોય એમ વિચારતી, જઈ રહેલા એ આગંતુકોને તાકી રહી હતી. અત્યાચારી સમાજે ઠોકી બેસાડેલા આ જડ નિયમો ને પરંપરાનું આમ અચાનક તૂટવું એ એના સદીઓથી સહન કરી કરીને સ્વમાનહીન થઈ ગયેલા દિમાગમાં ઉતરવું અશક્ય હતું.
 ********
       
          આમ, સદીઓથી ચાલી આવતા આ ઘોર સામાજીક અન્યાયની વ્યર્થતા અને એની ઘાતકતાની સમજણ, મારા શિક્ષક પિતાના હાથે ગળથૂથીમાંથી જ પામ્યાનું મને ગૌરવ છે!
***

ગંગાજળ:
ઉપરના કિસ્સાની સાથે જ જોડાયેલો એક વિચિત્ર કિસ્સો છે,
મારા પિતા જે ગામમાં શિક્ષક હતા ત્યાં અમે એક ભાડાના મકાનમાં રહેતા, મકાન એટલે  મોટા વિસ્તારમાં ફેલાયેલો એક ડેલો ને ડેલામાં એ મકાન માલિક અને એના બીજા ભાઇઓના કુટુંબ રહેતા, એક રૂમ રસોડું અમારા હિસ્સે આવેલું. આજ ડેલામાં મકાન માલિકના ઘણા બધાં ઢોર માટેની પણ વ્યવસ્થા હતી અને સાથે ઢોરને પાણી પીવા માટે આંગણામાં એક નાનકડો અવેડો પણ ખરો.

આ મકાન માલિક અને એના ભાઈઓના બાળકો પણ મારી સાથે સ્કૂલમાં હતા. આગળ જણાવ્યું એમ સ્કૂલમાં તો સામાજીક સમરસતાનું વાતાવરણ પણ આ ગ્રામજનો હજુ છૂતાછૂતમાં ચૂસ્ત રીતે માને! શાળામાં તો છોકરાઓને અલગ બેસાડવાનું ને ભેદભાવ કરાવવાનું ના ચાલ્યું એટલે પછી જે વચલો રસ્તો કાઢવામાં આવ્યો એ હાસ્યાસ્પદ હતો! (યાદ કરૂં છું તો આજે પણ ચિતરી ચડે એવો!) શાળાએથી છૂટીને છોકરાં ઘરે આવે એટલે સીધું ઘરમાં નહીં આવી જવાનું પણ આંગણામાં ઊભીને પ્રલંબ સૂરે કોરસમાં પોકાર પાડવાનો કે, "છાંટ નાખજો........!" એટલે ઘરમાંથી કોઇ એક વ્યક્તિ આવે ને પેલા ઢોરને પાણી પીવાના ગંદા-ગોબરા, મચ્છરથી ભરપૂર એવા ગંધાતાં પાણીમાં હાથ બોળી એક અંજલી લઈને હાર બંધ ઊભેલાં છોકરાં પર એનો છંટકાવ કરવાનો એટલે બધાં ’પવિત્ર’ થઈ જાય ને પછીજ ઘરમાં પ્રવેશવાનો અધિકાર મળે!