Tuesday, July 17, 2012

બહોત નીકલે મેરે અરમાં, લેકિન ફિરભી કમ નીકલે!


            ગળથૂથી:
સાધુતા એ કપડાંનો રંગ નથી પણ મનની અવસ્થા છે.


            અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે ‘Streak’ જેનો અર્થ આમ તો એકદમ સીધો સાદો ઝડપથી જવું અથવા ઝડપથી દોડી જવુંએવો થાય છે પરંતુ ૧૯૭૩માં વોશિંગ્ટનમાં આયોજિત થયેલ  mass nude run નું રિપોર્ટીંગ કરતા કોઇ લોકલ રેડિયો સ્ટેશનના પત્રકારે, ઘટનાનું લાઇવ બ્રોડકાસ્ટીંગ કરતી વખતે નિર્વસ્ત્ર લોકોનો સમૂહ પોતાની પાસેથી પસાર થવાની ઘટનાને માટે  "they are streaking past me right now.” આવો વાક્ય પ્રયોગ કરી એક સાવ ફરાળી કહી શકાય એવા નિર્દોષ શબ્દને એક નવો અર્થ આપી દીધો! ત્યાર પછી, વિશ્વમાં કોઇ પણ જગ્યાએ જાહેર સ્થળે રીતે નાગડા-પુગડા દોડી જતા લોકોને માટે સ્ટ્રીકર શબ્દ વપરાવા લાગ્યો. વિદેશમાં ખાસ કરીને સ્પોર્ટ્સમાં આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે. રગ્બી, ગોલ્ફ, બુલફાઇટીંગ, ફૂટબોલ, ક્રિકેટ કોઇ રમત આમાંથી બાકાત નથી રહી, ખાસ કરીને ફૂટબોલ તો સ્ટ્રીકરની પહેલી પસંદ રહી છે. વળી, સ્ટ્રીકિંગ માત્ર પુરુષોનો ઇજારો છે એવું નથી, પશ્ચિમમાં પુરુષ સમોવડી થવાની લાહ્યમાં કન્યાઓ પણ સ્ટ્રીકિંગ કરવામાં પાછળ કેમ રહી જાય! આપણા લિવીંગ લીજંડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને ઇન્ગ્લેન્ડમાં એક મેચ દરમ્યાન આવો અનુભવ થયેલો છે, સુનીલ ગાવસ્કરની બેટીંગ દરમ્યાન એક શ્વેતવર્ણ કન્યા નિર્વસ્ત્ર હાલતમાં મેદાન પર દોડી આવી હતી.

                અહીં મોટા ભાગે સ્ટ્રીકરનો હેતુ કોઈ પણ પરિણામ ભોગવવાની તૈયારી સાથે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો હોય છે. પોતાના ક્ષેત્રમાં કંઈક કરી, સફળતા મેળવી લોકોને આકર્ષિત કરવામાં મળેલી નિષ્ફળતા જ્યારે માનસિક બિમારીની હદ સુધી પહોંચે ત્યારે સ્ટ્રીકિંગમાં પરિણમે છે, કેટલાક એકાદ વખત સ્ટ્રીકિંગ કરી અટકી જાય છે જ્યારે માનસિક બિમારી ગંભીરરૂપ ધારણ કરે છે ત્યારે સ્ટ્રીકિંગ હોબીમાં ફેરવાઇ જાય છે! અહીં, આપણા દેશમાં પ્રકારનું સ્ટ્રીકિંગ જોવા મળતું નથી પરંતુ વાણી વિલાસ અથવા પોતાના વર્તન દ્વારા પોતાને સામાજિક રીતે નિર્વસ્ત્ર કરી નાખનારા સ્ટ્રીકરો ઠેર ઠેર જોવા મળે છે. આજે અહીં આપણે રીતે સ્ટ્રીકિંગ કરતા રહેતા આપણા દેશના કેટલાક એવા સ્ટ્રીકરોની વાત કરવી છે, જેમની વચ્ચે જાણ્યે અજાણે સ્ટ્રીકર નંબર વન બનવા માટે સતત સ્પર્ધા ચાલતી રહે છે અને વારાફરતી એકબીજાને પછાડીને પહેલો નંબર પ્રાપ્ત કરતા રહે છે!

                હાલ સ્ટ્રીકરોની જમાતમાં પશ્ચિમ બંગાળની શિવામ્બુ વાળી ઘટનાના અનુસંધાને અગડંબગડં નિવેદન કરી સ્ટ્રીકર નંબર વન હોવાની લ્યાનત ભરેલી બાદશાહત ભોગવી રહેલા છે સ્વામી અગ્નિવેશ! ૨૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ છત્તીસગઢમાં જન્મેલા સ્વામી અગ્નિવેશનું પૂર્વાશ્રમનું નામ  શ્યામ રાઓ હતું. કાયદો અને અર્થશાસ્ત્રની ડિગ્રીઓ મેળવ્યા બાદ પાંચેક વર્ષ સુધી કોલકાતાની એક કૉલેજમાં બિઝનેસ મૅનેજમેન્ટના લેક્ચરર તરીકે સેવાઓ આપનારા સ્વામીજી પછીથી રાજકારણમાં જોડાઈ હરિયાણા વિધાનસભાના સભ્ય પણ બન્યા હતા અને વેઠિયા મજૂરો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજીનામું આપ્યું ત્યારે હરિયાણામાં શિક્ષણ મંત્રી હતા. રીતે એમણે આજના બેશર્મ બની કોઈપણ ભોગે પોતાની ખુરસીની વળગી રહેતા રાજકારણીઓની જેમ સત્તાલોલુપ નહી બની રહેતાં એક ઝટકે મંત્રીપદ ફગાવેલું. મંત્રીપદ પર રહેતાં એમણે બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટનામની એક સંસ્થાની સ્થાપના કરી જેનું કામ મુખ્યત્વે વેઠિયા મજૂરોની સમસ્યાઓને ઉજાગર કરવાનું  હતું.

                હરિયાણા સરકારમાંથી મંત્રીપદ છોડવાની સાથે સ્વામીજી સક્રિય રાજકારણ પણ છોડી દીધેલું અને પછી ઘણા લાંબા સમય સુધી ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયેલા, પણ કોણ જાણે ક્યારે એક દિવસ અચાનક (કોઇ પણ ભોગે) પ્રસિદ્ધિમાં રહેવાની રેશમી સાપણ ડંખી ગઈ, પછી આજની ઘડીને કાલનો દિ, સ્વામી અગ્નિવેશજીએ પાછું વળીને જોયું નથી! અચાનક આવી પડતી મુસીબતો માટે કાઠિયાવાડમાં એક રૂઢિપ્રયોગ છે, ’ભોં માંથી ભાલા ઊગી નીકળવાંપણ સ્વામીજી તો જાણે રીતસર વિવાદમાં રહેવા માટે થઈને આવાં ભાલાંઓની ખેતી કરતા હોય એવું લાગે છે. માઓવાદીઓ માટેની એમની સુંવાળી લાગણીઓ જગ જાહેર છે. માઓવાદી આઝાદના મોત પર સ્વામીજી દુ:ખી દુ:ખી થઈ ગયેલા અને એમના દુ:ખી થવાથી દુભાયેલા છત્તીસગઢના એક માઓવાદ પીડિત આદિવાસી ગ્રામજનો (જેમાં મુખ્યત્વે મહિલાઓ હતી) સ્વામી અગ્નિવેશ આણી મંડળી પર એવી તો પાણાવાળી કરેલી કે ત્યાંથી જીવ બચાવીને ભાગવું ભારે થઈ પડેલું!


                રીતે વિવાદાસ્પદ વિધાનો અને નિવેદનો કરીને સતત પ્રસિદ્ધિમાં રહેવાનો સ્વામીજીનો આઇડિયા એક રીતે (એમના દ્રષ્ટિકોણથી સ્તો!) ફળ્યો, જેમના માટે માત્ર ટી.આર.પી. સર્વસ્વ છે અને જેમને ચોવીશ કલાકની એમની દુકાન કોઇ પણ ભોગે ચલાવવી છે એવી ન્યૂઝ ચેનલો વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચામાં સ્વામીજીને મહત્વ આપવા લાગી. સસ્તી પ્રસિદ્ધિના નશાએ સ્વામીજીને વધારે બહેકાવ્યા અને સ્વામીજીએ વધુને વધુ સ્ટ્રીકિંગ ચાલુ કર્યું. હમેશા બહુમતી સમાજને ગમે એવું બોલવું પ્રકારની માનસિકતાના પરિણામે વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારતીયોની આસ્થાની પ્રતીક એવી અમરનાથ યાત્રા પર પણ કશુંક એલફેલ બોલી બેઠા, પરિણામે યુપીની એક કોર્ટની તારીખો તો પડે છે ઉપરાંત અન્ના હજારેના આંદોલન માટે સમર્થન મેળવવાના હેતુથી અમદાવાદમાં યોજાયેલી એક સભા દરમ્યાન એક સાધુએ એવી તો કચકચાવીને ગાલ પર ખેંચી લીધી કે પાઘડી પણ ઊડી ગયેલી! વળી, નડિયાદ પાસેના કોઇ ગામના મંદિરના મહંત નિત્યાન્દદાસજીએ સ્વામી અગ્નિવેશને જોડો મારનારને રોકડા રૂપિયા ૫૧૦૦૦/-નું ઇનામ પણ જાહેર કર્યું! (સ્ટ્રીકિંગમાં વળી પાછું પેટા સ્ટ્રીકિંગ!)


                જે અન્ના હજારે માટે આખા દેશમાં ફરીને સમર્થન માગ્યું, એજ અન્નાજીની પીઠમાં ખંજર ભોંકી એજ આંદોલનના મેદાન પરથી અન્નાજીની જાસૂસી કરતા અને કપિલ સિબ્બલને ફોન કરી અન્નાજી વિષે એલફેલ બોલતા સરા જાહેર કૅમેરા સામે ઝડપાયા પછી, ઊલટો ચોટ કોટવાળને દંડે એમ ટીમ અન્ના પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાના ચાલુ કર્યા, અહીં પણ સ્ટ્રીકિંગ પૂરેપુરૂં કામયાબ રહ્યું, ટી.આર.પી.ના ભૂખ્યા મીડિયાએ સ્વામીજીને જેટલું જોઈતું હતું એનાથી પણ વધારે કવરેજ આપ્યું ઉપરાંત બિગ બોસ જેવા બદનામ શો ને પણ સ્વામીમાં પોતાના ફાયદાનું પોટેન્શિયલ જડી આવ્યું ને સ્વામીજી પાછા પોતાના પાવન પગલાં ત્યાં કરી પણ આવ્યા!

                વિધિની વક્રતા કેવી છે કે જે વેઠિયા મજૂરોના માટે થઈને એક જમાનામાં એક એન.જી..ની સ્થાપના કરી હતી અને પ્રધાનપદું ફગાવ્યું હતું એજ એન,જી..ના નેજા હેઠળ પાંચ વર્ષ પહેલાં દિલ્હી સરકારના અઢાર લાખ ગુપચાવ્યાની નોટીસોના જવાબ પણ નથી આપી શકાતા!

                                હમણાંની તાજી ઘટના પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે જેમાં નોક્ચર્નલ એન્યુરેસીસ’(જેમાં ઊંઘમાં અજાણતાં પથારીમાં પેશાબ કરી જવાય છે)ની બિમારી ધરાવતી  વિશ્વ ભારતી યુનિવર્સિટીની  એક દશ વર્ષની છાત્રાને હોસ્ટેલની વૉર્ડને પોતાના પેશાબ વાળી પથારી ચાટવાની સજા કરી, સ્વાભાવિક રીતે જેવી ઘટના બહાર આવી એટલે આખા દેશમાં એની ઘોર નિંદા થઈ, પણ સ્વામી અગ્નિવેશજી જેનું નામ, એને તો અહીં પણ સ્ટ્રીકિંગનો એક સોનેરી અવસર દેખાયો અને ઘટનામાં વૉર્ડનના બચાવમાં ઊતરી એને સ્વમૂત્ર ચિકિત્સામાં ખપાવવાની કોશિશ કરી. સ્ટ્રીકિંગ ફરી એકવાર સફળ રહ્યું અને આખા દેશમાં સ્વામીજી પર તડાપીટ બોલી ગઈ. ફેસબુક અને ટ્વીટર જેવી સોસ્યલ નેટવર્કિંગ સાઇટ પર તો સ્વામીની એવી ભાષામાં ફીરકી લેવાઈ છે કે રૂચીભંગની સંભાવનાના  કારણે અહીં લખી શકાય એમ નથી.

                એક જમાનામાં દેશમાં સ્ટ્રીકર તરીકે રાખી સાવંતનું એકચક્રી શાસન ચાલતું હતું અને મીડિયાને પોતાની સર્જેલી એક બેટી ઓછી પડી હોય એમ પાકિસ્તાનથી વિણા મલિક પણ આયાત કરવામાં આવેલી. વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ દિગ્વિજયસિંહજીએ સ્ટ્રીકિંગમાં પોતાનો ડંકો વગાડેલો પણ આજ કાલ એમની પાર્ટીએ એમના મોઢા પર પટ્ટી મારી દીધી છે, ક્યારેક ક્યારેક અરૂંધતી રોય અને પ્રશાંત ભૂષણ જેવા લોકો પણ કાશ્મીર અંગે બકવાસ કરી યથાશક્તિ પ્રયત્નો કરતા રહે છે, પરંતુ રાજકારણ, ધર્મ અને સમાજસેવાના ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી કરતા હોવાના કારણે સ્વામી અગ્નિવેશને રાખી સાવંત અને અન્ય હરીફો જે એકાદ ક્ષેત્રમાં પોતાનું હીર ઝળકાવતા હોઈ, એમના પર લીડમળે છે!

                દેશની જનતા એટલી પુણ્યશાળી છે કે એને મનોરંજનની કદી ખોટ પડી નથી અને પડવાની નથી કારણક કે  ગીતાકાર ભલેસંભવામિ યુગે યુગેનું વચન પાળે કે ના પાળે, વિદૂષકોએ વગર દીધે પાળ્યું છે!



ગંગાજળ:

સમયાંતરે પ્રોડક્ટનાં નામ બદલાતાં રહે છે,
જેમકે બિનાકામાંથી સિબાકા થયું,
માણિકચંદનું આર.એમ.ડી. 
એ રીતે એક જમાનાની
મોરારજી બ્રાન્ડ હવે અગ્નિવેશ નામથી ઓળખાય છે!

Tuesday, July 10, 2012

જીંદગીની આ શામ, મસ્તાની તો નથી જ પણ વહેલી છે!

ગળથૂથી:

"બાબુમોશાય...જીન્દગી બડી હોની ચાહિયે, લંબી નહીં!"
             ત્યારે બેસવા માટે બાલ્કનીમાં લાકડાની ખુરશીઓ અને સેકન્ડ અને થર્ડ ક્લાસમાં બાંકડા હતા, (જેમાંથી માંકડ હમેશા ચટકતા રહેતા.) હા ત્યારે થર્ડ ક્લાસ પણ હતો, દરેક સિનેમાઘરમાં, રેલવેમાં બધેજ. પછી સમય જતાં સરકારમાં બેઠેલા કોઇ મહમદ તુઘલકને મનમાં તુક્કો આવ્યો અને દરેક જગ્યાએથી થર્ડ ક્લાસ કાઢી નાખવામાં આવ્યો એટલે કે થર્ડ ક્લાસને સેકન્ડ ક્લાસનું વધુ આબરૂદાર નામ આપી દેવામાં આવ્યું! કોડીનારનું એ અજંટા ટૉકીઝ ત્યારે અમારા માટે દુનિયાનું સર્વશ્રેષ્ઠ મનોરંજનનું સ્થળ હતું ! એના મૅનેજર અબરૂબાપુ તો ઠીક પણ એમાં કામ કરતા ડોરકીપરની કે ટિકિટબારી વાળાની પણ અમને ઈર્ષા આવતી, અમને લાગતું કે જગતની કોઇ શ્રેષ્ઠ નોકરી જો કોઇ હોય તો અજંટા ટૉકીઝમાં કામ કરનારની છે! એ અજંટા ટૉકીઝમાં ૧૯૭૧ કે પછી ૧૯૭૨ માં અમે એક ફિલ્મ જોયેલી, ’હાથી મેરે સાથીઆમ તો એ પહેલાં પણ કદાચ બીજી બે ત્રણ ફિલ્મ જોયેલી હશે પણ સ્મરણના પટારામાં ખાંખાખોળાં કરતાં હાથી મેરે સાથીસુધી પહોંચીને અટકી જવાય છે એટલે અમે એમ માનીને ચાલીએ છીએ કે આ ફિલ્મ એ અમારી જીંદગીની જોયેલી પહેલી ફિલ્મ છે એટલે એમાં બીજા કોઇએ તકરાર ઊભી કરવાનો સવાલ નથી! ફિલ્મના હીરો હતા રાજેશ ખન્ના અને હીરોઇન કાજોલબહેન ના મમ્મી તનુજા. (જેમને અહીં કાજોલની સાથે બહેન શબ્દ સામે વાંધો હોય એમને સ્વેચ્છાએ એ શબ્દ રદ કરવાનો અધિકાર આપવામાં આવે છે, બાકી અમે તો મન મનાવી લીધું છે!)

             એ જમાનામાં આ મમ્મીજી પણ કાંઇ કમ નહોતાં, આજના ખંડહર પરથી એ ઇમારત કેટલી બુલંદ હતી એ ખ્યાલ ના આવતો હોય તો આ લેખની સાથે મૂકેલો ફોટો જોઇ લેવો! પણ આવા તો વિચારો અમને પણ આજે આવે છે, ત્યારે તો ઉંમર આઠ-દશ વર્ષની અને એ પણ એ જમાનાનું બાળપણ એટલે તનુજાજી પર તો બિલકુલ ધ્યાન ગયેલું નહીં, પણ હા એ ફિલ્મથી અમારા મન પર કદી ન ભૂંસી શકાય એવી છાપ છોડેલી એના હીરોએ. અમારા માટે હીરો અને રાજેશ ખન્ના એ બન્ને શબ્દો એક બીજાના પર્યાય બની ગયેલા. ત્યારે સુપરસ્ટાર કે એવા બધા શબ્દો તો અમારા માટે હજુ ઘણા વર્ષો દૂર હતા, પણ અમારા મનમાં ગાંઠ વળી ગયેલી કે હીરો તો આનેજ કહેવાય, બાકી બધા ઝીરો! એ પછી ઘણા બધા વર્ષો પછી સદીના મહાનાયકે એક એવૉર્ડ ફંકશનમાં રાજેશ ખન્નાને સ્ટેજ પર (લાઇફ ટાઇમ અચીવમેન્ટ કે એવો કોઇ) એવૉર્ડ આપતાં એના સન્માનમાં હિન્દી સિનેમાના ઇતિહાસના પહેલા સુપરસ્ટારએવા શબ્દો શબ્દો ઉચ્ચાર્યા ત્યારે અમારી છાતી ગજ ગજ ફૂલેલી કે માત્ર અમારી ફ્રેન્ચકટ દાઢીજ નહીં પણ અમારા વિચારો પણ કેટલા મળતા આવે છે!

             કારણ કોઈ પણ હોય પણ હિન્દી સિનેમાના ઇતિહાસના આ બે જીવંત દંતકથારૂપ દિગ્ગજોને સાથે લઈને ફકત બેજ ફિલ્મ બની શકી, એક ૧૯૭૧માં આવેલી આનંદઅને બીજી ૧૯૭૩માં બનેલી નમક હરામ’. એ બન્નેના ડિરેક્ટર પણ એકજ હતા હ્રષીકેશ મુખર્જી, એ પછી આવી હિંમત કોઈએ કરી નથી. એમાંથી આનંદતો "Top 25 Must See Bollywood Films" માં સ્થાન પામેલી છે.  એક ટિપીકલ ગુજરાતી ફિલ્મ દર્શકની બોલચાલની ભાષામાં આ બન્ને ફિલ્મની સમીક્ષા એક વાક્યમાં કરવી હોય તો એમ કહી શકાય કે આ બન્ને ફિલ્મમાં સુપરસ્ટાર એ મહાનાયકને ખાઇ ગયો છે! કારણ ગમે તે હોય, એ દિવસોમાંના કાકાના સ્ટારડમની દાદાગીરી હોય, એ સ્ટારડમની અસર હેઠળ લખાયેલ સ્ક્રીનપ્લે હોય, હ્રિશી દા નો દ્રષ્ટિકોણ હોય, કે પછી કાકાની એ જમાનાની શોહરતની નવાસવા અમિતાભ પર અસર પડી હોય, પણ બન્નેમાં અમિતાભની સામે રાજેશ ખન્ના મેદાન મારી જાય છે એમ લાગ્યા વિના નથી રહેતું! 
             અને કેવી હતી કાકાની શોહરત? આજે જેમ સચીન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે એમ ત્યારે નિર્માતા અને દિગ્દર્શકો માટે એમ કહેવત હતી કે, ’ઉપર આકા ઔર નીચે કાકા!ફિલ્મ નિર્માતાઓ રાજેશ ખન્નાને સ્ટોરી સંભળાવવા માટે અને પોતાની ફિલ્મમાં સાઇન કરવા માટે કેટલા તલપાપડ રહેતા હશે એને સમજવા માટે એકજ ઉદાહરણ બસ છે કે કાકાના ઘર બહાર તો હમેશા લાઇન લગાવતા જ પણ એક વાર કાકાને પાઇલ્સના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું તો ત્યાં પણ આજુબાજુના રૂમ બુક કરાવી લઈને ધામા નાખેલા જેથી જ્યારે પણ મોકો મળે ત્યારે કાકાને સ્ટોરી સંભળાવી શકાય! એ સમયગાળામાં જન્મેલાં મોટા ભાગનાં બાળકોનાં નામ રાજેશ રાખવામાં આવતાં. (અમે અમારી જીંદગીમાં આ એકમાત્ર અભિનેતાના પ્રભાવ હેઠળ આવી એના જેવી હૅરસ્ટાઇલ રાખેલી!) કાકાએ શરૂ કરેલ ટૂંકા કુર્તા ગુરૂશર્ટની ફૅશન ખાસ્સી ચાલેલી. અને એ સમયમાં છોકરીઓમાં રાજેશ ખન્નાની દીવાનગીનું તો કહેવું જ શું! આ રોમેંટીક હીરો છોકરીઓના દિલો દિમાગ પર એવો તો છવાયો હતો કે છોકરીઓ એને પોતાના લોહીથી પ્રેમપત્ર લખતી, અરે ઘણી વેવલી કન્યાઓએ તો એના ફોટા સાથે લગ્ન પણ કરી લીધેલાં! એવું કહેવાય છે કે રાજેશ ખન્નાની સ્ટુડિઓની બહાર પાર્ક થયેલી સફેદ કારનો રંગ થોડીવારમાં લિપસ્ટિકના કલરથી ગુલાબી થઈ જતો! પરંતુ ૧૯૭૩માં પોતાના કરતાં અરધી ઉંમરની ડિમ્પલ સાથે લગ્ન કરી કાકાએ અંજુ મહેન્દ્રુની સાથે લાખો કન્યાઓનાં દિલ તોડી નાખ્યાં!

             વ્યવસાયે ફેશન ડિઝાઇનર, મોડેલ એવી અજું સાથે કાકાનું અફેર ત્યારે ખાસ્સું એવું ચર્ચામાં હતું અને કાકાએ અંજુની ફિલ્મ કરિયર બનાવવાની કોશિશ કરેલી પણ બહુ જામ્યું નહીં. એ અરસામાં રાજકપૂરની ફિલ્મ બોબી એ ધૂમ મચાવી દીધેલી, ખાસ તો ડિમ્પલે આપેલાં બોલ્ડ દ્રશ્યોને કારણે. રીશી અને ડિમ્પલનું ચક્કર પણ ચર્ચાના ચકડોળે ચડેલું હતું એવામાં સાવ અચાનક ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્નનો નિર્ણય જાહેર કરી આખી ઇન્ડસ્ટ્રીને તો ચોંકાવી દીધી પણ એનાથી વધારે ચોંકાવનારો એનો નિર્ણય હતો પહેલીજ ફિલ્મ દ્વારા સફળતાની ટોચ પર પહોંચી જવા છતાં હવે પછી ફિલ્મ ના કરવાનો! રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્નમાં આખું બોલિવુડ હાજર હતું સ્વાભાવિક રીતે નહોતા તો ફક્ત રીશી કપૂર અને અંજુ મહેન્દ્રુ! કાકા અને ડિમ્પલના લગ્નએ એ સમયે લોકોમાં કેટલી ઉત્સુકતા જગાડી હશે એ વાતનો એના પરથી ખ્યાલ આવે છે કે ત્યારે આખા દેશમાં કોઈપણ ફિલ્મની શરૂઆતમાં કાકા-ડિમ્પલના લગ્નની નાનકડી વીડિયો ફિલ્મ બતાવવામાં આવતી, અને લોકો ખાસ એ વીડિયોને જોવા માટે જ ફિલ્મ જોવા જતા, જેમાંથી ઘણાખરા આ વીડિયો પૂરી થતાં થિયેટર છોડીને નીકળી જતા! લગ્ન પછી ફિલ્મમાં કામ ના કરવાના પોતાના આ નિર્ણયને ડિમ્પલ એટલી વફાદારીપૂર્વક વળગી રહી કે દસ વર્ષના લગ્નજીવન પછી ખટરાગને કારણે જુદા પડ્યા પછી જ બોબીપછીની પોતાની બીજી ફિલ્મ કરી સાગર’, અને યોગાનુયોગ જેમાં પણ એનો હીરો હતો રીશી કપૂર! ડિમ્પલની કાકાના જીવનમાંથી વિદાય પછી આગમન થયું ટીના મુનિમનું. ટીના મુનિમ સાથે કાકાએ લગ્નનો નહોતાં કર્યાં પણ આજે આપણે જેને લિવ ઈન રિલેશનશીપ તરીકે ઓળખીએ છીએ એ રીતે એ બન્ને સાથે રહેતાં અને કાકાના કહેવા મુજબ એ બન્નેના સંબંધો એટલા ગાઢ હતા કે બન્ને ટુથબ્રશ પણ એકજ વાપરતાં. (એ ટુથબ્રશ પછી અનિલભાઇની સાથે શેર કરવા માટે ટીનાબહેન સાથે લઈ ગયેલાં કે નહીં એ માહિતી ઉપલબ્ધ નથી, કોઈની પાસે હોય તો જણાવવા વિનંતી!)

             રાજેશ ખન્નાના જીવનની ચડતી અને પડતી એ મનમોહ દેસાઇની કોઇ મસાલા ફિલ્મથી કમ નથી. સૌથી પહેલીવાત તો એ કે ભગવાન કૃષ્ણની જેમ, જન્મ આપનાર મા-બાપ અને ઉછેરનાર મા-બાપ અલગ. ૨૯ ડિસેમ્બર ૧૯૪૨ માં જન્મેલ રાજેશ ખન્નાનું અસલી નામ હતું જતીન ખન્ના. (પછી કાકા કેવી રીતે થયા એના પર તો મુરબ્બી શ્રી સલીલ દલાલ જ પ્રકાશ પાડી શકે!) બચપણમાં જ નજીકના કૌટુંબિક સંબંધીએ દત્તક લઈ લીધેલ અને દત્તક લેનારા માતા-પિતાએ બહુજ લાડકોડથી ઉછેર કરેલ, એનો એ વાત પરથી ખ્યાલ આવશે કે જ્યારે કાકા સ્ટ્રગલર તરીકે કામ માગવા માટે સ્ટુડિઓના ચક્કર લગાવતા હતા ત્યારે એમની પાસે એ જમાનાના સફળ અભિનેતાઓ કરતાં મોંઘી કાર હતી! આજે ઇન્ડિયન આયડોલને એવી બધી જે સ્પર્ધા થાય છે એમ ૧૯૬૫માં યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ટૅલેન્ટ હંટ સ્પર્ધામાં દસ હજાર જેટલા પ્રતિસ્પર્ધીઓને પછાડીને પ્રથમ આવેલ રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી ૧૯૬૬માં ચેતન આનંદ દ્વારા નિર્દેશીત આખરી ખતપરંતુ એનામાં રહેલા કૌશલને પારખી પહેલીવાર લીડ રોલ આપનાર હતા રવિન્દ્ર દવે, ફિલ્મ રાઝઅને વર્ષ ૧૯૬૭. પછીની કહાની પૂરી ફિલ્મી છે, સફળતાની સીડી શોધમા માટે મોટાભાગના જે દુનિયામાં જીંદગી ઘસી નાખે છે ત્યાં કાકાના નસીબમાં નિયતીએ લિફ્ટસર્જેલી હતી! આરાધના, દો રાસ્તે, સચ્ચા જૂઠા, કટી પતંગ, હાથી મેરે સાથી, આનંદ, મહેબૂબ કી મહેંદી, આપકી કસમ અને આન મિલો સજના જેવી એક પછી એક હીટ ફિલ્મની લાઈન લાગી ગઈ! અલબત્ત અહીં ચોક્કસપણે એ વાતની નોંધ લેવી પડે કે રાજેશ ખન્નાની મોટાભાગની ફિલ્મની સફળતા પાછળ આર.ડી. બર્મનના સંગીત અને કિશોરકુમારના કંઠનું પણ બહુ મોટું યોગદાન હતું. જે રીતે મુકેશનો અવાજ રાજકપૂરનો પર્યાય હતો એજ રીતે કિશોરના અવાજ વિનાના રાજેશ ખન્નાના ગીતો પણ બહુ ઓછાં છે, એ વાતનો અંદાજ એના પરથી આવશે કે કિશોર કુમારે  લગભગ નેવું થી એકાણું ફિલ્મમાં રાજેશ ખન્નાને પોતાનો અવાજ ઉછીનો આપ્યો હશે! વળી, પૈસાની બાબતમાં કોઇની પણ સાડી-બાર ના રાખનાર અને જ્યાં સુધી ઍડ્વાન્સમાં પૂરેપૂરું પેમેન્ટ ના મળી જાય ત્યાં સુધી ના ગાવું અથવા તો જાત જાતના નખરાં કરીને પ્રોડ્યુસરને હેરાન પરેશાન કરી મૂકવા માટે બદનામ કિશોર કુમારે ૧૯૮૫માં આવેલી કાકાની હોમ પ્રોડક્શન અલગ અલગમાટે સંબંધના દાવે સાવ મફતમાં ગાયું એ એ વખતમાં કિશોરને ઓળખતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટું આશ્ચર્ય હતું!

             દરેક સફળતા પોતાની સાથે સાઇડ ઈફે્કટ્સ લઈને આવે છે, એને ગાળી-ચાળીને ચાલતાં ન આવડે તો પછી ગુરૂત્વાકર્ષણના નિયમને કોઇ લિફ્ટ કે સીડીની પણ જરૂર નથી પડતી. કાકાના કેસમાં પણ એવું જ થયું, આસપાસ ચાટુકારોની ટોળકી જામતી ગઈ ને અહંકારનો પારો ચડતો ગયો. એક તો પોતાને સોલો હીરો તરીકેજ લેવાનો દુરાગ્રહ, વળી સ્ટોરીમાં પણ વધારે પડતી દખલબાજી, જેના કારણે અમુક ફિલ્મોને કાકાએ ઠુકરાવી અને એ જમાનાના સફળ ગણાતા એવા મનમોહન દેસાઇ, શક્તિ સામંત અને યશ ચોપડા જેવા નિર્દેશકોએ કાકાને ઠુકરાવ્યા. કાકાના હાથમાંથી છૂટતી ગયેલી તકો અમિતાભના હાથમાં પાકેલા ફળની જેમ આવતી ગઈ, જેનો એણે બરાબર લાભ ઉઠાવ્યો. વળી, ઝંઝીર ને શોલે જેવી મારધાડ વાળી ફિલ્મોએ બતાવી દીધું હતું કે એક આખી પેઢી બદલાઈ ગઈ છે અને એનો ટેસ્ટ પણ. કાકાની ગરદન ટેઢી કરને લહેકાથી બોલાતા ડાયલૉગ, ”પુષ્પા...આઇ હેઇટ ટીયર્સ....કરતાં વિલનને મારી મારી કોથળા જેવો કરી એની આંખોમાં ટીયર્સ લાવી દેનારા હીરોમાં હવેની જનરેશનને વધારે રસ હતો!

             વચ્ચે રાજીવ ગાંધીના આગ્રહને વશ થઈ કાકાએ રાજકારણમાં પણ આંટો મારી લીધો, ૧૯૯૨માં દિલ્હીની એક પેટા ચૂંટણીમાં શત્રુઘ્નસિંહાને હરાવી કાકા એમ.પી. બનેલા, અહીં એક વાતની ખાસ નોંધ લેવી પડે કે કાકા જેટલો પણ સમય રાજકારણમાં રહ્યા એટલો સમય એ ક્ષેત્રને પૂરતો સમય અને ન્યાય આપ્યો, જે રીતે ધર્મેન્દ્ર કે ગોવિંદાને સંસદમાં મોકલીને જનતા પસ્તાઈ એવું કાકાના કેસમાં નહોતું થયું. ડિમ્પલ કાપડિયા લગ્નજીવનના માત્ર દસ જ વર્ષ પછી કાકાથી છૂટી પડી ગઈ હોવા છતાં એક આદર્શ ભારતીય નારીની જેમ જ્યારે જ્યારે કાકાને એની જરૂર પડી ત્યારે પડખે ઊભી રહી છે, પછી એ ઇલેક્શન હોય કે માંદગી. દિલ્હીની પેટા ચૂંટણી વખતે ડિમ્પલે એની દીકરીઓને સાથે લઈને કાકા માટે પૂરા દિલથી ગલી મહોલ્લામાં મત માગેલા અને કાકાને જિતાડીને રહી. હાલ કાકાની બિમારીમાં લીલાવતી હોસ્પિટલમાં પણ ડિમ્પલ દિવસ રાત કાકાની સેવામાં લાગેલી છે અને પાફેઇમ ડિરેક્ટર બાલ્કીના ના નિર્દેશનમાં બેંગલૂરૂ ખાતે હેવેલ્સ ફેન્સની જાહેરાત શુટ થતી હતી ત્યારે પણ ડિમ્પલ સતત કાકાની તબિયતને લઈને ચિંતામાં હતી અને અને બાલ્કી સાથે સંપર્કમાં હતી.
 
             
                  કાકાએ ની આખી કેરિયરમાં એક પણ એડ નથી કરી ને છેલ્લે છેલ્લે કેમ આવી જરૂર પડી હશે? આ એડ જ્યારે ટીવી પર રીલિઝ થઈ અને પહેલીવાર જોઇ ત્યારેજ કાકાનો મૂરઝાયેલો ચહેરો જોઇને લાખો ફેન્સના દિલ તૂટી ગયાં અને એમાંયે જ્યારે યુ ટ્યૂબ પર એનું મેકિંગ જોયું ત્યારે ગમગીન થવા સિવાય કશું કરી શકાય એમજ નહોતું! બોલતી વખતે કાકાના ગળામાંથી અવાજ માંડ માંડ અને એકદમ અસ્પષ્ટ નીકળતો હતો, બે લોકો સતત ધ્રૂજતા કાકાને બે બાજુથી પકડીને કૅમેરાની સામે ચલાવતા હતા, , એવું લાગતું હતું કે જાણે લાંબા સમયથી માંદગીના બિછાને પડેલ કોઈ વ્યક્તિને ચાલવાની કસરત કરાવતા હોય! ત્યાં થોડા દિવસમાં જ કાકા સાચ્ચેજ  હોસ્પિટલાઇઝ થયાના સમાચાર સાંભળવાના આવ્યા! આજે આ લખાય છે ત્યારે રાજેશ ખન્નાને હોસ્પિટલમાંથી છુટ્ટી અપાઈ ગઈ છે, પણ કાકાની હાલત જોતાં એક સવાલ જરૂર થાય, કે ૭૦ની ઉંમર એ શું આમ સાવ ખખડી જવાની ઉંમર છે? કાકા તમારા ચાહકોની લાગણીને ધ્યાનમાં લઈને તો શરીરની થોડી કાળજી લેવી હતી! જીંદગીની શામ કેવી મસ્તાની હોવી જોઈએ  એનો દાખલો તમારી નજર સામેજ છે, આ હિન્દી સિનેમા જેટલીજ ૧૦૦ વર્ષની ઉંમર ધરાવતાં ઝોહરાદાદી! હજુ આ રવિવારે જ આઇફાનો લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ સ્વીકારતી વખતે એમને બોલતાં સાંભળ્યાં, પણ હજુયે શું અવાજ નો રણકો છે!  આપણે આશા રાખીએ કે કાકાની જીંદગીની શામ પણ સો વર્ષથી વધારે લંબાય અને આ જીંદગી ની સફર, suffer ના બની રહે!



ગંગાજળ:
હલ્લો ગેલેક્ષી સિનેમા? બીજા અને ત્રીજા શોમાં ક્યૂં મૂવી ચાલે છે?”
બીજા ત્રીજા શોમાં અલગ અલગછે...
ઓકે વાંધો નહીં તો એ બન્ને ના નામ જણાવો...” !
             

Wednesday, July 04, 2012

તારક મહેતાના ચશ્મા : કેટલાં ઊલ્ટા, કેટલાં સીધાં?



ગળથૂથી:
તારક મહેતાના એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન જ્યોતિન્દ્ર દવે એમના ગુરૂ, બન્ને એક બિલ્ડિંગમાં રહે. જ્યોતિન્દ્ર દવે આઠમા માળે અને તારક મહેતા પહેલા માળે. કોઇ મિત્ર પૂછ્યું એક એમની બાજુમાં ફ્લેટ કેમ ના રાખ્યો? તો તારક મહેતાનો જવાબ હતો, " વિદ્વતા મુજબ અંતર રાખ્યું છે!"                   
*  *  *

                    “ આ લખનારના મતે આજે તો સૌથી વધુ લોકપ્રિય હાસ્યકાર તારક મહેતા છે. ચિત્રલેખામાં નિયમિત છપાતી એમની કૉલમ દુનિયાને ઊંધા ચશ્માંના તો વાચકો બંધાણી થઈ ગયા છે. એ ઘેર ઘેર રસપૂર્વક વંચાય છે ને કોઈ કારણસર ક્યારેક તારક મહેતા ચિત્રલેખામાં ગેરહાજર રહે તો વાચકો નિસાસો નાખી દે છે.આ શબ્દો છે ગુજરાતના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટના અને લખાયા છે ૨૦૦૧માં પ્રસિદ્ધ થયેલા ચિત્રલેખાના સુવર્ણજયંતી વિશેષાંકમાં પણ આજે આ લખાયાના બાર વર્ષ પછી આજના સંદર્ભમાં પણ આ શબ્દો એટલાજ સાચા છે જેટલા ત્યારે હતા. અને હવે તો જીંદગીના નવમા દાયકામાં અડધે પહોંચવા આવેલા તારક મહેતા અને ૧૯૭૧માં સર્જાયેલ એમનો ટપુડાની લોકપ્રિયતા આસિત મોદી અને સબ ટીવીના કારણે ગુજરાતના સીમાડા ઓળંગીને આજે ભારતભરમાં છે. તો કેવી રીતે શરૂઆત થઈ ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્માની અને કેવી શરૂઆત રહેલી આજે સબ ટીવી પર ૮૦૦ કરતાં વધારે એપિસોડ પ્રસારિત થઈ જવા છતાં હજુ પણ સૂંડલામોઢે ટીઆરપી રળી રહેલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની?

                         મૂળભૂત રીતે દુનિયાને ઊંધા ચશ્માએ તારક મહેતાનું ૧૯૬૩માં ભજવાયેલું ત્રિઅંકી પ્રહસન. સંજોગોવશાત્ ચિત્રલેખાના પરિચયમાં આવવાનું થયું અને આમંત્રણ મળ્યું લખવાનું પણ અલગારી સ્વભાવના મહેતાને ખુદને પોતાના પર વિશ્વાસ નહોતો કે દર અઠવાડિયે નિયમિત રીતે લખવાની શિસ્ત પાળી શકાશે, એટલે વાત જામતી નહોતી. એ દિવસો માં મહેતા ફોરજેટ હીલ પર રહેતા હતા. આગળની વાત ખુદ તારક મહેતાના શબ્દોમાં, “એક વાર મારી જાતને કોસતો હું લેખની મથામણ કરતો હીલ ચઢીને ઉપર આવ્યો ત્યારે માળાના દરવાજા બહાર પાર્કિંગ પાસે મારા પાડોશી જેઠાલાલ (નામ બદલ્યું છે) કંઈ ગડમથલમાં હાથમાં પાતળી સોટી સાથે ઊભા હતા.
કેમ જેઠાભાઈ, અહીં ઊભા છો ?’
પેલા નાલાયક માટે…’
હું સમજી ગયો, એમના ચિરંજીવી ટપુ (નામ બદલ્યું છે)ની વાત કરે છે. એ ક્યાં છે ?’ મેં પૂછ્યું. એમણે ત્યાં પાર્ક કરેલી કોઈની ગાડી દેખાડી કહ્યું, ‘આ ગાડીની નીચે.
હેં !મને ઝાટકો લાગ્યો.
અરે, સાલો આખો દિવસ રખડ્યા કરે છે. સ્કૂલમાંથી ગોટલી મારીને પિક્ચરો જોયા કરે છે. ભણવાનું નામ નહીં. કોઈને ગાંઠતો નથી, યાર. મારી દુકાને બેસાડ્યો તો ત્યાંય ઉલાળિયું કર્યું. એને ગાડીઓમાં રસ છે તો મેં કહ્યું, મોટર મિકૅનિક થા તો કમસે કમ ગૅરેજ તો ખોલાય.જેઠાલાલે ટપુને લગતા ઘણા તુક્કા સંભળાવ્યા. બાપ-દીકરાની જોડી મારા મનમાં ફિક્સ થઈ. એ રાત્રે કટાર હાસ્યલેખક તરીકે મારો અને મારા માનસપુત્ર ટપુનો જન્મ થયો. મને નડી રહેલાં જાતજાતનાં જાળાં મેં ખંખેરી નાખ્યાં. હવે કોઈ લેખકનાં પ્રભાવ અને પ્રેરણા ન જોઈએ. મારો વાચક મારો પ્રેક્ષક બન્યો. મારો આધુનિક માળો (લેખોમાં જર્જરિત) મારો રંગમંચ બન્યો. જેઠાલાલ અને ટપુ મુખ્ય પાત્રો. મુંબઈનો મધ્યમવર્ગ મારી લેખમાળાની સેન્ટ્રલ થીમ.
                         ૧૯૭૧માં આ રીતે આ બાપ-દીકરો ચિત્રલેખાના પાને અવતર્યા ત્યારે ટપુડાની ઉંમર બાર તેર વર્ષની હતી, એ વખતે જે વાચકો ટપુડા જેવડા હતા એ આજે ચંપકલાલ થઈ  જવાના ઊંબરે ઊભા છે પણ ટપુડો હજુ તેર વર્ષનો જ છે! ચિત્રલેખામાં જ્યારે આ લેખમાળા ચાલુ થઈ ત્યારે ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જન્મેલા તારક મહેતાની ઉંમર હતી ૪૨ વર્ષ અને આજે ૮૪ આંબવાની તૈયારીમાં છે અને ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્માહજુ અણનમ છે! કદાચ ગુજરાતી લેખનના ઇતિહાસમાં જ નહીં પણ ભારતીય સંદર્ભે પણ કદાચ આ એક વિક્રમ હોય તો નવાઈ નહીં!

                         આ લેખમાળાના પહેલા હપ્તામાં રજનીશના એક વિધાનને લઈને જે ફારસ થાય છે એ રીતની એક થીમ બનાવીને લખવામાં આવેલું, તારક મહેતાના જ શબ્દોમાં, ” એ વખતે ઓશો-રજનીશ એમનાં વિવાદાસ્પદ વ્યાખ્યાનોને લીધે મુંબઈમાં જબરજસ્ત જામી ગયા હતા. તેમણે વિધાન કરેલું. કુમળી વયનાં બાળકોને નગ્ન ફરવા દેવાં જોઈએ. વસ્ત્રોથી એમનામાં કુતૂહલ જાગે છે વગેરે વગેરે. એ આધારે મેં લખ્યું, ટપુ ક્યાંકથી સાંભળીને આવે છે અને ઘરમાં કપડાં કાઢી નાખે છે. જેઠાલાલ ભડકે છે અને ટપુને મારવા લે છે. બાપ-દીકરાની જુગલબંધીમાં જેઠાલાલ ટપુને બાથરૂમમાં પૂરી દે છે. જેઠાલાલની બૂમાબૂમને કારણે માળામાં ને મહોલ્લામાં તહેલકો મચે છે અને પોલીસમાં ફરિયાદ એવી પહોંચે છે કે અમારા માળામાં નાગો ફરે છે. હવાલદાર આવે છે, ફારસ આગળ ચાલે છે...

                         આમ પહેલા હપ્તામાં ટપુ, જેઠાલાલ, દયા, તારક મહેતા પોતે, શ્રીમતીજી, હિંમતલાલ માસ્તર અને માળાના બીજાં પાત્રો સાથે શરૂ થયેલી આ લેખમાળામાં ધીમે ધીમે બીજાં પાત્રો ઉમેરાતાં ગયાં. ચંપકલાલ આવ્યા, ગિલીંડર સાળો સુંદરલાલ આવ્યો, પત્રકાર પોપટલાલ, એની પત્ની મંગળા, તંબક તાવડો અને જીવીબેન, વાતે વાતે ગાળ બોલતો રસિક સટોડિયો, સિંધી ચંદીમારાની, દારૂડિયો જસબીર અને એની પારસણ પત્ની, ડૉ. હંસરાજ હાથી, મટકા કિંગ મોહનલાલ, સાળો સુંદરલાલ, બે માથાળા બોસ બાબુલાલ, બાબુલાલના સાસુ સુલોચનાબેન, બૉસનો દુષ્ટ સાળો વિભાકર, ખંધો ક્લાર્ક પારેખ આમ પાત્રોનો કાફલો વિરાટ બનતો ગયો. યાદદાસ્તના આધારે અહીં જે નામ લખ્યાં છે એ કદાચ દશમાં ભાગના પણ નહીં હોય ત્યારે સમજી શકાય એવી વાત છે કે આટલી મોટી પાત્ર સૃષ્ટિને લઈને ટીવીના પરદે આવવું એ અઘરું જ નહી પણ અશક્ય છે. વળી જે લેખમાળા એકધારી ચાલીસ બેતાલીસ વર્ષથી ચાલતી હોય, અને ખાસ કરીને તારક મહેતાના અદ્‌ભૂત અને ઝીણવટભર્યા વર્ણનને લીધે એના દરેક દરેક પાત્રો પોતાની ખાસિયાતો અને વ્યક્તિચિત્રો સાથે આટલા વર્ષોથી એના વાચકોના મનમાં જીવંત હોય એ લેખમાળાને લઈને ટીવી સીરિયલ બનાવવી એ ખરેખર બહુ મોટું જોખમનું કામ પણ આ જોખમ લેવા તૈયાર થયો એક ગુજરાતી ભાયડો જેનું નામ આસિત મોદી.

                         અગાઉ હમ સબ એક હૈજેવી સફળ સીરિયલ આપી ચૂકેલા આસિત મોદીને લાગ્યું કે ગુજરાતીમાં આ એક જબરદસ્ત વાત વણખેડાયેલી છે અને હજુ કોઇની નજર એના પર પડી નથી એવી, ’દુનિયાને ઊંધા ચશ્માપરથી સીરિયલ બનાવવી જોઈએ. જરૂરી ઔપચારિકતા પતાવીને આ વિચારને વાસ્તવિકતાનું સ્વરૂપ આપવામાં આવ્યું ને આમ જન્મ થયો તારક મહેતાકા ઊલ્ટા ચશ્માનો. જ્યારે ૨૮મી જુલાઈ ૨૦૦૮ના રોજ પહેલો એપીસોડ સબ ટીવી પરથી પ્રસારિત થયો ત્યારે જે વાતનો ડર હતો એજ થયું, વર્ષોથી મનમાં પાઉડર ગલીનો ખખડધજ માળો સંઘરીને બેઠેલા અને જેઠાલાલને હમેશાં ગંજીફરાક અને ધોતિયામાં જોવા ટેવાયેલા વાચકોને ગોકુલધામ સોસાયટી હજમ થવી અઘરી હતી. ચારે બાજુથી જોરદાર ટીકાઓનો મારો થયો. તારક મહેતાના વર્ષોથી સમર્પિત વાચકોને લાગ્યું કે દુનિયાને ઊંધા ચશ્માનું આસિત મોદીએ કરપીણ રીતે ખૂન કરી નાખ્યું છે! સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને ખુદને એવું લાગ્યું કે જે મજા દુનિયાને ઊંધા ચશ્માવાંચવામાં આવે છે એજ મજા તારક મહેતા કા ઊલ્ટા ચશ્માજોવામાં નથી આવતી! દશે દિશાઓમાંથી એટલો જોરદાર હુમલો થયો કે આસિત મોદીની જગ્યાએ બીજો કોઇ પ્રોડ્યૂસર હોય તો ભાંગી જ પડે! પણ આસિત મોદી જેનું નામ, જરાયે વિચલિત ના થયા કે ના ધીરજ ખોઇ. ધીમે ધીમે પાત્રો ઘડાતાં ગયાં ને વાત જામતી ગઈ. ભલે અસલી લેખમાળા કરતાં જુદી રીતે પણ દરેક દરેક પાત્રોની ખાસિયાતો વિકસિત થતી ગઈ અને લોકોને મઝા આવવા માંડી.

                         આમ ખરેખર જોવા જઈએ તો છેવટે પાત્રોના નામ સિવાય અસલી કંઇજ નહોતું, ખખડધજ માળાની જગ્યા પોશ ગોકુલધામ સોસાયટીએ લઈ લીધી હતી. જેઠાલાલ ગંજી-ધોતિયાને બદલે પેંટ શર્ટમાં હતા, દિલીપ જોશીને અહીં એક્ટિંગ કરવા માટે મોકળું મેદાન મળ્યું છે એનો એણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે ક્યારેક તો માત્ર ચહેરાના હાવભાવ દ્વારા પણ દિલીપ જોશી અદ્‌ભૂત અભિયન કરી જાય છે. તારક મહેતાની દયા એક અતર્મુખી ગૃહિણી છે જ્યારે આ દિશા વાકાણીએ દયાને એક જુદુંજ રૂપ આપી દીધું છે, એની બોલવાની વિચિત્ર લઢણ, ઢંગધડા વગરના ગરબાના સ્ટેપ, મા સાથે ફોનમાં વાત કરવાની રીત અને હે મા..માતાજી..!દરેક જગ્યાએ ઓવર ઍક્ટિંગ, આ બધું લોકોને બહુ જ ગમી ગયું છે. દિલીપ જોશી કરતાં ઉંમરમાં નાના ૩૭ વર્ષના અમિત ભટ્ટે ચંપકલાલને આબાદ ઉપસાવ્યા છે, આ ચંપકલાલ એક જ એવું પાત્ર લાગે છે જે તારક મહેતાના ચંપકલાલની સૌથી નજીક હોય. મહેતાના ટપુ જેટલો આ ટપુ ઉપસતો નથી. હિંમતલાલ માસ્તરની જગ્યા ભીડે માસ્તરે લીધી છે, જ્યારે તારક મહેતાના જેઠાને જેના પ્રત્યે સુંવાળી લાગણી છે એ માળાની હેમામાલિની તરીકે ઓળખાતી રંજનદેવીની જગ્યા બબીતાએ લીધી છે અને જેઠાલાલ અને બબીતાની કેમિસ્ટ્રી અહીં કદાચ જેઠાલાલ અને રંજન કરતાં પણ વધારે જામે છે. તારક મહેતાના પત્રકાર પોપટલાલ અને આસિત મોદીના પોપટલાલમાં છત્રીપ્રેમ સિવાય કોઇ ગુણ મળતો નથી. તારક મહેતાના દારૂડિયા જસબીર અને પારસણ પત્નીના ભાગે ખાસ કામ હતું નહીં પણ અહીં એની જગ્યાએ આવેલા રોશન એન્ડ રોશન, પુત્તર ગોગી સાથે જમાવટ કરે છે. વધારાના પાત્રો તરીકે આવી ગયેલા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક જે સારી એવી ફટકાબાજી કરી જાય છે અને જ્યારે ઘનશ્યામ નાયકને બાયપાસ સર્જરી માટે જવાનું થયું ત્યારે એની જગ્યાએ કામચલાઉ ધોરણે દુકાનમાં લાવવામાં આવેલ બાઘા ઉર્ફે તન્મય વેકરીયાએ આવી પડેલ મોકાનો એવો સરસ રીતે ફાયદો ઉઠાવ્યો કે એને પ્રોબેશન પરથી તાત્કાલિક ધોરણે કાયમી કરી દેવાની ફરજ પડી!

                         આ આખી સીરિયલમાં મૂળ લેખમાળા કરતાં સાવ અલગ જ પાત્રાલેખન થયું હોય તો એ ખુદ તારક મહેતાનું છે એવું ચોક્કસપણે લાગે છે, અસલી તારક મહેતા પોતાની રિયલ લાઈફમાં અને લેખમાળામાં પણ નાજુક તબિયતના માણસ છે જ્યારે શૈલેષ લોઢાને કોઈ દિવસ શરદી પણ ના થાય એવી એની હેલ્થ છે! આ કદાચ અંજલિ મહેતાના ડાયેટ ફૂડની કમાલ હશે! અસલી તારક મહેતા રેશનાલીસ્ટ છે, ભગવાનમાં પણ નથી માનતા જ્યારે આસિત મોદીના તારક મહેતા તો ક્યારેક અંધશ્રદ્ધાની હદ સુધી પણ જાય છે! એની વે, આસિત મોદી અને ધર્મેશ મહેતાની મહેનત રંગ લાવી છે અને સીરિયલે ખરેખર જમાવટ કરી છે. કૉમેડી માટે સૌથી વધારે જરૂરી એવું એલીમેન્ટ ટાઇમીંગ બધાજ કલાકારો વચ્ચે ગજબનાક છે. કોઇ સીરિયલ જ્યારે આટલી લાંબી ચાલે છે ત્યારે એના પ્રોડ્યૂસરે બીજા એક કુદરતના પડકારનો સામનો કરવો પડે છે, ઉંમરની સાથે થતા બાળકલાકારોના શારીરિક વિકાસનો. તારક મહેતાનો ટપુ તો છેલ્લાં બેતાલીસ વરસથી હજુ તેર વર્ષનો જ છે પણ ભવ્ય શાહ ૨૦૦૮માં પહેલા હપ્તામાં જેઠાલાલની છાતી સુધી આવતો હતો એ અત્યારે લગોલગ પહોંચી ગયો છે! જોઈએ છે પ્રોડ્યૂસર આનો શું રસ્તો કાઢે છે. આ બધાની વચ્ચે, આ સીરિયલ નવી પેઢીને સહેલાઈથી ગમી ગઈ છે, જૂની પેઢી જે તારક મહેતાને વાંચીને મોટી થઈ છે, એણે ગમાડવા માટે થોડી મહેનત કરવી પડી છે, દિમાગમાં પડેલા જૂના ચિત્રો પર ડસ્ટર ફેરવવાની! આ સીરિયલની સફળતાની મોટામાં મોટી સાબિતી એ છે કે શર્મન-બમન અને રીશી-નિતુ તો ઠીક પરંતુ સલમાને પણ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડ્યો છે!

                         અગાઉ કહ્યું એમ દુનિયાને ઊંધા ચશ્માની પાત્રસૃષ્ટિ એટલી વિશાળ છે એક એને એક ટીવી સીરિયલમાં ઉતારવી એટલે હિન્દ મહાસાગરને બોટલમાં પૂરવાની કોશીશ કરવી! એટલે મર્યાદિત પાત્રોનેજ પરદે ઊતારી આસિત મોદી અને ધર્મેશ મહેતાએ મોટી સમજદારી બતાવી છે. જ્યારે વર્ષોથી લોકોના મનમાં જાણીતાં થઈ ગયેલાં પાત્રોને ટીવીના પરદે ઉતારવાં એ ખરેખર દોરડાં પર વગર વાંસડે ચાલવા જેટલું જોખમી છે. પાપડ પોળ: શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયાજ્યારે ટીવી પર આવી ત્યારે કેવી બે રંગ થઈ ગઇ અને એનાથી શેક્યો પાપડ પણ ના ભંગાયો એ દાખલો આપણી નજર સામેજ છે, જોકે એમાં એક હકીકત એ પણ છે કે એ સીરિયલ કોઇ લેખમાળાના આધારે નહીં પણ પણ ગુજરાતીમાં સાત્વિક હાસ્યનો પર્યાય બની ગયેલા શાહબુદ્દીન રાઠોડના મોઢે કહેવાયેલી વાતો ના આધારે હતી. જ્યારે કોઇ લેખમાળાના આધારે ટીવી સીરિયલ બનાવવી હોય ત્યારે એ લેખમાળાને જડતાપૂર્વક વફાદાર રહીને ચાલી શકાતું નથી એ પણ એક સત્ય સ્વીકારવું રહ્યું. લાંબા સમયથી સબ ટીવી પર ચાલતી અને લોકપ્રિયતા ટકાવી રહેલી બીજી એક સીરિયલ લાપતાગંજમાંથી શરદ જોશી કેટલા લાપતા છે એ તો કોઇ મરાઠી માણૂસ જ કહી શકે!

ગંગાજળ:
હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા પુસ્તકમેળામાં, એક સ્ટોલ પર તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્માજોઇ એક કોલેજીયને બીજાને આશ્ચર્યથી કહ્યું, “ બકા, જો તો ખરો, આટલી વારમાં તો સીરિયલની બુક પણ બહાર પડી ગઈ!
(ફેસબુક મિત્ર સંદીપ દવેના સૌજન્યથી)