Wednesday, August 22, 2012

હલકે લોગ, હલકી પસંદ...!


ગળથૂથી

“અમેરિકામાં સેક્સ મ્યુઝિયમ જોઈ આંખો મીંચી દેનારા ભારતીયો ગુટકાના નામથી જાણે પ્રભુદર્શનનો આત્મસાક્ષાત્કાર થયો હોય એમ ઠેકડા મારે છે!” –જય વસાવડા.


તેજતર્રાર કલમના માલિક અને યાર-બાદશાહ વાચકોના દિલના શહેનશાહ એવા ચંદ્રકાંત બક્ષીએ એક જગ્યાએ દારૂબંધીની વ્યાખ્યા પ્રમાણે આપી છે, “જે વ્યવસ્થામાં શરાબ બોટલના બદલે પીપમાં મળે એને દારૂબંધી કહેવામાં આવે છે.” કહેવાની જરૂર ખરી કે ગુજરાતમાં જે રીતની દારૂબંધી અમલમાં છે જોઈનેજ બક્ષીબાબુને આવી અવળચંડી વ્યાખ્યા સૂઝી હોય! બક્ષીબાબુએ પોતાના જીવનનો અધિકાંશ સમય મુંબઈમાં વિતાવ્યો છે, ગુજરાતની દારૂબંધીને કદાચ એટલી નજીકથી નથી જોઈ અને કદાચ લખતી વખતે કદાચ એમને પણ એવો ભ્રમ હશે કે વ્યાખ્યામાં અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંમાં જેમણે શ્વાસ લીધો છે ખાતરીપૂર્વક કહી શકે કે બક્ષીબાબુએ કરેલી દારૂબંધીની વ્યાખ્યામાં બિલકુલ અતિશયોક્તિ નથી! મેં પોતે નાનપણમાં મારા ગામમાં એવી વાતો સાંભળેલી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની કોઇ સંસ્થાની ચૂંટણી હોય કે પછી કોઇ સહકારી સંસ્થાના ડાયરેક્ટરની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર તરફથી ગામલોકોના લાભાર્થે ગામના ચોકમાં મદિરાનાં પીપ અથવા કેરબા મૂકી દેવામાં આવ્યા હોય અને ગામના રસિકજનો ઘડા ભરીને લઈ જતા હોય! ગામના પાદરમાં આવેલ ઝાડી-ઝાંખરામાં અને દરિયાકાંઠે આવેલાં સરૂ અને ગાંડા બાવળના ઉપવનોમાં બેખોફ રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તો મેં પોતે સગ્ગી આંખે જોયેલી છે, અરે ગામના લોકો, જો પોતાના ઘરની જરૂરીયાત પૂરતોમાલપોતાના ઘરના ચૂલા પર બનાવી લેતા હોય એવું પણ જોયેલું છે. ગામના ઝાંપે, સરાજાહેર પ્યાસીજનો પ્લાસટીકની કોથળીમાંથી ગ્લાસમાં ભરીને ગળામાં ઠલવતા હોય એવાં દ્રશ્યો ગુજરાત સિવાય ક્યાં જોયાં નથી અને આખા દેશમાં માત્ર એકજ રાજ્ય ગુજરાતમાં દારૂબંધી છે અને પણ ગાંધીજીના નામે!

ક્ષમા કરશો, અહીં દારૂબંધીનો વિરોધ કરવાનો કે શરાબપાનની તરફેણ કરવાનો બિલકુલ ઈરાદો નથી, બધી ચર્ચાનો હેતુ માત્ર એટલો છે કે જો વ્યવસ્થાતંત્રમાં કાયદાના અમલીકરણની ઈચ્છાશક્તિ હોય તો ખરેખર લોકોના કલ્યાણ માટે બનાવેલા કોઇપણ કાયદાની કેવી વલે થાય છે બતાવવાનો, અને પણ અત્યારે એટલા માટે કે મોટાભાગના લોકોને વાજબી રીતે શંકા છે કે પંદરમી ઓગષ્ટે, જુનાગઢમાં ધ્વજવંદન વખતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ગુટખાબંધીની જાહેરાત કરી છે એની હાલત પણ ગુજરાતની દારૂબંધી જેવીજ થવાની છે. આવી શંકા કરવા માટેનાં સજ્જડ કારણો પણ પહેલેથીજ હાજર છે, ૧૯૯૭થી ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શૈક્ષણીક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં તંબાકુના ઉત્પાદનો વેચવાની કાયદેસર રીતે મનાઈ કરવામાં આવેલી છે પણ એનું અમલીકરણ કેવું  થાય છે અહીં લખવાનો કોઇ મતલબ નથી, કોઇ પણ શાળાને અડીને આવેલ પાનની દુકાને જઈને ગુટખા માગજો એટલે વાસ્તવિકતા સમજાઈ જશે. એજ રીતે ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કિશોરોને તંબાકુની કોઇ પણ પ્રોડક્ટ વેચવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે, દરેક ગલ્લે આવી ચેતવણી મોટા અક્ષરે લખેલી જોવા મળે છે પણ મોટાભાગે ચેતવણી પાટીયામાંજ રહે છે!

કાયદાના અમલીકરણ પાછળની નિયત પર શંકા કરવાનું બીજું પણ એક સજ્જડ કારણ છે. એક સર્વે મુજબ, જેટલાં પ્રકારનાં કેન્સર થાય છે એમાંથી લગભગ સીત્તેર ટકા માટે તંબાકુ જવાબદાર છે, આમાં સિગારેટ, બીડી, હોકલી, ખૈની બધું આવી જાય છે. અને એમાંયે ગુટખાતો માત્ર ખાનારને જ શિકાર બનાવે છે જ્યારે બીડી અને સિગારેટના પેસીવ સ્મોકિંગનો ભોગ બનતા આજુબાજુના લોકો માટે પણ ઘાતક છે તો પછી માત્ર ગુટખા શા માટે? ખરેખર લોકોના આરોગ્યની ચિંતા હોય તો ભસ્માસૂર જેમાંથી પેદા થાય છે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ શા માટે નહીં? આજે ગુજરાતમાં લગભગ ૫૦૦૦૦ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જો તમાકુના વાવેતર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ગુજરાતના હજ્જારો ખેડૂતો અને ખેતમજૂરો બે રોજગાર થઈ જાય, પણ અહીં સિફતપૂર્વક વાત ભૂલી જવામાં આવે છે કે એજ જમીનમાં તમાકુના બદલે બીજો પાક લઈ શકાય, કદાચ ખેડૂતોએ સમાજ માટે થઈને પોતાના નફામાં નૂકશાન સહન કરવું પડે એટલું !

તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને સમજદારી બતાવે વાત તો પછીની છે પણ સરકાર તમાકુના ઉત્પાદનો પર મળતી ૨૫ ટકા જેવી તગડી વેટની આવકની લાલચ છોડી શકે એમ છે? આપણા દેશમાં સિગારેટ કંપનીઓની તાકતવર લોબીની પકડ કેન્દ્ર સરકાર પર કેટલી છે અને જો સરકાર ધારે તો શું કરી શકે સમજવા માટે ઓસ્ટ્રેલિયાનો દાખલો લેવા જેવો છે. આપણે ત્યાં સિગારેટના બોક્સ પર નીચે એકાદ જગ્યાએ ભાષામાં કાનૂની ચેતવની છાપવામાં આવે છે જે ભાષા દેશની મોટા ભાગની જનતાને વાંચતાં આવડતી નથી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિગારેટના ખોખા ઉપર સૌથી પહેલાં ઉપરના ૨૫ ટકા જેટલા ભાગમાં મોટા મોટા અક્ષરમાં ચેતવણી લખવામાં આવે છે અને પણ અલગ અલગ બોક્સ પર અલગ અલગ, જેમકે, ’ધૂમ્રપાનથી અંધાપો આવે છે’, ’ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થાય છે’, ’બાળકોના શ્વાસમાં તમારો ધુમાડો જવા ના દોવગેરે.. પછી એની નીચે બોક્સના ૫૦ ટકા જેટલા ભાગમાં, ઉપર ચેતવણીમાં જે બાબતનો ઉલ્લેખ હોય એનું ચિત્ર અને સાવ છેલ્લે સૌથી નીચે અને સાવા નાના અક્ષરોમાં બ્રાન્ડનું નામ! ઉપરાંત ખોખાની સાઈડ પર ઘાતકતાની ચેતવણી તો ખરીજ. સરકાર જો ધારે તો શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાતના એક મોટા અખબારે સમાજપ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજીને ગુટકા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી, સરકાર પર દબાણ લાવીને નિર્ણય તો લેવડાવ્યો પણ આટલેથી અટકી જવાથી કામ નહીં ચાલે, પ્રતિબંધનું અમલીકરણ સજ્જડ રીતે થાય માટે પણ અખબારોએ અને નાગરિકોએ જાગૃત રહેવું પડશે. જ્યારે સમાજના હિતનું કામ થતું હોય એટલા પૂરતું અખબારો પોતાની અંદરો અંદરની હૂંસાતૂંસી ભૂલીને એક મંચ પર આવી જાય અને સાથે સાથે લોક જાગૃતિનું કામ પણ સતત ચાલુ રાખે જરૂરી છે. બાકી, છટકબારીઓ શોધવાનું ચાલુ થઈ ગયું છે, મહારાષ્ટ્રની જેમ પાનમસાલા અને તમાકુ અલગ અલગ પેકિંગમાં ભરીને ને સાથે વેચવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે.

દુનિયામાં કદાચ માણસ નામનું પ્રાણી એક એવું અવળચંડું પ્રાણી છે કે એને જે કરવાની ના પાડવામાં આવે ખાસ કરે છે, જે દિશામાં જવાની ના પાડવામાં આવે બાજુ ધરાર જાય છે. શું ખવાય ને શું ખવાય એની સમજણ કદાચ આપણે જેને બુદ્ધિવગરનાં માની છીએ પ્રાણીઓમાં વધારે છે, નહિતર જ્યાંથી કોઇ પાછું નથી આવી શકતું એટલે ઊંચે પહોંચાડી દેતો ઊંચે લોગ ઊંચી પસંદ વાળો ચાર હજાર રૂપીયે કિલો કચરો ખાવાને બદલે ૬૦૦ રૂપીયે કિલોના કાજુબદામ ના ખાતો હોત!

ગંગાજળ

એક પોલીસ અધિકારીના ઘરનું દ્રશ્ય:
કહું છું, વોશિંગ મશીન લઈ લઈએ તો કેવું?”
૧૧મી સપ્ટેમ્બર પછી..”
ટીવી પણ જૂનું થઈ ગયું છે, હવે એલ સી ડી લઈ લઈએ..”
બધું ૧૧મી સપ્ટેમ્બર પછી..”
        “
કેમ ૧૧મી સપ્ટેમ્બથી સરકાર પગાર વધારી દેવાની છે?
        “
એમ સમજ ને!”


        

Wednesday, August 08, 2012

બાળહત્યા એક જનઆંદોલનની : આરોપી અનેક


ગળથૂથી
              "કોઈના વિચારો ગમે એટલે પહેલા આપણે તેના ચાહક બનીએ છીએ ..અઠંગ ચાહક બની ગયા પછી - અજાણતા - અજાણતા પ્રચારક બની જઈએ છીએ..એટલા સુધી સારી વાત છે. પણ જેના પ્રચારક બની ગયા હોઈએ તેના પગમાં સડો થાય - એ સડાની દુર્ગંધ આપણને સુગંધ જેવી લાગવા માંડે ત્યારે સમજવું કે આપણે વૈચારિક ગુલામ અને વ્યક્તિપૂજક બની ગયા છીએ... જે બંને માટે ઘાતક નીવડે છે...."                  -રણમલ સિંધવ

            પહેલા ના જમાનામાં જ્યારે રાજા મહારાજા અથવા ગોરા સાહેબો જ્યારે જંગલમાં શિકાર કરવા જતા ત્યારે એમની સાથે હાંકોકરવા વાળા રહેતા. આ હાંકો કરવા વાળા, ઢોલ, ડબ્બાના અવાજોની સાથે હોકારા પડકારા કરી જંગલી પશુને પહેલેથી નિશ્ચિત દિશા તરફ ભાગવા મજબૂર કરી, ચોક્કસ જગ્યાએ પહોંચાડી દેતા જ્યાં ઝાડ પર માંચડો બાંધી શિકાર માટે ભરીબંદૂકે તૈયાર સાહેબ એને હણી નાખે. ૧૬ મહિના પહેલાં શરૂ થયેલા એક અત્યંત આવશ્યક એવા જન આંદોલનને ગોરા અંગ્રેજો કરતાં પણ વધારે ધૂર્ત અને હલકટ એવા કાળા અંગ્રેજોએ એજ સ્ટાઇલથી હણી નાખ્યું છે, બસ જૂના જમાનામાં જે રીતે દગાથી મારેલા શિકારની બાજુમાં ઊભી પોતાની બહાદુરીનો પુરાવો દેખાડતો ફોટો પડાવતા એવો ફોટો નથી પડાવ્યો એટલું જ! અને આ હાંકો કરવા વાળા ખાલી સત્તાધારી પક્ષમાં જ હતા એવું નથી, દિગ્વિજય, કપિલ સિબ્બલ, સલમાન ખુર્શીદ, નારાયણ સામી જેવા કોંગ્રેસના હાંકાખોરો સતત હાકલ પડકારા કરતા રહ્યા કે ચૂંટણી લડી બતાવો..ચૂંટણી લડી બતાવો...અને આ લોકોના રાગ ચૂંટણી લડોમાં કૉરસમાં જોડાયેલા હતા ભાજપમાંથી મુખ્તાર અબ્બાસ નકવી, રાજપમાંથી લાલુ યાદવ, જેડીયુના શરદ યાદવ વગેરે વગેરે.  આ બધા ભ્રષ્ટાચારના મામલે ભલે વારંવાર સત્તાપક્ષ પર હલ્લાબોલ કરતા હોય પણ તો પણ એમને પણ આ અન્ના હજારેનો લોકપાલ નામનો જીની જરાયે ખપતો નહોતો અને એ બધાને કૉંગ્રેસ નામની ડોશી મરે એમાં રસ હતો પણ આ અન્ના નામનો જમ ઘર ભાળી જાય એ પોસાય એક નહોતું કારણ કે એ બધાજ જાણે છે કે રાજકારણ નામના આ હમામમાં પોતે પણ દિગંબર જ છે!

             કરોડો અન્ના સમર્થકો રીતસર સ્તબ્ધ થઈ ગયા છે, આઘાતમાં ડૂબી ગયા છે, આ લખાય છે ત્યારે સમાચાર મળે છે કે રાજકોટના એક અન્ના સમર્થક, જેમણે રામલીલા વખતે રાજકોટના ત્રિકોણબાગ પર છાવણી નાખીને અન્નાની સાથે તેર દિવસના ઉપવાસ પણ કરેલા, એમને તો એટલો બધો આઘાત લાગી ગયો છે કે ગઈ કાલે એમણે ઝેર પી ને આત્મહત્યાની કોશિશ કરી છે. તો કોણ જવાબદાર છે કરોડો લોકોની લાગણી સાથે આવી ક્રૂર રમત કરવા માટે? આરોપીના પીંજરામાં કોઇ એક વ્યક્તિને મૂકી શકાય એમ નથી, કોઇ એક વ્યક્તિ માટે આવું જન આંદોલન જેમ ઊભું કરવું શક્ય નથી એમ તોડી પાડવું પણ શક્ય નથી, તો એક પછી એક આરોપી અને એને આરોપીના પીંજરામાં ક્યા કારણસર ઊભા રાખી શકાય એમ છે એ સમજવાની કોશિશ કરીએ.

             આરોપી નંબર એક: કિશન બાબુરાવ હજારે ઉર્ફે અન્ના હજારે ખુદ
             - મહારાષ્ટ્રના એક નાનકડા ગામ રાલેગણ સિદ્ધિ થી લઈને ભારતના કરોડો લોકોના દિલ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવનાર અન્ના હજારેએ સોળ મહિના પહેલાં જે જનસૈલાબ પોતાની પડખે ઊભો કરેલો એની પાછળ સરકારની ઘણી ભૂલો તો હતી જ પરંતુ એ ન ભૂલવું જોઈએ કે અન્નાની પોતાની ભૂતકાળની કામગીરી અને સ્વચ્છ નિઃસ્વાર્થ વ્યક્તિની એક જબરદસ્ત ઇમેજ પણ હતી જેના કારણે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને એમનામાં પોતાનો તારણહાર દેખાયો અને આખા દેશમાં આઝાદીના સમય જેવો એક જુવાળ ઊભો થયો. અન્નાની એકલાની ઇમેજ હતી ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ ટીમ અન્ના શબ્દ આવ્યો અને સડાની શરૂઆત થઈ! જે રીતે એક વ્યક્તિથી ક્રાંતિ નથી આવતી એ રીતે જો કોઇ એક વ્યક્તિની, આખી ચળવળ પર પકડ ના રહે તો પણ ક્રાંતિ નથી આવતી. બેશક, અન્નાના ના ઊજળા લૂગડાં પર ગમે તેટલો કાદવ ઉછાળવા છતાં હજુ કો દાગ નથી પડ્યો પણ અન્નાજીમાં ડિપ્લોમેટીક બુદ્ધિનો સંપૂર્ણ અભાવ હોવાના કારણે એક લીડર તરીકે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એ દુ:ખ સાથે સ્વીકારવું પડે છે. કોઈ મોટા જન આંદોલનને સફળ બનાવવા માટે એક લીડરે ડિક્ટેટરના રોલમાં રહેવું જ પડે છે, સાંભળવું બધાનું પરંતુ બુદ્ધિ તો પોતાની જ વાપરવાની. જયારે અન્નાજીએ ઘણીવાર પોતાની બુદ્ધિ ટીમ અન્નાને ચરણે ગીરવે મૂકી, જેના પરિણામે પોતપોતાના સ્વાર્થને લઈને અન્ના સાથે જોડાયેલા એ લોકો પોતાના પૂર્વગ્રહિત વિચારોની અસર અન્ના પર પાડવામાં સફળ રહ્યા અને વારંવાર અન્ના પાસે પણ છબરડા કરાવતા રહ્યા, છેવટે લોકપાલ નામની આ નૈયા મઝધાર ડૂબી ગઈ!

                                                                       આરોપી નંબર બે:  ટીમ અન્ના:
             અન્ના હજારે ટીમ અન્ના નામનું એક એવું બેસૂરું વાજિંત્ર લઈને કૉન્સર્ટ જીવતા નીકળેલા કે જેના બધા જ સૂર પોતપોતાની રીતે વાગે છે! આગળ જોયું એમ, આ ટીમ અન્ના પર અન્ના હજારેનો બિલકુલ કાબૂ નહોતો. દરેકે દરેક જાહેરમાં પોતાના મનમાં આવ્યું એવું બકબક કરતા રહ્યા. આખા દરેક નાગરિક માટે જે અત્યંત સંવેદનશીલ અને લાગણી સાથે જોડાયેલો મામલો છે એવા કાશ્મીર અંગે પ્રશાંત ભૂષણે કરેલા બકવાસને લીધે એણે પોતાની ઑફિસમાં જ માર ખાવો પડ્યો, કેજરીવાલ અને મનિષ સિસોદિયા પોતાની જીભને લીધે સતત વિવાદોમાં રહ્યા. કિરણ બેદીની સ્ટેજ પરની ઘૂમટા નૌટંકીનું ફૂટેજ આજે પણ ટીવી પર જોવા મળે છે ત્યારે આપોઆપ રિમોટ પર આંગળીઓ ચેનલ બદલી નાખે છે એવું ભદ્દું લાગે છે. સ્વામી અગ્નિવેશ સરકારની દલાલી કરતા ઝડપાયા અને છેલ્લે બાકી હતું તે સંજય સિંગે નરેન્દ્ર મોદી વિશે વાણી વિલાસ કરીને ભાજપ અને ભાજપની ચાહકોની નારાજગી વહોરી. આ ઉપરાંત, કેજરીવાલ અને કિરણ બેદી જેવા લોકો પર ભ્રષ્ટાચારના નાના મોટા આરોપ લાગતા રહ્યા. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પર આક્ષેપો નહીં કરવાનો પ્રોટોકૉલ જાળવવાના અન્ના હજારેના નિયમનું છડેચોક અન્નાની હાજરીમાં જ ઉલ્લંઘન થતું રહ્યું. કેજરીવાલ જેવા લોકોના ઈગોને લીધે, રામદેવને દૂર રાખવામાં આવ્યા અને પછી રામદેવ અને ટીમ અન્ના સાથે હોવાનો દંભ કરવાની સાથે સાથે સતત એકબીજાની લીટી ટૂંકી કરવાની કોશિશ કરતા રહ્યા. ટૂંકમાં ગયા વર્ષની રામલીલાની તોતીંગ સફળતા પચાવતાં અને એને વધારતાં ના આવડ્યું અને દોઢ વર્ષના સમયગાળામાં ટીમ અન્નાએ લોકોની નજરમાં લોકપાલ આંદોલના હેતુઓ અંગે શંકાઓ પેદા કરવાના અને વધારવાના સરકારના પ્રયત્નોને સફળ બનાવવામાં પોતાના તરફથી યથાશક્તિ બનતું બધું જ કર્યું!      

                                                                        આરોપી નંબર ત્રણ: સરકાર
             એતો સ્વાભાવિક જ છે કે પોતાની સામેના કોઇપણ વાજબી કે ગેરવાજબી આંદોલનને શામ,દામ, દંડ અને ભેદ દ્વારા તોડી નાખવાનો કોઇ પણ સત્તાધિશો પ્રયાસ કરેજ. અને એમાંયે આતો જેણે છેલ્લા ચાર પાંચ વર્ષમાં, આઝાદી પછીના તમામ કૌભાંડના વિક્રમ સ્થાપી દીધા છે એવી સરકાર! ખુરશી માટે બહુમતી પ્રજાની લાગણીની જેને ઐસીતૈસી કરવાની આઝાદી પહેલાંથી જ આદત પડેલી છે એવા પક્ષની સરકાર! યાદ કરો આઝાદી પહેલાંની એ ઘટના જેમાં દેશની સોળમાંથી ૧૩ કૉંગ્રેસ કમિટીઓએ સરદાર પટેલ દેશના પ્રધાનમંત્રી થાય એવો મત વ્યક્ત કરેલો, એક મત કૃપલાણીને મળેલો અને બે મત નહેરુની તરફેણમાં પડેલા. છતાં, ગાંધીજીને ઇમોશનલી બ્લેકમેઇલ કરીને નહેરુ જેના પર સરદારનો હક્ક હતો એ ખુરશી છીનવી લીધેલી, જેનાં પરિણામો દેશ આજે પણ ભોગવે છે. લોકપાલ આંદોલનને ખતમ કરી નાખવા માટે સરકારે સાચા અર્થમાં શામ, દામ, દંડ અને ભેદ ચારેય હથિયારોનો બહુ કૂટીલ રીતે ઉપયોગ કર્યો છે અને છેવટે પોતાના દુષ્ટ મકસદમાં સફળ રહી.

               આરોપી નંબર ચાર  : મીડિયા.
             ગોબેલ્સ નું એક સૂત્ર હતું, કોઇ પણ જૂઠને સો વખત બોલો એટલે એ સત્ય બની જાય છે. આજના મીડિયાએ ગોબેલ્સને બરાબર આત્મસાત કરી લીધો છે. ગયા વર્ષના અન્નાના રામલીલાવાળા અંદોલનની કલ્પનાતીત સફળતા અને એ સફળતામાં મીડિયાનો રોલ આ બધું સત્તા પક્ષને બરાબર સમજાઈ ગયું હતું એટલે નાણાની કોથળીઓ છુટ્ટી મૂકી દેવાઈ. પરિણામ જે જોઈતું હતું એજ મળ્યું. મીડિયા હિમાલય જેવાં કૌભાંડોને તડકે મેલી, રાઈના દાણા જેવડી પણ ટીમ અન્નાની ભૂલો ને શોધીને માઇક્રોસ્કોપમાંથી જનતાને દેખાડવા લાગ્યું અને દોઢ વર્ષના ગાળામાં નમકનો હક્ક વફાદારીપૂર્વક અદા કરી જનતાની નજરમાં અન્ના અને ટીમ અન્નાની આબરૂ રાઇ રાઇ જેવી કરી નાખવામાં સફળતા મેળવી. જ્યારે કેજરીવાલ કે પછી મનિષ સિસોદિયા અથવા તો કિરણ બેદીનું સરકાર વિરોધી કોઇ સામાન્ય સ્ટેટમેન્ટ આવે તો એને પણ પ્રસારિત કરતાં પહેલાં પોતાના અન્નદાતાઓને ખોટું ના લાગે એ માટે આ એમનો અભિપ્રાય છે અને અમે બતાવીએ છીએ, ચેનલ આની સાથે સહમત નથીએવું દસ થી પંદરવાર ઢોલ પીટીને કહેવામાં આવે ને પછી મૂળવાત પર આવે, પરંતુ આજ ચેનલો પર જ્યારે નરેન્દ્ર મોદી વિશેની કોઇ ચર્ચામાં કોઇ વક્તા દ્વારા અત્યંત ગલીચ કહી શકાય એવી ભાષાનો પણ પ્રયોગ કરવામાં આવે ત્યારે આવી કોઇ ચોખવટ કરવાની જરૂર ના લાગે! હદ તો ત્યારે થઈ જ્યારે અસમના દંગાઓની વાત કરતી વખતે પણ જે બે પક્ષો વચ્ચે ખૂનામરકી થાય છે એનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવે, “સ્થાનિક બોડો આદિવાસીઓ અને બાંગ્લા ભાષા બોલતા આવીને વસેલા પ્રવાસી!” ’બાંગ્લાદેશી ઘૂસણખોરએવા શબ્દો વાપરીએ તો આકાઓને ખોટું લગાડવાનો હક્ક છે ભાઇ, એમની વોટબેન્ક જો છે!

             આરોપી નંબર પાંચ: ગાંધીવાદીઓ
             આ એક એવું વિચિત્ર પ્રાણી છે જેમને કૂવામાંનાં દેડકાં પણ ન કહી શકાય, કેમ કે એમને ખાબોચિયાંનું પાણી વધારે અનુકૂળ આવે છે, પછી ભલે એ ગમે એટલું ગંધાઈ ઊઠેલું કેમ ના હોય! આ પ્રજાતિને અઢારમી અને ઓગણીસમી સદીની હવા વધારે માફક આવે છે અને કોઇ એમના ઘરની બારી ખોલીને બહારની દુનિયા બતાવવાની કોશિશ કરે તો એને ગાંધી વિરોધિનું લેબલ મારી દે છે. એમના માટે સત્યાગ્રહ, અહિંસા, આંદોલન આ બધાની વ્યાખ્યાઓ ૧૯૪૭ પહેલાં સ્થગિત થઈ ગયેલી છે, શરિયતની માફક એમાં કોઇ પણ ફેરફારને અવકાશ નથી. અન્ના હજારેએ રાત્રે ઊંઘમાં પડખું ફરવા જતાં એકાદ મચ્છર દબાઈ જવાથી જો એની એક પાંખ તૂટી ગઈ તો એમાં પણ ભયાનક હિંસા દેખાય છે! અલબત્ત પોતે ટ્રસ્ટો ખાઈ જવાં, જમીનો હજમ કરી જવી કે પછી આર્થિક કૌભાંડો કરવાં એ બધું ક્ષમ્ય છે કારણ કે એમની પાસે આચમન કરી લેવા માટે ગાંધીવાદ નામનું ગંગાજળ છે!

                                                                     આરોપી નંબર છ: જનતા.
             દેશની આઝાદીની લડાઈ વખતે એ આંદોલનનો વિરોધ કરનારાઓની આ દેશમાં કમી નહોતી. માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે જે પરિસ્થિતિમાં માણસ વર્ષોથી રહેવા ટેવાઈ જાય છે એ પરિસ્થિતિ એને ગમવા લાગે છે, પછી એ પીડાદાયક અને નૂકશાનકારક કેમ ના હોય! ઊલટું એમાંથી એને છોડાવવાની કોશિશ કરનારો દુશ્મન લાગવા માંડે છે.દોઢ વર્ષ પહેલાનાં આંદોલનથી જ જોવાયું છે કે આવા કેટલાક સતત અન્નાને કોઇ પણ કારણ વિના સતત ભાંડવામાં લાગેલા છે. વળી, અમુક લોકોને માટે પોતાની માનસિક નપુંસકતા છુપાવવાનો શાબ્દિક મર્દાનગી દેખાડવી એ એક માત્ર ઇલાજ હોય છે, મજબૂરી હોય છે. એટલે એ લોકો સતત અમિતાભ, સચીન, સોનુ નિગમ, લતા મંગેશકર કે પછી અન્ના હજારેમાંથી પણ સતત ખામીઓ શોધવામાં લાગેલા રહે એ સમજી શકાય એમ છે.
            
             મીડિયા અને રાજકારણીઓએ તો જે કર્યું એમાં એનો પોતાનો સ્વાર્થ હતો પણ આપણે એ માની લેવું એવી કોઇ મજબૂરી આપણા માટે નહોતી, તો પણ માની લીધું અને આજે ટુ જી, કૉમનવેલ્થ, કોલસા કૌભાંડ, કલમાડી, એ રાજા, લાલુપ્રસાદ, રેડ્ડી બંધુઓ, યેદીયુરપ્પા એ બધું ગૌણ બની ગયું છે અને બધા અન્નાને ફાંસીએ લટકાવામાં લાગી ગયેલા છે!
* * *
            
             કહેવાય છે કે ભૂંડ સાથે કુસ્તીમાં ના ઉતરાય, કેમકે ભૂંડનો પ્રયાસ હમેશાં તમને કાદવમાં ખેંચી જઈને ખરડી નાખવાનો હોય છે. ગાંધીની મુત્સદીગીરીનો છાંટોયે ના ધરાવનાર અન્ના હજારે કાદવમાં ખેંચવામાં ભૂંડ સફળ રહ્યું છે અને પહેલાં જ્યાં કાયદા ફૂટપાથ પર ના બને, ચૂંટણી લડી બતાવોએવા હાકલા પડકારા થતા હતા એ દિશામાંથી હવે નવો રાગ અલાપવાનું શરૂ થયું છે, “ જો અમે તો પહેલેથીજ કહેતા હતા કે એ લોકોનો હેતુ રાજકારણમાં આવવાનો છે!

             ઘોર અંધારી રાતમાં એક આશાનું કિરણ દેખાયું હતું જે આપણે જ આપણી ટૂંકી દ્રષ્ટિને કારણે ઓલવી નાખ્યું છે, કોનું કેટલું નુકશાન થયું છે અને થવાનું છે એતો ભવિષ્ય જ બતાવશે!

ગંગાજળ
કૉંગ્રેસ: અન્ના હજારે ભાજપ અને આર.એસ.એસ.નો હાથો છે.
ઇમામ બુખારી: અન્નાનું આંદોલન મુસ્લિમ વિરોધી છે, મંચ પરથી વંદે માતરમ બોલાય છે.
દલિત નેતાઓ: અન્ના મનુવાદી છે, બ્રાહ્મણવાદી છે, દલિત વિરોધી છે.
અને આંદોલન સમેટી રાજકારણમાં આવવાના નિર્ણય પછી,
૨૦૧૪ માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છતા લોકો:
અન્ના ગેંગ કૉંગ્રેસની દલાલ છે, ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કૉંગ્રેસ સાથે હાથ મિલાવીને આ કાવતરું કર્યું છે.
અન્નાના આંદોલનની આ પણ એક ફલશ્રુતિ છે, એકબીજાના કટ્ટર વિરોધીઓ પણ એક સૂર માં બોલે છે!

Wednesday, July 25, 2012

આ પણ એક જાતનું સુપારી કિલીંગ છે!


            ગળથૂથી
 સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યાબન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી એ જોતાં તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ!


            આજથી આઠ દસ વર્ષ પહેલાં મુંબઈ જતી વખતે સુરતથી ટ્રેન પસાર થતી ત્યારે એક  ક્લિનિક ના બોર્ડ ઠેકઠેકાણે જોવા મળતાં જેમાં બહુ સ્પષ્ટ રીતે લખેલું હતું કે ગર્ભપાત કાયદેસર છે અને સાથે સાથે ગર્ભપાતનો ભાવ પણ લખેલો  જોવા મળતો. આ  ક્લિનિકનાં આવી જાહેરાતનાં પાટિયાં ટ્રેનની અંદર ને રેલવે પ્લેટફૉર્મ પર પણ જોવા મળતાં અને અન્ય શહેરોમાં પણ બ્રાન્ચ હતી, આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું અને કાયદેસર રીતે આખા દેશમાં આ આવાં બીજાં કતલખાનાંઓ દ્વારા કરોડો નહીં જન્મેલાં શિશુઓને માત્ર એમની જાતી નારી હોવાના કારણે આ ધરતી પર પહેલો શ્વાસ લેવાનો પણ હક્ક ના મળ્યો. એ પછી ૧૯૯૪માં સરકાર અચાનક સફાળી જાગી અને PDNT Act (THE PRE-NATAL DIAGNOSTIC TECHNIQUES Act 1994) અસ્તિત્વમાં આવ્યો અને ભૃણના જાતી પરીક્ષણ પર કાયદેસર રીતે પ્રતિબંધ લાગી ગયો.
              તો શું ખરેખર ત્યારથી કન્યાભૃણનું નિકંદન નીકળવાનું બંધ થઈ ગયું? અતિ ભ્રષ્ટ અને લોકોની લાશોમાંથી પણ પૈસા પેદા કરી લેવાની વૃત્તિ ધરાવતા રાજકારણીઓ અને અધિકારીઓ તથા કોઇ પણ સારા કાયદામાં થી છીંડા શોધીને પોતાનો ટૂંકા ગાળાનો સ્વાર્થ સાધવા માટે થઈને એની બૂરી વલે કઈ રીતે કરવી એવી માનસિકતા ધરાવતા નાગરિકોના આ દેશમાં શક્ય છે? આ કાયદાની એજ હાલત થઈ જે અત્યારે ગુજરાતમાં દારૂબંધીની છે! ગમે ત્યારે માગો એટલે શરાબ મળી જાય છે, બસ માત્ર તમારી તૈયારી પાંચથી દસગણી કિંમત ચૂકવવાની હોય! પહેલાં જે કામ સાતસોથી હજારમાં થતું હતું એના અત્યારે પાંચથી પચ્ચીસ હજાર ચૂકવવા પડે છે, જે કામ પહેલાં છડેચોક પાટિયા મારી જાહેરાત કરીને થતું હતું એ હવે છાના ખૂણે થાય છે, બસ એટલું જ! માત્ર કાયદો બનાવી નાખવાથી હેતુ સિદ્ધ થતો નથી, કાયદાનો યોગ્ય રીતે અમલથાય એ જોવાની ઇચ્છા શક્તિ પણ હોવી જરૂરી છે અને એ ઉપરાંત જરૂર છે સમાજવ્યવસ્થાને બદલાવવા માટે થઈને કુરિવાજોને દૂર કરવાની અને જાગૃતિ લાવવાની.

             જો કે આ દૂષણનાં મૂળ અને એની પાછળનાં કારણો સદીઓ જૂનાં છે, બસ ફરક એટલે છે કે આજે એની પાછળનાં કારણો એનાં એજ છે પરંતુ સમયની સાથે આ દૂષણનું આધુનિકીકરણ થયું છે. પહેલાના જમાનામાં દીકરી જન્મે એટલે તુરતજ એને દૂધના મોટા તપેલાંમાં ડુબાડીને મારી નાખવામાં આવતી અને આ જઘન્ય કૃત્યને માટે સરસ મજાનું નામ આપવામાં આવેલું દીકરીને દૂધ પીતી કરી દેવી’! માત્ર ભારતમાં જ નહીં પરંતુ એક સમયે આરબો પણ પુત્રીના જન્મને પોતાની બેઇજ્જતી માનતા અને દીકરા જન્મતાંની સાથે જ એને જીવતી દફન કરી દેતા. મેડિકલ સાયન્સના વિકાસની સાથે અલ્ટ્રાસોનોગ્રાફીની શોધ થઇ ત્યારે એના શોધક ને ખબર નહીં હોય કે માતાના ગર્ભમાં શિશુનું સ્વાસ્થ જાણવાના તથા પુખ્ત લોકોની બિમારીઓમાં નિદાનમાં સહાયરૂપ થાય એવા સારા હેતુથી શોધાયેલું આ સાધન ભવિષ્યમાં કરોડો હત્યાનું નિમિત્ત બનવાનું છે! એમ તો આલ્ફ્રેડ નોબેલને પણ ક્યાં ખબર હતી કે ખોદકામમાં સરળતા કરી આપવા માટે એણે શોધેલી ડાયનેમાઇટનો ઉપયોગ કરીને ભવિષ્યમાં માણસ બૉમ્બ બનાવવાનો છે! પણ આતો માણસજાત છે, એ તો હળને પણ હથિયાર બનાવી શકે છે!


             દીકરીને જન્મ્યા પહેલાં જ માંના ગર્ભમાં દમ તોડી દેવો પડે છે એની પાછળ સૌથી વધારે જવાબદાર છે દહેજનો રાક્ષસ. જે સમાજમાં દીકરીના લગ્ન માટે જિંદગીભરના ઉતરે એટલું કરજ કરીને દહેજ ચૂકવવું પડતું હોય અથવા રીતરિવાજના કારણે જંગી ખર્ચ કરવો પડતો હોય અને પહોંચ ના હોય ત્યારે સ્વાભાવિક છે કે મા-બાપ દીકરીને બોજ માનીને એનો જનમવાનો અધિકાર છીનવે છે. વળી, હિન્દુધર્મમાં ભલે કહ્યું હોય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમંતે સ્તત્રેવ દેવતાપણ સાથે સાથે શાસ્ત્રોએ એ પણ કહ્યું છે કે જે પું નામના નર્કમાંથી તારે તે પુત્ર’ (પછી ભલે એ પુત્ર મા-બાપને જીવતાં નર્કનો અનુભવ કરાવે!) એટલે અગ્નિદાહ દેવા માટે અને પિંડદાન કરવા માટે પુત્ર તો જોઇએ જ! અને મોટા ભાગે તો સાસુજીઓનો જ આવો દુરાગ્રહ હોય છે. વળી, આજે ડગલે ને પગલે છેડતી અને બળાત્કાર જેવા સ્ત્રી વિરોધી અપરાધ થાય છે ત્યારે માતા-પિતા પોતાની દીકરીને લઈને સતત અસુરક્ષાનો અનુભવ કરે એ સ્વાભાવિક છે, આમ એક રીતે જોવા જઈએ તો સ્ત્રીભૃણ હત્યા એ પોતે સમસ્યા નથી પરંતુ એવાં અનેક દૂષણનું પરિણામ છે જે એક વિષચક્રની માફક એકબીજાની સાથે જોડાયેલાં છે એટલે જો કન્યાભૃણ હત્યાનો અંત લાવવો હશે તો હશે તો માત્ર કાયદો બનાવ્યાથી કામ નહીં ચાલે પરંતુ આ કારણોના વિષચક્રને તોડવું પડશે, સામાજિક જાગૃતિ લાવવી પડશે.

            સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે સમાજ શિક્ષિત હોય એ કુરિવાજોથી દૂર હોય અને સામાજિક રીતે જાગૃત હોય, પરંતુ અહીં એનાથી ઊલટું છે. આંકડાઓ સાબિત કરે છે કે જે લોકો ઓછા ભણેલા છે અથવા આપણે જેને પછાત ગણીએ છીએ એ લોકો કરતાં કહેવાતા ભણેલા ગણેલા અને સમાજમાં આગળ પડતા લોકો પોતાની દીકરીની હત્યા કરવામાં પણ ઘણા આગળ છે! માખી, વંદા કે મચ્છરને મારવામાં પણ જે લોકોને ધર્મ આડો આવે છે એ લોકોને પણ પોતાનું જ સંતાન જો દિકરી હોય તો માં ના ગર્ભમાં જ મારી નાખવામાં કોઇ અધર્મ નથી લાગતો! અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે Cannibal, આનો અર્થ એવો છે કે જે પોતાની જ જાતિનો શિકાર કરે છે એવું પ્રાણી. અલબત્ત, Cannibalism એટલે કે આ પ્રકારની વૃત્તિ સામાન્ય રીતે માંસાહારી પ્રાણીઓમાં પણ જવલ્લેજ જોવા મળે છે, જ્યારે માણસજાત તો ધર્મ, દેશ કે પછી સંપત્તિ કે એવા કોઇને કોઇ બહાના હેઠળ આ  Cannibalism આચરતી રહે છે અને એમાંયે પોતાનું જ સંતાન પોતાની ઇચ્છિત જાતિનું ન હોય એટલે એને મારી નાખવું એવું કેનિબાલીઝમ તો માણસ સિવાય કોઇ જાનવરમાં નથી, છતાં માણસ કોઇને ઉતારી પાડવા માટે ગાળ તરીકે જાનવરશબ્દનો ઉપયોગ કરે છે! આ ચોપગાં જો એકબીજાની સાથે પોતાની ભાષામાં કૉમ્યુનિકેશન કરી શકતાં હશે તો ચોક્કસપણે એમની ડિક્શનેરીમાં માણસશબ્દ બહુ ભૂંડાબોલી ગાળ તરીકે વપરાતો હશે!

             સુપારી કિલીંગ એટલે અમુક ચોક્કસ રકમમાં કોઇની હત્યાનો કોંટ્રેક્ટ લેવો. એક ગુંડો જે રીતે પૈસા માટે કોઇની હત્યા કરે છે એ રીતે એક ડૉક્ટર પણ પૈસા માટે એક શિશુને માતાના ગર્ભમાં મારવા તૈયાર થઈ જાય છે અને અહીં એ ન જન્મેલા નિર્દોષ શિશુની સોપારી આપનાર ખુદ એનાં જ મા-બાપ છે એ જોતાં સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યા, બન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી, તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ નવા કોઇ કાયદાની જરૂરજ ક્યાં છે? શું કહો છો?

*  *  *
            
             અંતમાં એક મિત્રના ઇમેઇલ દ્વારા મળેલી એક સુંદર અને સંવેદનશીલ વાત, જે આમ તો
એનાં કારણોને લઈને મૂળ મુદ્દા કરતાં જુદી પડે છે છતાં ભાવનાત્મક રીતે જોડાણ છે એટલે અહીં વહેંચવાની લાલચ રોકી શકાતી નથી....

             -એક ચિંતાતુર સન્નારી પોતાની કાખમાં એક વર્ષના બાળકને તેડીને એ ગાયનેકોલોજીસ્ટની ચેમ્બરમાં દાખલ થઈ અને ડૉક્ટરને કહ્યું, ”ડૉક્ટર સાહેબ, હું બહુજ ગંભીર સમસ્યામાં ફસાઈ ગઈ છું અને એમાંથી તમે જ મને બચાવી શકો એમ છો પ્લીઝ...

             “હાં, બોલો બહેન, હું શું મદદ કરી શકું?” ડૉક્ટરે બહુ જ સૌજન્યપૂર્ણ નજર માંડીને કહ્યું.

             “સાહેબ, મારી આ દિકરી હજુ તો એક વર્ષની જ છે ત્યાં હું ફરીથી ગર્ભવતી થઈ છું, અને હું નોકરી કરૂં છું. નોકરીની સાથે આ બે નાના બાળકોની સંભાળ લેવાનું મારા માટે શક્ય નથી એટલે મારે ગર્ભપાત કરાવી નાખવો છે.

             ડૉકટરે આ સાંભળી કંઈક વિચારી એક ઊંડો શ્વાસ લેતાં કારુણ્યભરી દૃષ્ટિ નાખીને કહ્યું, “ ઓકે બહેન, તારી વાત સાચી છે, તારી સમસ્યા ઘણી ગંભીર છે હું સમજી શકું છું, અને એટલે જ મેં તારા માટે એક એવો ઉપાય વિચાર્યો છે જેમાં તારે બે બાળકોની સંભાળ ના લેવી પડે અને સાથે સાથે ગર્ભપાતની પીડા પણ ન વેઠવી પડે!

             “ઓહ ડૉક્ટર..! ખરેખર? હું આપની બહુજ આભારી થઈશ, મને જલદીથી બતાવો!

             “જો બહેન તારી સમસ્યા એ છે કે તું બે બાળકોને સંભાળી શકે એમ નથી..બરાબર? તો આપણે એવું કરીએ કે આ તેં કાખમાં તેડેલી એક વર્ષની દીકરી છે એને ઝેરનું ઇંજેક્શન આપી મારી નાખીએ, એટલે તારે ગર્ભપાતની પીડા પણ વેઠવી નહીં અને તારો પ્રૉબ્લેમ સોલ્વ!

             પેલી સ્ત્રી, એક ક્ષણ માટે સન્ન થઈ ગઈ અને પછી ગુસ્સાથી ફાટી પડી, “તમે આ કેવી બેવકૂફ જેવી વાત કરો છો ડૉક્ટર! મારાં બાળકની હત્યા કરવાની વાત કરો છો? તમે આવું ભયાનક વિચારી પણ કેવી રીતે શકો?” એ બાઇ ગુસ્સાથી ધ્રૂજતાં બોલી.

             ડૉક્ટરે એકદમ શાંતિથી કહ્યું, “સાચી વાત છે બહેન, હું પણ એજ કહું છું જે તું કહે છે!

             પેલી સ્ત્રીને ડૉક્ટરનો કહેવાનો મતલબ સમજાયો અને પસ્તાવાથી રડતી એ ડૉક્ટરને પગે લાગી, “મને માફ કરી દો સાહેબ..!એમ બોલી એ ચેમ્બર છોડી પોતાની કાખમાં તેડેલી દીકરીને માથે હાથ ફેરવતી નીકળી ગઈ...

*  *  *
            
             આ તો એક કાલ્પનિક વાત છે એટલે એમાં આવો અંત આવે, બાકી વાસ્તવમાં તો એવું હોય કે ગુસ્સાથી ચિડાઈ, એ ડૉક્ટર સામે એક નફરતભરી નજર નાખી ચેમ્બરમાંથી બહાર નીકળી એ બાઇએ બીજા ડૉક્ટરના  ક્લિનિક તરફ પોતાની કાર દોડાવી મૂકી!

ગંગાજળ:

"કહેવાતો સુધરેલો સમાજ જે રીતે અને જે પ્રમાણમાં માતાની કૂખને જ કન્યાભૃણનું કબ્રસ્તાન બનાવી રહ્યો છે એ જોતાં લાગે છે કે મહાભારતનો યુગ બહુ દૂર નથી!