Wednesday, October 17, 2012

મેઘાણીની ચારણ કન્યાનો પાકિસ્તાની અવતાર: મલાલા યૂસુફઝઈ




ગળથૂથી
જંગલી શબ્દનો ગાળ તરીકે ઉપયોગ, એ માણસજાતની હલકાઇમાંથી ઉદ્‌ભવેલો છે બાકી જંગલી પશુ દ્વારા કરાતી હિંસા એ માત્ર એક ટંકના ભોજન માટે હોય છે, કુદરતના નિયમ મુજબ હોય છે, ધર્મના નામે નહીં! બર્બરતા એ તો માત્ર માણસજાતનો ઈજારો છે.

શનિવાર, જાન્યુઆરી.
             ગઈકાલે રાત્રે મને મિલીટરી હેલિકોપ્ટર અને તાલિબાનનું બહુજ ડરામણું સપનું આવ્યું. જ્યારથી સ્વાતઘાટીમાં મિલીટરી ઓપરેશન શરૂ થયું છે ત્યારથી આવાં દુ:સ્વપ્નો રોજીંદી ઘટના છે. મારી અમ્મીએ મને નાસ્તો કરાવ્યો અને પછી હું સ્કૂલે જવા નીકળી. મને સ્કૂલે જવામાં ડર લાગતો હતો કારણકે તાલિબાને છોકરીઓને સ્કૂલે જવા ઉપર પ્રતિબંધ જાહેર કરતો ફતવો જારી કર્યો હતો. ફતવાની અસરથી આજે સ્કૂલમાં ૨૭માંથી માત્ર ૧૧ સ્ટુડન્ટ્સ આવી હતી. મારી ત્રણ બહેનપણીઓ ફતવા પછી પેશાવર, લાહોર અને રાવલપીંડી એનાં સગાં ને ત્યાં જતી રહી છે. મારા સ્કૂલ જવાના રસ્તા પર એક માણસનો મને ધમકીભર્યો અવાજ સંભળાય છે કેહુ તને મારી નાખીશ!” હું ચાલવાની ઝડપ વધારું છું અને પાછળ નજર કરૂં છું તો માણસ હજુ મારી પાછળ આવતો દેખાય છે.

રવિવાર, જાન્યુઆરી.
             આજે રજાનો દિવસ હોઇ, હું મોડી ૧૦ વાગ્યાની આસપાસ જાગી છું. પથારીમાં પડ્યાં પડ્યા  હું મારા અબ્બુને કોઇને કહેતા સાંભળું છું કે ત્યાં ગ્રીનચોક ક્રોસીંગ પાસે વધુ ત્રણ મૃતદેહ પડેલા છે. મિલીટરીએ ઓપરેશન ચાલુ કર્યું પહેલાં અમે લોકો દર રવિવારે પિકનીક પર જતા પણ હવે છેલ્લા દોઢ વર્ષથી શક્ય નહોતું બન્યું. સામાન્ય રીતે અમે સાંજના ખાણાં પછી થોડું ચાલવા જતાં પણ હવે સૂર્યાસ્ત પહેલાં તો ઘરમાં ઘુસી જવું પડે છે. મેં ઘરનું કેટલુંક કામ અને લેસન પતાવ્યું ને પછી મારા ભાઈ સાથે રમવા લાગી પણ આવતી કાલે સ્કૂલે જવાના વિચારે મારું દિલ જોરથી ધડકતું હતું.

સોમવાર, જાન્યુઆરી.
             હું સ્કૂલે જવા માટે તૈયાર થઇ રહી હતી, યુનિફોર્મ પહેરવા જતી હતી ત્યાં યાદ આવ્યું કે પ્રિન્સીપાલે અમને હમણાં સ્કૂલયુનિફોર્મ પહેરવાની ના પાડી છે. એમના કહેવા મુજબ રોજીંદા પોષાકમાં સ્કૂલે આવવાનું હતું, એટલે મેં મારો મનપસંદ ગુલાબી ડ્રેસ પહેર્યો છે અને મારી બીજી બહેનપણીઓ પણ રંગબેરંગી પોષાકમાં છે એટલે સ્કૂલ, સ્કૂલ ઓછી અને ઘર જેવી વધારે લાગે છે!
             મારી બહેનપણી મને પુછ્યું, “ખુદાને વાસ્તે, સાચે સાચું કહે, શું ખરેખર તાલિબાન આપણી સ્કૂલ પર હુમલો કરશે?” હજુ આજે સવારની એલેમ્બ્લીમાંજ અમને કહેવામાં આવ્યું હતું કે અમારે રંગબેરંગી કપડાં પણ પહેરવાં, કેમકે તાલિબાનને પસંદ નથી!
             સ્કૂલેથી આવ્યા પછી બપોરના ભોજન પછી મારે ટ્યૂશન હતું. ટ્યૂશનમાંથી પાછા ઘરે આવી મેં ટીવી ચાલું કર્યું તો જાણવા મળ્યું કે શાકાર્દ્રામાંથી ૧૫ દિવસ પછી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે, સાંભળી મને બહુજ ખુશી થઈ કારણ કે ઇલાકામાં રહેતાં અમારાં અંગ્રેજીનાં મેડમ હવે સ્કૂલે આવી શકશે!

બુધવાર, જાન્યુઆરી.
             હું મોહર્રમની રજાઓમાં બુનૈર આવી છું. મને અહીંના પહાડો અને લીલાંછમ ખેતરો બહુજ ગમે છે. મારી સ્વાત ઘાટી પણ બહુજ સુંદર છે પણ ત્યાં શાંતિ નથી, જ્યારે અહીં શાંતિ અને અમન છે, ક્યાંથી ગોળીઓના અવાજ નથી સંભળાતા, અમે બધા અહીં ખુબ ખુશ છીએ. આજે અમે પીરબાબાની મઝાર આવ્યા છીએ, બીજા પણ ઘણા લોકો આવ્યા છે લોકો દુઆ માટે આવ્યા છે પણ અમે તો ફરવા આવ્યા છીએ. આસપાસની દુકાનોમાં રંગબેરંગી ચૂડીઓ, કાનની વાળે વગેરે નકલી ઘરેણાં વેચાય છે પણ મને એમાંથી ખાસ કાંઈ ગમ્યું નહીં. અમ્મી કાનની બુટ્ટી અને ચૂડીઓ ખરીદી.

બુધવાર, ૧૪ જાન્યુઆરી.
             આજે સ્કૂલ જતી વખતે મારો મૂડ જરાયે ઠીક નથી કારણકે આવતી કાલથી શિયાળાનું વેકેશન શરૂ થાય છે. પ્રિન્સીપાલે રજાઓ શરૂ થવાની જાહેરાત તો કરી દીધી છે પણ ફરી વેકેશન ક્યારે ખૂલશે નથી કહ્યું, આવું પહેલીવાર થયું છે, દરવખતે વેકેશન શરૂ થવાના સમયેજ સ્કૂલ ખૂલવાની તારીખ પણ કહેવામાં આવતી. અલબત્ત, પ્રિન્સીપાલે તારીખ બતાવવાનું કારણ નથી કહ્યું પણ મને લાગે છે કે ૧૫મી થી તાલિબાને છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદ્યો છે એજ કારણ હશે, વખતે છોકરીઓમાં રજાઓને લઈને કોઇ ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે જાણે છે કે જો તાલિબાનનું ફરમાન લાગુ થઈ ગયું તો પછી ક્યારેય સ્કૂલે નહીં જઈ શકે. મને ભરોસો છે કે એક દિવસ સ્કૂલ પાછી ખૂલશે છતાં ઘરે જતાં હું સ્કૂલ ને રીતે જોઈ રહી હતી કે કદાચ હવે હું અહીં ક્યારેય નહીં આવી શકું!

ગુરૂવાર, ૧૫ જાન્યુઆરી.
             રાત આખી તોપની ધણધણાટી સંભળાતી રહી એટલે રાત્રે ત્રણ વખત મારી ઉંઘ ઊડી ગઈ. પણ સ્કૂલે નહોતું જવાનું એટલે સવારે મોડી દસ વાગ્યે ઉઠી. મારી એક સહેલી આવી અમે ગૃહકાર્યની ચર્ચા કરી. આજે ૧૫મી જાન્યુઆરી છે, આવતી કાલથી તાલિબાનનું ફરમાન લાગુ થવાનું છે પણ મેં અને મારી બહેનપણીએ સ્કૂલના હોમવર્કની રીતે વાત કરી જાણે કશું અસામાન્ય બન્યું નથી!
             આજે છાપાંમાં મેં બીબીસી ઉર્દુમાટે મારી લખેલી ડાયરી વાંચી. મારી અમ્મીને મારું ઉપનામગુલ મકઈબહુ ગમ્યું, અને એણે મારા પિતાને કહ્યું કે આપણે આનું નામ બદલીનેગુલ મકઈરાખી દઈએ તો?” મને પણ સારું લાગ્યું કેમકે મારા અસલી નામનો અર્થ છેશોકાતુર વ્યક્તિ’!
             મારા પિતાએ કહ્યું કે થોડા દિવસ પહેલાં કોઇ મારી પાસે ડાયરીનાં છપાયેલાં પાનાં લઈને આવ્યું હતું અને વખાણ કર્યાં કે બહુ સરસ લખ્યું છે, મારા પિતાએ કહ્યું કે ત્યારે મારી મારે માત્ર સ્મિત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો, હું એમ પણ નહોતો કહી શકું એમ કે ડાયરી તો મારી લાડલી દીકરીની લખેલી છે!
_______________
             આજે દુનિયાભરમાં કોમ,નાત,જાત અને મઝહબના ભેદભાવ ભૂલી જેની જીંદગીની દુઆઓ માગવામાં આવી રહી છે મલાલા યૂસુફઝઈની ડાયરીના અંશો છે.
             ડાયરીના અંશો છે જેણે તાલિબાન જેવા ખતરનાક અને અતિ ક્રૂર સંગઠનને ધ્રૂજાવી દીધું અને પાકિસ્તાનની સ્વાતઘાટીમાં તાલિબાન ના જુલ્મો તળે જનજીવન કેવું હતું પહેલીવાર દુનિયા સામે આવ્યું. ડાયરી ૨૦૦૯માં બી.બી.સી. ઉર્દુ માટે લખાઈ ત્યારેગુલ મકઈના ઉપનામથી લખનાર મલાલા યૂસુફઝઈની ઉંમર હતી માત્ર ૧૧ વર્ષ! જે ઉંમરે છોકરીઓને ભણવા સિવાયના સમયમાં કાંતો ઘરકામ શીખવાનું હોય છે ને કાં બહેનપણીઓની સાથે ઢીંગલા-ઢીંગલીને પરણાવવામાં વધારે રસ હોય છે ઉંમરે, આવી પડેલી પરિસ્થિતીએ મલાલાને વહેલી પરિપકવ બનાવી દીધી અને છોકરીઓને ભણવા સામેના તાલિબાનના પ્રતિબંધ સામે નિડર કન્યાએ લડવાનું નક્કી કર્યું, ડાયરી લખીને. ૧૪ વર્ષની પરાણે વહાલી લાગે એવી માસૂમ વિરાંગના મલાલા યૂસુફઝઈ ગઈ તારીખ નવમી ઓક્ટોબરે સ્કૂલેથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક શખ્સોએ બસ રોકી ને મલાલાને ગોળી મારી દીધી છે! જંગલી શબ્દનો ગાળ તરીકે ઉપયોગ, એ માણસજાતની હલકાઇમાંથી ઉદ્‌ભવેલો છે બાકી જંગલી પશુ દ્વારા કરાતી હિંસા એ માત્ર એક ટંકના ભોજન માટે હોય છે, કુદરતના નિયમ મુજબ હોય છે, ધર્મના નામે નહીં! બર્બરતા એ તો માત્ર માણસજાતનો ઈજારો છે.

             અલબત્ત, ભારત અને પાકિસ્તાન બન્ને આતંકવાદથી ગ્રસ્ત છે, ભારત એની મૂર્ખામી ભરેલી વૉટબેંકની રાજનીતિને કારણે અને પાકિસ્તાન એના પોતાનાજ પાપે! ઈતિહાસ સાક્ષી છે કે આતંકવાદ એક એવો ભસ્માસૂર છે કે જે છેવટે તો એના આકાને પણ નથી બક્ષતો, ઓસામા-બિન-લાદેન, જર્નાઇલસિંગ ભીંદરાણવાલે અને વેલ્લુપિલ્લઈ પ્રભાકરન એનાં સચોટ ઉદાહરણો છે. એમાંયે તાલિબાન તો એના ચિત્ર વિચિત્ર ફતવાઓ, બર્બરતા અને કટ્ટરતાને કારણે એટલું બદનામ છે કે તાલિબાન શબ્દ સામાન્ય વાતચીતમાં પણ કટ્ટરતાના પર્યાય તરીકે વપરાવા લાગ્યો છે! હજુ  ઓગષ્ટ મહિનાનીજ વાત છે, તાલિબાનોએ અફગાનિસ્તાનમાં ૧૫ પુરૂષો અને સ્ત્રીઓનાં માથાં વાઢી નાખ્યાં એમનો ગુનો માત્ર એટલો હતો કે લોકો કોઇ નાચગાન ના કાર્યક્રમમાં ભાગ લેતા હતા! (ધર્માંધ લોકોને હમેશાં લોકોના આનંદ સામે કેમ વાંધો પડતો હશે? પ્રશ્ન આપણા દેશના હિન્દુ તાલિબાનો માટે પણ એટલોજ પ્રસ્તુત છે!) હદ તો ત્યારે થઈ ગઈ કે પાકિસ્તાનનાં વજીરીસ્તાન અને કબાઇલી ઇલાકાઓમાં પોલિયોનાં રસીકરણ ઉપર તાલિબાને પ્રતિબંધ લાદી અને લગભગ અઢીલાખ જેટલાં બાળકોને પોલિયોની રસીથી વંચિત રાખી દીધાં!

             સ્વાતઘાટીમાં તાલિબાનોએ કહેર વર્તાવવો શરૂ કર્યો પહેલાં મલાલાની જીંદગી એક આમ છોકરીને જીંદગી જેવી સામાન્ય હતી. ભણવું, ઘરકામ કરવું અને રમવું. પણ તલિબાને ફતવો બહાર પાડી છોકરીઓને ભણવા પર પ્રતિબંધ લાદી દીધો, સ્વાતઘાટીની લગભગ ૪૦૦ જેટલી સ્કૂલો બંધ થઈ ગઈ, જેમાંથી મોટાભાગનીને તો તાલિબાને બોમ્બથી ઉડાવી દીધી. ઘણી ખરી છોકરીઓ જે ભણવા માગતી હતી તે સુદૂર વિસ્તારોમાં સગાવહાલાઓને ત્યાં જતી રહી અથવા એનાં મા-બાપે મોકલી આપી. અહીં જીંદગી સતત ખૌફમાં હતી, ગમે ત્યારે અપહરણ થઈ જાય અથવા ચહેરા પર એસીડ ફેંકાય. (ને પણ ઈસ્લામ અને અલ્લાહના નામે!) મલાલાને ઘટનાઓએ હચમચાવી મૂકી અને એણે ચૂપચાપ બેસી રહેવાને બદલે લડવાનું નક્કી કર્યું. એણે ડાયરી લખવાનું ચાલુ કર્યું, ’ગુલ મકઈના ઉપનામથી લખેલી એની ડાયરી બી.બી.સી. ઉર્દુ મારફત દુનિયાની સામે આવી અને દુનિયાને ખબર પડી કે સ્વાતઘાટીમાં લોકોની ખાસ કરીને છોકરીઓની જીંદગી કેટલી કઠીન છે!

             ’ગુલ મકઈની ડાયરી મારફત તાલિબાનની સચ્ચાઇ દુનિયાની સામે આવતી રહી અને તાલિબાન માટેગુલ મકઈસૌથી મોટી દુશ્મન બની ગઈ. છેવટે એક લાંબા સમયગાળા પછી સેનાએ સ્વાતઘાટીમાંથી તાલિબાનને મારી હઠાવ્યા અનેગુલ મકઈમલાલા યૂસુફઝઈ તરીકે દુનિયાની સામે આવી અને ખુલ્લેઆમ, સમારંભોમાં અને પત્રકાર પરિષદોમાં બોલવાનું ચાલુ કર્યું. કહેવાય છે કે આ પહેલાં એને ત્રણ વાર તાલિબાનની ધમકી મળી ચૂકી હતી, પણ આ વિરાંગનાનું રૂવાંડુયે ના ફરક્યું ને એણે પોતાનું મિશન ચાલુ રાખ્યું. મલાલાના પરિવારને સરકાર તરફથી કોઇ સુરક્ષા આપવામાં નહોતી આવી કારણકે કોઇએ એવું નહોતું ધાર્યું કે તાલિબાન એક ૧૪ વર્ષની માસૂમ ને મારવાની હદ સુધી જઈ શકે છે. આપણા દેશમાં જ્યારે કોઇ આતંકવાદી હુમલો થાય છે ત્યારે રાજકારણીઓ દરવખતે એજ જૂની પુરાણી ને ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડે છે કે આ કાયરતાપૂર્ણ કૃત્ય છે પણ અહીં આ એક ચૌદ વરસની માસૂમ પર એને મારી નાખવાના હેતુથી હુમલો કરવામાં આવે એજ બતાવે છે કે તાલિબાન એનાથી કેટલા ડરી ગયા હશે! આ તો સાચા અર્થમાં કાયરોનું જ કામ છે.

             દરમિયાનમાં ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના માનવ અધિકારવાદી સામાજીક કાર્યકર્તા અન્સાર બર્નીએ ભારતના લોકોને અપીલ કરી છે કે “એ સાચું કે આપણે બે મુલ્કમાં વહેંચાઇ ગયા છીએ, પરંતુ આપણા વિચારો અને આપણી સમજ એક છે. આ હુમલો મલાલા પર નથી થયો પણ હિન્દુસ્તાન અને પાકિસ્તાનની એક બેટી પર થયો છે. એટલે હું મારા હિન્દુસ્તાની ભાઇઓને અપીલ કરૂં છું કે કટ્ટરપંથીઓ સામે આપણે એક થઈએ અને ગોડ, ભગવાન અને વાહેગુરૂ પાસે આપણી આ બચ્ચીની ખૈરિયત માટે દુઆ કરીએ!” યાદ રહે આ એજ અન્સાર બર્ની છે જે પાકિસ્તાનની જેલમાં રહેલા સરબજીતસિંગની મુક્તિ માટે એક લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે.

             મલાલા પરના આ હુમલાની એ જબરદસ્ત અસર એ થઈ એ કે આખું પાકિસ્તાન એક થઈને એની નિંદા કરે છે, જેમાં તાલિબાનના સમર્થક ને શરિયત મુજબ જ દેશ ચલાવવાની હિમાયત કરનારા કટ્ટરપંથી મુલ્લાઓ પણ આવી જાય છે. ભારતીય કાશ્મિરના અલગતાવાદી નેતા સૈયદ અલીશાહ ગિલાની એ તો એટલે સુધી કહ્યું કે “અલબત્ત, વિદેશી શક્તિઓ સામેની તાલિબાનની લડાઈનું અમે સમર્થન કરી છીએ પરંતુ એનો અર્થ એ નથી કે એ લોકો ઈસ્લામના નામે જે કાંઇ કરે એ બધું ચલાવી લેવું, પાકિસ્તાની તાલિબાન નિર્દોષ લોકો પર હુમલા કરીને ઇસ્લામને બદનામ કરે છે.” આમ દુનિયામાં ઠેકઠેકાણે મલાલા પરના હુમલાની નિંદા થઈ રહી છે અને એની સલામતી માટે દુઆઓ થઈ રહી છે ત્યારે, ભારતમાં સોરાબુદ્દીન, ઈશરતજહાં અને અફઝલ ગુરૂ જેવાના માનવહક્કોની ચિંતામાં જેની  નીંદર હરામ થઈ જાય છે, જેને ખાવાનો કોળિયો ગળે નથી ઉતરતો ને જેમનાથી વારંવાર એને યાદ કરીને હિબકે ચડી જવાય છે એવું સેક્યૂલર નામનું પ્રાણી સાવ ચૂપ છે એ નવાઈ નથી લાગતી?

            ધરપતની વાત એ છે કે આ લખાય છે ત્યારે સમાચાર આવે છેકે મલાલા યૂસુફઝઈની તબિયત હવે સુધારા ઉપર છે અને એને વધુ સારવાર માટે ખાસ એર એમ્બ્યુલન્સમાં બ્રિટન લઈ જવામાં આવેલ છે. કાનૂનનું શિક્ષણ લઈને રાજનીતિમાં આવવા માગતી મલાલાએ એક એવા દેશનું સપનું જોયું છે જેમાં શિક્ષણ જ સર્વોપરી હોય!
             આપણે બધા સાથે મળીને કહીએ, ’આમીન...’

          ગંગાજળ
             પાકિસ્તાનમાં શરિયતનું શાસન ઈચ્છતા અને કટ્ટરવાદી કહેવાય એવાં ૫૦ જેટલાં ધાર્મિક સંગઠનોએ મલાલા ઉપર જાનલેવા હુમલો કરનાર ગનમેન સામે ફતવો જારી કર્યો છે! સમાન વિચારધારા વાળાં એક સંગઠન સામે બીજાં કટ્ટરવાદી સંગઠનોનો ફતવો એટલે ’રેરેસ્ટ ઓફ ધ રેર’ ઘટના!

             

Tuesday, October 09, 2012

અંધેરી કોઠરીમેં રોશનદાન: લોકનાયક જયપ્રકાશ નારાયણ


ગળથૂથી
अब तो इस तालब का पानी बदल दो,
ये  कँवल  के  फूल  कुम्हलाने लगे  हैं.
-दुष्यंत कुमार


એક મહા ભયંકર રાક્ષસ હતો, જેણે પ્રજા પર એટલો ત્રાસ વર્તાવી દીધો હતો કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. રાક્ષસનો આત્મા સાત સમુંદર પાર એક મહેલમાં સોનાના પાંજરામાં રહેલા પોપટમાં હતો. તેથી રાક્ષસને વારંવાર મારવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. જ્યારે રાજાએ આ પોપટની ગરદન મરડીને તેને મોતને ઘાટ ઉતાયો ત્યારે જ રાક્ષસ હણાયો હતોઆવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી અને પછી ભૂલાઇ પણ ગઈ હતી, પણ એક વરસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાપીની એક સભામાં આ વાર્તા યાદ કરાવી, સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના સંદર્ભે. એ પછી લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવતા કેશુબાપા રાબેતા મુજબ, ચૂંટણીના એંધાણ દેખાતાં પટમાં આવ્યા અને સભાઓમાં આ વાર્તા કહેવાની શરૂ કરી નરેન્દ્ર મોદીના સંદર્ભે! સાચાં ખોટાંની ચર્ચા અર્થહીન છે પણ એટલું નક્કી છે કે જનતા માટે વગર પૈસાનો તમાશો છે!

        આપની અહીં રાક્ષસ અને પોપટનાં ઉદાહરણ નથી લેવાં, એને બાજુ પર રાખીને જો વાત કરીએ તો પણ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ જોવા મળે છે એના પરથી લાગે છે કે આખી કૉંગ્રેસ પાર્ટીનો આત્મા એકજ પરિવારમાં વસે છે, એ પરિવારને નાનકડી પણ ચોટ પહોંચાડવાની કોશિશ થાય છે અને લગભગ સવાસો વર્ષ જૂનો હોવા છતાં આખેઆખો પક્ષ ખળભળી ઊઠે છે! જી હજૂરીનો ઇતિહાસ બહુ જૂનો અને રગોમાં પેસી ગયેલો છે, જેમાં ૧૯૭૦માં દેવકાન્ત બરૂઆએ ઇન્દીરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઇન્દીરાએવું વિધાન કરીને તમામ ચાપલુસોમાં આજે પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુપીએ સરકારની પહેલી ટર્મ વખતે સોનિયાજીને વડાપ્રધાન બનાવવા માટે એક નેતાજીએ હાથમાં પિસ્તોલ લઈ આત્મહત્યાનો તમાશો કરેલો એ પણ બહુ મનોરંજક હતો. હજુ થોડા સમય પહેલાં એક મહાશયે તો પોતાની રાજ્યપાલ તરીકે નિમણૂક થયા પછી આ પરિવારની શાનમાં પોતાની વફાદારીના કસીદા પઢેલા! આજકાલ, જમાઇરાજાને લઈને પક્ષમાં વફાદારી દેખાડવાની જે હોડ લાગી છે એ ઓછી મનોરંજક અને વધારે બેહૂદી લાગે છે. દેશના કાનૂન મંત્રી સલમાન ખુર્શીદ એમ કહે કે સોનિયાજી માટે જીવ આપવા પણ તૈયાર છું, એનાથી બેહૂદી બીજી વાત કઈ હોઈ શકે? આના જેવીજ બીજી એક અત્યંત બેહૂદગી ભરેલી હરકત કોંગ્રેસના પ્રવક્તા મોહન પ્રકાશે, બિહારની ચૂંટણી વખતે રાહુલની સરખામણી લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથે કરવાની કરેલી. શેરીના નાકે રહેલા ધૂળના ઢગલાની કોઇ હિમાલય સાથે સરખામણી કરે એના જેટલીજ આ વાત વાહિયાત છે એટલે એની તો કોઇ ચર્ચા જ ના હોય, પણ એ હિમાલય સમાન પ્રચંડ વ્યક્તિત્વ લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે આ લખાય છે ત્યારે પુણ્ય તિથિ છે અને ત્રણજ દિવસ પછી ૧૧મી ઓક્ટોબરે જન્મદિન છે તો એમના મહાસાગર સમાન સાર્વજનિક જીવનમાંથી બે-ચાર બુંદનું આચમન કરવાની કોશિશ કરીએ.

        આજથી ૧૧૦ વર્ષ પહેલાં બિહારમાં જન્મેલા જયપ્રકાશ પોતાની યુવાનીના દિવસોમાં કટ્ટર માર્ક્સવાદી હતા અને દેશની આઝાદી માટે શસ્ત્રો ઉઠાવવાનું જરૂરી સમજતા હતા. સુભાષબાબુની જેમજ દેશમાંથી ભાગી જઈને નેપાળમાં આઝાદ દસ્તાની સ્થાપના કરેલી પણ ઇતિહાસને બીજું જ કાંઈક મંજૂર હતું એટલે અંગ્રેજો ના હાથે પકડાઈ ગયા જેલમાં એમના પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યા પણ એ અત્યાચાર જે.પી.ના મનોબળને તોડી ન શક્યા.  પછી ગાંધી અને નહેરુના સંપર્કમાં આવતાં એમની વિચારધારા બદલાઇ અને અહિંસા તરફ ઢળ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને જયપ્રકાશજીને પણ સરકારમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું, પણ કોઇ જુદીજ માટીના બનેલા આ મહામાનવે દેશના પ્રથમ ગૃહમંત્રી થવાની ઓફર પણ ઠુકરાવી દીધી! ૧૯૫૪માં વિનોબાજીના સર્વોદય કાર્યક્રમ માટે જીવન સમર્પિત કરી દેવાની જાહેરાત કરી અને બિહારમાં સર્વોદય અને ભૂદાનમાં લાગી ગયા. એ દરમ્યાન ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ડાકુઓની સમશ્યા બહુ ઉગ્ર હતી, જયપ્રકાશજી એ વિનોબા સાથે મળીને ડાકુઓના આત્મસમર્પણ માટેના પ્રયત્નો કર્યા, પરિણામસ્વરૂપ માસ્ટર માધોસિંહ અને મોહરસિંહ જેવા ખૂંખાર ડાકુઓએ જે.પી.ના ચરણોમાં પોતાનાં હથિયાર નાખી દીધેલાં.

        એ પછી ધીમે ધીમે જે.પી.નું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને આ દરમ્યાન એમનાં પત્ની પ્રભાવતી દેવીનું પણ અવસાન થયું, પણ કથળેલું સ્વાસ્થ્ય જે.પી.ના જુસ્સાને કથળાવી શક્યું નહીં. પછી આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો એ માઇલસ્ટોન ચુકાદો જેમાં ઈન્દીરા ગાંધીએ ચૂંટાવા માટે ઘાલમેલ કરી હોવાનું પુરવાર થયું અને ૨૫મી જૂન ૧૯૭૪ ની એ કલંકિત તારીખ જે દિવસે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ને દેશના તમામ મોટા નેતાઓની માફક અત્યંત કથળેલા સ્વાસ્થ્ય વાળા જયપ્રકાશજીને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. (વિધિની વક્રતા એ છે કે જેમના સર્વોદય આંદોલન માટે જે.પી.એ જીવન સમર્પિત કરી દીધેલું એ એક સમયના સાથી વિનોબાએ આ કટોકટીને અનુશાસન પર્વકહીને ઇન્દીરાની ચાપલૂસી કરી!)  સ્વાભાવિક રીતે જ જેલમાં એમનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું અને સાત મહિના પછી જ્યારે બહાર આવ્યા ત્યારે એમની બન્ને કીડની લગભગ રજા લઈ લેવાની તૈયારીમાં હતી, પણ જુસ્સો હજુ અકબંધ હતો! બિહારમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે છાત્રો દ્વારા આંદોલનની ચિંગારી સળગી ઊઠી હતી અને પાંચ જૂન ૧૯૭૫ના રોજ પટણાના એ મેદાનમાં જ્યારે જે.પી.ના મોઢેથી પહેલીવાર સંપૂર્ણ ક્રાંતિશબ્દો ઉચ્ચારાયા ત્યારે સામે પાંચ લાખનો માનવ મહેરામણ ઘૂઘવતો હતો! (લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો એ આ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનની સાઈડ ઈફેક્ટ છે!)  જે.પી.એ એ પાંચ લાખની મેદની પાસેથી આંદોલન અહિંસક રહેવાનું વચન લીધું અને જનતાએ જે.પી. ને લોક નાયક નો ખિતાબ આપ્યો. જે.પી.ના માર્ગદર્શન હેઠળ પહેલી વાર ગુજરાતમાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી.

        સ્વાસ્થ્ય વધારેને વધારે બગડવામાં હતું છતાં દેશ પ્રત્યેની ફરજ ક્યાં આરામ કરવાની છૂટ આપે એમ હતી? ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ અને કહીં પે નિગાહેં કહીં પે નિશાના જેવા પક્ષોને ભેગા કરીને જનતા પાર્ટી નામનો શંભુ મેળો બનાવ્યો અને એને સત્તા પણ અપાવી, પણ સત્તામાં આવતાં જ કોઇ સમાન સિદ્ધાંત કે સમાન વિચારધારા વિનાના એ શંભુમેળામાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ જે જે.પી. માટે આ દેશના ભવિષ્ય માટે થઈને જોયેલ એક સ્વપ્ન ને તૂટતાં જોવા બરાબર હતું. જે વ્યક્તિ સત્તાથી હમેશાં દૂર ભાગતી રહી એના માટે સત્તાની આ બિભત્સ ખેંચતાણ જોવાનું અસહ્ય હતું. શરીરની સાથે હવે કદાચ મન પણ તૂટી ગયું હતું. બન્ને કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ ચૂકી હતી. જસલોકમાં ડાયાલિસીસ પર ટકેલ જીંદગી છેવટે ૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ હારી ગઈ! ભારતના આ અમર સપૂતે, બીજા લોકોની સેવામાં આખું જીવન સમર્પિત કરીને પોતાનાં સ્વપ્નોના વેરવિખેર અવશેષો સાથે સંસારમાંથી વિદાય લીધી.

        જયપ્રકાશની વિદાય પછી સત્તા માટે થઈને જે.પી.ના સ્વપ્નની અને  આ દેશની જનતાના ભવિષ્યની હત્યા કરનારા  ત્યારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંગે દેશમાં સાત દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી અને છેક ૧૯૯૮માં એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા. આ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું હતું અને ત્યાં સુધીમાં ભારતરત્ન એવા એવા લલ્લુ-પંજુઓ દલાતરવાડીની જેમ પોતાની ઝોળીમાં નાખી ચૂક્યા હતા કે જનતાની નજરમાં જયપ્રકાશજીના વિરાટ વ્યક્તિત્વની સામે ભારતરત્નનું કોઇ મૂલ્ય રહ્યું નહોતું!

        રાહુલ તો ઠીક છે પણ આજના કોઇ પણ નેતાને જે.પી.ની સાથે સરખાવવાની વાત તો દૂર પણ એમના દેશપ્રેમ અને ત્યાગના પ્રમાણમાં વ્હેંતીયા જ નહીં પણ અંગૂઠિયાં કહેવા એ પણ લોકનાયકનું હડહડતું અપમાન છે!

ગંગાજળ
        આજનું પત્રકારત્વ અને ત્યારના પત્રકારત્વમાં મૂળભૂત રીતે ખાસ કોઇ અંતર દેખાતું નથી. આજનું પત્રકારત્વ બિકાઉ છે તો ત્યારનું ડરપોક હતું એ પીઢ કોંગ્રેસીનેતા વિદ્યાચરણ શુક્લના એક સ્ટેટ્સમેન્ટ પરથી ખ્યાલ આવે છે. ત્યારે કટોકટીના સમયમાં જે રીતે દેશના મોટા મોટા પત્રકારો અને સંપાદકો ઈન્દીરાના નિવાસે જઈને એના નેતૃત્વનાં વખાણ કરતા હતા એ જોઈને કટોકટી પછી વિદ્યાચરણ શુક્લએ એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતાં કહેલું, ”અમે તો તમને માત્ર થોડા ઝૂકવાનું જ કહેલું, પણ તમે લોકો તો પગમાં આળોટવા માંડ્યા હતા!

Tuesday, October 02, 2012

છેલ્લે મદારીનો ખેલ ક્યારે જોયો છે?


                ગળથૂથી
ये दौलत भी ले लो ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी l
मगर मुझको लौटा दो बचपन का सावन
वो काग़ज़ की कश्ती वो बारिश का पानी ll

               હમણાં બે ત્રણ દિવસ ઉપર કાનમાં એક શબ્દ પડ્યો, ને એ શબ્દ એક અલગ ભાવ વિશ્વમાં ખેંચી ગયો! એ શબ્દ હતો પાંચીકડા’, કોણ જાણે કેટલાં વર્ષોના કાનવટા પછી એ શબ્દ પાછો આવ્યો હશે! શહેરની આજની પેઢીની દીકરીઓમાંથી કેટલીએ આ શબ્દ સાંભળ્યો હશે, અને એમાંથી કેટલી ને એનો અર્થ ખબર હશે? અરે શહેરની વાત જવાદો, ગ્રામ્ય વિસ્તારની પણ કેટલી દીકરીઓને  ખબર હશે કે નાનકડા ગોળ લીસ્સા પત્થરને ઉછાળીને હાથને અવળા સવળા કરીને ઝીલીને રમાતી આ રમતને પાંચીકડા કહેવાય? કેટલી દીકરીઓને આજે આ રમત આવડતી હશે? આજના ટેલિવિઝન અને ઇન્ટરનેટના યુગમાં એવી તો કેટકેટલી રમતો લુપ્ત થઈ ગઈ છે અને સાથે લુપ્ત થઈ ગયા છે ગ્રામ્ય સંસ્કૃતિની સાથે જોડાયેલાં મનોરંજન.

                અમે જ્યારે નાના હતા ત્યારે ક્રિકેટ હજુ આવ્યું નહોતું. અમારા માટે સૌથી પ્રિય અને સૌથી વધારે રમાતી રમત હતી ગિલ્લી-દંડા. કોઇ જ ખર્ચ નહીં, બસ લાકડીનો એક એકાદ ફૂટનો અને બીજો ચારેક ઈંચનો ટૂક્ડો મળી ગયો એટલે કામ ચાલ્યું! કેટલા ખેલાડી હોવા જોઇએ એનો પણ નિયમ નહીં, બસ એટલું ખરું કે બન્ને ટીમમાં સરખી સંખ્યામા હોવા જોઈએ. ટીમ પાડવી ન હોય તો વ્યક્તિગત રીતે પણ રમી શકાય અને ફક્ત બેજ પ્લેયર હોય તો પણ રમી શકાય એટલી સરળ રમત. બીજી એક રમત ભમરડા ફેરવવાની. ભમરડાને ત્યારે અમે ગરિયો કહેતા ને એને ફેરવવાની દોરી માટે શબ્દ હતો જાળી! આ ગરિયા ફેરવવાની કળા થોડી અઘરી ખરી. એક તો ગામડાના સુથારે હાથેથી બનાવી દીધેલો ઘાટઘૂટ વિનાનો ગરિયો હોય, જેમાં આગળ અણીના ભાગે ખીલ્લીનો ટૂકડો નાખેલો હોય  જેને અમે આર કહેતા. ગરિયા પર દોરી ઉર્ફે જાળી વીંટવી એ શીખવામાં જ અરધી કળા તો આવી જાય!  આર વાળા ભાગથી શરૂ કરીને દોરી વીંટી થોડો છેડો ટચલી આંગળીએ વીંટી હળવેથી ગરિયાનો ઘા કરવાનો ને જમીન પર પડેલો ગરિયો ફરે તો આ કળામાં તમે સ્નાતક! અનુસ્નાતક થવા માટે બીજી ઘણી કસોટીઓ પસાર કરવી પડે જેમકે, નીચે જમીન પર ફરતા ગરિયાને હાથમાં લઈને હથેળીમાં ફેરવવો. ગરિયાને ફેરવવા માટે ઘા કરીને જમીન પર પડે એ પહેલાં જ સીધો જે હવામાંથીજ, જે હાથે ફેંક્યો હોય એ હાથની  હથેળીમાં ઝીલીને ફેરવતાં આવડી ગયું એટલે ગરિયાશાસ્ત્રના તમે પીએચડી! ઋતુઓ પ્રમાણે રમતો બદલાય પણ ખરી. શિયાળામાં મુખ્યત્વે ગિલ્લી દંડા, નારગોલ કે ગરિયા નો વારો હોય તો ઉનાળામાં રાત પડેને આટાપાટાની રમત જામે. ચોમાસું આવે એટલે ખાસ રમત ખૂતખૂતામણી. છત્રીનો એક સરિયો લઈ એના કે છેડે અણી કાઢી ને પછી જમીન પર ખૂંતાડતાં ખૂંતાડતાં આગળને આગળ ચાલ્યા જવાનું, જ્યારે ન ખૂંચે ત્યારે આઉટ ને સૌથી દૂર સુધી આ રીતે ખૂતાડીને પહોંચનાર વિજેતા. વળી, ચોમાસામાં ગાય ચરાવવા જઈએ ત્યારે ત્યાં બધા ગોવાળિયા ભેગા થઈને લાકડી થી રમવાની એક રમત રમીએ એ સેલસેલામણી.
               
                આ બધી આઉટડોર ગેમ્સ, એ સિવાય આઉટડોર અને ઇન્ડોર બન્ને રીતે રમી શકાય એવી બોર્ડ ગેમ ટાઈપની રમતો પણ ખરી! જેમાં આજે પણ ગામડામાં રમાતી અને જેમાં ખરેખર બુદ્ધિ કસવાની જરૂર પડે છે એવી રમત એટલે નવ કૂંકરી, ગમે ત્યારે, ગમે ત્યાં રમી શકાય. બસ કોલસાનો એક ટૂકડો લીધો, અંદર બહાર એમ ત્રણ ચોરસ જમીન પર દોર્યા ને એ ત્રણે ને જોડતી રેખાઓ કરી એટલે રમત માટેનું બોર્ડ તૈયાર. પછી શોધવાની બે અલગ પ્રકારની નવ નવ કાંકરી એટલે રમત શરૂ. ગામડાના અભણ ખેડૂતોની આમાં એવી માસ્ટરી કે ભલભલા ભણેલાને ભૂ પિવડાવે! નવકૂંકરી ફક્ત બે લોકો માટેનીજ રમત જયારે બીજી એક લ્યુડો જેવી લાગતી ઇસ્ટો, એક સાથે ચાર લોકો રમી શકે એવી. આ બધી એવી રમતો કે એમાં એક પૈસાનો પણ ખર્ચ નહીં. જે કંઈ પ્રાપ્ય છે એમાંથી મનોરંજન કઈ રીતે મેળવી લેવું એની આગવી સૂઝબુઝ લોકોમાં. થોડા સુખી ઘરના લોકો હોય તો એ વળી ચોપાટ રમે. ચોપાટની રમત આખી આખી રાત ચાલે. પઘડાં, દાણા, કૂંકરી ગાંડી થવી એવા બધા એના ટેકનિકલ વર્ડઝ! ક્યારેક કૂંકરી ગાંડી થાય તો ક્યારેક રમનારા પણ ગાંડા થાય ને મારામારી પર ઉતરી આવે!

                આમાંથી મોટાભાગની રમતો આજે લુપ્ત થઈ કઈ છે એજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ઉછરતી અને પોષાતી એવી ઘણી મનોરંજનની કળાઓનો આજના આ ટીવીએ ભોગ લઈ લીધો છે. એમાં સૌથી મોખરે નામ આવે મદારીનું. ફાટેલ તૂટેલ પહેરણ હોય, નીચે મોટા ભાગે મેલીઘેલી લૂંગી હોય, દાઢી વધેલી હોય ને માથે મેલખાયું બાંધેલ હોય આ મારા મનમાં છપાઈ ગયેલું મદારીનું ચિત્ર. ડુગડુગીનો તાલબદ્ધ અવાજ સંભળાયને અમે બધા ઘરમાંથી હડી કાઢીને ફળિયામાં દોડીએ. શેરીના ખૂણે એકાદ જગ્યાએ એણે પોતાનો અડ્ડો જમાવ્યો હોય ને આજુબાજુમાં અમે બધાં છોકરાં ઘેરો વળીને ઊભાં હોઈએ. એના કોથળામાંથી એક પછી એક સાધનો કાઢે ને હાથ ચાલાકીના ખેલ બતાવે. એમાં મોઢામાંથી ગોળા કાઢવાનો ખેલ મારો સૌથી પ્રિય. એની પાછળનું રહસ્ય ખબર પડી ગયા પછી પણ, એ ખેલ જે ચપળતાથી મદારી કરે છે એના કારણે જોવાની બહુજ મઝા પડતી. ગાલ અને ગળાંની નસો ફૂલાવીને મોરલી વગાડે ને મોરલી ઉપર નાગ ડોલે એ જોઈને ત્યારે અભિભૂત થઈ જવાતું! સાપને શ્રવણેન્દ્રિય ન હોય અને એ માત્ર મોરલી જે દિશામાં હલે એ દિશામાં હુમલો કરવા માટે જ ડોલે છે એ બહુ મોડી ખબર પડેલી. કેટલાક ખેલ એવા કે એ જોઈને ચીતરી ચડે, જેમ કે મોઢામાંથી વીંછી કાઢવો, નાનકડો સાપ લઈને એને પૂંછડેથી નાકમાંથી નાખીને એક છેડો મોઢામાંથી કાઢવો. ક્યારેક કોક મદારી આખું ત્રિશૂળ ગળામાં ઉતારી જવા જેવા જોખમી ખેલ પણ કરે. પછી નાગને દૂધ પાવાને બહાને પૈસા માગે. (નાગ દૂધ ન પીએ એ પણ બહુ મોડેથી સમજણ આવેલી.) અને બધાજ મદારી આવતા એમાં એક બાબત કોમન જોવા મળે. શરૂઆતથી સાપ નોળિયાની લડાઇ બતાવવાની વાત કરી કરીને જિજ્ઞાસાને પરાકાષ્ટાએ લઈ જાય અને પછી છેલ્લે એમ કહે કે જાવ હવે બધા ઘરેથી વાટકી વાટકી લોટ લઈ આવો એટલે સાપ નોળિયાની લડાઈ બતાવું! અમે ઘરેથી મા ની સાથે લડી ઝગડીને એક વાટકો લોટ લઈ આવીએ ને મદારીને આપીએ એટલે પછી એ કરંડિયામાંથી સાપને અને નોળિયાને પાંજરામાંથી બહાર કાઢે. નોળિયો સાપની ઉપર એકાદ હુમલો કરે એટલે પછી પાછા બન્નેને પોતપોતાના ઠેકાણે પૂરી દે. છેલ્લે મદારી ક્યારે જોયેલ એ હવે યાદ નથી આવતું! મનોરંજનના અન્ય સાધનોનું આક્રમણ અને સાથે પ્રાણીઓ રાખવાની મનાઇના કારણે આ મદારી નામની સંસ્થા લગભગ નેસ્તનાબૂદ થઈ ગઈ છે.

                ક્યારેક ગામડામાં મલ્લનો ખેલ આવે, જે એક મિની સર્કસ સમાન હોય. સ્નાયુબદ્ધ શરીરવાળા અને શક્તિશાળી મલ્લ, પહેલાં તો ગામમાં ફરી વળે અને ગામના સરપંચ, પટેલ, મુખ્ય શિક્ષક જેવા અગ્રણી નાગરિકોને પકડી પકડી પરાણે પોતાના ખભે બેસાડીને ગામના ચોકમાં પોતાનો ખેલ જોવા લઈ આવે! રીતસર બળજબરીથી આ રીતે લોકોને અપહરણ કરીને લઈ આવે એ જોવાની પણ મઝા પડતી! એ પછી જાતજાતના હેરતંગેજ ખેલ ચાલુ થાય, જેમાંથી કેટલાક તો ખરેખર બહુ જ જોખમી. જેમ કે પાછળની બાજુ ગરદન ઉપર એક લાકડાનું નાનકડું પાટિયું બાંધે, પછી હાથમાં રહેલો એકાદ શેર વજનનો કાળમીંઢ પથ્થર હવામાં સો-દોઢસો ફૂટ જેટલો અધ્ધર ઉછાળે ને નીચે આવતો હોય ત્યારે એના પર બરાબર નજર રાખે, જેવો નજીક પહોંચે એટલે ઝટકાથી મોઢું ફેરવીને ગરદન પર બાંધેલા પાટિયા પર અથડાવા દે! જબરદસ્ત એકાગ્રતા અને હિંમતનો ખેલ, જો નિશાન જરીક ચૂક્યા તો જીંદગીથી હાથ ધોઈ બેસવાનું નક્કી! એજ રીતે એક નાનકડી લખોટી અદ્ધર હવામાં દેખાતી બંધ થાય એટલે ઊંચે ઉછાળી, બીજી લખોટી નાક અને ઉપરના હોઠની વચ્ચેની જગ્યામાં મૂકીને પછી ઉપર ઉછાળેલી લખોટી પર બરાબર ત્રાટક કરીને ને એક્ઝેટ હોઠની ઉપરના ભાગમાં રાખેલી લખોટી સાથે અથડાવા દેવાની! આટલી એકાગ્રતા માટે એ લોકોને કેટલી પ્રેકટીસ કરવી પડતી હશે! દોડીને હવામાં જ ગુલાંટ મારવી, બે મણ જેટલા વજનના પથ્થરને દાંતથી ઊંચકી ને પીઠ પાછળની બાજુ ફેંકી દેવો, સળગતી રિંગમાંથી કૂદીને નીકળી જવું, બે મલ્લ એકબીજાને વળગીને એક માનવ વ્હીલ બનાવે ને પછી એ વ્હીલ ચોકમાં ઝપથી દોડે, આવા તો કેટકેટલા ખેલ કરતા જે કોઇ આંતરરાષ્ટ્રિય સ્તરના સર્કસ કે જિમ્નાસ્ટીકના મુકાબલા કરતાં કોઇ રીતે ઉતરતા નહોતા, આજે એ મલ્લ સમાજનું શું થયુ હશે એતો ઈશ્વર, અલ્લા, ખુદા જાણે!

                ભવાઈ અને રંગલાનું તા થૈયા..થૈયા..તા..થૈ...તો અમે નાના હતા ત્યારે જ ખોવાઈ જવાના આરે પહોંચી ગયેલું એટલે ભવાઈ વિશે તો માત્ર વાંચ્યું છે અથવાતો ટીવીમાં અને ફિલ્મોમાં જ ભવાઈ જોઈ છે.

                ટેલિવિઝન, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોને ઘણું આપ્યું છે એની સામે ઘણું છીનવી પણ લીધું છે જેની આજની જનરેશન ને ખબર જ નથી! મેદાની રમતો જે પહેલાં શુદ્ધ આનંદ મેળવવાના હેતુથી રમાતી અને બાયપ્રોડક્ટ તરીકે શારીરિક ખડતલપણું મળતું એ આજે શાળાઓમાં પિરીયડની શિસ્તમાં કેદ થઈને માત્ર અભ્યાસક્રમનો ભાગ બની ગઈ છે!
ગંગાજળ

બાળકોમાં રમતગમત પ્રત્યેનું આકર્ષણ હવે ઓછું થયું છે એવું બિલકુલ નથી, બલ્કે વધ્યું છે, બસ ફેર એટલો છે કે હવે રમતો કમ્પ્યુટર અને મોબાઇલના સ્ક્રીન પર રમાય છે, પહેલાં, આખા શરીરને કસરત થતી હવે માત્ર આંગળાંને થાય છે!