Thursday, November 20, 2014

રામપાલ કે હરામપાલ?

   
    આ દેશની વિટંબણાએ છે કે આઝાદીના ૬૭ વર્ષ પછી પણ કોઈ ઠગ, મવાલી કે લફંગો જ્યારે સાધુનો વેશ ધારણ કરે છે ત્યારે પોતાની આજુબાજુ લાખો અંધ ઘેટાંઓ ભેગાં કરી શકે છે, ને એ પણ એવાં સમર્પિત ઘેટાંઓ જે આ ચારસોવીશને બચાવવા માટે પોતાના દેશ સામે યુદ્ધમાં ઉતરી જાય છે! ગઈ કાલે ચૌદ ચૌદ દિવસના હાઈવોલ્ટેજ ડ્રામા અને કરોડો રૂપિયાનાં આંધણ પછી એક બે બદામના લબાડે સવાસો કરોડના આ દેશ સામે છેડેલા યુદ્ધનો અંત આવ્યો.

     હા, આ યુદ્ધ જ હતું. હરીયાણા પુલીસે તો હજુ ગઈ કાલે રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવાની કલમ રામપાલ સામે લગાડી પણ આ લખનારે ચાર દિવસ પહેલાં ટ્વિટ્ટ કરીને કહેલું કે આ બગાવત છે, દેશ સામે યુદ્ધ છે. દેશના બંધારણ અને કોર્ટની ઐસી તૈસી કરવી, પોતાની ખાનગી સેના ઊભી કરવી અને રાજ્યની પોલીસ સામે ગોળીબાર કરવો, પેટ્રોલ બોમ્બ અને એલપીજી બોમ્બનો મારો કરવો, યુદ્ધ કે રાષ્ટ્રદ્રોહમાં આનાથી વિશેષ બીજું શું હોઇ શકે? અલબત્ત, આ આખી ઘટનામાં તદ્દન મજબૂરીની અવસ્થામાં મૂકાઈ ગયેલ હોવા છતાં હરીયાણા પોલીસે જે રીતે સંયમ અને કુનેહથી કામ લીધું એ ખરેખર પ્રસંશાને પાત્ર છે, પણ મીડિયાને માટે માત્ર એના પત્રકારોને પડેલા ડંડા વધારે અગત્યના છે! જ્યારે આશ્રમની અંદર પંદર હજાર જેટલા લોકોને બંદી બનાવાયેલા હોય, હિજડા બાબાએ આશ્રમની બહાર હજારો સ્ત્રીઓ અને બાળકોને ઢાલ બનાવ્યા હોય, એ સંજોગોમાં પોલીસ પર નકામી હોવાનું, કાંઈ કરતી ના હોવાનું આળ મૂકીને તીરે બેસીને તમાશો જોતાં જોતાં ચિલ્લાવું સહેલું છે, પણ તટસ્થ રીતે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ખરેખર રાજ્ય સરકાર અને પોલીસ જે કંઇ કરી રહી છે એ કેટલા અંશે યોગ્ય કે અયોગ્ય છે એ સમજવું પણ એટલું બધું અઘરું નથી શરત એ છે કે દાનત હોવી જોઈએ અને પક્ષીય પૂર્વગ્રહોથી મૂક્ત થવું પડે! પણ આપણા દેશમાં, રાજકિય ચશ્મા ચડાવેલા ગદ્દારોને આજે પણ હજુ કંદહાર કાંડમાં દુશ્મન દેશની ધરતી પર બંધક બનાવાયેલા ૩૦૦ જેટલા મુસાફરોની જીંદગી અને એના સેંકડો સગાવહાલાંની વ્યથા ના દેખાતી હોય પણ દેખાય માત્ર દેશના નાગરીકોને બચાવવા માટે છોડી મૂકાયેલા આતંકવાદીઓ!

     અમારા પિતાજી પાસેથી એક વાત સાંભળેલી. એક ગામમાં એક ઘરે એક બ્રાહ્મણ માંગવા આવ્યો એટલે એ ગરીબ ખેડૂતે પૂછ્યું, “મહારાજ સી્ધો લેશો કે પછી જમશો?” મહારાજે એક આંખ ફાંગી કરતાં લાલચથી કહ્યું,”પહેલાં જમાડીને પછી સીધો આપજો જજમાન!” પેલા ખેડૂતને બિચારાને ઘરમાં હાંલ્લાં કુશ્તી કરતાં હતાં એટલે એનાથી હાયકારો નીકળી ગયો,”અહો, મહારાજ..તો તો હું મરીજ જાઉં!” મહારાજ ક્યાં ઓછો ઉતરે એમ હતો! એ કહે, “ જો તું મરી જા તો કારજ પણ ખાઈને જાઉં!” આપણા દેશમાં જ્યારે પણ કંદહાર કે પછી હિસાર જેવી સ્થિતિ ઊભી થાય છે ત્યારે વિપક્ષ આ પ્રકારનાજ મુર્દાખોરના રોલમાં આવી જાય છે, પાડોશીનો છોકરો આંબા પર ચડ્યો છે જે બધું બરાબર રહ્યું કેરી ખાશું નહીંતર કારજ! રામપાલના કિસ્સામાં, છેલ્લા એક અઠવાડિયાથી તડાપીટ બોલાવતા મીડિયાવાળા અને કોંગ્રેસીઓ એક વાત ઈરાદાપૂર્વક ભૂલી ગયા કે રામપાલે જે કાંઈ એનું સામ્રાજ્ય ઊભું કર્યું, જે  રીતે  જમીનો હડપ કરી ને પોતાની શસ્ત્રસજ્જ આર્મી બનાવી એ કાંઇ બેચાર મહિનામાં તો નથી થયું, તો પછી બે મહિના જૂની સરકાર પર તમામ દોષનો ટોપલો ઢોળવાનો અર્થ શો? કોંગ્રેસનું વલણ તો સમજી શકાય એ એતો એમજ કરે, પણ મીડિયાએ આ બાબતે તટસ્થ વલણ રાખીને સત્યનો પક્ષ લેવાની જરૂર હતી. પણ વો દિન કહાં!

     આ દરમિયાનમાં સોશ્યલ મીડિયામાં પણ બન્ને સાઈડની સડેલી માનસિકતા સ્પષ્ટ રીતે દેખાઇ આવી. ઈટાલીભક્તો એકદમ અતાર્કિક કહી શકાય એવે સરખામણી કરીને સવાલ ઉઠાવતા હતા કે પાકિસ્તાનમાંથી દાઉદને પકડી લાવવાના પડકારો થાય છે એને દેશમા રહેલો એક રામપાલ પકડાતો નથી! ત્યારે અદ્દ્લ કંદહારની જેમજ એ કોંગ્રેસીઓને માટે, અહીં પણ આશ્રમમાં રહેલા પંદર હજાર જેટલા લોકો કે પછી આશ્રમની બહાર પાખંડી બાબાની ઢાલ બનીને ઊભેલાં સ્ત્રીઓ અને બાળકોની જીંદગીની કોઇ કિંમતજ નહોતી, અને સાથે સાથે મનમાં એક વિચારીને મલકાતા હતા કે અમારા હુડ્ડાના રાજમાં છેલ્લાં વર્ષોમાં જે કાંઈ પણ સડો થયો છે એ તમારે આ બે મહિના જૂની સરકાર કેવી રીતે મટાડે છે એ જોઇએ! બીજી બાજુ, આવા આસારામ કે પછી રામપાલ જેવા લફંગાઓની સાથે કાંઇ પણ લાગતું વળગતું ના હોવા છતાં, એ માત્ર હિન્દુ ધર્મના કોઇ સંપ્રદાયના પ્રતિનિધિ છે એટલા ખાતરજ કેટલાક લોકોને એનાં પાપની લીટી ટૂંકી કરવાની આત્મવંચનામાં અચાનક બુખારી અને ઓવેશી સાંભરી આવે છે!

     હરીયાણા પોલીસ સામે પરિસ્થિતિ ખરેખર ખતરનાક હતી. એક બાજુથી કોર્ટેની વારંવાર ફટકાર વાગતી હતી, બીજી બાજુ મીડિયા ખાઈ પી ને પાછળ પડેલું અને કોંગ્રેસવાળાને તો આવી પરિસ્થિતિ જોઇતીજ હોય! આ સંજોગોમાં, સામે સ્ત્રીઓ અને બાળકો હોય અને પગલાં લેવાં પડે ત્યારે ક્યારેક કયાંક એવું પણ બને કે થોડું વધારે કડક થઈ ને નીતિ નિયમો નેવે મૂકવા પડે એવામાં જાણે અજાણે કે પછી મજબૂરીવશ માનવઅધિકારોનો ભંગ પણ થાય ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ એવું ઈચ્છે એકે મીડિયાના કેમેરા દૂર રહે. પણ માત્ર ટીઆરપી પર જીવતા આ પ્રાણીઓને પરવડે ખરું? ને છેવટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો ને પરિણામી મીડિયા સંપૂર્ણપણે યુ ટર્ન મારીને સામેના છાબડે બેસી ગયું! રામપાલ સામે ઉગામેલો દંડો હળવો થઈ ગયો ને પોલીસ અને હરીયાણા સરકાર સામે ગદા ઉપાડી! છતાં આ તમામ વિપરિત કહી શકાય એવી પરિસ્થિતિની અંદર હરીયાણા પોલીસે જે રીતે સંયમથી કામ લઈને ઓછામાં ઓછા કોલેટરોલ ડેમેજ સાથે જે રીતે રામપાલને પકડ્યો એ ખરેખર પ્રસંશાને પાત્રજ છે. સામે આ રામપાલ સામે દેશદ્રોહ સહિતની જે પ્રકારની કલમો પોલીસે લગાડી છે એ જોતાં એ આવનારાં ઘણાં વર્ષો સુધી બહાર આવે એવે શક્યતા ઓછી છે, પણ મને આ દેશની જનતા પર પૂરો ભરોસો છે, આગામી એક બે વરસમાં એ નવો રામપાલ કે પછી બીજો આસારામ પેદા કરીજ લેશે!