Saturday, December 24, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૯


ગળથૂથી:
                જે વસ્તુ ઘણીવાર આપણને સાવ સામાન્ય લાગતી હોય તે આપણા માટે ખૂબજ જરૂરી હોઈ શકે અને જેના માટે આપણે ઝૂરતા હોઈએ તે તદ્દ્ન નકામી પણ હોઈ શકે! (અહીં વસ્તુની જગ્યાએ વ્યક્તિ શબ્દ મૂકી દો તો પણ ચાલશે!)
                        
વલ્લરપદમ ચર્ચ
                         સૌરાષ્ટ્રની છેક દક્ષિણે, અરબસાગરને સાવ કાંઠે આવેલું ટપકાં જેવડું જુનાગઢ જીલ્લાનું (એ સમયે અમરેલી) ગામ. એ ગામમાં જિંદગીનાં પહેલાં સત્યાવીશ-અઠયાવીશ વરસ કાઢ્યા પછી, સંજોગો અચાનક રાજકોટ જેવા શહેરમાં લઈ આવે તો હોમ સિકનેસ થવી એ સ્વાભાવિક ઘટના છે. ઘર બહુ જ યાદ આવે પણ પાંચ-છ મહિને એકાદ વખત જવાનો મોકો મળે. રાજકોટથી આશરે છ કલાકની મુસાફરી થાય અને પાંચેક કલાકની મુસાફરી પછી વેરાવળ આવે, બસ ભીડિયાની ખાડી પાસેથી પસાર થાય અને દરિયાની ખારી હવામાં ભળીને આવતી મચ્છીની તીવ્ર ગંધથી મોટાભાગના મુસાફરોની જેમ નાક આડે રૂમાલ દેવાઈ જાય. પણ શરૂશરૂમાં જ, પછી તો આ ગંધની સાથે એવું તો અનુકૂલન સધાયું કે એ ગંધ આવે ને એમ થાય કે બસ હવે તો એક જ કલાક, એક કલાક પછી એ ગામ, ફળિયું, એજ રાજીપો દેખાડતાં દોડીને સામા આવતાં શેરીના કૂતરાં ને પછી પપ્પાની વ્હાલભરી નજર અને માં નો હેતાળ હાથ! (આપણા દરેક ગમા-અણગમાની સાથે આવું કોઇને કોઇ conditioning જોડાયેલું હશે? માનસશાસ્ત્રીઓને ખબર!)
             કોચી અથવા કોચીન જે આજ સુધી ફોટામાં ચાઇનીઝ ફિશીંગનેટ(જે પૂરા વિશ્વમાં ચાઇનાની બહાર માત્ર અહીંજ જોવા મળે છે.) તરીકે જોયેલું તે હવે આંખ સામે અને શ્વાસમાં ગંધરૂપે પ્રત્યક્ષ હતું. કેટકેટલો ઈતિહાસ પોતાના પેટમાં ધરબીને બેઠું હતું કોચી? કહેવાય છે કે ચીની શાસક કુબ્લાઈ ખાનના દરબારના વેપારીઓએ કોચીને એનું નામ આપ્યું છે, આ સિવાય પણ કેટકેટલા દેશના લોકોને કોચી પોતીકું લાગ્યું છે? અંગ્રેજોએ કોચીને ’મિની ઈંગ્લેન્ડ’ કહ્યું તો ડચ લોકોને ’હોમલી હોલેન્ડ’ લાગ્યું અને પોર્ચુગીઝોએ વળી નામ આપ્યું ’લિટલ લિસ્બન’! તો વળી ઈટાલિયન પ્રવાસી નિકોલસ કોન્ટીએ પોતાની પ્રવાસકથામાં લખ્યું, “જો ચાઇના પૈસા કમાવા માટે છે તો ચોક્કસપણે કોચી એ પૈસા ખર્ચવા માટે!” એક સમૃધ્ધ બંદર અને ગરમ મસાલાના વ્યાપારી મથક તરીકે કોચી હમેશાં વિદેશી પ્રવાસી અને વ્યાપારીઓને આકર્ષતું રહ્યું છે પછી એ પોર્ચુગીઝ વાસ્કો-ડી-ગામા હોય, ચાઇનીઝ ફા-હ્યાન હોય કે પછી બ્રિટીશ સર રોબર્ટ બ્રિસ્ટોવ.
             ઇસ્વીસન ૧૫૩૦થી શરૂ કરીને છેક દેશની આઝાદી ૧૯૪૭ સુધી કોચી, પોર્ચુગીઝ, હોલેન્ડ અને છેલ્લે અંગ્રેજો જેવા અલગ અલગ વિદેશી શાસકોના કબજામાં રહ્યું હોઈ શહેરની સંસ્કૃતિમાં પણ અલગ અલગ દેશની ઝલક જોવા મળે છે. પહેલવેલો યુરોપિયન કિલ્લો પણ અહીં પોર્ચુગીઝો દ્વારા બંધાયો. એકાબીજાથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ એર્નાકુલમ અને કોચી હવે એવાં તો એકબીજામાં ગુંથાઈ ગયાં છે કે ક્યાંથી કોચી પુરૂં થાય છે અને એર્નાકુલમ શરૂ થાય છે એ ખબર જ ના પડે! કોચી ફોર્ટ વિસ્તારમાં આવેલ બે ચર્ચની મુલાકાત લીધી, આ ચર્ચ પોર્ચુગીઝ શાસન સમયના એટલે કે ચારસોથી પાંચસો વર્ષ જૂનાં હતાં એથી વિશેષ કોઈ આકર્ષણ એમાં હોય એવું લાગ્યું નહીં એના કરતાં મરીન ડ્રાઇવ અને ત્યાં આવેલ ચાઇનીઝ નેટ જોવાની મજા આવી. સાંજે વળી પા્છી બેકવૉટરમાં સહેલ, અમારા કેરળના છેલ્લા મુકામની હોટેલ સી લોર્ડ થી થોડાક મીટરના અંતરે આવેલ સી લોર્ડ જેટી પરથી જળવિહારની સરસ સગવડ છે, પ્રાઇવેટ ટુરિસ્ટ બોટ એશોસિએશન દ્વારા ફક્ત પચાસ રૂપિયામાં દોઢ કલાકનો જળવિહાર કરી ને આવ્યા હોટેલ સી લોર્ડ પર કેરળની અમારી છેલ્લી રાત્રી પસાર કરવા. અમને હોટેલ પર ડ્રોપ કરી સેલ્વમ નજીકમાં આવેલા એના ગામ ગયો, આજે પાંચ છ દિવસ પછી એ શિવા અને શ્રી હરિનું મોઢું જોવાનો હતો એની ખુશી એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી!
             છેલ્લા દિવસની સવાર પડી, આજે જોવાનું ખાસ બચ્યું નહોતું, બસ વલ્લરપદમ ટાપુ પર આવેલ વલ્લરપદમ ચર્ચ જોવાનું હતું, વચ્ચે ટાપુ પર આવેલ KTDC હોટેલ જોઇ અમે વલ્લરપદમ ચર્ચ પહોંચ્યા, આ ચર્ચ ખરેખર ભવ્ય હતું. આ ચર્ચ The Basilica of Our Lady of Vallarpadam તરીકે પણ ઓળખાય છે, ચર્ચના પ્રવેશદ્વારની જમણી બાજુ આવેલ એક જ્ગ્યાએ મીણબત્તી પ્રગટાવવા માટેની જ્ગ્યા હતી અમે પણ મીણબતી વેચાતી લઈને પ્રગટાવી. ડાબી બાજુએ આવેલ ટાવરમાં છેક ઉપર સુધી જવાની સગવડ હતી લગભગ ૧૫૦ પગથિયા, જેમાંથી અરધે સુધી લિફ્ટ લઈ જાય અને બાકીનું ચડવાનું. ઉપર પહોંચ્યા પછી નાળિયેરીના ઝાડ અને બેકવૉટર વચ્ચે ઘેરાયેલું કોચી બહુ સુંદર દેખાતું હતું. જમણી બાજુ ભારતનો સૌથી લાંબો રેલબ્રીજ લગભગ આખેઆખો દેખાતો હતો જે ૧૬ નવેમ્બરના કરોડપતિમાં પચ્ચીસ લાખના સવાલના પ્રત્યુત્તરરૂપે હતો.
             છેવટે એ ઘડી આવી પહોંચી, અમારી કેરાલા છોડવાનું હતું, એક બાજુ ગુજરાત સાદ પાડીને બોલાવતું હતું અને કેરાલા કહેતું હતું કે બસ “બસ છ જ દિવસ? છ દિવસમાં જોયું શું? છ દિવસમાં પણ જેટલું જોવાનું હતું એમાંથી પણ ઘણું છૂટી ગયું હતું!” સાચી વાત હતી આટલા દિવસમાં જેટલું જોયું, માણ્યુંએ માત્ર બુંદ જેટલું જ હતું, મહાસાગર જેટલી તરસ તો હજુ અકબંધ હતી. ફરી પાછું આવવુંજ પડશે....
             વળી પાછી ટ્રેન, બપોરના બાર વાગ્યાની હાપા એક્સપ્રેસ અને ત્રણ મહિના પહેલાં બુક કરાવેલી ટિકિટ (IIac કે IIIac ની ટિકિટતો મળેલી જ નહીં) છતાં છેલ્લી ઘડી સુધી લટકતી તલવાર! છેવટે ટિકિટ કનફર્મ થઈ ગઈ ને કોચીને બાય બાય કહેતા અમે ટ્રેનમાં બેઠા. કેરળમાં ટ્રેનની બાબતમાં અમુક નિયમો આપણા કરતાં જુદા પડે છે એટલે એની સાથે અનુકૂળ થવામાં થોડી અકળામણ થાય છે અને જો ધીરજ ખોઈ બેઠા તો ઝઘડો પણ ચોક્કસ થવાનો. અહીં આપણને કઠે એવી બાબત એ છે કે દિવસ દરમિયાન સામાન્ય ટિકિટ ઉપર સેકન્ડ સ્લીપરમાં મુસાફરી કરી શકાય છે. (કદાચ સવારના આઠ થી રાત્રીના આઠ સુધી) એટલે પરિસ્થિતિ ક્યારેક એવી થાય કે આપણી પાસે રિઝર્વેશન હોવા છતાં બહુજ મુશ્કેલીથી બેસવા જેટલી જગ્યા મળે છે. અમે કેરળ છોડી કર્ણાટકની હદમાં પ્રવેશ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી અને આ વખતે પણ દૂધસાગર જોવાનું નસીબમાં નહોતું! સવાર પડી ત્યારે મહારાષ્ટ્રની હદમાં હતા બપોરે બારની આસપાસ વસઈ સ્ટેશને સાત-આઠ દિવસનો વહાલી મોટી બહેન અને પ્રેમાળ જીજાજીનો સથવારો છૂટતો હતો એ બહુ આકરૂં લાગ્યું, અંશુલને તો ખાસ. એ આટલા દિવસમાં ફઈની સાથે એવો તો હળી ગયો હતો કે એને એમજ હતું કે ફઈને ફૂવા પણ આપણી સાથે રાજકોટ સુધી આવવાના છે! થોડા કલાકો પછી ગાડી ગુજરાતની હદમાં  હતી ને સામે હતાં એજ ગંદકીથી ભરપૂર અને ઘોંઘાટીયાં પ્લેટફોર્મ! અલબત્ત કેરાલામાં અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એટલા બધા ગુજરાતી પ્રવાસીઓ હતા કે ગુજરાતને અમે જરાયે મિસ કર્યું નથી! ( એક વર્ષ પહેલાં ઓરિસ્સા જવાનુ થયેલું અને ત્યાં દશેક દિવસ રહેવાનું થયેલું ત્યારે મારા કાનને સળંગ એટલા દિવસના ગુજરાતી ભાષાના નકોરડા થયેલા!)
             છેવટે રાત્રે સાડાબાર વાગ્યે ટ્રેન રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભી ત્યારે રસિક ઝવેરીની ’અલગારી રખડપટ્ટી’ માં આવતા કાનજી ખવાસના શબ્દો સાંભર્યા કે “જલમભોમકા ઈ જલમભોમકા!”
ગંગાજળ:
            કાકાસાહેબ કાલેલકરના પુસ્તક ’હિમાલયનો પ્રવાસ’માંથી એક અદ્‌ભૂત પ્રસંગ યાદ આવે છે, જો એનો મર્મ સમજાય તો આપણે આપણી માથે જે કંઇ જાત જાતની માન્યતાઓનાં પોટલાં ઊંચકીને આજીવન ચાલતા રહીએ છીએ એમાંના ઘણાં ઊતરી જાય!
            વાત કૈંક આમ છે; કાકા સાહેબ, સ્વામિ આનંદ અને અનંતબુવા આ ત્રણ હિમાલયના પ્રવાસે પગપાળા નીકળેલા, એક પછી એક પહાડોના ચઢાણ પછી એક દિવસ એક ગામમાં રાતવાસો કરવા રોકાયા. રાત્રે ગામલોકોની સાથે અલકમલક્ની વાતો ચાલતી હતી એમાં ગામના એક વૃધ્ધાની જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં કાકા સાહેબે પોતાના વતન વિશે માહિતી આપી કે “અમારા પ્રદેશમાં આવા અને આટલા બધા પહાડો ના હોય પણ સપાટ મેદાનો હોય...” આ સાંભળી પેલાં વૃધ્ધાએ થોડાક આશ્ચર્ય અને થોડી સહાનુભૂતીથી કહ્યું,” અરર..સાવ સપાટ મેદાનો હોય? તો તો તમને ચાલવામાં કેટલી બધી તકલીફ પડતી હશે નહીં?”

Sunday, December 18, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૮


ગળથૂથી:
ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा,
मैं  सजदे में  नहीं  था आपको धोखा हुआ होगा.
- दुष्यंत कुमार
-
જો દિવસની મુસાફરી હોત તો જે રસ્તાનું સૌથી મોટું આકર્ષણ હતું રાત્રીની મુસાફરીમાં સૌથી મોટું જોખમ બની જતું હતું, એટલે જંગલી હાથીઓની બીકે અમારે મૂળ પ્લાનિંગ મુજબ જે રસ્તે જવાનું હતું એના બદલે બીજો રસ્તો લેવો પડ્યો હતો. કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે સીધું પહોંચાડવું! રાત્રીની મુસાફરીને કારણે કેરળના સુંદરત્ વિસ્તારની મુસાફરી અમારા માટે આનંદદાયક ને બદલે સજા હતી અને અમે રસ્તામાં અમારા પેકેજ મુજબનું જે જોવાનું અને ફરવાનું હતું એવું Signal Point View, Lockhart Gap View, Chinnakkanal Falls , Panniar Dam, Tea Factory, Spice Plantation વગેરે વગેરે ગુમાવી આશરે ૧૦૦થી ૧૧૦ કીમીની મુસાફરી કરી ઉજાગરા અને થાકથી લોથપોથ હાલતમાં અમારી હોટલ સાન્ડ્રા પેલેસ, કુમિલી પહોંચ્યા ત્યારે સવારના વાગી ચૂક્યા હતા અને ચક્કાજામના એલાનને કારણે થનારી તકલીફથી છટકી ચૂક્યા હતા. કુમિલી અને ઠેકડી એટલાં હળીમળી ગયેલાં છે કે એમાં ક્યું કુમિલી અને અને ક્યું ઠેકડી અમને હજુ સુધી સમજાયું નથી! અમે અમારા શેડ્યુલ મુજબ સાંજે અહીં પહોંચવાના હતા પણ સવારે વહેલા પહોંચી ગયા એટલે હોટલના રૂમ સાફ થઈને તૈયાર નહોતા પણ અમારી હાલત એવી હતી કે ફૂટપાથ પર પણ ઊંઘ આવી જાય, એટલે કોઈ પણ જાતની લપ્પનછપ્પન કર્યા વગર, જે રૂમ મળ્યા એમાં ઘૂસી ને પથારી ભેગા તે વાગ્યા સીધા સાડા અગિયાર!
               
                હા, અમે હવે ઠેકડીમાં હતા, એ ઠેકડી જ્યાં ભારતની સૌથી મોટી વાઇલ્ડલાઈફ સેન્ચુરી પેરિયાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, એ ઠેકડી જ્યાં ૧૨૦ વર્ષ જૂનો સુરકી ડેમ આવેલો છે અને ભારતનું એક્મેવ ટાયગર રિઝર્વ, પેરિયાર ટાયગર રિઝર્વ અહીં આવેલ છે. ૭૭૭ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી માણવા માટે કેરાલાના જંગલખાતાએ સરસ વ્યવસ્થા કરી છે, જંગલખાતા દ્વારા સામાન્ય ફી માં મુલાકાતીઓને બોટ દ્વારા દોઢથી બે કલાક માટે પેરિયાર લેઇક ફેરવવામાં આવે છે, એક બોટની ક્ષમતા ૧૦૦ થી ૧૫૦ જેટલા પેસેન્જરની હોય છે અને આવી પાંચ બોટ રાખવામાં આવેલી છે પરંતુ મુલાકાતીઓનો ધસારો એટલો બધો હોય છે કે સવારે સાત વાગ્યાના પહેલા ફેરા માટે સવારે છ વાગ્યે ટીકીટબારી ઊઘડે છે પરંતુ વહેલી સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભી જવું પડે છે! અમે બીજા દિવસે સવારે લાઈનમાં ઊભવાનું ટેન્શન લઈ બપોરે લંચના સમયે બ્રેકફાસ્ટ કર્યો અને ચક્કાજામના કારણે ટાઉનના વિસ્તારથી બહારતો જવા એમ હતું નહીં એટલે વળી પાછા હોટેલની રૂમમાં પૂરાઈને ઊંઘની ખાધ પૂરી કરી!

        ઊંઘીને કંટાળ્યા એટલે ચારેક વાગ્યે વળી પાછા ટાઉનમાં આંટો મારવા નિકળ્યા, બજારમાં મોટા ભાગે સ્પાઇસની દુકાનો દેખાતી હતી અને એમાં જયારે અમુક દુકાન ઉપર સાઇન બોર્ડમાં (ભલે ભાંગીતૂટી) ગુજરાતીમાં લખાયેલા મસાલાના નામ વાંચ્યા ત્યારે ગુજરાતથી આટલે દૂર જાણે કોઈ સ્વજન મળી ગયું હોય એટલો આનંદ થયો! અલબત્ત, મુન્નારમાં અને અહીં દરક સ્થળે, ગુજરાતી ઉચ્ચારો તો કાનમાં એટલા બધા રેડાતા રહ્યા કે ક્યારેક તો અમને શંકા જતી હતી કે અમે ગુજરાતમાં તો છીએ કે ગુજરાતની બહાર! જે કોઈ પણ સ્થળે ગયા ત્યાં સૌથી વધારે ગુજરાતીઓની ભીડ હતીને અને પછી બીજા નંબરે મહારાષ્ટ્રીયન. અને એટલે જ અહીં મોટાભાગની દુકાન ઉપર ગુજરાતી અને મરાઠી શબ્દો લખેલા દેખાતા હતા. સ્પાઈસ માર્કેટમાં અમે જ્યારે દુકાનની અંદર ગયા અને ભાવ જાણ્યા ત્યારે અમારો સ્પાઈસ ગાર્ડમાંથી ખરીદીનો જે આનંદ હતો એ ઓસરી ગયો! અહીં મરી-મસાલાની ગુણવત્તા સારી હતી અને ભાવ પણ ઓછા.એટલે પરત જઈએ ત્યારે કેરાલાના સંભારણા તરીકે સ્વજનોને ગિફ્ટ આપવામાટે અહીં કેટલાંક ગિફ્ટપેક તૈયાર કરાવી લીધાં.
       
        અહીં ઠેકડી મરી-મસાલા માટે પ્રખ્યાત છે એમ આયુર્વેદિક સારવારની સાથે સાથે માર્શલ આર્ટ કલરીપટ્ટુ અને પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કથકલી માટે પણ જાણીતું છે. એમ કહેવાય છે કે કલરીપટ્ટુ એ ૩૦૦૦ વર્ષ જૂની અને આજની તમામ માર્શલ આર્ટસ ની જનેતા છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામે આની શરૂઆત કરેલી પછી ધીમે ધીમે બૌધ સાધુઓ એને થોડા ફેરફારો સાથે ચીન લઈ ગયા ને કુંગ ફૂ તરીકે પ્રસાર થયો. જોકે અમારામાંથી બહુમતીને એ જોવા જવામાં રસ નહોતો એટલે બજારમાં ફરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

        ઠેકડીમાં ત્રણ-ચાર શુધ્ધ શાકાહારી રેસ્ટોરંટ છે, રાત્રીના ભોજન માટે એમાંથી સેલ્વમની ભલામણથી લોર્ડ અન્નપૂર્ણા અમે પસંદ કરી. આજે અહીં ઠેકડીમાં ટુરીસ્ટની બહુજ ભીડ અને એ ભીડમાં પણ ગુજરાતી વધારે અને શાકાહારી રેસ્ટોરંટ ઓછાં એટલે સ્વાભાવિક છે કે અહીં લોર્ડ અન્નપૂર્ણામાં બહુજ ભીડ હતી, એટલે સર્વિસમાં વાર લાગતી હતી પણ ફૂડ પ્રમાણમાં ઘણું સારૂં હતું, ખાસ કરીને કેરાલા પરાઠા મને બહુજ પસંદ આવ્યા. અહીં એવા પણ ઘણા પ્રવાસી હતા જે આજે પેરિયાર વાઇલ્ડ સેન્ચુરીની મુલાકાતે જઈ આવ્યા હતા, એમને મળીને જાણવાની કોશીશ કરી તો જાણવા મળ્યું કે મોટાભાગનાને બે-ચાર હરણ સિવાય ખાસ કંઇ જોવા મળ્યું નહોતું! એટલે પછી અમે પણ નક્કી કર્યું છે ખાલી હરણને જોવા માટે રાતની ઊંઘ કુરબાન નથી કરવી, સવારે નિરાંતે ચા-નાસ્તો પતાવીને પછી જ જવું અને જો તક મળે તો નવ થી અગિયારની ટ્રીપમાં જઈ આવવું. એ મુજબ સવારે બ્રેકફાસ્ટ પછી જ અમે પેરિયાર સેન્ચુરી સુધી ગયા અને ત્યાં પાર્ક કરેલાં વાહનોની સંખ્યા પરથી જ અંદાજ આવી ગયો કે કોઈ ચાન્સ નથી! અને સાચ્ચેજ ત્યાં અમને કેટલાક એવા પરિવાર મળ્યા જે સવારે ચાર વાગ્યાથી ટિકીટ માટે લાઇનમાં ઊભા હતા અને એમનો વારો છેક બપોરના બે વાગ્યાની ટ્રીપમાં હતો! અમે ઊંઘ બગાડીને વહેલા લાઈનમાં ન ઊભવાના અમારા ડહાપણભર્યા નિર્ણયથી ખુશ હતા, પણ ખરેખર જોવા જઈએ તો આગલા દિવસે નાઇટ જર્નીને કારણે ઓન ધ વે આવતાં જોવાનાં સ્થળ તો અમે ગુમાવીજ દીધાં હતા અને આજે ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્ષણ કહી શકાય એવું આ પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી જોવાની ની તક પણ ગુમાવી. આમ આખી વાતનો સાર આટલો નીકળે કે ઠેકડીમાં અમે માત્ર હોટેલ સાન્ડ્રા પેલેસમાં આરામ કરવા માટે જ આવ્યા હતા!
       
        બપોરે લંચ પછી ઠેકડી છોડ્યું અને અમારી કાર કોચી તરફ દોડતી હતી. વચ્ચે આવતાં દરેકે દરેક ગામ લાલ ઝંડા ને લાલ રંગના તોરણોથી શણગારેલાં હતાં, આ વિસ્તારમાં સામ્યવાદીઓનું વરચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. રસ્તામાં કોચીની નજીક પહોચીને એક જગ્યાએ કેરલાના પરંપરાગત પીણા તાડીની લિજ્જત માણી.

        છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતી ખારી હવામાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ? એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ? ના, કશીજ ભૂલ નથી થતી, સભાનપણે અને સકારણ આ શબ્દ અહીં લખાયો છે!

ગંગાજળ:
આજે એક ભોળા માનવીના ભોળપણનો સાચૂકલો કિસ્સો:
લગભગ બાવીસેક વરસ પહેલાંની વાત છે, મારા એક દોસ્ત પ્રદીપના લગ્ન હતાં અને એની તૈયારીરૂપે ઘરમાં રંગરોગાન ચાલતું હતું. એ અરસામાં પ્રદીપે નવા નવા કોન્ટેક લેન્સ કરાવ્યા હતા, એ પેલા રંગકર્મી, સોરી...સોરી.. કલર કરવાવાળાની(થિયેટરવાળાની લાગણી દુભાઇ જાય ભાઈ!) નજર સામે લેન્સને એની ડબ્બીમાંથી કાઢીને અરિસામાં જોતાં જોતાં આસ્તેથી આંખમાં પહેર્યાં, હવે આ આખી પ્રક્રિયા પેલો કલર કરવા આવેલો કારીગર કુતૂહલથી જોઈ રહેલો એટલે છેવટે એણે પૂછ્યું કે આ શું છે? અમે એને વિગતવાર સમજાવ્યું કે આ હવે આ રીતે ચશ્માના વિકલ્પે આવેલ છે અને આ રીતે વાપરી શકાય છે...ત્યારે એ ભોળા માનવના મોઢામાંથી વિસ્ફારીત આંખે જે શબ્દો નિક્ળ્યા એ આ હતા, “ સરકારે પણ કેવી કેવી યોજના કાઢી છે!”
કેરાલા ટુરિઝમની પેરિયાર ખાતેની બુકીંગ  ઓફિસ

Saturday, December 10, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૭


ગળથૂથી:
             ક્યારેક ક્યારેક બહુમતીનો અર્થ એ થાય છે કે લગભગ બધાજ મૂર્ખ એકમત છે!
            
             અમારી ઇન્ડિકા બન્ને બાજુ ચા ના બગીચાઓ વચ્ચે કાળી સડક પર ટોપ સ્ટેશન તરફ દોડી રહી હતી, અને એ સડક ઉપરથી સાઇડમાં રહી ગયેલ મુન્નારના મકાનો લીલીછમ્મ ટેકરીઓ ઉપર ઘેટાં ચરતાં હોય એવાં દેખાતાં હતાં. રસ્તો ચઢાણવાળો અને કાતિલ વળાંકોથી ભરપૂર હતો પણ અમારો ડ્રાયવર સેલ્વમ, ખુબજ કુશળ અને પોતાના કામમાં માહિર હતો, ક્યારેક વળાંકમાં સામેથી કોઈ કાર અચાનક આવી જાય ત્યારે થોડીવાર ધબકારા વધી જાય એવું શરૂઆતમાં થતું હતું પણ પછી અનુભવે સેલ્વમ પર ભરોસો બેસી ગયો હતો.
             આટલા દિવસ પછી સેલ્વમ અમારા માટે હવે ફક્ત ડ્રાયવર જ નહોતો પણ એક ગાઈડની સાથે સાથે એક ફેમિલી મેમ્બર પણ હતો, નાની નાની બાબતમાં પણ એ અમારી પૂરતી કાળજી લેતો હતો અને અમે પણ એની સાથે હળી મળીને એના ગામ વિશે, એની પત્ની અને એના બન્ને બાળકો મોટો ચાર વરસનો શિવા અને નાના છમહિનાના શ્રી હરિ વિશે રસપૂર્વક વાતો કરતા, વચ્ચે એની પત્ની સરીથાનો ફોન આવે ને એમાંથી પણ કોઇ એવી વાત હોય તો અમારી સાથે વાત કરે. સેલ્વમની એક ખાસિયાત હતી જે આજસુધી અમને બીજા ડ્રાયવરોના જે અનુભવ હતા એનાથી એને અલગ પાડતી હતી, સામાન્ય રીતે ડ્રાયવરને જમવાનું પેસેન્જરની સાથે અને પેસેન્જરના પૈસે હોય છે, પેસેન્જરની આ મોરલ ડ્યુટી હોય છે જેને મોટાભાગના ડ્રાયવર એક્દમ ધાર્મિકપણે વળગી રહેતા હોય છે! પણ સેલ્વમ શક્ય હોય ત્યાં સુધી પોતાના માટે સસ્તામાં સસ્તું જમવાનું શોધી ને જમી લેતો, જેની અમને ખબર પણ પછી પડે! એક્વાર તો હાઈ વે પર અમે બધા સાથે જ્મ્યા પણ એણે અમને એનું બીલ ચૂકવવાની ના પાડી, પછીથી એણે કહ્યું કે ત્યાં ડ્રાયવરને માટે કન્સેશન રેટમાં ૨૦ રૂપિયામાં થાળી હતી જે્ના અમે ચૂકવત તો પૂરા પૈસા લેત.
             અમારી ઈન્ડિકા જેમ જેમ આગળ વધતી હતી એમ કુદરતે પોતાનો રંગ બદલવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે છાંટા ચાલુ થયા ને પછી વરસાદ. છત્રીસ કિલોમીટરનો પલ્લો કાપીને અમે જ્યાં ટોપ સ્ટેશન પહોચ્યા ત્યારે તો એવી જમાવટ થઈ ગઈ કે ગાડીમાંથી ઉતરવાનું પણ શક્ય નહોતું. હવે અમે તામિલનાડુની હદમાં હતા, ત્યાં છેલ્લો એક કિલોમીટર જેટલો રસ્તો પણ એકદમ ખરાબ, કાચો અને સાંકડો હતો અને એમાં ધોધમાર તૂટી પડેલા વરસાદ વચ્ચે, ટોપ સ્ટેશનનો નઝારો માણવા આવેલા મુલાકાતીઓની ગાડીઓની લાંબી લાઇન હતી. અમે વરસાદ અટકે એ આશાએ ગાડીની અંદર ધીરજપૂર્વક બેઠા હતા એ આશાએ કે ’ફ્ળ મીઠાં’ વાળી કહેવત સાચી પડે! અને એ કહેવત સાચી પડી પણ ખરી પરંતુ જરા જુદી રીતે, ત્યાં આજુબાજુમાં લાગેલી હાટડીઓમાં એક નવી જ જાતનું ફ્રૂટ નજરે પડ્યું, એટલે કુતૂહલવશ, પલળવાનું જોખમ લઈને પણ એ ખરીદ્યું અને ચાખ્યું તો બહુજ મીઠું હતું, એનું નામ પૂછ્યું તો જાણવા મળ્યું ’પેશન્સ ફ્રૂટ’! પણ વરસાદે તો બિલકૂલ મચક ના આપી તોયે બહેન-બનેવી પલળવાનું જોખમ લઈનેય ઊતરીને ઊંચાઇ ઉપરથી દેખાતું ખીણનું સૌંદર્ય માણવા ગયા પણ વેરી વરસાદ દસ ફૂટથી વધારે દૂરનું ક્યાં જોવા દે એમ હતો! છેવટ અમે હિંમત હારી અને પાછા વળ્યા મુન્નાર તરફ, પણ આ શું? જેવા ચાર પાંચ કિલોમીટર વટ્યા કે વરસાદ બંધ! આને અવળચંડાઇ કહેશું કે પછી માણસવેડા?
             પણ અરધીએક કલાક પછી અને કેટલાક કિલોમીટર કાપ્યા પછી એક જ્ગ્યાએ બધાં વાહનો સાઈડમાં રોકાઇ ગયેલાં અને રસ્તાની બીજી બાજુ લોકોનાં ટોળાં કંઈક જોતા હોય એવું લાગ્યું, કુતૂહલવશ અમે પણ ગાડી પાર્ક કરી અને ટોળાંમાં જોડાયા ને અમને જે દ્રશ્ય જોવા મળ્યું એથી અમારો ટોપસ્ટેશનથી ખાલી હાથે પરત થવાનો અફસોસ તો દૂર થઈ જ ગયો અને માત્ર આજનો જ નહી પણ સમગ્ર કેરાલાનો ધક્કો વસૂલ થઈ ગયો એમ લાગ્યું, રસ્તાથી પચ્ચીસ ત્રીસ મીટર દૂર, ખીણમાં જંગલી હાથીનું એક ટોળું આરામથી આજુબાજુ શું બની રહ્યું છે એની પરવા કર્યા સિવાય ચરતું હતું. છ હાથી હતા એમાં પાંચ પુખ્ત ને એક મદનિયું. હાથીની કુટુંબપ્રિયતા વિશે આજસુધી વાંચ્યું હતું પણ આજે પ્રત્યક્ષ જોયું. ચરતી વખતે મદનિયું બધા હાથીથી ઘેરાયેલું રહે એનો સભાનતાપૂર્વક પ્રયાસ થતો હતો એટલે અમને માંડ માંડ એની ઝલક જોવા મળતી હતી અને એનો ફોટો ખેંચવામાં તો સફળતા મળી જ નહીં! થોડું દેખાય, કેમેરા તાકીએ ને વળી પાછું બીજા હાથી એને સંતાડી દે, આતો જાણે બેબી ’બી’!
              સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાંથી એસ.ટી. બસ દ્વારા પસાર થતી વખતે એના કુદરતી આવાસમાં વિહરતા સિંહોના દર્શનનો લાભ ઘણી વાર મળ્યો છે પણ આ ધરતી પરના સૌથી કદાવર પ્રાણીને આ રીતે આઝાદ રીતે શ્વાસ લેતું પહેલી વાર જોયું ને મનને ખરેખર સારૂં લાગ્યું! જીવનમાં પહેલી વાર જોવા મળેલા આ દ્રશ્યને અમે બધાએ મનભરીને માણ્યું અને પછી ફરી પ્રયાણ મુન્નાર તરફ.
             રસ્તામાં Gundala Lake અને ત્યારબાદ Madupetty Dam અને ત્યાં આવેલ ઇકો પોંઈટ જોવા રોકાયા પણ ત્યાં નદીને કાંઠે લાગેલી હાટડીઓની હાર નદીના સૌંદર્યની ગળી જતી હતી અને ઈકો પોંઇટને અમારી વાતનો પડઘો પાડવામાં રસ હોય એવું લાગ્યું નહીં પણ અહીં લોકો પોતાના અવાજોનો પ્રતિધ્વની સાંભળવા માટે જે જાતજાતના ચિત્રવિચીત્ર અવાજો કરતા હતા એ ખરેખર મનોરંજક હતું!
             નૂરગિરી રેસ્ટોરંટમાં બપોરે સાડાત્રણ- ચાર વાગ્યે લંચ પતાવ્યા પછી આ રસ્તા ઉપરનું અમારૂં છેલ્લું ડેસ્ટીનેશન હતું બ્લોસમ પાર્ક જ્યાંથી મુન્નાર હવે માત્ર ત્રણ કિલોમીટર દૂર હતું. માત્ર દસ રૂપિયાની પ્રવેશફીમાં કેરાલા સરકારની માલિકીના બ્લોસમ પાર્કમાં જે અદ્‌ભૂત કુદરત અને એના વિવિધ રંગો માણવા મળ્યા એ અહીં શબ્દોમાં બયાં કરવાનું શક્ય નથી એના માટે તો રૂબરૂ જ જવું પડે! અહીં એ ગુલદસ્તામાંથી માત્ર થોડા ફોટા મૂક્યા છે જેનાથી આછી-પાતળી ઝલક મળે.
             સાંજે મુન્નાર પાછા ફરતી વખતે સેલ્વમભાઇએ મોંકાણ ના સમાચાર આપ્યા કે ઠેકડી જવા માટે જે બીજા દિવસે સવારે નવ વાગે નીકળવાનું હતું એના બદલે રાત્રે દોઢ વાગ્યેજ નીકળી જવું પડશે, કારણ કે પેટ્રોલમાં આવેલા બે રૂપિયાના વધારાને કારણે તે દિવસે કેરળ બંધનું એલાન હતું, અને અમારે જે રસ્તે મુન્નારથી ઠેકડી જવાનું હતું એ હતો લાલભાઇઓનો ગઢ, એટલે બંધના એલાનમાં ચકલુંયે ફરકી ના શકે! સાંજે મુન્નારની બજારમાં આંટો મારી, સર્વાનાભવનમાં જમી ને પાછા હોટેલ ટી કેસલ ઉપર આવી ગયા, કેમ કે સામાન પણ પેક કરવાનો હતો અને સવારે છ વાગ્યાથી બંધનું એલાન લાગુ પડે એ પહેલાં ઠેકડી સુધીનો રસ્તો કાપી નાખવાનો હતો એટલે રાત્રે દોઢ-બે વાગ્યે નીકળવામાં અમારી સાથે બીજી પાંચ કાર પણ હતી. પણ ત્યારે એ ક્યાં ખબર હતી કે ઠેકડી અમારી ઠેકડી જ કરવાનું હતું!

ગંગાજળ:
મમ્મી એટલે એક એવી વ્યક્તિ જે તમે નાના હતા ત્યારે વહેલી ઊઠીને એક કપ ચા બનાવી આપતી હતી, હવે તમારૂં લગ્ન થઈ ગયું છે એટલે વહેલી ઊઠીને બે કપ ચા બનાવી આપે છે!

Saturday, December 03, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૬


ગળથૂથી:
મોટાભાગના લોકો પોતાના દિમાગનું મૂલ્ય સમજે છે એટલે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે પરંપરાઓને પસંદ કરે છે!
ઝરૂખામાંથી
કેરલા પ્રત્યે કુદરતનો પક્ષપાત ઊડીને આંખે વળગે એમ દેખાઇ આવે છે, નહીંતર આ દેશમાં ક્યું એવું રાજ્ય છે જેને ગોવા જેવા સુંદર સુંદર સમુદ્રના બીચીઝ ની સાથે સાથે કાશ્મીરની જેવા લીલાછમ પર્વતોની સુંદરતા પણ સાંપડી હોય! તમીલ શબ્દો Munu (વૃક્ષ) અને aaru(નદી) મળીને આ નામ પડ્યું છે મુન્નાર. 1600 મીટરની ઊચાઇએ નજર પહોંચે ત્યાં સુધી ચા ના બગીચાથી છવાયેલી કાનન દેવનની પહાડી ઉપર  Madhurapuzha, Nallathanni અને Kundaly નદીઓનો સંગમ અને એ સંગમ ઉપર આવેલું મુન્નાર દક્ષિણના કાશ્મીર તરીકે ઓળખાય એમાં નવાઈ ખરી?
ટી મ્યુઝીયમ
        અમારી હોટલ ટી કેસલ, હાઈ વે ને સ્પર્શીને, એક ખીણની ધાર ઉપર હતી જેના દશમાંથી પાંચમો માળ ગ્રાઉન્ડ ફ્લોર હતો બાકીના નવમાંથી પાંચ ઉપર અને ચાર નીચે ખીણમાં!(આ અજબ સ્થાપત્યને કારણે અમે લિફ્ટની ચાંપ દાબવામાં વારંવાર ગોટાળા કર્યા!) અમારો મુકામ નવમા માળ ઉપર હતો. સવારે અમારા ભાગના ઝરૂખામાંથી બહાર નજર નાખીતો દિલ બાગ બાગ થઈ ગયું. ઝરૂખાની બરાબર નીચે ઊંડી ખીણ જે થોડે દૂર જતાં ઉપર ચડીને પર્વતનું રૂપ લઈને પોતાની ચા ના બગીચાથી લીલીછમ ગોદમાં દોડાદોડી કરતાં પોમેરેનિયન જેવાં શ્વેત બચુકડાં વાદળાને રમાડતી હતી!
એડીંગ મશીન
8mm પ્રોજેક્ટર

        મુન્નારમાં અમારૂં સૌથી પહેલું લક્ષ્ય હતું, ટી મ્યુઝીમ જોવાનું, આપણને એમ કે ટી મ્યુઝીયમમાં તે વળી શું જોવાનું હોય? બહુ બહુ તો અલગ અલગ જાતની ચા બતાવતા હશે! પણ અંદર એન્ટ્રી લીધી ત્યારે ખબર પડે કે આ મ્યુઝીયમ તો એના પેટમાં ચા સિવાય પણ બીજો ભૂતકાળ સંઘરીને બેઠું છે! જૂના જમાનાનું ૮ એમ એમ અને ૧૬ એમ એમ ના પ્રોજેક્ટર, આજના કેલ્ક્યુલેટરના પરદાદા સમું એડીંગ મશીન (જે એના નામ મુજબ માત્ર સરવાળામાં જ કામ લાગતું), લાકડાનું બાથટબ, જૂના ટેલિફોન અને મને સૌથી રસપ્રદ લાગ્યું એ જૂનું ટેલિફોન એક્સચેન્જ, આજની મોબાઇલીયા જનરેશનને કદાચ ચકરડું ઘુમાવીને ડાયલ કરાતો ફોન ફિલ્મોમાં જોયો હશે પણ જો એને કહીએ કે આજથી ચાલીસ પચાસ વરસ પહેલાં એવા ફોન હતા જેમાં ડાયલ કરીને પણ નંબર લગાડવાની સગવડ નહોતી પણ વચ્ચે એક માણસ રહેતો જેને કહેવું પડતું કે મને અમુક તમુક નંબર જોડી આપો એટલે એ આ દર્શાવેલ મશીનમાં પીન ભરાવીને નંબર જોડી આપે પછી જ વાત થઈ શકતી તો કદાચ એ લોકોને આ પરીકથા લાગે! આ બધો અમૂલ્ય ખજાનો જોયા પછી અમને ઉપર એક સાંકડા હોલમાં લઈ જવામાં આવ્યા જ્યાં મોટા મોટા ટાંકાઓમાં ચાના પાંદડાં સૂકવવા માટે રાખેલાં હતાં એની ફરતે તમામ મુલાકાતીઓને ગોઠવવામાં આવ્યા અને એક કર્મચારીએ એક થોડી ઊંચી જગ્યાએ ગોઠવાઈ અને મલયાલમ લઢણ વાળી અંગ્રેજીમાં આ ચા ઊગાડવાથી માંડીને ને કઈ રીતે વિણવામાં આવે છે અને પછી અહીં લાવીને એના ઉપર કઈ કઈ પ્રકિયા કરવામાં આવે છે એ સડેડાટ ઝૂડવા માંડ્યું જે ત્યાં હાજર સાડત્રણસોથી ચારસો મુલાકાતીઓમાંથી મોટા ભાગનાને ટચ કર્યા વિના ઉપરથી જાયે સ્વાભાવિક હતું! મુલાકાતીઓમાંથી એક ગુજરાતી ભાઇએ ઉગ્ર વિરોધ નોંધાવીને હિન્દીની માગણી કરી પણ પેલો બંદો ક્યાંથી માને! કેમકે એના માટે એ શક્ય નહોતું! છેવટે જેમ તેમ એ પ્રવચન સહન કરી બધા નીચે બીજા એક હોલમાં આવ્યા જ્યાં ચા ની લીલા પાંદડાં માંથી કાળી ભૂકી સુધીની યાત્રા જોવા માટે એક મિની પ્લાન્ટ હતો જેમાં ચા ના પાંદડાં નાખ્યા પછી છેક છેલ્લે અલગ અલગ સાઇઝની ચાળણી દ્વારા અલગ થતી ચા ની ભૂકી જોઇ. અહીં કંપનીનીજ રીટેઇલ શોપ હતી, ત્યાંથી જાત જાતની ચા ની ખરીદી અમે અને અમારા જેવા બીજા બધાએ કરી, છેલ્લે કંપની તરફથી અમને કોમ્પલીમેન્ટરી ચા પીવડાવવામાં આવી જે મારા માટે એક સજા હતી કેમકે ચા મશીનની હતી.
        Eravikulam Rajamalai National Park કે જ્યાં પહાડી બકરાની પ્રજાતિ છે અને એવું કહેવાય છે કે લગભગ વિનાશના આરે પહોંચેલી આ પ્રજાતિની વિશ્વમાં જેટલી વસ્તી છે એની અરધી તો અહીં જ છે. ટી મ્યુઝિયમ જોયા પછી અમે અહીં પહોંચ્યા જ્યાંથી ટીકિટ કઢાવી અમારે પાર્કની બસમાં બેસીને અંદર લગભગ પંદરેક કિલોમીટર જેટલું જવાનું હતું, પણ પાર્કમાં પ્રવેશવા માટેની મુલાકાતીઓની લાઇન જોઇ અમારાં મોતિયાં મરી ગયાં! હાલત જોતાં એવું લાગતું હતું કે વારો આવવામાં બેથી ત્રણ કલાક નીકળી જાય એમ હતા એટલે પછી બકરાઓને બકરીઓના ભરોસે છોડીને અમે ટોપ સ્ટેશન જવાનું વધારે યોગ્ય માન્યું. (આગલા હપ્તામાં સંજુભાઇની બે બકરા વાળી કોમેન્ટ વાંચ્યા પછી થયું કે જો આટલો સમય બગાડીને લાઈનમાં ઊભીને ગયા હોત તો ખરેખર ’બકરા’ બન્યા હોત!)
        ટોપ સ્ટેશન એ મુન્નારથી ૩૬ કિલોમીટર દૂર, તામિલનાડુની સરહદ ઉપર સમુદ્રથી ૧૯૦૦ મીટરની ઉંચાઇએ આવેલી જ્ગ્યા છે, જ્યાંથી તામિલનાડુ અને કેરાલા બન્ને દેખાય છે, આ જ્ગ્યાની બે વિશેષતાઓ છે જે એને ખાસ બનાવે છે એક તો એ ભારતમાં સૌથી ઊંચી જગ્યા છે જ્યાં ટી પ્લાન્ટેશન છે અને બીજું તો ખરેખર અજાયબી કહી શકાય એવું છે, અહીં નીલકુરીન્જી (Neelakurinj) નામનું એક રૅર કહી શકાય એવું ફૂલ થાય છે જે બાર વર્ષે એક વાર ખીલે છે ત્યારે આ આખો વિસ્તાર ટી પ્લાન્ટના લીલા અને નીલકુરીન્જીના નીલા રંગોથી છવાઇ જાય છે. છેલ્લે ૨૦૦૬માં આ ફૂલો ખીલ્યાં હતાં એટલે ૨૦૧૮ માં ચાન્સ લેવા જેવો ખરો!
        અમારા ભાગે નીલકુરીન્જી તો જોવાના હતાં જ નહીં એ તો અમને ખબર જ હતી પણ ટોપ સ્ટેશન પહોંચીને પણ કુદરતના હાથે બકરા બનવાનું છે એ ખબર નહોતી!
ગંગાજળ
મંદિર-મસ્જીદ-ગુરૂદ્વારાની
દિવાલો વચ્ચે
અકળાયેલું પરમતત્વ
વ્યથિત સ્વરે
પૂછે છે:
હું તને પામવા મથું છું,
હે માણસ,!
તું ક્યાં છો???”
-શૈલેન રાવલ.


       

Sunday, November 27, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૫


               ગળથૂથી:
"આ ગુજરાતી ભાષા જેવી સરળતા જો બીજે ક્યાંક જોવા મળે, તો તમે નવી શોધ કરી છે એમ માનજો."
-ફાધર વાલેસ

               આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી, હવે ઘાટનો રસ્તો શરૂ થઈ ગયો હતો, અને અંશુલની ઊલ્ટીઓ પણ! અંશુલને કારની મુસાફરીની એલર્જી છે, જ્યારે પણ કારમાં અરધા કલાકથી વધારે મુસાફરી કરવાનું થયું છે ત્યારે ઊલ્ટી થાય જ છે એટલે પૂર્વતૈયારી રૂપે પ્લાસ્ટીકના ઝબલાં ભેગાં રાખવા સિવાય અમારી પાસે કોઇ ઇલાજ નહોતો! (જે ઈલાજ પહેલા દિવસે સાંજે અર્નાકુલમ ઉતર્યા ત્યારથી લઈને છેલ્લે અર્નાકુલમ થી ટ્રેન પકડી ત્યાં સુધી કામ લાગ્યો!)
વેલ્લેરા ધોધ
                મુન્નાર જ્યારે ૪૨ કિલોમીટર છેટું હતું ત્યારે ભારતના સુંદરતમ માર્ગોમાંના એક NH49 ઉપર અમારા માટે સૌથી પહેલું નજરાણું હતું તે હતો અર્નાકુલમ જીલ્લાની પૂર્વે સરહદ ઉપર અને ઈડ્ડુકી જીલ્લામાં દેવિયાર નદી પર આવેલ આવેલ વલ્લેરા ધોધ. અંગ્રેજીમાં આનો સ્પેલિંગ Valara એવો છે પણ સ્થાનિક લોકો વલ્લેરા અથાવા વલ્લારા એવો ઉચ્ચાર કરે છે. હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. અમે  પણ રોકાયા, ફોટા પડ્યા, આજુબાજુ લાગેલી હાટડીઓમાંથી વિન્ડો શોપિંગ કર્યું અને વલ્લેરાને આવજો કહેતા આગળ જવા નીકળ્યા. હજુ માંડ દશેક કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં અમારી જમણી બાજુ NH 49 થી થોડે દૂર ચીયપ્પારા(cheeyappara) ધોધ દેખાતો હતો, કોઇ અણમાનીતી રાણીના કુંવર જેવા આ ધોધને જોવા માટે એકલદોકલ કાર રોકાતી હતી અને એ પણ કારમાંથી નીચે ઉતરવાની તસ્દી લીધા વગર! એવું નથી કે આ ધોધ સુંદરતામાં કોઈ રીતે કમ હતો પણ મનભાવતાં ભોજન પેટભરીને ખાધા પછી આઇસ્કીમ પ્રત્યે પણ અરૂચી થઈ જાય, એવું જ કદાચ આ ધોધની સાથે પણ થતું હતું! એક કારણ એ પણ છે કે વલ્લેરા સાવ હાઈવે ને અડીને છે જ્યારે આ ચીયપ્પારા હાઈ વે થી સો દોઢસો મીટર જેટલો દૂર ઊભો છે, જે હોય તે પણ અમને તો સાત પગથિયાં ઊતરીને નીચે આવતો ચીયપ્પારા પણ એટલોજ વહાલો લાગ્યો!
ચીયપ્પારા ધોધ
                કેરાલા એના મરીમસાલાના ઉત્પાદન ને કારણે સદીઓથી વિદેશીઓ માટે પણ આકર્ષણ રહ્યું છે, જેમ મુન્નાર નજીક આવતું હતું એમ ઠેક્ઠેકાણે રસ્તામાં આવેલા સ્પાઈસ ગાર્ડનવાળા હાથ ઊંચા કરી અમને એમના સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપતા હતા. છેવટે આવા એક સ્પાઇસ ગાર્ડન Dreamland Spices Park પાસે અમારી કાર રોકાઇ અને અમે અમારી અને કેમૅરાની પ્રવેશ ફી ભરી ગાર્ડનમાં પવેશ્યા. ઊંધા શંકુ આકારના આ બગીચામાં ઉપરના ભાગમાં જાતજાતના મરી મસાલા અને ઔષધિનીની વનસ્પતી હતી અને વચ્ચે ખીણમાં ઢોળાવો ઉપર ચાના બગીચા. ખીણની ધાર ઉપર સાંકડી કેડી, અને કેડી પર હાથી પોતાની પીઠ ઉપર માણસો ને બેસાડીને ચાના બગીચામા ચક્કર મરાવતા હતા એ દ્ર્શ્ય ગમ્યું નહી. કોણ જાણે કેમ પણ ધરતી પરના સૌથી કદાવર અને તાકાતવર જાનવરને આમ લાચાર અવસ્થામાં માણસની ગુલામી કરતું જોઇને હમેંશા ખિન્નતાજ અનુભવી છે.
                વર્ષોથી જે મસાલાઓ ઘરમાં વપરાતા આવ્યા છે એના વૃક્ષો, વેલાઓ અને છોડ જોવાનું હમેશાં રોમાંચક લાગે છે, (આજની જનરેશન ને માટે ઘઉં,બાજરી અને ચોખા જેવાં  ધાન્યો કોઈ કારખાનામાં નથી બનતા પણ ખેતરમાં પાકે છે એ પણ સ્કૂલમાં ભણવામાં આવે ત્યારે ખબર પડે છે!) પરંતુ અમારા આ વનસ્પતીઓ જોવાના ઉત્સાહ ઉપર એક તો વરસાદે ઠંડું પાણી રેડવાનું ચાલુ કર્યું અને બીજું એ પાર્કના સ્ટાફને અમારા જેવા પર હેડ ૧૫૦ રૂપિયા જેવી ફી ચુકવનાર કડકા ગ્રાહકો કરતાં હાથીની સવારી સાથેનું ૭૫૦ જેવું પેકેજ લેનારા મલાઇદાર ગ્રાહકોમાં વધારે રસ હોય એ સ્વાભાવિક હતું! અને એ બેવકૂફ જાનવર, ચાર અલમસ્ત હાથી પોતાના જ ઈલાકામાં, આ તુચ્છ માનવજંતુઓના પેટ ભરવા માટે અન્ય માનવિઓનું મનોરંજન કરવાની મજૂરી કરતાં હતાં!
                છેવટે અમે અમારી રીતે જ પાર્કની વનસ્પતિઓની સાથે ઓળખાણ કરવાની કોશીશ ચાલુ કરી. આ પાર્કનું ખરેખર આકર્ષણ કહી શકાય તો એના બે ટ્રી હાઉસ, એમાનું એક તો ખૂબજ ઊંચા વૃક્ષ પર બાંધેલું હતું. અને અન્ય આકર્ષણ હતું પાર્કમાં આવેલ રિટેઇલ શોપમાંથી મસાલાઓની ખરીદી કરવાનું. અમને અમારા તરફ એટેન્શન ના આપવામાં આવ્યું અને સરખી રીતે પાર્ક બતાવવામાં ના આવ્યો એનો અફસોસ, આ ખરીદી વખતે થોડો ઓછો થયો કે ચાલો બીજું કંઇ નહીં તો સસ્તા ભાવે મસાલાઓની ખરીદી તો થઈ! પણ એ આનંદ પણ જ્યારે આગામી દિવસોમાં ઠેકડીની સ્પાઇસ માર્કેટમાં પહોંચીએ ત્યાં સુધી ટકવાનો હતો એની અમને ત્યારે ખબર નહોતી!
                છેવટે અમે છ-સાત કલાકની મુસાફરી પછી થાક્યા પાક્યા અમારા ઉતારાની હોટેલ ટી કેસલ પહોંચ્યા જ્યાંથી મુન્નાર હજુ બાર કિલોમીટર દૂર હતું. રાત્રે જમીને એવી તો ઊંઘ આવી કે એકેય એવું સપનુંયે ના આવ્યું જેમાં ધોધ, ચાના બગીચા કે હાથી દેખાય!


ગંગાજળ:
આજે માણીએ ચોથા હપ્તામાં એક મિત્ર મિતેષ પાઠકે કરેલી કોમેન્ટમાંથી મજેદાર અંશ...
"મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે!"

Tuesday, November 22, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪



ગળથૂથી
કોઈ વ્યકિત એવો દાવો કરે કે એણે જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી, તો પ્રભાવિત ના થઇ જતા પણ એની દયા ખાજો કેમકે આનો અર્થ એ થાય કે એણે એના જીવનમાં કોઈ દિવસ કંઇ નવું કરવાની કોશીશ જ નથી કરી!
                            
                        કેરળની કુલ વિસ્તારની ૩૮ ટકા જમીન ઉપર નાળિયેરીના ઝાડ ઊભાં છે અને કેરળના અર્થ તંત્રમાં નાળિયેરના ઉત્પાદન નો બહુજ મોટો હિસ્સો હોવો સ્વાભાવિક છે, એટલે અમે પરત આવ્યા પછી અમેને જે સવાલ વારં વાર પૂછવામાં આવ્યો એ એ હતો કે તમે કેરલમાં નાળિયેર બહુ પીધાં હશે. આમાંથી કેટલાકનો ખ્યાલ તો એવો હતો કે કેરલામાં જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણીને બદલે નાળિયેર પાણી પીવા મળતું હશે! પણ ગમે તે કારણ હોય, કદાચ ટુરીસ્ટ્સ ના કારણે હોય પણ અહીં નાળિયેર રાજકોટ (કે જે ભારતના મોંઘામાં  મોઘા શહેરોમાં ક્યાંક ઉચ્ચ સ્થાને હોવાની બાદશાહી ભોગવે છે) કરતાંયે મોંઘાં હતાં. અમને હાઉસબોટમાં પણ અમે ૪+૧ હોવા છતાં ચાર જ નાળિયેર વેલકમ ડ્રિંક તરીકે આપવામાં આવેલાં!

                કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. ઠેકઠેકાણેથી આવી પડેલાં યાયાવર ટોળાંઓ પોતપોતાની હાઉસબોટમાં ઘુસીને જળવિહાર કરતાં હતાં અને એમનો આ જળવિહાર આ લેઇકના મૂળ માલિકીહક્ક ધરાવતાં બગલા, જલકૂકડી,બતક વગેરેના રોજીંદા કાર્યમાં વિક્ષેપરૂપ હતો પરંતુ બિચારાં કરે પણ શું? જેવો આ યાંત્રીક જળ રાક્ષસ એની બાજુમાં આવે એટલે ઊડી જઈને માર્ગ આપવા સિવાય બીજો માર્ગ ક્યાં હતો એમની પાસે? આ સરોવરમાં બગલાની અનેક પ્રજાતીઓ અને જાત જાતનાં બતક  થાય છે ઉપરાંત (આપણે જેનું અત્યારે લગભગ વાર્તામાં જ અસ્તીત્વ રહેવા દીધું છે એ) ઘર ચક્લી અને એવાં બીજાં અનેક પક્ષીઓ અહીં છે પણ આપણે એને એના કુદરતી નિવાસમાં પણ ક્યાં શાંતિથી રહેવા દઈએ છીએ?

                અમારૂં આજનું લંચ, ડીનર અને બીજા દિવસ સવારનો (હા ભૈ સવારનો જ!) બ્રેકફાસ્ટ આ બધું હાઉસબોટમાં જ. અમે હાઉસબોટના કૂકને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે અમે શુધ્ધ શાકાહારી છીએ, અમારા હાઉસબોટના કેરાલીયન કૂકે બપોરની રસોઇ ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનાવી હતી, પણ જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું!
                કેરાલા જવાનું હતું ત્યારે અમને સૌથી વધારે ચિંતા ખાવા બાબતની જ હતી, એક તો શાકાહારી ભોજન સહેલાઇથી મળશે કે નહીં અને મળશે તો આપણને ફાવે એવું હશે કે નહી, કેમ કે આપણે સિંગતેલમાં રાંધનારા જ્યારે એવું સાંભળેલું કે કેરાલામાં રસોઇમાં કોપરેલ તેલ વપરાય છે. આપણે રોજબરોજના જીવનમાં જાત જાતની માન્યતાનાં કેટકેટલાં બિનજરૂરી પોટલાં ઊંચકી ને ફરતા હોઇએ છીએ! રસોઇ તો અમુક તેલમાં જ થાય, અમુક ખોરાક ભારે કહેવાય અને અમુક હલકો, અમુક વાયડું પડે તો અમુક પચે નહી! અને આ બધીજ આપણી ધારણાઓને આપણે યુનિવર્સલ સત્ય ગણીને ચાલતા હોઈએ છીએ, પણ જો ખુલ્લા મને બહારની દુનિયામાં પગ મૂકીએ તો ઘણા બધાં પોટલાં નો બોજ( જો આપણી તૈયારી હોય તો) હલકો થઈ જાય છે, એક વરસ પહેલાંની એક વાત યાદ આવે છે હું જવાહર નવોદયમાં તાલિમ માટે ઓરિસ્સા ગયેલો. ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ચોખા, ત્યાંના પ્રિન્સીપાલ જે મારી સાથે જમવા બેસતા તે બપોરના ભોજન માં રોટલી ખાય નહીં પણ રાત્રે રોટલી ખાય એટલે મેં એમને કારણ પૂછ્યું તો કહે કે ચોખા એ ભારે ખોરાક કહેવાય અને ઘઊં એ હળવો ખોરાક એટલે રાત્રે હળવે ખોરાક લેવાય એ સારૂં! જ્યારે અહીં આપણે શું માનીએ છીએ? આનાથી બિલકુલ ઉલ્ટું, ચાલો અત્યારે કંઇક ભાત-ખિચડી એવું હલકું કરી નાખોને, રાત્રે સારૂં રહેશે! ( આ કિસ્સો મેં અહીં આવીને વડિલોને કહ્યો તો પણ એ લોકો હજુ પણ એમની વાત ઉપર અડગ છે કે ઘઊં એટલે ભારે ખોરાક અને ચોખા એટલે હળવો!)

                આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, પાણીમાં વચ્ચે વચ્ચે ઉગેલી તરતી વનસ્પતિ અને એના ઉપર માછલીનો શિકાર કરવા માટે ધ્યાનસ્થ થઈને બેઠેલા બગલાઓ, કિનારા ઉપરથી પાણીમાં ઝૂકીને પોતાનું પ્રતિબિંબ નિહાળતાં નાળિયેરીનાં વૃક્ષોનાં ઝૂંડ અને એ ઝૂંડની વચ્ચે સાવ કિનારે આવેલાં ગ્રામ્ય મકાનો જેના ઘરના ઊંબરાને આ પાણી પખાળતું હોય અને ત્યાં બેસીને જ આરામથી બહેનો કપડાં ધોતી દેખાય. ઘરનાં આંગણાં ને અડીને પાણીમાં એક નાનકડી હોડી પાર્ક કરેલી દેખાય જે આ લોકોને માટે અવર-જવરનું એક માત્ર સાધન છે. વચ્ચે વચ્ચે હલેસા વાળી હોડીમાં કોઈ માછીમાર માછલી લઈને જતાં દેખાય તો કોઇ હોડી કાચાં કેળાંની લૂમથી કે કંદથી ભરેલી દેખાય. બંગાળના ભાગલા માટે બદનામ લોર્ડ કર્ઝને આ વિસ્તારને પૂર્વનું વેનિસ કહીને કોઇ જ અતિશયોક્તિ નથી કરી! પરંતુ જો તમારે તમે જે આ હાઉસબોટ માટે આઠ-નવ હજાર ખર્ચ્યા છે એને બેક વોટરને બદલે ’પાણી’માં જવા દેવા હોય તો બોટમાં ઈડિયટ બોક્ષ પણ ડીશ કનેક્શન સાથે હાજર હોય જ છે!

                હાઉસબોટના યાદગાર ૨૧ કલાક પછી બીજા દિવસની સવારે ફરીથી પાછા કિનારે આવ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે અમારા સેલ્વમભાઇ રાહ જોઇને બેઠા હતા. ફરી પાછી એજ ઈન્ડિકાની સફર અને ઈન્ડિકા દોડવા લાગી ૧૪૧ કિલોમીટર દૂર આવલા મુન્નાર તરફ, મુન્નારમાં અમારા બે દિવસ પ્લાન કરેલા હતા એટલે એક નિંરાંત હતી કે ચાલો બધું શાંતિથી જોવાશે અને આરામ પણ થશે, પણ ત્યારે ક્યાં ખબર હતી કે મુન્નારમાં એકજ રાત શાંતિથી જવાની હતી અને બીજા દિવસે અરધી રાત્રેજ ઉચાળા ભરવા પડશે!



ગંગાજળ

બકરી અને રાજકોટની ઓટોરીક્ષામાં શું સમાનતા છે?
.
.
.
બકરીના ગળામાં આંચળ હોય છે એમ રાજકોટની ઓટોરીક્ષામાં મીટર હોય છે!

Friday, November 18, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૩


  

ગળથૂથી:
               જેના માથે દેવું નથી એજ સાચો પૈસાદાર છે –હંગેરિયન કહેવત  
       
               કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે? અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે? ન્યૂઝીલેન્ડના કવિ થોમસ બ્રેકનનાં કાવ્યોની એક બૂક ૧૮૯૦માં પ્રકાશીત થઈ, જેમાં પોતાના દેશ ન્યૂઝીલેન્ડ વિશે એક કાવ્ય હતું, જેનું શીર્ષક હતું. “God's Own Country” અને એ બુકનું નામ પણ હતું, ” God's Own Country and Other Poems આમ આ શબ્દો પહેલવેલા ત્યારે વાપરવામાં આવ્યા એમ કહી શકાય. પરંતુ આ શબ્દોને લોકપ્રિયતા અપાવી ન્યૂઝીલેન્ડ ઉપર સૌથી વધુ સમય શાસન કરનાર વડાપ્રધાન રિચર્ડ જહોન સેડને વારંવાર ઉપયોગ કરીને. આ શબ્દોને કેરલાના લોકોએ પોતાના રાજ્ય માટે ક્યારે અપનાવી લીધા, એનો કોઈ ઈતિહાસ મળતો નથી અને ઇતિહાસમાં જવાની  જરૂર પણ નથી. એકવાર કેરાલાની મુલાકાતથી જ ખ્યાલ આવી જાય છે કે એને God's Own Country શા માટે કહેવામાં આવે છે!
બેકવૉટરમાં પાર્ક કરીલી હાઉસબોટ
                નેશનલ જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ સ્થળોમાંનું એક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે! ક્યાંક આભને આંબતાં તો ક્યાંક બેકવૉટર પર ઝળુંબતાં નાળિયેરીના વૃક્ષો, રબ્બર ટ્રી, જાત જાતના મરી મસાલા અને તેજાના ના વૃક્ષો અને વેલાઓ, દૂરથી કશ્મીરી ગાલીચા જેવા દેખાતા ચા ના બગીચાથી આચ્છાદિત ડુંગરાઓ ઉપરથી દડતાં પાણીના ઝરણાં અને એ ડુંગરાઓની ઓથે પકડદાવ રમતી વાદળીઓ...કેરલા ઉપર કુદરતે ભરપુર મહેર વરસાવી છે, ભૈ આખરે એની પોતાની ભોમકા જો છે!
               અમારો પહેલો ઉતારો અલેપ્પી અથવા તો અલપ્પુઝામાં આવેલ પૅગોડા રિસોર્ટમાં હતો, રિસોર્ટ ખરેખર ભવ્ય છે, પહેલી નજરે જોતાં અંજાઈ જ જવાય. અમે અમારા ભાગે આવેલ કોટેજમાં ગોઠવાયા, ૨૪ કલાકની ટ્રેનની વત્તા દોઢ કલાકની ઈન્ડિકાની મુસાફરીનો થાક હતો, રૂમમાં ટીવી હતું પણ ટીવી જોવાની તેવડ ન્હોતી, પીવાનું પાણી મગાવ્યું અને આવે ત્યાં સુધી ટાઈમપાસ માટે ટીવી ચાલુ કર્યું, પણ મલયાલમ ચેનલોની વચ્ચેથી એકાદ હિન્દી અથવા અંગ્રેજી ચેનલ શોધવી એ ચેલેન્જીંગ કામ હતું! પાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા! શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું એટલે પછી પાણી અને મીઠાંને ભૂલીને નિન્દ્રાદેવીનુ શરણ સ્વીકારી લીધું. ૧૨ સુંદર કોટેજીસ, ૨ આલીશાન સ્યૂટ, ૨૧ ડીલક્સ રૂમ અને બીજા સ્ટાન્ડર્ડ રૂમ ઉપરાંત આયુર્વેદા સેન્ટર, સ્વિમીંગ પુલ અને બીજી ઘણી બધી સગવડો ધરાવતા આ રિસોર્ટને સર્વિસના નામે તો શૂન્ય જ આપી શકાય.
               બીજા દિવસે સવારે ગરમ પાણીના નામે પણ એજ હાલત એટલે ગરમ પાણીના નામનુંજ નાહી નાખ્યું! હા સવારનો બ્રેકફાસ્ટ (કોમ્પ્લીમેન્ટરી હતો એટલે જ નહીં પણ ખરેખર) સારો હતો. ચેકઆઉટની વિધી પતાવી અને અમારા પાયલટ સેલ્વમના માર્ગદર્શન હેઠળ અલ્લપુઝા બીચ જવા નીકળ્યા, બીચ ઉપર અરધો કલાક જેવું ધમાલ મસ્તી કરી કુમારકોમના માર્ગે ઈન્ડિકા દોડતી હતી જ્યાં દોઢેક કલાકની મુસાફરી પછી અમારે હાઉસબોટ પહોંચવાનું હતું, રસ્તામાં ટુર ઓપરેટરની ઓફિસે બાકીનું પેમેન્ટ પતાવવાનું હતું. રસ્તામાં સેલ્વમભાઇએ એક બહુજ અગત્યની (એની દ્રષ્ટિએજ સ્તો!) માહિતી આપી કે અહીં એક ખાસ પ્રકારની ફીશ થાય છે જે બહુજ મોંઘી હોય છે અને એની કરી બહુજ સ્વાદિષ્ટ હોય છે જે બહાર ખાવા જઈએ તો બહુજ મોંઘી પડે પણ હાઉસબોટમાં તમને લોકોને તદ્દન ફ્રી માં પિરસવામાં આવશે! મેં એને કહ્યું કે ભાઇ અમે બધા જ સંપૂર્ણ શાકાહારી છીએ અને ફીશ તો શું પણ ઈંડું પણ નથી ખાતા, ત્યારે એના મોઢામાંથી અફસોસની સાથે “ઓ...” એટલો જ ઉદ્‌ગાર નિકળી શક્યો પણ એના ચહેરાના ભાવમાં મને “બંદર ક્યા જાને અદ્રક કા સ્વાદ...!” એ ડાયલોગ બહુ સ્પષ્ટ દેખાતો હતો!
               વેમ્બનાડુ લેઇક એ ભારતનું લાંબામાં લાંબુ અને કેરલનું મોટામાં મોટું સરોવર છે જેની કુલ સપાટી આશરે ૨૦૩૩ સ્ક્વેર કિલોમીટર જેટલી છે અને કેરાલાના ઘણા જીલ્લાઓને સ્પર્શે છે તથા અલગ સ્થળે અગલ અલગ નામે ઓળખાય છે જેમકે કુટ્ટાનાડમાં પુન્નામડા લેઇક અને કોચીમાં કોચી લેઇક. કોચી પોર્ટ પણ આ લેઇક ઉપરજ આવેલ છે. કેરલાની વિશ્વવિખ્યાત બોટ રેસ પણ આ લેઇકમાંજ થાય છે. અમારે પહોંચતાં મોડું થયું હતું એટલે અમે રસ્તામાં હતા ત્યારેજ હાઉસબોટ વાળાનો મારા ઉપર ફોન આવ્યો, પણ હરામ બરોબર તો એક અક્ષર પણ પલ્લે પડે તો! કારણ કે એ બંદાને મલયાલમ સિવાય બીજી કોઈ પણ ભાષા સાથે બાપે માર્યાં વેર હતાં. દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ! સારૂં હતું કે અમારા સેલ્વમને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી અને હિન્દી આવડતું હતું એટલે અમારૂં ગાડું ગબડી જતું હતું એટલે હાઉસબોટ વાળાનો ત્યારે અને પછી પણ જેટલી વાર ફોન આવ્યો ત્યારે મેં સેલ્વમને જ પકડાવી દીધો.
               સાડાબારની આસપાસ અમે અમારા માટે પાર્ક કરેલી હાઉસ બોટ ’આદિથ્યાન’ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા સ્વાગત માટે હાઉસબોટના ત્રણ કર્મચારીઓ હાજર હતા. બોટમાં પ્રવેશતાંજ અમારૂં સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવ્યું, સ્વાભાવિક છે એક કેરાલામાં વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પાણી જ હોય! પણ અમે એ વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પીધું એક કેરાલામાં પહેલું અને છેલ્લું પણ હતું!
વેલકમ  ડ્રિંક
       ગંગાજળ
        મિત્ર હાર્દિક ગોસ્વામિના મોઢે સાંભળેલો એક સાચો કિસ્સો, 
એક કાઠિયાવાડી મમ્મીનો પોતાની ઈંગ્લીશ મીડિયમ ઓલાદ સાથે સીડી ચડતી વખતનો ડાયલોગ: “પિન્ટુ, મારી ફિંગર કેચ કરી લે...નહીંતર ફોલ થઈ જઈશ...!”