Wednesday, September 26, 2012

સૂરજ ના બન પાયે તો બનકે દિપક જલતા ચલ...


ગળથૂથી
ઘરસે મસ્જીદ હૈ બહોત દૂર ચલો યું કરે,
કીસી  રોતે  હુએ બચ્ચે  કો હસાયા જાયે.
-નિદા ફાઝલી

         શનિવારની મોડી રાત સુધીની મોજમસ્તી પછી, રાજકોટ જેવાં મોજીલાં શહેરમાં રવિવારની સવાર પણ થોડી મોડી ઊગે એ સ્વાભાવિક છે, અને એ પણ જુવાનિયાઓને માટે ખાસ! પણ જો એ રવિવારની સવારે સાત-સાડાસાતની આસપાસ સફેદ ટી-શર્ટમાં સજ્જ કોઇ ફૂટડો યુવાન તમારી ડોરબેલ મારે અને પસ્તી આપવાની છે?’ એવું પૂછે તો જરા ધ્યાનથી નજર કરજો, એના સફેદ ટી-શર્ટ પર અર્હમ યુવા ગૃપનો લોગો ચોક્કસ જોવા મળશે! હા, દર રવિવારે સવારે રાજકોટમાં અર્હમ ગૃપના લગભગ દોઢસો જેટલા યુવાનો અલગ અલગ છ ગૃપમાં વહેંચાઇને અલગ અલગ વિસ્તારોમાં પસ્તી ઉઘરાવવા નીકળે છે. એ અલગ અલગ જગ્યાએથી એકઠી કરેલી પસ્તી પછી એક મોટા હોલસેલ ખરીદારને ત્યાં પહોંચાડી દેવામાં આવે છે અને એમાંથી આવેલા પૈસા કોઇ પણ જાતના નાત-જાત અને ધર્મના ભેદભાવ સિવાય સમાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.

        સમાજ માટે કંઈક કરી છૂટવા માટે ધન દોલતની નહીં પણ માત્ર નિયત અને હકારાત્મક વિચારની જરૂર હોય છે એનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે, અને આશરે દોઢેક વર્ષથી ચાલતા આ અદ્‍ભૂત કૉન્સેપ્ટ પાછળ પ્રેરણા છે જૈન યુવાનોમાં અતિ પ્રિય એવા નમ્રમુનિ મહારાજની. સમયની નાડ પારખી અને જમાનાની સાથે તાલ મિલાવીને ચાલવાની આગવી સૂઝબુઝ ધરાવતા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આજે દેશમાં આશરે પંચાવન જેટલાં આ અર્હમ યુવા ગૃપ નામનાં કેન્દ્રો ચાલે છે જેમાં જોડાયેલા જૈન યુવાનો દર અઠવાડિયે પોતાના સમયમાંથી માત્ર એક કે દોઢ કલાક કાઢીને સમાજ માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. અર્હમ યુવા ગૃપ, રાજકોટના પ્રમુખ શ્રી તુષારભાઇ મહેતા, અર્હમ ગૃપની પ્રવૃત્તિઓ અને ગુરુદેવની વાત કરતી વખતે ખૂબ ભાવુક થઈ જાય છે.

        “અમારા સમાજના યુવાનો એટલે આમતો સામાન્ય રીતે બધા સુખી ઘરના હોય છે, ક્યાંય હાથ લાંબો કરવો ફાવે નહીં! અહંકાર પણ આવી જાય, એટલે ગુરુદેવની આજ્ઞા અને પ્રેરણાથી શરૂ કરેલી આ પ્રવૃતિમાં અમે અઠવાડિયે અમારા થોડા સમયનો ભોગ માત્ર આપીએ છીએ, ને સામે સમાજનું કામ તો થાય છે પણ સાથે સાથે અમને પણ બહુજ મોટો ફાયદો થાય છે!
         
        “એ કઈ રીતે?”

        “જુઓ, અમારા યુવાનો પસ્તી માગવા જાય, ત્યાં બધાના સ્વભાવ સરખા ના હોય, સામાન્ય રીતે તો સારો જ અનુભવ થાય છે પણ પાંચેય આંગળી સરખી ના હોય! ક્યારેક ક્યાંકથી તોછડો જવાબ પણ મળે, અપમાન પણ થાય, ’હજુ તો હમણાંજ આવ્યા હતા આટલી વારમાં પાછા શું આવી ગયા?’ એવો જવાબ પણ મળે!  પણ અમારા યુવાનોને એ ખાસ સૂચના આપેલી હોય છે કે બધાની સાથે પ્રેમથી અને શાંતિથી વર્તવું. આમ એનામાં જે ધીરજ અને સહનશીલતાનો ગુણ કેળવાય છે એ એને કૌટુંબિક રીતે અને પોતાના ધંધામાં પણ બહુ જ ઉપયોગી થાય છે, અમારા સમાજના મોટાભાગના લોકો બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે અને બિઝનેસમાં દુકાને આવતા જુદા જુદા સ્વભાવના ગ્રાહકોને સંભાળવામાં આ અનુભવ બહુજ કામ લાગે છે! અર્હમએટલે કે પોતાના અહં ને ઓગાળી નાખવો એવો અર્થ અહીં એકદમ સાર્થક થાય છે.

        “તમારા આ કાર્ય પ્રત્યે સમાજનું વલણ કેવું છે?”

        “મને જણાવતાં આનંદ થાય છે કે સમાજનો અમને ખુબજ સારો સહકાર મળે છે, અમે જે તે વિસ્તારમાં પસ્તી લેવા જઈએ ત્યાંથી લોકો પસ્તી તો આપે જ છે પરંતુ ક્યારેક એવું પણ બને કે કોઇ ઘરેથી અમારા જવાના દિવસના એક બે દિવસ અગાઉ એ લોકોએ પસ્તી વેચી નાખી હોય, તો એવા સંજોગોમાં પસ્તીના વેચાણમાંથી આવેલા પૈસા અમને આપી દે છે! અમે રોકડ દાન માટે અપીલ કરતા નથી કે અપેક્ષા પણ રાખતા નથી, પણ લોકો સામેથી આપે તો સ્વીકારીને પહોંચ આપી દઈએ છીએ. ક્યારેક કોઇ વસ્ત્રો આપે છે તો એ પણ લઈએ છીએ.

        “પછી તમે આ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરો છો?”
       
        “સામાન્ય રીતે અમે અમારી પાસે જે કાંઇ પણ ભંડોળ એકત્રીત થાય છે એ દર મહિનાના છેલ્લા રવિવારે વાપરી નાખીએ છીએ, કારણ કે આપણે જોઈએ છીએ કે મોટા ભાગની સંસ્થામાં જે ખટપટ અને કાવાદાવા થતા હોય છે એ બહુ મોટું ભંડોળ થઈ જવાથી જ થતા હોય છે. અલગ અલગ જગ્યાએ પક્ષીઓને ચણ નાખવી, ગાયોને ઘાસચારો નાખવો, પાંજરાપોળોમાં જરૂરિયાત હોય તો ત્યાં મદદ કરવી, સમાજના છેવાડાના વિસ્તારના બાળકોને જમાડવાં તથા વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોને પણ જે કાંઇ જરૂરિયાત હોય એમાં અમે અમારી શક્તિ મુજબ કંઈક કરવાની કોશિશ કરીએ છીએ. ક્યારેક એવું બને કે કોઇ મોટું કાર્ય કરવાનું હોય અને વધારે ભંડોળની જરૂર હોય તો બે મહિનાનું ભેગું થવા દઈએ, પણ બહુ લાંબા સમય સુધી ભેગું કરીને મોટું ભંડોળ કરવું એવું ક્યારેય નથી કરતા.

        ખરેખર જે રીતે આડેધડ અને અલ્લડ રીતે વહેતી  કોઇ નદી પર બંધ બાંધીને એને યોગ્ય રીતે વાળવામાં આવે તો એ નુકશાન કરતી તો અટકે જ છે ને સાથે સાથે અનેક ફાયદા પણ થાય છે, પણ એ તો જ શક્ય છે તો કોઇ કુશળ ઇજનેર યોગ્ય રીતે આ કાર્યને કરે. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ જેવા સમાજિક ઇજનેરોની આજે સમાજને તાતી જરૂરિયાત છે જે સ્વછંદી અને બેફિકર હોવાનું મેણું ભોગવતા યુવાનો ને યોગ્ય દિશામાં વાળીને હકારાત્મક ઊર્જા પેદા કરે!

        આપણે એક કે બે મહિનાની ભેગી થયેલી પસ્તી વેચીને શું મેળવીએ છીએ? સો, બસ્સો કે ત્રણસો રૂપિયા? ને એક વાર પિઝા ખાવા ગયા ત્યારે કેટલા ખર્ચી નાખીએ છીએ? અર્હમ ગૃપના આ પસ્તી સેવા યજ્ઞમાં આપણે પણ નાનકડી આહૂતિ આપી શકીએ, શું કહો છો? જો જવાબ હામાં હોય તો રાહ શેની જુઓ છો? આ રહ્યો તુષારભાઇ મહેતાનો નંબર  ૯૪૨૮૨૬૬૦૮૬ ડાયલ કરો અથવા જતીન સંઘાણીને ૯૨૨૭૪૦૦૮૮૭ પર ફોન કરીને આવતા રવિવારે તમારી સોસાયટીમાં પસ્તી લેવા બોલાવી લ્યો!
* * *

        બપોરે બે વાગ્યાની આસપાસ રેસકોર્સ રીંગ રોડ પર, મેયર બંગલાની પાસેથી પસાર થાવ એટલે ઘી-ગોળ અને ઘઉંના લોટની ખુશ્બૂથી મન તરબતર થઈ જાય ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે જનકરાજાના હુલામણા નામથી ઓળખાતા રાજકોટના મેયર સાહેબને ત્યાં દર રવિવારે શું પ્રસંગ આવતો હશેજિજ્ઞાસાથી જરાક અંદર ફળિયામાં નજર કરશો તો પચ્ચીસથી ત્રીસ જેટલા ભાઈઓ અને બહેનો લાડવા બનાવતા દેખાશે. અને એ લાડુ પણ કેવા? શુદ્ધ ઘી, કાજુ-બદામ અને આયુર્વેદિક ઔષધીઓ નાખેલા! મોઢામાં પાણી આવે છે? માફ કરશો, આ લાડુ માણસો માટે નથી પણ રસ્તે રઝળતી ગાયો માટે છે! હા દર રવિવારે બપોરે બે વાગ્યે અહીં મેયર સાહેબના બંગલે એકવીશ મણ લાડુ બનાવવામાં આવે છે જે સોમવારે સવારે મોર્નિંગ વૉકમાં આવતા લોકો દ્વારા રાજકોટના ખૂણે ખૂણે રસ્તે રઝળતી, નિરાધાર ગાયોના પેટમાં પહોંચી જાય છે. આ પ્રવૃતિ મિત્તલભાઇ ખેતાણીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થાય છે. મિત્તલભાઇની અનેક સમાજિક પ્રવૃતિઓમાંની આતો એક માત્ર છે, બાકી મિત્તલભાઇ એટલે એક હરતી ફરતી સંસ્થાથી વિશેષ છે અને અનેક સમાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પણ છે. આવુંજ એક બીજું નામ છે તક્ષભાઇ મિશ્રા જેમનો સેવા યજ્ઞ પણ કોઇ પણ જાતની નામનાની અપેક્ષા સિવાય સતત ચાલતો રહે છે.

        આજ મિત્રોનું ગૃપ, મનીષભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ બીજી એક સરસ પ્રવૃત્તિ કરે છે દર રવિવારે સાંજે રૈયાધારના સ્લમ વિસ્તારના લગભગ પાંચસો જેટલાં બાળકોને જમાડવાની. જમાડવાની સાથે એ બાળકોમાં શિસ્ત અને સ્વચ્છતા આવે એનું પણ પૂરેપુરૂં ધ્યાન રાખવામાં આવે છે. બાળકોના હાથ પગ ધોવરાવવામાં આવે છે, જો કોઇના નખ વધેલા દેખાય તો નખ પણ કાપી આપવામાં આવે છે અને માથામાં તેલ પણ નાખી દેવામાં આવે છે! આ બધું આ મિત્રો જ કરે છે ને એ પણ કોઇ જાતની સૂગ વગર. જમવાનું જે મેનુ હોય છે એ પણ તમારાં-મારાં, આપણાં બાળકોને જે ક્વૉલિટીનું ફૂડ આપીએ છીએ એવું જ અને દર રવિવારે અલગ અલગ. ક્યારેક રવિવારની સાંજે તમારી ફેમિલી પિક્નિકનું સ્થળ જો શક્ય હોય તો, અંબે માનું મંદિર, રૈયાધાર સ્લમ ક્વાર્ટર્સ, રાખજો. મને ચોક્કસ પણે ખાતરી છે કે એ પાંચસો બાળકોના ચહેરા પર છલકતો આનંદ અને સંતોષ તમને બીજીવાર અહીં ખેંચી લાવશે! અને એ પાંચસો બાળકોના આનંદનું પુણ્ય તો તમારે તમારા ખાતે ડિપોઝિટ કરવું હોય તો એની કિંમત પણ છ થી આઠ હજાર જેટલી મામૂલી છે અને મનીષભાઇ પરીખનો મોબાઇલ નંબર છે ૯૮૯૮૬ ૧૩૨૬૭. સારા ઘરના આ યુવાનોને કોઈ પણ જાતના શરમ કે સંકોચ વગર, આ સ્લમ વિસ્તારના બાળકોના હાથ પગ ધોવરાવતા, એના નખ કાપી દેતા કે તેલ નાખીને વાળ ઓળી દેતા અને એમને પ્રેમથી પીરસીને જમાડતા જોવા માટે એક રવિવારે સાંજે પાંચ વાગ્યે અવશ્ય અહીં ચક્કર મારવા જેવું.

        રાજકોટ એની સમાજિક પ્રવૃતિઓ માટે હમેશાં નોખું તરી આવે છે. બોલબાલા  અને એના જેવી બીજી ઘણી સંસ્થાઓ જે આજે વટવૃક્ષ બનીને વિસ્તરી છે એની શરૂઆત પણ કંઈક આ રીતેજ થઈ હશે!
ગંગાજળ

Wednesday, September 12, 2012

હર ચેનલ પે બાબા બૈઠા હૈ, અંજામે હિન્દોસ્તાં ક્યા હોગા?



         ગળથૂથી
મીણબત્તીનું કામ પ્રકાશ પાથરવાનું છેએનો ઉપયોગ કોઇ આગ લગાડવા માટે કરે તો એમાં મીણબત્તીનો શું વાંક?

          હજુ હમણાં જ, થોડા સમય પહેલાં ટીવી ચેનલો પર કિરપાના કારોબારવાળા એક બાબા બહુ દેખાતા હતા, જે ઉટપટાંગ ઉપાયો દ્વારા લોકોનાં દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતા હતા. એકાદ મોટા સ્ટૅડિયમમાં બાબાનો દરબાર ભરાય, પહેલાં બાબા થોડા બોલબચ્ચન આપે અને પછી ખરી નાટકબાજી શરૂ થાય. શરૂઆતમાં બાબાએ ભાડે લાવેલા નૌટંકીબાજો બાબાએ બતાવેલા ઉપાયને કારણે પોતાની તકલીફો કેવી રીતે દૂર થઈ ગઈ છે એનું કાલ્પનિક વર્ણન કરે ને ને જનતામાં બાબાનો જયજયકાર કરાવે. એ પછી તગડી ફી ચૂકવીને સામેથી મૂરખ બનવા આવેલાં ઘેટાંઓ પોતાનાં રોદણાં રડવાનું ચાલુ કરે ને બાબા બધાને અજબ-ગજબના ઉપાયો બતાવે જે આજ સુધી ન તો કોઇએ ક્યાંય સાંભળ્યા હતા કે વાંચ્યા હતા! કોઈને સમોસા તો કોઇને સંતરા, કોઇને ભુટ્ટા તો કોઇને રસગુલ્લા ખાવાના ઇલાજ સૂચવવામાં આવે. આવા સમાગમ ચાલતા રહે ને બાબાના બેંક ખાતામાં કરોડો રૂપિયા ઠલવાતા રહે. પણ એવામાં કોઇ વાંકદેખા ચેનલવાળાથી લોકકલ્યાણનું આ પવિત્ર કાર્ય જોવાયું નહીં ને એણે પોતાના ડોબરમેન, આલ્સેશિયન અને બુલડૉગ બાબાની પાછળ છોડી મૂક્યા. ( હવે  આ ચેનલ વાળાને અચાનક આત્મજ્ઞાન શા માટે થયું અને જનતાનું હિત કેમ હૈયે વસ્યું, એ વળી પાછો અલગ ચર્ચાનો વિષય છે!) બીજી ન્યૂઝ ચેનલોવાળાને પણ પોતાની ટીઆરપીની મૂડી લૂંટાઈ જતી લાગી એટલે એ બધા પણ કૉરસમાં જોડાયા, થોડો વખત રોજના પચ્ચીસ પચ્ચીસ કલાક લેખે ન્યૂઝ ચેનલો પર બાબા પ્રકરણ ચાલ્યું અને બાબા હવે ગાયબ છે, અલબત્ત, સમાચારમાંથી. બાબા આજે ક્યાં છે ને શું કરે છે, જનતાના લૂંટેલા કરોડો રૂપિયાનું શું થયું એની ન તો દરકાર જનતાને છે કે પછી એ ચેનલોને.

             ચાલો જે થયું તે સારૂં થયું. ટીવી ચેનલોએ પોતાની સામાજિક જવાબદારી અદા કરી અને લોકો લૂંટાતા બચ્યા. દિલ કો બહલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ..પણ ખરેખર આવું થયું છે ખરું? ખરેખર ટીવી ચેનલો પૈસા કરતાં સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીને વધારે અગત્યની સમજવા લાગી છે? જવાબ જોઈતો હોય તો ક્યારેક અગિયાર વાગ્યા પછી કે સવારે આઠ વાગ્યાની આસપાસ ટેલિવિઝન ચાલુ કરીને અલગ અલગ ચેનલ પર આંટો મારી જોજો, મોટાભાગની ચેનલ આ ધંધો લઈને બેઠી છે! જુદી જુદી ચેનલો ઉપર જાતજાતના ને ભાતભાતના બાબાઓ પોતાની ચારસોવીસીની દુકાન ખોલીને બેઠા છે. જેમાં સૌથી ખતરનાક અને ઘાતક છે ગોવિંદાબાબા.

             હા, એજ, એજ ગોવિંદા. ફિલ્મસ્ટાર ગોવિંદા. આજકાલ ફિલ્મોમાં ખાસ કામ નથી એટલે આવાં જનતાને છેતરવાનાં બાબાશાહી ષડ્યંત્રનો હાથો બની, જનતાને એને જે ચાહના આપી છે એને વટાવે છે. ગોવંદાબાબાની આ પીંઢારા ટોળીમાં ઘણા જોડાયેલા છે, કેટલાક અજાણ્યાં અને ઘણાં જાણીતાં નામ. એજ સ્ટાઇલ, એવું જ ઓડિટોરિયમ બસ ફરક એટલો કે પેલા બાબામાં લોકો પૈસા ચૂકવીને હાજર રહેતા અને અહીં બધા જ જાણીતા અને અજાણ્યા ચહેરાઓને પૈસા આપીને નાટક કરવા માટે લાવવામાં આવ્યા છે. સૂત્રધાર ગોવિંદાબાબાના સંચાલન હેઠળ એક પછી એક પોતાનો રોલ ભજવવાનું ચાલુ કરે છે. કોઈ એક ગામ આખું દુષ્કાળ અને ગરીબીને કારણે દુ:ખી હતું પણ સરપંચજીની સલાહથી બધાએ શુભધનવર્ષા યંત્ર મગાવી લીધાં એટલે હવે કોઇને કશી ખોટ નથી! એક પંજાબ દી કુડી ના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું ને બે બહેનોને પરણાવવાની જવાબદારી..આ બધું શુભધનવર્ષા મગાવી લેવાથી પાર પડી ગયું! કોઈને પાનના ગલ્લામાંથી કરોડો રૂપિયાના ધંધા સુધી વિકાસ થઈ ગયો તો કોઇને મંદીના સમયમાં પણ સારામાં સારી નોકરી મળી ગઈ! પછી વારો આવે છે જાણીતા ચહેરાઓનો. સૌથી પહેલાં આવે છે ટીવીના બા તરીકે ઓળખાતાં સુધા શિવપુરી., એમના કહેવા મુજબ ઓમ શિવપુરીનું મૃત્યુ થયું પછી ઘરની હાલત ખરાબ હતી અને આ શુભધનવર્ષા મગાવ્યા પછી સૌ સારાવાનાં થયાં. અલબત્ત, કોઇ સુધાજીને એવું પૂછવાની ગુસ્તાખી ના કરી કે ઓમજી નું મૃત્યુ થયું ૧૯૯૦માં એટલે કે બાવીશ વરસ પહેલાં અને આ શુભધનવર્ષા તો ટીવી પર દેખાયું હમણાં ( અને એ પણ તમારી સાથેજ!) તો તમે એ ત્યારે ક્યાંથી મગાવેલું? પણ આવું કોઇ ન પૂછે, કેમ કે સ્ક્રીપ્ટમાં આવું લખેલું નથી હોતું! ગજેન્દ્ર ચૌહાણ (નામ ક્યાંક સાંભળેલું લાગે છે!) અભિનયની ડિગ્રી લઈને બહાર નીકળ્યા, એક સાથે ૩૪ ફિલ્મો મળી, ને બધી જ ડબ્બામાં ગઈ. શુભધનવર્ષા મગાવ્યું ને મહાભારતવાળો રોલ મળ્યો. ગોવિંદા બાબા અહીં આ વાત ને પાછા એમ કહીને અપ્રૂવ કરે કે યુધિષ્ઠિર જુઠ્ઠું ન બોલે. (હદ છે!)

             મહેરબાની કરીને કોઇ એવું ન કહેતા કે ગોવિંદાબાબા અને આ બીજા બધા અહીં ખાલી પૈસા માટે પોતાનો રોલ ભજવે છે, એમાં કશું ખોટું નથી. જો આ બધું પૈસા માટે જ થતું હોય તો સન્ની લિઓને અત્યાર સુધી પૈસા કમાવા માટે જે કાંઇ પણ કર્યું છે એ આના કરતાં ઓછું અનૈતિક અને સમાજ માટે ઓછું ઘાતક છે એમ હું બિનધાસ્ત કહીશ!

             બીજા આવાં એક યંત્રની જાહેરાત આવે છે જેવું નામ છે શિવ-હનુમાન યંત્ર. એલોપથીની દવાઓમાં જેમ જાત જાતનાં કોમ્બીનેશન થાય છે એમ અહીં આ લોકોએ શંકર અને હનુમાનનું કોમ્બીનેશન કરીને યંત્ર બનાવ્યું છે બોલો! બાવાના લિબાસમાં બે એક્ટરો આવે છે અને બૂમબરાડા પાડીને લગભગ લોકોને ડરાવતા હોય એ રીતે માર્કેટિંગ કરે છે. એમની વાત કરવાની સ્ટાઇલ ઉપરથી તો એમજ લાગે કે આ હનુમાન અને શંકર એ બન્ને એમને ત્યાં નોકરી કરતા હશે ને એમના ઑર્ડરથી લોકોનાં દુ:ખ દર્દ દૂર કરવા નીકળ્યા છે!

             એક બાબા આવે છે જી. ડી. વશિષ્ઠ, જે દુ:ખ નિવારણ યજ્ઞ કરે છે. એના યજ્ઞમાં વળી પાછી બે કૅટેગરી છે એક વીઆઇપી જેમાં ભાગ લેવાનો ચાર્જ રૂપિયા ૭૦૦૦ની આસપાસ છે અને બીજી સામાન્ય કૅટેગરી માટે ૩૦૦૦ની આસપાસ. અહીં પણ બધું નિર્મલ બાબાની જેમજ છડેચોક ચાલે છે. એજ રીતે પૈસા જમા કરાવવા માટે બેન્ક એકાઉન્ટનો નંબર આપવામાં આવે છે. વેબસાઇટ પણ છે અને ફોનથી પણ યજ્ઞ બુક કરાવી શકાય છે. એ ઉપરાંત આ બાબાનો એક બહુ મોટો ધંધો છે લાલ કિતાબ અમૃત નામની એક ધતિંગ ચોપડી વેચવાનો, જેમાં ભવિષ્ય હોવાનો દાવો કરેલો હોય છે.

             આ બધું ચાલે છે, અહીં વાત કરી એ તો ખાલી હીમશીલાની ટોચ જેટલું છે, એટલું ધતિંગ મીડિયામાં ચાલે છે, પણ એના માટે ખાલી મીડિયાને દોષ દેવાનો કોઇ અર્થ નથી. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત આજે પણ એટલી જ સાચી છે જેટલી આજથી સો બસ્સો વર્ષ પહેલાં હતી. અઢારમી સદીની અંધશ્રદ્ધાની સામે આજની અંધશ્રદ્ધાની સરખામણી કરીએ તો આજની પરિસ્થિતિ વધારે ભયાનક લાગે છે કારણ કે આજે અંધશ્રદ્ધાની પાસે ટેક્નોલૉજીનો સહારો છે. જી હા, વિચિત્ર લાગે એવી વાત છે પણ જે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કારણે અંધશ્રદ્ધાનો નાશ થવો જોઈએ એ અંધશ્રદ્ધા આજે વિજ્ઞાન અને ટેક્નોલૉજીને પોતાના હાથા બનાવીને વધારે વિસ્તરી રહી છે! કમ્પ્યુટર જેવા અદ‍ભૂત સાધનને પણ માણસે કુંડળી, મેળાપક અને જ્યોતિષ જેવા ચારસોવીસીના ધંધામાં જોતરી દીધું છે! પહેલાં એક પોસ્ટકાર્ડ આવતું એમાં સાત, અગિયાર કે એકવીશ લોકોને પોસ્ટકાર્ડ મોકલવાથી લાભ થશે એવી લાલચ હોય, આજે એવા ઈમેઇલ અને એસ.એમ.એસ. આવે છે. ફેસબુક  પર સાંઈબાબાના ફોટા મૂકીને અપીલ કરાય છે વધુ લોકો સાથે શેર કરો તો લાભ થશે, અરે હદ તો ત્યારે થઈ કે હમણાં હનુમાનનો એક ફોટો જોયો જેના પર તો ધમકીજ લખેલી કે તો શેર નહીં કરો તો અશુભ થશે!

             મીણબત્તીનું કામ પ્રકાશ પાથરવાનું છે, એનો ઉપયોગ કોઇ આગ લગાડવા માટે કરે તો એમાં મીણબત્તીનો શું વાંક? ટેક્નોલૉજીનું પણ એવું જ છે. બસ એજ જૂનો અને જાણીતો, ચવાઈ ગયેલો અનેક વખત આવા રેફરન્સમાં લખાયેલો એ શેર અહીં લખવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી...

બર્બાદ ગુલિસ્તાં કરને કો, બસ એક હી ઉલ્લૂ કાફી હૈ,
હર શાખ પે ઉલ્લૂ બૈઠે હૈં, અંજામે ગુલિસ્તા ક્યા હોગા ?’

ગંગાજળ

             બાબા, બીજા લોકોની તકલીફ દૂર કરવા માટે તમે સમોસા, રસગુલ્લા, સંતરા કે એવું કંઇને કંઇ ખાવાની સલાહ આપતા, હવે જ્યારે તમારા આ કિરપાના કારોબાર ઉપર આફત આવી છે ત્યારે એ આફત તમે શું ખાઇને દૂર કરશો?”

        “બચ્ચા, બાબાએ અત્યાર સુધી જે ખાવું હતું તે ખાઇ ચૂક્યા છે, એને હવે કિરપા માટે કંઇ ખાવાની જરૂર નથી!

Wednesday, September 05, 2012

સચિન તેંડુલકરને ખુલ્લો પત્ર...

ગળથૂથી

 ટાઇમિંગ એ ક્રિકેટમાં ખૂબજ અગત્યનું છે, એન્ટ્રી, પ્લેઈંગ અને એક્ઝીટ દરેક તબક્કે.



ડિયર God,

                હા, સંબોધન બહુ સમજી વિચારીને કર્યું છે કારણ કે તેં બાવીસ ત્રેવીસ વર્ષથી અમને જલસો કરાવ્યો છે, તું આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં આવ્યો પહેલાં, સ્કૂલ ક્રિકેટમાં વિનોદની સાથે ૧૯૮૮માં ૬૬૪ રન નોટ આઉટની ભાગીદારી કરી ત્યારથી, એટલે હું પણ બીજા ભારતીયોની જેમ એક ક્રિકેટ ઘેલો હોઇ તને ભગવાન કહું એ સ્વાભાવિક છે છતાં અહીં પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે તને લખાયેલા મારા પત્રમાં, આખેઆખા પત્રમાં હું તને તુંકારે સંબોધન કરીશ. તુંકારામાં કોઇ તિરસ્કારની ભાવના કે તને ઉતારી પાડવાની ભાવના નથી પણ અમારી, ચાહકોની ખાસિયાત છે કે અમે જેને દિલફાડીને પ્રેમ કરીએ છીએ, અમને અમારો હમઉમ્ર, અમારી સાથે રેંકડીએ ઊભીને કટિંગ પીનારો અને પાનના ગલ્લે ઊભીને ગમે તે વિષય પર પોતાના ઍક્સ્પર્ટ ઓપિનિયન આપી શકનારા એક મિત્ર જેવો લાગે છે, પછી કૃષ્ણ હોય, અમિતાભ હોય, સુનિલ ગાવસ્કર હોય કે કપિલદેવ.

                બકા, હવે હું જે કંઈ કહું છું કાન દઈને સાંભળજે, ખોટું નહીં લગાડતો, કે મને એમ કહીને ઉતારી નહીં પાડતો કે બેટ પકડીને મેદાન પર ઉતર તો તને ખબર પડે, બાકી બોલવું સાવ સહેલું છે..અલબત્ત, આવી વાહિયાત દલીલ તું  કરે કારણ કે તારા આંધળા ભક્તો કરતાં તારામાં સમજદારી વધારે છે એમ હું ચોક્કસપણે માનું છું. તું વાતને સાહજીકતાથી સમજી શકીશ અને સ્વીકારીશ કે ભલે મારું પાકકળાનું જ્ઞાન ચા બનાવવા સુધીનું સિમિત હોય તો પણ, દાળમાં કે શાકમાં મીઠું નાખવાનું ભૂલાઇ ગયું હોય તો અંગે ટીકા કરવાના મારા અબાધિત અધિકારની મારી પત્ની, “એક વાર રાંધી જુઓ તો ખબર પડે..એમ કહીને ખિલ્લી નથી ઉડાવતી. તું પણ અંજલીભાભી, સારા અને અર્જુનને લઈને કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં જમવા ગયો હોઈશ ત્યારે ક્યારેક તો તારે પણ કોઇ વાનગીના સ્વાદ અંગે ફરિયાદ કરવાની જરૂર પડી હશે અને ત્યારે હોટેલના સ્ટાફે કે પછી હોટેલના ચાહકોએ તારું એમ કહીને અપમાન નહીં કર્યું હોય કે રસોઈની ટીકા કરવાનો એનેજ અધિકાર છે જેને રાંધતાં આવડે! અલબત્ત, જ્યારે તારા વિશે, તારી નિષ્ફળતા વિશે કે તારી ઉમર વિશે, અમે તારા હિતેચ્છુ તરીકે કોઇ સાચી વાત કરી છે છીએ ત્યારે તારા આંધળા ભક્તો આવી બેવકૂફી અને બેઅદબી વારંવાર કરતા રહે છે, જે લાંબા ગાળે તને પણ નૂકશાનકર્તા છે. માની લઈએ કે અમે તો અજ્ઞાન છીએ, અમને ક્રિકેટની ટેક્નિકમાં ખાસ ખબર પડતી નથી, પણ તને પોતાની પણ જાણીને દુ: થશે કે જ્યારે સુનિલ ગાવસ્કર જેવા લિવિંગ લિજંડ, જેણે જમાનામાં જ્યારે ક્રિકેટ જગતમાં વેસ્ટઇન્ડિઝની પેસ બેટરીનો રીતસર આતંક હતો ત્યારે હેલ્મેટ પહેર્યા વગર ખોફનાક બોલરોના તોપમાંથી વછૂટતા ગોળા જેવા બોલનો સામનો કરીને એમના પગે પાણી ઉતાર્યાં છે તારા ફૂટવર્ક અને તારી વધતી ઉંમરને કારણે ઘટેલી ચપળતા અંગે કોઇ સાચી ટિપ્પણી કરે ત્યારે, આવું બોલનાર સુનિલ ગાવસ્કર કોણ? એવા સવાલ ઉઠાવનારા ગદ્ધાપ્રસાદો પણ તારા ભક્તોમાં છે!

               બોસ,  હમણાં કોઈ એક ઍવોર્ડ સમારંભમાં, તારી નિવૃતિના સવાલ પર તારો જે જવાબ હતો ખરેખર કેટલો વાહિયાત અને હાસ્યાસ્પદ છે તું અરીસાની સામે ઊભીને એકવાર તારી જાતને પૂછી જોજે. તેં એવું કહ્યું કે મને જ્યાં સુધી મઝા આવે ત્યાં સુધી હું રમતો રહીશ. દોસ્ત, કોઈ પણ રમત હોય, ફિલ્મ હોય કે પછી કોઇ પણ આર્ટ હોય, એમાં ભાગ લેનારની મઝા કરતાં, એના ભાવકની મઝા વધારે મહત્વની હોય છે, અને ભાવકને મઝા ત્યારેજ આવે છે જ્યારે પર્ફૉર્મન્સ હોય! બાકી તો ચંકી પાંડે પણ એમજ કહેતો હોત કે જ્યાં સુધી મને મઝા આવે છે ત્યાં સુધી ઍક્ટિંગ કરતો રહીશ! અલબત્ત, સરખામણી તાર્કિક રીતે તદ્દન અયોગ્ય છે કારણ કે કોઇ અભિનેતાને રિટાયર કરી દેવાનું ભાવકો ના હાથમાં હોય છે જ્યારે અહીં ભાવકોની મજબૂરી છે કે ક્રિકેટરને રિટાયર કરવાનું સિલેક્શન કમિટીના હાથમાં હોય છે. છેવટે, ચાહકો કંટાળીને પોતાના હોમ ગ્રાઉન્ડ પર કેવો હુરિયો બોલાવીને હડે હડે કરે છે જાણવું હોય તો રવિશાસ્ત્રીને પૂછી જોજે!

                મારા જીગરીયા...હું સ્વીકારૂં છું કે તેં તારી જીંદગીના અમૂલ્ય વર્ષો અમારે નામ કરી દીધાં છે. ક્રિકેટને ખાતર તું ઘણી વાર તારાં પ્રિયજનોથી દિવસોના દિવસો સુધી હજ્જારો માઇલ દૂર રહ્યો છે. તેં ઊંચાઈને આંબી છે કે ત્યાં પહોંચવાનું તો ઠીક પણ પહોંચવાના વિચારે પણ નવી પેઢીને ચક્કર આવી જાય છે. જે શબ્દો આઇનસ્ટાઇને ગાંધીજી માટે વાપર્યા હતા આવનારી પેઢી કદાચ માની પણ નહીં શકે કે ધરતી ઉપર આવો કોઇ માણસ થયો હતો શબ્દો તને પણ એટલાજ લાગુ પડે છે એમ હું માનું છું. પણ પણ એક સનાતન સત્ય છે કે જ્યાં પર્ફૉર્મન્સ નો સવાલ છે ત્યાં માત્ર વર્તમાન અગત્યનો છે, એમાં ભૂતકાળની મૂડીમાંથી એક પૈસો પણ કામ નથી આવતો! જે ક્ષેત્રમાં પરફોર્મન્સની સાથે ચપળતા અને ફિટનેશ જોડાયેલાં છે ત્યાં ઉંમરનું ફૅક્ટર બહુ અગત્યનું છે સ્વીકારવું પડે. કંઈ રાજકારણ નથી કે જેમાં ઉંમરનો કોઇ બાધ નડે!

                વ્હાલા, કેટલીક વાતો એવી છે કે જે તારા વિશે વિચારીએ, સાંભળીએ કે વાંચીએ ત્યારે અમને ખરેખર દુ: થાય કે અમારો તેંડ્લ્યો આવું કઈ રીતે કરી શકે? માન્યું કે પૈસા કમાવા જરૂરી છે, જીવનમાં જ્યારે ગોલ્ડન પિરિયડ ચાલતો હોય ત્યારે એનો લાભ લેવો જોઈએ, પણ ક્યારેક, ક્યાંક નૈતિકતાની લક્ષ્મણ રેખા ચૂકી જવાતી હોય એવું લાગે તો અમને દુ: થાય? જ્યારે દેશ માટે રમવાનું હોય ત્યારે એમ લાગે કે અત્યારે કુટુંબને સમય આપવો જરૂરી છે કે પછી હવે આરામની જરૂર છે અને જ્યારે બે કે ત્રણ મહિના ચાલનારા ખાનગી તમાશા જેવાં ક્રિકેટમાં, પોતાના માલિક પ્રત્યે વફાદારી દેખાડવાની હોય ત્યારે કાંઇજ નડે! સોરી દોસ્ત, કડવી લાગે એવી વાત છે પણ હું તને કહીશ, કારણ કે હું તને ચાહું છું. એક નવો અને ઊભરતો છોકરો જેને તારા આરામના સમયમાં તક મળે છે એક મેચ રમવાનો, એમાં સદી ફટકારે છે પછી તને વળી પાછી રમવાની ઇચ્છા થાય છે એટલે પેલાનું પત્તું વગર વાંકે કપાઈ જાય છે પણ એક લાંબા સમય સુધી, તું વિચારી જો કે આવતી કાલે તારા અર્જુનની સાથે આવું થાય તો તારા પર શું વીતે!


                દાદુ,  બધું આજે એટલા માટે કહું છું કે હું તને, જે રીતે શરૂઆતમાં સંબોધન કર્યું રીતે  ક્રિકેટનો God માનું છું અને મારા ગોડની મારા મનમાં વર્ષોથી જે છબીની સ્થાપના થયેલી છે ખંડિત થાય તો સ્વાભાવિક છે કે મને અત્યંત દુ: થાય. તો તને એટલી વિનંતી છે કે God માં રહેલા અક્ષરો આગળ પાછળ ના થઈ જાય અને લોકો તને ધુત્કારી કાઢે એવી પરિસ્થિતિ નહીં ઊભી થવા દે. આવું થવા દેવું કે થવા દેવું માત્ર તારા હાથમાં છે તો આશા રાખી શકું કે સમયસર સમજદારી બતાવીને કોઇ સમજણભર્યું પગલું લઈશ.

લિ.
તારો આંધળો ભક્ત નહીં પણ સાચો ચાહક.....


ગંગાજળ:

આ તો જાણે સચિન પોતાના ચાહકોના અંતિમસંસ્કાર કરતો હોય એવું લાગે છે!”
સહારાની વિવાદાસ્પદ જાહેરાત અને સચિનનું હાલનું પર્ફોર્મન્સ જોઈને આવેલો એ બન્નેને જોડતો અવળચંડો  વિચાર...