Wednesday, June 20, 2012

ટેકનોલોજી: જિન જ્યારે ’આકા’ બની જાય છે!


           ગળથૂથી:
 "ભલે કહેવાતું કે ગોખણીયું જ્ઞાન એ માણસને મશીન બનાવે છેપણ જે પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે."
* * *
           હમણાં થોડા દિવસ પર એક પત્રકાર મિત્રની સાથે એમના પ્રેસ પર બેસી ગપસપ કરતો હતો, વાત વાતમાં એ મિત્રે એકદમ લાંબો નિશ્વાસ મૂકીને કહ્યું,”આજે કેરીનો રસ ખાવા નહીં મળે!મેં આશ્ચર્યથી પૂછ્યું, “કેમ?” “આજે આપણા રહેણાકના વિસ્તારમાં લાઇટનો કાપ છેને એટલે...હું ગુંચવાયો કે લાઇટના કાપને ને કેરીના રસને વળી શું સંબંધ? મારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન વાંચી ગયેલા એ મિત્રે ચોખવટ કરી, “ લાઈટ નથી એટલે મિક્સર કે બ્લેન્ડર ના ચાલે, એટલે કેરીનો રસ ના થાય! પહેલાં તો મમ્મી કેરી ઘોળીને રસ કાઢી દેતાં, પણ આજકાલના બૈરાંઓને એ ના આવડે!એ મિત્રની વાત સાંભળી થોડીવાર માટે તો શું પ્રતિભાવ આપવો એ ના સૂઝ્યું, પણ પછી વિચારોનું જે ચગડોળ ચાલ્યું એમાંથી આ આખો લેખ લખાયો. સાચી વાત છે, ટેક્નોલૉજી એક એવો જિન છે જેને માણસે બોટલમાંથી બહાર કાઢ્યો પોતાના હુકમની તામિર કરવા માટે પરંતુ થયું છે એનાથી ઊલટું, લગભગ લગભગ થયું છે એવું કે આકાજ આજે આ જિનનો ગુલામ થઈ બેઠો છે! સવાલ એ છે કે આવું કેમ થયું છે? એના માટે જવાબદાર કોણ છે? અને હવે આ નાગચૂડમાંથી છૂટવું કેમ? આ બધા સવાલોને સમજવા માટે આપણે અહીં કોઈ અટપટી ટેક્નોલૉજીની વાત નથી કરવી કે નથી કરવી કોઈ રોકેટ સાયન્સની ચર્ચા, પણ જે છેક છેવાડાના આદમીને પણ સ્પર્શે છે, જેનો ડગલે ને પગલે ઉપયોગ થાય છે અને જેને સમજવામાં અભણ કે ભણેલાના ભેદ પણ નડે એમ નથી એવી સીધીસાદી ટેક્નોલૉજીને લઈને જ સમજવાની કોશિશ કરવી છે.
             સ્વ.ચંદ્રકાંત બક્ષીએ એમના એક પુસ્તકમાં કદાચ અમેરિકાના પ્રવાસ અંગેના પુસ્તકમાં જ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. તેઓ અમેરિકાના એમના પ્રવાસ દરમ્યાન કોઈ એક દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે એમણે જોયું કે કાઉન્ટર પરની સેલ્સ ગર્લને એક એક આંકડાની બે રકમનો ટોટલ કરવા માટે પણ કેલ્ક્યુલેટરની જરૂર પડી! જે સરવાળો અહીં આપણા દેશમાં પહેલા કે બીજા ધોરણનું બાળક પણ મોઢે અથવા વધુમાં વધુ આંગળીના વેઢે કરી શકે એવા હિસાબ કરવા માટે પણ કેલ્ક્યુલેટરનું અવલંબન! જો સમયસર નહીં ચેતીએ અને શક્ય ત્યાં સુધી આ ગણકયંત્રનો ઉપયોગ ટાળવાનું આપણાં બાળકોને નહીં શીખવી તો આપણા દેશમાં પણ આ પરિસ્થિતિ આવીને ઊભી રહે એ દિવસો અસંભવ નથી! પહેલાં, આપણા વડીલો ગમે તેવા અપૂર્ણાંકના હિસાબ પણ મોઢે કરી શકતા હતા કારણ કે ત્યારે શાળાઓમાં ઊઠાં ભણાવવામાં આવતાં હતાં, સાચા અર્થમાં ઊઠાં ભણાવવામાં આવતાં હતાં અત્યારે જેમ રૂઢી પ્રયોગના અર્થમાં ઊઠાં ભણાવાય છે એમ નહીં! આ ઊઠાં એટલે સાડાત્રણ. એ જમાનામાં એકુ થી દાણ, અગ્યારાથી વીશા, એકવીશાથી ત્રીસા આ ઘડિયા તો ગોખાવવામાં આવતા જ ઉપરાંત પા, અરધો, પોણો, સવાયો, દોઢા, અઢિયા અને ઊઠાં ના ઘડિયા પણ ખરા, જેના કારણે સરવાળા અને ગુણાકાર કરવામાં એકદમ સરળતા રહેતી. એમ ભલે કહેવાતું કે ગોખણીયું જ્ઞાન એ માણસને મશીન બનાવે છે, પણ જે પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે.

             બીજી એક આપણી રોજબરોજની વપરાશની વસ્તુની વાત કરીએ, મોબાઇલ ફોન. વિચારી જુઓ, તમને કેટલા લોકોના મોબાઇલ નંબર મોઢે છે? લોકોની વાત છોડીએ, કેટલા અંગત મિત્રોના નંબર યાદ છે? એનાથી પણ એક ડગલું આગળ વિચારીએ, આપણામાંથી કેટલા લોકોને પોતાના ફેમિલી મેમ્બરના નંબર મોઢે છે? આપણામાંથી મોટા ભાગના લોકોને માંડ બે કે ત્રણ નંબર યાદ હશે! જે લોકો જીવનના અઢી-ત્રણ દાયકા વટાવી ચૂક્યા છે એ લોકોને ખબર હશે કે જ્યારે સંપૂર્ણ રીતે લેન્ડલાઇન ફોન નો જમાનો હતો ત્યારે દરેક વ્યક્તિને આસાનીથી પંદર-વીસ-પચ્ચીસ લોકોના ફોન નંબર યાદ રહેતા. તો એવું શું થયું કે આ મોબાઇલ આવવાથી યાદદાસ્તને ઘસારો પહોંચ્યો? શું ખરેખર અમુક સંશોધન કહે છે એમ, ખરેખર મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એવા કોઈ ઘાતક કિરણો નીકળે છે કે જેના લીધે આપણે બધા ગજનીબનવા માંડ્યા છીએ? શક્ય છે કે મોબાઇલના ડબલાની એવી કોઈ ઘાતક આડઅસર પણ હોઈ શકે, પણ આપણે અહીં જે બાબતની વાત કરીએ છીએ એમાં મુખ્ય કારણ એ નથી. પરંતુ જ્યારે આપણે લેન્ડલાઇન વાળાં ડબલાંજ વાપરતા હતા ત્યારે, કોઈ પણ નંબર ડાયલ કરવા માટે સૌ પ્રથમ તો આપણે ડાયરીમાં લખેલો નંબર જોવો પડતો, એ પછી એક એક કરીને આંકડાના ચકરડામાં આંગળી નાખી ઘુમાવવાના અથવા તો જો પુશબટન ફોન હોય તો બટન દબાવવાનું, એ પછી પણ જ્યારે સામેની વ્યક્તિ ફોન ઉપાડે ત્યારે એક વાર મોઢેથી બોલીને નંબર એજ છે કે નહીં એની ખાતરી કરવાની. આમ એક ફોન કરવામાં કોઈ પણ નંબર દર વખતે ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત આપણી નજરે ને જીભે ચડતો, જ્યારે અત્યારે મોબાઇલમાં મોટાભાગે તો નંબર આપણી આંખોથી ઓઝલ જ રહે છે અને સામે આવે છે માત્ર નામ! હવે જે નંબર આપણે કદી જોતા જ નથી, જે કદી બોલતા જ નથી કે જે કદી ડાયલપેડ પર ડાયલ કરતાજ નથી, એ યાદ રહેવાનો તો કોઇ સવાલ જ નથી!
             ટેક્નોલૉજીના આ વિસ્ફોટના સૌથી માઠાં પરિણામ ભોગવવાનાં આવ્યાં છે પશુધનના ભાગે અને એમાંયે ખાસ કરીને ગૌવંશે. હું જ્યારે નાનો હતો ત્યારે ગામડે હમેશાં અમારા ઘરે એક ગાય તો રહેતીજ. આ ગાય હજુ તો ગાભણી હોય ત્યાંજ એના આવનાર સંતાન માટે ખેડૂતોના માગાં શરૂ થઈ જતાં, કે જો વાછરડો આવે તો અમારે જોઈએ છે અને જો વાછરડો આવે ને એ હજુ નવ-દશ મહિનાનો થાય ત્યાંજ કોઈ ખેડૂત એનું યોગ્ય મૂલ્ય આપીને લઈ જતો અને એને પોતાના સગા દીકરા કરતાં વધારે કાળજી લઈને ઉછેરી મોટો કરતો જેથી મોટો થઇને અલમસ્ત થયેલો એ બળદ ખેતીમાં કામ આવે. ખેતીમાં કૂવો ખોદવાથી માંડીને કૂવામાંથી પાણી ખેંચવામાં, ખેડમાં અને પછી જ્યારે તૈયાર ઘઊં કે બાજરી ખળે આવે ત્યારે એના ડૂંડામાંથી દાણા છૂટા પાડવામાં, આમ ડગલે ને પગલે બળદ અનિવાર્ય હતા. બળદના છાણમાંથી ઉત્તમ છાણિયું ખાતર તૈયાર થતું. કોઈ ખેડૂતનો બળદ બીમાર પડે તો ઘરના માણસની જેમ ચાકરી કરવામાં આવતી અને તો કદાચ મરી જાય તો ઘરનું કોઇ સભ્ય ગુમાવ્યું હોય એવો માતમ છવાઈ જતો, ગામ લોકો અને સગાવહાલા ખરખરે પણ આવતા. આજે મોટા ભાગના ખેડૂતો પાસે ટ્રૅક્ટર આવી ગયાં છે અને જેની પાસે ટ્રૅક્ટર નથી એ લોકો પણ ઘણુંખરું ટ્રૅક્ટર ભાડે લઈને જ ખેતીનાં કામ કરે છે અને બળદની કોઈ જરૂરિયાત નથી રહી, અને પોતાના સગા માં-બાપને પણ વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડી દેતી આ સ્વાર્થી માણસજાત પછી બળદને શું કામ સાચવે? એટલે એ બિચારો પોતાના હક્કનું દૂધ લૂંટાઈ જતું જોતો ભૂખમરો ભોગવી રિબાઈ મરે છે અથવા કતલખાને ધકેલાય છે અને ખેતર જે બળદના છાણ-મૂત્રનું પોષણ પામતાં હતાં એના બદલે આજે ડીઝલના ધુમાડામાં ગૂંગળાય છે!
             આજે, જ્યારે લાઇટ જતી રહે છે ત્યારે ઘર જાણે કોમામાં સરી જાય છે, કપડાં ધોવાતાં નથી, અનાજ દળાતું નથી, છાસ બનતી નથી, કેરીનો રસ નીકળતો નથી, ચટણી બનતી નથી, અરે તુવેરદાળ પણ બનાવવી અશક્ય થઈ જાય છે! તો શું આજથી ત્રીસ-ચાલીસ વરસ પહેલાં જ્યારે ગામે ગામ લાઈટ નહોતી ત્યારે કોઈ કેરીનો રસ નહીં ખાઈ શકતું હોય? કોઈ ઘરે તુવેરદાળ નહીં બનતી હોય? છાશનું શું થતું હશે? આજે તો પાણી ઘરે ઘરે પહોંચ્યું છે પણ ત્યારે કપડાં ધોવા માટે પણ ગામના કૂવા કે કોઇની વાડી સુધી જવું પડતું. કૂવામાંથી પાણી ખેંચી, કપડાને હાથેથી ત્યારે ૫૦૧ નામનો સાબુ આવતો એ ઘસી, લાકડાના ધોકાથી ધોકાવવામાં આવતાં. (જે ધોકો પાર્ટટાઇમ, બાળકોને ક્રિકેટના બેટ તરીકે પણ સેવા આપતો!)  આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે કપડાં આ રીતેજ ધોવામાં આવે છે એ શહેરી વિસ્તારની આજની જનરેશનમાંથી કેટલાને ખબર હશે? દહીં ભાંગીને છાશ કરવા માટે કે તુવેરદાળ બનાવવી હોય ત્યારે એને જેરવા માટે હાથેથી જેરણીનો ઉપયોગ થતો અને આજે પણ થાય છે. કોઈ મોટા ઘરે લગ્ન જેવો પ્રસંગ હોય અને જમણવારમાં કેરીનો રસ રાખેલો હોય તો આખી જાનને જમાડવાનો કેરીનો રસ હાથેથી કેરી ઘોળીને અથવા મોટા તપેલા પર શણિયું બાંધી, એના પર કેરી ઘસીને કાઢવામાં આવતો. હા, પહેલાં ગામડાંમાં ઘરે ઘરે જે હાથેથી અનાજ દળવાની ઘંટીઓ હતી તે આજે ગામમાંથી નીકળી શહેરમાં આવીને દિવાનખંડની શોભા બની ગઈ છે!
             આ રીતે મોટા ભાગનાં કામમાં શારીરિક શ્રમ વાપરવાનો બીજો પણ એક મોટો ફાયદો હતો કે ત્યારે કોઇને જિમ જોઈન કરવાની, ફિટનેશ માટે કોઈ ડાયેટિશ્યનને કન્સલ્ટ કરવાની કે ખાસ પ્લાનિંગ કરીને વોકિંગમાં જવાની જરૂર નહોતી પડતી! બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગ એ બધા શબ્દો જાણે કોઇ અજાણ્યા ગ્રહની ડિક્શનરીના હતા.
             તો શું આનો મતલબ એવો થાય કે માત્ર જૂનું એજ સોનું? ફરી પાછા ભૂતકાળ તરફ જઈને એ જીવનપદ્ધતિ અપનાવવી? કદાપિ નહીં...અહીં એવું કહેવાનો કે સ્થાપિત કરવાનો આશય બિલકુલ નથી. સવાલ છે માત્ર વિવેકબુદ્ધિ વાપરવાનો અને આકાબની બેઠેલા જિન ને એના સ્થાને જ રાખવાનો. રેલવે, બૅન્ક તથા સરકારી ઓફિસોમાં હાલના સમયમાં આપણને બધાને એક અનુભવ થયો જ હોય છે કે ક્યારેક કોઈ કારણવશ કમ્પ્યુટર પ્રણાલી ખોરવાઈ જાય છે અને કલાકો સુધી સમગ્ર તંત્ર ઠપ્પ થઈ જાય છે, આમ આદમીનું કામકાજ રખડી પડે છે. હમણાં થોડા સમયથી લગભગ ગુજરાતની તમામ એસ.ટી. બસોમાં કન્ડક્ટરના હાથમાં ટિકિટની વજનદાર બેગની જગ્યાએ એક નાનકડું સાધન જોવા મળે છે, જેણે બુકિંગનું કામ એકદમ ઝડપી અને સરળ બનાવી દીધું છે. ગમે એવી ભીડ વચ્ચે પણ ફટાફટ બુકિંગ થઈ જાય છે ઉપરાંત ચાલુ બસે કંડકટરે ટિકિટના નંબર જોઈને દરેક સ્ટોપ પર વે બીલ બનાવવું પડતું હતું એ ઝંઝટમાંથી પણ મુક્તિ મળી ગઈ છે, પણ ક્યારેક આ સાધન ખોટકાય તો? તો પણ બુકિંગ અટકતું નથી, કારણ કે કંડકટરને મૅન્યુઅલ બુકિંગ માટે ટિકિટો પણ આપી રાખવામાં આવે છે જેથી કામ અટકતું નથી અને પેસેન્જર હેરાન થતા નથી. બસ, દરેક જગ્યાએ આ વસ્તુ કરવાની જરૂર છે, જ્યાં પણ ટેક્નોલૉજી દાખલ કરવામાં આવી છે ત્યાં સાથે સાથે આવી વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી જરૂરી છે જેથી મૂળભૂત રીતે જે વસ્તુ સગવડ વધારવા માટે આવી છે એ અગવડ વધારવામાં નિમિત્ત ના બને!
             તમને નથી લાગતું કે ઘરમાં પણ ક્યારેક આવા પ્રયોગો સમયાંતરે કરતા રહેવા જોઈએ, જેમકે, વોશિંગ મશીનને આરામ આપી અને હાથે કપડાં ધોવાં, ગ્રાઈન્ડરનો ઉપયોગ કરવાને બદલે ખાડણી-દસ્તાથી ચટણી બનાવવી, બ્લેન્ડરને બદલે સાદી જેરણીથી છાશ બનાવવી, વેક્યૂમ ક્લીનર ને એના બૉક્સમાં જ રહેવા દઈ અને સાવરણીથી ઝાડુ કાઢવું, હાથેથી કેરીને ઘોળીને એનો રસ કાઢવો વગેરે, કમસે કમ મહિનામાં એકાદ વખત આ પ્રયોગ કરવો જોઈએ, આમ કરવામાં ગુમાવવાનું કશું જ નથી,  લાઈટ નહીં હોય ત્યારે કેરીના રસની લિજ્જત પણ નહીં ગુમાવવી પડે!
             અને હા, ઘરકામની બાબતમાં તમે ટેક્નોલૉજીની જગ્યાએ કામવાળી બાઈશબ્દ મૂકશો તો પણ ઉપરોક્ત બાબતો અક્ષરશઃ લાગુ પડશે!
ગંગાજળ:
             હમણાં એક મિત્રનો મોબાઇલ પર કોલ આવ્યો, મેં રીંગ વાગ્યા ભેગો ઉપાડી લીધો એટલે કહે કે તમે ઉપાડી કેમ લીધો? મને એક રૂપિયાનું નૂકશાન કરાવી દીધું! તમારે કાપીને સામે કરવાનો હતો! એટલે મેં બહુ શાંતિથી અને પ્રેમથી એને સમજાવ્યું કે મને કેમ ખબર પડે કે તારે મિસ કોલ કરવાનો હતો? એટલે હવેથી જ્યારે પણ તારે મિસ કોલ કરવો હોય ત્યારે મને પહેલાં ફોન કરીને કહી દેવું કે હું મિસ કોલ કરૂં છું, ઉપાડતા નહીં...એટલે નહીં ઉપાડું!

             મારા આ જવાબથી એણે એકદમ સંતુષ્ટ થઈ, ખુશ થઈને ફોન કાપી નાખ્યો, પછી મેં એને કોલ કર્યો ને અમે વાત કરી...!!!

લખ્યા તારીખ: ૧૮/૦૬/૨૦૧૨

Wednesday, June 13, 2012

જરા હટકે, જરા બચકે યે હૈ રાજકોટ મેરી જાન!

ગળથૂથી:
મ્યુનિસિપલ કોર્પોરેશન, બી.એસ.એન.એલ.,જી.એસ.પી.સી. અને પી.જી.વી.સી.એલ. વચ્ચે બરાબર ચોમાસુ ં શરૂ થવાની તૈયારી હોય ત્યારે જ રસ્તા ખોદવાની હરિફાઇ શા માટે ચાલુ થાય છે એ એક શોધનિબંધ તૈયાર કરી શકાય એવો વિષય છે!
***

          આપણા વડાપ્રધાન મૌનમોહનસિંગનું રાજકોટ સાથે એક જબરદસ્ત કનેક્શન છે. વિચારો, રાજકોટ સાથે એમનું શું કનેક્શન હોઈ શકે? માથું ખજવાળતાં ખજવાળતાં તુક્કા લડાવો, જેવા અને જેટલા આવે એટલા, કારણ કે હજુ તુક્કા પર કોઇપણ પ્રકારનો ટેક્ષ આ સરકારે નથી નાખ્યો, પણ ક્યાં સુધી આ ક્ષેત્ર કરમુક્ત રહી શકે એની ખાતરી નથી કારણ કે આ દેશમાં ટેક્ષ વસૂલવા માટે આ ક્ષેત્ર સૌથી વધારે પોટેન્શીયલ છે એ પ્રણવબાબુને હજુ ખ્યાલમાં નથી આવ્યું, બાકી એટલી આવક થાય કે બીજા કોઈ ટેક્ષની જરૂર જ ના રહે! હમ્મ..તો આપણે વાત કરતા હતા પ્રધાનમંત્રીજીના રાજકોટ કનેક્શનની તો એ દિશામાં  વિચારીએ,. જેમકે,
-  રાજકોટમાં દરેકે દરેક ચેમ્બર અને એપાર્ટમેન્ટને, પાન-ફાકી પ્રેમી લોકો જેમ પિચકારી મારીને ગંદા કરી મૂક્યાં છે એમ, આ સરકારે આડેધડ વહીવટ કરીને આખા દેશને ગંદો કરી મૂક્યો છે..
-  જેમ રાજકોટમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે બાંધકામ ફૂટી નીકળે છે એક આ સરકારમાં પણ ગમ્મે ત્યારે ગમે ત્યાંથી કૌભાંડ ફૂટી નીકળે છે..
-   જેમ રાજકોટમાં લોકો મોટાભાગે, કૉર્પોરેશનની કચરાપેટી સુધી જઈને પછી એ કચરાપેટીની બાજુમાં કચરો ફેંકે છે એમ દિગ્વિજય જેવા, પોતાનો માનસિક-મૌખિક કચરો ખોટી જગ્યા એ ઠાલવતા રહે છે..
-  જેમ રાજકોટનો ટ્રાફિક ભગવાન ભરોસે ચાલે છે એમ, દેશનો વહીવટ પણ આ પ્રધાનમંત્રીએ સાવ ભગવાન ભરોસે છોડી દીધો છે..
-   જેમ ગાયોને અહીં એના માલિકો દ્વારા ગમે ત્યાં માથાં મારી પેટ ભરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવે છે એમ આપના વડા પ્રધાને એના પ્રધાનો છે આ દેશની જનતા માથે છૂટા મૂકી દીધા છે..
             વગેરે..વગેરે..
             અરે ભાઇ...આ બધું તો છેજ, પણ આ બધાથી વધીને એક વાત છે જે વડા પ્રધાનને બહુ મજબૂત રીતે રાજકોટ સાથે જોડે છે, તો ચાલો હવે વાતમાં વધારે મોણ નાખ્યા સિવાય ચોખવટ કરી જ નાખીએ, યાદ છે થોડા સમય પહેલાં આપણા વડાપ્રધાને આ દેશની સંપત્તિ પર દેશની લઘુમતીનો પહેલો અધિકાર છે એવું એક નિવેદન કર્યું હતું? તો એ નિવેદન કરવાની પ્રેરણા એમને રાજકોટ પાસેથી મળી હતી, હા, રાજકોટના રીક્ષાવાળાઓ પાસેથી! ફોર વ્હીલર અને ટુ વ્હીલર જેવાં વાહનો ની સરખામણીએ આ ત્રિચક્રી વાહન લઘુમતીમાં હોવા છતાં એના માલિકોનું દ્રઢપણે માનવું છે કે આ શહેરની સડકો પર પહેલો અધિકાર એમનો છે! ધારો કે તમે રાજકોટના કોઈ એક રસ્તા પર જઈ રહ્યા છો, આગળ એક રસ્તો ક્રોસ થાય છે એ આડા રસ્તા પર ઓટોરીક્ષા આવી રહી છે અને તમને એમ લાગે કે માર્જીનલી તમે થોડા આગળ છો અને પહેલા ક્રોસ કરશો, રીક્ષાવાળા ભાઈ થોડી ધીમી પાડી તમને જવા દેશે, તો તમારો આ ભ્રમ એક વાત તો સાબિત કરે જ છે કે તમે આ શહેરના નાગરિક નથી અને છો તો સાવ નવાસવા! ઓટો રીક્ષામાં બ્રેક પણ હોય છે એ એના માલિકને ત્યારેજ યાદ આવે છે જ્યારે ભરપૂર ટ્રાફિકની વચ્ચે પણ અચાનક કોઇ સાઇડમાં ઊભેલ વ્યક્તિ હાથ ઊંચો કરે છે! આ અદ્ભૂત વાહનના માલિકમાં બીજી પણ ઘણી ખૂબીઓ છે, જેમ કે એને એવો વહેમ છે કે આ વાહન ૧૮૦ ડિગ્રી પર ટર્ન મારી શકે છે અને જેટલી જગ્યામાં આગળનું વ્હીલ ઘૂસી શકે એટલી જગ્યામાંથી આ વાહન પણ પસાર થઈ શકે છે! જે રીતે બકરીના ગળામાં આંચળ હોય છે એમ રાજકોટની રીક્ષામાં મીટર હોય છે પરંતુ બહારગામથી આવેલી બસમાંથી ઉતરેલો કોઈ અજાણ્યો દુષ્ટ પેસેન્જર જો મીટરભાડે રીક્ષા લઈ જવાની બેશર્મ અને અઘટિત માગણી કરવાની ગુસ્તાખી કરી બેસે તો રીક્ષાવાળો મોઢું બગાડીને એની સામે એ રીતે નજર કરશે જાણે પેલાએ એની બન્ને કિડની માગી લીધી હોય! (કર્ટસી - થ્રી ઇડિયટ્સ). માત્ર રાજકોટ જ નહીં, પણ જ્યાં ઓટોરીક્ષા મીટર પર જ ચાલે છે એવાં અમદાવાદમાં પણ રેલવે સ્ટેશન પર ઉતરીને કોઇ રીક્ષા વાળાને મીટર પર આવવાની ઑફર કરજો, લગભગ એજ સ્થિતિ! પરંતુ દરેક સમુદાયમાં કેટલાક અવળચંડા લોકો પણ હોવાના, એ રીતે આ પ્રજાતિમાં પણ કેટલાક લોકો એવા છે જે ઊલ્ટાં કામ કરતા રહે છે, જેમકે પોતાની રોજી નીકળી એટલો ધંધો થઈ ગયો એટલે ધંધો બંધ કરીને પછી સરકારી હોસ્પીટલે જઈને ઊભી જવાનું અને જરૂરતમંદ દર્દીઓને ભાડાની અપેક્ષા વગર હોસ્પીટલેથી ઘરે પહોંચાડવા, આ રોજીંદો ક્રમ! અહીં રાજકોટમાં કદી કોઈ પૅસેન્જરનો કિંમતી સામાન રીક્ષામાં ભૂલાઇ ગયો હોય અને પાછો ના આવ્યો હોય એવું બન્યું નથી. જો પૅસેન્જરનું સરનામું હશે તો રીક્ષાવાળો ઘરે આવીને સામાન આપી જશે અને બદલામાં જો પેસેન્જર આપે તો, ભાડાંથી વિશેષ કોઈજ અપેક્ષા નહીં. વૃદ્ધો અને અશક્તોની સાથે કોઈપણ રીક્ષાવાળાનો વર્તાવ હમેશા સૌહાર્દપૂર્ણ રહ્યો છે. મોડી રાત્રે ટ્રેન કે બસમાંથી ઊતરનારી કોઈ પણ બહેન-દીકરીને સલામત રીતે ઘરે પહોંચાડવામાં કોઈપણ અજાણ્યા રીક્ષાવાળાભાઇએ કદીપણ પોતાના ઉપર મૂકેલ ભરોસો તોડ્યો નથી.

             પરંતુ આ બહેન-દિકરી જ્યારે શહેરના રસ્તા પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને નીકળે છે ત્યારે એનો ડ્રાઇવિંગ પર ભરોસો કરી બેસવો એટલે ભારતના કોઇ રાજકારણીને પ્રમાણિક માની લેવો! કોઈ બહેન જ્યારે કાર ડ્રાઇવ કરતાં કરતાં બારીનો કાચ ઉતારીને જમણો હાથ બહાર કાઢે તો એનો મતલબ એવો થાય કે,
(૧) એ બહેન ડાબી બાજુ વળવા માગે છે,
(૨) એ બહેન જમણી બાજુ વળવા માગે છે,
(૩) એ બહેન સીધાં જવા માગે છે,
(૪) બહાર વરસાદ છે કે નહીં એ જોવા માટે હાથ કાઢ્યો છે
             અથવા
(૫) તાજી જ કરેલી નેઇલ પૉલિશ સૂકવે છે!
પછી થોડે આગળ જઈ, જે બાજુ વળવું હતું એ બાજુ વળી ગયા પછી યાદ આવે છે કે કારમાં ઇન્ડિકેટર પણ છે એટલે ચાલુ કરે છે! એજ રીતે ટુ વ્હીલરમાં પણ ઇન્ડિકેટર હોવાનું લગભગ વળવાની જગ્યાએ પહોંચીને જ યાદ આવે છે!

             કાર ભલે એક કરોડની મર્સીડીઝ હોય, પણ એક્સપ્રેસ વે પર ૧૦૦થી વધારેની સ્પીડમાં પણ ડ્રાઇવ કરતી વખતે કાર ચાલક દરવાજો અધૂકડો ખોલીને લાલ રંગનો કોગળો કરે તો ચોક્કસપણે એ કારનો નંબર જીજે ૩ થી જ શરૂ થતો હશે! પાન ખાઇને ચાલુ ગાડીએ થૂંકવા છતાં પોતાની કાર પર પાનનો એક છાંટો ન ઉડવા દેવો, (પાછળ વાળાનું જે થાય તે!) આ કૌશલ્યમાં રાજકોટના લોકોએ જે મહારત મેળવી છે એ જોતાં, જો આ કલાને ઓલિમ્પીકમાં એક સ્પર્ધા તરીકે સમાવવામાં આવે તો આપણા દેશનો એક ગોલ્ડ તો દર વખતે પાક્કો જ!

             સમય જતાં આગામી હજ્જારો વર્ષ પછી પૃથ્વીના કોઇ એક ભાગમાં ઉત્ખનન કરતાં, જમણી બાજુ નમી ગયેલી ડોક વાળા મનુષ્યોની એક વિશિષ્ટ પ્રજાતિના અવશેષ જોવા મળે, ચોક્કસપણે એ પ્રદેશનું નામ રાજકોટ હશે! આ શહેરને સમયની કિંમત છે, ( ચૂઉઉઉપ..આ વચ્ચે, બપોરના એક થી ચાર વાળું કોણ બોલ્યું?)  જીંદગી કરતાં પણ વધારે સમયની કિંમત છે એટલે સ્કૂટર કે બાઈક સવાર જ્યારે ચાલુ વાહને ફોન આવે ત્યારે એક મિનીટ સાઇડમાં વાહન ઊભું રાખીને વાત કરવાને બદલે, પિઝાના મિનારાની જેમ ડોક રાખીને મોબાઇલ પર લાંબી લાંબી વાતો કર્યે જાય છે, ધ્યાન રાખે સામેવાળા, આપણા કેટલા ટકા? વળી, રાજકોટના નાગરિકની એક ખૂબી એ છે કે એ દ્રઢ પણે માને છે કે કારમાં અથવા મોટર સાયકલમાં જો હોર્ન આપેલું છે તો વગાડવા માટે જ હોય અને એટલે જ સામે દેખાય કે સિગ્નલની લાઇટ લાલ છે એના કારણેજ ટ્રાફિક અટકેલો છે તે છતાં જ્યાં સુધી લાઈટ લીલી નહીં થાય ત્યાં સુધી અત્યંત ધાર્મિકપણે હોર્ન વગાડવાનું ચાલુ રાખશે!

             અત્યાર સુધી, એક બાબતમાં ભૂગર્ભ ગટર વાળા અને બી.એસ.એન.એલ વચ્ચે જ સ્પર્ધા હતી એમાં હવે જી.એસ.પી.સી. વાળા પણ ભળ્યા છે. રાજકોટના રસ્તાઓને ખોદી નાખવામાં આ ત્રણેય એટલા સમર્પિત રીતે કામ કરે છે કે ક્યારેક તો આપણને શંકા જાય કે આ લોકોએ પોતાની એક જાસૂસોની વિંગ બનાવેલી હશે જેનું કામ એ હોય કે એ રાજકોટમાં નવો રસ્તો ક્યાં બન્યો છે એની માહિતી લાવીને આપે એટલે હથિયાર લઈને પહોંચ્યા સમજો! રાજકોટ કદાચ વિશ્વનું એક માત્ર શહેર હશે કે જ્યાં લોકોને ખાનગી માલિકીના સ્પીડ બ્રેકરનો માત્ર શોખ જ નહીં પણ ક્રેઝ હોય! નવો રોડ બનતો હોય ત્યાંજ એને લાગુ પડતી સોસાયટીવાળા સ્પીડબ્રેકર કેટલા બનાવવા અને ક્યાં બનાવવા એનું પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. આ સ્પીડબ્રેકરની ડિઝાઇન પણ વિશ્વમાં ક્યાંય જોવા ના મળે એવી વૈવિધ્યસભર અને અનોખી હોય છે. ક્યાંક આડો કુત્તુબમિનાર હોય તો ક્યાંક ઘરના દરવાજાના બદલે ભૂલથી રસ્તા પર ઊંબર બનાવી નાખ્યો હોય એવું લાગે! હાલ શેરી દીઠ સ્પીડબ્રેકરનો લક્ષાંક પ્રાપ્ત થઈ ગયો છે, આગામી વર્ષોમાં ઘર દીઠ અને પછી વ્યક્તિ દીઠનો લક્ષ્યાંક છે.

             રાજકોટના લોકો વાહન અકસ્માતની બાબતમાં બબ્રુવાહનન્યાયમાં માને છે. અર્જુનને જ્યારે વનવાસની સજા થઈ ત્યારે એણે મણીપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કરેલાં અને તેનાથી જે પુત્ર થયો તે બબ્રુવાહન. પછી અર્જુન આ પત્નીને પુત્રના જન્મ પહેલાંજ મણીપુર છોડીને આવતો રહેલો. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એના સમાચાર કિશોર થઈ ગયેલા બબ્રુવાહન ને મળ્યા ત્યારે એણે હઠ કરી કે મારે પણ લડવા જવું છે, પણ પ્રશ્ન એ થયો કે પાંડવોને ઓળખવા કઈ રીતે? ચિત્રાંગદાને એમ કે પાંડવો ઓછા છે એટલે એમનો પક્ષ નબળો છે ને એ હારતા જ હશે એટલે માતા ચિત્રાંગદાએ બબ્રુવાહનને સલાહ આપી કે જે હારતા હોય એના પક્ષે રહીને તારે લડવાનું. હવે અહીં જ્યારે બબ્રુવાહન યુદ્ધના મેદાન પર પહોંચ્યો તે દિવસે યોગાનુયોગ કૌરવો હારતા હતા, એટલે આ ભાઇ તો માતાની આજ્ઞા મુજબ કૌરવોના પક્ષે જોડાઇને માંડ્યો લડવા તે પાંડવોની સેનામાં હાહાકાર મચાવી દીધો! અહીં રાજકોટમાં વર્તમાન કાળમાં આ પ્રસંગ એ રીતે લાગુ પડે છે કે જ્યારે પણ કોઇ પણ બે વાહનનો અકસ્માત થાય છે ત્યારે વાંક મોટા વાહનનો છે એવું ધારીને જ આજુબાજુના લોકોએ ઝંપલાવી દેવાનું!

             હા, આ રાજકોટ છે, બધી રાજકોટની જ વાત છે, છતાં મને લાગે છે કે આમાં રાજકોટની જગ્યાએ ગુજરાતના કોઈ પણ શહેરનું નામ લખી નાખીએ તો પણ ચાલે, શું કહો છો?
***

ગંગાજળ:
પેટ્રોલના છેલ્લા ભાવ વધારા વખતે ફેસબુક પર વાંચેલી આ રમૂજમાં કેટલી તીવ્ર વ્યથા છે!
કેટલાનું પૂરવાનું છે?”
પૂરવું નથી, આઠ-દશ રૂપિયાનું છાંટી દે એટલે સળગાવી જ દઉં!

લખ્યા તારીખ: ૧૧/૦૬/૨૦૧૨.

Tuesday, June 05, 2012

ડૉક્ટરની બિમારી: ગંભીર જરૂર પણ અસાધ્ય નહીં


        ગળથૂથી:
        અરીસાને ફોડી નાખવા કરતાં મોઢું ધોઈને અરીસા સામે આવવામાં સમજદારી છે.

      
          એ આશરે ત્રીસ-પાંત્રીસ વરસનો યુવાન હશે. કોઈ ગંભીર બિમારી સબબ એ આ જનરલ વૉર્ડના બેડ પર હતો એ એના નાકમાં ખોસેલી ઓક્સિજનની નળી અને હાથ-પગ સાથે લાગેલા વાયરીંગને જોડતા મોનિટરથી જણાઈ આવતું હતું. સવારના નવ વાગ્યાની આસપાસ ડ્યૂટી પરની નર્સ એને સ્પંજ આપી રહી હતી ત્યાં અચાનક એ દર્દીને આંચકી શરૂ થઈ. વૉર્ડના બીજા પેશન્ટનું ધ્યાન ત્યાં ખેંચાયું અને ગભરાયેલી નર્સ ડૉકટરને ઇમર્જન્સીની જાણ કરવા માટે ઇન્ટરકોમ તરફ દોડી. એવામાં એણે જોયું કે હોસ્પિટલની લોબીમાંથી આ હોસ્પિટલના જ એક બાહોશ ફીઝીશ્યન ડૉ. એકસપસાર થતા હતા એટલે નર્સે ઇન્ટરકોમ પડતો મૂકી વૉર્ડના દરવાજા ભણી દોટ મૂકી અને બૂમ પાડી સાહેબ...સાહેબ.. જુઓને આ પેશન્ટને અચાનક શું થઈ ગયું?” ડૉ. એક્સે પેશન્ટની સામે નજર પણ નાખ્યા વિના, સિસ્ટરની સામે વીંધી નાખતી નજરે જોયું અને એક અણીયાળો સવાલ ફેંક્યો,” ઈઝ હી અન્ડર મી?” નર્સે ગભરાતાં ગભરાતાં કહ્યું, “નહીં સાહેબ, એ તો ડૉ. વાયની સારવાર હેઠળ છે!ડૉ, એક્સ, એ નર્સે જાણે કોઈ ગંભીર ભૂલ કરી નાખી હોય એવી રીતે તાડૂકતાં બોલ્યા,”ધેન વ્હાય શુડ આય?” અને પગ પછાડતા પોતાના વૉર્ડની દિશામાં આગળ વધી ગયા. છોભાયેલી નર્સ ફરી પેશન્ટ પાસે આવી અને પેશન્ટને પોતાની રીતે સારવાર આપવાની કોશિશ કરવા લાગી, એ પછી લગભગ પાંચેક મિનિટમાં, એ જુવાન  શરીર તરફડીને નિશ્ચેતન થઈ ગયું! કોઈ ડૉક્ટર આટલી હદે નિષ્ઠુર અને જડ થઈને માનવતાને આટલી હદ સુધી નેવે મૂકી શકે, અને એ પણ પોતાની ફરજની સરહદની આડમાં, એ મેં પોતે, મારી નજર સામે ના જોયું હોત તો મને પણ માનવામાં ના આવે. આશરે પંદર-સત્તર વરસ પહેલાં, એ સમયે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ગણાતી આ હોસ્પિટલમાં જ્યારે આ ઘટના બની ત્યારે, બાજુના બેડ પરના કે પેશન્ટ તરીકે, જીવનભર ના ભૂલાનાર આ કલંકિત કિસ્સાના સાક્ષી બનવાનું દુર્ભાગ્ય મારા લમણે લખાયું હતું!
                       *      *     *
          આયેશાના બાપુ, કહું છું રહેવા દો, આવું નાપાક કામ ના કરાવો, પરવરદિગારના ગુનેગાર ઠરીએ, કયામતના દિવસે ખુદાતાલાને શું જવાબ દઈશું? દીકરો હોય કે દીકરી, છે તો આપણુંજ ફરજંદ ને!
          બસ...હવે મારે કંઈ સાંભળવું નથી, એક દીકરી છે, એટલે બીજી તો ના જ જોઈએ, બેટો હોત તો બરાબર હતું..
          એ યુવાન દંપતી સોનોગ્રાફી કરાવી એ હોસ્પિટલની બહાર નીકળતાં રકઝક કરતું હતું જેને અમે, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ, એ સમયે શહેરના સૌથી મોટા કતલખાના તરીકે ઓળખતા. અલ્તાફ અને ઝુબૈદા, મારા એક સાથી મેડિકલ રિપ્રેઝ્ન્ટેટીવના સગાં હતાં ને શહેરથી ત્રીસેક કિલોમીટર દૂરના એક તાલુકા મથકેથી આવેલાં. એક છ વરસની દીકરી હતી આયેશા, અને ઝુબૈદા હવે ફરીથી ગર્ભવતી હતી. અલ્તાફને કોઈ સંજોગોમાં દીકરી નહોતી જોઈતી, એટલે ઝુબૈદા બેગમને સોનોગ્રાફી માટે લઈ આવેલો. અહીંનો રિપોર્ટ સ્પષ્ટ કહેતો હતો કે ગર્ભમાંનું સંતાન ફીમેલ છે, અને ઝુબૈદા આ પાપ કરવા તૈયાર નહોતી, એની આ બધી લમણાઝીક હતી. છેવટના ઉપાય તરીકે, આ આખો કેસ મારા એ મિત્ર એમ.આર. પાસે આવ્યો જેના આ સગાં હતાં. એણે આ આખી ઘટના સાંભળી જે જગ્યાએ સોનોગ્રાફી કરાવેલી એ કુખ્યાત હોસ્પિટલનું નામ સાંભળી દાળમાં કાળું હોવાની શંકા ગઈ એટલે બીજા એક જાણીતા ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું. જે નવો સોનોગ્રાફીનો રિપોર્ટ આવ્યો એ જોઈને અલ્તાફ, ઝુબૈદા અને અમારા બધાના પગ તળેથી ધરતી ખસી ગઈ! એ એટલા માટે કે અમે જેને કતલખાનું કહેતા એ હોસ્પિટલનો રિપોર્ટ સદંતર ખોટો હતો, એ હોસ્પીટલના રિપોર્ટ મુજબ ઝુબૈદાના ગર્ભમાં એકજ સંતાન હતું અને એ ફીમેલ, જ્યારે હકીકત એ હતી કે ઝુબૈદાબાનો ના પેટમાં એક નહીં પણ બે શીશુ આકાર લેતાં હતાં! અને એમાં યે એક દીકરો અને એક દીકરી! આ આખી ઘટનાને સીધીસાદી રીતે સમજવાની કોશિશ કરીએ તો, પહેલાં જ્યાં રિપોર્ટ કરાવેલો એ હોસ્પિટલમાંથી જાણી જોઈને ખોટો રિપોર્ટ આપવામાં આવેલો જેથી આ કતલખાને આવેલું  ઘરાક પાછું ના જાય! એક તો ભૃણહત્યાનું કામજ સાવ અનૈતિક અને ગેરકાનૂની પણ અહીં તો કમાવાની લાલચમાં ડૉક્ટર અનીતિના તમામ પાતાળ ભેદી ગયા હતા! આજે અલ્તાફ,ઝુબૈદા અને એનાં ત્રણ સંતાનોનો પરિવાર ખુશખુશાલ છે, પણ બીજા કેટલાયે પરિવારો એવા હશે જે અહીં આ પાપ કરવા માટે આવ્યા હશે અને જાણ્યે અજાણ્યે, એમના આ પાપની સજા એમને આ ડૉક્ટરના હાથેજ મળી હશે!

          અને હા, આતો આગળ કહ્યું એમ શહેરનું સૌથી મોટું કતલખાનું હતું, આવાં બીજાં તો કેટલાંયે કતલખાનાં ત્યારે હતાં અને આજે પણ ધમધમે છે!
                     *    *    *
          અને હવે જેની વાત કરવી છે એ કૌભાંડતો એવું વિચિત્ર અને ભયાનક છે કે જ્યારે એ એક જાંબાઝ યુવા પત્રકારના સાહસથી બહાર આવ્યું ત્યારે એણે ઘણાના સંસારમાં આગ લગાડી દીધેલી! સૌરાષ્ટ્રના ઘણા બધા દંપતીની હાલત ન કહેવાય ન સહેવાય એવી થઈ ગયેલી! શહેરમાં એક જાણીતા ડૉક્ટરનું વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ચાલતું. શેર માટીની ખોટ પૂરવા માટે બધેથી હારી ચૂકેલાં દંપતી અહીંથી કદી નિરાશ ન થતાં, એટલે સમાજમાં એ ડૉક્ટર સાહેબની તો દેવ જેવી આબરૂ. એક પત્રકારને ક્યાંકથી કંઈક રંધાતું હોવાની ગંધ આવી એટલે એ યુવાન અને એક સંતાનના પિતા એવા પત્રકાર, આખા કિસ્સાના તળિયા સુધી પહોંચવાના મકસદથી પોતે ડમી દર્દી તરીકે ગયા અને પોતાનાં લગ્નને અમુક વર્ષો થયાં છે અને સંતાન નથી એવી રજૂઆત કરી. આખી વાતથી અજાણ ડૉક્ટર સાહેબે એ પત્રકારને બરાબર એક્ઝામીન કરીને નિદાન કર્યું કે તમારામાં અમુક તમુક ખામી છે, એટલે સંતાન થતું નથી, તમારી સાથે તમારા પત્નીની પણ સારવાર ચાલુ કરવી પડશે, સારવાર એકાદ વર્ષ ચાલશે અને અમુક રકમનો ખર્ચ થશે. પછી જે સત્ય બહાર આવ્યું એ એક એની પાસે કલ્પના પણ ફિક્કી લાગે એવું, કોઈ ફિલ્મની સ્ટોરી જેવું સનસનાટી ભરેલું હતું! અહીં સારવાર માટે આવતાં નિઃસંતાન દંપતીને સારવારના બહાને વારંવાર બોલાવવામાં આવતાં અને તપાસના બહાને સ્ત્રીને એક્ઝામીનેશન ટેબલ પર લઈને, શહેરની એક સાઠગાંઠ ધરાવતી લૅબોરેટરીમાંથી કોઇ પુરુષનું વીર્ય મગાવીને એ સ્ત્રીના શરીરમાં દાખલ કરી દેવામાં આવતું! ત્રણ-ચાર વખત આવી સારવારથઈ જાય એટલે સામેથી જ બેથી ત્રણ અને ક્યારેક પાંચથી છ મહિનામાં, ખુશખુશાલ દંપતી પેંડાનું પડીકું લઈને આવે!
                                        *    *    *
          મંગળ નામનો મારા ગામનો એક ગરીબ, મજૂરી કરીને પેટિયું રળતા દલિત કુટુંબનો યુવક. એને જમતી વખતે એવું લાગે કે ગળામાં કશુંક ફસાયું છે ને ખૂંચે છે. ગામના ડૉક્ટરની સારવાર કરી જોઈ પણ કશો ફેર ના પડ્યો એટલે છેવટે જૂનાગઢ એક સર્જન પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તપાસી ઓપરેશનનું કહ્યું, એટલે તાણીતૂસી, ઉછીના-પાછીના કરીને વ્યવસ્થા કરી ઓપરેશન કરાવ્યું. પણ પરિણામ શૂન્ય, અને એજ ફરિયાદ. છેવટે આ કિસ્સો મારી પાસે આવતાં હું મારા એક જાણીતા કાન-નાક-ગળાના સર્જન પાસે એને લઈ ગયો. આ સર્જને એન્ડોસ્કોપી કરી, બરાબર તપાસી ને છેવટે ભલામણ કરી કે આ કેસ મનોચિકીત્સકનો છે, એક જાણીતા મનોચિકીત્સકને રીફર કરવામાં આવ્યો અને એક-બે મહિનાની સારવારથીજ સારૂં થઈ ગયું! હવે અહીં સવાલ તો થવોજ જોઈએ કે જૂનાગઢના સર્જને જે ઓપરેશન કર્યું એ શેનું? દર્દીના ખિસ્સાનું? આજ શહેરનો બીજો એક લૅબોરેટરી સાથે જોડાયેલી ઘટના એવી છે કે એક પેશન્ટને ઇ.એસ.આર. આફ્ટર વન અવર નામનો રિપોર્ટ દશ મિનિટમાં આપી દેવામાં આવ્યો, લેબવાળાના કમનસીબે, દર્દીને સાથે જે સગો હતો એ પેરા મેડિકલ પર્સન એટલે એને સવાલ તો થાય જ કે ટેકનીકલી જે રિપોર્ટ કરવા માટે આખા વિશ્વમાં ક્યાંય પણ એક કલાકનો સમય ઓછામાં ઓછો જોઈએ (અને જેનું નામજ ઇ.એસ.આર. આફ્ટર વન અવર છે!) એ રિપોર્ટ, આ લોકોએ દસ મિનિટમાં આપી દીધો, તો એવી કઈ ટેક્નોલૉજી લઈ આવ્યા કે હજુ અમેરિકાને પણ ખબર નથી!

          સત્યાવીશમી મે ના રોજ, દૂરદર્શન પર આમીરખાનનું સત્યમેવ જયતેજોતાં જોતાં આ અને આવા બીજા અનેક કિસ્સા, અંદરથી એવા ધક્કામુક્કી કરતા હતા કે વારંવાર વર્તમાન છોડીને ભૂતકાળમાં પહોંચી જવાતું હતું અને એટલેજ આ એપિસોડ પૂરો થયા પછી આમીરખાન ને ધન્યવાદ આપવાની સાથેજ ફેસબુક પર લખેલું કે આમીરે આ જેટલું બતાવ્યું છે એ હીમશીલાની ટોચ પર બેઠેલા પેંગ્વીનના પીંછાના વાળ જેટલું પણ નથી!પણ એક વાત ભૂલવી ના જોઇએ કે કોઈ પણ સિક્કાની હમેશા બે બાજુ હોય છે, અને જ્યારે એક બાજુની રજુઆત કરવામાં આવે અને એના પરજ ચર્ચા કરવામાં આવે તો એ બાબતની રજૂઆત માત્ર પૂર્વગ્રહિત નહીં પણ અન્યાયકર્તા થઈ જાય અને સરવાળે લાંબા ગાળે નુકશાન તો સમાજનું જ છે. આ વ્યવસાયમાં કેટલાયે એવા ઉમદા લોકો પણ આવી ગયા અને આજે પણ છે જેમણે ભેખ લીધો છે એમ કહી શકાય અને જેમને પુણ્યશ્લોક કહીને યાદ કરી શકાય. જેમાં ટોચ પર આવે વડનગરના ડૉ.વસંત પરીખ. ૧૯૨૯માં જન્મેલા ડો. વસંત પરીખ અને એમના ધર્મપત્ની રત્નપ્રભાબેન પિસ્તાલીસ વર્ષ સુધી વડનગરની નાગરિક મંડલ હોસ્પિટલમાં સેવા કરતા રહ્યા. આજે એમની ગેરહાજરીમાં પણ એમનું કરુણા-સેતુ ટ્રસ્ટ એમના કાર્યને આગળ ધપાવી રહેલ છે. અહીં એક આડ વાત કરવાની ઇચ્છા રોકી નથી શકાતી, ૧૯૬૭માં ડૉ. પરીખ ધારાસભાની ચૂંટણી લડેલા અને જીતેલા, કુલ ખર્ચ કરેલો રૂપિયા ૬૦૦૦/- ! આ છ હજારનો પાઇ પાઈનો હિસાબ પણ આપેલો.

          બીજા એક એવાજ ડૉક્ટર મને સૌરાષ્ટ્રના એક શહેરના યાદ આવે છે, જેમનું નામ અત્યારે યાદ નથી. એ હમેશાં પ્રિસ્કીપ્શન લખતી વખતે બે કલરની પેન રાખતા. એક સારી આર્થિક સ્થિતીવાળા દર્દી માટે અને બીજી એમને એમ લાગે કે દર્દીની દવા ખરીદવાની પરિસ્થિતિ નથી એવા દર્દી માટે. આખા શહેરના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આ બીજી પેનથી લખેલી ચિઠ્ઠી જાય એટલે એ મેડિકલ સ્ટોર વાળાએ દર્દી પાસેથી પૈસા નહીં લેવાના, મહિનાના અંતે ડૉક્ટર સાહેબ પાસે જઈને હિસાબ કરી લેવાનો! આ થઈ સાંભળેલી વાત, પણ આવીજ ફરેલી ખોપરીની જમાતના એક ડૉકટરને પ્રત્યક્ષ જોયા દોઢ-બે વરસ પહેલાં ડેડિયાપાડામાં. આદિવાસી વિસ્તાર અને ગરીબી, એટલે મોટા ભાગે દર્દી લખેલી પૂરી દવા લઈ ના શકે, ચિઠ્ઠીમાં લખેલી હોય એનાથી અરધી કે અડધાથી પણ ઓછી દવા ખરીદે, આમ સારવાર અધૂરી રહી જાય. એટલે આ સાહેબે વળી એક નવતર રસ્તો કાઢેલો, એવા દર્દી લાગે એની ચિઠ્ઠીમાં એક ખાસ નિશાની કરે, આવી નિશાની વાળી ચિઠ્ઠી નો નિયમ એવો કે દર્દી પાસે ઓછા પૈસા હોય તો પણ મેડિકલ સ્ટોર વાળાએ દવા પૂરી જ આપવાનીને પૈસાનો હિસાબ ડૉક્ટર સાહેબ સાથે કરવાનો!

          અહીં આ કિસ્સાઓનો ઉલ્લેખ કરવાનો હેતુ એટલો જ છે કે શરૂઆતમાં જે ઘટનાઓ આપી એનો તદ્દન સામેનો છેડો પણ હોય છે, આનો મતલબ બિલકુલ એવો નથી કે જે ડૉક્ટરો આવી રીતે સેવા કરે એને જ સારા માણસો અને સારા ડૉક્ટરો કહી શકાય! વ્યવસાય લઈને બેઠા છે એને બધાને કમાવાનો અધિકાર છે પણ નૈતિક રીતે. બિનજરૂરી દવાઓ લખી, લૅબોરેટરીવાળા પાસેથી કમિશન કમાઈને કે બિન જરૂરી ઓપરેશન કરીને નહીં. ડૉ. શરદ ઠાકર અને ડૉ. આઈ.કે. વીજળીવાળા જેવા ડૉક્ટરોએ આ ઉમદા વ્યવસાયને ગૌરવ બક્ષ્યું છે. આજે પણ મોટા ભાગના ફેમિલી ડૉક્ટર પોતાના દર્દીનો એક ફેમિલી મેમ્બરની જેમ ખ્યાલ રાખે છે એ હકીકત છે.

          બહુજ વાજબી રીતે એક સવાલ એ પણ સતાવે છે કે જ્યારે આમીરખાને  એવું કહ્યું જ નથી કે બધા ડૉક્ટર ખરાબ છે કે, એનાથી ઊલટું, ત્રણ ઉમદા ડૉકટરને આ કાર્યક્રમમાં હાજર રાખીને એમના ઉમદા કાર્યને સમાજની સામે લાવી મૂક્યું, તો પણ આમીરખાનના આ ડોઝથી અમુક ડૉક્ટરો અને એમનાં સંગઠનોને જ કેમ રિએક્સન આવે છે? આનો જવાબ પણ ડૉક્ટરની ભાષામાં જ છે, ’કોઈ પણ દવાનું રિએક્સન આવવું એ દર્દીની તાસીર પર આધાર રાખે છે!’

         
           ગંગાજળ:
          ઉપર શરૂઆતમાં જે કિસ્સા લખ્યા એમાંનો ત્રીજો કિસ્સો કે જેમાં ડૉક્ટર સૃષ્ટિના સરજનહારનું કામ કરતા હતા, એ ઘટનામાં ભોપાળું છાપામાં આવી ગયા પછીથી એક ઇફેક્ટ એ થયેલી કે જેને દીકરાના દાન દીધેલાં એવો એક દર્દી, પોતાના સગા અને મિત્રો સાથે હોસ્પિટલમાં આવી ને સાહેબની બરાબર સર્વિસ કરી ગયેલ! (લોકો પણ કેવા નગુણા હોય છે!)
          અને સાહેબની દશા ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે એવી એટલે ફરિયાદ પણ નહીં કરેલી!