અને વિક્રમરાજાને પણ જાણે એનું વ્યસન જ થઇ ગયું હતું. એણે હંમેશની માફક વૈતાળને વડ પરથી ઉતારી ખભે નાખી મૂંગામૂંગા ચાલવા માંડ્યું.
વૈતાળ પાસે પણ હવે તો વાર્તાઓ ખૂટી હતી. તેણે માથું ખંજવાળતાં ખંજવાળતાં યાદ કરવા માંડ્યું, અને પછી કંઇક યાદ આવ્યું હોય એમ બોલવા લાગ્યો: “ હે રાજા વિક્રમ, તું પણ ખરો છે, હવે તને કંટાળો નથી આવતો? એકનું એક કામ વારંવાર કરતાં કોણ નથી કંટાળતું ? પોતાને જેમાં જરા પણ લાભ ન હોય અને એ કામ કંટાળ્યા વગર કરતો હોય એને આ સમાજ પાગલ ગણે છે. તો રાજન્ આજે તને હું આ બાબતને લગતી એક ભવિષ્યકથા કહું છું તે સાંભળ.
“ આજથી સૈકાઓ પછી એટલે કે વીસમી સદીમાં આ દેશમાં એકએકથી ચડી જાય એવાં ઘણાં નગરો હશે, તે નગરોમાં ઓફિસો હશે અને તે ઓફિસોમાં અમુક ઉંમર થાય એટલે માણસોને નિવૃત્ત થવું એવો નિયમ હશે.
“ એવી એક ઓફિસનો એક કર્મચારી નિવૃત્ત થશે. એ તારા જેવો પરદુ:ખભંજન(લાખોમાં એક!) હશે, એટલે એને વિચાર આવશે કે મારે સેવા કરવી છે. એટલે એ સેવાનાં ક્ષેત્રો વિશે વિચારશે અને છેવટે જેનું કોઇજ નથી અને સમાજ જેને હંમેશાં હડધૂત કરે છે તેવા પાગલોની સેવા કરવા માટે એ ઘર છોડી જવાનો નિશ્ચય કરશે.
“ અને છેવટે એ પોતાનાં કુટુંબીજનોને પૂછશે. ત્યારે પત્ની કહેશે : ‘તમને પણ જાતી જિંદગીએ આવાને આવા ફંદ સુઝે છે ! તમારે સેવા જ કરવી હોય તો કરો મારા આ ઠાકોરજીની, પડ્યા રો’ એક ખૂણામાં ને ફેરવ્યા કરો માળા.’
“ પુત્ર કહેશે : ‘મને વાંધો નથી ( હે રાજા વિક્રમ, વિસમી સદીમાં બાપ ઘર છોડી જાય એની સામે કોઇ સુપુત્રને વાંધો નહીં હોય), પણ સમાજ એ સ્વીકારશે નહીં, અમારી સામે આંગળી ચીંધશે. ( હા એ બીક ખરી !).’
“ પુત્રવધૂ કહેશે : ’બાપા, અમે તમને શું નડીએ છીએ? પડ્યા રો’ ને ઘરમાં ! તમારા વિના આ બાબલાને કોણ ફરવા લઈ જશે( મુદ્દાની વાત !) ?’
“ અને કુટુંબીજનોના આવા ( એટલે કેવા?) વિરોધ છતાંય તે ઘર છોડી જશે, અને શહેરના પાગલો ભેગો રખડશે. તેમનો વિશ્વાસ મેળવશે. શહેરની ગલીએ ગલી રખડીને રોટલા માગશે, અને પછી બધાને ભેગા કરીને પ્રેમથી ખવડાવશે. સુધરાઇના નળ ઉપર લઈ જઇને એમને નવડાવશે. એમના નખ કાપી આપશે. એના વાળ કાપી આપશે અને વાળ હોળી આપશે. કોઈને ગૂમડાં, ખસ, ખરજવું – કંઇ થયું હશે તો ધર્માદા દવાખાને લઈ જશે અને સારવાર કરાવશે. જરૂર હશે તો પોતાના પૈસાની દવા પણ લઈ આપશે અને સમયે યાદ કરીને પાશે. શિયાળામાં કપડાંની ભીખ માગશે અને બધાને વહેંચી આપશે. રાત્રે એ બધા ભેગો સૂશે અને કોઈનું ઓઢવાનું ખસી જશે કાળજીપૂર્વક ઓઢાડશે. આમ એ પાગલોનું એક અંગ બની જશે.
“ પરિણામ ?
“ સમાજને શરૂ શરૂમાં તો આ બધું વિચિત્ર લાગશે. થોડીક ચણભણ થશે અને પછી બધું કોઠે પડી જશે. સમાજ એને સ્વીકારી લેશે.
“ તો હે રાજા વિક્રમ, તને મારો એ સવાલ છે કે સમાજ એને કેવા સ્વરૂપે સ્વીકારશે ? જો તું જવાબ નહીં આપે તો હું માની લઈશ કે તું જાણતો નથી. (જાણતો નથી ? કેટલું શરમજનક !)”
“સમાજ એને પણ એક પાગલ તરીકે સ્વીકારી લેશે…”
--એમ વિક્રમ રાજા જવાબ પૂરો આપી રહે તે પહેલાં “શાબ્બાશ” કહેતો ખડખડ હસતો વૈતાળ ફરી એક વાર વડ પર ટિંગાઇ ગયો.