Wednesday, July 04, 2012

તારક મહેતાના ચશ્મા : કેટલાં ઊલ્ટા, કેટલાં સીધાં?ગળથૂથી:
તારક મહેતાના એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન જ્યોતિન્દ્ર દવે એમના ગુરૂ, બન્ને એક બિલ્ડિંગમાં રહે. જ્યોતિન્દ્ર દવે આઠમા માળે અને તારક મહેતા પહેલા માળે. કોઇ મિત્ર પૂછ્યું એક એમની બાજુમાં ફ્લેટ કેમ ના રાખ્યો? તો તારક મહેતાનો જવાબ હતો, " વિદ્વતા મુજબ અંતર રાખ્યું છે!"                   
*  *  *

                    “ આ લખનારના મતે આજે તો સૌથી વધુ લોકપ્રિય હાસ્યકાર તારક મહેતા છે. ચિત્રલેખામાં નિયમિત છપાતી એમની કૉલમ દુનિયાને ઊંધા ચશ્માંના તો વાચકો બંધાણી થઈ ગયા છે. એ ઘેર ઘેર રસપૂર્વક વંચાય છે ને કોઈ કારણસર ક્યારેક તારક મહેતા ચિત્રલેખામાં ગેરહાજર રહે તો વાચકો નિસાસો નાખી દે છે.આ શબ્દો છે ગુજરાતના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટના અને લખાયા છે ૨૦૦૧માં પ્રસિદ્ધ થયેલા ચિત્રલેખાના સુવર્ણજયંતી વિશેષાંકમાં પણ આજે આ લખાયાના બાર વર્ષ પછી આજના સંદર્ભમાં પણ આ શબ્દો એટલાજ સાચા છે જેટલા ત્યારે હતા. અને હવે તો જીંદગીના નવમા દાયકામાં અડધે પહોંચવા આવેલા તારક મહેતા અને ૧૯૭૧માં સર્જાયેલ એમનો ટપુડાની લોકપ્રિયતા આસિત મોદી અને સબ ટીવીના કારણે ગુજરાતના સીમાડા ઓળંગીને આજે ભારતભરમાં છે. તો કેવી રીતે શરૂઆત થઈ ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્માની અને કેવી શરૂઆત રહેલી આજે સબ ટીવી પર ૮૦૦ કરતાં વધારે એપિસોડ પ્રસારિત થઈ જવા છતાં હજુ પણ સૂંડલામોઢે ટીઆરપી રળી રહેલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની?

                         મૂળભૂત રીતે દુનિયાને ઊંધા ચશ્માએ તારક મહેતાનું ૧૯૬૩માં ભજવાયેલું ત્રિઅંકી પ્રહસન. સંજોગોવશાત્ ચિત્રલેખાના પરિચયમાં આવવાનું થયું અને આમંત્રણ મળ્યું લખવાનું પણ અલગારી સ્વભાવના મહેતાને ખુદને પોતાના પર વિશ્વાસ નહોતો કે દર અઠવાડિયે નિયમિત રીતે લખવાની શિસ્ત પાળી શકાશે, એટલે વાત જામતી નહોતી. એ દિવસો માં મહેતા ફોરજેટ હીલ પર રહેતા હતા. આગળની વાત ખુદ તારક મહેતાના શબ્દોમાં, “એક વાર મારી જાતને કોસતો હું લેખની મથામણ કરતો હીલ ચઢીને ઉપર આવ્યો ત્યારે માળાના દરવાજા બહાર પાર્કિંગ પાસે મારા પાડોશી જેઠાલાલ (નામ બદલ્યું છે) કંઈ ગડમથલમાં હાથમાં પાતળી સોટી સાથે ઊભા હતા.
કેમ જેઠાભાઈ, અહીં ઊભા છો ?’
પેલા નાલાયક માટે…’
હું સમજી ગયો, એમના ચિરંજીવી ટપુ (નામ બદલ્યું છે)ની વાત કરે છે. એ ક્યાં છે ?’ મેં પૂછ્યું. એમણે ત્યાં પાર્ક કરેલી કોઈની ગાડી દેખાડી કહ્યું, ‘આ ગાડીની નીચે.
હેં !મને ઝાટકો લાગ્યો.
અરે, સાલો આખો દિવસ રખડ્યા કરે છે. સ્કૂલમાંથી ગોટલી મારીને પિક્ચરો જોયા કરે છે. ભણવાનું નામ નહીં. કોઈને ગાંઠતો નથી, યાર. મારી દુકાને બેસાડ્યો તો ત્યાંય ઉલાળિયું કર્યું. એને ગાડીઓમાં રસ છે તો મેં કહ્યું, મોટર મિકૅનિક થા તો કમસે કમ ગૅરેજ તો ખોલાય.જેઠાલાલે ટપુને લગતા ઘણા તુક્કા સંભળાવ્યા. બાપ-દીકરાની જોડી મારા મનમાં ફિક્સ થઈ. એ રાત્રે કટાર હાસ્યલેખક તરીકે મારો અને મારા માનસપુત્ર ટપુનો જન્મ થયો. મને નડી રહેલાં જાતજાતનાં જાળાં મેં ખંખેરી નાખ્યાં. હવે કોઈ લેખકનાં પ્રભાવ અને પ્રેરણા ન જોઈએ. મારો વાચક મારો પ્રેક્ષક બન્યો. મારો આધુનિક માળો (લેખોમાં જર્જરિત) મારો રંગમંચ બન્યો. જેઠાલાલ અને ટપુ મુખ્ય પાત્રો. મુંબઈનો મધ્યમવર્ગ મારી લેખમાળાની સેન્ટ્રલ થીમ.
                         ૧૯૭૧માં આ રીતે આ બાપ-દીકરો ચિત્રલેખાના પાને અવતર્યા ત્યારે ટપુડાની ઉંમર બાર તેર વર્ષની હતી, એ વખતે જે વાચકો ટપુડા જેવડા હતા એ આજે ચંપકલાલ થઈ  જવાના ઊંબરે ઊભા છે પણ ટપુડો હજુ તેર વર્ષનો જ છે! ચિત્રલેખામાં જ્યારે આ લેખમાળા ચાલુ થઈ ત્યારે ૨૬ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ જન્મેલા તારક મહેતાની ઉંમર હતી ૪૨ વર્ષ અને આજે ૮૪ આંબવાની તૈયારીમાં છે અને ચિત્રલેખામાં દુનિયાને ઊંધા ચશ્માહજુ અણનમ છે! કદાચ ગુજરાતી લેખનના ઇતિહાસમાં જ નહીં પણ ભારતીય સંદર્ભે પણ કદાચ આ એક વિક્રમ હોય તો નવાઈ નહીં!

                         આ લેખમાળાના પહેલા હપ્તામાં રજનીશના એક વિધાનને લઈને જે ફારસ થાય છે એ રીતની એક થીમ બનાવીને લખવામાં આવેલું, તારક મહેતાના જ શબ્દોમાં, ” એ વખતે ઓશો-રજનીશ એમનાં વિવાદાસ્પદ વ્યાખ્યાનોને લીધે મુંબઈમાં જબરજસ્ત જામી ગયા હતા. તેમણે વિધાન કરેલું. કુમળી વયનાં બાળકોને નગ્ન ફરવા દેવાં જોઈએ. વસ્ત્રોથી એમનામાં કુતૂહલ જાગે છે વગેરે વગેરે. એ આધારે મેં લખ્યું, ટપુ ક્યાંકથી સાંભળીને આવે છે અને ઘરમાં કપડાં કાઢી નાખે છે. જેઠાલાલ ભડકે છે અને ટપુને મારવા લે છે. બાપ-દીકરાની જુગલબંધીમાં જેઠાલાલ ટપુને બાથરૂમમાં પૂરી દે છે. જેઠાલાલની બૂમાબૂમને કારણે માળામાં ને મહોલ્લામાં તહેલકો મચે છે અને પોલીસમાં ફરિયાદ એવી પહોંચે છે કે અમારા માળામાં નાગો ફરે છે. હવાલદાર આવે છે, ફારસ આગળ ચાલે છે...

                         આમ પહેલા હપ્તામાં ટપુ, જેઠાલાલ, દયા, તારક મહેતા પોતે, શ્રીમતીજી, હિંમતલાલ માસ્તર અને માળાના બીજાં પાત્રો સાથે શરૂ થયેલી આ લેખમાળામાં ધીમે ધીમે બીજાં પાત્રો ઉમેરાતાં ગયાં. ચંપકલાલ આવ્યા, ગિલીંડર સાળો સુંદરલાલ આવ્યો, પત્રકાર પોપટલાલ, એની પત્ની મંગળા, તંબક તાવડો અને જીવીબેન, વાતે વાતે ગાળ બોલતો રસિક સટોડિયો, સિંધી ચંદીમારાની, દારૂડિયો જસબીર અને એની પારસણ પત્ની, ડૉ. હંસરાજ હાથી, મટકા કિંગ મોહનલાલ, સાળો સુંદરલાલ, બે માથાળા બોસ બાબુલાલ, બાબુલાલના સાસુ સુલોચનાબેન, બૉસનો દુષ્ટ સાળો વિભાકર, ખંધો ક્લાર્ક પારેખ આમ પાત્રોનો કાફલો વિરાટ બનતો ગયો. યાદદાસ્તના આધારે અહીં જે નામ લખ્યાં છે એ કદાચ દશમાં ભાગના પણ નહીં હોય ત્યારે સમજી શકાય એવી વાત છે કે આટલી મોટી પાત્ર સૃષ્ટિને લઈને ટીવીના પરદે આવવું એ અઘરું જ નહી પણ અશક્ય છે. વળી જે લેખમાળા એકધારી ચાલીસ બેતાલીસ વર્ષથી ચાલતી હોય, અને ખાસ કરીને તારક મહેતાના અદ્‌ભૂત અને ઝીણવટભર્યા વર્ણનને લીધે એના દરેક દરેક પાત્રો પોતાની ખાસિયાતો અને વ્યક્તિચિત્રો સાથે આટલા વર્ષોથી એના વાચકોના મનમાં જીવંત હોય એ લેખમાળાને લઈને ટીવી સીરિયલ બનાવવી એ ખરેખર બહુ મોટું જોખમનું કામ પણ આ જોખમ લેવા તૈયાર થયો એક ગુજરાતી ભાયડો જેનું નામ આસિત મોદી.

                         અગાઉ હમ સબ એક હૈજેવી સફળ સીરિયલ આપી ચૂકેલા આસિત મોદીને લાગ્યું કે ગુજરાતીમાં આ એક જબરદસ્ત વાત વણખેડાયેલી છે અને હજુ કોઇની નજર એના પર પડી નથી એવી, ’દુનિયાને ઊંધા ચશ્માપરથી સીરિયલ બનાવવી જોઈએ. જરૂરી ઔપચારિકતા પતાવીને આ વિચારને વાસ્તવિકતાનું સ્વરૂપ આપવામાં આવ્યું ને આમ જન્મ થયો તારક મહેતાકા ઊલ્ટા ચશ્માનો. જ્યારે ૨૮મી જુલાઈ ૨૦૦૮ના રોજ પહેલો એપીસોડ સબ ટીવી પરથી પ્રસારિત થયો ત્યારે જે વાતનો ડર હતો એજ થયું, વર્ષોથી મનમાં પાઉડર ગલીનો ખખડધજ માળો સંઘરીને બેઠેલા અને જેઠાલાલને હમેશાં ગંજીફરાક અને ધોતિયામાં જોવા ટેવાયેલા વાચકોને ગોકુલધામ સોસાયટી હજમ થવી અઘરી હતી. ચારે બાજુથી જોરદાર ટીકાઓનો મારો થયો. તારક મહેતાના વર્ષોથી સમર્પિત વાચકોને લાગ્યું કે દુનિયાને ઊંધા ચશ્માનું આસિત મોદીએ કરપીણ રીતે ખૂન કરી નાખ્યું છે! સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને ખુદને એવું લાગ્યું કે જે મજા દુનિયાને ઊંધા ચશ્માવાંચવામાં આવે છે એજ મજા તારક મહેતા કા ઊલ્ટા ચશ્માજોવામાં નથી આવતી! દશે દિશાઓમાંથી એટલો જોરદાર હુમલો થયો કે આસિત મોદીની જગ્યાએ બીજો કોઇ પ્રોડ્યૂસર હોય તો ભાંગી જ પડે! પણ આસિત મોદી જેનું નામ, જરાયે વિચલિત ના થયા કે ના ધીરજ ખોઇ. ધીમે ધીમે પાત્રો ઘડાતાં ગયાં ને વાત જામતી ગઈ. ભલે અસલી લેખમાળા કરતાં જુદી રીતે પણ દરેક દરેક પાત્રોની ખાસિયાતો વિકસિત થતી ગઈ અને લોકોને મઝા આવવા માંડી.

                         આમ ખરેખર જોવા જઈએ તો છેવટે પાત્રોના નામ સિવાય અસલી કંઇજ નહોતું, ખખડધજ માળાની જગ્યા પોશ ગોકુલધામ સોસાયટીએ લઈ લીધી હતી. જેઠાલાલ ગંજી-ધોતિયાને બદલે પેંટ શર્ટમાં હતા, દિલીપ જોશીને અહીં એક્ટિંગ કરવા માટે મોકળું મેદાન મળ્યું છે એનો એણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે ક્યારેક તો માત્ર ચહેરાના હાવભાવ દ્વારા પણ દિલીપ જોશી અદ્‌ભૂત અભિયન કરી જાય છે. તારક મહેતાની દયા એક અતર્મુખી ગૃહિણી છે જ્યારે આ દિશા વાકાણીએ દયાને એક જુદુંજ રૂપ આપી દીધું છે, એની બોલવાની વિચિત્ર લઢણ, ઢંગધડા વગરના ગરબાના સ્ટેપ, મા સાથે ફોનમાં વાત કરવાની રીત અને હે મા..માતાજી..!દરેક જગ્યાએ ઓવર ઍક્ટિંગ, આ બધું લોકોને બહુ જ ગમી ગયું છે. દિલીપ જોશી કરતાં ઉંમરમાં નાના ૩૭ વર્ષના અમિત ભટ્ટે ચંપકલાલને આબાદ ઉપસાવ્યા છે, આ ચંપકલાલ એક જ એવું પાત્ર લાગે છે જે તારક મહેતાના ચંપકલાલની સૌથી નજીક હોય. મહેતાના ટપુ જેટલો આ ટપુ ઉપસતો નથી. હિંમતલાલ માસ્તરની જગ્યા ભીડે માસ્તરે લીધી છે, જ્યારે તારક મહેતાના જેઠાને જેના પ્રત્યે સુંવાળી લાગણી છે એ માળાની હેમામાલિની તરીકે ઓળખાતી રંજનદેવીની જગ્યા બબીતાએ લીધી છે અને જેઠાલાલ અને બબીતાની કેમિસ્ટ્રી અહીં કદાચ જેઠાલાલ અને રંજન કરતાં પણ વધારે જામે છે. તારક મહેતાના પત્રકાર પોપટલાલ અને આસિત મોદીના પોપટલાલમાં છત્રીપ્રેમ સિવાય કોઇ ગુણ મળતો નથી. તારક મહેતાના દારૂડિયા જસબીર અને પારસણ પત્નીના ભાગે ખાસ કામ હતું નહીં પણ અહીં એની જગ્યાએ આવેલા રોશન એન્ડ રોશન, પુત્તર ગોગી સાથે જમાવટ કરે છે. વધારાના પાત્રો તરીકે આવી ગયેલા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક જે સારી એવી ફટકાબાજી કરી જાય છે અને જ્યારે ઘનશ્યામ નાયકને બાયપાસ સર્જરી માટે જવાનું થયું ત્યારે એની જગ્યાએ કામચલાઉ ધોરણે દુકાનમાં લાવવામાં આવેલ બાઘા ઉર્ફે તન્મય વેકરીયાએ આવી પડેલ મોકાનો એવો સરસ રીતે ફાયદો ઉઠાવ્યો કે એને પ્રોબેશન પરથી તાત્કાલિક ધોરણે કાયમી કરી દેવાની ફરજ પડી!

                         આ આખી સીરિયલમાં મૂળ લેખમાળા કરતાં સાવ અલગ જ પાત્રાલેખન થયું હોય તો એ ખુદ તારક મહેતાનું છે એવું ચોક્કસપણે લાગે છે, અસલી તારક મહેતા પોતાની રિયલ લાઈફમાં અને લેખમાળામાં પણ નાજુક તબિયતના માણસ છે જ્યારે શૈલેષ લોઢાને કોઈ દિવસ શરદી પણ ના થાય એવી એની હેલ્થ છે! આ કદાચ અંજલિ મહેતાના ડાયેટ ફૂડની કમાલ હશે! અસલી તારક મહેતા રેશનાલીસ્ટ છે, ભગવાનમાં પણ નથી માનતા જ્યારે આસિત મોદીના તારક મહેતા તો ક્યારેક અંધશ્રદ્ધાની હદ સુધી પણ જાય છે! એની વે, આસિત મોદી અને ધર્મેશ મહેતાની મહેનત રંગ લાવી છે અને સીરિયલે ખરેખર જમાવટ કરી છે. કૉમેડી માટે સૌથી વધારે જરૂરી એવું એલીમેન્ટ ટાઇમીંગ બધાજ કલાકારો વચ્ચે ગજબનાક છે. કોઇ સીરિયલ જ્યારે આટલી લાંબી ચાલે છે ત્યારે એના પ્રોડ્યૂસરે બીજા એક કુદરતના પડકારનો સામનો કરવો પડે છે, ઉંમરની સાથે થતા બાળકલાકારોના શારીરિક વિકાસનો. તારક મહેતાનો ટપુ તો છેલ્લાં બેતાલીસ વરસથી હજુ તેર વર્ષનો જ છે પણ ભવ્ય શાહ ૨૦૦૮માં પહેલા હપ્તામાં જેઠાલાલની છાતી સુધી આવતો હતો એ અત્યારે લગોલગ પહોંચી ગયો છે! જોઈએ છે પ્રોડ્યૂસર આનો શું રસ્તો કાઢે છે. આ બધાની વચ્ચે, આ સીરિયલ નવી પેઢીને સહેલાઈથી ગમી ગઈ છે, જૂની પેઢી જે તારક મહેતાને વાંચીને મોટી થઈ છે, એણે ગમાડવા માટે થોડી મહેનત કરવી પડી છે, દિમાગમાં પડેલા જૂના ચિત્રો પર ડસ્ટર ફેરવવાની! આ સીરિયલની સફળતાની મોટામાં મોટી સાબિતી એ છે કે શર્મન-બમન અને રીશી-નિતુ તો ઠીક પરંતુ સલમાને પણ પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડ્યો છે!

                         અગાઉ કહ્યું એમ દુનિયાને ઊંધા ચશ્માની પાત્રસૃષ્ટિ એટલી વિશાળ છે એક એને એક ટીવી સીરિયલમાં ઉતારવી એટલે હિન્દ મહાસાગરને બોટલમાં પૂરવાની કોશીશ કરવી! એટલે મર્યાદિત પાત્રોનેજ પરદે ઊતારી આસિત મોદી અને ધર્મેશ મહેતાએ મોટી સમજદારી બતાવી છે. જ્યારે વર્ષોથી લોકોના મનમાં જાણીતાં થઈ ગયેલાં પાત્રોને ટીવીના પરદે ઉતારવાં એ ખરેખર દોરડાં પર વગર વાંસડે ચાલવા જેટલું જોખમી છે. પાપડ પોળ: શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયાજ્યારે ટીવી પર આવી ત્યારે કેવી બે રંગ થઈ ગઇ અને એનાથી શેક્યો પાપડ પણ ના ભંગાયો એ દાખલો આપણી નજર સામેજ છે, જોકે એમાં એક હકીકત એ પણ છે કે એ સીરિયલ કોઇ લેખમાળાના આધારે નહીં પણ પણ ગુજરાતીમાં સાત્વિક હાસ્યનો પર્યાય બની ગયેલા શાહબુદ્દીન રાઠોડના મોઢે કહેવાયેલી વાતો ના આધારે હતી. જ્યારે કોઇ લેખમાળાના આધારે ટીવી સીરિયલ બનાવવી હોય ત્યારે એ લેખમાળાને જડતાપૂર્વક વફાદાર રહીને ચાલી શકાતું નથી એ પણ એક સત્ય સ્વીકારવું રહ્યું. લાંબા સમયથી સબ ટીવી પર ચાલતી અને લોકપ્રિયતા ટકાવી રહેલી બીજી એક સીરિયલ લાપતાગંજમાંથી શરદ જોશી કેટલા લાપતા છે એ તો કોઇ મરાઠી માણૂસ જ કહી શકે!

ગંગાજળ:
હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા પુસ્તકમેળામાં, એક સ્ટોલ પર તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્માજોઇ એક કોલેજીયને બીજાને આશ્ચર્યથી કહ્યું, “ બકા, જો તો ખરો, આટલી વારમાં તો સીરિયલની બુક પણ બહાર પડી ગઈ!
(ફેસબુક મિત્ર સંદીપ દવેના સૌજન્યથી)

19 comments:

 1. આસિત ભાઈ ની હમ સબ એક હૈ નિયમિત જોતો, અને એના પાત્રાલેખન એ જ સ્ટાઈલ અહિયાં પણ જામે છે... જેઠાલાલ ની નવી સ્ટાઈલ કોઈ ના ધ્યાન માં આવી?

  હેકીલોપ્ટર નહિ હેપ્લીકોપ્ટાર.....

  ReplyDelete
 2. આપનો લેખ વાંચીને બાળપણ માં ચિત્રલેખા માત્ર ટપુડા,જેઠાલાલ અને ચંપકલાલ ના કારસ્તાન માટે જ વાંચતા તે યાદ આવી ગયુ, જે મજા એ વાંચવાની હતી તે સીરીયલ માં નથી. મારી સાથે કેટલાં સહમત છે ?

  ReplyDelete
 3. સરસ લેખ !! મને આ સીરીઅલ બહુ ગમે છે અને એક પણ એપિસોડ જોવાનું હું ચૂકતો નથી, એટલે આ લેખ વાંચવાની વધારે મજા આવી

  ReplyDelete
 4. એકદમ nostalgic કરી દે એવો post છે આ.
  તારક મહેતા સાહેબ ની કલમ ની કમાલ એવી છે, કે આજે ઘણા વર્ષો થી અમદાવાદ સ્થાયી થયા છતાં, મુંબઈ ના જર્જરિત માળા ની અને મુંબઈ ની રોજબરોજ ની ઘટનાઓ નું જાણે પ્રત્યક્ષ જોતા હોય તેવું નિરૂપણ કરે અને આપણને પણ કરાવે ! અલબત, જયારે મુંબઈ હતા ત્યારે પણ કલ્પના સૃષ્ટી જ રચતા, છતાં લોકલ હવા / આબોહવા થી દુર પણ એવીજ ફ્લેવર ક્રિએટ કરે છે. વર્ષો થી ચિત્રલેખા માં "તા.મ.ના ઉ.ચ." જ ફક્ત વાંચવાવાળા નો એક વર્ગ છે.! બહુ શરૂઆત ના લેખ પછી એમાં એક અલગ જ maturity દેખાયેલી. પરંતુ પછી થી એકધારી રસધાર દાયકાઓ થી ચાલે છે. ખરેખર એક રેકોર્ડ !

  ReplyDelete
 5. dada jordar.!!!!!!!!!!!

  ReplyDelete
 6. ્ચિત્રલેખામા વાચતા હતા ત્યારે તારક મહેતા જે વર્નન કરતા એ પાત્રો જાને ચિત્રલેખા ના પાના ઉપર દેખાતા હતા.

  ReplyDelete
 7. સિરીયલ જેટલી જ જોરદાર...

  ReplyDelete
 8. મુકુલભાઇ - આપનો આ લેખ મુળ ચિત્રલેખાવાળા લેખ જેવો જોરદાર. જામો પાડી દીધો. અને જે મુળ કૃતીના સ્વરૂપમાં જોવા ઇચ્છતા હોય તેમને પણ એક ચમકારો આપી દીધો.

  મેં તો મુળ લેખો જ બાળપણથી વાંચેલા છે અને આ સીરીયલ્સના તો થોડા એપીસોડ જોયા પછી મુળ કૃતીને અન્યાય થાય છે એ લાગણી થઈ રહી હતી. પણ તુલના શું કામ? કોઇ પણ પ્રયોગ કે રજુઆતને અલગ સ્વરૂપે માણવાની પણ અલગ જ મજા છે. આ તારક મહેતા સાહેબની કલ્પનાનો માળો એ મુંબઈનું અમારૂં બીલ્ડીંગ (અમારૂં એટલે - જેમાં હું રહેતો હતો તે) પહેલા એપીસોડમાં એ બીલ્ડીંગ બતાડેલું. અને એમની કલ્પનાના ઘણા પાત્રો અમારા બીલ્ડીંગમાં રહેતા અને રહે પણ છે.

  સુપર્બ લેખ. ફરી એક વાર. જોરદાર.

  ReplyDelete
 9. મારી ઉમર ૧૩ વરસ ની હતી ત્યારથી હું ધાનેરાની લાયબ્રેરી માં જઈ ને ચિત્રલેખા માં પહેલો લેખ ''દુનિયા ને ઉંધા ચશ્માં'' વાંચતો અને બોમ્બે તો જોયું નહોતું પણ બોમ્બે જયી ને ચોપાટી અને જેઠાલાલ નો ખખડધજ માળો જોવા નું મન થતું ,,,,, ઈનફેક્ટ ઉંધા ચશ્માં નું વ્યસન થઇ ગયું છે આ એક જ વ્યસન એવું છે જે છોડવા ની જરૂરત નથી ,,,,,,,,,,,,,,,, ૪ વરસ પહેલા સબ ટીવી પર તારક મહેતા ચાલુ થઇ ત્યારે થોડાક એપિસોડ જોઈ ને નિરાશા સિવાય કઈ હાથ નહોતું લાગ્યું , મનોરંજક અને નિર્દોષ એપિસોડ હોવા છતાં પણ વરસો થી મન મગજ માં મહેતા સાહેબ, જેઠિયા , બીડી પીતા ચંપક કાકા , શ્રીમતીજી આ બધા પાત્રો ની જે છબી બની હતી એ ભુલવી અશક્ય હતી , ઉલટા નો આ સીરીયલ જોઈ ને ગુસ્સો આવતો , પણ હવે ઉલટું થયું છે હવે આ ટીવી વાળા જેઠાલાલ , એની સુપર્બ એક્ટિંગ થી દિલ માં ઘર કરી ગયા,, દયા ની ઓવર એક્ટિંગ તો નથી જ ગમતી પણ જેઠાલાલ વગર તો ના જ ચાલે અને પાછળ ,, બબીતા , બાઘો,ઐયર ,,મજા જ મજા,,,,,,,,, આપનું સરસ એનાલીસીસ વાંચી ને આટલું લખવા નું મન થયી ગયું,,,,

  ReplyDelete
 10. સાવ સાચી વાત.ચિત્રલેખાની લેખમાળા અને સીરીયલ ઘણા અંશે નોખા પડે છે,આમ છતાં જામે છે.લેખમાળામાં ચડ્ડી-ગંજી વેચતા જેઠાલાલ અહિયાં ગડા ઈલેક્ટ્રોનિકસ નામના શો-રૂમનાં માલિક બની ગયા છે.જોકે,આટલા સમય પછી એવું લાગે છે કે કદાચ અહિયાં 'ચડ્ડી-ગંજી વેચતા જુના જેઠાલાલ' આટલા જામત નહિ.

  ReplyDelete
 11. વાહ ,અદભૂત .. કોલેજના દિવસો યાદ આવ્યા ..
  જેઠાલાલ:- હર સામ સુહાની નહી હોતી , હર ઈશ્ક કઈ ખની નહી હોતી ,
  પ્યાર કાં જાદુ તો જરૂર હે , નહીતો ગોરી બબીતા કાલે ઐયર કી દીવાની નહી હોતી .

  ReplyDelete
 12. ..ગુજરાત ના ઘણા ખરા પ્રેક્ષકોનો ગુસ્સા નો સામનો કરવા ની તૈયારી સાથે કહેવુ પડે છે કે સીરીયલ ન જોવા નુ એક માત્ર કારણ દયા અને તેની શૈલી...! બાકી ચિત્રલેખા ની દુનિયા ને ઉંધા ચશ્મા એ તો સામાન્ય માણસ ની જીવન શૈલી નો એક દસ્તાવેજ છે..!અમારા વખત ના બકોર પટેલ ની જેમજ તારક મહેતા ના દયા-જેઠાલાલ-ટપુ ઘર ના પાત્રો લાગે.

  ReplyDelete
 13. Very informative and nicely presented article. Though Shri Tarak Mehta is known to every Gujarati, all know the piecemeal details which you gathered in well presented style which is your own trait. Congratulations Mukulbhai.

  ReplyDelete
 14. my first favorite lekhak since my teenage time. All time great lekhak ane mane yaad che hu chitralekha ma ulta chasma vanchta vancha hasto tyare mara sagao mari mazak udavata ke hu eklo eklo hasu chu!

  ReplyDelete
 15. આ દુનિયામાં જેને પણ ગુજરાતી વાંચતા આવડતું હશે તેણે "દુનિયાને ઊંધા ચશ્માં" વાંચી તો હશે જ.

  ReplyDelete
 16. વાહ તમે જે "તારક મહેતા નાં ઉલ્ટા ચશ્માં" નું ચિત્રલેખા ની હાસ્ય કોલમ વર્સેસ ટીવી ઉપરની સીરીઅલ નું જે પૃથકરણ કરેલ છે ... એ કોલમના વાંચકો અને ટીવી સીરીઅલ નાં દર્શકો નાં ૯૯ ટકા મનમાં ઉદભવતા પ્રશ્નો નું સચોટ રીતે કરેલું સમાધાન છે.

  ReplyDelete
 17. વાહ તમે જે "તારક મહેતા નાં ઉલ્ટા ચશ્માં" નું ચિત્રલેખા ની હાસ્ય કોલમ વર્સેસ ટીવી ઉપરની સીરીઅલ નું જે પૃથકરણ કરેલ છે ... એ કોલમના વાંચકો અને ટીવી સીરીઅલ નાં દર્શકો નાં ૯૯ ટકા મનમાં ઉદભવતા પ્રશ્નો નું સચોટ રીતે કરેલું સમાધાન છે.

  ReplyDelete
 18. http://www.seomatts.com/10-tips-can-increase-success-rate-blog/

  ReplyDelete