ગળથૂથી
ગુજરાતી ફિલ્મોની નિષ્ફળતા માટે ગુજરાતી દર્શકો પર દોષનો ટોપલો ઢોળી દેતા ફિલ્મસર્જકોએ, ગુજરાતી સંસ્કૃતિનું બેકગ્રાઉન્ડ ધરાવતી ટીવી સિરીયલોની બમ્પર સફળતા પાછળનાં કારણો તપાસીને પછી પોતાનું મોઢું અરીસામાં જોવાની જરૂર છે.
જ્યારે સપ્તપદીના રિલીઝ પહેલાં એનો પ્રોમો જોયો અને અખબારોમાં આવતા એ અંગેના સમાચારો વાંચ્યા ત્યારે ધારણા બંધાયેલી કે આ ફિલ્મ એ ’કેવી રીતે જઈશ’ પરંપરાની એટલે કે વર્ષોથી પાઘડા, રાસડા, ગામડાં, મેળા, બહારવટિયા જેવા રેઢિયાળ ઢાંચામાં અટવાઈ ગયેલી ગુજરાતી ફિલ્મોથી હટકે છે અને મનમાં ગાંઠ વાળેલી કે જોવી જ છે. વળી, એની સાથે જોડાયેલાં નામો જેવાં કે એ.બી કોર્પ., ચંદ્ર શાહ, સ્વરૂપ સંપત, કાજલ ઓઝા વૈદ્ય વગેરે કોઇ વાનગી પર ગાર્નિશ માટે લગાડેલ બદામ-પિસ્તા અને ચાંદીના વરખની જેમ વધારે આકર્ષતાં હતાં. ફિલ્મ રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું ને છતાં સંજોગોવશાત જવાયું નહીં તે છેક સાતમા દિવસે મેળ પડ્યો ત્યારે પણ એક સારી ગુજરાતી ફિલ્મ જોવા જવાનો રોમાંચ હજુ ઓછો નહોતો થયો. પણ અફસોસ..!
હીરો-હીરોઇન તરીકે માનવ ગોહિલ અને સ્વરૂપ સંપતનું નામ જાણેલું ત્યારે જ થોડું વિચિત્ર લાગેલું કારણ કે બન્ને વચ્ચેની ઉંમરની ખાઈ કદાચ મા-દીકરા જેટલી હશે, પણ એમ વિચારીને મન મનાવેલું કે સલમાનની સામે સોનાક્ષીને, અજયની સામે કાજલ અગ્રવાલને કે પછી સંજયદત્તની સામે વિદ્યાબાલનને જો સાહજિકતાથી સ્વીકારી શકાતી હોય તો હીરો કરતાં મોટી ઉંમરની હીરોઇન ને સ્વીકારવામાં શા માટે મેલ ઇગો નડવો જોઈએ! પરંતુ બન્નેને જ્યારે પરદા પર જોઇએ ત્યારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે ગમે એટલા મેઇકઅપના થપેડા પણ ઉંમરની ખાઈ પૂરે એવો પુલ બાંધી શકતા નથી! અહીં મેઇકઅપ મેન માટે બેવડી ચેલેન્જ હતી, માનવ ગોહિલને એ છે એના કરતાં લગભગ દશેક વર્ષ મોટો દેખાડવાનો અને સ્વરૂપ સંપતની ઉંમર દશ વર્ષ ઘટાડી દેવાની! પણ ગમે એટલી મથામણ છતાં આ બે છેડા ભેગા થતા નથી એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. અને ભેગા થાય પણ ક્યાંથી? જ્યારે ૧૯૭૯માં સ્વરૂપે ૨૧ વર્ષની ઉંમરે મિસ ઇન્ડિયાનો તાજ ધારણ કર્યો ત્યારે માનવ હજુ સ્કૂલે જવાની તૈયારી કરતો હતો અને ૧૯૮૧માં જ્યારે સ્વરૂપની પહેલી ફિલ્મ ’નરમગરમ’ આવી ત્યારે માનવને હજુ સાતમું બેઠું હતું! ખેર, આ બધી તો પહેલેથી ખબર જ હતી ને એટલે માનસિક તૈયારી પણ હતી, પણ ડિરેક્ટરે એક સરસ વિષય વસ્તુને અને અનુભવી કલાકારોને વેડફી નાખ્યા એનું શું?
શરૂઆત જબરદસ્ત રીતે થાય છે. કૅમેરા એક બંગલાની અંદરથી દરવાજા સામે ડી ફોકસ છે, એક ધૂંધળી આકૃતિ દૂરથી ચાલતી આવતી દેખાય છે અને એ આકૃતિ જ્યારે ચાલતાં ચાલતાં કૅમેરાના ફોકસ પોઇંટ પર પહોંચે છે ત્યારે સ્વરૂપ સંપત દેખાય છે. પછી આખી વાત ક્યારે ફ્લૅશબેકમાં જતી રહે છે એ ખ્યાલ જ નથી આવતો! એડિટીંગમાં શરૂઆતથીજ એટલા બધા ઝટકા આવતા રહે છે કે દર્શકની તાકાત નથી કે સમજી શકે કે વાત અત્યારે વર્તમાનમાં ચાલે છે કે ભૂતકાળમાં! છતાં ઈન્ટર્વલ પહેલાં નો ભાગ સહ્ય બન્યો છે, અલબત્ત, સાપુતારાનાં મનોહર લૅન્ડસ્કેપ અને સ્વરૂપ સંપત દર્શકોને પકડી રાખવામાં સફળ થાય છે ઘણી જગ્યાએ તર્કની કસોટી પર માનવાનું મન ન થાય એવા પ્રસંગો હોવા છતાં પણ. જેમકે જેને ગુજરાતમાં બધાજ ઓળખે છે એવા વાયબ્રન્ટ ગુજરાતના સૌથી મોટા ઇન્વેસ્ટર સિદ્ધાર્થ સંઘવી(માનવ ગોહિલ) સાથે વાત કરતી વખતે એક સામાન્ય પોલીસ અધિકારીનો વાત કરવાનો ટોન (!) હજમ થવો અશક્ય છે અને પછી સિદ્ધાર્થ સાપુતારા આવીને સ્વાતિને વાળવાની કોશિશ કરે છે ત્યારે કાંઇ વિચાર્યા વિના સ્વાતિનું એક અજાણ્યા છોકરા માટે થઈને એક ઝટકે પોતાના પતિની સામે થઈ જવું કોઇ રીતે ગળે ઊતરે એમ નથી. માન્યું કે સ્વાતિ અત્યંત સંવેદનશીલ સ્ત્રી છે, સાયકોલોજીમાં ડૉક્ટરેટ કરેલું છે એટલે મોહસિનના કેસને સમજી શકી છે અને એની સંભાળ લેવા માગે છે, પણ એના માટે થઈને આમ પોતાના અઢાર વીશ વર્ષના લગ્નજીવનને એક ક્ષણમાં હોડમાં મૂકે દે? આ પ્રસંગ વધારે સાહજિક રીતે વ્યક્ત કરી શકાયો હોત એમ મને ચોક્કસપણે લાગે છે. ટ્રોમેટીક ચાઇલ્ડ મોહસિન તરીકે હિત સામાણી અત્યંત કૃત્રિમ અને સાવ મોનોટોનસ લાગે છે, કદાચ એવું હોય કે મૂવી જોવા જતાં પહેલાં અમુક રિવ્યૂમાં એના વખાણ વાંચેલાં એટલે અપેક્ષાઓ વધી ગઈ હોય અને એના કારણે આવું વધારે લાગ્યું હોય!
તોયે ઈન્ટર્વલ સુધી પકડ બનાવી રાખવામાં દિગ્દર્શક નિરંજન થાડે આંશિક રીતે સફળ રહે છે, પણ ઈન્ટર્વલ પછી તો વાર્તાની જે હાલત કરી છે કે આઇન્સ્ટાઇન નો સાપેક્ષવાદનો સિદ્ધાંત સાબિત કરી દીધો! સવાસાત થી આઠ વાગ્યા સુધીનો પોણો કલાક પિસ્તાલીસ મિનિટનો નહીં પણ પિસ્તાલીસસો મિનિટનો લાગે છે! એ દરમ્યાનમાં મૂવી છોડીને જતા રહેવાની અદમ્ય ઇચ્છા ઓછામાં ઓછી પાંચેક વાર મારી નાખવી પડી. એક સારા ડિરેક્ટરે સારા એડિટર હોવું પણ જરૂરી છે જેનો અહીં સંપૂર્ણ અભાવ દેખાય છે. અનુભવી કલાકારો, ચંદ્ર શાહની હેતુલક્ષી વાર્તા અને એ.બી. કોર્પ. જેવી કંપનીનું પીઠબળ આમ ટીમ ખમતીધર હોવા છતાં સુકાની જો નબળો હોય તો પરિણામ શું આવી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે સપ્તપદી-આઠમું વચન! સ્વરૂપ સંપત જેવી અદભૂત અભિનેત્રી પાસેથી કામ લેવામાં અને ઉત્કર્ષ મજુમદારની સ્ટેજની લાઉડ ડાયલૉગ ડિલિવરી કંટ્રોલ કરવામાં દિગ્દર્શક સંદતર નિષ્ફળ ગયા છે.
અહીં એક આડવાત, સ્વરૂપ સંપતનું ગુજરાતના શિક્ષણમાં બહુ મોટું પ્રદાન છે એ કેટલા લોકોને ખ્યાલ હશે? ’લાઇફ સ્કીલ થ્રૂ ડ્રામા’ હેઠળ ગુજરાતમાં વર્કશોપ્સ કરીને ગુજરાતના શિક્ષકોને તાલિમ આપી છે. આ વર્કશોપમાં ડ્રામા અને સ્ટોરીના ઉપયોગ દ્વારા શિક્ષણને રસપ્રદ અને સહેલું કઈ રીતે બનાવી શકાય એ અને ઉપરાંત બાળમનોવિજ્ઞાનની મદદથી બાળકને કેવી રીતે સમજી શકાય એ તાલિમ આપવામાં આવતી. આ ફિલ્મની અંદર પણ જ્યારે સ્વરૂપજી ટ્રોમેટીક ચાઇલ્ડ મોહસિન સાથે વાર્તાલાપ કરીને એને સમજવાની કોશિશ કરે છે ત્યારે આ ’લાઇફ સ્કીલ થ્રૂ ડ્રામા’ નો એમનો અનુભવ એમણે અહીં કામમાં લીધો છે એ દેખાઈ આવે છે. આ લખનારને એવા એક વર્કશોપમાં જોડાવાનો અને ત્રણ દિવસ સ્વરૂપજીના જ્ઞાનનો લાભ લેવાનો મોકો મળ્યો એ જીવનભરનું સંભારણું છે.
ફિલ્મની સાથે સંવાદ લેખનમાં જોડાયેલાં કાજલ ઓઝા ખુદ પણ પરિણામ જોઇને ખૂબજ હતાશ છે, એક જગ્યાએ એઓ લખે છે,”સંવાદો લખાયા ત્યારે એના પાને પાને ’આજની ગુજરાતી સ્ત્રી’નું મન નીતરતું હતું. એક સમજદાર છતાં અજાણતાંજ પત્નીને અવગણતો થઈ ગયેલો પ્રેમાળ પતિ બહુ સ્પષ્ટ રીતે ઉજાગર થતો હતો. એક નવી પેઢીની સરસ મજાની અમેરિકન એક્સન્ટમાં બોલતી , પણ ભારતીય હ્રદયથી વિચારતી દીકરી પણ એમાંથી ડોકાતી હતી…ફિલ્મ જ્યારે સ્ક્રીન પર આવી ત્યારે આ ત્રણેય જણ ક્યાંક ખોવાઈ ગયા હતા. જે થ્રિલરનો મૂળ વિચાર હતો એને બદલે નાના નાના ટૂકડાઓમાં નસમજાય એવા સીન ડિસ્ટર્બ કરતા હતા….”
“…ફિલ્મ મેકરને વાર્તા સમજવામાં થોડી તકલીફ પડી હશે,સંવાદ સમજવામાં કદાચ એથીયે વધુ અને અભિનેતાઓને સમજાવવામાં કદાચ સૌથી વધુ…”
“…હવે ખરેખર જરૂર છે કે ગુજરાતી ફિલ્મના જિર્ણોદ્ધારમાં ફક્ત ગુજરાતીનીજ ’સેવા’નો સ્વીકાર કરવામાં આવે!”
જસ્ટ થિંક, એક સર્જન સાથે જોડાયેલી એક સંવેદનશીલ વ્યક્તિ જ્યારે અંતિમ પરિણામને પરદે આવેલું જોઇને આટલી વ્યથા અનુભવે તો ટિકિટ લઈને ગયેલો દર્શક શા માટે સહન કરી લે! ’કેવી રીતે જઈશ’થી ગુજરાતી સિનેમા તરફ વળેલો મારા જેવો દર્શક, છેતરાયાની લાગણી અનુભવી ફરીથી એ દિશા બાજુથી મોં ફેરવી લે તો એના માટે ’સપ્તપદી-આઠમું વચન’ જેવી ફિલ્મની રેઢિયાળ ટ્રીટમેન્ટ જવાબદાર હશે એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી!
ગંગાજળ:
’સપ્તપદી’ના ઇન્ટર્વલમાં જીલા ગાઝિયાબાદનાં ટ્રેલરમાં સાંભળેલો એક ડાયલોગ,
"મૈં તુમ્હે ઈતની ગોલીયાં મારૂંગા કી તુમ્હારે બચ્ચે ભી પિત્તલ કે પૈદા હોંગે!"
’સપ્તપદી’ના ઇન્ટર્વલમાં જીલા ગાઝિયાબાદનાં ટ્રેલરમાં સાંભળેલો એક ડાયલોગ,
"મૈં તુમ્હે ઈતની ગોલીયાં મારૂંગા કી તુમ્હારે બચ્ચે ભી પિત્તલ કે પૈદા હોંગે!"