છેવટે બહેન માયાવતિજીના જીવમાં જીવ આવ્યો.
જાણે વાંઝિયાના ઘેર પારણું બંધાયું એવો આનંદ આનંદ થઈ ગયો! બાકી તો મોદીએ મોઢું દેખાડવા
જેવું પણ ક્યાં રહેવા દીધેલું? પણ થાય શું જયારે ઉત્તર પરદેશની જનતા સાવ નગુણી નીકળી!
નહિંતર કેટકેટલું કર્યું હતું આ જનતા માટે છેલ્લાં વર્ષોમાં? કેટકેટલાં પૂતળાં બનાવીને
ઉત્તર પરદેશની જનતાને ભેટમાં આપેલાં! અને ઉદારતા પણ કેવી કે માત્ર પોતાનાંજ નહીં, હાથીનાં
પૂતળાં પણ એટલાંજ બનાવી આપેલાં! પણ કાગડાને કબૂતરો સિવાય કોઇએ કદરજ ન કરી! કમસેકમ એકાદ
સીટ આપી હોત તોયે “હૂં તો ટેકો નહીંજ આપું, નહીંજ આપું ને નહીંજ આપું…”ની લાજ તો રહી
જાત!
પણ ભલું થાજો ઈ ભાયુનું કે જેણે બદાયુંવાળો
કાંડ કર્યોને બહેનજીને ઇજ્જતભેર બહાર નીકળવાનો મોકો મળ્યો. બહેનજી મેદાનમાં આવ્યાં,
વટ્ટથી આવ્યાં, ઠાઠથી આવ્યાં, હેલીકોપ્ટરમાં આવ્યાં! પણ આ અદેખા છાપાંવાળા ને ટીવી
વાળા એટલું નથી સમજતા કે હેલીકોપ્ટરમાંજ આવવું પડે, ને હેલિપેડ બનાવવું પડે, બાકી પ્લેનને
લેન્ડ કરવું હોય તો એરપોર્ટ બનાવવા માટે કેટલી બધી જમીન જોઇએ ને કેટલો બધો ખર્ચ થઈ
જાય? આ દેશના નગુણા મીડિયાવાળાને કરકસરની તો કોઇ કદરજ નથી બોલો! પાછા તો ઓછું હોય એમ
જે જગ્યાએ હેલીપેડ બનતું હતું ત્યાં કેમેરા લઈને પહોંચી ગયા અને હેલીપેડ બનાવવા માટે
બાળકોને કામે લગાડ્યાં છે એવું જાહેર કર્યું બોલો! આ બધા મીડિયાવાળા નક્કી મનુવાદી
છે. દલિતો સામેનું આ કાવતરું છે બાકી બહેનજીની પાર્ટી કાંઇ બાળકો પાસે મજૂરી કરાવે
ખરી?
બહેનજીનાં એક ખાસમખાસ (?) એવા નસીમુદ્દીન
સીદ્દીકીએ સાચું જ કહ્યું, કે એતો હેલીપેડ બનાવવાની જગ્યાપર બાળકો રમતાં હતાં! એતો
જેવી જેની દ્રષ્ટી, બાકી મને તો આ નસીમુદ્દીનભાઇની વાત સોળ આના સાચી લાગી! ખરેખર ધ્યાનથી
જુઓ તો બાળકો રમતાંજ હતાં! કોઇ દાતરડું લઈને મેદાનમાંથી ઘાસ કાપવાનું રમતાં હતાં, કોઇ
એ ઘાસને ઉંચકીને દૂર નાખવા જવાનું રમતાં હતાં, તો વળી કેટલાં બાળકો મેદાનમાંથી મોટા
મોટા પથરા ઊંચકીને દૂર નાખી આવવાનું રમતાં હતાં. અમુક બાળકો મેદાન ના ખાડા પૂરવા માટે
બીજેથી માટી ખોદીને લાવવાનું રમતાં હતાં તો કેટલાંક બાળકો એના પર પાણી છાંટી એને સપાટ
બનાવવાનું રમતાં હતાં! પણ આ બધા દલિત વિરોધી, મનુવાદી મીડિયાવાળાને બાળકોની આ નિર્દોષ
રમતમાં મજૂરી દેખાઈ બોલો! એકવાર બહેનજી (હજાર બે હજાર વરસે!) દેશના પીએમની ખુરશીએ બેસે
એટલી વાર, આ બધા મનુવાદી મીડિયાવાળાને તો સીધાદોર કરી દેવાના છે!
આ નસીમુદ્દીન સીદ્દીકીએ બાળકોની રમત માટેનું
આ એક નવું ક્ષેત્ર ખોલી આપીને આ દેશ પર કેટલો મોટો ઉપકાર કર્યો છે એ તો વિચારો! હવે
શીવાકાશીમાં કોઇ દુર્ઘટના બનશે તો સમાજને બિલકુલ અફસોસ નહીં થાય, હશે, બાળકો બિચારાં,
કાગળીયાં ને દારુખાનાં સાથે રમતાં હતાં ને એમાં અકસ્માત થઈ ગયો!
શાળામાં બાળક ગેરહાજર રહેતું હશેને માસ્તર
ઝૂંપડે આવીને પૂછશે તો માં ગર્વભેર કહી દેશે, “અમારો ભીખલો તો ગેમાભાઇની ચાની લારીએ
રમવા જાય છે, અમારે હવે ભણવા નથી મોકલવો.”
અને આપણા માટે ગર્વની વાત એ છે કે આપણા
દેશમાં આ રમતનું ક્ષેત્ર કેટલું વિશાળ છે અને બાળકો માટે રમવાનો કેટલો બધો સ્કોપ છે
કે છેક નેપાળથી પણ માં-બાપ એનાં બાળકોને અહીં રમવા માટે મોકલે છે!
અમારું સ્પષ્ટ રીતે માનવું છે કે આ દેશમાં
રમતગમતના ક્ષેત્રે જનાબ નસીમુદ્દીન સીદ્દીકીનું પ્રદાન સચીન તેંડૂલકર કે ધ્યાનચંદ કરતાં
પણ અનેકગણું મોટું છે તો તાત્કાલિક અસરથી એમને ભારતરત્ન, દ્રોણાચાર્ય એવોર્ડ અને અર્જુન
એવોર્ડ એ બધા સાગમટે આપી દેવા જોઇએ!