કલ્પના કરી જુઓ, ધારો કે પાકિસ્તાનમાં થયેલા કોઇ બોમ્બ વિસ્ફોટ કે પછી પેશાવર હુમલા જેવી કોઇ ઘટના માટે કોઇ કટ્ટર હિન્દુવાદીએ નેતા એ કાંડ કરનાર માટે કોઇ ઈનામ જાહેર કરે તો?
સેક્યૂલારિઝમનો હોલસેલ ઠેકો રાખીને બેસેલ ૧૨૫ વરસ જૂની પાર્ટી અને છેલ્લાં કેટલાંક વર્ષોથી સેક્યૂલારિઝમનાં હાટડાં ખોલીને પોતાનો ધંધો ચલાવતી સડકછાપ પાર્ટીઓની પ્રતિક્રિયા શું હોય?
પોતાને સેક્યુલારિઝમના એકમેવ સ્વઘોષિત પહેરેદાર જાહેર કરી દેનાર મીડિયાની પ્રતિક્રિયા શું હોય?
ફાસીઝમ, હીટલરશાહી...બ્લા બ્લા બ્લા...કંઇક શબ્દોની ફેંકાફેકી ચાલુ થઈ જાય, નિવેદનોની ઉલટીઓનાં ઘોડાપૂર આવે, કેટલાકનું ચાલે તો છેક બ્રહ્માંડના બીજા છેડા સુધી ફરિયાદ લઈને પહોંચે અને બાબલા, બચુડિયાઓ દેશની લોકશાહી માટે હિન્દુઓ સૌથી મોટો ખતરો છે એવું ખાનગીમા વિદેશી રાજદૂતો સામે બોલવા લાગે!
આજે જ્યારે બસપા ના યાકૂબ કૂરેશીએ ખુલ્લેઆમ, પેરીસ હત્યાકાંડના આરોપીને માટે ૫૧ કરોડના ઈનામની ઘોષણા કરી છે ત્યારે યાકૂબ કૂરેશીને ચોક્કસ જગ્યાએ લાત મારી, તગેડી મૂકી પોતાને સવાયાં સેક્યૂલર સાબિત કરવાનો સુશ્રી માયાવતી પાસે સોનેરી મોકો છે, પણ સુશ્રી એવું નહીં કરે, કદાપિ નહીં કરે, કારણ કે એમનાં સેક્યૂલારિઝમને જોવાનાં ચશ્માનો એક કાચ પહેલેથીજ ફૂટેલો છે!
માત્ર સુશ્રી જ શા માટે, એમની પાર્ટીની ઘોર વિરોધી પાર્ટી એવી સપાના જનાબ આઝમખાન પણ આ અંગે એક શબ્દ નહીં બોલે, અપૂન કે મઝહબકી જો બાત હૈ..મિંયા!
બાકીના એટલે કે દિગુફિગુ, લાલુચાલુ કે નિતિશફિતિશ પણ કદાચ જો બોલશે તો એવા ટોનમાં જે ટોનમાં ઊલ્ટા ચશ્મામાં જેઠાલાલના કહેવાથી ક્યારેક દયા જે રીતે ટપુ પર ગુસ્સે થાય છે! " બેટા ટપુ....એવું નહીં કરવાનું!" વોટબેંકનો સવાલ છે ભાઇ!
આ બધા બેવકૂફ વોટબેંક સામે નજર નાખીને હમેશાં મધલાળ ટપકાવતા જોતા રહ્યા ને જનતા સ્માર્ટ નીકળી. પગ નીચેથી સત્તાની જાજમ ક્યારે જતી રહી એ ખબર પણ ના પડી! જાજમ તો ગઈ પણ હવે સ્થિર ઊભા રહેવાય એટલી ધરતી પણ નહીં રહે એમ તો પણ સુધરે એ બીજા! અચાનક ડહાપણની દાઢ ફૂટી નીકળી અને પોતાના કાર્યકરોને કોંગ્રેસે પૂછવાનું ચાલુ કર્યું કે શું જનતા આપણને હિન્દુ વિરોધી માને છે? હજુ આ સવાલનો સરખો જવાબ આવે, એ પહેલાં તો આ અક્કલમઠ્ઠાઓએ પાકિસ્તાની બોટને લઈને પોતાને હિન્દુવિરોધીથી એક કદમ આગળ વધીને દેશવિરોધી અને પાકિસ્તાનપ્રેમી સાબિત કરી દીધા! સાલું, આવો હલકટ માનસિકતાવાળો પક્ષ તો આપણા દેશમાંજ સંભવે જે ૨૬/૧૧ કે પછી ટેરર બોટ જેવી ઘટનાઓ વખતે આતંકવાદી હુમલાઓ કરાવનાર દેશને પ્રોત્સાહન મળે એવાં નિવેદનો કરે! જનતા છાતી પીટે છે કે આ એ લોકો છે જેને આપણે મત આપીને ૬૦ વરસ સુધી આપણા પર શાસન કરવા દીધું હતું!
અબ્રાહમ લિંકનનું એક ચોટડૂક ક્વોટ છે કે ’અમુક લોકોને બધો સમય બેવકૂફ બનાવી શકાય અથવા બધા લોકોને અમુક સમય માટે બેવકૂફ બનાવી શકાય, પણ બધા લોકોને બધો સમય બેવકૂફ બનાવી શકાતા નથી.’ એ ન્યારે આ સેક્યૂલારિઝમના હોલસેલ ઠેકેદારોના પાપનો ઘડો આખરે ફૂટ્યો, વરસોથી દેશને એકહથ્થુ રીતે લૂંટનારાઓ જનતાની સામે ઉઘાડા પડ્યા અને પોતાના પાપના ભારથી જ જમીનદોસ્ત થઈ ગયા. ભાજપને કેન્દ્રમાં ૨૭૨+ સીટ મળી, ૩૦ વરસ પછી કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી પણ એમાં ભાજપનું પ્રદાન છે એના કરતાં કોંગ્રેસનું વધારે છે! ઇલેક્શન ૨૦૧૪માં નરેદ્ન્ર મોદીની વાક્છટા, ગુજરાત વિકાસગાથાઓની કમાણીને ભાજપમાંથી બાદ કરી નાખો ને પછી ભાજપમાં શું વધે છે એ હિસાબ કરી જુઓ! મોટાભાગે તો એવું જ થયું છે કે કોંગ્રેસ પોતાની જાતેજ પોતાની લીટી ભૂસીને નાની કરતી ગઈ અને ભાજપની લીટી મોટી દેખાતી ગઈ! પણ કુદરતનો સંતુલનનો ન્યાય છે એ હમેશાં પ્રકૃતિમાં કામ કરેજ છે પોતાની ફરજ ચુક્યા વિના, એ ન્યાયે કોંગ્રેસ કે પછી બીજા કોઇ અત્યારે વિરોધ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી રહ્યા તો સામે મોદી પાસે સાક્ષી મહારાજ છે, નિરંજના જ્યોતિ છે, વિ.એચ.પી છે અને બજરંગદળ છે, જે સમયાંતરે બફાટ કરીને મોદીને વિરોધપક્ષની કમી નથી ખલવા દેતા! સદીઓના ભૂખ્યાની સામે જાણે મિષ્ટાનવાળું ભાણું આવી જાય અને એના દર્શન માત્રથીજ એને અપચો થઈ જાય ને ઉલટીઓ કરવા માંડે એવા દશા છે!
જોઇએ છે કે હવે આ મીડિયાને ઘરવાપસી, લવ જેહાદ, ચાર બાળકો, ગોડસે, હરામજાદા જેવા શબ્દોની સંતાકૂકડી રમવામાંથી કેટલો સમય મળે છે અને યાકૂબ કૂરેશીના ઘોર આતંકી કૃત્યમાં કેટલો રસ જાગે છે! આતંકી કૃત્ય કરતાં પણ આ યાકૂબ કૂરેશીને એક પગથિયું ઉપર મૂકવો પડે, આ આતંકીઓને સરાજાહેર ઈનામ જાહેર કરી દુનિયાના તમામ આતંકવાદીઓને ખુલ્લમ ખુલ્લા ઈજન આપ્યું છે કે ચલાવો તમતમારે કત્લેઆમ, આપણા વિચારોની જે સામે પડે એની! યાકૂબ કૂરેશી જેવા લોકો વિશ્વની શાંતિ માટે ઓસામા, બગદાદી કે પછી હાફિસ સઈદ કરતાં ઓછા ખતરનાક નથી, એને તાત્કાલિક હિરાસતમાં લઈને એના પર આતંકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ભારતમાં અને ફ્રાંસમાં પણ કામ ચલાવવું જોઇએ, પણ એવું આપણા દેશમાં શક્ય છે? અલ્લા અલ્લા કરો, આવું થાય તો તો ભારતનું સેક્યૂલારિઝમ રસાતળ જતું રહે!