ગળથૂથી:
तुम्हारे शहर में ये शोर सुन-सुन कर तो लगता है
कि इंसानों के जंगल में कोई हाँका हुआ होगा
- दुष्यंत कुमार
कि इंसानों के जंगल में कोई हाँका हुआ होगा
- दुष्यंत कुमार
રાતના નવેક વાગ્યાના
સુમારે ઢોલ પિટાયો. થોડી
વારમાં તો સરકારી ચોરાની
સામે ટોળાંબંધ ગામ લોકો આવીને
ભોંયપર બેસવા લાગ્યાં. એક
બાજુ સ્ત્રીઓ બેઠી, બીજી બાજુ
મરદો બેઠા.
સરકારી
ચોરાના ઓટલા ઉપર ફાનસના
અજવાળે એક પત્રક અને
ખડિયો-કલમ લઈને બેઠેલ
માણસને સૌ આવનારાં નમ્રતાથી
રામરામ કરતાં હતાં.
એ રામરામ ઝીલવાની પરવા
કર્યા વગર એ માણસ
ચોરાની પરસાળમાં એક ખુરશી પર
બેઠેલા પોતાના મહેમાનની સામે
વારંવાર જોતો હતો. કહેમાન
પર પોતાની સત્તા અને
સાહેબીની કેવી છાપ પડે
છે તે ઉકેલવામાં એની
નજર રોકાઈ ગઈ હતી.
પત્રકવાળો
માણસ પત્રકમાંથી નામો પોકારતો ગયો
અને સામા ’હાજર’, ’હાજર,’
’હાજર’ એવા જવાબો મળવા
લાગ્યા:
“કરસન પૂંજા”
“હાજર”
“મોતી દેવા”
“હાજર”
“ગુલાબ કાળા”
“હાજર”
’હાજર’ કહીને
કહીને એ કહેનાર કાં
ઊઠીને ચાલતો થતો, અથવા
સ્વેચ્છાથી બેઠો રહેતો. વચ્ચે
સ્ત્રીઓનાં નામ પોકરાયાં; સ્રીઓનો
’હાજર’ શબ્દ વિવિધ પ્રકારના
ઝીણા કંઠે ટહુકતો થયો:
“જીવી શનિયો”
“હાજર”
“મણી ગલાબ”
“હાજર”
એ
છેલ્લે “હાજર” શબ્દ એક
સ્ત્રીના ગળામાંથી પડતો સાંભળતાં તરત
જ આ પત્રક પૂરનાર
ગરાસિયા જેવા આદમી પત્રકમાંથી
માથું ઊંચક્યું, અને સ્ત્રીઓ તરફ
જોઈને કહ્યું:
“એ કોણ
’હાજર’ બોલી?”
“હું મણિ,”
સ્ત્રીનો જવાબ આવ્યો.
“જૂઠી કે?
મણિજ છે કે? મને
છેતરવો છે? આમ આવ,
તારું રઢિયાળું મોં બતાવ જોઉં,
મણકી!”
“આ લો,
જોવો મોં!” બાઈએ ઊભી
થઈને પોતાનો પડી ગયેલો
ચહેરો ફાનસના પ્રકાશમાં આગળ
કર્યો.
“વારુ ! જા”
એમ કહીને એ અમલદારે
મહેમાન તરફ વળીને સ્પષ્ટતા
કરી, “એકને બદલે બીજીઓ
રાંડો હાજરી પુરાવતી જાય
છે. મનમાં માને કે,
મુખીને મુરખાને શું ખબર પડવાની
હતી! પણ જાણતી નથી
કે એકોએકનો સાદ હું ઓળખું
છું: હું કાંઇ નાનું
છૈયું નથી!”
એટલી
ટીકા સાથે મુખી પાછો
પત્રકમાંથી પોકારવા લાગ્યો, અને અહીં ખુરશીએ
બેઠેલ પરોણાના સ્વચ્છ, સ્વસ્તહ મોં પર ગરમ
લોહીએ દોડધામ મચાવી દીધી.
રોષ, શરમ, હતાશા અને
કાળા ભાવિનો ભય એ
ચેહેરાને ચીતરવા લાગ્યાં. હાજરી
પૂરી કરીની મુખીએ પત્રક
બંધ કરી ફરી પાછું
પોતે મહેમાન તરફ જોઈને
ઉદ્ગાર કાઢ્યો,” અત્યાર
પૂરતી તો નિરાંત થઈ,
રાતોરાત કોઇ કંઇ ન
કરે તો પાડ! બાકી,
હાળાં કોળાંનું કંઇ કહેવાય છે!
અહીં હાજરી પુરાવીને પછી
પચ્ચીસ ગાઉ જતાં ઘર ફાડે!”
ઝવેરચંદ મેઘાણી દ્વારા અને ગુજરાતના મૂક સેવક
તરીકે ઓળખાતા શ્રી રવિશંકર મહારાજ ઉપર લખાયેલ પુસ્તક ’માણસાઇના દિવા’ પુસ્તકમાંથી ઉપરોક્ત
પ્રસંગ લેવામાં આવ્યો છે. મેઘાણીજી આગળ લખે છે,
“
અરે! આનું નામ હાજરી! માણસને અધોગતિને છેલ્લે તળિયે પહોચાડાનારી આ હાજરી! આ કોમનો એકેએક
માણસ માના પેટમાંથી બહાર નીકળતાં વાર જ ગુનેગાર ઠરી ચૂક્યો! મરદ તો ઠીક, પણ ઔરત સુધ્ધાં!”
“ઔરતો
ની હાજરી પોકારાય અને ’હાજર’ કહેનાર સ્ત્રીના સ્વર માત્ર પરથી શંકા જતાં આટલાં ટોળા
વચ્ચે આ ત્રણ બદામનો સરકારી મુખી એનો ઘૂમટો ઊંચો કરાવી મોં જોઇ સાચજૂઠ નક્કી કરે!”
હા, આ અમાનવિય અને અમાનુષી એવી ’હાજરી’
ની પ્રથા આઝાદી પહેલાં ગુજરાતમાં (અને કદાચ યુપીમાં પણ) હતી, મહીકાંઠા વિસ્તારની એક
આખેઆખી કોમ ઉપર જન્મજાત ચોર હોવાનું શર્મનાક લેબલ મારીને રોજ દિવસના બે વાર ગામના મુખી
કે પોલિસ પટેલ દ્વારા એમની હાજરી લેવામાં આવતી, અનેક અડચણો વચ્ચે પણ, દૂર ખેતરમાં ઘર
હોય ત્યાંથી ગામમાં હાજરીએ બે વાર આવવું પડે, છોકરાંને રેઢાં મૂને આવવું પડે, માંદગીમાં
આવવું પડે ને બુઢ્ઢાંએ પણ આવવું પડે! બીજે ગામ ગયા હોઈએ તો પણ હાજરીના સમયે તો આવીજ
જવું પડે!
પછીની કથા ઘણી
સંઘર્ષપૂર્ણ અને લાંબી છે, પહેલા પ્રસંગમાં જે મહેમાન ની વાત કરી છે એ મહેમાન એટલે
કે શ્રી રવિશંકર મહારાજ, માનવિઓની સાથે પશુ કરતાં પણ બદ્તર વ્યવહાર થતો જોઈને એ ઋજુ
હૈયામાં વંટોળ ઉઠ્યો અને આ અમાનવિય પ્રથાને કઢાવી નાખવા માટે રાત-દિવસ ને ટાઢ-તડકો
જોયા વિના, રોજના એક ગામથી બીજા ગામ રખડી રઝળી, રોજના પચ્ચીસ ત્રીસ ગાઉની પગપાળા મુસાફરી (એક ગાઉ એટલે આશરે અઢી કીલોમીટર, એમ માનીને હિસાબ માંડો!) એક અમલદારથી બીજા અમલદાર,
સૂબા થી વળી વડા સૂબા આમ તુમારશાહીની વચ્ચે ચલકચલાણું થતાં થતાં માંડ આ હાજરી કઢાવી!
ન્યાય નો સિધ્ધાંત એવું કહે છે કે કોઈ પણ આરોપી ગુનેગાર છે
એવું, પુરવાર કરવું પડે છે ને એવું પુરવાર ના કરી શકાય ત્યાં સુધી એ નિર્દોષ છે! પણ
આઝાદીના આટલાં વર્ષો પછી પણ મને લાગે છે કે અંગ્રેજો તો ગયા પણ એ પોતાની સામંતશાહી
માનસિકતા અહીં ભારતમાં જ છોડતા ગયા છે અને એના અનુગામીઓને વારસામાં આપતા ગયા છે! આજે
દેશ આઝાદ થયાના ૬૪ વર્ષ પછી પણ એક આખા સમુદાયને માથે ’નકસવાદી’ હોવાનું લેબલ મારવામાં
આવે છે અને ન્યાયના સિધ્ધાન્તથી ઉલ્ટું એણે પોતે નકસલવાદી નથી એવું પ્રમાણપત્ર આપીને
સાબિત કરવાનું!
હકીકત આમ છે, નહેરૂ યુવા કેન્દ્રએ આદિવાસી કલાકારો માટે ૨૮
ફેબ્રુઆરીએ બેંગલોર અને ૬ માર્ચે કોલકાતા ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ
કાર્યક્રમોમાં સામેલ થવા માટે જે નક્સલ પ્રભાવિત રાજ્યો છે એના કલાકારોએ સ્થાનિક સત્તાવાળાઓ
પાસેથી મેળવેલું પોતે નકસલવાદી નથી એવું પ્રમાણપત્ર રજુ કરવાનું છે અને જે કલાકાર આવું પ્રમાણપત્ર રજુ
કરશે એનેજ કાર્યક્રમમાં ભાગ લેવા દેવાશે એવો ’ફતવો’ ખુદ કેન્દ્ર સરકારે નકસલ પ્રભાવી
રાજ્યના સત્તાવાળાનોને નિર્દેશ આપીને બહાર પાડ્યો છે! સરકાર શું માને છે? આ રાજ્યના
કોઈ વ્યક્તિએ આદિવાસીના પેટે જન્મ લીધો એટલે એના ઉપર નક્સલવાદી હોવાનું લેબલ લાગી ગયું?
ઈતિહાસ ગવાહ છે નક્સલવાદ ના જન્મ થવા અને પનપવા પાછળના કારણોનો,
ગરીબી, જમીનદારો દ્વારા અને સત્તાવાળાઓ દ્વારા શોષણ,પોલિસખાતું, આદિવાસીઓની મૂળ વસાહત
એટલે કે જંગલો ઉપર અતિક્રમણ, બેરોજગારી, નિરક્ષરતા, ઘણાં કારણો હોઈ શકે છે, મને નથી
લાગતું કે માત્ર પૈસા કમાવાના કે તાગડધિન્ના કરવાના આશયથી કોઈ પણ વ્યક્તિ, એકેએક ક્ષણ
મોત ઝળુંબતું રહે એવી જીંદગી ને વહાલી કરે! બિમારીના મૂળમાં જવાને બદલે માત્ર બિમારને
જ નહીં પણ એના સગાંપાડોશીઓ ઉપર બિમારની છાપ મારી દેવાની ભાગેડુવૃત્તિ કેળવવી એ બિમારીનો
ઈલાજ છે કે સંક્રમણ વધારવાના રસ્તા?
ચાલો માની લીધું કે સુરક્ષાનો સવાલ છે, આવું કરવું પડે, પાપડી
ભેગી ક્યારેક ઈયળ પણ બફાઇ જાય અને અને હા, જો એ વ્યક્તિ નક્સલવાદી નથી જ તો પછી એને
પ્રમાણપત્ર મેળવીને રજુ કરવામાં શો વાંધો હોઈ શકે? પણ હકીકત એ છે કે સૌથી મોટું ભયસ્થાન
અહીંજ રહેલું છે, છેલ્લા સવાલમાં! કલ્પના કરો, એક વ્યક્તિએ આવું પ્રમાણપત્ર મેળવામાટે
સરકારી તંત્રમાં કેવા કેવા પાપડ વણવા પડશે! ( દરેક વ્યક્તિને કોઇને કોઇ સરકારી ઓફિસનો
અનુભવ હશેજ!) આવું પ્રમાણપત્ર કદાચ એણે મામલતદાર કે કલેકટર ઓફિસના સત્તાવાળાઓ પાસેથી
મેળવવાનું હશે પણ ત્યાં કરવાની અરજીની સાથે જોડવા માટે વળી સ્થાનિક તલાટી કે સરપંચનો
દાખલો જોડવાનો એટલે મૂળમાંથી જ ભ્રષ્ટાચારની શરૂઆત! તમે એક વાર મનમાં કલ્પના કરી જુઓ
કે તમારે કોઈ સરકારી ઓફિસમાં બાબુ ની સામે ઊભીને એમ કહેવાનું છે કે “સાહેબ, હું ચોર
નથી એવું પ્રમાણપત્ર લખી આપો!” મને તો આવી સ્વમાનભંગની કલ્પના માત્રથી કમકમાં આવી જાય
છે અને પસીનો છૂટી જાય છે!
અને સરકારીતંત્રમાં આવી રીતે અથડાતો, કૂટાતો, ગાળો ખાતો ને
અપમાનિત થતો કોઇ શનિયો કે પછી બુધિયો કે પછી જગલો હાથમાં કોઈ રાવણહથ્થા કે ડોબરૂં ની
જગ્યાએ બંદૂક ના પકડી લે તો જ નવાઈ!
ગંગાજળ:
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના જિલ્લાઓમા ૧૦૦૦ પુરૂષોએ સ્ત્રીઓનું
જે પ્રમાણ છે એમાં સૌથી ઉપરના અને સૌથી નીચેના ત્રણ જિલ્લા જોઈએ તો,
૧. ડાંગ : ૧૦૦૭.૨૩
૨. તાપી : ૧૦૦૪.૨૧
૩. દાહોદ : ૯૮૫.૮૭
૨૪ કચ્છ : ૯૦૬.૬૨
૨૫.અમદાવાદ : ૯૦૩.૩૮
૨૬.સુરત : ૭૮૮.૧૪
ખરેખર કોણ
સંસ્કારી અને સુસંસ્કૃત છે? આપણે જેને અભણ, ગમાર અને જંગલી માનીએ છીએ એ
કે
પછી કલ્ચર્ડ મહોરાં પાછળ પોતાની જાતને સંતાડી રહેલા ભણેલ-ગણેલ કહેવાતા નરભક્ષી?