ગળથૂથી:
एक गुड़िया की कई कठपुतलियों में जान है
आज शायर यह तमाशा देखकर हैरान है
एक बूढ़ा आदमी है मुल्क़ में या यों कहो—
इस अँधेरी कोठरी में एक रौशनदान है
- दुष्यंत कुमार
વર્ષો પહેલાં કયાંક વાંચેલી એક વાત યાદ
આવે છે, એક સંતનો આશ્રમ હતો એમાં સંત અને એમના કેટલાક શિષ્યો રહેતા હતા. રોજ સવારે
પૂજા-પાઠ કરવા, શિષ્યોને જ્ઞાન આપવું, ગામલોકોને બે સારા શબ્દો કહેવા અને થોડું ઘણું
વૈદું જાણતા એટલે જંગલમાંથી ઔષધિઓ લાવી એના ઓસડિયાં બનાવી, દીન-દુખિયાંને આપવાં આ મહારાજની
દિનચર્યા. એવામાં એક દિવસ ક્યાંકથી બિલાડીનું એક અનાથ બચ્ચું મ્યાંઊં...મ્યાંઊ..કરતું
આવી ચડ્યું, આ તો સંતનો આશ્રમ, એને પણ આશરો મળ્યો. રોજ ચોખ્ખું દૂધ પિવાનું ને અહીતહીં
દોદાદોડી કરવાની. હવે આમાં થાય એવું કે સવારે મહારાજ પૂજામાં બેસે ત્યારે પણ એ બિલાડી
ખોળામાં આવી બેસે, કૂદાકૂદ કરે અને ઢોળફોડ પણ કરે ને આના કારણે શાંતિથી ધ્યાન દઈને
પૂજા થાય નહી. એટલે મહાત્મા જ્યાં પૂજામાં બેસતાં ત્યાંથી થોડે જ દૂર એ બિલાડીને ખીંટી
સાથે બાંધી દે, પૂજા શરૂ કરતાં પહેલાં બાંધી દે અને પૂજા પડી તુરતજ છોડી નાખે આ રોજનો
નિત્યક્રમ. શિષ્યો રોજ આ તાલ જોયા કરે અને ક્યારેક ગામમાંથી પણ કોઇ આવી ચડ્યું હોય
તો એ પણ જૂએ કે મહારાજ પૂજા કરતી વખતે બાજુમાં બિલાડી બાંધે છે! થોડા વખત પછી ઉંમરના
કારણે મહારાજ પ્રભુને પ્યારા થઈ ગયા અને એમના પછી એમનો આશ્રમ સંભાળનાર મુખ્ય શિષ્યે
પૂજાની જવાબદારી લીધી અને બિલાડીને બાંધવાની પણ! એ બિલાડી મરી ગઈ તો એની જ્ગ્યાએ બીજી
બિલાડી લાવવામાં આવી અને પૂજા વખતે બાંધવામાં આવી, બિલાડી બાંધ્યા વગર તે કાંઇ પૂજા
થતી હશે? પછી એ આશ્રમના બીજા શિષ્યો પણ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં આ પૂજા વખતે બિલાડી
બાંધવાની પ્રથા પણ ગામે ગામ ગઈ અને આમ આખો બિલાડી બાંધવા વાળો એક સંપ્રદાય ચાલુ થઈ
ગયો!
હજાર, બેહજાર કે પાંચહજાર વરસ પહેલા શરૂ
થયેલા કોઈ પણ સંપ્રદાય કે ધર્મના ત્યારના સમય, સંજોગો અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે
નક્કી કરાયેલા નિયમોને આજે પણ એટલી જ ચુસ્તતાથી વળગી રહેતા જડસુ ઠેકેદારો અને દિમાગને
તર્કવટો દઈ કરી ઊંધું ઘાલી પાછળ ચાલનારા અનુયાયીઓ આ બિલાડીના સંપ્રદાયનાજ હોય એવું
નથી લાગતું?
માત્ર ધર્મની જ ક્યાં કરીએ, આ બિલાડી
સંપ્રદાયવાળા તો આપણને ઠેકઠેકાણે જોવા મળશે, એ પછી અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી
આંદોલન કેમ ના હોય! શરૂઆતથીજ જોવામાં આવી રહ્યું છે કે અમુક લોકો અન્નાના આંદોલનની
એકે એક ક્ષણને ગાંધીના ચશ્મામાંથી નિહાળવાની અને એક એક ઘટનાને સોનીના કાંટે તોલવાની
ગુસ્તાખી કરતા રહે છે! એમાંના કેટલાક લોકોની દલીલો અને જે રીતે તર્કનું ખંડન-મંડન કરતા
જોવા મળે છે એ જોતાં રીતસર એવું અનુભવાય છે કે જાણે આંદોલન અને સત્યાગ્રહ એ જાણે ગાંધીજીની
જ જાગીર (એ લોકોની દ્રષ્ટીએ સ્તો!) હોય અને અન્ના નામનો કોઈ ધાડપાડુ એને લૂંટી લેવા
માટે આવ્યો હોય!
૧૯૪૭ પછી ૬૪ ચોમાસાના પાણી વહી ગયાં છે,
મોટાભાગનું ધરમૂળથી ફરી ગયું છે, એક આખ્ખેઆખી
સદી બદલાઇ ગઈ છે, આખે આખો સમાજ અને એની માનસિકતા પણ બદલાઇ છે અને સાથે સાથે બદલી ગયાં
છે જેમની સામે આ લડાઇ લડવી પડે છે એ પાત્રો. પણ હજુ આ બિલાડીના સંપ્રદાયવાળાને આંદોલન
તો ડીટ્ટો એજ જોઈએ છે જે બાપુએ કર્યું હતું! અન્ના હજારેએ ક્યારેય પણ પોતાને આજના ગાંધી
કે આધુનિક ગાંધી તરીકે ઓળખાવવાની કોશીશ કરી નથી, હા, ગાંધીવાદમાં પોતાનો વિશ્વાસ અને
ગાંધીજીમાં અતૂટ શ્રધ્ધા વખતો વખત વ્યક્ત કર્યા છે. (એટલે આ એવી વાહિયાત વાત છે કે
મને રામમાં શ્રધ્ધા હોય અને રામને મારા આદર્શ માનતો હોઊં એટલે મારા એકેએક શ્વાસને રામના
ત્રાજવે તોલવામાં આવે!) આ લોકોની નિષ્ઠા પર શંકા એટલા માટે પણ જાય, કેમકે આજે ગાંધીજીના
નામની દુહાઇ દેનારા અને એના નામે ચરી ખાનારા આ નપાવટ રાજકારણીઓની સરખામણીએ, ગાંધીવાદના
માર્ગેથી ક્યારેક સમય અને પરિસ્થિતિવશ થોડો ઘણો ચલિત થઈ જનારો આ શ્વેતવસ્ત્રધારી, અનેકગણો
ગાંધીવાદી છે અને ગાંધીની નજીક છે એ બાબતને એ લોકો જાણી જોઇને નજરઅંદાજ કરે છે! (અને
હા પોતાને આજીવન અને હાડોહાડ ગાંધીવાદને સમર્પિત ગણાવનારા લોકોનાં કારસ્તાન જોવાં હોય
તો રાજકોટમાં રાષ્ટ્રિયશાળા સંકુલમાં એક આંટો મારી લેવો!)
એ વાત ચોક્કપણે સાચી છે કે ગાંધીજીની
સરખામણીએ અન્ના હજારેમાં અનેક મર્યાદાઓ છે, સૌથી મોટામાં મોટી મર્યાદા એ છે કે ગાંધીજીની
મુત્સદીગીરીનો છાંટોયે અન્નામાં જોવા મળતો નથી એટલે વાંરવાર રાજકારણીઓએ રચેલા ચક્રવ્યૂહમાં
ફસાતા રહે છે! અન્ના વારંવાર એ ભૂલી જાય છે કે એ હવે એક રાષ્ટ્રિય કક્ષાનું વ્યક્તિત્વ
છે અને અમૂક પ્રકારના ઉચ્ચારણ ના કરવા જોઈએ એવો પ્રોટોકોલ પાળવાનું પણ ભૂલી જાય છે
અને વિરોધીઓને મોકા આપતા રહે છે! ક્યારેક એકદમ આમ આદમી જેવા પ્રતિભાવ આપી બેસે છે,
(યાદ કરો પવાર ફડાકા પ્રકરણ, ભૈ અન્નાજી તમને પણ આમ જનતાના ભેગા રાજી થવાનો હક્ક છે
પણ તમારાથી આમ જાહેરમાં રાજીપો દેખાડાય નહી!) ક્યારેક ક્યારેક એવા રૂઢી પ્રયોગો વાપરી
બેસે છે જે પહેલાંના જમાનામાં તો કોઈ પણ કટુતા વગર બહુજ સાહજિક રીતે જાહેરમાં બોલી
શકાતા હતા પણ આજના જ્ઞાતિવાદી અને કોમવાદી રાજકારણે એ્ને કલુષિત બનાવી દીધા છે.
શાસકપક્ષ હોય કે વિરોધપક્ષ કોઈનેય અન્ના
દીઠા ગમતા નથી એ કડવી વાસ્તવિકતા છે. ભાજપ ઉપર ઉપરથી અન્નાથી અને અન્નાની સાથે હોવાનો
દેખાવ કરે છે એની પાછળના કારણો ખુદ અન્નાજી અને આ દેશની મોટાભાગની જનતા પણ સુપેરે સમજે
છે. સત્તાદારી પક્ષના ભવાડાઓ અને અન્નાજીને મળેલા આ પ્રચંડ લોક સમર્થનને કારણે ભાજપને
સત્તાના વનવાસની ઘોર અંધારી રાત્રીમાં અચાનક આશાનું એક કિરણ દેખાવા લાગ્યું છે અને
ઈસપની વાર્તામાં આવતા ઊંટનો લબડતો હોઠ જોઈને “હમણાં પડ્યું કે પડશે...”ની રાહ જોઈને
બેઠેલા શિયાળની જેમ મોઢામાંથી મધલાળ ટપકવા લાગી છે બાકી એને પણ ખબરજ છે કે આપણે દૂધે
ધોયેલા તો નથી જ એટલે કોંગ્રેસનું પતે પછી કર્ણાટક, ગુજરાત કે ઉત્તરાખંડને લઈને આ અન્નો
આપણી પાછળ પડવાનો છેજ. ભાજપા વાળા ગમે એટલી અભિનય કરવાની કોશીશ કરે ક્યાંક ને ક્યાંક
ક્યારેક મુખ્તાર અબ્બાસ નકવી જેવાઓના નિવેદનોમાં અન્ના હજારે પ્રત્યેનો અણગમો અને નફરત
બહાર આવી જ જાય છે (અલબત્ત, નકવીનું એ બયાન કે “સંસદમાં અન્ના હજારે કરતાં અનેક ગણા
નિષ્ઠાવાન અને દેશને સમર્પિત લોકો બેઠા છે” એ સાંભળીને ઘોડિયામાં પોઢેલાં નવજાત શીશુઓના
મોઢાં પણ મરકી ગયેલ એ અલગ વાત છે!) શિવસેના તો ખુલ્લેઆમ અન્નાને ગદ્દાફી સાથે સરખાવતાં
બિલકુલ શરમ નથી અનુભવતી અને અન્નાના આંદોલનના કારણે જેને શિવસેના ના શાસન સમયે પ્રધાનપદું
છોડી ઘરભેગા થઈ જવું પડ્યું એ જલગાંવના ધારાસભ્ય અને ભ્રષ્ટાચારી સુરેશ દાદા જૈન ને
અન્ના હજારે જો તાલિબાન ગાંધી લાગતા હોય તો એ સ્વાભાવિક છે! લાલુ યાદવ કે પછી રામવિસાલ
પાસવાન જેવાઓને અન્ના સામે શું વાંધો હોય એની સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર ખરી? ( આ બધાયે
પણ પાછા ગાંધી અને ગાંધીવાદની દુહાઈ દેવામાં
બિલકુલ નથી શરમાતા!)
મનિષ તિવારી, દિગ્વિજય અને પછી બેનીપ્રસાદ
ને તો મનમોહન, સોનિયા કે પછી કપિલ અને બીજાઓ કોંગ્રેસીઓ કરતાં અનેક ગણા સારા કહેવા પડે
કે જે છે એવા જાહેરમાં વરતાઈ આવે છે, જ્યારે બાકીના સંસદમાં અન્નાનું સમ્માન અને સેલ્યુટ
કરતા હોવાનો દાવો કરીને પાછળથી સતત ચારિત્ર્ય હનન અને અન્નાનું કદ વેતરવાની કોશીશમાં
લાગેલા રહે છે, એનો તાજોજ દાખલો, CNN IBN દ્વારા યોજાયેલ ઈન્ડિયન ઓફ ધ યર સમારંભનો
છે, દર વર્ષના અંત ભાગમાં યોજાતા આ એવોર્ડ ફંકશનમાં જુદાં જુદાં ક્ષેત્રમાં પોતાની
નોંધપાત્ર કામગીરી કે દેખાવ બદલ ’ઇન્ડિયન ઓફ ધ યર’ નો એવોર્ડ આપવામાં આવે છે એમાં સામાજીક
ક્ષેત્રે કામગીરી માટે અન્ના સિવાય બીજું કોઇ નામ ૨૦૧૧માં હોવું શક્ય જ નથી! પણ કોંગ્રેસ
જેનું નામ, અહીં પણ કોશીશ કરી લીધી અન્નાનું નામ હટાવવાની, રાજદીપ સરદેસાઇના જ શબ્દોમાં
“ આજના આ સમારંભમાં જુદા જુદા ક્ષેત્રના અને પક્ષોના લોકો હાજર છે પણ કોંગ્રેસમાંથી
કોઈજ નથી, અમે કોંગ્રેસને આમંત્રણ આપ્યું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આ યાદીમાંથી
અન્ના હજારેનું નામ કાઢી નાખો તો અમે આવીશું, પણ ચેનલે કહી દીધું કે તમે નહીં આવો તો
ચાલશે પણ ચેનલ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી છે એમાં કોઈ ફેરફાર સ્વિકાર્ય નથી!”
જયારે આખી દુનિયા લોહિયાળ ક્રાંતિમાં
નહાઈ રહી હતી ત્યારે, બે જોડી લૂગડાંની સંપત્તિ સાથે એક મંદિરમાં આશરો લઈને રહેતા અને
દેશની જનતા માટે પોતાની જીંદગી દાવ પર લગાડી દેનારા આ ફકીરના એક અવાજે રામલીલાથી લઈને
રામેશ્વરમ સુધી કરોડો લોકો પોતાનો કામધંધો મૂકીને સડકો પર નીકળી આવ્યા છતાં ક્યાં કોઈના
પર એક કાંકરી પણ ના ફેંકાઇ, એ, ગાંધીના અહિંસાના હથિયારની આવડી મોટી સફળતા, એ ગાંધીવાદના
બની બેઠેલા ઠેકેદારો ઈરાદાપૂર્વક ભૂલી જાય છે!
ગંગાજળ:
ભ્રષ્ટાચાર
હટાવવા માટે અને જનલોકપાલ લાવવા માટે અમે અમે તે ભોગ આપવા તૈયાર છીએ એની મોટામાં મોટી
સાબિતી..
.
.
.
.
.
આ જૂઓ અમે
ગુજરાતીઓ મેધા પાટકરને પણ અન્નાના મંચ પરથી રસપૂર્વક સાંભળીએ છીએ!