ગળથૂથી:
"ભલે કહેવાતું કે ગોખણીયું જ્ઞાન એ માણસને મશીન બનાવે છે, પણ જે પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે."
* * *
હમણાં થોડા દિવસ
પર એક પત્રકાર મિત્રની સાથે એમના પ્રેસ પર બેસી ગપસપ કરતો હતો, વાત વાતમાં એ મિત્રે એકદમ લાંબો નિશ્વાસ મૂકીને કહ્યું,”આજે કેરીનો રસ ખાવા નહીં મળે!” મેં આશ્ચર્યથી પૂછ્યું,
“કેમ?” “આજે આપણા
રહેણાકના વિસ્તારમાં લાઇટનો કાપ છેને એટલે...”
હું ગુંચવાયો કે લાઇટના કાપને ને કેરીના રસને વળી શું સંબંધ? મારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન વાંચી ગયેલા એ મિત્રે ચોખવટ
કરી, “ લાઈટ નથી એટલે
મિક્સર કે બ્લેન્ડર ના ચાલે, એટલે
કેરીનો રસ ના થાય! પહેલાં તો મમ્મી કેરી ઘોળીને રસ કાઢી દેતાં, પણ આજકાલના બૈરાંઓને એ ના આવડે!” એ મિત્રની વાત સાંભળી થોડીવાર માટે તો શું પ્રતિભાવ આપવો એ
ના સૂઝ્યું, પણ પછી વિચારોનું જે ચગડોળ ચાલ્યું
એમાંથી આ આખો લેખ લખાયો. સાચી વાત છે, ટેક્નોલૉજી
એક એવો જિન છે જેને માણસે બોટલમાંથી બહાર કાઢ્યો પોતાના હુકમની તામિર કરવા માટે
પરંતુ થયું છે એનાથી ઊલટું, લગભગ
લગભગ થયું છે એવું કે ’આકા’ જ આજે આ જિનનો ગુલામ થઈ બેઠો છે! સવાલ એ છે કે આવું કેમ
થયું છે? એના માટે જવાબદાર કોણ છે? અને હવે આ નાગચૂડમાંથી છૂટવું કેમ? આ બધા સવાલોને સમજવા માટે આપણે અહીં કોઈ અટપટી ટેક્નોલૉજીની
વાત નથી કરવી કે નથી કરવી કોઈ રોકેટ સાયન્સની ચર્ચા,
પણ જે છેક છેવાડાના આદમીને પણ સ્પર્શે છે,
જેનો ડગલે ને પગલે ઉપયોગ થાય છે અને જેને સમજવામાં અભણ કે ભણેલાના ભેદ પણ નડે
એમ નથી એવી સીધીસાદી ટેક્નોલૉજીને લઈને જ સમજવાની કોશિશ કરવી છે.
સ્વ.ચંદ્રકાંત બક્ષીએ એમના એક
પુસ્તકમાં કદાચ અમેરિકાના પ્રવાસ અંગેના પુસ્તકમાં જ એક પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.
તેઓ અમેરિકાના એમના પ્રવાસ દરમ્યાન કોઈ એક દુકાનમાં ખરીદી કરવા માટે ગયા હતા
ત્યારે એમણે જોયું કે કાઉન્ટર પરની સેલ્સ ગર્લને એક એક આંકડાની બે રકમનો ટોટલ કરવા
માટે પણ કેલ્ક્યુલેટરની જરૂર પડી! જે સરવાળો અહીં આપણા દેશમાં પહેલા કે બીજા ધોરણનું
બાળક પણ મોઢે અથવા વધુમાં વધુ આંગળીના વેઢે કરી શકે એવા હિસાબ કરવા માટે પણ
કેલ્ક્યુલેટરનું અવલંબન! જો સમયસર નહીં ચેતીએ અને શક્ય ત્યાં સુધી આ ગણકયંત્રનો
ઉપયોગ ટાળવાનું આપણાં બાળકોને નહીં શીખવી તો આપણા દેશમાં પણ આ પરિસ્થિતિ આવીને ઊભી
રહે એ દિવસો અસંભવ નથી! પહેલાં, આપણા
વડીલો ગમે તેવા અપૂર્ણાંકના હિસાબ પણ મોઢે કરી શકતા હતા કારણ કે ત્યારે શાળાઓમાં
ઊઠાં ભણાવવામાં આવતાં હતાં, સાચા
અર્થમાં ઊઠાં ભણાવવામાં આવતાં હતાં અત્યારે જેમ રૂઢી પ્રયોગના અર્થમાં ઊઠાં ભણાવાય
છે એમ નહીં! આ ઊઠાં એટલે સાડાત્રણ. એ જમાનામાં એકુ થી દાણ, અગ્યારાથી વીશા, એકવીશાથી
ત્રીસા આ ઘડિયા તો ગોખાવવામાં આવતા જ ઉપરાંત પા,
અરધો, પોણો,
સવાયો, દોઢા,
અઢિયા અને ઊઠાં ના ઘડિયા પણ ખરા, જેના
કારણે સરવાળા અને ગુણાકાર કરવામાં એકદમ સરળતા રહેતી. એમ ભલે કહેવાતું કે ગોખણીયું
જ્ઞાન એ માણસને મશીન બનાવે છે, પણ જે
પાયાના સૂત્રો છે એના માટે ગોખણપટ્ટી અનિવાર્ય જ છે.
બીજી એક આપણી રોજબરોજની વપરાશની
વસ્તુની વાત કરીએ, મોબાઇલ
ફોન. વિચારી જુઓ, તમને
કેટલા લોકોના મોબાઇલ નંબર મોઢે છે? લોકોની
વાત છોડીએ, કેટલા અંગત મિત્રોના નંબર યાદ છે? એનાથી પણ એક ડગલું આગળ વિચારીએ, આપણામાંથી કેટલા લોકોને પોતાના ફેમિલી મેમ્બરના નંબર મોઢે
છે? આપણામાંથી મોટા ભાગના લોકોને માંડ બે
કે ત્રણ નંબર યાદ હશે! જે લોકો જીવનના અઢી-ત્રણ દાયકા વટાવી ચૂક્યા છે એ લોકોને
ખબર હશે કે જ્યારે સંપૂર્ણ રીતે લેન્ડલાઇન ફોન નો જમાનો હતો ત્યારે દરેક વ્યક્તિને
આસાનીથી પંદર-વીસ-પચ્ચીસ લોકોના ફોન નંબર યાદ રહેતા. તો એવું શું થયું કે આ મોબાઇલ
આવવાથી યાદદાસ્તને ઘસારો પહોંચ્યો? શું
ખરેખર અમુક સંશોધન કહે છે એમ, ખરેખર
મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એવા કોઈ ઘાતક કિરણો નીકળે છે કે જેના લીધે આપણે બધા ’ગજની’ બનવા
માંડ્યા છીએ? શક્ય છે કે મોબાઇલના ડબલાની એવી કોઈ ઘાતક આડઅસર પણ હોઈ શકે, પણ આપણે અહીં જે બાબતની વાત કરીએ છીએ એમાં મુખ્ય કારણ એ
નથી. પરંતુ જ્યારે આપણે લેન્ડલાઇન વાળાં ડબલાંજ વાપરતા હતા ત્યારે, કોઈ પણ નંબર ડાયલ કરવા માટે સૌ પ્રથમ તો આપણે ડાયરીમાં
લખેલો નંબર જોવો પડતો, એ પછી એક
એક કરીને આંકડાના ચકરડામાં આંગળી નાખી ઘુમાવવાના અથવા તો જો પુશબટન ફોન હોય તો બટન
દબાવવાનું, એ પછી પણ જ્યારે સામેની વ્યક્તિ ફોન
ઉપાડે ત્યારે એક વાર મોઢેથી બોલીને નંબર એજ છે કે નહીં એની ખાતરી કરવાની. આમ એક
ફોન કરવામાં કોઈ પણ નંબર દર વખતે ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત આપણી નજરે ને જીભે
ચડતો, જ્યારે અત્યારે મોબાઇલમાં મોટાભાગે
તો નંબર આપણી આંખોથી ઓઝલ જ રહે છે અને સામે આવે છે માત્ર નામ! હવે જે નંબર આપણે
કદી જોતા જ નથી, જે કદી બોલતા જ નથી કે જે કદી
ડાયલપેડ પર ડાયલ કરતાજ નથી, એ યાદ
રહેવાનો તો કોઇ સવાલ જ નથી!
ટેક્નોલૉજીના આ વિસ્ફોટના સૌથી માઠાં
પરિણામ ભોગવવાનાં આવ્યાં છે પશુધનના ભાગે અને એમાંયે ખાસ કરીને ગૌવંશે. હું જ્યારે
નાનો હતો ત્યારે ગામડે હમેશાં અમારા ઘરે એક ગાય તો રહેતીજ. આ ગાય હજુ તો ગાભણી હોય
ત્યાંજ એના આવનાર સંતાન માટે ખેડૂતોના માગાં શરૂ થઈ જતાં, કે જો વાછરડો આવે તો અમારે જોઈએ છે અને જો વાછરડો આવે ને એ
હજુ નવ-દશ મહિનાનો થાય ત્યાંજ કોઈ ખેડૂત એનું યોગ્ય મૂલ્ય આપીને લઈ જતો અને એને
પોતાના સગા દીકરા કરતાં વધારે કાળજી લઈને ઉછેરી મોટો કરતો જેથી મોટો થઇને અલમસ્ત
થયેલો એ બળદ ખેતીમાં કામ આવે. ખેતીમાં કૂવો ખોદવાથી માંડીને કૂવામાંથી પાણી
ખેંચવામાં, ખેડમાં અને પછી જ્યારે તૈયાર ઘઊં કે
બાજરી ખળે આવે ત્યારે એના ડૂંડામાંથી દાણા છૂટા પાડવામાં, આમ ડગલે ને પગલે બળદ અનિવાર્ય હતા. બળદના છાણમાંથી ઉત્તમ
છાણિયું ખાતર તૈયાર થતું. કોઈ ખેડૂતનો બળદ બીમાર પડે તો ઘરના માણસની જેમ ચાકરી
કરવામાં આવતી અને તો કદાચ મરી જાય તો ઘરનું કોઇ સભ્ય ગુમાવ્યું હોય એવો માતમ છવાઈ
જતો, ગામ લોકો અને સગાવહાલા ખરખરે પણ
આવતા. આજે મોટા ભાગના ખેડૂતો પાસે ટ્રૅક્ટર આવી ગયાં છે અને જેની પાસે ટ્રૅક્ટર
નથી એ લોકો પણ ઘણુંખરું ટ્રૅક્ટર ભાડે લઈને જ ખેતીનાં કામ કરે છે અને બળદની કોઈ
જરૂરિયાત નથી રહી, અને
પોતાના સગા માં-બાપને પણ વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડી દેતી આ સ્વાર્થી માણસજાત પછી
બળદને શું કામ સાચવે? એટલે એ
બિચારો પોતાના હક્કનું દૂધ લૂંટાઈ જતું જોતો ભૂખમરો ભોગવી રિબાઈ મરે છે અથવા
કતલખાને ધકેલાય છે અને ખેતર જે બળદના છાણ-મૂત્રનું પોષણ પામતાં હતાં એના બદલે આજે
ડીઝલના ધુમાડામાં ગૂંગળાય છે!
આજે,
જ્યારે લાઇટ જતી રહે છે ત્યારે ઘર જાણે કોમામાં સરી જાય છે, કપડાં ધોવાતાં નથી, અનાજ
દળાતું નથી, છાસ બનતી નથી, કેરીનો રસ નીકળતો નથી, ચટણી
બનતી નથી, અરે તુવેરદાળ પણ બનાવવી અશક્ય થઈ જાય
છે! તો શું આજથી ત્રીસ-ચાલીસ વરસ પહેલાં જ્યારે ગામે ગામ લાઈટ નહોતી ત્યારે કોઈ
કેરીનો રસ નહીં ખાઈ શકતું હોય? કોઈ ઘરે
તુવેરદાળ નહીં બનતી હોય? છાશનું
શું થતું હશે? આજે તો પાણી ઘરે ઘરે પહોંચ્યું છે પણ
ત્યારે કપડાં ધોવા માટે પણ ગામના કૂવા કે કોઇની વાડી સુધી જવું પડતું. કૂવામાંથી
પાણી ખેંચી, કપડાને હાથેથી ત્યારે ૫૦૧ નામનો સાબુ
આવતો એ ઘસી, લાકડાના ધોકાથી ધોકાવવામાં આવતાં.
(જે ધોકો પાર્ટટાઇમ, બાળકોને
ક્રિકેટના બેટ તરીકે પણ સેવા આપતો!) આજે
પણ ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે કપડાં આ રીતેજ ધોવામાં આવે છે એ શહેરી વિસ્તારની
આજની જનરેશનમાંથી કેટલાને ખબર હશે? દહીં
ભાંગીને છાશ કરવા માટે કે તુવેરદાળ બનાવવી હોય ત્યારે એને જેરવા માટે હાથેથી
જેરણીનો ઉપયોગ થતો અને આજે પણ થાય છે. કોઈ મોટા ઘરે લગ્ન જેવો પ્રસંગ હોય અને
જમણવારમાં કેરીનો રસ રાખેલો હોય તો આખી જાનને જમાડવાનો કેરીનો રસ હાથેથી કેરી
ઘોળીને અથવા મોટા તપેલા પર શણિયું બાંધી, એના પર
કેરી ઘસીને કાઢવામાં આવતો. હા, પહેલાં
ગામડાંમાં ઘરે ઘરે જે હાથેથી અનાજ દળવાની ઘંટીઓ હતી તે આજે ગામમાંથી નીકળી શહેરમાં
આવીને દિવાનખંડની શોભા બની ગઈ છે!
આ રીતે મોટા ભાગનાં કામમાં શારીરિક
શ્રમ વાપરવાનો બીજો પણ એક મોટો ફાયદો હતો કે ત્યારે કોઇને જિમ જોઈન કરવાની, ફિટનેશ માટે કોઈ ડાયેટિશ્યનને કન્સલ્ટ કરવાની કે ખાસ
પ્લાનિંગ કરીને વોકિંગમાં જવાની જરૂર નહોતી પડતી! બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને હ્રદયરોગ એ બધા શબ્દો જાણે કોઇ અજાણ્યા
ગ્રહની ડિક્શનરીના હતા.
તો શું આનો મતલબ એવો થાય કે માત્ર
જૂનું એજ સોનું? ફરી પાછા ભૂતકાળ તરફ જઈને એ
જીવનપદ્ધતિ અપનાવવી? કદાપિ
નહીં...અહીં એવું કહેવાનો કે સ્થાપિત કરવાનો આશય બિલકુલ નથી. સવાલ છે માત્ર
વિવેકબુદ્ધિ વાપરવાનો અને ’આકા’ બની બેઠેલા જિન ને એના સ્થાને જ રાખવાનો. રેલવે, બૅન્ક તથા સરકારી ઓફિસોમાં હાલના સમયમાં આપણને બધાને એક
અનુભવ થયો જ હોય છે કે ક્યારેક કોઈ કારણવશ કમ્પ્યુટર પ્રણાલી ખોરવાઈ જાય છે અને
કલાકો સુધી સમગ્ર તંત્ર ઠપ્પ થઈ જાય છે, આમ
આદમીનું કામકાજ રખડી પડે છે. હમણાં થોડા સમયથી લગભગ ગુજરાતની તમામ એસ.ટી. બસોમાં
કન્ડક્ટરના હાથમાં ટિકિટની વજનદાર બેગની જગ્યાએ એક નાનકડું સાધન જોવા મળે છે, જેણે બુકિંગનું કામ એકદમ ઝડપી અને સરળ બનાવી દીધું છે. ગમે
એવી ભીડ વચ્ચે પણ ફટાફટ બુકિંગ થઈ જાય છે ઉપરાંત ચાલુ બસે કંડકટરે ટિકિટના નંબર
જોઈને દરેક સ્ટોપ પર વે બીલ બનાવવું પડતું હતું એ ઝંઝટમાંથી પણ મુક્તિ મળી ગઈ છે, પણ ક્યારેક આ સાધન ખોટકાય તો?
તો પણ બુકિંગ અટકતું નથી, કારણ કે
કંડકટરને મૅન્યુઅલ બુકિંગ માટે ટિકિટો પણ આપી રાખવામાં આવે છે જેથી કામ અટકતું નથી
અને પેસેન્જર હેરાન થતા નથી. બસ, દરેક
જગ્યાએ આ વસ્તુ કરવાની જરૂર છે, જ્યાં પણ
ટેક્નોલૉજી દાખલ કરવામાં આવી છે ત્યાં સાથે સાથે આવી વૈકલ્પિક વ્યવસ્થા પણ હોવી
જરૂરી છે જેથી મૂળભૂત રીતે જે વસ્તુ સગવડ વધારવા માટે આવી છે એ અગવડ વધારવામાં
નિમિત્ત ના બને!
તમને નથી લાગતું કે ઘરમાં પણ ક્યારેક
આવા પ્રયોગો સમયાંતરે કરતા રહેવા જોઈએ, જેમકે, વોશિંગ મશીનને આરામ આપી અને હાથે કપડાં ધોવાં, ગ્રાઈન્ડરનો ઉપયોગ કરવાને બદલે ખાડણી-દસ્તાથી ચટણી બનાવવી, બ્લેન્ડરને બદલે સાદી જેરણીથી છાશ બનાવવી, વેક્યૂમ ક્લીનર ને એના બૉક્સમાં જ રહેવા દઈ અને સાવરણીથી
ઝાડુ કાઢવું, હાથેથી કેરીને ઘોળીને એનો રસ કાઢવો
વગેરે, કમસે કમ મહિનામાં એકાદ વખત આ પ્રયોગ
કરવો જોઈએ, આમ કરવામાં ગુમાવવાનું કશું જ નથી, લાઈટ નહીં હોય ત્યારે કેરીના રસની લિજ્જત પણ નહીં
ગુમાવવી પડે!
અને હા, ઘરકામની બાબતમાં તમે ’ટેક્નોલૉજી’ ની જગ્યાએ ’કામવાળી
બાઈ’ શબ્દ મૂકશો તો પણ ઉપરોક્ત બાબતો
અક્ષરશઃ લાગુ પડશે!
ગંગાજળ:
હમણાં એક મિત્રનો મોબાઇલ પર કોલ આવ્યો, મેં રીંગ વાગ્યા ભેગો ઉપાડી લીધો એટલે કહે કે તમે ઉપાડી કેમ
લીધો? મને એક રૂપિયાનું નૂકશાન
કરાવી દીધું! તમારે કાપીને સામે કરવાનો હતો! એટલે મેં બહુ શાંતિથી અને પ્રેમથી એને
સમજાવ્યું કે મને કેમ ખબર પડે કે તારે મિસ કોલ કરવાનો હતો? એટલે હવેથી જ્યારે પણ તારે મિસ કોલ કરવો હોય ત્યારે મને
પહેલાં ફોન કરીને કહી દેવું કે હું મિસ કોલ કરૂં છું, ઉપાડતા નહીં...એટલે નહીં ઉપાડું!
મારા આ જવાબથી એણે એકદમ સંતુષ્ટ થઈ, ખુશ થઈને ફોન કાપી નાખ્યો, પછી મેં એને કોલ કર્યો ને અમે વાત કરી...!!!
મારા આ જવાબથી એણે એકદમ સંતુષ્ટ થઈ, ખુશ થઈને ફોન કાપી નાખ્યો, પછી મેં એને કોલ કર્યો ને અમે વાત કરી...!!!
લખ્યા તારીખ: ૧૮/૦૬/૨૦૧૨