Wednesday, June 13, 2012

જરા હટકે, જરા બચકે યે હૈ રાજકોટ મેરી જાન!

ગળથૂથી:
મ્યુનિસિપલ કોર્પોરેશન, બી.એસ.એન.એલ.,જી.એસ.પી.સી. અને પી.જી.વી.સી.એલ. વચ્ચે બરાબર ચોમાસુ ં શરૂ થવાની તૈયારી હોય ત્યારે જ રસ્તા ખોદવાની હરિફાઇ શા માટે ચાલુ થાય છે એ એક શોધનિબંધ તૈયાર કરી શકાય એવો વિષય છે!
***

          આપણા વડાપ્રધાન મૌનમોહનસિંગનું રાજકોટ સાથે એક જબરદસ્ત કનેક્શન છે. વિચારો, રાજકોટ સાથે એમનું શું કનેક્શન હોઈ શકે? માથું ખજવાળતાં ખજવાળતાં તુક્કા લડાવો, જેવા અને જેટલા આવે એટલા, કારણ કે હજુ તુક્કા પર કોઇપણ પ્રકારનો ટેક્ષ આ સરકારે નથી નાખ્યો, પણ ક્યાં સુધી આ ક્ષેત્ર કરમુક્ત રહી શકે એની ખાતરી નથી કારણ કે આ દેશમાં ટેક્ષ વસૂલવા માટે આ ક્ષેત્ર સૌથી વધારે પોટેન્શીયલ છે એ પ્રણવબાબુને હજુ ખ્યાલમાં નથી આવ્યું, બાકી એટલી આવક થાય કે બીજા કોઈ ટેક્ષની જરૂર જ ના રહે! હમ્મ..તો આપણે વાત કરતા હતા પ્રધાનમંત્રીજીના રાજકોટ કનેક્શનની તો એ દિશામાં  વિચારીએ,. જેમકે,
-  રાજકોટમાં દરેકે દરેક ચેમ્બર અને એપાર્ટમેન્ટને, પાન-ફાકી પ્રેમી લોકો જેમ પિચકારી મારીને ગંદા કરી મૂક્યાં છે એમ, આ સરકારે આડેધડ વહીવટ કરીને આખા દેશને ગંદો કરી મૂક્યો છે..
-  જેમ રાજકોટમાં બિલાડીના ટોપની જેમ ગેરકાયદે બાંધકામ ફૂટી નીકળે છે એક આ સરકારમાં પણ ગમ્મે ત્યારે ગમે ત્યાંથી કૌભાંડ ફૂટી નીકળે છે..
-   જેમ રાજકોટમાં લોકો મોટાભાગે, કૉર્પોરેશનની કચરાપેટી સુધી જઈને પછી એ કચરાપેટીની બાજુમાં કચરો ફેંકે છે એમ દિગ્વિજય જેવા, પોતાનો માનસિક-મૌખિક કચરો ખોટી જગ્યા એ ઠાલવતા રહે છે..
-  જેમ રાજકોટનો ટ્રાફિક ભગવાન ભરોસે ચાલે છે એમ, દેશનો વહીવટ પણ આ પ્રધાનમંત્રીએ સાવ ભગવાન ભરોસે છોડી દીધો છે..
-   જેમ ગાયોને અહીં એના માલિકો દ્વારા ગમે ત્યાં માથાં મારી પેટ ભરવા માટે છુટ્ટી મૂકી દેવામાં આવે છે એમ આપના વડા પ્રધાને એના પ્રધાનો છે આ દેશની જનતા માથે છૂટા મૂકી દીધા છે..
             વગેરે..વગેરે..
             અરે ભાઇ...આ બધું તો છેજ, પણ આ બધાથી વધીને એક વાત છે જે વડા પ્રધાનને બહુ મજબૂત રીતે રાજકોટ સાથે જોડે છે, તો ચાલો હવે વાતમાં વધારે મોણ નાખ્યા સિવાય ચોખવટ કરી જ નાખીએ, યાદ છે થોડા સમય પહેલાં આપણા વડાપ્રધાને આ દેશની સંપત્તિ પર દેશની લઘુમતીનો પહેલો અધિકાર છે એવું એક નિવેદન કર્યું હતું? તો એ નિવેદન કરવાની પ્રેરણા એમને રાજકોટ પાસેથી મળી હતી, હા, રાજકોટના રીક્ષાવાળાઓ પાસેથી! ફોર વ્હીલર અને ટુ વ્હીલર જેવાં વાહનો ની સરખામણીએ આ ત્રિચક્રી વાહન લઘુમતીમાં હોવા છતાં એના માલિકોનું દ્રઢપણે માનવું છે કે આ શહેરની સડકો પર પહેલો અધિકાર એમનો છે! ધારો કે તમે રાજકોટના કોઈ એક રસ્તા પર જઈ રહ્યા છો, આગળ એક રસ્તો ક્રોસ થાય છે એ આડા રસ્તા પર ઓટોરીક્ષા આવી રહી છે અને તમને એમ લાગે કે માર્જીનલી તમે થોડા આગળ છો અને પહેલા ક્રોસ કરશો, રીક્ષાવાળા ભાઈ થોડી ધીમી પાડી તમને જવા દેશે, તો તમારો આ ભ્રમ એક વાત તો સાબિત કરે જ છે કે તમે આ શહેરના નાગરિક નથી અને છો તો સાવ નવાસવા! ઓટો રીક્ષામાં બ્રેક પણ હોય છે એ એના માલિકને ત્યારેજ યાદ આવે છે જ્યારે ભરપૂર ટ્રાફિકની વચ્ચે પણ અચાનક કોઇ સાઇડમાં ઊભેલ વ્યક્તિ હાથ ઊંચો કરે છે! આ અદ્ભૂત વાહનના માલિકમાં બીજી પણ ઘણી ખૂબીઓ છે, જેમ કે એને એવો વહેમ છે કે આ વાહન ૧૮૦ ડિગ્રી પર ટર્ન મારી શકે છે અને જેટલી જગ્યામાં આગળનું વ્હીલ ઘૂસી શકે એટલી જગ્યામાંથી આ વાહન પણ પસાર થઈ શકે છે! જે રીતે બકરીના ગળામાં આંચળ હોય છે એમ રાજકોટની રીક્ષામાં મીટર હોય છે પરંતુ બહારગામથી આવેલી બસમાંથી ઉતરેલો કોઈ અજાણ્યો દુષ્ટ પેસેન્જર જો મીટરભાડે રીક્ષા લઈ જવાની બેશર્મ અને અઘટિત માગણી કરવાની ગુસ્તાખી કરી બેસે તો રીક્ષાવાળો મોઢું બગાડીને એની સામે એ રીતે નજર કરશે જાણે પેલાએ એની બન્ને કિડની માગી લીધી હોય! (કર્ટસી - થ્રી ઇડિયટ્સ). માત્ર રાજકોટ જ નહીં, પણ જ્યાં ઓટોરીક્ષા મીટર પર જ ચાલે છે એવાં અમદાવાદમાં પણ રેલવે સ્ટેશન પર ઉતરીને કોઇ રીક્ષા વાળાને મીટર પર આવવાની ઑફર કરજો, લગભગ એજ સ્થિતિ! પરંતુ દરેક સમુદાયમાં કેટલાક અવળચંડા લોકો પણ હોવાના, એ રીતે આ પ્રજાતિમાં પણ કેટલાક લોકો એવા છે જે ઊલ્ટાં કામ કરતા રહે છે, જેમકે પોતાની રોજી નીકળી એટલો ધંધો થઈ ગયો એટલે ધંધો બંધ કરીને પછી સરકારી હોસ્પીટલે જઈને ઊભી જવાનું અને જરૂરતમંદ દર્દીઓને ભાડાની અપેક્ષા વગર હોસ્પીટલેથી ઘરે પહોંચાડવા, આ રોજીંદો ક્રમ! અહીં રાજકોટમાં કદી કોઈ પૅસેન્જરનો કિંમતી સામાન રીક્ષામાં ભૂલાઇ ગયો હોય અને પાછો ના આવ્યો હોય એવું બન્યું નથી. જો પૅસેન્જરનું સરનામું હશે તો રીક્ષાવાળો ઘરે આવીને સામાન આપી જશે અને બદલામાં જો પેસેન્જર આપે તો, ભાડાંથી વિશેષ કોઈજ અપેક્ષા નહીં. વૃદ્ધો અને અશક્તોની સાથે કોઈપણ રીક્ષાવાળાનો વર્તાવ હમેશા સૌહાર્દપૂર્ણ રહ્યો છે. મોડી રાત્રે ટ્રેન કે બસમાંથી ઊતરનારી કોઈ પણ બહેન-દીકરીને સલામત રીતે ઘરે પહોંચાડવામાં કોઈપણ અજાણ્યા રીક્ષાવાળાભાઇએ કદીપણ પોતાના ઉપર મૂકેલ ભરોસો તોડ્યો નથી.

             પરંતુ આ બહેન-દિકરી જ્યારે શહેરના રસ્તા પર ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને નીકળે છે ત્યારે એનો ડ્રાઇવિંગ પર ભરોસો કરી બેસવો એટલે ભારતના કોઇ રાજકારણીને પ્રમાણિક માની લેવો! કોઈ બહેન જ્યારે કાર ડ્રાઇવ કરતાં કરતાં બારીનો કાચ ઉતારીને જમણો હાથ બહાર કાઢે તો એનો મતલબ એવો થાય કે,
(૧) એ બહેન ડાબી બાજુ વળવા માગે છે,
(૨) એ બહેન જમણી બાજુ વળવા માગે છે,
(૩) એ બહેન સીધાં જવા માગે છે,
(૪) બહાર વરસાદ છે કે નહીં એ જોવા માટે હાથ કાઢ્યો છે
             અથવા
(૫) તાજી જ કરેલી નેઇલ પૉલિશ સૂકવે છે!
પછી થોડે આગળ જઈ, જે બાજુ વળવું હતું એ બાજુ વળી ગયા પછી યાદ આવે છે કે કારમાં ઇન્ડિકેટર પણ છે એટલે ચાલુ કરે છે! એજ રીતે ટુ વ્હીલરમાં પણ ઇન્ડિકેટર હોવાનું લગભગ વળવાની જગ્યાએ પહોંચીને જ યાદ આવે છે!

             કાર ભલે એક કરોડની મર્સીડીઝ હોય, પણ એક્સપ્રેસ વે પર ૧૦૦થી વધારેની સ્પીડમાં પણ ડ્રાઇવ કરતી વખતે કાર ચાલક દરવાજો અધૂકડો ખોલીને લાલ રંગનો કોગળો કરે તો ચોક્કસપણે એ કારનો નંબર જીજે ૩ થી જ શરૂ થતો હશે! પાન ખાઇને ચાલુ ગાડીએ થૂંકવા છતાં પોતાની કાર પર પાનનો એક છાંટો ન ઉડવા દેવો, (પાછળ વાળાનું જે થાય તે!) આ કૌશલ્યમાં રાજકોટના લોકોએ જે મહારત મેળવી છે એ જોતાં, જો આ કલાને ઓલિમ્પીકમાં એક સ્પર્ધા તરીકે સમાવવામાં આવે તો આપણા દેશનો એક ગોલ્ડ તો દર વખતે પાક્કો જ!

             સમય જતાં આગામી હજ્જારો વર્ષ પછી પૃથ્વીના કોઇ એક ભાગમાં ઉત્ખનન કરતાં, જમણી બાજુ નમી ગયેલી ડોક વાળા મનુષ્યોની એક વિશિષ્ટ પ્રજાતિના અવશેષ જોવા મળે, ચોક્કસપણે એ પ્રદેશનું નામ રાજકોટ હશે! આ શહેરને સમયની કિંમત છે, ( ચૂઉઉઉપ..આ વચ્ચે, બપોરના એક થી ચાર વાળું કોણ બોલ્યું?)  જીંદગી કરતાં પણ વધારે સમયની કિંમત છે એટલે સ્કૂટર કે બાઈક સવાર જ્યારે ચાલુ વાહને ફોન આવે ત્યારે એક મિનીટ સાઇડમાં વાહન ઊભું રાખીને વાત કરવાને બદલે, પિઝાના મિનારાની જેમ ડોક રાખીને મોબાઇલ પર લાંબી લાંબી વાતો કર્યે જાય છે, ધ્યાન રાખે સામેવાળા, આપણા કેટલા ટકા? વળી, રાજકોટના નાગરિકની એક ખૂબી એ છે કે એ દ્રઢ પણે માને છે કે કારમાં અથવા મોટર સાયકલમાં જો હોર્ન આપેલું છે તો વગાડવા માટે જ હોય અને એટલે જ સામે દેખાય કે સિગ્નલની લાઇટ લાલ છે એના કારણેજ ટ્રાફિક અટકેલો છે તે છતાં જ્યાં સુધી લાઈટ લીલી નહીં થાય ત્યાં સુધી અત્યંત ધાર્મિકપણે હોર્ન વગાડવાનું ચાલુ રાખશે!

             અત્યાર સુધી, એક બાબતમાં ભૂગર્ભ ગટર વાળા અને બી.એસ.એન.એલ વચ્ચે જ સ્પર્ધા હતી એમાં હવે જી.એસ.પી.સી. વાળા પણ ભળ્યા છે. રાજકોટના રસ્તાઓને ખોદી નાખવામાં આ ત્રણેય એટલા સમર્પિત રીતે કામ કરે છે કે ક્યારેક તો આપણને શંકા જાય કે આ લોકોએ પોતાની એક જાસૂસોની વિંગ બનાવેલી હશે જેનું કામ એ હોય કે એ રાજકોટમાં નવો રસ્તો ક્યાં બન્યો છે એની માહિતી લાવીને આપે એટલે હથિયાર લઈને પહોંચ્યા સમજો! રાજકોટ કદાચ વિશ્વનું એક માત્ર શહેર હશે કે જ્યાં લોકોને ખાનગી માલિકીના સ્પીડ બ્રેકરનો માત્ર શોખ જ નહીં પણ ક્રેઝ હોય! નવો રોડ બનતો હોય ત્યાંજ એને લાગુ પડતી સોસાયટીવાળા સ્પીડબ્રેકર કેટલા બનાવવા અને ક્યાં બનાવવા એનું પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. આ સ્પીડબ્રેકરની ડિઝાઇન પણ વિશ્વમાં ક્યાંય જોવા ના મળે એવી વૈવિધ્યસભર અને અનોખી હોય છે. ક્યાંક આડો કુત્તુબમિનાર હોય તો ક્યાંક ઘરના દરવાજાના બદલે ભૂલથી રસ્તા પર ઊંબર બનાવી નાખ્યો હોય એવું લાગે! હાલ શેરી દીઠ સ્પીડબ્રેકરનો લક્ષાંક પ્રાપ્ત થઈ ગયો છે, આગામી વર્ષોમાં ઘર દીઠ અને પછી વ્યક્તિ દીઠનો લક્ષ્યાંક છે.

             રાજકોટના લોકો વાહન અકસ્માતની બાબતમાં બબ્રુવાહનન્યાયમાં માને છે. અર્જુનને જ્યારે વનવાસની સજા થઈ ત્યારે એણે મણીપુરની રાજકુમારી ચિત્રાંગદા સાથે લગ્ન કરેલાં અને તેનાથી જે પુત્ર થયો તે બબ્રુવાહન. પછી અર્જુન આ પત્નીને પુત્રના જન્મ પહેલાંજ મણીપુર છોડીને આવતો રહેલો. હવે જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એના સમાચાર કિશોર થઈ ગયેલા બબ્રુવાહન ને મળ્યા ત્યારે એણે હઠ કરી કે મારે પણ લડવા જવું છે, પણ પ્રશ્ન એ થયો કે પાંડવોને ઓળખવા કઈ રીતે? ચિત્રાંગદાને એમ કે પાંડવો ઓછા છે એટલે એમનો પક્ષ નબળો છે ને એ હારતા જ હશે એટલે માતા ચિત્રાંગદાએ બબ્રુવાહનને સલાહ આપી કે જે હારતા હોય એના પક્ષે રહીને તારે લડવાનું. હવે અહીં જ્યારે બબ્રુવાહન યુદ્ધના મેદાન પર પહોંચ્યો તે દિવસે યોગાનુયોગ કૌરવો હારતા હતા, એટલે આ ભાઇ તો માતાની આજ્ઞા મુજબ કૌરવોના પક્ષે જોડાઇને માંડ્યો લડવા તે પાંડવોની સેનામાં હાહાકાર મચાવી દીધો! અહીં રાજકોટમાં વર્તમાન કાળમાં આ પ્રસંગ એ રીતે લાગુ પડે છે કે જ્યારે પણ કોઇ પણ બે વાહનનો અકસ્માત થાય છે ત્યારે વાંક મોટા વાહનનો છે એવું ધારીને જ આજુબાજુના લોકોએ ઝંપલાવી દેવાનું!

             હા, આ રાજકોટ છે, બધી રાજકોટની જ વાત છે, છતાં મને લાગે છે કે આમાં રાજકોટની જગ્યાએ ગુજરાતના કોઈ પણ શહેરનું નામ લખી નાખીએ તો પણ ચાલે, શું કહો છો?
***

ગંગાજળ:
પેટ્રોલના છેલ્લા ભાવ વધારા વખતે ફેસબુક પર વાંચેલી આ રમૂજમાં કેટલી તીવ્ર વ્યથા છે!
કેટલાનું પૂરવાનું છે?”
પૂરવું નથી, આઠ-દશ રૂપિયાનું છાંટી દે એટલે સળગાવી જ દઉં!

લખ્યા તારીખ: ૧૧/૦૬/૨૦૧૨.

11 comments:

 1. બભ્રુવાહન ન્યાય.. મુકુલ દાદા પેટન્ટ નોંધાવી દયો તમારા નામ ની.

  રાજકોટ કદાચ વિશ્વનું એક માત્ર શહેર હશે કે જ્યાં લોકોને ખાનગી માલિકીના સ્પીડ બ્રેકરનો માત્ર શોખ જ નહીં પણ ક્રેઝ હોય! નવો રોડ બનતો હોય ત્યાંજ એને લાગુ પડતી સોસાયટીવાળા સ્પીડબ્રેકર કેટલા બનાવવા અને ક્યાં બનાવવા એનું પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે.

  એવું તો ભાવનગર માં ય થાય છે.

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. બહુ હળવી શૈલીમાં ચિતાર રજુ કર્યો પણ હકીકત એ છે કે કડક અને સ્પષ્ટ શબ્દોમાં કોઈ એ રાજકોટના અવગુણોની ટીકા કરવી જોઈંએ અને ટ્રાંફિક અને રીક્ષાની બાબતમાં બહુ જ સુધારવાની જરૂર છે. મને યાદ છે વરસો પેલા એક રીક્ષાવાળા સાથે ભાડાની રકઝકમાં એણે મને ચપ્પુ બતાવ્યું હતું..આજે પણ સ્થિતિમાં કઈ ખાસ ફેર નથી. અને આવું બધું રાજકોટમાં જ થાય છે બીજા શહેરોમાં આવી હલકી નથી એ યાદ રાખવાની જરૂર છે.

  ReplyDelete
 4. Great Superb - Quite Realistic
  Each Segment & Community has been justified
  Fefsafaad Haasya
  Mind Blowing / Hats Off MJ

  ReplyDelete
 5. Great Superb - Quite Realistic
  Each Segment & Community has been justified
  Fefsafaad Haasya
  Mind Blowing / Hats Off MJ

  ReplyDelete
 6. જાની દાદુ, ખૂબ સરસ લખાણ, ને સાથે રાજકોટ ની અમુક બાબત ને ઉજાગર કરતી વાત ખૂબ સરસ છે કોઈ પણ દેશ,રાજ્ય,નગર,વિસ્તાર,ઘર અને તેમાં રહેતા લોકો માં વેવિધ્ય હોય છે જે રાજકોટ માં પણ છે, પોતાની હજાર ખામી બાદ પણ અહી રહેતા લોકો આ જગ્યા ને નથી છોડતા કે નથી એના પ્રશ્ન ઉકેલવા કોઈ આંદોલન કરતાં, એકલ દોકલ કિસ્સા કરતાં અહી નું વાતાવરણ બહુ સારું છે, રિક્સા કરતાં પણ વધારે પ્રશ્ન અહીં હોટેલ માં વેઇટર કે દુકાનદાર ની તુમાખી નો છે, રાજકોટ નામ ની અસર માં બધા પોતા ને અહી યુવરાજ સમજે છે ને ગ્રાહક ને પ્રજા સમજે છે, એક બે હજાર ના સેલ્સમેન પણ જાણે શોપિંગ મોલ નો માલિક હોય એવા નખરાં કરે છે, ને તેમાં પણ સિક્યુરેટી ની તો વાત જ ન કરવી, વગર વરદી નો જાણે જેમ્સ બોન્ડ, કપડાં તો એવિ રીતે ચેક કરે કે જાણે બધા બોમ્બ લઈ ને જ અંદર આવયા હોય, પણ દરેક શહેર કરતાં અલગ છે એ રાજકોટ ની અલબેલી જનતા ... પૂરા ભારત માં દાન,સહાય,મદદ કરવા નો ઠેકો જાણે રાજકોટ પાસે જ છે, ખાલી એટલા સમાચાર આવ્યા કે ચિલ્લી માં ધરતી કંપ આવ્યો ત્યાં તો ગુંદાવાડી ની ધાર્મિક સંસ્થા એ લોકો બોલાવી ને તાત્કાલિક પૂરી અને કોબી નું શાક તૈયાર કરવા લાગી ગયા .... ચિલ્લી ક્યાં આવ્યું છે ? ચિલ્લી એ સામાન કેમ મોકલશે એવો કોઈ વિચાર જ નહીં... એ દે ધના ધન ....... પણ તેમ છતાં ઉમદા કાર્ય માં રાજકોટ આગવું જ છે, જે રોડ રસ્તા બાબત ની હાડમારી છે એ રાજનૈતિક પ્રશ્ન છે અને લોકશાહી ના સોથી વધુ નિકક્મા ને બુદ્ધિ ના બળદ રાજકોટ માં છે, સોરઠિયાવાડી સર્કલ 6 વાર તોડી ને નવું બનાવા માં આવ્યું છે, પહેલા ડિવાઇડર રાખવા ને વળી હટાવી ને કઈક નવું કરવું એજ એક કામ છે ..... સંસાર છે ચાલ્યા કરે ....

  ReplyDelete
 7. સુપર લાઈક ,,,,,,,,,,,,,, મુકુલોક્તી એ રાજકોટ પુરણ લખ્યું ,,,,,,,,,, અને એ પણ પરફેક્ટ એનાલીસીસ,,,,,,,, વાહ સિવાય કઈ લખવા નું નથી ,,,,,,,,,, આ પુરાણ ની કોપી બધા જ શહેરવાળા કરી શકે એમ છે ,,,,,,,,,,,,,,,,,

  ReplyDelete
 8. બભ્રુવાન ને તમે બહુ જ સરસ સાંકળ્યો...!!! તમારી રગો માં "રાજકોટ" વહે છે તેમ કહી શકાય...! તાજીરંગાયેલ નેઇલ પોલિશ ની સુકવણી નો અનુભવ થયેલ,લગભગ પોણા કિલોમિટર સુધી કોઇ વળાંક નહી,પણ સાઇડ દેવાનુ ચાલુ... કારણ ,આજે જ જાણવા મળ્યું..! એકંદરે ,હળવી શૈલી મા લખાયેલ સમતોલ લેખ...બાકી તો સમજદાર કો ઈશારા કાફી...!

  ReplyDelete
 9. ખુબ સરસ લેખ
  કાગડા બધે કાળા જ હોય એટલે રાજકોટની જગ્યાએ ગુજરાતના તો શું ભારતના કોઈ પણ શહેર નું નામ લખી નાખીએ તો પણ ચાલે, અને આ બે વાહનનો અકસ્માત થાય છે ત્યારે વાંક મોટા વાહનનો છે એવું ધારીને જ આજુબાજુના લોકોએ ઝંપલાવી દેવાનું એ એકદમ સાચું

  ReplyDelete
 10. " હા, આ રાજકોટ છે, બધી રાજકોટની જ વાત છે, છતાં મને લાગે છે કે આમાં રાજકોટની જગ્યાએ ગુજરાતના કોઈ પણ શહેરનું નામ લખી નાખીએ તો પણ ચાલે, શું કહો છો?" સરસ સાહેબ આ ગમ્યુ,
  હું રાજકોટ અને અમદાવાદમાં ઘણો ફરેલો છો પણ મને રાજકોટના માણસો સારા લાગ્યા અમદાવદ કરતાં, હમણા ૧ વર્ષ પહેલા વડોદરા પણ ૬ કલાક ફર્યો હતો, ત્યાંના માણસો પણ મને સારા લાગ્યા, શી ખબર કદાચ આ મારો ભ્રમ પણ હોઈ શકે છે સારા-ખરાબ માણસ માનવાનો.

  ~ સત્ય ઓઝા

  ReplyDelete