Thursday, October 18, 2018

મૈં કરૂં તો સાલા કૅરેક્ટર ઢીલા હૈ!


      
ગળથૂથી
સૃજન પ્રક્રિયાના પરમ પવિત્ર કાર્યના પરિણામરૂપે ધરતી પર આવેલ કોઇ શિશુ ક્યારેય પાપ ના હોઈ શકે, પાપ તો હોય છે પોતાની હવસ સંતોષીને જવાબદારીમાંથી છટકી ગયેલો ઐયાશ બાપ!

     આખાયે આયખાં દરમ્યાન માણસના કાનમાં રેડાતાં કેટલાંક વાક્યો એવાં હોય છે જે એના રોમ રોમમાં સંગીત જગાવે છે, એક એવો સુખદ અહેસાસ આપી જાય છે જે કદી ભુલાતો નથી, જેમકે ગાયનેકોલોજીસ્ટના મોઢે બોલાતું એવું એક વાક્ય છે.,
     “અભિનંદન, તમે પિતા બની ગયા છો!
     પણ ધારો કે આ વાક્ય ગાયનેકોલોજીસ્ટના બદલે કોઇ કોર્ટના જજે બોલવાની ફરજ પડે તો? તો આ એનું એજ વાક્ય સમાજને માટે બદનામી, લાંછન અને ચર્ચાનું કારણ બની જાય છે. તાજેતરમાં જ, તનથી વૃદ્ધ પરંતુ મનથી રંગીન તબિયતના અને પોતાની ઐયાશીઓના કારણે વારંવાર ચર્ચામાં રહેલા રાજકારણી, એક વખતના ઉત્તરપ્રદેશના તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને આંધ્રના ભૂતપૂર્વ ગવર્નર એવા શ્રી એન ડી તિવારીને ૩૨ વર્ષના યુવાન રોહિત શેખરે પાંચ વર્ષની કાનૂની લડાઇ બાદ, એઓ પોતાના પિતા છે એવું સાબિત કર્યું છે.

     રોહિતની માતા ઉજ્જ્વલા શર્મા પણ એક રાજકારણી શેરસિંહની જ દીકરી અને જ્યારે એની ઉંમર ૩૩-૩૪ ની હશે ત્યારે વનમાં પ્રવેશી ચૂકેલા અને એ વખતે યુવક કોંગ્રેસના (આ ભારતીય રાજકારણની યુવાનીની વ્યાખ્યા છે!) નેતા એવા તિવારીજીએ ઉજ્જવલાની આગળ પાછળ ચક્કર મારવાં શરૂ કરેલાં. પછી તો ઉજ્જવલા સાથેના તિવારીજીના સંબંધો જગ જાહેર હતા જે રોહિત અને ઉજ્જ્વલા સાથેના તિવારીજીના અનેક ફોટા પરથી ખ્યાલ આવે છે. કહેવાય છે કે તિવારીજી એક સમયે ઉજ્જ્વલા અને રોહિતનો કાયદેસર રીતે સ્વીકાર કરી લેવા તૈયાર હતા કારણ કે તિવારીજીને એમનાં સ્વર્ગસ્થ પત્ની ડૉ. સુશીલાથી કોઇ સંતાન પણ નહોતું. ખરેખર જો આવું થયું હોત તો ઘી ના ઠામમાં ઘી પડી જાત અને આ સડો વકરીને ગેંગ્રીનની હદે ના પહોંચત પરંતુ આ બધાના મૂળમાં છે તિવારીજીએ રાજકીય પદો પર રહીને બનાવેલી રૂપિયા ૮૩૪ કરોડની સંપત્તિ. ઉજ્જ્વલા અને રોહિતને તિવારીજી અપનાવી લેવા તૈયાર થયા એથી આ સંપત્તિ પર નજર રાખીને બેઠેલા આ અમુક ખાટસવાદિયાઓને પોતાનાં બારે વહાણ ડૂબી જતાં લાગ્યાં એટલે યેનકેનપ્રકારેણ તિવારીજીના કાનભંભેરીને ઉજ્જ્વલા-રોહિતને તિવારીજીથી દૂર કરવાનું ષડ્યંત્ર સફળ રહ્યું પરંતુ આના ભાવિ પરિણામ આટલાં ભયાનક આવશે એનો એન. ડી. તિવારીને પણ કદાચ અંદાજ નહીં હોય. એક પછી એક જૂઠનો સીલસીલો ચાલુ થયો. અનેક કાવાદાવા, ધમકીઓ, એક પછી એક કોર્ટ, ખોટા સોગંદનામાં, ડી એન એ ટેસ્ટના કોર્ટના આદેશ પછી પણ ઇન્કાર અને બળજબરીથી બ્લડ સૅમ્પલ લેવાયું એ પછી પણ આ ટેસ્ટના પરિણામને જાહેર થતું રોકવાના ધમપછાડા, આ બધાએ જાહેર તો કરીજ દીધું હતું કે ખરેખર કોણ ખોટું છે અને કોણ સાચું, બસ એના પર કોર્ટની મોહર લાગવાની બાકી હતી. શર્ટનું પહેલું બટન ખોટું દેવાય એટલે બધાંજ બટન ખોટાં દેવાય અને છેલ્લા બટન સુધી પહોંચીએ ત્યારે જ ખ્યાલ આવે છે. અહીં બધાં બટન ખોલીને ફરીથી દઈ શકાય છે પરંતુ રિયલ લાઇફ એટલી છૂટછાટ નથી લેવા દેતી!

     જીવનના આઠ દાયકા વટાવી ગયા પછી પણ ઇશ્કી મિજાજ અને રંગીન તબિયત જાળવી રાખવી અને એ પણ પ્રેક્ટિકલી, એતો તિવારીજી જેવા કોક અવતારી પુરુષ જ કરી શકે! જ્યારે તિવારીજી ઉત્તરાખંડના મુખ્ય મંત્રી હતા ત્યારે એમના શાહી જનાનખાનામાં નિયમિત રીતે અનેક મહિલાઓની આવન જાવન રહેતી અને તિવારીજી સાચા કદરદાન પણ ખરા એટલે પોતાને આ રીતે ખુશ કરનાર કેટલીક મહિલાઓને તો એમણે લાલ લાઇટવાળી ગાડીની સગવડ પણ કરી આપેલી! છેવટે કોક અદેખાથી તિવારીજીનું આ સુખ જોવાયું નહીં એટલે ફરિયાદ દિલ્હી દરબાર સુધી પહોંચી અને તિવારીજીને ઉત્તરાખંડથી હટાવી અને આંધ્રના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા. પણ આપણા તિવારીજી ક્યાં ગાંજ્યા જાય એમ હતા? એમણે તો ઉત્તરાખંડવાળા પોતાના જૂના સંપર્કો મારફત કોઇ રાધાને વચ્ચે રાખીને આંધ્રના રાજભવનમાં પણ રાસલીલા રચાવવાની વ્યવસ્થા કરી લીધી! એ રાધાને કોઇ ખાણનું લાઈસન્સ અપાવવાની લાલચ આપી હશે પણ આંધ્રની અફસરશાહીની આડોડાઈને કારણે તિવારી દાદા લાઈસન્સ અપાવી ન શક્યા એટલે એ રાધારાણીએ પોતેજ, ત્રણ ત્રણ ગોપીઓ સાથે રાસ રમતા તિવારી દાદાની ફિલમ ઊતારી લીધેલી, પરિણામે તિવારીજીએ આંધ્રના રાજભવનમાંથી પણ ઉચાળા ભરવા પડેલા.

     પોતાની માતાને ન્યાય અપાવવા માટે, કાનૂની લડત આપીને રોહિત શેખરે જે પરિણામ મેળવ્યું છે એની બહુ દૂરગામિ અસરો પડશે, આવા અન્યાયનો ભોગ બનેલા અનેક માતાઓ અને સંતાનોને ન્યાયની આશા જાગી છે. ડી.એન.એ ટેસ્ટનું પરિણામ જાહેર થયા પછી રોહિત શેખરે સાચું જ કહ્યું છે કે સંતાન ક્યારેય નાજાયજ ના હોય શકે, નાજાયજ તો હોય છે બાપ! સાચી વાત છે, આ પૃથ્વી પર ગુંજતું કોઇ પણ નવજાત શિશુનું પ્રથમ રુદન એ સૃષ્ટિના સરજનહારના પવિત્ર સૃજન કાર્યનું પરિણામ છે, જેણે જન્મ લીધો છે એનો તો બિચારાંનો કોઇ વાંક કે ગુનો નથી તો પછી એને પાપ કઈ રીતે કહી શકાય? પાપ તો છે એના જનમવામાં નિમિત્ત બની અને પછી પોતાની જવાબદારીમાંથી છટકી ગયેલો એનો ઐયાશ બાપ! પોતાની માતાને ન્યાય અપાવવા માટે એકલા હાથે લડાઈ લડી ઝઝૂમી જીતેલા રોહિત શેખરને માત્ર એન.ડી. તિવારી સામે જ ફરિયાદ નથી પરંતુ બહુ વાજબી રીતે એની આ લડાઈમાં સાથ નહી આપવા બદલ નારી સંગઠનો અને સમાજ સામે પણ છે. રોહિત શેખરે આટલે નહીં અટકતાં કોર્ટમાં એક અરજી દાખલ કરી છે કે તમામ સરકારી દસ્તાવેજોમાંથી રખાત, નાજાયજ અને અવૈધ સંતાન એવા શબ્દો હટાવી દેવામાં આવે, પોતાની અરજીમાં એણે એવી દલીલ કરી છે કે જ્યારે આજે લિવ ઇન રિલેશનશીપને કાયદાએ માન્યતા આપી દીધી છે, સ્પર્મ ડોનેશન કાયદેસર છે ત્યારે કોઇ સંતાન ને અવૈધ કઈ રીતે કહી શકાય?

     એવું ચર્ચામાં છે કે આ ચુકાદાની અસરથી ઘણી મહિલાઓ હવે હિંમત કરીને હવે કોર્ટે ચડવાની તૈયારીમાં છે એમાં ઉત્તર પ્રદેશની માયાવતી સરકારના એક પ્રધાન દદ્દુ પ્રસાદનું નામ મોખરે છે. આ બહેનજીની સરકારમાં જ મંત્રી રહી ચૂકેલા અમરમણી ત્રિપાઠી તો પોતાના પાપને છુપાવવા, પ્રેમિકા મધુમીતા શુક્લાની હત્યા કરાવી નાખવાના ગુનામાં અત્યારે આજીવન કેદ ભોગવીજ રહ્યા છે. રાજસ્થાનનો મદેરણાજીનો લોકગાયિકા નર્સ ભંવરીદેવી સાથે નો કિસ્સો પણ તાજો છે, લાલચ હદ વટાવી જતાં સીડી દ્વાર બ્લેકમેઇલિંગ કરીને કરોડો રૂપિયા પડાવવાની કોશિશમાં ભંવરીદેવીની ક્રૂર રીતે હત્યા કરાવી નાખવામાં આવી. તો વળી બહુ બોલકા પ્રવક્તા ને સરકારના વગદાર એવા અભિષેક મનુ સિંઘવીને કોર્ટની એમની ઑફિસમાં જ એમનાજ ડ્રાયવરે સપડાવ્યા અને મોબાઇલથી ફિલ્મ ઉતારી લીધી. સિંઘવીજીએ પોતાની વગનો ઉપયોગ કરી ગમે તે રીતે ટીવી ચેનલોનાં મોઢાં તો બંધ રાખ્યાં પણ સોશ્યલ મીડિયા સુધી વાત પહોંચી ગઇ અને પાપનો ઘડો ફૂટ્યો ને વકીલમાંથી જજ બનાવી દેવાના એમના આ પવિત્ર કાર્ય પર રોક લાગી ગઈ અને રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ ગઈ. છાશવારે ટીવી પર આવીને વિરોધીઓને ખરાબ રીતે ઉતારી પાડતા સિંઘવીજી આજે ક્યાં છે અને શું કરે છે એ પણ કોઇને ખબર નથી!

જાહેરજીવનમાં પડેલી વ્યક્તિઓનાં સ્ખલનોનો આ સીલસીલો આજકાલનો નથી પણ બહુ જુનો છે. એ જમાનામાં આજના જેવું ઈલેક્ટ્રોનિક મીડિયા નહોતું કે નહોતું કોઇ જાતનું નિયંત્રણ નહીં ધરાવતું સોશ્યલ મીડિયા છતાં આજે પણ ચાચાજીની ઇશ્ક મિજાજીઓના કેટલા બધા કિસ્સાઓ ચર્ચામાં છે! કલ્પના કરો કે ત્યારે આવું મીડિયા હોત તો શું થાત? આ બધા, તિવારી, મદેરણા, ત્રિપાઠી, સિંઘવી તો બચ્ચાં ગણાય!

શીઇઇઇઇઇઇ..શ... ચૂઉઉઉઉઉપ....ચૂપ..!!! એ નામ કોણ બોલ્યું? ખબરદાર એમનું નામ અહીં લીધું છે તો! ચાચાજીથી જ અટકી જાવ, તમે કહો છો એ નામ આમાં ના આવે, એઓ કરતા એતો પ્રયોગો કહેવાય!

ગંગાજળ
કોઇને ત્યાં સંતાનનો જન્મ થાય એને પારણું બંધાયુંએમ કહેવામાં આવે છે, તો રોહિત શેખરને બત્રીસ વર્ષની ઊંમરે જે પિતારત્નની પ્રાપ્તિ થઇ એ ઘટનાને હિંડોળો બંધાયોએવું કહી શકાય?




10 comments:

  1. એસ યુઝવલ ,, સરસ લેખ ,, રોહિત શેખર ને એમની લડાઈ માટે ધન્યવાદ આપવા પડે ,, અને એ પણ સાચી વાત છે કે સંતાન કભી નાજાયઝ નહિ હોતા

    ReplyDelete
  2. ----------
    Good research... and as always your specialty a Heavy-Taunt at the Tail...
    Though I would say that... Woman do Sleep with such famous Politicians OR Film Directors OR Multimillionaires for Mileage and Gain... and per my knowledge the DEAL is always clear...
    NAD... If the complain arises in the court that means the DEAL was not through / the lady did not get the proposed benefits... If the blame/fault to be decided then I would blame both the parties and not only the famous MAN...
    Other wise Vijay Malya sleeps with the different lady every day... So how many he would be blamed for?

    ReplyDelete
  3. રોહિતને ધન્યવાદ. હવે દલ્લો મળશે!
    આ શિવાયના ઘણાય હશે આવા, ચાચા શોખીન હતા પછી બાકીના એવાજ થાયને.
    ખરેખર આઝાદી ની જરૂર આ ટોપાઓને હતી એટલી કદાચ જનતાને નોતી.
    રસપ્રદ, લેખ.

    ReplyDelete
  4. ગળથૂથી ( ચાચાજી ) થી ગંગાજળ ( DNA Tiwari ) , અદભૂત !

    ReplyDelete
  5. Aah , Thank God ,.. I dont see any son claiming for his motherhood with Madamji ,..!! :P

    ReplyDelete
  6. Emna Prayog per pan kai lakho.

    ReplyDelete
  7. કાયમ ની જેમ , ખુબ સરસ આલેખન,
    મહેનત વગર મેળવેલ સતા અને સંપતિ સ્ખલન ના મૂળભૂત પ્રેરક છે...

    તમે જેટલા ના નામ ગણાવ્યા એ બધા, જેનું નામ નથી લીધું તેના વારસદારો છે,
    એટલે એમને કોઈ મહેનત કર્યા વગર સતા અને સંપતિ મળ્યા છે એમાં સંતતિ નો હિસાબ
    ના રહે તે સ્વાભાવિક છે.

    ReplyDelete
  8. aatlu badhu thava chhata tame haju શ્રી એન ડી તિવારી lakho chho????

    ane aam juo to khangress na tamam netao aama maher j chhe......

    gandhi mohan thi sharu karo to javahar hoy ke indira badha ne aava j sambandho rahya j chhe..........

    ReplyDelete
  9. વાહ દાદા મજા આવી ગઈ .

    ReplyDelete