Wednesday, September 26, 2012

સૂરજ ના બન પાયે તો બનકે દિપક જલતા ચલ...


ગળથૂથી
ઘરસે મસ્જીદ હૈ બહોત દૂર ચલો યું કરે,
કીસી  રોતે  હુએ બચ્ચે  કો હસાયા જાયે.
-નિદા ફાઝલી

         શનિવારની મોડી રાત સુધીની મોજમસ્તી પછી, રાજકોટ જેવાં મોજીલાં શહેરમાં રવિવારની સવાર પણ થોડી મોડી ઊગે એ સ્વાભાવિક છે, અને એ પણ જુવાનિયાઓને માટે ખાસ! પણ જો એ રવિવારની સવારે સાત-સાડાસાતની આસપાસ સફેદ ટી-શર્ટમાં સજ્જ કોઇ ફૂટડો યુવાન તમારી ડોરબેલ મારે અને પસ્તી આપવાની છે?’ એવું પૂછે તો જરા ધ્યાનથી નજર કરજો, એના સફેદ ટી-શર્ટ પર અર્હમ યુવા ગૃપનો લોગો ચોક્કસ જોવા મળશે! હા, દર રવિવારે સવારે રાજકોટમાં અર્હમ ગૃપના લગભગ દોઢસો જેટલા યુવાનો અલગ અલગ છ ગૃપમાં વહેંચાઇને અલગ અલગ વિસ્તારોમાં પસ્તી ઉઘરાવવા નીકળે છે. એ અલગ અલગ જગ્યાએથી એકઠી કરેલી પસ્તી પછી એક મોટા હોલસેલ ખરીદારને ત્યાં પહોંચાડી દેવામાં આવે છે અને એમાંથી આવેલા પૈસા કોઇ પણ જાતના નાત-જાત અને ધર્મના ભેદભાવ સિવાય સમાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.

        સમાજ માટે કંઈક કરી છૂટવા માટે ધન દોલતની નહીં પણ માત્ર નિયત અને હકારાત્મક વિચારની જરૂર હોય છે એનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે, અને આશરે દોઢેક વર્ષથી ચાલતા આ અદ્‍ભૂત કૉન્સેપ્ટ પાછળ પ્રેરણા છે જૈન યુવાનોમાં અતિ પ્રિય એવા નમ્રમુનિ મહારાજની. સમયની નાડ પારખી અને જમાનાની સાથે તાલ મિલાવીને ચાલવાની આગવી સૂઝબુઝ ધરાવતા નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આજે દેશમાં આશરે પંચાવન જેટલાં આ અર્હમ યુવા ગૃપ નામનાં કેન્દ્રો ચાલે છે જેમાં જોડાયેલા જૈન યુવાનો દર અઠવાડિયે પોતાના સમયમાંથી માત્ર એક કે દોઢ કલાક કાઢીને સમાજ માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. અર્હમ યુવા ગૃપ, રાજકોટના પ્રમુખ શ્રી તુષારભાઇ મહેતા, અર્હમ ગૃપની પ્રવૃત્તિઓ અને ગુરુદેવની વાત કરતી વખતે ખૂબ ભાવુક થઈ જાય છે.

        “અમારા સમાજના યુવાનો એટલે આમતો સામાન્ય રીતે બધા સુખી ઘરના હોય છે, ક્યાંય હાથ લાંબો કરવો ફાવે નહીં! અહંકાર પણ આવી જાય, એટલે ગુરુદેવની આજ્ઞા અને પ્રેરણાથી શરૂ કરેલી આ પ્રવૃતિમાં અમે અઠવાડિયે અમારા થોડા સમયનો ભોગ માત્ર આપીએ છીએ, ને સામે સમાજનું કામ તો થાય છે પણ સાથે સાથે અમને પણ બહુજ મોટો ફાયદો થાય છે!
         
        “એ કઈ રીતે?”

        “જુઓ, અમારા યુવાનો પસ્તી માગવા જાય, ત્યાં બધાના સ્વભાવ સરખા ના હોય, સામાન્ય રીતે તો સારો જ અનુભવ થાય છે પણ પાંચેય આંગળી સરખી ના હોય! ક્યારેક ક્યાંકથી તોછડો જવાબ પણ મળે, અપમાન પણ થાય, ’હજુ તો હમણાંજ આવ્યા હતા આટલી વારમાં પાછા શું આવી ગયા?’ એવો જવાબ પણ મળે!  પણ અમારા યુવાનોને એ ખાસ સૂચના આપેલી હોય છે કે બધાની સાથે પ્રેમથી અને શાંતિથી વર્તવું. આમ એનામાં જે ધીરજ અને સહનશીલતાનો ગુણ કેળવાય છે એ એને કૌટુંબિક રીતે અને પોતાના ધંધામાં પણ બહુ જ ઉપયોગી થાય છે, અમારા સમાજના મોટાભાગના લોકો બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે અને બિઝનેસમાં દુકાને આવતા જુદા જુદા સ્વભાવના ગ્રાહકોને સંભાળવામાં આ અનુભવ બહુજ કામ લાગે છે! અર્હમએટલે કે પોતાના અહં ને ઓગાળી નાખવો એવો અર્થ અહીં એકદમ સાર્થક થાય છે.

        “તમારા આ કાર્ય પ્રત્યે સમાજનું વલણ કેવું છે?”

        “મને જણાવતાં આનંદ થાય છે કે સમાજનો અમને ખુબજ સારો સહકાર મળે છે, અમે જે તે વિસ્તારમાં પસ્તી લેવા જઈએ ત્યાંથી લોકો પસ્તી તો આપે જ છે પરંતુ ક્યારેક એવું પણ બને કે કોઇ ઘરેથી અમારા જવાના દિવસના એક બે દિવસ અગાઉ એ લોકોએ પસ્તી વેચી નાખી હોય, તો એવા સંજોગોમાં પસ્તીના વેચાણમાંથી આવેલા પૈસા અમને આપી દે છે! અમે રોકડ દાન માટે અપીલ કરતા નથી કે અપેક્ષા પણ રાખતા નથી, પણ લોકો સામેથી આપે તો સ્વીકારીને પહોંચ આપી દઈએ છીએ. ક્યારેક કોઇ વસ્ત્રો આપે છે તો એ પણ લઈએ છીએ.

        “પછી તમે આ ભંડોળનો ઉપયોગ કઈ રીતે કરો છો?”
       
        “સામાન્ય રીતે અમે અમારી પાસે જે કાંઇ પણ ભંડોળ એકત્રીત થાય છે એ દર મહિનાના છેલ્લા રવિવારે વાપરી નાખીએ છીએ, કારણ કે આપણે જોઈએ છીએ કે મોટા ભાગની સંસ્થામાં જે ખટપટ અને કાવાદાવા થતા હોય છે એ બહુ મોટું ભંડોળ થઈ જવાથી જ થતા હોય છે. અલગ અલગ જગ્યાએ પક્ષીઓને ચણ નાખવી, ગાયોને ઘાસચારો નાખવો, પાંજરાપોળોમાં જરૂરિયાત હોય તો ત્યાં મદદ કરવી, સમાજના છેવાડાના વિસ્તારના બાળકોને જમાડવાં તથા વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમોને પણ જે કાંઇ જરૂરિયાત હોય એમાં અમે અમારી શક્તિ મુજબ કંઈક કરવાની કોશિશ કરીએ છીએ. ક્યારેક એવું બને કે કોઇ મોટું કાર્ય કરવાનું હોય અને વધારે ભંડોળની જરૂર હોય તો બે મહિનાનું ભેગું થવા દઈએ, પણ બહુ લાંબા સમય સુધી ભેગું કરીને મોટું ભંડોળ કરવું એવું ક્યારેય નથી કરતા.

        ખરેખર જે રીતે આડેધડ અને અલ્લડ રીતે વહેતી  કોઇ નદી પર બંધ બાંધીને એને યોગ્ય રીતે વાળવામાં આવે તો એ નુકશાન કરતી તો અટકે જ છે ને સાથે સાથે અનેક ફાયદા પણ થાય છે, પણ એ તો જ શક્ય છે તો કોઇ કુશળ ઇજનેર યોગ્ય રીતે આ કાર્યને કરે. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ જેવા સમાજિક ઇજનેરોની આજે સમાજને તાતી જરૂરિયાત છે જે સ્વછંદી અને બેફિકર હોવાનું મેણું ભોગવતા યુવાનો ને યોગ્ય દિશામાં વાળીને હકારાત્મક ઊર્જા પેદા કરે!

        આપણે એક કે બે મહિનાની ભેગી થયેલી પસ્તી વેચીને શું મેળવીએ છીએ? સો, બસ્સો કે ત્રણસો રૂપિયા? ને એક વાર પિઝા ખાવા ગયા ત્યારે કેટલા ખર્ચી નાખીએ છીએ? અર્હમ ગૃપના આ પસ્તી સેવા યજ્ઞમાં આપણે પણ નાનકડી આહૂતિ આપી શકીએ, શું કહો છો? જો જવાબ હામાં હોય તો રાહ શેની જુઓ છો? આ રહ્યો તુષારભાઇ મહેતાનો નંબર  ૯૪૨૮૨૬૬૦૮૬ ડાયલ કરો અથવા જતીન સંઘાણીને ૯૨૨૭૪૦૦૮૮૭ પર ફોન કરીને આવતા રવિવારે તમારી સોસાયટીમાં પસ્તી લેવા બોલાવી લ્યો!
* * *

        બપોરે બે વાગ્યાની આસપાસ રેસકોર્સ રીંગ રોડ પર, મેયર બંગલાની પાસેથી પસાર થાવ એટલે ઘી-ગોળ અને ઘઉંના લોટની ખુશ્બૂથી મન તરબતર થઈ જાય ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે જનકરાજાના હુલામણા નામથી ઓળખાતા રાજકોટના મેયર સાહેબને ત્યાં દર રવિવારે શું પ્રસંગ આવતો હશેજિજ્ઞાસાથી જરાક અંદર ફળિયામાં નજર કરશો તો પચ્ચીસથી ત્રીસ જેટલા ભાઈઓ અને બહેનો લાડવા બનાવતા દેખાશે. અને એ લાડુ પણ કેવા? શુદ્ધ ઘી, કાજુ-બદામ અને આયુર્વેદિક ઔષધીઓ નાખેલા! મોઢામાં પાણી આવે છે? માફ કરશો, આ લાડુ માણસો માટે નથી પણ રસ્તે રઝળતી ગાયો માટે છે! હા દર રવિવારે બપોરે બે વાગ્યે અહીં મેયર સાહેબના બંગલે એકવીશ મણ લાડુ બનાવવામાં આવે છે જે સોમવારે સવારે મોર્નિંગ વૉકમાં આવતા લોકો દ્વારા રાજકોટના ખૂણે ખૂણે રસ્તે રઝળતી, નિરાધાર ગાયોના પેટમાં પહોંચી જાય છે. આ પ્રવૃતિ મિત્તલભાઇ ખેતાણીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ થાય છે. મિત્તલભાઇની અનેક સમાજિક પ્રવૃતિઓમાંની આતો એક માત્ર છે, બાકી મિત્તલભાઇ એટલે એક હરતી ફરતી સંસ્થાથી વિશેષ છે અને અનેક સમાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા પણ છે. આવુંજ એક બીજું નામ છે તક્ષભાઇ મિશ્રા જેમનો સેવા યજ્ઞ પણ કોઇ પણ જાતની નામનાની અપેક્ષા સિવાય સતત ચાલતો રહે છે.

        આજ મિત્રોનું ગૃપ, મનીષભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ બીજી એક સરસ પ્રવૃત્તિ કરે છે દર રવિવારે સાંજે રૈયાધારના સ્લમ વિસ્તારના લગભગ પાંચસો જેટલાં બાળકોને જમાડવાની. જમાડવાની સાથે એ બાળકોમાં શિસ્ત અને સ્વચ્છતા આવે એનું પણ પૂરેપુરૂં ધ્યાન રાખવામાં આવે છે. બાળકોના હાથ પગ ધોવરાવવામાં આવે છે, જો કોઇના નખ વધેલા દેખાય તો નખ પણ કાપી આપવામાં આવે છે અને માથામાં તેલ પણ નાખી દેવામાં આવે છે! આ બધું આ મિત્રો જ કરે છે ને એ પણ કોઇ જાતની સૂગ વગર. જમવાનું જે મેનુ હોય છે એ પણ તમારાં-મારાં, આપણાં બાળકોને જે ક્વૉલિટીનું ફૂડ આપીએ છીએ એવું જ અને દર રવિવારે અલગ અલગ. ક્યારેક રવિવારની સાંજે તમારી ફેમિલી પિક્નિકનું સ્થળ જો શક્ય હોય તો, અંબે માનું મંદિર, રૈયાધાર સ્લમ ક્વાર્ટર્સ, રાખજો. મને ચોક્કસ પણે ખાતરી છે કે એ પાંચસો બાળકોના ચહેરા પર છલકતો આનંદ અને સંતોષ તમને બીજીવાર અહીં ખેંચી લાવશે! અને એ પાંચસો બાળકોના આનંદનું પુણ્ય તો તમારે તમારા ખાતે ડિપોઝિટ કરવું હોય તો એની કિંમત પણ છ થી આઠ હજાર જેટલી મામૂલી છે અને મનીષભાઇ પરીખનો મોબાઇલ નંબર છે ૯૮૯૮૬ ૧૩૨૬૭. સારા ઘરના આ યુવાનોને કોઈ પણ જાતના શરમ કે સંકોચ વગર, આ સ્લમ વિસ્તારના બાળકોના હાથ પગ ધોવરાવતા, એના નખ કાપી દેતા કે તેલ નાખીને વાળ ઓળી દેતા અને એમને પ્રેમથી પીરસીને જમાડતા જોવા માટે એક રવિવારે સાંજે પાંચ વાગ્યે અવશ્ય અહીં ચક્કર મારવા જેવું.

        રાજકોટ એની સમાજિક પ્રવૃતિઓ માટે હમેશાં નોખું તરી આવે છે. બોલબાલા  અને એના જેવી બીજી ઘણી સંસ્થાઓ જે આજે વટવૃક્ષ બનીને વિસ્તરી છે એની શરૂઆત પણ કંઈક આ રીતેજ થઈ હશે!
ગંગાજળ

2 comments:

  1. મુકુલભાઇ - ખુબ સરસ અને પ્રેરણાદાયી લેખ. જતીનભાઇના મુખે એમના આ સેવા યજ્ઞ વીશે સાંભળ્યું છે. (એ પણ વારંવારની વિનંતી પછી) અને મિત્તલભાઇ ખેતાણીના નિસ્વાર્થ સેવા કાર્યનો તો અનેક વખત સાક્ષી થવાનો મોકો મળ્યો છે. એમનું ડેડીકેશન અને કંઈક કરી છુટવાની લાગણી (નામનું કોઈજ મહત્વ નહી અને નામ માટે કાંઈજ કરતા નથી)

    હેટ્સ ઓફ.. અને આપને પણ કે એમના આ સમાજાઉપયોગી કામને લોકો સમક્ષ લાવ્યા.

    ReplyDelete
  2. Touching અને અનુસરવા યોગ્ય, કોઈ પણ અમલ માં મૂકી શકે એવી પ્રવૃત્તિ છે . શેર કરવા માટે આભાર

    ReplyDelete