Sunday, January 20, 2013

મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે...

ગળથૂથી:
अब नई तहज़ीब के पेशे-नज़र हम
आदमी को भून कर खाने लगे हैं
—दुष्यन्त कुमार

      
       આજે મન ખિન્નતાથી ભરાઈ ગયું છે. ઉદાસી ઘેરી વળી છે. આજની પરસ્પર બે વિરોધી ઘટનાએ આશરે પંદરેક વરસ પહેલાંની એક ઘટના યાદ કરાવી દીધી એણે વળી ઉદ્દીપકનું કામ કર્યું છે. વાત જાણે એમ છે કે આજે સાંજે ઓફિસેથી નીકળતાં ભૂખ લાગી એટલે થોડી પેટપૂજા કરવાની ઇચ્છા થઈ એટલે બાઇક આપોઆપ નજીક આવેલા સર્વેશ્વર ચોક તરફ વળી ગઈ. સર્વેશ્વર ચોક એટલે હમેશાં કાર અને બાઇકથી ભરચક અને ટો કરી જવા માટે ટ્રાફિક પોલિસનું સૌથી માનીતું સ્થળ એટલે બાર રૂપિયાનું વડાપાઉં બસ્સો રૂપિયામાં પડવાની પૂરેપૂરી શક્યતા! માંડ થોડે દૂર એક સલામત જ્ગ્યા મળી ત્યાં બાઇક પાર્ક કરીને બાપસીતારામના વડાપાંઉ તરફ પગ ઉપાડયા, ત્યાં અચાનક મારી નજર વચ્ચે આઈસીઆઈસીઆઈના એટીએમની બાજુમાં આવેલા ચટાકાઝ પર પડી ને જોયું તો એક ફાટેલાં કપડાં પહેરેલો છસાત વરસનો બાળક, એ દુકાનની બહાર પડેલ ડસ્ટબીનમાં ખાખાંખોળાં કરતો દેખાયો. મેં જોયું કે એ ડસ્ટબીનમાંથી કાંઇક વધ્યું ઘટયું મળી આવે એના માટે મથતો હતો. પહેલાં એના હાથમાં એક કોકાકોલાનો પૂંઠાનો ગ્લાસ આવ્યો, એ એણે મોઢામાં ઊંધો વાળીને તળીયે ચોટેલાં ચારપાંચ ટીપાં પોતાનાં ગળામાં પધરાવ્યાં, વળી પાછાં ખાખાંખોળાં અને એકાદ પેપર ડીશમાં કોઇ નસીબદારના દીકરાએ સેન્ડવીચની કિનારીઓ નહીં ખાધી હોય એના ટૂકડા પડ્યા હતા એ લઈને પેટમાં પધરાવ્યા. એક ક્ષણમાટે તો એ જોયું ન જોયું કર્યું અને હું ત્યાંથી આગળ વધી ગયો, કારણકે સામાન્ય રીતે આવી જગ્યા, જ્યાં ખાણપીણી હોય છે ત્યાં આવાં બાળકો માગવા માટે હમેશાં તૈયારજ ઊભાં હોય છે અને મારો અનુભવ એવો છે કે તમે દયાખાઇને એકાદને કાંઇક લઈ આપો એટલે એનાથી થોડી દૂર ઊભેલાં બીજાં પાંચસાતનું ટોળું આવીને તમેને ઘેરી વળે છે. એટલે એ યાદ કરી હું બાપાસીતારામ તરફ આગળ તો વધી ગયો, પણ કોણ જાણે કેમ આજે મારૂં મન મક્કમ કરી ન શક્યો. કારણ કદાચ એ હતું કે એ બાળકની ને મારી નજર બે ત્રણ વાર મળી છતાં એણે મારી પાસે માગ્યું નહી, ઉપરાંત કદાચ એને આ કચરાટોપલીનો વૈભવ છીનવાઈ જવાનો ડર પણ લાગ્યો હશે.

        એ સાથે મને યાદ આવી પંદરેક વરસ પહેલાંની એક ઘટના. એ વખતે હાલત સાવ મુફલીસ જેવી અને વાહન નામે, જેની ઘંટડી સિવાયના બધા પાર્ટ્સ વાગે એવી એક જૂની ખખડધજ સાયકલ. વરસતા વરસાદમાં ભરપોરે હું રેસકોર્સ રિગરોડ પરથી પસાર થઈ રહ્યો હતો ને પટેલ આઈસ્કીમની સામેથી પલળતાં પલળતાં પસાર થતાં મેં જોયું કે એક અર્ધપાગલ જેવો કિશોર, રેસકોર્સની પાળીને લાગેલ કોર્પોરેશનના ક્ચરાના ડબ્બા ફેંદી રહ્યો હતો અને એ ગંધાતા કચરામાંથી જે કાંઇ એંઠવાડ મળી આવે એનાથી પેટની આગ સંતોષવાની કોશીશ કરી રહ્યો હતો. મેં તાત્કાલિક નિર્ણય લીધો અને સાયકલ મારી મૂકી ને ગેલેક્સીની સામેથી પાંચ રૂપિયાની કે સેન્ડવીચ લીધી. (ખીસ્સામાં બેલેન્સ હતું પૂરા દશ રૂપિયા!) અને પરત આવે ને એ કિશોરની સામે ધરી, એણે એકદમ સપાટ ચહેરે એ લીધી અને મારી સામે જોયું ને મેં એની આંખોમાં જોયું તો કોઇ ભાવ ન મળે, એકદમ ભાવશૂન્ય આંખો! અંદરથી જાણે એ છોકરો મરી ચૂક્યો હતો! એની એ તદ્દ્ન ભાવશૂન્ય અવસ્થા જોઇને કોણ જાણે કેમ પણ પગથી માથા લગી હચમચી ગયો ને ખબર નહીં અચાનક મને શું થયું કે અંતર વલોવાઈ ગયું ને ધોધમાર ખારાં પાણી વરસાદનાં પાણીમાં ભળી ગયાં!

        આજે મને એ પ્રસંગ યાદ આવ્યો ને મને થયું કે વડાપાઉં મને ગળે નહીં ઉતરે, હું પાછો વળ્યો, ચટકાઝ્ની પાસે આવ્યો એ બાળકનું હજુ ડીશો ફેંદીને ચાટવાનું ચાલુ હતું. મેં ચટાકાઝમાં જઈ એક વડાપાઉં લઈને એના હાથમાં મૂક્યું, એના ચહેતા પણ એક આનંદ છલકાયો ને એ દોડતો કચરા ટોપલીથી દૂર જઈ ને ખાવા લાગ્યો ને મેં પણ એક વડાપાઉં ખાઇને પેટની આગ બુઝાવી. પેટની આગ શું છે એ મને બરાબર અનુભવ છે કારણ કે સંઘર્ષના દિવસોમાં રાજકોટમાં મેં એક સમય મેં એવો જોયો છે જ્યારે મેં મારા બેકારી ના સમયમાં ત્રણ દિવસ અને ત્રણ રાત, એટલે કે પૂરા ૭૨ કલાક મેં માત્ર પાણી પર કાઢેલા છે! આ રહસ્ય આજે અહીં મિત્રો સમક્ષ પહેલીવાર ખુલ્લું કરું છું, આજ સુધી કોઇને કહ્યું નથી કારણ કે  આજે પણ મારાં માં-બાપને ખબર પડે તો એમને કેટલું દુ:ખ થાય એ હું કલ્પી શકુ છું! ભલે હું પુખ્ત હતો ને મારા જોખમે રાજકોટમાં સેટ થવા આવેલો છતાં મા-બાપને તો થાય જ કે આવા સમયમાં અમને કેમ ના કહ્યું!

        પરંતુ જે માસૂમ બાળકો છે એનો શું દોષ? એમને તો આ ધરતી પર પેદા કરીને કીડા મકોડાની જેમ રખડતાં અને ભીખ માગતાં એમનાં મા-બાપેજ મૂકી દીધાં છે! જે મા-બાપ, પોતાનાં માસૂમ બાળકોને બે ટંકનું ભોજન પણ નથી આપી શક્તાં એ સંતાનો પેદા કરીને, સમાજનો, કુદરતનો અને ખુદ પોતાનાં સંતાનોનો ઘોર અપરાધ કરે છે! પોતાનાં સંતાનોનું પેટ ભરવાની જવાબદારી તો જાનવરો પણ સુપેરે નિભાવે છે જ્યાં સુધી એ પરાવલંબી હોય ત્યાં સુધી. જ્યારે આ માણસ જાત, પોતાના ભીખ માગવાના વ્યવસાયમાં કામ લાગે એટલા માટે છોકરાં પેદા કરીને પછી એને રસ્તા પર ફેંકી દેછે! આવાં લોકોને ખરેખર સંતાન પેદા કરવાનો કોઇ હક્કજ નથી!

        હવે એક પ્રસંગ આનાથી તદ્દન સામા છેડાનો અને આજ સાંજનો જ. આજે એક અતિશ્રીમંત વ્યાપારીની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું થયું. અત્યંત મોંઘો પાર્ટીપ્લોટ, અને બોલીવૂડની કોઇ મોટા બજેટની ફિલ્મના સેટ જેવી સજાવટ. એ પાર્ટીપ્લોટના એક એક સ્ક્વેર ફૂટમાં પથરાયેલું સંપત્તિનું પ્રદર્શન દેખાઇ આવતું હતું. અલબત્ત, હું આ રીતે શ્રીમંતો પોતાના ઘરે આવતા પ્રસંગોમાં બેફામ ખર્ચ કરે નો બિલકુલ વિરોધ નથી કરતો, ઉલટું માનું છું કે આ ખર્ચ થવો જ જોઈએ તો જ એક જગ્યાએ ભેગી થઈને ગૂંગળાતી લક્ષ્મી બીજે બધે વહેંચાઇને મુક્તિનો શ્વાસ લઈ શકે, એના કારણે ઘણા લોકોને રોજગારી મળે અને છેવટે તો અર્થતંત્રને ફાયદો થાય. પણ અહીં જે વાત કરવી છે જમણવારની કરવી છે. ભોજનમાં એટલાં બધાં કાઉન્ટર અને એટલી બધી આયટમો કે દરેક જગ્યાએથી માત્ર એકાદ બાઇટ જેટલું લ્યો તો પણ અરધે પહોંચો ત્યાં તમે ધરાઈ જાવ. આશરે ૧૦૦૦ થી ૧૫૦૦ ની એક પ્લેટ હશે. પણ બુફેમાં આપણા લોકોને કદી જમતાં આવડ્યું છે? પહેલું કાઉન્ટર આવ્યું ત્યાંથી જ પ્લેટ પર અત્યાચર કરવાનું શરૂ કરે! પછી આગળ જતાં બીજી આયટમો દેખાય એટલે આ પ્લેટમાંની વસ્તુઓ જાય ખાલી પ્લેટ રાખવા માટે જે વાસણ રાખ્યું હોય એમાં. પહેલાંથી આપણી પંગત અને પિરસવાની પદ્ધતી એ રીતે આદર્શ હતી કે એમાં બગાડ ઓછો થતો પણ આ બુફેએ આડો આંખ વાળી દીધો છે! આવા એકજ પ્રસંગમાં જેટલો બગાડ થતો હશે એમાથી પેલા,ચટાકાઝ્ની બહાર ડસ્ટબીનમાં બ્રેડના એક ટૂકડા માટે ફાંફાં મારતા કેટલાં માસૂમોનું પેટ કોણ જાણે કેટલાયે દિવસ માટે ભરાઈ જાય! પણ કોણ સમજે ને કોઈ સમજાવે? બસ એટલી આશા રાખી શકાય કે વો સુબહા કભી તો આયેગી…! 
ગંગાજળ:
कई फ़ाक़े बिता कर मर गया जो उसके बारे में
वो सब कहते हैं अब, ऐसा नहीं,ऐसा हुआ होगा
—दुष्यन्त कुमार 


Wednesday, January 09, 2013

વલોપાત


બુદ્ધ, મહાવીર અને ગાંધીનો
બહુ મોટો ઉપકાર છે અમારા પર,
જ્યારે ,
કોઇ પિંખાયેલી દીકરી
નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર પડેલી હોય
ત્યારે,
અમને બુદ્ધ સાંભરી આવે ને
અમે એ સ્થળેથી અને માનવતાથી 
મહાભિનિષ્ક્રમણ કરી જઈએ છીએ..
જ્યારે, 
શેતાનો કોઇ કારણ વિના
અમારા રખેવાળોનાં ગળાં રહેંસી નાખે છે
ત્યારે,
અમારી નપુંષકતા ઢાંકવા માટે 
મહાવીરનો શાંતિ અને અહિંસાનો 
પોપટપાઠ જપીએ છીએ...
અને 
છેલ્લે,
અમારો દંભ ઉઘાડો ન પડે 
એટલા માટે ગાંધીનો સત્યાગ્રહ છેજ ને!,
ને અમે
ચીતરેલાં પૂઠાં 
ને સળગતી મીણબત્તીઓ લઈ
કામે લાગી જઈએ છીએ... 
બુદ્ધ, મહાવીર અને ગાંધીનો
બહુ મોટો ઉપરકાર છે અમારા ઉપર...

હરી ૐ...!


અમને હતું જ, અમને તો ખાતરીજ હતી કે આ સમશ્યાનો ઉકેલ, ઉચ્ચ ભારતીય આધ્યાત્મિક પરંપરા પાસેજ હોય કારણ કે દુનિયામાં એવી કોઇ સમશ્યા નથી કે જેનો ઉકેલ ભારતના અધ્યાત્મના ઠેકેદારો પાસે ન હોય! 

હું પૂરેપૂરો સહમત છું કે એ છોકરીની ગલતી હતી, છોકરી તરીકે આ દુનિયામાં જનમ લીધો એજ એની મોટામાં મોટી ભૂલ હતી! પોતાની જાતી નક્કી કરવાનું એના હાથમાં નહોતું તો પછી એણે માતાના ગર્ભમાં જ આપઘાત કરી લેવો હતો, જેથી બિચારા બાળુડા ભોળુડા પેલા છ જણ તો કમસેકમ બચી જાત! 


બીજા જે ઉપાયો બતાવ્યા એ પણ સરસ અને તર્કબદ્ધ છે એમ અમારૂં ચોક્કસપણે માનવું છે કારણ કે ભારતીય અધ્યાત્મ અને પરંપરામાં કદી કાંઇ ખોટું હોય છે ખરૂં? તો ચાલો એ ઉપાયોને એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશીશ કરીએ...


રસ્તા પર એક છોકરીને એક છોકરો હાથ ઊંચો કરે છે, બસ ઊભી રહે છે અને એ બન્ને બસમાં ચડી જાય છે..પછી...


બસમાં પાંચ પુરૂષો છે અને એક ડ્રાઈવર છે, પેલા પાંચ એકાબીજા સામે કંઈક ઈશારો કરે છે અને ડ્રાઈવર પણ પાછળ નજર કરીને આંખ મિંચકારે છે પછી પેલા પાંચમાંથી કે છોકરી તરફ આગળ વધે છે બાકીના ચાર છોકરીના દોસ્તને પકડી રાખે ને પીટાઈ શરૂ કરે છે..છોકરીને ઉપદેશ યાદ આવે છે એટલે એ પેલા પોતાની તરફ આગળ વધી રહેલા છોકરાને કહે છે, "ભૈયા...ભૈયા ઐસા મત કરો ભૈયા, મૈ તો તુમ્હારી બહેન જૈસી હું ભૈયા...યે દેખો મેરે પર્સમેં રાખી ભી હૈ ભૈયા..આપકી કલાઈ આગે બઢાઓ ભૈયા..."


પેલા છોકરાનું હ્ર્દય પરિવર્તન થઈ જાય છે અને બોલે છે.." ધત તેરે કી...યે આપને ક્યા કર દિયા મેરી બહેના...અબ તો મૈં કુછ નહીં કર સકતા..!" અને પડી ડ્રાઈવર તરફ ફરીને કહે છે," અરે રામસિંગ, તું મેરી જગહ આજા, મૈં ડ્રાઈવિંગ કર લેતા હું, મૈં ભાઇ હું તુ તો નહીં!"


એ બન્ને પોતાની સીટ બદલે છે થોડી મોટી ઉંમરનો લાગતો ડ્રાઈવર છોકરી તરફ આગળ વધે છે અને એનો દુપટ્ટો ખેંચે છે...


છોકરીને વળી ઉપદેશ યાદ આવે છે અને એ બોલે છે," આરે આપ તો મેરે પિતા સમાન હો..આપ ઐસે કૈસે કર સકતે હૈ...મુજે છોડ દો...પ્લીઝ..."


પેલો ડ્રાઈવર પણ કપાળ કૂટે છે, " અરે...અરે... મેરી પ્યારી બેટી, ઠીક હૈ, અબ તો મૈં ભી કુછ નહીં કર સકતા...લેકિન એક પિતા કા ફર્જ તો અદા કરનાહી પડેગા.." પછી બાકીના લોકો સામે ફરીને "ચલો..મુઝે બેટી બ્યાહની હૈ, કિસ કિસ અપને હાથ પીલે(ઔર મુંહ કાલા!) કરને હૈ?"


છેવટે એ છોકરીને છેલ્લો ઉપદેશ યાદ આવે છે અને એ બોલે છે, " મુઝે મત છુના, મૈંને ફલાં ફલાં સંપ્રદાયસે તાલ્લુક રખતીહું ઔર ફલાં બાબાજી સે દિક્ષા લી હૈ.."


આટલું સાંભળતાં જ પેલા બધા (દિ્લ્હીની ઠંડીમાં પણ) પસીનાથી તરબતર! એમાંથી એક લીડર જેવો લાગતો જણ બોલ્યો, " અબે..ઉલ્લુ કે પઠ્ઠો..યે કહાં ફસા દિયા...ભાગો જલદી યે તો અપને સે બી બડે, બહોત બડે ખતરનાક ગેંગ કી ગુર્ગી હૈ, જાન બચાકે ભાગો જલદી!..."


એક મીનિટમાં બસ છોડીને બધા જ છુમંતર! 

હરી ૐ..!