Monday, April 02, 2012

તરસ

ગળથૂથી
શબ્દ  બન્ને  શક્ય  છે  પર્યાયમાં,
નીકળે મૃગજળ કે સાગર નીકળે,
*
          આશરે ચાલીસેક વરસ પહેલાંની ઘટના છે. ચૈતર મહિનાનો ધોમ તપે છે, ચારે બાજુ સન્નાટો છે, અગન વરસાવી રહેલા સૂરજના પ્રકોપથી બચવા પ્રાણીઓએ જ્યાં મળ્યા ત્યાં ઝાડના છાંયડા ગોત્યા છે તો જીવ જંતુ પોતાના દરમાં ભરાઇ રહેલાં છે, ક્યાંય એક પંખીડુંયે ફરકતું નથી એવે ટાણે એ ભારેખમ સૂનકારને ચીરતો એક કર્કશ ઘરઘરાટીનો  અવાજ ઊઠે છે ને સાથે ઊઠે છે ગામડાની તૂટી ફૂટી સડક પર દૂર દેખાતી એક  ધૂળની  ડમરી ને એ ડમરીની વચાળે પ્રગટ થાય છે ગુજરાત એસ.ટી. ની હાલતને તાદ્દ્શ બયાન કરતી એક ખખડધજ બસ.

          જેનાં ધોળાં પાટીયાં ઉપર ચિતરેલા કાળા અક્ષર ધૂળના થરની પાછળ માંડ માંડ ઉકેલાતા હતા, બારીઓમાં ક્યારેક કાચ હશે એની સાબિતી આપતી બે-ત્રણ બારી હતી ને હોર્ન સિવાયના લગભગ બધાજ સ્પેરપાર્ટ વગડતા હતા એવી એ બસ જાણે આ તડકાથી હાંફી ગઈ હોય એમ અચાનક બેત્રણ ડચકાં ખાઇને ઊભી રહી ગઈ. ડ્રાઇવરે ચારપાંચ વાર સેલ્ફ મારી જોયો પણ બળવાખોરી ઉપર ઉતરી આવેલી બસે મચક ન આપવાની ગાંઠ વાળી લીધી હતી! છેવટે ડ્રાયવર પોતાના ગંદા મસોતાં જેવા ગમછાથી કપાળનો પરસેવો લૂછતો પોતાની બાજુનો દરવાજો ખોલી નીચે ઉતર્યો. એના હાવભાવ અને ફફડતા હોઠ પરથી સ્પષ્ટ જણાતું હતું કે એ મનમાં ને મનમાં આ બસને અને એસ.ટી. તંત્રને મણ મણની જોખાવતો હતો! બસના મુખ્ય દરવાજેથી કંડકટર અને એની પાછળ પાછળ કંઇક અકળાયેલા ને કંઈક કૂતુહલથી બેચાર જણ બીજા ઉતર્યા. ડ્રાયવરે આગળ એન્જીનની ગરમી અને કંઇક તડકાને લીધે તપી ગયેલાં બોનેટના પતરાંને ખોલવાની મથામણ ચાલુ કરી. છેવટે દસ પંદર મિનીટની મથામણ પછી પતરૂં ખૂલ્યું એટલે ડ્રાયવરે ઓપરેશન કરવા માટે તૈયાર ડોક્ટર જેમ દરદીનું પેટ ચીરીને પછી અંદર નજર કરે એમ, ગંભીર થઈ ને નિદાન કરવાની જદ્દોજેહદ શરૂ કરી. પાંચેક મિનીટની મથામણ પછી, ડોકું બહાર કાઢી, થોમસ આલ્વા એડિસને જ્યારે પહેલવહેલો બલ્બ શોધ્યો ત્યારે એના ચહેરા પર જે ભાવ આવ્યા હશે એવા ભાવ સાથે, સનાનના સમાચાર સંભાળાવ્યા,” ડિઝલની નળી તૂટી ગઈ છે, કોક વાહન મળે એટલે કોડીનાર લેવા જાવું પડશે, એટલે આશરે બે’ક કલાક તો થશેજ...”

          સાંભળીને બસની અંદર (અને બહાર) રહેલાં પેસેન્જરના મોઢામાંથી હાયકારો નીકળી ગયો! ઉપર ધોમ તાપ ને આજુબાજુમાં ક્યાંય આશરો લઈ શકાય એવું ઝાડ પણ ન મળે અને સૌથી નજીકનું ગામ પણ વરસતી લૂ ના લીધે છેટું લાગતું હતું. આ બસમાં એ ૩૨-૩૫ વરસના એક પિતા અને એનો ૮-૧૦ વર્ષનો  દિકરો, જે કોઈ ગામે સામાજીક પ્રસંગે ગયેલા એ પરત આવતા હતા, એમાં દિકરાને તરસ લાગી. ટૂંકી મુસાફરી હતી, અરધી કલાકમાં તો મંઝીલ આવી જવાની હતી એટલે પાણી સાથે લીધેલું નહીં. પિતાએ આશાભરી નજર બસમાં દોડાવી પણ કોઈની પાસે પાણી ના મળે. છેવટે બાપ દિકરો બસની નીચે ઉતર્યાને આજુબાજુ નજર દોડાવી. અરધાક કિલોમીટર છેટે, એક નાનકડા ટેકરા ઉપર એક દેશી નળીયાંવાળું કાચું-પાકું ઘર દેખાયું. દિકરાએ બાપની આંગળી પકડી અને બન્ને એ ઘર તરફ ચાલ્યા.

          ઘર સાવ સામાન્ય, ને જીવતા રહેવાની જહેમત અને જીવન જરૂરી વસ્તુઓનો અભાવ ઊડીને આંખે વળગે એવો પણ આંગણું, આંગણાંમાંનું પાણિઆરૂં ને પાણિઆરામાં રાખેલી પિત્તળની હેલ્ય ને પ્યાલા ચોખ્ખાઇની ચાડી ખાતાં હતાં. પિતાએ બારણાની સાંક્ળ ખખડાવી એટલે અંદરથી થિગડાં મારેલ પણ સુઘડ સાડલો પહેરેલી એક બાઇ બહાર આવીને આ બાપ દિકરા સામે બેઘડી નવાઈથી નજર માંડી રહી. “હાં ..બોલો બાપા કોનું કામ છે?”  બાઇએ વિવેકથી પૂછ્યું.
“બેન કામ તો કોઈનું નથી પણ થોડેક છેટે અમારી બસ ખોટકાણી છે ને અમને બાપ-દિકરાને તરસ લાગી છે એટલે પાણી પીવું છે!”
બાઇ જરાક સંકોચથી એક ડગલું પાછળ હટી ગઈ, એના ચહેરા પણ મુંઝવણ ના ભાવ આવ્યાને પછી આ આગંતૂક બાપ-દિકરાના લૂગડાં માથે આંખ માંડી કાંઇક ઉકેલવાની કોશીશ કરતી નજર નાખી સવાલ પૂછ્યો,
 “ બાપા તમે જાત્યે કેવા?”
“અમે બ્રાહ્મણ છીએ બેન..!”
સાંભળીને બાઇ આંચકો ખાઇ ગઈ, ને બેઘડી પછી પોતાની જાતને સંભાળીને બોલી,
“તમને અમારા ઘરનું પાણી નો ખપે બાપા...અમે તો ’.......’ છીએ..!”
(અહીં ઇન્વર્ટેડ કોમાની વચ્ચે એ શબ્દ છે જે એ બહેન ત્યારે પોતાની જાતીના પરિચયમાં બહુજ સાહજીકતાથી બોલી હતી પણ હવે પ્રતિબંધીત હોઈ એટ્રોસીટીની બીકે લખાયો નથી.)
“બેન, હું બાજુના ગામની નિશાળમાં માસ્તર છું ને મારી નિશાળમાં ગામ આખાનાં છોકરાં ભણવા આવે છે, પાણીનું માટલું એકજ છે જેમાંથી અમે બધા પાણી પીએ છીએ...એટલે આમેય હું વટલાયેલો જ છું, તું જરીકે મુંઝાયા વગર અમને બાપ દિકરાને પાણી પા. અત્યારે અમારી જાત ખાલી માણસજાત છે એટલુંજ  તું જો બેન...”

          છેવટે, એ ભલી બાઇએ કોચવાતા જીવે હાંડામાંથી ચોખ્ખો ઉટકેલો કળશિયો ભરીને પાણી આપ્યું ને બાપ-દિકરાએ ધરાઇને પીધું ને મનમાંને મનમાં એ બાઇનો આભાર માનતા બસ બાજુ ચાલ્યા.

          આ બાજુ, એ બાઇ હજુ અવાચક જેવી દરવાજામાં ઊભી, જાણે પોતાના હાથે કોઈ ઘોર પાપ થઈ ગયું હોય એમ વિચારતી, જઈ રહેલા એ આગંતુકોને તાકી રહી હતી. અત્યાચારી સમાજે ઠોકી બેસાડેલા આ જડ નિયમો ને પરંપરાનું આમ અચાનક તૂટવું એ એના સદીઓથી સહન કરી કરીને સ્વમાનહીન થઈ ગયેલા દિમાગમાં ઉતરવું અશક્ય હતું.
 ********
       
          આમ, સદીઓથી ચાલી આવતા આ ઘોર સામાજીક અન્યાયની વ્યર્થતા અને એની ઘાતકતાની સમજણ, મારા શિક્ષક પિતાના હાથે ગળથૂથીમાંથી જ પામ્યાનું મને ગૌરવ છે!
***

ગંગાજળ:
ઉપરના કિસ્સાની સાથે જ જોડાયેલો એક વિચિત્ર કિસ્સો છે,
મારા પિતા જે ગામમાં શિક્ષક હતા ત્યાં અમે એક ભાડાના મકાનમાં રહેતા, મકાન એટલે  મોટા વિસ્તારમાં ફેલાયેલો એક ડેલો ને ડેલામાં એ મકાન માલિક અને એના બીજા ભાઇઓના કુટુંબ રહેતા, એક રૂમ રસોડું અમારા હિસ્સે આવેલું. આજ ડેલામાં મકાન માલિકના ઘણા બધાં ઢોર માટેની પણ વ્યવસ્થા હતી અને સાથે ઢોરને પાણી પીવા માટે આંગણામાં એક નાનકડો અવેડો પણ ખરો.

આ મકાન માલિક અને એના ભાઈઓના બાળકો પણ મારી સાથે સ્કૂલમાં હતા. આગળ જણાવ્યું એમ સ્કૂલમાં તો સામાજીક સમરસતાનું વાતાવરણ પણ આ ગ્રામજનો હજુ છૂતાછૂતમાં ચૂસ્ત રીતે માને! શાળામાં તો છોકરાઓને અલગ બેસાડવાનું ને ભેદભાવ કરાવવાનું ના ચાલ્યું એટલે પછી જે વચલો રસ્તો કાઢવામાં આવ્યો એ હાસ્યાસ્પદ હતો! (યાદ કરૂં છું તો આજે પણ ચિતરી ચડે એવો!) શાળાએથી છૂટીને છોકરાં ઘરે આવે એટલે સીધું ઘરમાં નહીં આવી જવાનું પણ આંગણામાં ઊભીને પ્રલંબ સૂરે કોરસમાં પોકાર પાડવાનો કે, "છાંટ નાખજો........!" એટલે ઘરમાંથી કોઇ એક વ્યક્તિ આવે ને પેલા ઢોરને પાણી પીવાના ગંદા-ગોબરા, મચ્છરથી ભરપૂર એવા ગંધાતાં પાણીમાં હાથ બોળી એક અંજલી લઈને હાર બંધ ઊભેલાં છોકરાં પર એનો છંટકાવ કરવાનો એટલે બધાં ’પવિત્ર’ થઈ જાય ને પછીજ ઘરમાં પ્રવેશવાનો અધિકાર મળે!

13 comments:

 1. સરસ પોસ્ટ
  એક જ જાટકે સમાજના ચોથા ભાગની વસ્તીને અછૂત જાહેર કરી દેવી એ વળી ક્યાંનો ન્યાય ?
  ને ઉપરથી પાછું પડ્યા પર પાટું પડે એમ આજના ધર્મ ધુરંધરો એમાં વૈજ્ઞાનિક કારણો શોધવા જાય

  ReplyDelete
 2. ha ha ha ,,, aa rivaj ghani jagya e che chant nakhva no pan e kevi rite padyo e khabar nathi padi haju sudhi,,,,

  ReplyDelete
 3. superlike mukulbhai...

  ReplyDelete
 4. મુકુલભાઈ ..
  ભેદ માં કોઈ પણ પ્રકારનો ભાવ હોઈ જ ના શકે ...આજે પણ સૌરાષ્ટ્રમાં અમારા ઘરે કોઈ આવે ત્યારે પહેલો પ્રશ્ન પૂછવામાં આવે જ છે કે 'તમે કેવા ?"એમાં જો આવનાર કહેવાતો સવર્ણ હોય તો ગળું ખંખેરી ,જોર થી બોલે ...ને બાકી બીજું કોઈ હોય તો સાવ નીચું જોણું કરી ધીમેથી બોલે...
  very touchy issue of untouchability..

  ReplyDelete
 5. આફરીન દાદા સમાજ માં ઘર કરી ગયેલા કુ રીવાજો પર ખુબ સુંદર પ્રસંગ આપે આલેખ્યો જે સમાજ માં ઘર કરી ગયેલા આવા કુરિવાજો ને વિષે જાગૃતિ લાવવા મદદરૂપ જરૂર થશે

  ReplyDelete
 6. સર આ ગંગાજળ પીવું ગમ્યું. તમારા લખાણમાં સાહિત્યિક શબ્દો અને રસપ્રદ વર્ણન બહું જોવા મળે છે. જેમ કે "ઘોર સામાજીક અન્યાયની વ્યર્થતા અને એની ઘાતકતાની સમજણ" "જડ નિયમો ને પરંપરાનું આમ અચાનક તૂટવું એ એના સદીઓથી સહન કરી કરીને સ્વમાનહીન થઈ ગયેલા દિમાગમાં ઉતરવું અશક્ય હતું." "જેનાં ધોળાં પાટીયાં ઉપર ચિતરેલા કાળા અક્ષર ધૂળના થરની પાછળ માંડ માંડ ઉકેલાતા હતા, બારીઓમાં ક્યારેક કાચ હશે એની સાબિતી આપતી બે-ત્રણ બારી હતી ને હોર્ન સિવાયના લગભગ બધાજ સ્પેરપાર્ટ વગડતા હતા એવી એ બસ જાણે આ તડકાથી હાંફી ગઈ હોય એમ અચાનક બેત્રણ ડચકાં ખાઇને ઊભી રહી ગઈ" "પાણીઆરામાં રાખેલી પીત્તળની હેલ્ય ને પ્યાલા ચોખ્ખાઇની ચાડી ખાતાં હતાં." જે મને ખુબ ગમે છે. :)

  ~ Satya Oza

  ReplyDelete
 7. ek vaat mane y share karvani ichchha thai.....
  aapdaa ghar nu aanganu chhokkhu rakhta loko mathi ek vaar ek bahen kaam kartaa kartaa achanak chakkar aavya ke pachhi weakness na lidhe padi gyaa.....hu bahar thi aavti j hti...joyu to badha emne vintlaaine ubha htaa pan koi hath aapvani tasdi pan letu nhotu....main tarat emne betha karya to e ben aavi halat ma e mne dur rehvanu kehtaa htaa...main emne otlaa par besadya....pani payu....thodik vaar pachhi e svasth thaya to etlu ajib rite emne maafi maangi...ne mne kahe tamare nahavu padshe....to main kahyu....ben....insaan jo insaan na bani shake to ene phela thi j nahi lidhelu kehvaay..

  kehvanu tatpray etlu j ke shu aapne unch nich.....mara tamara.... aa badha vadaa mathi kyarey bahar nikalshu ke nhi....

  ReplyDelete
 8. ખુબ સુંદર વાત સરળ શબ્દોમાં કહી મુકુલ ભાઈ.
  ગંગાજળમા જણાવેલી પ્રથા ખરેખર હાસ્યાસ્પદ હતી.
  આચરણ તો દુરની વાત છે પણ સદનસીબે નાનપણથી અત્યાર સુધી શાળા કે કુટુંબ તરફથી ક્યારેય આવા હીન પ્રકારના વિચારોનું સમર્થન/ આરોપણ કરવામાં આવ્યું નથી.

  ReplyDelete
 9. સૌથી જુની સંસ્કૃતિની વૈચારિક વિકૃતિ.. અને દુનિયાને 'વસુધૈવ કુટુંબકમ'નો વિચાર આપનાર લોકોની સંકુચિતતા....

  ReplyDelete
 10. Very nicely written !
  અંગ્રેજો ના નામથી પ્રસિદ્ધ થયેલ "ડીવાઈડ એન્ડ રુલ"
  વાસ્તવમાં માણસજાત ની સ્વભાવગત કમજોરી છે.
  અને એને બે નહીં અનેક ભેદમાં રસ છે :( !
  જંગલના કાનૂનને કઈ રીતે સાબૂત રાખવો :( !
  રેશનાલીઝમ કે ધર્મના મૂળભૂત દ્રષ્ટિકોણમાં
  દરેક મનુષ્ય સમાન જ છે પણ વાસ્તવમાં અમલીકરણમાં
  બધા લોચા પડી જાય છે :( !
  Thanx :) !

  ReplyDelete
 11. હા મુકુલ ભાઈ મારો પણ બાળપણ નો ગામ માં આવોજ કૈંક અનુભવ છે ...છાંટ લેવા નો હરીજન બાળ મિત્ર સાથે રમી ને પછી ઘરે આવી ત્યારે ...સંકુચિત માનસ..વરસો થી ચાલી આવતી અંધવિશ્વાસ અને કુ રીતી રીવાજ ના બંધન તોડવા એ જમાના માં ખુબ મુશ્કિલ હતા ....

  ReplyDelete
 12. Su kyarey aava faltu na rivajo bandha thashe?

  ReplyDelete
 13. મુકુલભાઈ,
  મારો પણ યુવાનીનો આવો જ અનુભવ છે,
  પણ તમે લખી શક્યા અને અમે રહી ગયા ........ (just kidding !)
  મજા આવી

  ReplyDelete