Thursday, May 24, 2012

સાઈડ ઈફેક્ટ: લાયકાત વગરની સફળતા પછીની નિષ્ફળતાની

ગળથૂથી:
 ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!
***

        ફિલ્મ ’ચક દે ઇન્ડિયા’ માં એક ડાયલૉગ આવે છે,  “હર ટીમ મેં સિર્ફ એક હી ગુંડા હો શકતા હૈ, ઔર ઈસ ટીમ કા ગુંડા મૈં હું!” ત્યારે એને તાળીઓથી વધાવી લેનાર ચાહકોને એ વાતનો ખ્યાલ પણ ક્યાંથી હોય એક દિવસ સાચેજ ગુંડાગીરી પર ઊતરી આવેલા શાહરૂખને જોઈને તાળીને બદલે છાતી પીટવાનો વખત આવશે!

        હા, ૧૬મી એપ્રીલે, પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના મુંબઈ પરના આસાન વિજય પછી વિજયના નશામાં અને શરાબના નશામાં ધુત થઈ ગયેલ બોલીવુડનો આ બાદશાહ એ ભૂલી ગયો કે પોતે પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સનો જ માલિક છે, વાનખેડે સ્ટૅડિયમનો નહી! મેચ પત્યા પછી રાત્રે પોણાબારના સુમારે, સ્ટેડિયમ બંધ થવાની તૈયારી હતી અને ફ્લડ લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી એવા સમયે જઈ પહોંચ્યો સ્ટેડિયમ પર. સ્ટૅડિયમના દરવાજા પર સૌથી પહેલી શાહરૂખની મવાલીગીરીનો ભોગ બની એક યુવતી, ભોગ એના કે એણે કોલકાતાના વિજય બદલ શાહરૂખને અભિનંદન આપ્યા! શાહરૂખે એને સામે પૂછ્યું કે ’તું કઈ ટીમની સપોર્ટર છો?” સ્વાભાવિક જ મુંબઈ નિવાસી કન્યાનો જવાબ હતો મુંબઈ. પછીતો પૂછવું જ શું..શરાબના નશામાં સંપૂર્ણ હોશ ખોઈ બેઠેલા ખાન નો પિત્તો હટી ગયો અને એ યુવતી પર ગાળોનો વરસાદ વરસાવી દીધો! પેલી બિચારીને થયું હશે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં! પછી વારો આવ્યો સ્ટૅડિયમના સુરક્ષા ગાર્ડનો, કે.કે.આર.ના યુનિફૉર્મમાં સજ્જ પોતાની સાથેના પચ્ચીસેક જેટલાં બાળકોને લઈને ભાઇ સાહેબે ને અરધી રાત્રે વાનખેડે પર ક્રિકેટ રમવાની ઇચ્છા થઈ! પણ ગાર્ડ બિચારો ચિઠ્ઠીનો ચાકર, નિયમોનો હવાલો દઈને મેદાનમાં જવાની ના પાડી એટલે વળી પાછો એસ.આર.કે ના પેટમાં પડેલો શેતાન જીભે આવ્યો અને ગાર્ડને બેફામ ગાળો દેવાની શરૂ કરી ને એક ગાર્ડને તો તમાચો પણ મારી દીધો. આ તમાશો જોઈ રહેલા મુંબઈ ક્રિકેટ એસોશીએશનના હોદ્દેદારો દોડીને આવ્યા અને એસ.આર. કે ને શાંત પાડવાની કોશીશ કરી, તો કોશાધ્યક્ષ સાવંત ને ધમકી આપતાં કહ્યું કે “જિન્દા જમીનમેં ગાડ દુંગા!” ને સાથે તમામ વચ્ચે આવીને મામલો ઠંડો કરવાની કોશીશ કરી રહેલા એમ.સી.એ.ના અધિકારીઓ પર ગાળોનો વરસાદ વરસાવતો રહ્યો. યુ ટ્યૂબ પરની આ વિવાદની ઓડિયો સાંભળતાં એમાં શારૂખના મોઢેથી શબ્દો કરતાં અપશબ્દો વધારે નીકળ્યા હોય એવું સ્પષ્ટ રીતે, ’બીપ’.. ’બીપ’..ની સંખ્યા પરથી જણાય છે!

        આમ તો શાહરૂખ ખાન અને વિવાદો નો નાતો છેલ્લા થોડા સમયથી ’એક દૂજે કે લિયે’ જેવો થઈ ગયો છે, પછી એ ફરાહખાન ના પતિ શિરીષ કુંદર સાથે પાર્ટીમાં કરેલી મારા મારી હોય કે ખુલ્લેઆમ કાનૂનની ઐસીતૈસી કરીને સરા જાહેર સ્ટૅડિયમમાં બેસીને સિગારેટ ફૂંકવાની ઘટના હોય. શાહરૂખ ખાનની ૧૫૦ કરોડની ’રા-વન’નો બૉમ્બ ફૂસ્સ થઈ ગયો, એવા મતલબનું શિરીષે ટ્વીટ કર્યું હતું અને લઈને શાહરૂખ નારાજ હતો જેની દાઝ કાઢવાનો મોકો ’અગ્નિપથ’ની પાર્ટીમાં મળી ગયો. શિરીષે આ પાર્ટીમાં સામેથી શાહરૂખને ઉશ્કેરવાની વારંવાર કોશીશ કરી ને શાહરૂખનું લોહી ઉકળી આવ્યું, પછીની ઘટના જગ જાહેર છે. એજ રીતે ૨૦૦૭માં અને પછી હાલ ૨૦૧૨ના આઈપીએલ દરમ્યાન જાહેરમાં સ્ટેડિયમાં સિગારેટ ફૂંકીને પણ શાહરૂખ વિવાદમાં ફસાયો છે અને કોર્ટને જવાબ આપવાનો બાકી છે. મન્નતના ગેરકાયદે બાંધકામનો વિવાદ પણ હજુ તાજો છે.

        સફળતા એ કાચો પારો છે યોગ્ય પાત્ર ન હોય તો પાત્રને બગાડી નાખે છે, સફળતાએ સિંહણનું દૂધ છે જેને પચાવવા માટે સિંહણના બચ્ચાની હોજરી જોઈએ. પણ પાત્ર યોગ્ય ન હોય ને સફળતા આવી પડે તો શું થાય એ જોવા સમજવા માટે દૂર જવાની જરૂર નથી, કોઈ પણ ક્ષેત્રમાં નજર નાખીશું તો આવા ઉદાહરણો હાથવગાં છે જેમકે વિનોદ કાંબલી. સચીન તેંડુલકર કરતાં પણ વધારે પ્રતિભાવાન આ ક્રિકેટર સફળતાને પચાવી ના શક્યો એનું પરિણામ આપણી નજર સામે છે. સાચું સોનું કદી કટાતું નથી એજ રીતે સજ્જનો કદિ સફળતામાં છકી જતા નથી કે નિષ્ફળતા મળે ત્યારે હારીને બેફામ થઈ જતા નથી. અમિતાભ બચ્ચને પોતાના જીવનમાં આ બન્ને દિવસો જોયા છે પણ સફળતાના શિખર પરથી ક્યારેય એનામાં તૂંડ મિજાજી જોવા મળી નથી કે નિષ્ફળતાની ખાઇમાં પડ્યા પછી આછકલાઈ જોવા મળી નથી, અને એટલેજ આજે પણ લોકો ’કૌન બનેગા’ ની આતુરતાપૂર્વક રાહ જુએ છે. શાહરૂખવાળું તો કેબીસી પણ લોકોને યાદ છે તો એની ચીપ હરકતોને લીધે!  ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!

        ’ફૌજી’ સિરીયલથી પોતાની અભિનય કારકીર્દી શરૂ કરનાર આ દિલ્હીના છોકરાએ ટીવી પર બહુ ઝડપથી લોકોના દિલોમાં સ્થાન મેળવ્યા પછી ’દિવાના’ અને ’ચમત્કાર’થી બોલીવુડમાં પ્રવેશ મેળવીને ત્યાં પણ પોતાનો ડંકો વગાડી દીધો. ’દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ’કુછ કુછ હોતા હૈ’ અને ’ચક દે ઇન્ડિયા’ જેવી સુપરહીટ ફિલ્મોની સાથે બીજી અનેક સફળ ફિલ્મો આપી, પણ છેલ્લા કેટલાક સમયથી સફળતાની ગાડી પાટેથી ઉતરી ગયેલી લાગે છે અને એના કારણે માનસિક સંતુલન પણ ખોરવાયું છે. ’રા-વન’ જેવી અતિ મહાત્વકાંક્ષી અને ભારતની સૌથી ખર્ચાળ ફિલ્મ ધડામ્ થઈ ગઈ, તો ’ડોન-૨’ની પણ એજ હાલત થઈ. વળી, આજ સમયગાળામાં, બોલીવુડના આદર્શ પતિ ગણાતા ખાનના દાંપત્યની નૈયા પણ ખરાબે ચડી હોય એવું લાગે છે, પતિ અને પત્નીની વચ્ચે ’વો’ તરીકે પ્રિયંકા ચોપડાનું આગમન થઈ ચૂક્યું છે એવી ગુસપુસ છે અને છેલ્લા ઘણા સમયથી શાહરૂખ અને ગૌરી જાહેરમાં કોઈ કાર્યક્રમમાં સાથે દેખાતા નથી એટલે આ ગુસપુસને હવા મળે છે!

        “ડોનકા દુશ્મન ચાલ ચલે ઈસસે પહેલે ડોન અપની ચાલ ચલ ચૂકા હોતા હૈ..!” આવો ડાયલૉગ ફિલ્મમાં બોલનાર ડોન રિયલ લાઈફમાં પણ શાતિર દિમાગ તો છેજ એવું સ્પષ્ટ રીતે એની પ્રેસ કોન્ફરન્સ જોતાં જણાઈ આવે છે. એક તો આ ઘટના બન્યા પછી આખા દેશના મીડિયામાં હો હા ચાલુ હોવા છતાં, ઘટના ના કલાકો સુધી ડોનજી જવાબ આપવા નીકળ્યા નહીં અને આશરે બાર તેર કલાક પછી પ્રેસ કોન્ફરન્સ કરી. (જેથી નશો સંપૂર્ણપણે ઉતરી જાય) અને પછી પીસીમાં પણ જે રીતની ચાલાકીભરી વાતો કરી એના પરથી ચોક્કસ જણાઈ આવે છે કે ભારતના રાજકારણમાં આ ’બાજીગર’નું ભાવિ ઊજળું છે! પોતે ગાળાગાળી કરી છે એ સ્વીકાર્યું, (કારણકે રેકોર્ડિંગમાં સ્પષ્ટ રીતે સંભાળાય છે) પણ નશો કર્યો હોવાનો ઈન્કાર કર્યો, (કારણ કે ઓડિયો/વિડીયોમાં ક્યાંય એની ગંધ થોડી આવે છે!) અલબત્ત, ડોન ને ત્યાંથી પકડીને દૂર કરી શાંત પાડવાની કોશીશ કરનાર પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ખાન સાહેબ મહેકતા હતા. વળી, પોતાના બાળકો સાથે ગેરવર્તણૂક થઈ હોવાની વાત કરી બાળકોના નામે ઇમોશનલ બ્લેકમેઇલીંગની પણ કોશીશ કરી જે વિડીયો ફૂટેજમાં ક્યાંય જણાતું નથી.

        અને રાજકારણીઓ જેનું નામ, આ કિસ્સામાં પણ રાજકારણ કરવાનું શાના ચૂકે! કિર્તી આઝાદને આ આખી ઘટનામાં મેચ ફિક્સીંગથી લોકોનું ધ્યાન હટાવવા માટેની ચાલ દેખાય છે તો લાલુ યાદવને પણ શાહરૂખ નિર્દોષ લાગે છે, (અલબત્ત, આ દેશના તમામ લપોડશંખની સાથે લાલુજીનું એક ભાવનાત્મક જોડાણ છે, પોતીકાપણું લાગે છે!) એજ રીતે વિજય માલ્યા પણ શાહરૂખના બચાવમાં આગળ આવેલ છે એ સ્વાભાવિક છે કારણકે એને શાહરૂખ પોતાના ’પીણા’નો બ્રાન્ડ એમ્બેસેડર લાગ્યો હશે!

        આ ઘટનાને લઈને એમસીઆઇની બેઠક છે, જો વિલાસરાવનું બોલીવુડ કનેકશન કામ નહીં કરી જાય તો શાહરૂખ ખાન માટે આજીવન વાનખેડેમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી જવાનું નિશ્ચિત છે. કોઈ સેલીબ્રેટીને માટે આ દેશમાં કોઈ સ્થળ પર પ્રવેશવાનો પ્રતિબંધ મૂકવામાં આવે એવી આ દેશની કદાચ આ પહેલી ઘટના હશે અને કલંકિત વિક્રમ હમેશાં શાહરૂખના નામે રહેશે!

ગંગાજળ:
અમેરિકાના એરપોર્ટ પર બે વખત સિક્યોરીટીવાળાએ તલાશી લીધી છે ત્યારથી ’સિક્યોરીટી ગાર્ડ’ની એલર્જી થઈ ગઈ હોય એવું લાગે છે!
લખ્યા તારીખ: ૧૮-૫-૨૦૧૨.

11 comments:

  1. ~~Excellent Boss !!
    ખરેખર સૌથી સત્ય વાત.. અને ખુબ જ સુંદર રીતે દર્શાવી તમે....
    ..

    ReplyDelete
  2. ~~તમારા લેખો હમેશા એવરગ્રીન હોય છે…જેને કદી ફૂગ નથી વળતી..!
    સુપર્બ લેખ

    ReplyDelete
  3. લાયકાત વગરની માંગ જોખમ ઉભું કરે છે. અને ભગવાનોય પેટ્રોલના પૈસા કમાવવાની ત્રેવડના હોય તેવાઓની મર્સીડીઝની માંગ પૂરી કરીને મજાક કરે છે.
    લક્ષ્મીના પગે ઝાંઝર હોય, તે ખણખણે ઘણું. સરસ્વતીનો સાથના હોય તો જીભ થોથવાઈ જાય.

    ReplyDelete
  4. apano lekh sachot che abhinanadan

    ak vat gami

    ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!

    ReplyDelete
  5. ગર્વ અને ગરવાઈ વચ્ચેનું અંતર હમેશાં શાહરૂખ અને અમિતાભ જેટલું જ હોય છે!............સફળતાએ સિંહણનું દૂધ છે જેને પચાવવા માટે સિંહણના બચ્ચાની હોજરી જોઈએ. .....વેલ સેઈડ ,દાદા...આ ગિદ્ડ જ્યારે પણ સિંહ ની ખાલ પહેરીને હોંશિયારી બતાવવાની કોશીશ કરી છે...ટાંય ટાંય ફીસ્સ જ થયો છે..અને ઘુંટ્ણીએ પડીને શ્રી બચ્ચનજીની જાહેર માફી માગવી પડી છે.....અને શ્રી બચ્ચનજીએ માફ પણ હંમેશ કરી દિધો છે ......રાજા ભોજ અને ગંગુ તેલી વચ્ચે નું અંતર એ ભલે ન જાણતો હોય બચ્ચન સર તો જાણે છે..

    ReplyDelete
  6. સરસ લેખ બદલ અભિનંદન
    અમેરિકન સિક્યુરીટી ગાર્ડે હડધુત કર્યા પછી શાહરૂખના દિમાગમાં કેમિકલ લોચો થઈ ગયો હોય એવું લાગે છે,
    એટલે જેમ લાલ કપડું જોઈને સાંઢ ભડકે, એમ સિક્યુરિટિ ગાર્ડને જોઈને આ ભાઈ પણ ભડકવા માંડ્યા છે

    ReplyDelete
  7. બીલાડીને ખીર ન પચે. એ કહેવત સાંભળી છે. પણ આમ તાદ્રશ્ય થશે તે કલ્પના જ ન હતી. એક પબ્લીક ફીગર પાસેથી હંમેશા ઉદાહરણીય વર્તનની જ અપેક્ષા હોય છે. આ તો એમાંથી પણ ગયો. જેનેટીક્સ... પ્રોબ્લેમ લાગે છે.

    ReplyDelete
  8. જીવનમાં જો શિસ્ત હોય તો મળેલી સફળતાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. શિસ્ત વગરની વ્યક્તિની સફળતા પણ તેનો દોષ બની જાય છે.આ એજ શાહરૂખ છે જે પહેલાં સફળતા માટે દોડતો હતો, હવે તે સફળતા ટકાવી રાખવા દોડે છે ....

    ReplyDelete
  9. * ફિલ્મ ’ચક દે ઇન્ડિયા’ માં એક ડાયલૉગ આવે છે, “હર ટીમ મેં સિર્ફ એક હી ગુંડા હો શકતા હૈ, ઔર ઈસ ટીમ કા ગુંડા મૈં હું!” ત્યારે એને તાળીઓથી વધાવી લેનાર ચાહકોને એ વાતનો ખ્યાલ પણ ક્યાંથી હોય એક દિવસ સાચેજ ગુંડાગીરી પર ઊતરી આવેલા શાહરૂખને જોઈને તાળીને બદલે છાતી પીટવાનો વખત આવશે!

    ^ સહી બોલા બીડુ !

    * શાહરૂખની એન્ટ્રી ફૌજીથી હતી કે સરકસ? મને ખાસ યાદ નથી આવતું એટલે પુછું છુ.

    * ફોટામાં કહે છે સામેવાળાને પણ આંગળી તો તમારા નામ તરફ છે એટલે સંભાળજો બાપુ !

    ReplyDelete
  10. સફળતા એ કાચો પારો છે યોગ્ય પાત્ર ન હોય તો પાત્રને બગાડી નાખે છે, સફળતાએ સિંહણનું દૂધ છે જેને પચાવવા માટે સિંહણના બચ્ચાની હોજરી જોઈએ............. vah dada

    ReplyDelete