Tuesday, June 05, 2012

ડૉક્ટરની બિમારી: ગંભીર જરૂર પણ અસાધ્ય નહીં


        ગળથૂથી:
        અરીસાને ફોડી નાખવા કરતાં મોઢું ધોઈને અરીસા સામે આવવામાં સમજદારી છે.

      
          એ આશરે ત્રીસ-પાંત્રીસ વરસનો યુવાન હશે. કોઈ ગંભીર બિમારી સબબ એ આ જનરલ વૉર્ડના બેડ પર હતો એ એના નાકમાં ખોસેલી ઓક્સિજનની નળી અને હાથ-પગ સાથે લાગેલા વાયરીંગને જોડતા મોનિટરથી જણાઈ આવતું હતું. સવારના નવ વાગ્યાની આસપાસ ડ્યૂટી પરની નર્સ એને સ્પંજ આપી રહી હતી ત્યાં અચાનક એ દર્દીને આંચકી શરૂ થઈ. વૉર્ડના બીજા પેશન્ટનું ધ્યાન ત્યાં ખેંચાયું અને ગભરાયેલી નર્સ ડૉકટરને ઇમર્જન્સીની જાણ કરવા માટે ઇન્ટરકોમ તરફ દોડી. એવામાં એણે જોયું કે હોસ્પિટલની લોબીમાંથી આ હોસ્પિટલના જ એક બાહોશ ફીઝીશ્યન ડૉ. એકસપસાર થતા હતા એટલે નર્સે ઇન્ટરકોમ પડતો મૂકી વૉર્ડના દરવાજા ભણી દોટ મૂકી અને બૂમ પાડી સાહેબ...સાહેબ.. જુઓને આ પેશન્ટને અચાનક શું થઈ ગયું?” ડૉ. એક્સે પેશન્ટની સામે નજર પણ નાખ્યા વિના, સિસ્ટરની સામે વીંધી નાખતી નજરે જોયું અને એક અણીયાળો સવાલ ફેંક્યો,” ઈઝ હી અન્ડર મી?” નર્સે ગભરાતાં ગભરાતાં કહ્યું, “નહીં સાહેબ, એ તો ડૉ. વાયની સારવાર હેઠળ છે!ડૉ, એક્સ, એ નર્સે જાણે કોઈ ગંભીર ભૂલ કરી નાખી હોય એવી રીતે તાડૂકતાં બોલ્યા,”ધેન વ્હાય શુડ આય?” અને પગ પછાડતા પોતાના વૉર્ડની દિશામાં આગળ વધી ગયા. છોભાયેલી નર્સ ફરી પેશન્ટ પાસે આવી અને પેશન્ટને પોતાની રીતે સારવાર આપવાની કોશિશ કરવા લાગી, એ પછી લગભગ પાંચેક મિનિટમાં, એ જુવાન  શરીર તરફડીને નિશ્ચેતન થઈ ગયું! કોઈ ડૉક્ટર આટલી હદે નિષ્ઠુર અને જડ થઈને માનવતાને આટલી હદ સુધી નેવે મૂકી શકે, અને એ પણ પોતાની ફરજની સરહદની આડમાં, એ મેં પોતે, મારી નજર સામે ના જોયું હોત તો મને પણ માનવામાં ના આવે. આશરે પંદર-સત્તર વરસ પહેલાં, એ સમયે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ગણાતી આ હોસ્પિટલમાં જ્યારે આ ઘટના બની ત્યારે, બાજુના બેડ પરના કે પેશન્ટ તરીકે, જીવનભર ના ભૂલાનાર આ કલંકિત કિસ્સાના સાક્ષી બનવાનું દુર્ભાગ્ય મારા લમણે લખાયું હતું!
                       *      *     *
          આયેશાના બાપુ, કહું છું રહેવા દો, આવું નાપાક કામ ના કરાવો, પરવરદિગારના ગુનેગાર ઠરીએ, કયામતના દિવસે ખુદાતાલાને શું જવાબ દઈશું? દીકરો હોય કે દીકરી, છે તો આપણુંજ ફરજંદ ને!
          બસ...હવે મારે કંઈ સાંભળવું નથી, એક દીકરી છે, એટલે બીજી તો ના જ જોઈએ, બેટો હોત તો બરાબર હતું..
          એ યુવાન દંપતી સોનોગ્રાફી કરાવી એ હોસ્પિટલની બહાર નીકળતાં રકઝક કરતું હતું જેને અમે, મેડિકલ રિપ્રેઝન્ટેટીવ, એ સમયે શહેરના સૌથી મોટા કતલખાના તરીકે ઓળખતા. અલ્તાફ અને ઝુબૈદા, મારા એક સાથી મેડિકલ રિપ્રેઝ્ન્ટેટીવના સગાં હતાં ને શહેરથી ત્રીસેક કિલોમીટર દૂરના એક તાલુકા મથકેથી આવેલાં. એક છ વરસની દીકરી હતી આયેશા, અને ઝુબૈદા હવે ફરીથી ગર્ભવતી હતી. અલ્તાફને કોઈ સંજોગોમાં દીકરી નહોતી જોઈતી, એટલે ઝુબૈદા બેગમને સોનોગ્રાફી માટે લઈ આવેલો. અહીંનો રિપોર્ટ સ્પષ્ટ કહેતો હતો કે ગર્ભમાંનું સંતાન ફીમેલ છે, અને ઝુબૈદા આ પાપ કરવા તૈયાર નહોતી, એની આ બધી લમણાઝીક હતી. છેવટના ઉપાય તરીકે, આ આખો કેસ મારા એ મિત્ર એમ.આર. પાસે આવ્યો જેના આ સગાં હતાં. એણે આ આખી ઘટના સાંભળી જે જગ્યાએ સોનોગ્રાફી કરાવેલી એ કુખ્યાત હોસ્પિટલનું નામ સાંભળી દાળમાં કાળું હોવાની શંકા ગઈ એટલે બીજા એક જાણીતા ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું. જે નવો સોનોગ્રાફીનો રિપોર્ટ આવ્યો એ જોઈને અલ્તાફ, ઝુબૈદા અને અમારા બધાના પગ તળેથી ધરતી ખસી ગઈ! એ એટલા માટે કે અમે જેને કતલખાનું કહેતા એ હોસ્પિટલનો રિપોર્ટ સદંતર ખોટો હતો, એ હોસ્પીટલના રિપોર્ટ મુજબ ઝુબૈદાના ગર્ભમાં એકજ સંતાન હતું અને એ ફીમેલ, જ્યારે હકીકત એ હતી કે ઝુબૈદાબાનો ના પેટમાં એક નહીં પણ બે શીશુ આકાર લેતાં હતાં! અને એમાં યે એક દીકરો અને એક દીકરી! આ આખી ઘટનાને સીધીસાદી રીતે સમજવાની કોશિશ કરીએ તો, પહેલાં જ્યાં રિપોર્ટ કરાવેલો એ હોસ્પિટલમાંથી જાણી જોઈને ખોટો રિપોર્ટ આપવામાં આવેલો જેથી આ કતલખાને આવેલું  ઘરાક પાછું ના જાય! એક તો ભૃણહત્યાનું કામજ સાવ અનૈતિક અને ગેરકાનૂની પણ અહીં તો કમાવાની લાલચમાં ડૉક્ટર અનીતિના તમામ પાતાળ ભેદી ગયા હતા! આજે અલ્તાફ,ઝુબૈદા અને એનાં ત્રણ સંતાનોનો પરિવાર ખુશખુશાલ છે, પણ બીજા કેટલાયે પરિવારો એવા હશે જે અહીં આ પાપ કરવા માટે આવ્યા હશે અને જાણ્યે અજાણ્યે, એમના આ પાપની સજા એમને આ ડૉક્ટરના હાથેજ મળી હશે!

          અને હા, આતો આગળ કહ્યું એમ શહેરનું સૌથી મોટું કતલખાનું હતું, આવાં બીજાં તો કેટલાંયે કતલખાનાં ત્યારે હતાં અને આજે પણ ધમધમે છે!
                     *    *    *
          અને હવે જેની વાત કરવી છે એ કૌભાંડતો એવું વિચિત્ર અને ભયાનક છે કે જ્યારે એ એક જાંબાઝ યુવા પત્રકારના સાહસથી બહાર આવ્યું ત્યારે એણે ઘણાના સંસારમાં આગ લગાડી દીધેલી! સૌરાષ્ટ્રના ઘણા બધા દંપતીની હાલત ન કહેવાય ન સહેવાય એવી થઈ ગયેલી! શહેરમાં એક જાણીતા ડૉક્ટરનું વંધ્યત્વ નિવારણ કેન્દ્ર ચાલતું. શેર માટીની ખોટ પૂરવા માટે બધેથી હારી ચૂકેલાં દંપતી અહીંથી કદી નિરાશ ન થતાં, એટલે સમાજમાં એ ડૉક્ટર સાહેબની તો દેવ જેવી આબરૂ. એક પત્રકારને ક્યાંકથી કંઈક રંધાતું હોવાની ગંધ આવી એટલે એ યુવાન અને એક સંતાનના પિતા એવા પત્રકાર, આખા કિસ્સાના તળિયા સુધી પહોંચવાના મકસદથી પોતે ડમી દર્દી તરીકે ગયા અને પોતાનાં લગ્નને અમુક વર્ષો થયાં છે અને સંતાન નથી એવી રજૂઆત કરી. આખી વાતથી અજાણ ડૉક્ટર સાહેબે એ પત્રકારને બરાબર એક્ઝામીન કરીને નિદાન કર્યું કે તમારામાં અમુક તમુક ખામી છે, એટલે સંતાન થતું નથી, તમારી સાથે તમારા પત્નીની પણ સારવાર ચાલુ કરવી પડશે, સારવાર એકાદ વર્ષ ચાલશે અને અમુક રકમનો ખર્ચ થશે. પછી જે સત્ય બહાર આવ્યું એ એક એની પાસે કલ્પના પણ ફિક્કી લાગે એવું, કોઈ ફિલ્મની સ્ટોરી જેવું સનસનાટી ભરેલું હતું! અહીં સારવાર માટે આવતાં નિઃસંતાન દંપતીને સારવારના બહાને વારંવાર બોલાવવામાં આવતાં અને તપાસના બહાને સ્ત્રીને એક્ઝામીનેશન ટેબલ પર લઈને, શહેરની એક સાઠગાંઠ ધરાવતી લૅબોરેટરીમાંથી કોઇ પુરુષનું વીર્ય મગાવીને એ સ્ત્રીના શરીરમાં દાખલ કરી દેવામાં આવતું! ત્રણ-ચાર વખત આવી સારવારથઈ જાય એટલે સામેથી જ બેથી ત્રણ અને ક્યારેક પાંચથી છ મહિનામાં, ખુશખુશાલ દંપતી પેંડાનું પડીકું લઈને આવે!
                                        *    *    *
          મંગળ નામનો મારા ગામનો એક ગરીબ, મજૂરી કરીને પેટિયું રળતા દલિત કુટુંબનો યુવક. એને જમતી વખતે એવું લાગે કે ગળામાં કશુંક ફસાયું છે ને ખૂંચે છે. ગામના ડૉક્ટરની સારવાર કરી જોઈ પણ કશો ફેર ના પડ્યો એટલે છેવટે જૂનાગઢ એક સર્જન પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તપાસી ઓપરેશનનું કહ્યું, એટલે તાણીતૂસી, ઉછીના-પાછીના કરીને વ્યવસ્થા કરી ઓપરેશન કરાવ્યું. પણ પરિણામ શૂન્ય, અને એજ ફરિયાદ. છેવટે આ કિસ્સો મારી પાસે આવતાં હું મારા એક જાણીતા કાન-નાક-ગળાના સર્જન પાસે એને લઈ ગયો. આ સર્જને એન્ડોસ્કોપી કરી, બરાબર તપાસી ને છેવટે ભલામણ કરી કે આ કેસ મનોચિકીત્સકનો છે, એક જાણીતા મનોચિકીત્સકને રીફર કરવામાં આવ્યો અને એક-બે મહિનાની સારવારથીજ સારૂં થઈ ગયું! હવે અહીં સવાલ તો થવોજ જોઈએ કે જૂનાગઢના સર્જને જે ઓપરેશન કર્યું એ શેનું? દર્દીના ખિસ્સાનું? આજ શહેરનો બીજો એક લૅબોરેટરી સાથે જોડાયેલી ઘટના એવી છે કે એક પેશન્ટને ઇ.એસ.આર. આફ્ટર વન અવર નામનો રિપોર્ટ દશ મિનિટમાં આપી દેવામાં આવ્યો, લેબવાળાના કમનસીબે, દર્દીને સાથે જે સગો હતો એ પેરા મેડિકલ પર્સન એટલે એને સવાલ તો થાય જ કે ટેકનીકલી જે રિપોર્ટ કરવા માટે આખા વિશ્વમાં ક્યાંય પણ એક કલાકનો સમય ઓછામાં ઓછો જોઈએ (અને જેનું નામજ ઇ.એસ.આર. આફ્ટર વન અવર છે!) એ રિપોર્ટ, આ લોકોએ દસ મિનિટમાં આપી દીધો, તો એવી કઈ ટેક્નોલૉજી લઈ આવ્યા કે હજુ અમેરિકાને પણ ખબર નથી!

          સત્યાવીશમી મે ના રોજ, દૂરદર્શન પર આમીરખાનનું સત્યમેવ જયતેજોતાં જોતાં આ અને આવા બીજા અનેક કિસ્સા, અંદરથી એવા ધક્કામુક્કી કરતા હતા કે વારંવાર વર્તમાન છોડીને ભૂતકાળમાં પહોંચી જવાતું હતું અને એટલેજ આ એપિસોડ પૂરો થયા પછી આમીરખાન ને ધન્યવાદ આપવાની સાથેજ ફેસબુક પર લખેલું કે આમીરે આ જેટલું બતાવ્યું છે એ હીમશીલાની ટોચ પર બેઠેલા પેંગ્વીનના પીંછાના વાળ જેટલું પણ નથી!પણ એક વાત ભૂલવી ના જોઇએ કે કોઈ પણ સિક્કાની હમેશા બે બાજુ હોય છે, અને જ્યારે એક બાજુની રજુઆત કરવામાં આવે અને એના પરજ ચર્ચા કરવામાં આવે તો એ બાબતની રજૂઆત માત્ર પૂર્વગ્રહિત નહીં પણ અન્યાયકર્તા થઈ જાય અને સરવાળે લાંબા ગાળે નુકશાન તો સમાજનું જ છે. આ વ્યવસાયમાં કેટલાયે એવા ઉમદા લોકો પણ આવી ગયા અને આજે પણ છે જેમણે ભેખ લીધો છે એમ કહી શકાય અને જેમને પુણ્યશ્લોક કહીને યાદ કરી શકાય. જેમાં ટોચ પર આવે વડનગરના ડૉ.વસંત પરીખ. ૧૯૨૯માં જન્મેલા ડો. વસંત પરીખ અને એમના ધર્મપત્ની રત્નપ્રભાબેન પિસ્તાલીસ વર્ષ સુધી વડનગરની નાગરિક મંડલ હોસ્પિટલમાં સેવા કરતા રહ્યા. આજે એમની ગેરહાજરીમાં પણ એમનું કરુણા-સેતુ ટ્રસ્ટ એમના કાર્યને આગળ ધપાવી રહેલ છે. અહીં એક આડ વાત કરવાની ઇચ્છા રોકી નથી શકાતી, ૧૯૬૭માં ડૉ. પરીખ ધારાસભાની ચૂંટણી લડેલા અને જીતેલા, કુલ ખર્ચ કરેલો રૂપિયા ૬૦૦૦/- ! આ છ હજારનો પાઇ પાઈનો હિસાબ પણ આપેલો.

          બીજા એક એવાજ ડૉક્ટર મને સૌરાષ્ટ્રના એક શહેરના યાદ આવે છે, જેમનું નામ અત્યારે યાદ નથી. એ હમેશાં પ્રિસ્કીપ્શન લખતી વખતે બે કલરની પેન રાખતા. એક સારી આર્થિક સ્થિતીવાળા દર્દી માટે અને બીજી એમને એમ લાગે કે દર્દીની દવા ખરીદવાની પરિસ્થિતિ નથી એવા દર્દી માટે. આખા શહેરના કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આ બીજી પેનથી લખેલી ચિઠ્ઠી જાય એટલે એ મેડિકલ સ્ટોર વાળાએ દર્દી પાસેથી પૈસા નહીં લેવાના, મહિનાના અંતે ડૉક્ટર સાહેબ પાસે જઈને હિસાબ કરી લેવાનો! આ થઈ સાંભળેલી વાત, પણ આવીજ ફરેલી ખોપરીની જમાતના એક ડૉકટરને પ્રત્યક્ષ જોયા દોઢ-બે વરસ પહેલાં ડેડિયાપાડામાં. આદિવાસી વિસ્તાર અને ગરીબી, એટલે મોટા ભાગે દર્દી લખેલી પૂરી દવા લઈ ના શકે, ચિઠ્ઠીમાં લખેલી હોય એનાથી અરધી કે અડધાથી પણ ઓછી દવા ખરીદે, આમ સારવાર અધૂરી રહી જાય. એટલે આ સાહેબે વળી એક નવતર રસ્તો કાઢેલો, એવા દર્દી લાગે એની ચિઠ્ઠીમાં એક ખાસ નિશાની કરે, આવી નિશાની વાળી ચિઠ્ઠી નો નિયમ એવો કે દર્દી પાસે ઓછા પૈસા હોય તો પણ મેડિકલ સ્ટોર વાળાએ દવા પૂરી જ આપવાનીને પૈસાનો હિસાબ ડૉક્ટર સાહેબ સાથે કરવાનો!

          અહીં આ કિસ્સાઓનો ઉલ્લેખ કરવાનો હેતુ એટલો જ છે કે શરૂઆતમાં જે ઘટનાઓ આપી એનો તદ્દન સામેનો છેડો પણ હોય છે, આનો મતલબ બિલકુલ એવો નથી કે જે ડૉક્ટરો આવી રીતે સેવા કરે એને જ સારા માણસો અને સારા ડૉક્ટરો કહી શકાય! વ્યવસાય લઈને બેઠા છે એને બધાને કમાવાનો અધિકાર છે પણ નૈતિક રીતે. બિનજરૂરી દવાઓ લખી, લૅબોરેટરીવાળા પાસેથી કમિશન કમાઈને કે બિન જરૂરી ઓપરેશન કરીને નહીં. ડૉ. શરદ ઠાકર અને ડૉ. આઈ.કે. વીજળીવાળા જેવા ડૉક્ટરોએ આ ઉમદા વ્યવસાયને ગૌરવ બક્ષ્યું છે. આજે પણ મોટા ભાગના ફેમિલી ડૉક્ટર પોતાના દર્દીનો એક ફેમિલી મેમ્બરની જેમ ખ્યાલ રાખે છે એ હકીકત છે.

          બહુજ વાજબી રીતે એક સવાલ એ પણ સતાવે છે કે જ્યારે આમીરખાને  એવું કહ્યું જ નથી કે બધા ડૉક્ટર ખરાબ છે કે, એનાથી ઊલટું, ત્રણ ઉમદા ડૉકટરને આ કાર્યક્રમમાં હાજર રાખીને એમના ઉમદા કાર્યને સમાજની સામે લાવી મૂક્યું, તો પણ આમીરખાનના આ ડોઝથી અમુક ડૉક્ટરો અને એમનાં સંગઠનોને જ કેમ રિએક્સન આવે છે? આનો જવાબ પણ ડૉક્ટરની ભાષામાં જ છે, ’કોઈ પણ દવાનું રિએક્સન આવવું એ દર્દીની તાસીર પર આધાર રાખે છે!’

         
           ગંગાજળ:
          ઉપર શરૂઆતમાં જે કિસ્સા લખ્યા એમાંનો ત્રીજો કિસ્સો કે જેમાં ડૉક્ટર સૃષ્ટિના સરજનહારનું કામ કરતા હતા, એ ઘટનામાં ભોપાળું છાપામાં આવી ગયા પછીથી એક ઇફેક્ટ એ થયેલી કે જેને દીકરાના દાન દીધેલાં એવો એક દર્દી, પોતાના સગા અને મિત્રો સાથે હોસ્પિટલમાં આવી ને સાહેબની બરાબર સર્વિસ કરી ગયેલ! (લોકો પણ કેવા નગુણા હોય છે!)
          અને સાહેબની દશા ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે એવી એટલે ફરિયાદ પણ નહીં કરેલી!
          

15 comments:

  1. જબરદસ્ત પાવર પ્લે, અંત સુધી ચોગ્ગા-છગ્ગાવાળી કરતો સમતોલ લેખ

    ReplyDelete
  2. જાની સાહેબ આપની વાત સાથે ૧૦૦ % એગ્રી ,,,,,,,,,,,,,,,,, મેં મેડીકલ રેપ, તરીકે કામ કર્યું છે , અને મને ખબર છે કે ,,કેટલાક ,ડોક્ટર , કેવા ગોરખ ધંધા કરે છે , ,,,,,,, મારે રવિવાર થી આ વિષે થોડી કોમેન્ટ્સ લાકવી હતી પણ અનુકુળતા ના આવી ,,,,,,,,,, આવા ખરાબ ડોકટરો ને રસ્તા વચ્ચે ગધેડા ઉપર બેસાડી ને મારવા જોઈએ પણ સારા ડોકટરો ના નસીબે ખરાબ માણસો બચી જાય છે

    ReplyDelete
  3. એક તો આમીર મુસલમાન છે એટલે પહેલો પૂર્વગ્રહ અહીં નડી જાય છે. આ શો કોઈ ઋત્વિક કે અમિતાભે બનાવ્યો હોત તો લોકોની પ્રતિક્રિયા જુદી હોત. આમીર સારા દાખલા બતાવે જ છે પણ કોઈને જોવા નથી. દુઃખ તો એ વાતનું છે કે હજુ ભણતા ડોક્ટર્સને પણ બહુ ચચરી ગઈ છે. મને પોતાને સારા અને ખરાબ બંને ડોક્ટર્સનો અનુભવ છે. આશરે ૩૫ વર્ષ પહેલા મને પેટમાં દુખાવો ઉપડેલો આવું પહેલા કદી થયેલું નહિ. ડોક્ટરે એપેન્ડીક્ષ છે કહી ઓપરેશન કરી નાખ્યું. થોડા મહિના પછી ફરી દુખાવો શરુ થયો. આ વખતે માણસા સિવિલ હોસ્પિટલમાં બતાવ્યું તો મારો એપેન્ડીક્ષ વાળો ચીરો જોઈને ડોક્ટર હસેલા. મને પથરી થઈ હતી. ડોક્ટરે કહ્યું કે પહેલા પણ આ પથરીનો જ દુખાવો હતો. પણ હવે શું કરવાનું? ગર્ભાશયની કોથળી કાઢી નાખવાના ઓપરેશન પણ કારણ વગર કરી નાખવામાં આવતા જ હોય છે. સારા ડોક્ટરે શું કામ દુખી થવું? આમીર ક્યાં એમને કહે છે?

    ReplyDelete
  4. મેં પણ એવા ઘણા ડોક્ટર્સ જોયેલા છે, એક ડોકટરે એના કોઈ સંતાન ને રશિયા મોકલેલ ડોકટરી નું ભણવા માટે. અને ત્યાં ના ખર્ચા કાઢવા માટે જે સારવાર ૨ દિવસ માં થતી હોય ત્યાં કોમ્પ્લીકેશન ઉભા કરી કરી ને એની સારવાર કરવા માં ૧૦ ૧૫ દિવસ તો રમતા રમતા કાઢી નાખે. કેટલાક ડોક્ટર ઈમરજન્સી માં આવેલા દર્દી ને ફરજીયાત મોંઘી દવા પકડાવે.

    ReplyDelete
  5. સાચું છે. સવાલ અહિં કોણ ડો. ખરાબ અને કોણ ડો. સારો એ નથી જ. પરંતુ આ ઉમદા માનવ સેવાના વ્યવસાયમાં વધી રહેલી બદી તરફ લાલ બત્તી છે. 27 વર્ષ મેં પણ આ લોકો સાથે વ્યાપાર કરેલો છે. મારી પાસે તો અમીરખાને દર્શાવેલ બે બાજુ સિવાયનું આ વ્યવસાયનું ત્રીજું પરિમાણ છે. જે મેડિકલ સંગઠનોએ વિરોધી સૂર દર્શાવ્યો છે તે દર્શાવે છે કે WE ARE THE BEST મનોદશામાંથી તેઓ બહાર આવવા માગતા નથી. જે ચિંતા જનક બાબત છે.

    ReplyDelete
  6. આ જે મારા પરીવારના સદસ્ય (મારા ફાધર સાથે બનેલ કીસ્સો છે જે મેં ફેસબુકમાં પણ મુકેલ છે. તે અહીં મુકુલભાઇના આર્ટીકલ અને બ્લોગને જોઇને ફરી એક વાર મુકવાની ઇચ્છા થઈ)

    સત્યમેવ જયતેના એપીસોડ પરથી ખુદ સાથે બનેલ તાજો જ બનાવ અહીં ક્વોટ કરવાની ઇચ્છા (જે શરૂમાં ઓછી હતી) તે પ્રબળ થઈ અને અમલમાં મુકી.

    મારા ફાધરને નોન-મેલીગ્નન્ટ ટ્યુમર છે. અને એકદમ સ્વસ્થ અને હેલ્ધી લાઈફ પસાર કરી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી ચેક-અપ અને ફોલોઅપ ટ્રીટમેન્ટ ચાલે છે. વરસમાં એક-બે વખત ડોકટર MRI અને CT-Scan પણ સજેસ્ટ કરે છે.

    રાજકોટના એક પ્રખ્યાત ન્યુરો સર્જનની સલાહ હતી, સર્જરી જરૂર નથી. એમના ઓપીનીયનને ધ્યાનમાં રાખેલ. થોડા મહીના પહેલાં એક મોટા શહેરમાંથી એક ’મોટા’ ન્યુરો સર્જન આવેલા. એમને મળવા અને કન્સલ્ટ કરવા ગયા હતા.

    રવીવારે એમણે ફરી એક વાર MRI સજેસ્ટ કર્યું અને આમંત્રણ આપી જ દીધું કે મારા શહેરની મારી હોસ્પીટલમાં તાત્કાલીક આવી જ જાવ. આ ઓપરેશન હું અને જર્મનીના એક ડોક્ટર કરશું. સામાન્ય રીતે જર્મની જઈને આ ઓપરેશન કરાવશો તો લગભગ ૪૦-૫૦ લાખ જેટલો ખર્ચ આવે. પણ અમે આ અડધી જેટલી કિંમતે કરી આપશું.

    એમને અમે જણાવ્યું કે સમય આપો. વિચારીને જણાવીએ. અને પછી જે ફોલોઅપ લીધેલ છે એમણે, નિયમિત ફોન કોલ્સ, (અને ક્યારેક તો દિવસમાં ૨-૩ વાર) છેલ્લે જણાવવું પડ્યું કે અમને રહેવા દ્યો.

    બાય ધ વે આ રાજકોટમાં જે આવેલા તે ફ્રી મેડીકલ કેમ્પ હતો. અને દર ત્રીજા પેશન્ટને એમના શહેરમાં આવવાનું આમંત્રણ આપતા અને મોટી ફી માટેની વ્યવસ્થા કરવાનું જણાવી દેતા હતા.

    ReplyDelete
  7. સૌરાષ્ટ્રના એક શહેરમાં જે તમે ’સર્જનહાર’ જણાવેલ છે તે પ્રકારે પણ ’મદદ’ જુદી રીતે કરતા.

    ડેસ્પરેટ પેશન્ટને પ્રશ્ન પુછે કે તમારે કૃત્રીમ કે કુદરતી ગર્ભાધાન કરવું છે? અને જો કૃત્રીમ હશે તો ખર્ચો વધુ આવશે અને પરીણામ ૫૦:૫૦ની શક્યતા છે. કુદરતી તો સચોટ પરીણામ.

    અને જો એ ડેસ્પરેટ પેશન્ટ હા પાડે કુદરતી માટે.... તો એ ડોક્ટર ખુદ દાતા બની જાય. એમના ’સીટ્ટીંગ્સ’ - બે-ત્રણ થાય. પણ જ્યારે ખબર પડી આ બાબતની - કમકમાં આવી ગયા હતા.

    ReplyDelete
  8. બેલેન્સડ પોસ્ટ પણ જેને 'લાગે'-'વળગે' એને ડમ્બેલ્સ ઊઠાવતા હોય એવી પીડા થાય તો એનો 'ઈલાજ' કંઈ ન થાય !

    દરેક વ્યક્તિને જીવનમાં ડૉ. સાથે પનારો પડ્યો હોય અને સારા-નરસા બન્ને પ્રકારના અનુભવમાંથી ગુજર્યા હોય (અને અમુક તો ગુજરી પણ જાય-એમાં ડૉ. શું કરે? પસંદગીના ધોરણોમાં ખ્યાલ રાખો)

    જ્યારે જ્યારે આવા ડૉ. શબ્દ કાને પડે,મને પણ એ વિશે ખૂજલી ઉપડે પણ હજુ દબાવીને બેઠો છુ. 'ખુજરાગ્નિ' વધુ કનડે ત્યારે વાત.

    ત્યાં સુધી શાંતિ !

    ReplyDelete
  9. આમીરનો શો જોવાનું તો ભૂલાઈ જાય છે, પણ તમને નથી લાગતું કે મીડીયાએ સમાજની નેગેટીવીટીને થોડી ઓછી અને પોઝીટીવીટીને વધુ હાઈલાઈટ કરવી જોઈએ, જેથી ધીમે ધીમે સમાજમાં પોસીટીવનેસ વધતી જાય. નેગેટીવ એન્ડલેસ કિસ્સા છે અને તે સમાજમાં mouth to mouth પ્રસરતા હોય છે જ. ઘણી વખત ચોરોને ચોરી કેમ કરવી તે મીડીયા દ્વારા જાણવા મળે છે. બાકી તો સૌ સૌના મનના માલીક.

    ReplyDelete
  10. ’કોઈ પણ દવાનું રિએક્સન આવવું એ દર્દીની તાસીર પર આધાર રાખે છે!’-----માર્મિક સમાપન...! અભિનન્દન

    ReplyDelete
  11. મુકુલભાઈ...!લેખ વાંચીને મગજ સૂન્ન થઇ ગયું...!મને વિચાર આવ્યો કે રાવણ બ્રાહ્મણ હતો,વિદ્વાન, તપસ્વી. બળવાન,શૂરવીર, શાસ્ત્રજ્ઞ,કવિ,સંગીતકાર....એવા અનેક ગુણોથી સંપન્ન એવો વિશ્વ -વિજેતા હતો...પણ વૃતિ અને પ્રવૃત્તિથી રાક્ષસ ગણાયો....જે લંકામાં રાવણ હતો એ જ લંકામાં વિભીષણ પણ હતો....હિરણ્યકશિપું હોય ત્યાં પ્રહલાદ પણ હોય છે... પણ,જયારે દેવ,દેવ મટીને દાનવ બને ત્યારે થાંભલામાંથી નૃસિંહ પ્રગટે જ છે...ગમે ત્યારે,ગમે તે રૂપે...

    ReplyDelete
  12. Wah, wah Maja no leokh hato..
    Maja e vat ni ke ama doctor ni to lagi gai.. Ane enu jo koi reason hoy to e ke doctoro aatlu badhu kamay chhe. Ane shu kam kamay chhe, E aa badha loko ne samjatu nathi..
    Point number 1. E ke, aa badha shahero ma aava ketlay katalkhana o chale chhe. ( ema vank kono ?? Of Course Doctoru no.)
    Point number 2. E badha katalkhana chale chhe eni Apna MukulBhai ne khabar pan chhe. ( wah wah )
    Point number 3. Aatla badha katalkhana ma katal kara va mate aatla badha loko pan aavta hashe ne. ( ema vank kono ?? Of Course Doctoru no.)
    Poin number 4. E ke, mukulbhai ane ena mitra, tya katal karava jata mat-pita ni vat sambhale chhe ane emne salah aapva ne badle ke legal action leva ne badle maane pan chhe.. ( ema vank kono ?? Of Course Doctoru no.)
    Point number 5. Mukulbhai ane ena mitra ne E KHABAR PAN chhe ke aa specific Katalkhana “A” ma double gorakh dhandha chale chhe. Ane ene badle bija SARI JAT NA single gorakh dhandha chalta Katalkhana “B” ma javu vadhare saru rahe.
    Point number 6. Badha mitro Katalkhana “B” ma jay pan chhe.
    Point number 7. Government e 20 wk pahela na balak ( ke jeni Gender khabar na hoy ) ene marva mate kayadesar pemission apeli chhe doctor ne.. ( LEGAL KATAL :D ) ( ane ema pan vank kono ?? Of Course Doctoru no.)
    Point Number 8. Potana Balak ne VADHERI nakhta ma bap na jo hath na kampata hoy, to Doctoru na kyathi kape ? Enu to kam j chhe .. Ek kissa ma gender khabar nathi ( LEGAL KATAL ) ane bija kissa ma gender khabar chhe etlu j ne ke biju kai ????

    Matlab Vank Kono ??? OFFFfff Coursee Doctaru nooo...

    ReplyDelete
    Replies
    1. આપે બધા જ મુદ્દાઓ લઈને ઝીણવટપૂર્વક સરસ ચર્ચા કરી છે, પણ જ્યારે Anonymous તરીકે કોમેન્ટ કરો ત્યારે છેલ્લે આપનું નામ લખવાનું રાખો તો મને ખ્યાલ પણ આવે કે આવી સરસ કોમેન્ટ કોની છે!

      Delete
  13. તબીબી વ્યવસાયની બન્ને બાજુઓ એકદમ સંતુલિત રીતે ઉજાગર કરી! આપણે ત્યાં ગરીબી વધુ હોઈ એક વ્યવસાયી હોવા ઉપરાંત ડોક્ટરે માનવતાનો અભિગમ કેળવવો પડે છે. સંપન્ન દેશોમાં આ વ્યવસાયને બીજા વ્યવસાયની જેમજ જોવામાં આવે છે.

    ReplyDelete
  14. wow mukul ji...... je vaat badha na man ma hoy te j tame kahi didhi... bravo.... and specially i m a big fan of dr. sharad thaker....... vimal pankhania

    ReplyDelete