ગળથૂથી:
સાધુતા એ કપડાંનો રંગ
નથી પણ મનની અવસ્થા છે.
અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે ‘Streak’ જેનો અર્થ આમ તો એકદમ સીધો સાદો ’ ઝડપથી જવું અથવા ઝડપથી દોડી જવું’ એવો થાય છે પરંતુ ૧૯૭૩માં વોશિંગ્ટનમાં આયોજિત થયેલ mass nude run નું રિપોર્ટીંગ કરતા કોઇ લોકલ રેડિયો સ્ટેશનના પત્રકારે, આ ઘટનાનું લાઇવ બ્રોડકાસ્ટીંગ કરતી વખતે આ નિર્વસ્ત્ર લોકોનો સમૂહ પોતાની પાસેથી પસાર થવાની ઘટનાને માટે "they are streaking past me right now.” આવો વાક્ય પ્રયોગ કરી એક સાવ ફરાળી કહી શકાય એવા નિર્દોષ શબ્દને એક નવો જ અર્થ આપી દીધો! ત્યાર પછી, વિશ્વમાં કોઇ પણ જગ્યાએ જાહેર સ્થળે આ રીતે નાગડા-પુગડા દોડી જતા લોકોને માટે સ્ટ્રીકર શબ્દ વપરાવા લાગ્યો. વિદેશમાં ખાસ કરીને સ્પોર્ટ્સમાં આવી ઘટનાઓ વારંવાર બનતી જોવા મળે છે. રગ્બી, ગોલ્ફ, બુલફાઇટીંગ, ફૂટબોલ, ક્રિકેટ કોઇ જ રમત આમાંથી બાકાત નથી રહી, ખાસ કરીને ફૂટબોલ તો સ્ટ્રીકરની પહેલી પસંદ રહી છે. વળી, આ સ્ટ્રીકિંગ એ માત્ર પુરુષોનો જ ઇજારો છે એવું નથી, પશ્ચિમમાં પુરુષ સમોવડી થવાની લાહ્યમાં કન્યાઓ પણ સ્ટ્રીકિંગ કરવામાં પાછળ કેમ રહી જાય! આપણા લિવીંગ લીજંડ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરને ઇન્ગ્લેન્ડમાં એક મેચ દરમ્યાન આવો અનુભવ થયેલો છે, સુનીલ ગાવસ્કરની બેટીંગ દરમ્યાન એક શ્વેતવર્ણ કન્યા નિર્વસ્ત્ર હાલતમાં મેદાન પર દોડી આવી હતી.
અહીં મોટા ભાગે સ્ટ્રીકરનો હેતુ કોઈ પણ પરિણામ ભોગવવાની તૈયારી સાથે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો હોય છે. પોતાના ક્ષેત્રમાં કંઈક કરી, સફળતા મેળવી લોકોને આકર્ષિત કરવામાં મળેલી નિષ્ફળતા જ્યારે માનસિક બિમારીની હદ સુધી પહોંચે ત્યારે સ્ટ્રીકિંગમાં પરિણમે છે, કેટલાક એકાદ વખત સ્ટ્રીકિંગ કરી અટકી જાય છે જ્યારે આ માનસિક બિમારી ગંભીરરૂપ ધારણ કરે છે ત્યારે સ્ટ્રીકિંગ એ હોબીમાં ફેરવાઇ જાય છે! અહીં, આપણા દેશમાં આ પ્રકારનું સ્ટ્રીકિંગ જોવા મળતું નથી પરંતુ વાણી વિલાસ અથવા પોતાના વર્તન દ્વારા પોતાને સામાજિક રીતે નિર્વસ્ત્ર કરી નાખનારા સ્ટ્રીકરો ઠેર ઠેર જોવા મળે છે. આજે અહીં આપણે એ રીતે સ્ટ્રીકિંગ કરતા રહેતા આપણા દેશના કેટલાક એવા સ્ટ્રીકરોની વાત કરવી છે, જેમની વચ્ચે જાણ્યે અજાણે સ્ટ્રીકર નંબર વન બનવા માટે સતત સ્પર્ધા ચાલતી રહે છે અને વારાફરતી એકબીજાને પછાડીને પહેલો નંબર પ્રાપ્ત કરતા રહે છે!
હાલ આ સ્ટ્રીકરોની જમાતમાં પશ્ચિમ બંગાળની શિવામ્બુ વાળી ઘટનાના અનુસંધાને અગડંબગડં નિવેદન કરી સ્ટ્રીકર નંબર વન હોવાની લ્યાનત ભરેલી બાદશાહત ભોગવી રહેલા છે સ્વામી અગ્નિવેશ! ૨૧ સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ છત્તીસગઢમાં જન્મેલા સ્વામી અગ્નિવેશનું પૂર્વાશ્રમનું નામ શ્યામ રાઓ હતું. કાયદો અને અર્થશાસ્ત્રની ડિગ્રીઓ મેળવ્યા બાદ પાંચેક વર્ષ સુધી કોલકાતાની એક કૉલેજમાં બિઝનેસ મૅનેજમેન્ટના લેક્ચરર તરીકે સેવાઓ આપનારા સ્વામીજી પછીથી રાજકારણમાં જોડાઈ હરિયાણા વિધાનસભાના સભ્ય પણ બન્યા હતા અને વેઠિયા મજૂરો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજીનામું આપ્યું ત્યારે હરિયાણામાં શિક્ષણ મંત્રી હતા. એ રીતે એમણે આજના બેશર્મ બની કોઈપણ ભોગે પોતાની ખુરસીની વળગી રહેતા રાજકારણીઓની જેમ સત્તાલોલુપ નહી બની રહેતાં એક ઝટકે મંત્રીપદ ફગાવેલું. મંત્રીપદ પર રહેતાં એમણે ’બોન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટ’ નામની એક સંસ્થાની સ્થાપના કરી જેનું કામ મુખ્યત્વે વેઠિયા મજૂરોની સમસ્યાઓને ઉજાગર કરવાનું હતું.
હરિયાણા સરકારમાંથી મંત્રીપદ છોડવાની સાથે જ સ્વામીજી સક્રિય રાજકારણ પણ છોડી દીધેલું અને પછી ઘણા લાંબા સમય સુધી ગુમનામીના અંધકારમાં ખોવાઈ ગયેલા, પણ કોણ જાણે ક્યારે એક દિવસ અચાનક (કોઇ પણ ભોગે) પ્રસિદ્ધિમાં રહેવાની રેશમી સાપણ ડંખી ગઈ, પછી આજની ઘડીને કાલનો ’દિ, સ્વામી અગ્નિવેશજીએ પાછું વળીને જોયું નથી! અચાનક આવી પડતી મુસીબતો માટે કાઠિયાવાડમાં એક રૂઢિપ્રયોગ છે, ’ભોં માંથી ભાલા ઊગી નીકળવાં’ પણ આ સ્વામીજી તો જાણે રીતસર વિવાદમાં રહેવા માટે થઈને જ આવાં ભાલાંઓની ખેતી કરતા હોય એવું લાગે છે. માઓવાદીઓ માટેની એમની સુંવાળી લાગણીઓ જગ જાહેર છે. માઓવાદી આઝાદના મોત પર સ્વામીજી દુ:ખી દુ:ખી થઈ ગયેલા અને એમના આ દુ:ખી થવાથી દુભાયેલા છત્તીસગઢના એક માઓવાદ પીડિત આદિવાસી ગ્રામજનો (જેમાં મુખ્યત્વે મહિલાઓ હતી) સ્વામી અગ્નિવેશ આણી મંડળી પર એવી તો પાણાવાળી કરેલી કે ત્યાંથી જીવ બચાવીને ભાગવું ભારે થઈ પડેલું!
આ રીતે વિવાદાસ્પદ વિધાનો અને નિવેદનો કરીને સતત પ્રસિદ્ધિમાં રહેવાનો સ્વામીજીનો આઇડિયા એક રીતે (એમના દ્રષ્ટિકોણથી સ્તો!) ફળ્યો, જેમના માટે માત્ર ટી.આર.પી. જ સર્વસ્વ છે અને જેમને ચોવીશ કલાકની એમની દુકાન કોઇ પણ ભોગે ચલાવવી છે એવી ન્યૂઝ ચેનલો વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચામાં સ્વામીજીને મહત્વ આપવા લાગી. સસ્તી પ્રસિદ્ધિના આ નશાએ સ્વામીજીને વધારે બહેકાવ્યા અને સ્વામીજીએ વધુને વધુ સ્ટ્રીકિંગ ચાલુ કર્યું. હમેશા બહુમતી સમાજને ન ગમે એવું બોલવું આ પ્રકારની માનસિકતાના પરિણામે વિશ્વભરમાં ફેલાયેલા કરોડો ભારતીયોની આસ્થાની પ્રતીક એવી અમરનાથ યાત્રા પર પણ કશુંક એલફેલ બોલી બેઠા, પરિણામે યુપીની એક કોર્ટની તારીખો તો પડે જ છે ઉપરાંત અન્ના હજારેના આંદોલન માટે સમર્થન મેળવવાના હેતુથી અમદાવાદમાં યોજાયેલી એક સભા દરમ્યાન એક સાધુએ એવી તો કચકચાવીને ગાલ પર ખેંચી લીધી કે પાઘડી પણ ઊડી ગયેલી! વળી, નડિયાદ પાસેના કોઇ ગામના મંદિરના આ મહંત નિત્યાન્દદાસજીએ સ્વામી અગ્નિવેશને જોડો મારનારને રોકડા રૂપિયા ૫૧૦૦૦/-નું ઇનામ પણ જાહેર કર્યું! (સ્ટ્રીકિંગમાં વળી પાછું આ પેટા સ્ટ્રીકિંગ!)
જે અન્ના હજારે માટે આખા દેશમાં ફરીને સમર્થન માગ્યું, એજ અન્નાજીની પીઠમાં ખંજર ભોંકી એજ આંદોલનના મેદાન પરથી અન્નાજીની જાસૂસી કરતા અને કપિલ સિબ્બલને ફોન કરી અન્નાજી વિષે એલફેલ બોલતા સરા જાહેર કૅમેરા સામે ઝડપાયા પછી, ઊલટો ચોટ કોટવાળને દંડે એમ ટીમ અન્ના પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાના ચાલુ કર્યા, અહીં પણ આ સ્ટ્રીકિંગ પૂરેપુરૂં કામયાબ રહ્યું, ટી.આર.પી.ના ભૂખ્યા મીડિયાએ સ્વામીજીને જેટલું જોઈતું હતું એનાથી પણ વધારે કવરેજ આપ્યું ઉપરાંત બિગ બોસ જેવા બદનામ શો ને પણ આ સ્વામીમાં પોતાના ફાયદાનું પોટેન્શિયલ જડી આવ્યું ને સ્વામીજી પાછા પોતાના પાવન પગલાં ત્યાં કરી પણ આવ્યા!
વિધિની વક્રતા કેવી છે કે જે વેઠિયા મજૂરોના માટે થઈને એક જમાનામાં એક એન.જી.ઓ.ની સ્થાપના કરી હતી અને પ્રધાનપદું ફગાવ્યું હતું એજ એન,જી.ઓ.ના નેજા હેઠળ પાંચ વર્ષ પહેલાં દિલ્હી સરકારના અઢાર લાખ ગુપચાવ્યાની નોટીસોના જવાબ પણ નથી આપી શકાતા!
હમણાંની તાજી ઘટના પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી છે જેમાં ’નોક્ચર્નલ એન્યુરેસીસ’(જેમાં ઊંઘમાં અજાણતાં પથારીમાં પેશાબ કરી જવાય છે)ની બિમારી ધરાવતી વિશ્વ ભારતી યુનિવર્સિટીની એક દશ વર્ષની છાત્રાને હોસ્ટેલની વૉર્ડને પોતાના પેશાબ વાળી પથારી ચાટવાની સજા કરી, સ્વાભાવિક રીતે જેવી આ ઘટના બહાર આવી એટલે આખા દેશમાં એની ઘોર નિંદા થઈ, પણ સ્વામી અગ્નિવેશજી જેનું નામ, એને તો અહીં પણ સ્ટ્રીકિંગનો એક સોનેરી અવસર દેખાયો અને આ ઘટનામાં વૉર્ડનના બચાવમાં ઊતરી એને સ્વમૂત્ર ચિકિત્સામાં ખપાવવાની કોશિશ કરી. સ્ટ્રીકિંગ ફરી એકવાર સફળ રહ્યું અને આખા દેશમાં સ્વામીજી પર તડાપીટ બોલી ગઈ. ફેસબુક અને ટ્વીટર જેવી સોસ્યલ નેટવર્કિંગ સાઇટ પર તો સ્વામીની એવી ભાષામાં ફીરકી લેવાઈ છે કે રૂચીભંગની સંભાવનાના કારણે અહીં લખી શકાય એમ નથી.
એક જમાનામાં આ દેશમાં સ્ટ્રીકર તરીકે રાખી સાવંતનું એકચક્રી શાસન ચાલતું હતું અને મીડિયાને પોતાની સર્જેલી આ એક બેટી ઓછી પડી હોય એમ પાકિસ્તાનથી વિણા મલિક પણ આયાત કરવામાં આવેલી. વચ્ચે કૉંગ્રેસ મહાસચિવ શ્રીશ્રીશ્રી ૧૦૦૮ દિગ્વિજયસિંહજીએ સ્ટ્રીકિંગમાં પોતાનો ડંકો વગાડેલો પણ આજ કાલ એમની પાર્ટીએ એમના મોઢા પર પટ્ટી મારી દીધી છે, ક્યારેક ક્યારેક અરૂંધતી રોય અને પ્રશાંત ભૂષણ જેવા લોકો પણ કાશ્મીર અંગે બકવાસ કરી યથાશક્તિ પ્રયત્નો
કરતા રહે છે, પરંતુ રાજકારણ, ધર્મ અને સમાજસેવાના ત્રણ ત્રણ ઘોડા પર એક સાથે સવારી કરતા હોવાના કારણે સ્વામી અગ્નિવેશને રાખી સાવંત અને અન્ય હરીફો જે એકાદ ક્ષેત્રમાં જ પોતાનું હીર ઝળકાવતા હોઈ, એમના પર ’લીડ’ મળે છે!
આ દેશની જનતા એટલી પુણ્યશાળી છે કે એને મનોરંજનની કદી ખોટ પડી નથી અને પડવાની નથી કારણક કે ગીતાકાર ભલે ’સંભવામિ યુગે યુગે’ નું
વચન પાળે કે ના પાળે, વિદૂષકોએ વગર દીધે
પાળ્યું છે!
ગંગાજળ:
સમયાંતરે પ્રોડક્ટનાં નામ બદલાતાં રહે છે,
જેમકે બિનાકામાંથી સિબાકા થયું,
માણિકચંદનું આર.એમ.ડી.
એ રીતે એક જમાનાની
મોરારજી બ્રાન્ડ હવે અગ્નિવેશ નામથી ઓળખાય છે!
મોરારજી બ્રાન્ડ હવે અગ્નિવેશ નામથી ઓળખાય છે!
સ્ટ્રીકર શિરોમણી...અગ્નિવેશ..કિડની જેને કચરો સમજી કાઢી નાખતી હોય તે પાછું શરીરમાં નાખવાની વાત મને તો ગળે ઉતરતી નથી. એક તો પેલા હરામી શિક્ષકને સખત સજા થવી જોઈએ. લાગે છે તેને બચપણમાં પથારીમાં યુરીન કરી જવા બદલ તેના બાપાએ માર્યો હશે. અગ્નીવેશનું છટકી ગયું લાગે છે. આગ્રાની વિખ્યાત હોસ્પિટલમાંથી એક દર્દી ભાગી ગયો છે તેવા સમાચાર હતા. હહાહાહા.
ReplyDelete’ભોં માંથી ભાલા ઊગી નીકળવાં’ અને સ્ટ્રીકર પર સ્વામી નગ્નીવેશનું બહુ સારી રીતે વર્ણન કર્યું છે. એ સામાજિક કાર્યકરતાનથી, કાર્યનકરતા છે.
ReplyDeleteબસ આમ જ લખતા રહેજો....
એમની મુલાયમ સાથેની નજદીકી જાણીતી છે.
ReplyDeleteઆ તો સ્ટ્રીપટીઝ પણ કરે એવી નાગી આઈટમ છે.
મસ્ત લેખ, છેલ્લું કાર્ટૂન કોનું છે?
Dear Mukulbhai...
ReplyDeleteAapna Bharat desh ni balihaari ke Loko ni Bewkoofi..kaune DAUSH daiye!!!?
Aaj aa Swami Agneevesh ..tau pahela hata Yogeshwar............ne tena pahela......satya Sai..............aama koi ne Vakhanava jeva j nathi!!! Loko ni DuH;khti nass ne aa ne aava HARAMIYO ne pachha Media/TV/News Readres ne Patrakaro paan..Aav bahi Harkha..Aapan Sau Sarkha......
Lohi ukali jaye che paan Aafasauss..
god bless us all..Jay Shree Krishna
Sanatkumar Dave ( Findlay ohio USA @ 12.50pm 18.7.12 wed)
તમેય ક્યાં વળી આ પાગલ માટે લેખ લખ્યો ,,,,,,,,,, આવા માણસો ને એમનું નહિ બીજા નું યુરીન પીવડાવવું જોઈએ
ReplyDelete