Wednesday, July 25, 2012

આ પણ એક જાતનું સુપારી કિલીંગ છે!


            ગળથૂથી
 સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યાબન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી એ જોતાં તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ!


            આજથી આઠ દસ વર્ષ પહેલાં મુંબઈ જતી વખતે સુરતથી ટ્રેન પસાર થતી ત્યારે એક  ક્લિનિક ના બોર્ડ ઠેકઠેકાણે જોવા મળતાં જેમાં બહુ સ્પષ્ટ રીતે લખેલું હતું કે ગર્ભપાત કાયદેસર છે અને સાથે સાથે ગર્ભપાતનો ભાવ પણ લખેલો  જોવા મળતો. આ  ક્લિનિકનાં આવી જાહેરાતનાં પાટિયાં ટ્રેનની અંદર ને રેલવે પ્લેટફૉર્મ પર પણ જોવા મળતાં અને અન્ય શહેરોમાં પણ બ્રાન્ચ હતી, આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું અને કાયદેસર રીતે આખા દેશમાં આ આવાં બીજાં કતલખાનાંઓ દ્વારા કરોડો નહીં જન્મેલાં શિશુઓને માત્ર એમની જાતી નારી હોવાના કારણે આ ધરતી પર પહેલો શ્વાસ લેવાનો પણ હક્ક ના મળ્યો. એ પછી ૧૯૯૪માં સરકાર અચાનક સફાળી જાગી અને PDNT Act (THE PRE-NATAL DIAGNOSTIC TECHNIQUES Act 1994) અસ્તિત્વમાં આવ્યો અને ભૃણના જાતી પરીક્ષણ પર કાયદેસર રીતે પ્રતિબંધ લાગી ગયો.
              તો શું ખરેખર ત્યારથી કન્યાભૃણનું નિકંદન નીકળવાનું બંધ થઈ ગયું? અતિ ભ્રષ્ટ અને લોકોની લાશોમાંથી પણ પૈસા પેદા કરી લેવાની વૃત્તિ ધરાવતા રાજકારણીઓ અને અધિકારીઓ તથા કોઇ પણ સારા કાયદામાં થી છીંડા શોધીને પોતાનો ટૂંકા ગાળાનો સ્વાર્થ સાધવા માટે થઈને એની બૂરી વલે કઈ રીતે કરવી એવી માનસિકતા ધરાવતા નાગરિકોના આ દેશમાં શક્ય છે? આ કાયદાની એજ હાલત થઈ જે અત્યારે ગુજરાતમાં દારૂબંધીની છે! ગમે ત્યારે માગો એટલે શરાબ મળી જાય છે, બસ માત્ર તમારી તૈયારી પાંચથી દસગણી કિંમત ચૂકવવાની હોય! પહેલાં જે કામ સાતસોથી હજારમાં થતું હતું એના અત્યારે પાંચથી પચ્ચીસ હજાર ચૂકવવા પડે છે, જે કામ પહેલાં છડેચોક પાટિયા મારી જાહેરાત કરીને થતું હતું એ હવે છાના ખૂણે થાય છે, બસ એટલું જ! માત્ર કાયદો બનાવી નાખવાથી હેતુ સિદ્ધ થતો નથી, કાયદાનો યોગ્ય રીતે અમલથાય એ જોવાની ઇચ્છા શક્તિ પણ હોવી જરૂરી છે અને એ ઉપરાંત જરૂર છે સમાજવ્યવસ્થાને બદલાવવા માટે થઈને કુરિવાજોને દૂર કરવાની અને જાગૃતિ લાવવાની.

             જો કે આ દૂષણનાં મૂળ અને એની પાછળનાં કારણો સદીઓ જૂનાં છે, બસ ફરક એટલે છે કે આજે એની પાછળનાં કારણો એનાં એજ છે પરંતુ સમયની સાથે આ દૂષણનું આધુનિકીકરણ થયું છે. પહેલાના જમાનામાં દીકરી જન્મે એટલે તુરતજ એને દૂધના મોટા તપેલાંમાં ડુબાડીને મારી નાખવામાં આવતી અને આ જઘન્ય કૃત્યને માટે સરસ મજાનું નામ આપવામાં આવેલું દીકરીને દૂધ પીતી કરી દેવી’! માત્ર ભારતમાં જ નહીં પરંતુ એક સમયે આરબો પણ પુત્રીના જન્મને પોતાની બેઇજ્જતી માનતા અને દીકરા જન્મતાંની સાથે જ એને જીવતી દફન કરી દેતા. મેડિકલ સાયન્સના વિકાસની સાથે અલ્ટ્રાસોનોગ્રાફીની શોધ થઇ ત્યારે એના શોધક ને ખબર નહીં હોય કે માતાના ગર્ભમાં શિશુનું સ્વાસ્થ જાણવાના તથા પુખ્ત લોકોની બિમારીઓમાં નિદાનમાં સહાયરૂપ થાય એવા સારા હેતુથી શોધાયેલું આ સાધન ભવિષ્યમાં કરોડો હત્યાનું નિમિત્ત બનવાનું છે! એમ તો આલ્ફ્રેડ નોબેલને પણ ક્યાં ખબર હતી કે ખોદકામમાં સરળતા કરી આપવા માટે એણે શોધેલી ડાયનેમાઇટનો ઉપયોગ કરીને ભવિષ્યમાં માણસ બૉમ્બ બનાવવાનો છે! પણ આતો માણસજાત છે, એ તો હળને પણ હથિયાર બનાવી શકે છે!


             દીકરીને જન્મ્યા પહેલાં જ માંના ગર્ભમાં દમ તોડી દેવો પડે છે એની પાછળ સૌથી વધારે જવાબદાર છે દહેજનો રાક્ષસ. જે સમાજમાં દીકરીના લગ્ન માટે જિંદગીભરના ઉતરે એટલું કરજ કરીને દહેજ ચૂકવવું પડતું હોય અથવા રીતરિવાજના કારણે જંગી ખર્ચ કરવો પડતો હોય અને પહોંચ ના હોય ત્યારે સ્વાભાવિક છે કે મા-બાપ દીકરીને બોજ માનીને એનો જનમવાનો અધિકાર છીનવે છે. વળી, હિન્દુધર્મમાં ભલે કહ્યું હોય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમંતે સ્તત્રેવ દેવતાપણ સાથે સાથે શાસ્ત્રોએ એ પણ કહ્યું છે કે જે પું નામના નર્કમાંથી તારે તે પુત્ર’ (પછી ભલે એ પુત્ર મા-બાપને જીવતાં નર્કનો અનુભવ કરાવે!) એટલે અગ્નિદાહ દેવા માટે અને પિંડદાન કરવા માટે પુત્ર તો જોઇએ જ! અને મોટા ભાગે તો સાસુજીઓનો જ આવો દુરાગ્રહ હોય છે. વળી, આજે ડગલે ને પગલે છેડતી અને બળાત્કાર જેવા સ્ત્રી વિરોધી અપરાધ થાય છે ત્યારે માતા-પિતા પોતાની દીકરીને લઈને સતત અસુરક્ષાનો અનુભવ કરે એ સ્વાભાવિક છે, આમ એક રીતે જોવા જઈએ તો સ્ત્રીભૃણ હત્યા એ પોતે સમસ્યા નથી પરંતુ એવાં અનેક દૂષણનું પરિણામ છે જે એક વિષચક્રની માફક એકબીજાની સાથે જોડાયેલાં છે એટલે જો કન્યાભૃણ હત્યાનો અંત લાવવો હશે તો હશે તો માત્ર કાયદો બનાવ્યાથી કામ નહીં ચાલે પરંતુ આ કારણોના વિષચક્રને તોડવું પડશે, સામાજિક જાગૃતિ લાવવી પડશે.

            સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે સમાજ શિક્ષિત હોય એ કુરિવાજોથી દૂર હોય અને સામાજિક રીતે જાગૃત હોય, પરંતુ અહીં એનાથી ઊલટું છે. આંકડાઓ સાબિત કરે છે કે જે લોકો ઓછા ભણેલા છે અથવા આપણે જેને પછાત ગણીએ છીએ એ લોકો કરતાં કહેવાતા ભણેલા ગણેલા અને સમાજમાં આગળ પડતા લોકો પોતાની દીકરીની હત્યા કરવામાં પણ ઘણા આગળ છે! માખી, વંદા કે મચ્છરને મારવામાં પણ જે લોકોને ધર્મ આડો આવે છે એ લોકોને પણ પોતાનું જ સંતાન જો દિકરી હોય તો માં ના ગર્ભમાં જ મારી નાખવામાં કોઇ અધર્મ નથી લાગતો! અંગ્રેજી ભાષામાં એક શબ્દ છે Cannibal, આનો અર્થ એવો છે કે જે પોતાની જ જાતિનો શિકાર કરે છે એવું પ્રાણી. અલબત્ત, Cannibalism એટલે કે આ પ્રકારની વૃત્તિ સામાન્ય રીતે માંસાહારી પ્રાણીઓમાં પણ જવલ્લેજ જોવા મળે છે, જ્યારે માણસજાત તો ધર્મ, દેશ કે પછી સંપત્તિ કે એવા કોઇને કોઇ બહાના હેઠળ આ  Cannibalism આચરતી રહે છે અને એમાંયે પોતાનું જ સંતાન પોતાની ઇચ્છિત જાતિનું ન હોય એટલે એને મારી નાખવું એવું કેનિબાલીઝમ તો માણસ સિવાય કોઇ જાનવરમાં નથી, છતાં માણસ કોઇને ઉતારી પાડવા માટે ગાળ તરીકે જાનવરશબ્દનો ઉપયોગ કરે છે! આ ચોપગાં જો એકબીજાની સાથે પોતાની ભાષામાં કૉમ્યુનિકેશન કરી શકતાં હશે તો ચોક્કસપણે એમની ડિક્શનેરીમાં માણસશબ્દ બહુ ભૂંડાબોલી ગાળ તરીકે વપરાતો હશે!

             સુપારી કિલીંગ એટલે અમુક ચોક્કસ રકમમાં કોઇની હત્યાનો કોંટ્રેક્ટ લેવો. એક ગુંડો જે રીતે પૈસા માટે કોઇની હત્યા કરે છે એ રીતે એક ડૉક્ટર પણ પૈસા માટે એક શિશુને માતાના ગર્ભમાં મારવા તૈયાર થઈ જાય છે અને અહીં એ ન જન્મેલા નિર્દોષ શિશુની સોપારી આપનાર ખુદ એનાં જ મા-બાપ છે એ જોતાં સુપારી કિલીંગની ઘટના અને એક ભૃણહત્યા, બન્નેમાં તાત્વિક રીતે તો કોઇ જ ફરક હોય એવું લાગતું નથી, તો હત્યા કરાવનાર અને હત્યા કરનાર માટે ઇન્ડિયન પિનલ કોડની જે કલમો છે એજ આ ઘટનામાં લાગુ કરી દેવી જોઇએ નવા કોઇ કાયદાની જરૂરજ ક્યાં છે? શું કહો છો?

*  *  *
            
             અંતમાં એક મિત્રના ઇમેઇલ દ્વારા મળેલી એક સુંદર અને સંવેદનશીલ વાત, જે આમ તો
એનાં કારણોને લઈને મૂળ મુદ્દા કરતાં જુદી પડે છે છતાં ભાવનાત્મક રીતે જોડાણ છે એટલે અહીં વહેંચવાની લાલચ રોકી શકાતી નથી....

             -એક ચિંતાતુર સન્નારી પોતાની કાખમાં એક વર્ષના બાળકને તેડીને એ ગાયનેકોલોજીસ્ટની ચેમ્બરમાં દાખલ થઈ અને ડૉક્ટરને કહ્યું, ”ડૉક્ટર સાહેબ, હું બહુજ ગંભીર સમસ્યામાં ફસાઈ ગઈ છું અને એમાંથી તમે જ મને બચાવી શકો એમ છો પ્લીઝ...

             “હાં, બોલો બહેન, હું શું મદદ કરી શકું?” ડૉક્ટરે બહુ જ સૌજન્યપૂર્ણ નજર માંડીને કહ્યું.

             “સાહેબ, મારી આ દિકરી હજુ તો એક વર્ષની જ છે ત્યાં હું ફરીથી ગર્ભવતી થઈ છું, અને હું નોકરી કરૂં છું. નોકરીની સાથે આ બે નાના બાળકોની સંભાળ લેવાનું મારા માટે શક્ય નથી એટલે મારે ગર્ભપાત કરાવી નાખવો છે.

             ડૉકટરે આ સાંભળી કંઈક વિચારી એક ઊંડો શ્વાસ લેતાં કારુણ્યભરી દૃષ્ટિ નાખીને કહ્યું, “ ઓકે બહેન, તારી વાત સાચી છે, તારી સમસ્યા ઘણી ગંભીર છે હું સમજી શકું છું, અને એટલે જ મેં તારા માટે એક એવો ઉપાય વિચાર્યો છે જેમાં તારે બે બાળકોની સંભાળ ના લેવી પડે અને સાથે સાથે ગર્ભપાતની પીડા પણ ન વેઠવી પડે!

             “ઓહ ડૉક્ટર..! ખરેખર? હું આપની બહુજ આભારી થઈશ, મને જલદીથી બતાવો!

             “જો બહેન તારી સમસ્યા એ છે કે તું બે બાળકોને સંભાળી શકે એમ નથી..બરાબર? તો આપણે એવું કરીએ કે આ તેં કાખમાં તેડેલી એક વર્ષની દીકરી છે એને ઝેરનું ઇંજેક્શન આપી મારી નાખીએ, એટલે તારે ગર્ભપાતની પીડા પણ વેઠવી નહીં અને તારો પ્રૉબ્લેમ સોલ્વ!

             પેલી સ્ત્રી, એક ક્ષણ માટે સન્ન થઈ ગઈ અને પછી ગુસ્સાથી ફાટી પડી, “તમે આ કેવી બેવકૂફ જેવી વાત કરો છો ડૉક્ટર! મારાં બાળકની હત્યા કરવાની વાત કરો છો? તમે આવું ભયાનક વિચારી પણ કેવી રીતે શકો?” એ બાઇ ગુસ્સાથી ધ્રૂજતાં બોલી.

             ડૉક્ટરે એકદમ શાંતિથી કહ્યું, “સાચી વાત છે બહેન, હું પણ એજ કહું છું જે તું કહે છે!

             પેલી સ્ત્રીને ડૉક્ટરનો કહેવાનો મતલબ સમજાયો અને પસ્તાવાથી રડતી એ ડૉક્ટરને પગે લાગી, “મને માફ કરી દો સાહેબ..!એમ બોલી એ ચેમ્બર છોડી પોતાની કાખમાં તેડેલી દીકરીને માથે હાથ ફેરવતી નીકળી ગઈ...

*  *  *
            
             આ તો એક કાલ્પનિક વાત છે એટલે એમાં આવો અંત આવે, બાકી વાસ્તવમાં તો એવું હોય કે ગુસ્સાથી ચિડાઈ, એ ડૉક્ટર સામે એક નફરતભરી નજર નાખી ચેમ્બરમાંથી બહાર નીકળી એ બાઇએ બીજા ડૉક્ટરના  ક્લિનિક તરફ પોતાની કાર દોડાવી મૂકી!

ગંગાજળ:

"કહેવાતો સુધરેલો સમાજ જે રીતે અને જે પ્રમાણમાં માતાની કૂખને જ કન્યાભૃણનું કબ્રસ્તાન બનાવી રહ્યો છે એ જોતાં લાગે છે કે મહાભારતનો યુગ બહુ દૂર નથી!
             

10 comments:

 1. આ ૩૧ વળી આઈટમ નું જાતીય પરીક્ષણ કરવું પડે એ શક્યતા નકારવા જેવી નથી.

  ReplyDelete
 2. ખુબજ સાચી વાત સીધી ને સરળ ભાષા માં કરી છે...........તમે આના માટે જવાબદાર કોણ? જ્યાં સુધી સમાજ ના લોકો આ સમજતા નહી થાય ત્યાં સુધી દીકરી ઓ ને અવતર્યા પહેલાજ મારી નખાશે ને એમની કારમી ચીસો વણ સંભળાયેલી જ રહેશે............દીકરીઓ જ નહી હોય તો લોકો ના ઘર માં વહુ ઓ ક્યાં થી આવશે પછી શું પોતાના છોકરાઓ ને વાંઢા ફેરવશે લોકો??????????

  ReplyDelete
 3. ખુબ સરસ મુકુલ દાદા
  આ બધીજ હકિકત્ આપણે બધાજ જાણીએ છે પણ “મારે શું” કહી ને પછી હાથ ધોઈ નાખીએ છે. પણ સવાલ અહીં એ છે ક આ કુપ્રથા અને આ હત્યા કરવાની માનસિકતા આવી ક્યાં થીઆપણા ગુજરાતી સાહિત્ય અને સમાજ માજ દીકરી ને સાપ નો ભારો, બોજ અને ખબર નહિ બીજા કેટલી વાહિયાત ઉપમાઓ આપવા મા આવી છે. અને આ માનસિકતા પાછળ પણ એજ રીવાજો જવાબદાર છે. સ્ત્રી ને આપડે ભણાવતા નથીઆશા રાખું કે આપડે કંઈ નહિ તોહ આ પછાત માનસિકતા બદલી શકીયે. બાકી કેટલા દીકરા એમના માતા/પિતા ને અત્યારે મદદ કરે છે અને કેટલી દીકરી, એ જાણશો તોહ પણ તમારો મોહ ભંગ થઇ જશે. અસ્તુ.... વિપુલ જોશી

  ReplyDelete
 4. એક નઘરોળ સમાજ ઉપર સણસણતો તમાચો એવો આ લેખ છે. મગજના (જો કે હોય તેવું કદાપી લાગ્યું નથી) દરવાજા કાયમને માટે બંધ કરીને બેઠેલા અને અતી પ્રગતીશીલ અને રૂપીયાવાળા લોકોનો આ રોગ છે. હરામીઓ ને સ્વર્ગ કે નર્ક મળશે એ તો ઉપરવાળા ઉપર છે પણ આટલા કૃર આ સુવર કેમ થઈ શક્તા હશે????

  ચીત્રો અને સરકારી મેસેજ વિચલીત કરી નાખે તેવા છે.

  મુકુલભાઇ - ખુબ સમાજોપયોગી લેખ.

  ReplyDelete
 5. મુકુલભાઈ , વરસો થી આબાબત સમાજમાં ચર્ચાતી રહેછે,
  પહેલા "પીળા રૂમાલની ગાઠ" વાળા લોકો હતા. હવે આબધા સમાજના આતંકવાદીઓ છે.
  આ બધા સામે આતંકવાદી તરીકે જ સજા સરકારે કાયદામાં કરવી જોઈએ.
  ભરત દુદકિયા.

  ReplyDelete
 6. ONLY WHEN OUR SOCIETY WILL RESPECT WOMANS AND TREAT HIM AS A EQUAL , THAN THIS PROBLEM WILL GO..NO LEGISLATION WILL WORK

  ReplyDelete
 7. સંવેદનાને હચમચાવતો સાંપ્રત લેખ .. દારૂબંધીની " સફળતા " ની સરખામણી સચોટ ..ફોટા અસરકારક છેલ્લી વાત ચોટદાર. ધન્યવાદ .

  ReplyDelete
 8. મુકુલ દાદા બહુજ સરસ આલેખન !!

  આપના કટાક્ષો ના કટકા નો આનંદ કાયમ લીધો છે પણ આપ ગંભીર મુદા ને પણ ગરિમા થી આલેખી શકો છે એ આજે ફરીથી અનુભવ થયો અને કેન્નીબલ ની યાદ અપાવી ગયો.

  અમે પ્રાથમિક માં ભણતા ત્યારે દીકરી ને દૂધ પીતી ના કુરિવાજ અને તેને દુર કરવા થયેલ પ્રયત્ન વિષે ભણતા, એને પણ આજે ૩૦ વર્ષ થયા છતાં આ બાબત માં કોઈ પ્રગતિ નથી.
  હું દઢપણે એવું માનું છું કે આમાં કહેવાતા સામાજિક અગ્રણીઓ, ધર્મ ગુરુઓ, સતાધીસો બધા ની નિષ્ક્રિયતા છે. (ગુજરાત ને આમાંથી બાકાત રાખી શકીએ.)

  सबको सन्मति दे भगवान !!

  ReplyDelete
 9. લેખ અડધો વાંચ્યો છે સર પણ ખુબ અસરકારક વાત લાગી. એક મેસેજ મારે આવ્યો હતો. જે આ પ્રમાણે...

  સિંહ બચાવો અભિયાન ચાલે છે પણ બાઈક પાછળ છોકરી સારી લાગે કે સિંહ ??!! તો છોકરી બચાવો આંદોલન કરો. !!!

  ~ સત્ય ઓઝા

  ReplyDelete
 10. સંવેદના તો હવે ખોવાઈ ગઈ છે ,,,,,,,, અને આપના આર્ટીકલ ની એક વાત નો પણ વિરોધ કરવા જેવો નથી , પણ એટલી રીક્વેસ્ટ ચોક્કસ થી કરીશ કે જો ભ્રુણ હત્યા માટે ૩૦૨ ની કલમ લગાડશો તો આખુય ભારત એક મોટી ઓપન જેલ માં ફેરવવું પડશે ,,,,,,,, આ ઘટના માં કોણ ગુનેગાર નથી? સ્ત્રી , પતિ સાસુ સસરા , માં બાપ , ડોક્ટર કોણ નહિ?
  ઉપાય એક જ છે જન જાગૃતિ

  ReplyDelete