ગળથૂથી
ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा
मैं सजदे में न हीं था आपको धोखा हुआ होगा
-दुष्यंत कुमार
’ગુજરાતમાં
અત્યારે કટોકટી જેવી પરિસ્થિતિ છે’.
થોડા સમય પહેલાં, ગુજરાતના
એક સિનિયર નેતાનાં આ બયાને આખા દેશમાં ખાસ્સી ચર્ચા જગાવેલી. આજકાલ સોશિઅલ મીડિયા
પર સરકારે સકંજો કસવાની શરૂઆત કરી છે ત્યારે ફરીથી આ ’ઇમર્જન્સી’ ’આપાતકાલ’ ’કટોકટી’ જેવા શબ્દોનું
સોશિઅલ મીડિયા પર ઘોડાપૂર આવ્યું છે,
ત્યારે આજે પણ ભારતની આઝાદી પછીના ઇતિહાસનું એ સૌથી કલંકિત પ્રકરણ યાદ કરીને
પચાસને પાર કરી ગયેલી જનરેશનના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે પણ આજની
જનરેશનને માટે તે આ બધા શબ્દો ખાસ મતલબ નથી રાખતા કારણકે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ
આઝાદ થયા પછી ૨૬ જૂન ૧૯૭૫ થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી
ફરીથી આ દેશ ગુલામી અને અત્યાચારની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયો હતો એની એને
ખબર જ નથી!
તો શું હતી આ
કટોકટી? એની
પાછળના કારણો શું હતાં? એની અસરો
શું થઈ? આવો
થોડાં વર્ષો ફ્લેશબેકમાં જઈ સમજવાની કોશિશ કરીએ...
*****
દિલ્હીની
પચ્ચીસ જૂનની એ રાત, બીજી
રાતો જેવીજ ગરમ અને સામાન્ય હતી,
અમીરોના શયનખંડમાં એર કંડીશનની ઠંડક હતી,
મધ્યમ વર્ગ પંખાના સહારે દિલ્હીની ગરમી સામે લડવાની કોશિશ કરતો હતો અને ફૂટપાથ
પર સુતેલા લોકો કુદરતી હવાના આશરે હતા ત્યારે કોઇને પણ રાજકારણમાં પ્રસરેલી ગરમીનો
અંદાજ નહોતો. બીજા દિવસની સવાર ઘણાં આશ્ચર્યો લઈને ઊગી એમાંનું એક એ હતું કે તે
દિવસે દિલ્હીમાંથી એક પણ અખબાર નહોતું નીકળ્યું, કારણકે તે રાત્રે તમામ અખબારોના પ્રેસનો વીજપુરવઠો કાપી
નાખવામાં આવેલો! તે દિવસે સમગ્ર દેશમાં પણ જે અખબારો નીકળ્યાં એમાંથી મોટા ભાગનાં
માં તંત્રીલેખ વાળી જગ્યા કોરી હતી અથવા તો ત્યાં એવું લખેલું હતું કે દેશમાં
ઇમર્જન્સી લાગુ થઈ હોવાના કારણે આજનો તંત્રીલેખ છાપી શકાયો નથી. તે રાત્રે
રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી એહમદે,
શ્રીમતી ગાંધી પ્રત્યેની વફાદારીની સામે રાષ્ટ્રહિતને ગૌણ સમજીને રબ્બરસ્ટેમ્પ
તરીકેની એવી મીશાલ કાયમ કરી કે ઇતિહાસ કદી એમનો માફ કરવાનો નહોતો. રાષ્ટ્રપતિએ જે રીતે વિનાસંકોચે તત્પરતાથી લોકશાહીનું ગળું ઘુંટનારા એ અધ્યાદેશ પર સહી કરી નાખેલી એના પર પછીથી એવું કાર્ટૂન પણ આવેલ કે મહામહિમ બાથટબમાં બાથ લેતા લેતા સહી કરે છે! પોણા બે વર્ષ
ચાલનારી એક એવી કાળરાત્રીની શરૂઆત થઈ જે ભારતીય લોકશાહીના ઉજળા ઇતિહાસમાં એક
બદનૂમા દાગ તરીકે હમેશાં યાદ રહેવાની હતી.
આમ તો આ
ઇમર્જન્સીનાં મૂળ ૧૯૭૧માં જ નંખાઈ ગયેલાં જ્યારે બાંગ્લાદેશ વિજયને કારણે શ્રીમતી
ઈન્દીરા ગાંધીનો રથ જમીનથી ચાર આંગળ અદ્ધર હતો. સ્વાભાવિક રીતેજ એ વર્ષમાં
યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળેલી પરંતુ શ્રીમતી ગાંધી
સામે રાયબરેલીની બેઠક પર હારેલા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી
કે શ્રીમતી ગાંધીએ ચૂંટણી દરમિયાન સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો છે. એ પછી ૧૨
જૂન ૧૯૭૫ની ઐતિહાસિક તારીખ,
શ્રીમતી ગાંધી અને કૉંગ્રેસ માટે બે માઠા સમાચાર લઈને આવી, ગુજરાતે
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એવો જોરદાર પરાજયનો સ્વાદ ચખાડ્યો જે કોંગ્રેસે
આઝાદી પછી આજ સુધી ચાખ્યો નહોતો,
અને બીજો આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો, જેમાં ૧૯૭૧માં રાયબરેલીની બેઠક જીતવા માટે શ્રીમતી ગાંધીએ
ગોટાળા કર્યાનું સ્વીકાર્યું અને એ ચૂંટણીને રદ ગણવાનું તો કોર્ટે ફરમાન કર્યું જ
ઉપરાંત કોર્ટે શ્રીમતી ગાંધી પર છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવી
દીધો! કોર્ટના આ ફેસલા પછી ઘણા વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓનું માનવું હતું કે શ્રીમતી
ગાંધીએ ખુરશી છોડી દેવી જોઈએ,
પરંતુ સંજય ગાંધી અને એ સમયના બંગાળના મુખ્યમંત્રી સિદ્ધાર્થશંકર રેની સલાહ
માનીને શ્રીમતી ગાંધીએ રાતોરાત રાષ્ટ્રપતિ પાસે અધ્યાદેશ પર સહી કરાવીને વહેલી
સવારે મંત્રી મંડળની બેઠક બોલાવી ઔપચારિક રીતે સહમતી લઈને છવ્વીસમી જૂનની સવારે
આખા દેશમાં આપાતકાલની ઘોષણા કરી દીધી.
આઝાદી
પછી પહેલીવાર તમામ પ્રેસ પર સેન્સરશીપ આવી ગઈ. છાપામાં છપાનારો એકએક એક અક્ષર, સરકારની નજર હેઠળ
પસાર થયા પછીજ છપાતો હતો. Maintenance of Internal Security Act
(MISA) હેઠળ આખા દેશમાંથી વીણી વીણીને વિપક્ષી નેતાઓને જેલમાં નાખી
દેવામાં આવ્યા, જેમાં
જે.પી., અટલજી, જ્યોર્જ, અડવાણી વગેરે
સામેલ હતા. આ ઓગણીસ મહિના દરમિયાન આખા દેશમાંથી એક લાખ ઉપરાંત લોકોને કોઇજ કારણ
આપ્યા સિવાય પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. ઉપરાંત કોંગ્રેસના પણ જે નેતાઓ
લોકશાહીની તરફેણમાં હતા એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા.આર એસ એસ અને એના
જેવાં અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેલમાં ધકેલાયેલા લોકો પર
અસહ્ય અત્યાચાર ગુજારવામાં આવ્યો. હદ તો ત્યારે થઈ કે એ વિનાકારણે જેલમાં ગયેલા
લોકો વતી ન્યાયાલયમાં દાદ માગવામાં આવી અને જે જે ન્યાયાધીશો સરકારના આ પગલાને
અન્યાયી ગણાવ્યું જે ન્યાયાધીશોની સજાના ભાગરૂપે બદલી કરી નાખવામાં આવી! આખા
દેશમાં એવું વાતાવરણ હતું કે શ્વાસ લેવો હોય તો પણ સરકારની મંજૂરીથી લેવો પડે! મને
યાદ છે કે એ દિવસોમાં હું નવમા ધોરણમાં હતો ને અમારી હાઈસ્કૂલમાં યોજાયેલી એક
વક્તૃત્વ સ્પર્ધામાં વિષય તરીકે ’કટોકટી
ના ફાયદા અને ગેરફાયદા’ આવું
કંઈક હતું, ભાગ
લેનાર વિદ્યાર્થીમાં એક પણ એવો નહોતો જે કટોકટીના ગેરફાયદા પર બોલવાની હિંમત કરે, કારણ કે સરકારી
દમનના લોખંડી પંજાને ઉંમરનો કોઇ બાધ નહોતો! કેટલાક કાર્યક્રમોનું અમલીરણ
અતિઉત્સાહથી કરવામાં આવ્યું,
જેમકે નસબંધી, તો સંજય
ગાંધીના અતિ ઉત્સાહ અને સફળતાના આંકડા મોટા કરી દેખાડવાની લાહ્યમાં અનેક કુંવારા
યુવાનોની પણ ફરજિયાત નસબંધી કરી નાખવામાં આવી હતી! ટૂંક માં આખા દેશના નાગરિકો સાવ
સાચા અર્થમાં અને વાજબી કારણોને લીધે ’ભયભીત’ હતા.
જ્યોર્જ ફર્નાન્ડિઝ |
તો આ હતી
કહાની એ કટોકટીની, એ
કટોકટીની જે શબ્દ કોંગ્રેસને આજે ગાળ જેવો લાગે છે એ ઘોષિત કટોકટીની, પણ આજે દેશમાં
ઇમર્જન્સી છે? કે
લાગવાની શક્યતા છે? પહેલી
વાત તો એ કે ૧૯૭૫ની એ કટોકટીના આજે પણ જે રીતે ક્યારેક આફટર શોક આવી જાય છે એ
જોતાં કૉંગ્રેસ તો શું પણ કોઇ પણ સત્તાધારી પક્ષ હવે એ રીતે છડેચોક ઇમર્જન્સી
લાદવાની હિંમત કરે નહીં, હા, ધીમે ધીમે
પ્રશાસનનો દુરુપયોગ, પ્રિન્ટ
મીડિયા, ઇલેક્ટ્રોનિક
મીડિયા અને સોશિઅલ મીડિયા પર આડકતરી રીતે
ગાળિયો નાખીને અઘોષિત કટોકટી જેવી પરિસ્થિતિ ચોક્કસ ઊભી કરી શકે છે. અત્યારે એ
પરિસ્થિતિ દેખાઈ રહી હોવાનું માનવા પાછળ
ઘણાં કારણો છે. સૌથી પહેલાં આજ ના સત્તાધારી પક્ષના નેતાના બયાનો જુઓ અને એને ૨૬મી
જૂન ૧૯૭૫ના રોજ આકાશવાણી પરથી કટોકટીની જાહેરાત કરતી વખતે શ્રીમતી ગાંધી દ્વારા
બોલાયેલા શબ્દો સાથે સરખાવો,
“સરકાર
પ્રતિ ષડ્યંત્ર રચાયું છે..”
“નિર્વાચિત સરકારને કામ કરવા દેવામાં નથી આવતું..” “આપણી એકતા તોડવા
માટે રાષ્ટ્રવિરોધી તત્વો કામ કરી રહ્યાં છે..” “હું નિર્દોષ છું,
મારા પર જુઠ્ઠા આક્ષેપો લગાવવામાં આવ્યા છે..” “એ લોકો દેશની અર્થવ્યવસ્થા, શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે..” ત્યારની એ ભાષા
અને અત્યારનાં નિવેદનો, સરખાવી
જુઓ, શું લાગે
છે?
પ્રશાસનનો
કેવી રીતે દુરુપયોગ થાય છે એતો અરધી રાત્રે રામલીલા મેદાનમાં ઊંઘતા લોકો પર
અમાનુષી હુમલો થયો ત્યારે લોકોએ જોઈ જ લીધેલું પણ હજુ હમણાં જ બે દિવસ પહેલાં
વડાપ્રધાનના નિવાસસ્થાન ને ઘેરાવ કરવાની જાહેરાત થઈ ત્યારે દિલ્હીનાં બધાં મેટ્રો
સ્ટેશનને બંધ રાખવાનો અને આખા દિલ્હીની જનતાને બાનમાં લેવાનો આ તઘલખી તુક્કો પણ એ
પ્રકારની માનસિકતાનું જ પરિણામ હતો. તમામ સરકારી એજન્સીઓને રામદેવ, કેજરીવાલ કે કિરણ
બેદીની પાછળ લગાડી દેવી એ શું દર્શાવે છે?
વાત પ્રેસ સેન્સરશીપની તો એની તો હવે જરૂર જ ક્યાં રહી છે? મોટાભાગનું
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા અત્યારે લક્ષ્મીજીના ચમત્કારથી અભિભૂત થઈ ને
મંજીરાવાદનમાં મસ્ત છે! અસમના રમખાણોની વાત હોય, જે ઈઝરાયેલે ખતરનાક આતંકવાદી સંગઠન હિજબુલ્લાનો સાથી
ગણાવ્યો છે એવો કોંગ્રેસનો સાંસદ ઓવૈશી હોય કે પછી રાજીવ શુક્લા સંસદીય પરંપરામાં
જે સર્વોપરી ગણાય એવા અધ્યક્ષને સંસદને એડજર્ન કરવાની સલાહ આપતા કૅમેરાની સામે
ઝડપાય તો પણ એવી મોટી ઘટનાની ચર્ચા કરવામાં લાજ આવે ટીમ અને અન્ના મેં ફૂટ કે પછી
રામદેવ કે મંચ પર ક્યૂં નહીં ગયે અન્ના જેવા વિષયો પર કલાકો સુધી પિષ્ટપેષણ ચાલે!
ઇલેક્ટ્રોનિક મીડિયાએ સમજદાર નાગરિકોનો વિશ્વાસ ખોઇ દીધો છે એ હકીકત છે. બાકી
બચ્યું સોશિઅલ મીડિયા, તો હવે
એને સકંજામાં લેવાનું ચાલુ થઈ ગયું છે. ફેસબુક અને ટ્વીટર પર ઘણાબધાં એકાઉન્ટ
બ્લૉક થઈ ગયાં છે અને ઘણાં હીટ લિસ્ટમાં છે. આ બધું જોઇને ઈલેક્ટ્રોનિક મીડિયા તા થૈયા
કરે છે, કારણ
કે સોશિઅલ મીડિયાને કારણે એનું વસ્ત્રાહરણ
થાય છે એ અભિષેક મનુ સિંઘવી વાળા કિસ્સાથી સાબિત થઈ ગયું છે. સોશિઅલ મીડિયાની તાકાત શું છે એ ઈજીપ્ત અને
સિરીયાનાં આંદોલનોમાં તો જોવાઈ જ ગયું છે તથા ગયા વર્ષે અન્નાનાં આંદોલન વખતે પણ
સરકારને ખ્યાલ આવી જ ગયો છે.
એ પણ
લોઢામાં લીટી સમાન હકીકત છે કે સરકાર ભલે ગમે એટલા ધમપછાડા કરે,
સોશિઅલ મીડિયા પર સંપૂર્ણ અંકુશ મેળવવો કોઈ રીતે શક્ય નથી, સામ,દામ,દંડ કે ભેદ થી પણ
નહીં!
ગંગાજળ
ઇમર્જન્સી પછી, જનતા સરકાર વખતે
શ્રીમતી ગાંધીની ધરપકડ થઈ ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે એમને છોડાવવાની માગણી
સાથે એક પ્લેન હાઈજેક કરેલું! પછીથી કોંગ્રેસની સરકાર આવી ત્યારે એ ભાઇને નવાજીશ
તરીકે લોકસભા કે પછી વિધાનસભાની ખુરશી આપવામાં આવેલી!