Wednesday, August 22, 2012

હલકે લોગ, હલકી પસંદ...!


ગળથૂથી

“અમેરિકામાં સેક્સ મ્યુઝિયમ જોઈ આંખો મીંચી દેનારા ભારતીયો ગુટકાના નામથી જાણે પ્રભુદર્શનનો આત્મસાક્ષાત્કાર થયો હોય એમ ઠેકડા મારે છે!” –જય વસાવડા.


તેજતર્રાર કલમના માલિક અને યાર-બાદશાહ વાચકોના દિલના શહેનશાહ એવા ચંદ્રકાંત બક્ષીએ એક જગ્યાએ દારૂબંધીની વ્યાખ્યા પ્રમાણે આપી છે, “જે વ્યવસ્થામાં શરાબ બોટલના બદલે પીપમાં મળે એને દારૂબંધી કહેવામાં આવે છે.” કહેવાની જરૂર ખરી કે ગુજરાતમાં જે રીતની દારૂબંધી અમલમાં છે જોઈનેજ બક્ષીબાબુને આવી અવળચંડી વ્યાખ્યા સૂઝી હોય! બક્ષીબાબુએ પોતાના જીવનનો અધિકાંશ સમય મુંબઈમાં વિતાવ્યો છે, ગુજરાતની દારૂબંધીને કદાચ એટલી નજીકથી નથી જોઈ અને કદાચ લખતી વખતે કદાચ એમને પણ એવો ભ્રમ હશે કે વ્યાખ્યામાં અતિશયોક્તિ અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંમાં જેમણે શ્વાસ લીધો છે ખાતરીપૂર્વક કહી શકે કે બક્ષીબાબુએ કરેલી દારૂબંધીની વ્યાખ્યામાં બિલકુલ અતિશયોક્તિ નથી! મેં પોતે નાનપણમાં મારા ગામમાં એવી વાતો સાંભળેલી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની કોઇ સંસ્થાની ચૂંટણી હોય કે પછી કોઇ સહકારી સંસ્થાના ડાયરેક્ટરની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર તરફથી ગામલોકોના લાભાર્થે ગામના ચોકમાં મદિરાનાં પીપ અથવા કેરબા મૂકી દેવામાં આવ્યા હોય અને ગામના રસિકજનો ઘડા ભરીને લઈ જતા હોય! ગામના પાદરમાં આવેલ ઝાડી-ઝાંખરામાં અને દરિયાકાંઠે આવેલાં સરૂ અને ગાંડા બાવળના ઉપવનોમાં બેખોફ રીતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ તો મેં પોતે સગ્ગી આંખે જોયેલી છે, અરે ગામના લોકો, જો પોતાના ઘરની જરૂરીયાત પૂરતોમાલપોતાના ઘરના ચૂલા પર બનાવી લેતા હોય એવું પણ જોયેલું છે. ગામના ઝાંપે, સરાજાહેર પ્યાસીજનો પ્લાસટીકની કોથળીમાંથી ગ્લાસમાં ભરીને ગળામાં ઠલવતા હોય એવાં દ્રશ્યો ગુજરાત સિવાય ક્યાં જોયાં નથી અને આખા દેશમાં માત્ર એકજ રાજ્ય ગુજરાતમાં દારૂબંધી છે અને પણ ગાંધીજીના નામે!

ક્ષમા કરશો, અહીં દારૂબંધીનો વિરોધ કરવાનો કે શરાબપાનની તરફેણ કરવાનો બિલકુલ ઈરાદો નથી, બધી ચર્ચાનો હેતુ માત્ર એટલો છે કે જો વ્યવસ્થાતંત્રમાં કાયદાના અમલીકરણની ઈચ્છાશક્તિ હોય તો ખરેખર લોકોના કલ્યાણ માટે બનાવેલા કોઇપણ કાયદાની કેવી વલે થાય છે બતાવવાનો, અને પણ અત્યારે એટલા માટે કે મોટાભાગના લોકોને વાજબી રીતે શંકા છે કે પંદરમી ઓગષ્ટે, જુનાગઢમાં ધ્વજવંદન વખતે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ગુટખાબંધીની જાહેરાત કરી છે એની હાલત પણ ગુજરાતની દારૂબંધી જેવીજ થવાની છે. આવી શંકા કરવા માટેનાં સજ્જડ કારણો પણ પહેલેથીજ હાજર છે, ૧૯૯૭થી ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને શૈક્ષણીક સંસ્થાઓની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં તંબાકુના ઉત્પાદનો વેચવાની કાયદેસર રીતે મનાઈ કરવામાં આવેલી છે પણ એનું અમલીકરણ કેવું  થાય છે અહીં લખવાનો કોઇ મતલબ નથી, કોઇ પણ શાળાને અડીને આવેલ પાનની દુકાને જઈને ગુટખા માગજો એટલે વાસ્તવિકતા સમજાઈ જશે. એજ રીતે ૧૮ વર્ષથી નીચેની ઉંમરના કિશોરોને તંબાકુની કોઇ પણ પ્રોડક્ટ વેચવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે, દરેક ગલ્લે આવી ચેતવણી મોટા અક્ષરે લખેલી જોવા મળે છે પણ મોટાભાગે ચેતવણી પાટીયામાંજ રહે છે!

કાયદાના અમલીકરણ પાછળની નિયત પર શંકા કરવાનું બીજું પણ એક સજ્જડ કારણ છે. એક સર્વે મુજબ, જેટલાં પ્રકારનાં કેન્સર થાય છે એમાંથી લગભગ સીત્તેર ટકા માટે તંબાકુ જવાબદાર છે, આમાં સિગારેટ, બીડી, હોકલી, ખૈની બધું આવી જાય છે. અને એમાંયે ગુટખાતો માત્ર ખાનારને જ શિકાર બનાવે છે જ્યારે બીડી અને સિગારેટના પેસીવ સ્મોકિંગનો ભોગ બનતા આજુબાજુના લોકો માટે પણ ઘાતક છે તો પછી માત્ર ગુટખા શા માટે? ખરેખર લોકોના આરોગ્યની ચિંતા હોય તો ભસ્માસૂર જેમાંથી પેદા થાય છે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ શા માટે નહીં? આજે ગુજરાતમાં લગભગ ૫૦૦૦૦ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો એવી દલીલ કરે છે કે જો તમાકુના વાવેતર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ગુજરાતના હજ્જારો ખેડૂતો અને ખેતમજૂરો બે રોજગાર થઈ જાય, પણ અહીં સિફતપૂર્વક વાત ભૂલી જવામાં આવે છે કે એજ જમીનમાં તમાકુના બદલે બીજો પાક લઈ શકાય, કદાચ ખેડૂતોએ સમાજ માટે થઈને પોતાના નફામાં નૂકશાન સહન કરવું પડે એટલું !

તમાકુનું ઉત્પાદન કરતા ખેડૂતો સમાજ પ્રત્યેની જવાબદારી સમજીને સમજદારી બતાવે વાત તો પછીની છે પણ સરકાર તમાકુના ઉત્પાદનો પર મળતી ૨૫ ટકા જેવી તગડી વેટની આવકની લાલચ છોડી શકે એમ છે? આપણા દેશમાં સિગારેટ કંપનીઓની તાકતવર લોબીની પકડ કેન્દ્ર સરકાર પર કેટલી છે અને જો સરકાર ધારે તો શું કરી શકે સમજવા માટે ઓસ્ટ્રેલિયાનો દાખલો લેવા જેવો છે. આપણે ત્યાં સિગારેટના બોક્સ પર નીચે એકાદ જગ્યાએ ભાષામાં કાનૂની ચેતવની છાપવામાં આવે છે જે ભાષા દેશની મોટા ભાગની જનતાને વાંચતાં આવડતી નથી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં સિગારેટના ખોખા ઉપર સૌથી પહેલાં ઉપરના ૨૫ ટકા જેટલા ભાગમાં મોટા મોટા અક્ષરમાં ચેતવણી લખવામાં આવે છે અને પણ અલગ અલગ બોક્સ પર અલગ અલગ, જેમકે, ’ધૂમ્રપાનથી અંધાપો આવે છે’, ’ધૂમ્રપાનથી ફેફસાનું કેન્સર થાય છે’, ’બાળકોના શ્વાસમાં તમારો ધુમાડો જવા ના દોવગેરે.. પછી એની નીચે બોક્સના ૫૦ ટકા જેટલા ભાગમાં, ઉપર ચેતવણીમાં જે બાબતનો ઉલ્લેખ હોય એનું ચિત્ર અને સાવ છેલ્લે સૌથી નીચે અને સાવા નાના અક્ષરોમાં બ્રાન્ડનું નામ! ઉપરાંત ખોખાની સાઈડ પર ઘાતકતાની ચેતવણી તો ખરીજ. સરકાર જો ધારે તો શું કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાતના એક મોટા અખબારે સમાજપ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજીને ગુટકા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી, સરકાર પર દબાણ લાવીને નિર્ણય તો લેવડાવ્યો પણ આટલેથી અટકી જવાથી કામ નહીં ચાલે, પ્રતિબંધનું અમલીકરણ સજ્જડ રીતે થાય માટે પણ અખબારોએ અને નાગરિકોએ જાગૃત રહેવું પડશે. જ્યારે સમાજના હિતનું કામ થતું હોય એટલા પૂરતું અખબારો પોતાની અંદરો અંદરની હૂંસાતૂંસી ભૂલીને એક મંચ પર આવી જાય અને સાથે સાથે લોક જાગૃતિનું કામ પણ સતત ચાલુ રાખે જરૂરી છે. બાકી, છટકબારીઓ શોધવાનું ચાલુ થઈ ગયું છે, મહારાષ્ટ્રની જેમ પાનમસાલા અને તમાકુ અલગ અલગ પેકિંગમાં ભરીને ને સાથે વેચવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે.

દુનિયામાં કદાચ માણસ નામનું પ્રાણી એક એવું અવળચંડું પ્રાણી છે કે એને જે કરવાની ના પાડવામાં આવે ખાસ કરે છે, જે દિશામાં જવાની ના પાડવામાં આવે બાજુ ધરાર જાય છે. શું ખવાય ને શું ખવાય એની સમજણ કદાચ આપણે જેને બુદ્ધિવગરનાં માની છીએ પ્રાણીઓમાં વધારે છે, નહિતર જ્યાંથી કોઇ પાછું નથી આવી શકતું એટલે ઊંચે પહોંચાડી દેતો ઊંચે લોગ ઊંચી પસંદ વાળો ચાર હજાર રૂપીયે કિલો કચરો ખાવાને બદલે ૬૦૦ રૂપીયે કિલોના કાજુબદામ ના ખાતો હોત!

ગંગાજળ

એક પોલીસ અધિકારીના ઘરનું દ્રશ્ય:
કહું છું, વોશિંગ મશીન લઈ લઈએ તો કેવું?”
૧૧મી સપ્ટેમ્બર પછી..”
ટીવી પણ જૂનું થઈ ગયું છે, હવે એલ સી ડી લઈ લઈએ..”
બધું ૧૧મી સપ્ટેમ્બર પછી..”
        “
કેમ ૧૧મી સપ્ટેમ્બથી સરકાર પગાર વધારી દેવાની છે?
        “
એમ સમજ ને!”


        

7 comments:

 1. "આ દુનિયામાં કદાચ માણસ નામનું પ્રાણી એક જ એવું અવળચંડું પ્રાણી છે કે એને જે કરવાની ના પાડવામાં આવે એ ખાસ કરે છે, જે દિશામાં જવાની ના પાડવામાં આવે એ બાજુ ધરાર જાય છે. શું ખવાય ને શું ન ખવાય એની સમજણ કદાચ આપણે જેને બુદ્ધિવગરનાં માની છીએ એ પ્રાણીઓમાં વધારે છે, નહિતર જ્યાંથી કોઇ પાછું નથી આવી શકતું એટલે ઊંચે પહોંચાડી દેતો ઊંચે લોગ ઊંચી પસંદ વાળો ચાર હજાર રૂપીયે કિલો કચરો ખાવાને બદલે ૬૦૦ રૂપીયે કિલોના કાજુબદામ ના ખાતો હોત! " ગમ્યુ સર :) મારુ પણ એવું છે જ્યા ન જવાનુ કહ્યુ હોય ત્યા હું ધરાર જવુ. જે ન કરવાનુ કહ્યુ હોય તે હું ધરાર કરુ. જે ન ખાવાનુ કહ્યુ હોય તે હું જરુર ખાવુ છું. (આમાં માંસ, તમ્બાકુ, ગુટખા, દારુ સામેલ નથી.)

  હું ૧૧ પછી મીઠું પાન ખાઈશ. અમારે આયા મસ્ત મજાનું પાન મળે છે. તમારે ખાવુ હોય તો હું તમારે માટે લાવીશ.

  ગુટખા કે તમ્બાકુ પર ગમે તેટલો પ્રતિબંધ આવે તો કાંઈ ફેર નથી પડવાનો. ગુજરાતમાં દારુબંધી છે છતા રોજ છાપામાં બે ત્રણ તો ન્યુઝ હોય જ કે "અમદાવાદ હાઈવે પર ૮૦ લાખનો વિદેશી દારુ પકડાયો."

  અમારે પેલા રામુકાકા નો ગલ્લો છે ને તેઓ ઘરે જ ગુટખા બનાવે છે અને તે ગલ્લે પોલીસ કર્મીઓ ચેસ બહુ રમે છે માણેકચંદ ખાતા ખાતા. યહાં બુટલેગરોકો પકડકે શરાબ ભી મુફ્ત મે પીતી હૈ પુલીસ.

  ~ સત્ય ઓઝા

  ReplyDelete
 2. મને એક ડોક્ટર તરીકે ઘણીવાર એવો અનુભવ થયો છે કે જે દર્દીને વ્યસન છોડવા માટે વારેવારે ટકોર કરતા હોઈએ એ દર્દી વ્યસન તો નથી જ છોડતો પણ છેવટે ડોક્ટરને જ છોડી દે છેઃ) ભ્રષ્ટાચારની માફક વ્યસન પણ આપણી પ્રજાને એવું કોઠે પડી ગયું છે કે એમાંથી મુક્ત થવાની એમને જ અંદરથી ઈચ્છા નથી તો પછી ગમે તે કાયદો આવે એ નિષ્ફળ જ જવાનોઃ(

  ReplyDelete
 3. Gutka Kings kills their "best customers" first !!!

  ReplyDelete
 4. બહુ ફરક કદાચ ના પડે તો પણ નવા વ્યાસની બનતા અટકશે (થોડા ઘણા પણ )તો પણ સારું રહેશે ,,જે જુના જોગી છે એ તો ખાવા ના જ ,,કદાચ આમાં પણ દેશી ગુટકા ચાલુ થશે ,,,

  ReplyDelete
 5. સાહેબ નમસ્કાર તમારો લેખ ગમ્યો,,,  સાહેબ હું પણ પહેલા ગુટખા / ૧૩૫ ના મસાલાનો બંધાણી હતો,,,પણ મારો શોખ(કુટેવ)મારા વ્યવસાયને અનુરૂપ નહોતી ..હું એક શિક્ષક છું,,,ગઈ ૧૦ મી સપ્ટેમ્બરના રોજ આત્મજ્ઞાન થયું અને આજે હું વ્યસનની એ ચુંગાલમાંથી આઝાદ છું.અને એક યોગાનુયોગ એ છે કે બરાબર એક વર્ષ અને એક દિવસ બાદ મોદી સાહેબ તેના પર પ્રતિબંધ લાદવા જઈ રહ્યા છે!!!!!jagdishvadiya.blogspot.in

  ReplyDelete
  Replies
  1. જગદીશભાઇ,
   આ નાગચૂડમાંથી છૂટી શક્યા એ બદલ મારા અભિનંદન સ્વીકારશો, ખાસ તો આપ એટલે છૂટી શક્યા છો કે આપને પોતાને એ વાતનો અહેસાસ હતો કે જે છે એ ખોટું છે અને નૂકશાનકારક છે, સમાજને આપના જેવા સમજદાર શિક્ષકો મળે એજ અભ્યર્થના....

   Delete
  2. આભાર સાહેબ!!!!

   Delete