ગળથૂથી
"કોઈના વિચારો ગમે એટલે પહેલા આપણે તેના ચાહક બનીએ છીએ ..અઠંગ ચાહક બની ગયા પછી
- અજાણતા - અજાણતા પ્રચારક બની જઈએ છીએ..એટલા સુધી સારી વાત છે. પણ જેના પ્રચારક
બની ગયા હોઈએ તેના પગમાં સડો થાય - એ સડાની દુર્ગંધ આપણને સુગંધ જેવી લાગવા માંડે
ત્યારે સમજવું કે આપણે વૈચારિક ગુલામ અને વ્યક્તિપૂજક બની ગયા છીએ... જે બંને માટે
ઘાતક નીવડે છે...." -રણમલ સિંધવ
પહેલા ના જમાનામાં જ્યારે રાજા મહારાજા અથવા ગોરા સાહેબો
જ્યારે જંગલમાં શિકાર કરવા જતા ત્યારે એમની સાથે ’હાંકો’ કરવા
વાળા રહેતા. આ હાંકો કરવા વાળા, ઢોલ, ડબ્બાના અવાજોની સાથે હોકારા પડકારા કરી જંગલી પશુને
પહેલેથી નિશ્ચિત દિશા તરફ ભાગવા મજબૂર કરી, ચોક્કસ
જગ્યાએ પહોંચાડી દેતા જ્યાં ઝાડ પર માંચડો બાંધી શિકાર માટે ભરીબંદૂકે તૈયાર સાહેબ
એને હણી નાખે. ૧૬ મહિના પહેલાં શરૂ થયેલા એક અત્યંત આવશ્યક એવા જન આંદોલનને ગોરા
અંગ્રેજો કરતાં પણ વધારે ધૂર્ત અને હલકટ એવા કાળા અંગ્રેજોએ એજ સ્ટાઇલથી હણી
નાખ્યું છે, બસ જૂના જમાનામાં જે રીતે
દગાથી મારેલા શિકારની બાજુમાં ઊભી પોતાની બહાદુરીનો પુરાવો દેખાડતો ફોટો પડાવતા
એવો ફોટો નથી પડાવ્યો એટલું જ! અને આ હાંકો કરવા વાળા ખાલી સત્તાધારી પક્ષમાં જ
હતા એવું નથી, દિગ્વિજય, કપિલ સિબ્બલ, સલમાન
ખુર્શીદ, નારાયણ સામી જેવા
કોંગ્રેસના હાંકાખોરો સતત હાકલ પડકારા કરતા રહ્યા કે “ ચૂંટણી લડી બતાવો..ચૂંટણી લડી બતાવો...” અને આ લોકોના રાગ ’ચૂંટણી લડો’ માં
કૉરસમાં જોડાયેલા હતા ભાજપમાંથી મુખ્તાર અબ્બાસ નકવી, રાજપમાંથી લાલુ યાદવ, જેડીયુના શરદ યાદવ વગેરે વગેરે. આ બધા ભ્રષ્ટાચારના મામલે ભલે વારંવાર
સત્તાપક્ષ પર હલ્લાબોલ કરતા હોય પણ તો પણ એમને પણ આ અન્ના હજારેનો લોકપાલ નામનો
જીની જરાયે ખપતો નહોતો અને એ બધાને કૉંગ્રેસ નામની ડોશી મરે એમાં રસ હતો પણ આ
અન્ના નામનો જમ ઘર ભાળી જાય એ પોસાય એક નહોતું કારણ કે એ બધાજ જાણે છે કે રાજકારણ
નામના આ હમામમાં પોતે પણ દિગંબર જ છે!
કરોડો અન્ના સમર્થકો રીતસર સ્તબ્ધ થઈ ગયા છે, આઘાતમાં ડૂબી ગયા છે, આ લખાય છે ત્યારે સમાચાર મળે છે કે રાજકોટના એક અન્ના
સમર્થક, જેમણે રામલીલા વખતે
રાજકોટના ત્રિકોણબાગ પર છાવણી નાખીને અન્નાની સાથે તેર દિવસના ઉપવાસ પણ કરેલા, એમને તો એટલો બધો આઘાત લાગી ગયો છે કે ગઈ કાલે એમણે
ઝેર પી ને આત્મહત્યાની કોશિશ કરી છે. તો કોણ જવાબદાર છે કરોડો લોકોની લાગણી સાથે
આવી ક્રૂર રમત કરવા માટે? આરોપીના
પીંજરામાં કોઇ એક વ્યક્તિને મૂકી શકાય એમ નથી, કોઇ એક વ્યક્તિ માટે આવું જન આંદોલન જેમ ઊભું કરવું શક્ય
નથી એમ તોડી પાડવું પણ શક્ય નથી, તો
એક પછી એક આરોપી અને એને આરોપીના પીંજરામાં ક્યા કારણસર ઊભા રાખી શકાય એમ છે એ
સમજવાની કોશિશ કરીએ.
- મહારાષ્ટ્રના એક નાનકડા ગામ રાલેગણ સિદ્ધિ થી લઈને ભારતના
કરોડો લોકોના દિલ સુધી પહોંચવાની સિદ્ધિ મેળવનાર અન્ના હજારેએ સોળ મહિના પહેલાં જે
જનસૈલાબ પોતાની પડખે ઊભો કરેલો એની પાછળ સરકારની ઘણી ભૂલો તો હતી જ પરંતુ એ ન
ભૂલવું જોઈએ કે અન્નાની પોતાની ભૂતકાળની કામગીરી અને સ્વચ્છ નિઃસ્વાર્થ વ્યક્તિની
એક જબરદસ્ત ઇમેજ પણ હતી જેના કારણે ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતાને એમનામાં પોતાનો
તારણહાર દેખાયો અને આખા દેશમાં આઝાદીના સમય જેવો એક જુવાળ ઊભો થયો. અન્નાની એકલાની
ઇમેજ હતી ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ
ટીમ અન્ના શબ્દ આવ્યો અને સડાની શરૂઆત થઈ! જે રીતે એક વ્યક્તિથી ક્રાંતિ નથી આવતી
એ રીતે જો કોઇ એક વ્યક્તિની, આખી
ચળવળ પર પકડ ના રહે તો પણ ક્રાંતિ નથી આવતી. બેશક, અન્નાના ના ઊજળા લૂગડાં પર ગમે તેટલો કાદવ ઉછાળવા છતાં હજુ
કો દાગ નથી પડ્યો પણ અન્નાજીમાં ડિપ્લોમેટીક બુદ્ધિનો સંપૂર્ણ અભાવ હોવાના કારણે
એક લીડર તરીકે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે એ દુ:ખ સાથે સ્વીકારવું પડે છે. કોઈ મોટા જન
આંદોલનને સફળ બનાવવા માટે એક લીડરે ડિક્ટેટરના રોલમાં રહેવું જ પડે છે, સાંભળવું બધાનું પરંતુ બુદ્ધિ તો પોતાની જ વાપરવાની.
જયારે અન્નાજીએ ઘણીવાર પોતાની બુદ્ધિ ટીમ અન્નાને ચરણે ગીરવે મૂકી, જેના પરિણામે પોતપોતાના સ્વાર્થને લઈને અન્ના સાથે
જોડાયેલા એ લોકો પોતાના પૂર્વગ્રહિત વિચારોની અસર અન્ના પર પાડવામાં સફળ રહ્યા અને
વારંવાર અન્ના પાસે પણ છબરડા કરાવતા રહ્યા, છેવટે
લોકપાલ નામની આ નૈયા મઝધાર ડૂબી ગઈ!
આરોપી નંબર બે: ટીમ
અન્ના:
અન્ના હજારે ટીમ અન્ના નામનું એક એવું બેસૂરું વાજિંત્ર
લઈને કૉન્સર્ટ જીવતા નીકળેલા કે જેના બધા જ સૂર પોતપોતાની રીતે વાગે છે! આગળ જોયું
એમ, આ ટીમ અન્ના પર અન્ના
હજારેનો બિલકુલ કાબૂ નહોતો. દરેકે દરેક જાહેરમાં પોતાના મનમાં આવ્યું એવું બકબક
કરતા રહ્યા. આખા દરેક નાગરિક માટે જે અત્યંત સંવેદનશીલ અને લાગણી સાથે જોડાયેલો
મામલો છે એવા કાશ્મીર અંગે પ્રશાંત ભૂષણે કરેલા બકવાસને લીધે એણે પોતાની ઑફિસમાં જ
માર ખાવો પડ્યો, કેજરીવાલ અને મનિષ
સિસોદિયા પોતાની જીભને લીધે સતત વિવાદોમાં રહ્યા. કિરણ બેદીની સ્ટેજ પરની ઘૂમટા
નૌટંકીનું ફૂટેજ આજે પણ ટીવી પર જોવા મળે છે ત્યારે આપોઆપ રિમોટ પર આંગળીઓ ચેનલ
બદલી નાખે છે એવું ભદ્દું લાગે છે. સ્વામી અગ્નિવેશ સરકારની દલાલી કરતા ઝડપાયા અને
છેલ્લે બાકી હતું તે સંજય સિંગે નરેન્દ્ર મોદી વિશે વાણી વિલાસ કરીને ભાજપ અને
ભાજપની ચાહકોની નારાજગી વહોરી. આ ઉપરાંત, કેજરીવાલ
અને કિરણ બેદી જેવા લોકો પર ભ્રષ્ટાચારના નાના મોટા આરોપ લાગતા રહ્યા. વડાપ્રધાન
અને રાષ્ટ્રપતિ પર આક્ષેપો નહીં કરવાનો પ્રોટોકૉલ જાળવવાના અન્ના હજારેના નિયમનું
છડેચોક અન્નાની હાજરીમાં જ ઉલ્લંઘન થતું રહ્યું. કેજરીવાલ જેવા લોકોના ઈગોને લીધે, રામદેવને દૂર રાખવામાં આવ્યા અને પછી રામદેવ અને ટીમ
અન્ના સાથે હોવાનો દંભ કરવાની સાથે સાથે સતત એકબીજાની લીટી ટૂંકી કરવાની કોશિશ
કરતા રહ્યા. ટૂંકમાં ગયા વર્ષની રામલીલાની તોતીંગ સફળતા પચાવતાં અને એને વધારતાં
ના આવડ્યું અને દોઢ વર્ષના સમયગાળામાં ટીમ અન્નાએ લોકોની નજરમાં લોકપાલ આંદોલના
હેતુઓ અંગે શંકાઓ પેદા કરવાના અને વધારવાના સરકારના પ્રયત્નોને સફળ બનાવવામાં
પોતાના તરફથી યથાશક્તિ બનતું બધું જ કર્યું!
આરોપી નંબર ત્રણ: સરકાર
એતો સ્વાભાવિક જ છે કે પોતાની સામેના કોઇપણ વાજબી કે
ગેરવાજબી આંદોલનને શામ,દામ, દંડ અને ભેદ દ્વારા તોડી નાખવાનો કોઇ પણ સત્તાધિશો
પ્રયાસ કરેજ. અને એમાંયે આતો જેણે છેલ્લા ચાર પાંચ વર્ષમાં, આઝાદી પછીના તમામ કૌભાંડના વિક્રમ સ્થાપી દીધા છે એવી
સરકાર! ખુરશી માટે બહુમતી પ્રજાની લાગણીની જેને ઐસીતૈસી કરવાની આઝાદી પહેલાંથી જ
આદત પડેલી છે એવા પક્ષની સરકાર! યાદ કરો આઝાદી પહેલાંની એ ઘટના જેમાં દેશની
સોળમાંથી ૧૩ કૉંગ્રેસ કમિટીઓએ સરદાર પટેલ દેશના પ્રધાનમંત્રી થાય એવો મત વ્યક્ત
કરેલો, એક મત કૃપલાણીને મળેલો
અને બે મત નહેરુની તરફેણમાં પડેલા. છતાં, ગાંધીજીને
ઇમોશનલી બ્લેકમેઇલ કરીને નહેરુ જેના પર સરદારનો હક્ક હતો એ ખુરશી છીનવી લીધેલી, જેનાં પરિણામો દેશ આજે પણ ભોગવે છે. લોકપાલ આંદોલનને
ખતમ કરી નાખવા માટે સરકારે સાચા અર્થમાં શામ, દામ, દંડ અને ભેદ ચારેય હથિયારોનો બહુ કૂટીલ રીતે ઉપયોગ
કર્યો છે અને છેવટે પોતાના દુષ્ટ મકસદમાં સફળ રહી.
ગોબેલ્સ નું એક સૂત્ર હતું, કોઇ પણ જૂઠને સો વખત બોલો એટલે એ સત્ય બની જાય છે. આજના
મીડિયાએ ગોબેલ્સને બરાબર આત્મસાત કરી લીધો છે. ગયા વર્ષના અન્નાના રામલીલાવાળા
અંદોલનની કલ્પનાતીત સફળતા અને એ સફળતામાં મીડિયાનો રોલ આ બધું સત્તા પક્ષને બરાબર
સમજાઈ ગયું હતું એટલે નાણાની કોથળીઓ છુટ્ટી મૂકી દેવાઈ. પરિણામ જે જોઈતું હતું એજ
મળ્યું. મીડિયા હિમાલય જેવાં કૌભાંડોને તડકે મેલી, રાઈના દાણા જેવડી પણ ટીમ અન્નાની ભૂલો ને શોધીને
માઇક્રોસ્કોપમાંથી જનતાને દેખાડવા લાગ્યું અને દોઢ વર્ષના ગાળામાં નમકનો હક્ક
વફાદારીપૂર્વક અદા કરી જનતાની નજરમાં અન્ના અને ટીમ અન્નાની આબરૂ રાઇ રાઇ જેવી કરી
નાખવામાં સફળતા મેળવી. જ્યારે કેજરીવાલ કે પછી મનિષ સિસોદિયા અથવા તો કિરણ બેદીનું
સરકાર વિરોધી કોઇ સામાન્ય સ્ટેટમેન્ટ આવે તો એને પણ પ્રસારિત કરતાં પહેલાં પોતાના
અન્નદાતાઓને ખોટું ના લાગે એ માટે ’ આ
એમનો અભિપ્રાય છે અને અમે બતાવીએ છીએ, ચેનલ
આની સાથે સહમત નથી’ એવું
દસ થી પંદરવાર ઢોલ પીટીને કહેવામાં આવે ને પછી મૂળવાત પર આવે, પરંતુ આજ ચેનલો પર જ્યારે નરેન્દ્ર મોદી વિશેની કોઇ
ચર્ચામાં કોઇ વક્તા દ્વારા અત્યંત ગલીચ કહી શકાય એવી ભાષાનો પણ પ્રયોગ કરવામાં આવે
ત્યારે આવી કોઇ ચોખવટ કરવાની જરૂર ના લાગે! હદ તો ત્યારે થઈ જ્યારે અસમના દંગાઓની
વાત કરતી વખતે પણ જે બે પક્ષો વચ્ચે ખૂનામરકી થાય છે એનો ઉલ્લેખ આ રીતે કરવામાં
આવે, “સ્થાનિક બોડો આદિવાસીઓ
અને બાંગ્લા ભાષા બોલતા આવીને વસેલા પ્રવાસી!” ’બાંગ્લાદેશી ઘૂસણખોર’ એવા શબ્દો વાપરીએ તો આકાઓને ખોટું લગાડવાનો હક્ક છે ભાઇ, એમની વોટબેન્ક જો છે!
આ એક એવું વિચિત્ર પ્રાણી છે જેમને કૂવામાંનાં દેડકાં પણ ન
કહી શકાય, કેમ કે એમને ખાબોચિયાંનું
પાણી વધારે અનુકૂળ આવે છે, પછી
ભલે એ ગમે એટલું ગંધાઈ ઊઠેલું કેમ ના હોય! આ પ્રજાતિને અઢારમી અને ઓગણીસમી સદીની
હવા વધારે માફક આવે છે અને કોઇ એમના ઘરની બારી ખોલીને બહારની દુનિયા બતાવવાની
કોશિશ કરે તો એને ગાંધી વિરોધિનું લેબલ મારી દે છે. એમના માટે સત્યાગ્રહ, અહિંસા, આંદોલન
આ બધાની વ્યાખ્યાઓ ૧૯૪૭ પહેલાં સ્થગિત થઈ ગયેલી છે, શરિયતની માફક એમાં કોઇ પણ ફેરફારને અવકાશ નથી. અન્ના હજારેએ
રાત્રે ઊંઘમાં પડખું ફરવા જતાં એકાદ મચ્છર દબાઈ જવાથી જો એની એક પાંખ તૂટી ગઈ તો
એમાં પણ ભયાનક હિંસા દેખાય છે! અલબત્ત પોતે ટ્રસ્ટો ખાઈ જવાં, જમીનો હજમ કરી જવી કે પછી આર્થિક કૌભાંડો કરવાં એ
બધું ક્ષમ્ય છે કારણ કે એમની પાસે આચમન કરી લેવા માટે ગાંધીવાદ નામનું ગંગાજળ છે!
આરોપી નંબર છ: જનતા.
મીડિયા અને રાજકારણીઓએ તો જે કર્યું એમાં એનો પોતાનો
સ્વાર્થ હતો પણ આપણે એ માની લેવું એવી કોઇ મજબૂરી આપણા માટે નહોતી, તો પણ માની લીધું અને આજે ટુ જી, કૉમનવેલ્થ, કોલસા
કૌભાંડ, કલમાડી, એ રાજા, લાલુપ્રસાદ, રેડ્ડી બંધુઓ, યેદીયુરપ્પા
એ બધું ગૌણ બની ગયું છે અને બધા અન્નાને ફાંસીએ લટકાવામાં લાગી ગયેલા છે!
* *
*
કહેવાય છે કે ભૂંડ સાથે કુસ્તીમાં ના ઉતરાય, કેમકે ભૂંડનો પ્રયાસ હમેશાં તમને કાદવમાં ખેંચી જઈને
ખરડી નાખવાનો હોય છે. ગાંધીની મુત્સદીગીરીનો છાંટોયે ના ધરાવનાર અન્ના હજારે
કાદવમાં ખેંચવામાં ભૂંડ સફળ રહ્યું છે અને પહેલાં જ્યાં ’કાયદા ફૂટપાથ પર ના બને, ચૂંટણી લડી બતાવો’ એવા હાકલા પડકારા થતા હતા એ દિશામાંથી હવે નવો રાગ
અલાપવાનું શરૂ થયું છે, “ જો
અમે તો પહેલેથીજ કહેતા હતા કે એ લોકોનો હેતુ રાજકારણમાં આવવાનો છે!”
ઘોર અંધારી રાતમાં એક આશાનું કિરણ દેખાયું હતું જે આપણે જ
આપણી ટૂંકી દ્રષ્ટિને કારણે ઓલવી નાખ્યું છે, કોનું
કેટલું નુકશાન થયું છે અને થવાનું છે એતો ભવિષ્ય જ બતાવશે!
ગંગાજળ
કૉંગ્રેસ: ”અન્ના
હજારે ભાજપ અને આર.એસ.એસ.નો હાથો છે.”
ઇમામ બુખારી: “ અન્નાનું
આંદોલન મુસ્લિમ વિરોધી છે, મંચ
પરથી વંદે માતરમ બોલાય છે.”
દલિત નેતાઓ: “ અન્ના
મનુવાદી છે, બ્રાહ્મણવાદી છે, દલિત વિરોધી છે.”
અને આંદોલન સમેટી રાજકારણમાં આવવાના નિર્ણય પછી,
૨૦૧૪ માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છતા
લોકો:
“ અન્ના ગેંગ કૉંગ્રેસની દલાલ છે, ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કૉંગ્રેસ સાથે હાથ
મિલાવીને આ કાવતરું કર્યું છે.”
અન્નાના આંદોલનની આ પણ એક ફલશ્રુતિ છે, એકબીજાના
કટ્ટર વિરોધીઓ પણ એક સૂર માં બોલે છે!
સંપૂર્ણ સહમત, વૈજ્ઞાનિક પૃથક્કરણ કર્યું ,,,,,,,,,મારો તો અનશન ખતમ થવા ની જાહેરાત સાંભળી ને જે મુડ ખરાબ થઇ ગયો ,, આમ પણ ગઈ વખતે સંસદ માં થયેલા ભવાડા પછી ટીમ અન્ના એ અનશન નહિ યાત્રા કરવા ની અને પબ્લિક ને જાગૃત કરવા ની જરૂર હતી ,,, બીજું અનશન નો સમય ખોટો હતો ૨૫ તા અનશન શરુ કર્યું ૮ તા સંસદ શરુ થતી હતી આ લોકો એ અનશન કરવું જ હતું તો ૮ તા શરુ કરાય ને ? આ ટીમ ના સલાહકાર બુદ્ધિ વગર ના હતા , અને એમાં જ કદાચ આ ગોલ્ડન ચાન્સ વેડફાઈ ગયો ,,,,
ReplyDeleteમુકુલદાદા,,,,,અન્ન્ના ના સાથીઓ નો બકવાસ પણ એમને નડી ગયો...ગાડરીયા જેવી જનતા ની ભીડ જોઈ ને અતિઊત્સાહ મા આવી ને જેમ આવે તેમ જે તે વિષય ઊપર વાણીવિલાસ પણ વધુ પડતો હતો..સંસદીય વ્યવસ્થા થી લઈ ને કાશ્મીર મુદ્દા નુ સોલ્યુશન હાથ મા હોય એવી વાતો પ્રબુધ્ધ લોકો ને ડગમગાવી ગઈ...
ReplyDeleteદાદા...
ReplyDeleteરાબેતા મુજબ, Straight from the mind via heart !! ખુબ સરસ અને સચોટ પૃથકરણ .
અન્ના ને ખોટા લોકો મળી ગયા, નહીતર એમના વયક્તિગત ઈરાદા બહુ સ્પષ્ટ હતા...
આપે આપેલા ક્રમ એમજ હોય તો બરાબર છે નહીતર અન્ના આરોપીઓ માં છેલા ક્રમે હોવા જોઈતા હતા..
હિન્દુસ્તાન માં જીવવું હોય તો આપણી પાસે આશાવાદી થવા સિવાય કોઈ છૂટકો નથી, અહી આશા રાખીએ કે અન્ના એ લગાડેલી આગ ના બુજારા માંથી પાછી ક્યારેક કોઈ પણ સ્વરૂપે આ આગ ફરી થી લાગે.
હુ પણ અન્નાનો ફેન છુ પણ મુત્સદીગીરીનો છાંટોયે ના ધરાવનાર અન્ના હજારે કાદવમાં ખેંચવામાં ભૂંડ સફળ રહ્યું છે, કોઈ મોટા જન આંદોલનને સફળ બનાવવા માટે એક લીડરે ડિક્ટેટરના રોલમાં રહેવું જ પડે છે,
ReplyDeleteઘોર અંધારી રાતમાં એક આશાનું કિરણ દેખાયું હતું જે આપણે જ આપણી ટૂંકી દ્રષ્ટિને કારણે ઓલવી નાખ્યું છે, કોનું કેટલું નુકશાન થયું છે અને થવાનું છે એતો ભવિષ્ય જ બતાવશે!
Mukuldada e sachhot puththakaran karyu, Bhavesh Shah, ajitsinh rathod, pan right chhe....
ReplyDelete