Tuesday, October 02, 2012

છેલ્લે મદારીનો ખેલ ક્યારે જોયો છે?


                ગળથૂથી
ये दौलत भी ले लो ये शोहरत भी ले लो
भले छीन लो मुझसे मेरी जवानी l
मगर मुझको लौटा दो बचपन का सावन
वो काग़ज़ की कश्ती वो बारिश का पानी ll

               હમણાં બે ત્રણ દિવસ ઉપર કાનમાં એક શબ્દ પડ્યો, ને એ શબ્દ એક અલગ ભાવ વિશ્વમાં ખેંચી ગયો! એ શબ્દ હતો પાંચીકડા’, કોણ જાણે કેટલાં વર્ષોના કાનવટા પછી એ શબ્દ પાછો આવ્યો હશે! શહેરની આજની પેઢીની દીકરીઓમાંથી કેટલીએ આ શબ્દ સાંભળ્યો હશે, અને એમાંથી કેટલી ને એનો અર્થ ખબર હશે? અરે શહેરની વાત જવાદો, ગ્રામ્ય વિસ્તારની પણ કેટલી દીકરીઓને  ખબર હશે કે નાનકડા ગોળ લીસ્સા પત્થરને ઉછાળીને હાથને અવળા સવળા કરીને ઝીલીને રમાતી આ રમતને પાંચીકડા કહેવાય? કેટલી દીકરીઓને આજે આ રમત આવડતી હશે? આજના ટેલિવિઝન અને ઇન્ટરનેટના યુગમાં એવી તો કેટકેટલી રમતો લુપ્ત થઈ ગઈ છે અને સાથે લુપ્ત થઈ ગયા છે ગ્રામ્ય સંસ્કૃતિની સાથે જોડાયેલાં મનોરંજન.

                અમે જ્યારે નાના હતા ત્યારે ક્રિકેટ હજુ આવ્યું નહોતું. અમારા માટે સૌથી પ્રિય અને સૌથી વધારે રમાતી રમત હતી ગિલ્લી-દંડા. કોઇ જ ખર્ચ નહીં, બસ લાકડીનો એક એકાદ ફૂટનો અને બીજો ચારેક ઈંચનો ટૂક્ડો મળી ગયો એટલે કામ ચાલ્યું! કેટલા ખેલાડી હોવા જોઇએ એનો પણ નિયમ નહીં, બસ એટલું ખરું કે બન્ને ટીમમાં સરખી સંખ્યામા હોવા જોઈએ. ટીમ પાડવી ન હોય તો વ્યક્તિગત રીતે પણ રમી શકાય અને ફક્ત બેજ પ્લેયર હોય તો પણ રમી શકાય એટલી સરળ રમત. બીજી એક રમત ભમરડા ફેરવવાની. ભમરડાને ત્યારે અમે ગરિયો કહેતા ને એને ફેરવવાની દોરી માટે શબ્દ હતો જાળી! આ ગરિયા ફેરવવાની કળા થોડી અઘરી ખરી. એક તો ગામડાના સુથારે હાથેથી બનાવી દીધેલો ઘાટઘૂટ વિનાનો ગરિયો હોય, જેમાં આગળ અણીના ભાગે ખીલ્લીનો ટૂકડો નાખેલો હોય  જેને અમે આર કહેતા. ગરિયા પર દોરી ઉર્ફે જાળી વીંટવી એ શીખવામાં જ અરધી કળા તો આવી જાય!  આર વાળા ભાગથી શરૂ કરીને દોરી વીંટી થોડો છેડો ટચલી આંગળીએ વીંટી હળવેથી ગરિયાનો ઘા કરવાનો ને જમીન પર પડેલો ગરિયો ફરે તો આ કળામાં તમે સ્નાતક! અનુસ્નાતક થવા માટે બીજી ઘણી કસોટીઓ પસાર કરવી પડે જેમકે, નીચે જમીન પર ફરતા ગરિયાને હાથમાં લઈને હથેળીમાં ફેરવવો. ગરિયાને ફેરવવા માટે ઘા કરીને જમીન પર પડે એ પહેલાં જ સીધો જે હવામાંથીજ, જે હાથે ફેંક્યો હોય એ હાથની  હથેળીમાં ઝીલીને ફેરવતાં આવડી ગયું એટલે ગરિયાશાસ્ત્રના તમે પીએચડી! ઋતુઓ પ્રમાણે રમતો બદલાય પણ ખરી. શિયાળામાં મુખ્યત્વે ગિલ્લી દંડા, નારગોલ કે ગરિયા નો વારો હોય તો ઉનાળામાં રાત પડેને આટાપાટાની રમત જામે. ચોમાસું આવે એટલે ખાસ રમત ખૂતખૂતામણી. છત્રીનો એક સરિયો લઈ એના કે છેડે અણી કાઢી ને પછી જમીન પર ખૂંતાડતાં ખૂંતાડતાં આગળને આગળ ચાલ્યા જવાનું, જ્યારે ન ખૂંચે ત્યારે આઉટ ને સૌથી દૂર સુધી આ રીતે ખૂતાડીને પહોંચનાર વિજેતા. વળી, ચોમાસામાં ગાય ચરાવવા જઈએ ત્યારે ત્યાં બધા ગોવાળિયા ભેગા થઈને લાકડી થી રમવાની એક રમત રમીએ એ સેલસેલામણી.
               
                આ બધી આઉટડોર ગેમ્સ, એ સિવાય આઉટડોર અને ઇન્ડોર બન્ને રીતે રમી શકાય એવી બોર્ડ ગેમ ટાઈપની રમતો પણ ખરી! જેમાં આજે પણ ગામડામાં રમાતી અને જેમાં ખરેખર બુદ્ધિ કસવાની જરૂર પડે છે એવી રમત એટલે નવ કૂંકરી, ગમે ત્યારે, ગમે ત્યાં રમી શકાય. બસ કોલસાનો એક ટૂકડો લીધો, અંદર બહાર એમ ત્રણ ચોરસ જમીન પર દોર્યા ને એ ત્રણે ને જોડતી રેખાઓ કરી એટલે રમત માટેનું બોર્ડ તૈયાર. પછી શોધવાની બે અલગ પ્રકારની નવ નવ કાંકરી એટલે રમત શરૂ. ગામડાના અભણ ખેડૂતોની આમાં એવી માસ્ટરી કે ભલભલા ભણેલાને ભૂ પિવડાવે! નવકૂંકરી ફક્ત બે લોકો માટેનીજ રમત જયારે બીજી એક લ્યુડો જેવી લાગતી ઇસ્ટો, એક સાથે ચાર લોકો રમી શકે એવી. આ બધી એવી રમતો કે એમાં એક પૈસાનો પણ ખર્ચ નહીં. જે કંઈ પ્રાપ્ય છે એમાંથી મનોરંજન કઈ રીતે મેળવી લેવું એની આગવી સૂઝબુઝ લોકોમાં. થોડા સુખી ઘરના લોકો હોય તો એ વળી ચોપાટ રમે. ચોપાટની રમત આખી આખી રાત ચાલે. પઘડાં, દાણા, કૂંકરી ગાંડી થવી એવા બધા એના ટેકનિકલ વર્ડઝ! ક્યારેક કૂંકરી ગાંડી થાય તો ક્યારેક રમનારા પણ ગાંડા થાય ને મારામારી પર ઉતરી આવે!

                આમાંથી મોટાભાગની રમતો આજે લુપ્ત થઈ કઈ છે એજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ઉછરતી અને પોષાતી એવી ઘણી મનોરંજનની કળાઓનો આજના આ ટીવીએ ભોગ લઈ લીધો છે. એમાં સૌથી મોખરે નામ આવે મદારીનું. ફાટેલ તૂટેલ પહેરણ હોય, નીચે મોટા ભાગે મેલીઘેલી લૂંગી હોય, દાઢી વધેલી હોય ને માથે મેલખાયું બાંધેલ હોય આ મારા મનમાં છપાઈ ગયેલું મદારીનું ચિત્ર. ડુગડુગીનો તાલબદ્ધ અવાજ સંભળાયને અમે બધા ઘરમાંથી હડી કાઢીને ફળિયામાં દોડીએ. શેરીના ખૂણે એકાદ જગ્યાએ એણે પોતાનો અડ્ડો જમાવ્યો હોય ને આજુબાજુમાં અમે બધાં છોકરાં ઘેરો વળીને ઊભાં હોઈએ. એના કોથળામાંથી એક પછી એક સાધનો કાઢે ને હાથ ચાલાકીના ખેલ બતાવે. એમાં મોઢામાંથી ગોળા કાઢવાનો ખેલ મારો સૌથી પ્રિય. એની પાછળનું રહસ્ય ખબર પડી ગયા પછી પણ, એ ખેલ જે ચપળતાથી મદારી કરે છે એના કારણે જોવાની બહુજ મઝા પડતી. ગાલ અને ગળાંની નસો ફૂલાવીને મોરલી વગાડે ને મોરલી ઉપર નાગ ડોલે એ જોઈને ત્યારે અભિભૂત થઈ જવાતું! સાપને શ્રવણેન્દ્રિય ન હોય અને એ માત્ર મોરલી જે દિશામાં હલે એ દિશામાં હુમલો કરવા માટે જ ડોલે છે એ બહુ મોડી ખબર પડેલી. કેટલાક ખેલ એવા કે એ જોઈને ચીતરી ચડે, જેમ કે મોઢામાંથી વીંછી કાઢવો, નાનકડો સાપ લઈને એને પૂંછડેથી નાકમાંથી નાખીને એક છેડો મોઢામાંથી કાઢવો. ક્યારેક કોક મદારી આખું ત્રિશૂળ ગળામાં ઉતારી જવા જેવા જોખમી ખેલ પણ કરે. પછી નાગને દૂધ પાવાને બહાને પૈસા માગે. (નાગ દૂધ ન પીએ એ પણ બહુ મોડેથી સમજણ આવેલી.) અને બધાજ મદારી આવતા એમાં એક બાબત કોમન જોવા મળે. શરૂઆતથી સાપ નોળિયાની લડાઇ બતાવવાની વાત કરી કરીને જિજ્ઞાસાને પરાકાષ્ટાએ લઈ જાય અને પછી છેલ્લે એમ કહે કે જાવ હવે બધા ઘરેથી વાટકી વાટકી લોટ લઈ આવો એટલે સાપ નોળિયાની લડાઈ બતાવું! અમે ઘરેથી મા ની સાથે લડી ઝગડીને એક વાટકો લોટ લઈ આવીએ ને મદારીને આપીએ એટલે પછી એ કરંડિયામાંથી સાપને અને નોળિયાને પાંજરામાંથી બહાર કાઢે. નોળિયો સાપની ઉપર એકાદ હુમલો કરે એટલે પછી પાછા બન્નેને પોતપોતાના ઠેકાણે પૂરી દે. છેલ્લે મદારી ક્યારે જોયેલ એ હવે યાદ નથી આવતું! મનોરંજનના અન્ય સાધનોનું આક્રમણ અને સાથે પ્રાણીઓ રાખવાની મનાઇના કારણે આ મદારી નામની સંસ્થા લગભગ નેસ્તનાબૂદ થઈ ગઈ છે.

                ક્યારેક ગામડામાં મલ્લનો ખેલ આવે, જે એક મિની સર્કસ સમાન હોય. સ્નાયુબદ્ધ શરીરવાળા અને શક્તિશાળી મલ્લ, પહેલાં તો ગામમાં ફરી વળે અને ગામના સરપંચ, પટેલ, મુખ્ય શિક્ષક જેવા અગ્રણી નાગરિકોને પકડી પકડી પરાણે પોતાના ખભે બેસાડીને ગામના ચોકમાં પોતાનો ખેલ જોવા લઈ આવે! રીતસર બળજબરીથી આ રીતે લોકોને અપહરણ કરીને લઈ આવે એ જોવાની પણ મઝા પડતી! એ પછી જાતજાતના હેરતંગેજ ખેલ ચાલુ થાય, જેમાંથી કેટલાક તો ખરેખર બહુ જ જોખમી. જેમ કે પાછળની બાજુ ગરદન ઉપર એક લાકડાનું નાનકડું પાટિયું બાંધે, પછી હાથમાં રહેલો એકાદ શેર વજનનો કાળમીંઢ પથ્થર હવામાં સો-દોઢસો ફૂટ જેટલો અધ્ધર ઉછાળે ને નીચે આવતો હોય ત્યારે એના પર બરાબર નજર રાખે, જેવો નજીક પહોંચે એટલે ઝટકાથી મોઢું ફેરવીને ગરદન પર બાંધેલા પાટિયા પર અથડાવા દે! જબરદસ્ત એકાગ્રતા અને હિંમતનો ખેલ, જો નિશાન જરીક ચૂક્યા તો જીંદગીથી હાથ ધોઈ બેસવાનું નક્કી! એજ રીતે એક નાનકડી લખોટી અદ્ધર હવામાં દેખાતી બંધ થાય એટલે ઊંચે ઉછાળી, બીજી લખોટી નાક અને ઉપરના હોઠની વચ્ચેની જગ્યામાં મૂકીને પછી ઉપર ઉછાળેલી લખોટી પર બરાબર ત્રાટક કરીને ને એક્ઝેટ હોઠની ઉપરના ભાગમાં રાખેલી લખોટી સાથે અથડાવા દેવાની! આટલી એકાગ્રતા માટે એ લોકોને કેટલી પ્રેકટીસ કરવી પડતી હશે! દોડીને હવામાં જ ગુલાંટ મારવી, બે મણ જેટલા વજનના પથ્થરને દાંતથી ઊંચકી ને પીઠ પાછળની બાજુ ફેંકી દેવો, સળગતી રિંગમાંથી કૂદીને નીકળી જવું, બે મલ્લ એકબીજાને વળગીને એક માનવ વ્હીલ બનાવે ને પછી એ વ્હીલ ચોકમાં ઝપથી દોડે, આવા તો કેટકેટલા ખેલ કરતા જે કોઇ આંતરરાષ્ટ્રિય સ્તરના સર્કસ કે જિમ્નાસ્ટીકના મુકાબલા કરતાં કોઇ રીતે ઉતરતા નહોતા, આજે એ મલ્લ સમાજનું શું થયુ હશે એતો ઈશ્વર, અલ્લા, ખુદા જાણે!

                ભવાઈ અને રંગલાનું તા થૈયા..થૈયા..તા..થૈ...તો અમે નાના હતા ત્યારે જ ખોવાઈ જવાના આરે પહોંચી ગયેલું એટલે ભવાઈ વિશે તો માત્ર વાંચ્યું છે અથવાતો ટીવીમાં અને ફિલ્મોમાં જ ભવાઈ જોઈ છે.

                ટેલિવિઝન, ઇન્ટરનેટ અને મોબાઇલ ફોને ઘણું આપ્યું છે એની સામે ઘણું છીનવી પણ લીધું છે જેની આજની જનરેશન ને ખબર જ નથી! મેદાની રમતો જે પહેલાં શુદ્ધ આનંદ મેળવવાના હેતુથી રમાતી અને બાયપ્રોડક્ટ તરીકે શારીરિક ખડતલપણું મળતું એ આજે શાળાઓમાં પિરીયડની શિસ્તમાં કેદ થઈને માત્ર અભ્યાસક્રમનો ભાગ બની ગઈ છે!
ગંગાજળ

બાળકોમાં રમતગમત પ્રત્યેનું આકર્ષણ હવે ઓછું થયું છે એવું બિલકુલ નથી, બલ્કે વધ્યું છે, બસ ફેર એટલો છે કે હવે રમતો કમ્પ્યુટર અને મોબાઇલના સ્ક્રીન પર રમાય છે, પહેલાં, આખા શરીરને કસરત થતી હવે માત્ર આંગળાંને થાય છે!


1 comment:

  1. અમાની ઘણી રમતો, થોડા નવા સાધનો સાથે મેં પણ રમેલી છે. હજી કોઈ નું જાગરણ હોય તો ચોપાટ પેલા કાઢવા માં આવે છે... મદારી અને મલ્લ ના જમાના અમારા જમાના થી ગયા, બાકી ગેઈમ્સ નો તમે કીધો એના સિવાય બીજો કોઈ ગેરફાયદો મને તો નથી દેખાતો.

    ReplyDelete