Tuesday, October 09, 2012

અંધેરી કોઠરીમેં રોશનદાન: લોકનાયક જયપ્રકાશ નારાયણ


ગળથૂથી
अब तो इस तालब का पानी बदल दो,
ये  कँवल  के  फूल  कुम्हलाने लगे  हैं.
-दुष्यंत कुमार


એક મહા ભયંકર રાક્ષસ હતો, જેણે પ્રજા પર એટલો ત્રાસ વર્તાવી દીધો હતો કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. રાક્ષસનો આત્મા સાત સમુંદર પાર એક મહેલમાં સોનાના પાંજરામાં રહેલા પોપટમાં હતો. તેથી રાક્ષસને વારંવાર મારવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. જ્યારે રાજાએ આ પોપટની ગરદન મરડીને તેને મોતને ઘાટ ઉતાયો ત્યારે જ રાક્ષસ હણાયો હતોઆવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી અને પછી ભૂલાઇ પણ ગઈ હતી, પણ એક વરસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાપીની એક સભામાં આ વાર્તા યાદ કરાવી, સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના સંદર્ભે. એ પછી લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવતા કેશુબાપા રાબેતા મુજબ, ચૂંટણીના એંધાણ દેખાતાં પટમાં આવ્યા અને સભાઓમાં આ વાર્તા કહેવાની શરૂ કરી નરેન્દ્ર મોદીના સંદર્ભે! સાચાં ખોટાંની ચર્ચા અર્થહીન છે પણ એટલું નક્કી છે કે જનતા માટે વગર પૈસાનો તમાશો છે!

        આપની અહીં રાક્ષસ અને પોપટનાં ઉદાહરણ નથી લેવાં, એને બાજુ પર રાખીને જો વાત કરીએ તો પણ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ જોવા મળે છે એના પરથી લાગે છે કે આખી કૉંગ્રેસ પાર્ટીનો આત્મા એકજ પરિવારમાં વસે છે, એ પરિવારને નાનકડી પણ ચોટ પહોંચાડવાની કોશિશ થાય છે અને લગભગ સવાસો વર્ષ જૂનો હોવા છતાં આખેઆખો પક્ષ ખળભળી ઊઠે છે! જી હજૂરીનો ઇતિહાસ બહુ જૂનો અને રગોમાં પેસી ગયેલો છે, જેમાં ૧૯૭૦માં દેવકાન્ત બરૂઆએ ઇન્દીરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઇન્દીરાએવું વિધાન કરીને તમામ ચાપલુસોમાં આજે પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. યુપીએ સરકારની પહેલી ટર્મ વખતે સોનિયાજીને વડાપ્રધાન બનાવવા માટે એક નેતાજીએ હાથમાં પિસ્તોલ લઈ આત્મહત્યાનો તમાશો કરેલો એ પણ બહુ મનોરંજક હતો. હજુ થોડા સમય પહેલાં એક મહાશયે તો પોતાની રાજ્યપાલ તરીકે નિમણૂક થયા પછી આ પરિવારની શાનમાં પોતાની વફાદારીના કસીદા પઢેલા! આજકાલ, જમાઇરાજાને લઈને પક્ષમાં વફાદારી દેખાડવાની જે હોડ લાગી છે એ ઓછી મનોરંજક અને વધારે બેહૂદી લાગે છે. દેશના કાનૂન મંત્રી સલમાન ખુર્શીદ એમ કહે કે સોનિયાજી માટે જીવ આપવા પણ તૈયાર છું, એનાથી બેહૂદી બીજી વાત કઈ હોઈ શકે? આના જેવીજ બીજી એક અત્યંત બેહૂદગી ભરેલી હરકત કોંગ્રેસના પ્રવક્તા મોહન પ્રકાશે, બિહારની ચૂંટણી વખતે રાહુલની સરખામણી લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથે કરવાની કરેલી. શેરીના નાકે રહેલા ધૂળના ઢગલાની કોઇ હિમાલય સાથે સરખામણી કરે એના જેટલીજ આ વાત વાહિયાત છે એટલે એની તો કોઇ ચર્ચા જ ના હોય, પણ એ હિમાલય સમાન પ્રચંડ વ્યક્તિત્વ લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે આ લખાય છે ત્યારે પુણ્ય તિથિ છે અને ત્રણજ દિવસ પછી ૧૧મી ઓક્ટોબરે જન્મદિન છે તો એમના મહાસાગર સમાન સાર્વજનિક જીવનમાંથી બે-ચાર બુંદનું આચમન કરવાની કોશિશ કરીએ.

        આજથી ૧૧૦ વર્ષ પહેલાં બિહારમાં જન્મેલા જયપ્રકાશ પોતાની યુવાનીના દિવસોમાં કટ્ટર માર્ક્સવાદી હતા અને દેશની આઝાદી માટે શસ્ત્રો ઉઠાવવાનું જરૂરી સમજતા હતા. સુભાષબાબુની જેમજ દેશમાંથી ભાગી જઈને નેપાળમાં આઝાદ દસ્તાની સ્થાપના કરેલી પણ ઇતિહાસને બીજું જ કાંઈક મંજૂર હતું એટલે અંગ્રેજો ના હાથે પકડાઈ ગયા જેલમાં એમના પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યા પણ એ અત્યાચાર જે.પી.ના મનોબળને તોડી ન શક્યા.  પછી ગાંધી અને નહેરુના સંપર્કમાં આવતાં એમની વિચારધારા બદલાઇ અને અહિંસા તરફ ઢળ્યા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને જયપ્રકાશજીને પણ સરકારમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું, પણ કોઇ જુદીજ માટીના બનેલા આ મહામાનવે દેશના પ્રથમ ગૃહમંત્રી થવાની ઓફર પણ ઠુકરાવી દીધી! ૧૯૫૪માં વિનોબાજીના સર્વોદય કાર્યક્રમ માટે જીવન સમર્પિત કરી દેવાની જાહેરાત કરી અને બિહારમાં સર્વોદય અને ભૂદાનમાં લાગી ગયા. એ દરમ્યાન ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ડાકુઓની સમશ્યા બહુ ઉગ્ર હતી, જયપ્રકાશજી એ વિનોબા સાથે મળીને ડાકુઓના આત્મસમર્પણ માટેના પ્રયત્નો કર્યા, પરિણામસ્વરૂપ માસ્ટર માધોસિંહ અને મોહરસિંહ જેવા ખૂંખાર ડાકુઓએ જે.પી.ના ચરણોમાં પોતાનાં હથિયાર નાખી દીધેલાં.

        એ પછી ધીમે ધીમે જે.પી.નું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને આ દરમ્યાન એમનાં પત્ની પ્રભાવતી દેવીનું પણ અવસાન થયું, પણ કથળેલું સ્વાસ્થ્ય જે.પી.ના જુસ્સાને કથળાવી શક્યું નહીં. પછી આવ્યો અલ્હાબાદ હાઇકોર્ટનો એ માઇલસ્ટોન ચુકાદો જેમાં ઈન્દીરા ગાંધીએ ચૂંટાવા માટે ઘાલમેલ કરી હોવાનું પુરવાર થયું અને ૨૫મી જૂન ૧૯૭૪ ની એ કલંકિત તારીખ જે દિવસે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ને દેશના તમામ મોટા નેતાઓની માફક અત્યંત કથળેલા સ્વાસ્થ્ય વાળા જયપ્રકાશજીને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. (વિધિની વક્રતા એ છે કે જેમના સર્વોદય આંદોલન માટે જે.પી.એ જીવન સમર્પિત કરી દીધેલું એ એક સમયના સાથી વિનોબાએ આ કટોકટીને અનુશાસન પર્વકહીને ઇન્દીરાની ચાપલૂસી કરી!)  સ્વાભાવિક રીતે જ જેલમાં એમનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું અને સાત મહિના પછી જ્યારે બહાર આવ્યા ત્યારે એમની બન્ને કીડની લગભગ રજા લઈ લેવાની તૈયારીમાં હતી, પણ જુસ્સો હજુ અકબંધ હતો! બિહારમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે છાત્રો દ્વારા આંદોલનની ચિંગારી સળગી ઊઠી હતી અને પાંચ જૂન ૧૯૭૫ના રોજ પટણાના એ મેદાનમાં જ્યારે જે.પી.ના મોઢેથી પહેલીવાર સંપૂર્ણ ક્રાંતિશબ્દો ઉચ્ચારાયા ત્યારે સામે પાંચ લાખનો માનવ મહેરામણ ઘૂઘવતો હતો! (લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો એ આ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનની સાઈડ ઈફેક્ટ છે!)  જે.પી.એ એ પાંચ લાખની મેદની પાસેથી આંદોલન અહિંસક રહેવાનું વચન લીધું અને જનતાએ જે.પી. ને લોક નાયક નો ખિતાબ આપ્યો. જે.પી.ના માર્ગદર્શન હેઠળ પહેલી વાર ગુજરાતમાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી.

        સ્વાસ્થ્ય વધારેને વધારે બગડવામાં હતું છતાં દેશ પ્રત્યેની ફરજ ક્યાં આરામ કરવાની છૂટ આપે એમ હતી? ૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ અને કહીં પે નિગાહેં કહીં પે નિશાના જેવા પક્ષોને ભેગા કરીને જનતા પાર્ટી નામનો શંભુ મેળો બનાવ્યો અને એને સત્તા પણ અપાવી, પણ સત્તામાં આવતાં જ કોઇ સમાન સિદ્ધાંત કે સમાન વિચારધારા વિનાના એ શંભુમેળામાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ જે જે.પી. માટે આ દેશના ભવિષ્ય માટે થઈને જોયેલ એક સ્વપ્ન ને તૂટતાં જોવા બરાબર હતું. જે વ્યક્તિ સત્તાથી હમેશાં દૂર ભાગતી રહી એના માટે સત્તાની આ બિભત્સ ખેંચતાણ જોવાનું અસહ્ય હતું. શરીરની સાથે હવે કદાચ મન પણ તૂટી ગયું હતું. બન્ને કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ ચૂકી હતી. જસલોકમાં ડાયાલિસીસ પર ટકેલ જીંદગી છેવટે ૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ હારી ગઈ! ભારતના આ અમર સપૂતે, બીજા લોકોની સેવામાં આખું જીવન સમર્પિત કરીને પોતાનાં સ્વપ્નોના વેરવિખેર અવશેષો સાથે સંસારમાંથી વિદાય લીધી.

        જયપ્રકાશની વિદાય પછી સત્તા માટે થઈને જે.પી.ના સ્વપ્નની અને  આ દેશની જનતાના ભવિષ્યની હત્યા કરનારા  ત્યારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંગે દેશમાં સાત દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી અને છેક ૧૯૯૮માં એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા. આ બધું રાંડ્યા પછીના ડહાપણ જેવું હતું અને ત્યાં સુધીમાં ભારતરત્ન એવા એવા લલ્લુ-પંજુઓ દલાતરવાડીની જેમ પોતાની ઝોળીમાં નાખી ચૂક્યા હતા કે જનતાની નજરમાં જયપ્રકાશજીના વિરાટ વ્યક્તિત્વની સામે ભારતરત્નનું કોઇ મૂલ્ય રહ્યું નહોતું!

        રાહુલ તો ઠીક છે પણ આજના કોઇ પણ નેતાને જે.પી.ની સાથે સરખાવવાની વાત તો દૂર પણ એમના દેશપ્રેમ અને ત્યાગના પ્રમાણમાં વ્હેંતીયા જ નહીં પણ અંગૂઠિયાં કહેવા એ પણ લોકનાયકનું હડહડતું અપમાન છે!

ગંગાજળ
        આજનું પત્રકારત્વ અને ત્યારના પત્રકારત્વમાં મૂળભૂત રીતે ખાસ કોઇ અંતર દેખાતું નથી. આજનું પત્રકારત્વ બિકાઉ છે તો ત્યારનું ડરપોક હતું એ પીઢ કોંગ્રેસીનેતા વિદ્યાચરણ શુક્લના એક સ્ટેટ્સમેન્ટ પરથી ખ્યાલ આવે છે. ત્યારે કટોકટીના સમયમાં જે રીતે દેશના મોટા મોટા પત્રકારો અને સંપાદકો ઈન્દીરાના નિવાસે જઈને એના નેતૃત્વનાં વખાણ કરતા હતા એ જોઈને કટોકટી પછી વિદ્યાચરણ શુક્લએ એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતાં કહેલું, ”અમે તો તમને માત્ર થોડા ઝૂકવાનું જ કહેલું, પણ તમે લોકો તો પગમાં આળોટવા માંડ્યા હતા!

2 comments:

  1. ગાંધીજી એ કોન્ગ્રેસ આઝાદી પછી વિખેરવાનું કહ્યું હતું, પણ વંશાનુગત રાજગાદી પચાવી પાડવા જે લોકો રાતો-રાત માઉન્ટ બેટન પાસે જઈને સહીઓ કરી આવ્યાં હોય તે કોંગ્રેસ ની લોકપ્રિયતા નો લાભ વંશાનુગત શાસન માટે જતો કરે ખરા. કોન્ગ્રેસ ના નેતાઓ ખરેખર નપુસંક લાગે તે હદે પાંગળા છે. એમને પોતાના પર વિશ્વાસ નથી. ઉમર માં મોટા, રાજકારણ ના અનુભવી, અને સ્વચ્છ ભૂતકાળ ધરાવતા નેતાઓ પણ જ્યારે ૧૦ જનપથ ની માળા જપે તે બહુ વરવું લાગે છે.

    ReplyDelete
  2. I am sure that in democracy this is intolerable...and JP was really bharat ratn indepdent of the formality...but here i want to make a point Mukulbhai that they are in power for so long although there is democracy, i mean they did not win over by war but vote, so i think v need total reforms in our electoral systems and also v need to educate our people politically...so that insted of one saree and a bottle of alchohol the real thinking human being decides the fate of our country...!! wt say??

    ReplyDelete