ગળથૂથી:
થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો. પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!
આ રોજનો ક્રમ. એકદમ નિયમિત રીતે અને એમજ ચાલે બધું એમાં કોઇ
ફેરફાર ન હોય. સાંજના સાડાસાત થી આઠની વચ્ચે આશરે ચાર સાડાચાર વર્ષનો પિન્ટુ (નામ બદલ્યું
છે) પોતાની ટ્રાઈસિકલ ચલાવતો નીકળે. બાજુમાં એનાં મમ્મી ચાલતાં હોય જે સાથે ચાલતાં
દાદીના હાથમાં રહેલી થાળીમાંથી ઘી ને ખીચડી કે પછી રોટલીને શાકનો કોળિયો લઈને પિન્ટુના
મોંમાં મૂકે ને પછી કેટલીયે અરજીઓ કરે ત્યારે પિન્ટુભાઇ ઉપકાર કરતા હોય એમ પોતે જાતેજ
ચાવીને પેટમાં ઉતારે! વચ્ચે ક્યારેક પાણી પીવું હોય તો એનાથી બે વર્ષ મોટી બહેન હાથમાં
પાણીનો ગ્લાસ લઈને આ સેનામાં જોડાયેલી જ છે ને હા, વચ્ચે જો કાંઇ ખૂટે તો દોડીને ઘરેથી
લઈ આવવા માટે પપ્પા પણ સાથેજ છે!
છએક વર્ષ
પહેલાં રાજકોટની બાજુના એક શહેરમાં થોડા સમય માટે રહેવાનું થયું ત્યારે અમે જે કેમ્પસમાં
રહેતા હતા ત્યાં રોજ સાંજે આ અફલાતૂન દ્રશ્ય જોવા મળતું! આખું લાવલશ્કર અરધા એકરમાં
ફેલાયેલા કેમ્પસમાં ચારપાંચ આંટા મારી લે ત્યારે પિન્ટુભાઇનું જમવાનું પતે. આ વાતમાં
જરીકે અતિશયોક્તિ નથી કારણકે રોજ સાંજે નજર સામે અનેકવાર જોયું છે એટલે એવું તો દિમાગમાં
છપાઈ ગયું છે કે આજે પણ આ લખતી વખતે યાદ કરું છું ત્યારે એ આખી ઘટના ચિત્રપટની જેમ
નજર સામે દેખાય છે. આ તો એક ઘટના છે પણ આના જેવું દેખાતું કોઇને કોઇ દ્રશ્ય દરેક નાના
બાળક વાળા ઘરમાં ભજવાતું હોય છે, અરે, મારા
પોતાના ઘરમાં પણ જોયું છે! એક મિત્રના દીકરાને જમાડવા માટે રોજ શેરીમાંથી બકરું કે
કૂતરું પકડીને લઈ આવવું પડતું ને પછી એની સાથે રમતાં રમતાં કે પછી એના પર બેસીને બાળારાજા
જમે તો વળી એક મિત્રના બાળકને જમાડવા માટે તો થાળી તૈયાર કરી ઘરથી બે કિલોમીટર દૂર
મહિલા કોલેજ સર્કલ લઈને જઈએ ત્યારે ત્યાં આવતાં જતાં વાહનોને જોતાં જોતાં જમે. આ બધા
તો એક્સ્ટ્રીમ કિસ્સા છે પણ જે ઘરમાં ચારપાંચ વર્ષનું બાળક હશે એ બધાને અનુભવ હશે કે
એને જમાડવા માટે કંઇને કંઈ નાટકબાજી કરવીજ પડે છે. ભાગ્યેજ કોઇ માબાપ હશે એણે ડૉક્ટરને
એમ નહીં કહ્યું હોય કે સાહેબ આને ભૂખ લાગે એવી કોઇ દવા લખી આપો!
આવું કેમ
બનતું હશે? બાળકને ખરેખર ભૂખ નહીં લાગતી હોય? અને ભૂખ ન લાગે અને પૂરતું ન જમે તો શરીરને
પોષણ કરી રીતે મળે એ દરેક માબાપની સ્વાભાવિક ચિંતા છે અને આ ચિંતામાં દરેક પેરન્ટ એક
બહુજ મહત્વની વાતને નજરઅંદાજ કરી જાય છે કે બાળકનો વિકાસ એકદમ સામાન્ય રીતે થઈ રહ્યો
છે. ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં બરાબર છે, વજન એકદમ પરફેક્ટ છે, એની સ્ફૂર્તિ કે દોડાદોડી
કે પછી રોજીંદી ધમાલમાં કોઇ ઓટ નથી આવી.
ડૉ. વીજળીવાળાએ
બાળકોને જમાડવા અંગે કેટલીક ટીપ્સ પણ આપી છે જે ખરેખર સમજવા જેવી છે,
§ જમવા માટે બળજબરી ન કરવી, આગ્રહ કરવો પણ દુરાગ્રહ ક્યારેય ન
કરવો.
§ ક્યારેક સાંજે બાળક જમ્યા વિના સૂઈ જાય તો એને જગાડીને ન ખવડાવો,
એના શરીરને જે જરૂરી હતું એ બાળકે આપ્યું છે. ઊંઘની જરૂર હતી ખાવાની નહીં, તેથી સૂઈ ગયું.
§ બીજાની હાજરીમાં ક્યારેય, ’અમારું બાળક જમતું નથી’ એવી ચર્ચા
ન કરવી. આનાથી બાળકને ’ન જમવાથી’ પોતાનું મહત્વ વધતું હોય એવું લાગે છે અને એના લીધે
એ સાચી ભૂખ લાગશે તો પણ વ્યક્ત નહીં કરે!
§ એને ન ભાવતું ખવડાવવાનો ક્યારેય દુરાગ્રહ ના કરો, કોઇ શાકના
હજાર ગુણ હોય તો પણ એને ન ભાવે તો પરાણે ન ખવડાવો.
§ બાળકની જમવાની થાળી કે ડીશ, મોટાંની થાળી જેવડી જ રાખો.
§ થાળીમાંથી ક્યા ક્રમમાં શું ખાવું એનો ક્ર્મ આપણે નક્કી ન કરવો.
પહેલાં રોટલી અને પછી દાળ-ભાત એ તો આપણો બનાવેલો નિયમ છે કુદરતનો નહીં!
આ અને આવી
ઘણી બધી જાણકારી ડૉ. વીજળીવાળાએ એ પોતાના પુસ્તક ’બાળ આરોગ્યશાત્ર’નાં ’જમવાથી દૂર
ભાગતાં બાળકો’ આ પ્રકરણમાં આપી છે. તબીબીશાત્ર અંગે જરૂરી જ્ઞાન અને માહિતી સરળ ભાષામાં
આપતાં પુસ્તકોનો ગુજરાતી ભાષામાં દુષ્કાળ છે એમાંયે બાળ આરોગ્યના ક્ષેત્રે તો ખાસ.
એટલે ડૉ. વીજળીવાળાએ ૨૦૦૩માં એકદમ રસાળ શૈલીમાં આ પુસ્તક ગુજરાતની જનતા સામે મૂકીને
બહુ મોટો ઉપકાર કર્યો છે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. પ્રસૂતી પૂર્વેની સંભાળથી
લઈને બાળક મોટું થઈ જાય ત્યાં સુધીમાં એને થતી તકલીફો, બિમારીઓ અને અકસ્માતો અંગે સાડાત્રણસો
પાનાનાં આ પુસ્તકમાં ખૂબજ સરળ અને રસાળ શૈલીમાં માહિતી આપવામાં આવી છે જે દરેક બાળકના
માબાપને માટે આ પુસ્તકને ભગવદ્ગીતા, કુરાન કે બાઈબલ કરતાં વધારે ઉપયોગી સાબિત કરે
છે.
ગંગાજળ:
ભવિષ્યમા કદાચ પ્રકાશવર્ષ કરતાં વધારે ગતિ ધરાવતું વાહન શોધાઈ જશે, બીજા કોઇ ગ્રહ પર જીવન શોધાઈ જશે, કદાચ અમરત્વ બક્ષે એવી કોઇ દવા શોધાઈ જશે પણ તમે એવી કોઇ માતાને નહીં શોધી શકો જેના મોઢેથી આ સંવાદ સાંભળવા મળે કે,”મારું બાળક પેટ ભરીને જમે છે…” !!!
ભવિષ્યમા કદાચ પ્રકાશવર્ષ કરતાં વધારે ગતિ ધરાવતું વાહન શોધાઈ જશે, બીજા કોઇ ગ્રહ પર જીવન શોધાઈ જશે, કદાચ અમરત્વ બક્ષે એવી કોઇ દવા શોધાઈ જશે પણ તમે એવી કોઇ માતાને નહીં શોધી શકો જેના મોઢેથી આ સંવાદ સાંભળવા મળે કે,”મારું બાળક પેટ ભરીને જમે છે…” !!!
સરસ પ્રસંગ વર્ણન સાથે બરાબર સ્વાદાનુસાર વાતને ભેળવી અને સાથે સાથે ડોકટરની સલાહ સાથે એક રસપ્રદ ડાયેટ-લેખ પીરસ્યો ... અને અમે ચમચી-ચક્ષુથી માણ્યો ...
ReplyDeleteઆજે જ્યારે દરેક માબાપ "અમે-બે અને અમારું-એક" નાં સુત્ર મુજબ ચાલતા હોય તો બાળકને તો દૂધ-માંગેને રસ-મલાઇ મળતી હોય ... પછી બાળકનાં દરેક નખરા પોસાયને બાળક પ્રમાદી-તોછડું-જીદ્દી બની જાય ... તેની કુદરતી કુતુહલતા - કુદરતી ભૂખ -કુદરતી ઊછળ-કુદ આ લાડ-પ્યારમાં ખોવાઈ જાય છે ...
ત્યારે એક-જ વિચાર આવે છે કે ...
તમાર બાળકને કુદરતી ભૂખ લાગવા દો ... તેના દરેક સવાલ-કુતુહલનાં યોગ્ય જવાબ આપો ... અને દરેક વસ્તુનું મુલ્ય અને જરૂરત સમજાવો અને જરૂર પડે ખરીદી આપો ... કારણકે હવે 1-ફક્ત-સંતાન સુત્રને કારણે બાળક અતિશય જીદ્દી-ભદ્ધું-આળસુ બનતું જાય છે ...
Too much relevant 4 every mother of young child .
ReplyDelete