Thursday, August 15, 2013

કુછાંદસ ’ડુંગળી, આંખ, રોટલો અને પાણી’ એક અધ્યયન...

ડુંગળી, આંખ, રોટલો અને પાણી
-(અ) કવિ અધીર અમદાવાદી                                               


હવે
જયારે જયારે 
હું રોટલા
વિષે વિચારું છું
ત્યારે ત્યારે
ડુંગળી યાદ આવે છે.
ડુંગળી યાદ આવે છે 
એટલે આંખમાં
પાણી આવી જાય છે.
કોણ કહે છે 
ડુંગળી સમારવાથી
આંખમાં પાણી આવે છે?
ડુંગળી સ્મરવાથી પણ
હવે આંખમાં પાણી આવે છે. 

(ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત 'ગરીબ ગામડું' એવોર્ડ વિજેતા કવિતા)


’ગુલાબી કાગડો’ ’રોટલીનું તીરકામઠું’ ’સાયકલનું પંચર સાથે હનીમૂન’ અને ’ભડકે બળે છે વરસાદ’, જેવી ક્રાંતિકારી કવિતાઓ ગુજરાતી સાહિત્યને આપી, ગુજરાતી પ્રજાને કૃત્ય કૃત્ય કરનાર કવિશ્રી અધીર અમદાવાદીએ ટૂંકા ગાળામાં કવિતા(ની પત્તર ખાંડવા) ક્ષેત્રે જે કાઠું કાઢ્યું છે એનાથી ભાવકોની એમની પાસેથી અપેક્ષાઓ પણ વધી જાય એ સ્વાભાવિક છે, એટલે જ્યારે કવિ જ્યારે એમની નવું કુછાંદસ,’ડુંગળી, આંખ, રોટલો અને પાણી..’ લઈને આવ્યા ત્યારે આપણને એક ગુજરાતી તરીકે ખાતરી થાય છે કે મૃત:પ્રાય થઈ રહેલી ગુજરાતી ભાષાનું ભાવિ (એ દિશામાં!) ઉજળું છે. તો આવો માણીએ કુછંદે ચડેલા કવિના આ કુછાંદસને..


સૌ પ્રથમ તો કવિએ એમની કવિતા લખવા માટે જે વિષયની પસંદગી કરી છે એજ કાબિલે દાદ છે. કવિતાના વિષય વસ્તુથીજ પ્રતિપાદિત થઈ જાય છે કે કવિ એક લબ્ધપ્રતિષ્ઠિત (એટલે કે ખાઇબદેલ!) અમદાવાદી છે. કવિતાના શિર્ષકમાં એક સાથે ચાર શબ્દોનું જે સંયોજન કરવામાં આવ્યું છે એમાં પણ કવિનું અમદાવાદી સિદ્ધહસ્તપણું દેખાય છે. ભાવક એકવાર (હિંમત કરીને) વાંચવાની શરૂઆત કરે એટલે કવિતાનું ભાવવિશ્વ ધીમે ધીમે ડુંગળીના પડની માફક ઉઘડતું જાય છે અને ભાવકને (અશ્રુઓમાં) તરબોળ કરતું જાય છે.

કવિતાની પહેલી પંક્તિ છે ’હવે..’ આ હવે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે કવિ વિઝનરી છે, ભૂતકાળ સાથે બહુ નિસ્બત રાખતા નથી, હવે શું થવાનું છે એ એના માટે મહત્વનું છે. ’હવે’ શબ્દની સાથે વાચક પણ સ્તબ્ધ થઈને આગળ શું બનવાનું છે એની ઈન્તેજારીમાં સજ્જડબમ થઈ જાય છે એ કવિનું કવિ તરીકેનું સાફલ્ય છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ’વેલ બિગીન ઇઝ હાફ ડન’ પણ અહીં મને કહેવા દો કે કવિએ શિર્ષક પછી માત્ર આ એક શબ્દ ’હવે’ લખીને છોડી દીધું હોત તો પણ કવિતા પૂર્ણ ગણી શકાઇ હોત (અને ગુજરાતી સાહિત્ય અને વાચક પર મોટો ઉપકાર હોત!) અને ’ગરીબ ગામડું’ એવોર્ડ નક્કીજ હતો.

આગળ કવિ લખે છે, “જ્યારે જ્યારે હું રોટલા વિશે વિચારું છું….” વાહ..વાહ..ક્યા બાત હૈ! ઘરમાં ઘણા દિવસ પછી સો ગ્રામ ડુંગળી આવી હોય, આખું ઘર કુંડાળે વળીને એ ડુંગળીને ફરતે બેઠું હોય ને એ ડુંગળીનું પહેલું પડ ખૂલે ને આખું ઘર જે રીતે ડુંગળીના અસ્તિત્વથી સભર રીતે મઘમઘી ઉઠે એ રીતે આ કવિતા અહીંથી ઉઘડે છે! અલબત્ત, કેટલાક વાંકદેખા વિવેચકોએ આ પંક્તિનો આધાર લઈને કવિની ટીકા કરી છે કે અહીં કવિનો અહં દેખાય છે કે  કારણકે અહીં ’હું’ શબ્દ પ્રયોજાયો છે ને એની સાથે ’વિચારું છું’ લખાયું છે એટલે આવું કહીને કવિ અહીં હું વિચારક છું, હું બુદ્ધીશાળી છું એવું પ્રતિપાદિત કરવા માગે છે!

પછીની પંક્તિમાં કવિતાનું હાર્દ છે અને રહસ્યસ્ફોટ થાય છે. કવિ આગળ લખે છે, ’ત્યારે ત્યારે ડુંગળી યાદ આવે છે, ડુંગળી યાદ આવે છે…’ ડુંગળીની યાદ એ પ્રિયતમાની યાદ કરતાં પણ વધારે તીવ્ર અને દર્દભરી હોય એ, માત્ર ગુજરાતી ભાષામાંજ નહીં પણ વિશ્વની કોઇ પણ ભાષામાં પહેલો પ્રયોગ છે અને વિશ્વ સાહિત્ય આ માટે હમેશા કવિનું ઋણી રહેશે. કવિ અહીં ’ડુંગળી યાદ આવે છે “ એ પંક્તિની પુનરુક્તિ કરીને પોતાની (અને વાચકની પણ) પીડાને ઘુંટે છે એ એની બહુ મોટી સિદ્ધી છે.

’એટલે આંખમાં પાણી આવી જાય છે..’ આ પંક્તિની અંદર કવિતાનું લયમાધુર્ય ચરમ પર છે એમ કહી શકાય. અલબત્ત, કેટલાક દુષ્ટ વિવેચકોનું કહેવું છે અહીં પહોંચતા સુધીમાં ભાવકોની પીડા જોઈને કવિની આંખમાં પાણી આવી જાય છે, ખરેખર જો એવું જ હોય તો હું કહીશ કે સલામ છે કવિને અને કવિની સંવેદનાને જે પોતે, પોતાની કવિતાનો અત્યાચાર સહેતા ભાવકની સાથે તાદાત્મ્ય સાધી શકે છે અને એની પીડાની અનુભૂતી કરે છે!

અંત તરફ આવતાં કવિ પ્રશ્ન કરે છે કે “કોણ કહે છે…” ત્યારે આ પંક્તિઓમાં શોર્યરસ દેખાય છે, પડકાર દેખાય છે, ખુમારી દેખાય છે ને દેખાય છે કવિનું સ્વાભિમાન. પણ આગળની પંક્તિ ’ ડુંગળી સમારવાથી આંખમાં પાણી આવે છે’ ’ડુંગળી સ્મરવાથી પણ હવે આંખમાં પાણી આવે છે’ માં અહીં જે રીતે ’સમારવા’ અને ’સ્મરવા’ની શ્લેષની જે ચમત્કૃતિ  સર્જાઈ છે એ આ કવિને સૂરદાસની કક્ષાએ લઈ જઈને મૂકે છે. ભારતીય કવિતાના ઈતિહાસમાં સૂરદાસના “મૈં નહીં માખન ખાયો..” અને “મૈં ને હી માખન ખાયો” પછી આ દિશામાં ખેડાણ તદ્દન બંધ થઈ ગયેલું. કવિએ આ પ્રયોગ દ્વારા સાહિત્યને એક નવી દિશા આપી છે એમ ચોક્કસ કહી શકાય..

ટૂંકમાં આવી મૂલ્યવાન કવિતાને એવોર્ડ ન મળ્યો હોત તો જ નવાઈ લાગત. આ કવિતાનું આર્થિક મૂલ્ય અત્યાર સુધી વિશ્વમાં લખાયેલી તમામ કવિતાઓ કરતાં એટલા માટે વધી  જાય છે કારણ કે પ્રસ્તુત કવિતામાં શિર્ષકથી શરૂ કરીને અંત સુધીમાં પાંચ વખત…હા પૂરા પાંચ વખત ’ડુંગળી’ શબ્દ પ્રયોજાયો છે!

No comments:

Post a Comment