Saturday, March 08, 2014

હું પુરુષ...ભારતીય પુરુષ..!

આજે સાંજના એક અખબારમાં એક સરવે વાંચ્યો. સરવે આજના નારી દિવસ નિમિત્તે હતો કે વિશ્વમાં ક્યા દેશના પુરૂષો કેટલું ઘરકામ કરે છે. આમાં ભારતની સ્થિતિ એ હતી કે ભારતીય પુરુષ ચોવીશ કલાકમાંથી એવરેજ ૧૯ મિનિટ ઘરનું કામ કરે છે! માત્ર ઓગણીસ મિનિટ? ખરેખર? ન માનવામાં આવે એવી વાત છેને? પણ મેં મારી આજુ બાજુમાં જેવા નમૂનાઓ જોયા છે એના આધારે તો આ ૧૯ મિનિટનો આંકડો પણ મને વધારે લાગે છે!

આ દેશમાં પુરુષ નામની પ્રજાતિમાં ઘણા એવા એવા નમૂનાઓ પડ્યા છે જે સવારે ઉઠે ત્યારે જો એને બ્રશ પર પેસ્ટ લગાડીને આપવામાં આવે ત્યારે એ બ્રશ કરી શકે છે! બ્રશ પતે ત્યાં મોઢું લૂછવામાટે નેપકીન હાથમાં પહોંચી ગયો હોય. જો શેવિંગ કરવાની હોય તો વોશબેશિન પર શેવિંગ ક્રિમ અને રેઝર હાજર થઈ જવાં જોઇએ, ત્યારે જનાબે આલી શેવિંગ કરી શકે! બાથરૂમમાં સાહેબજી ન્હ્યાવા જાય ત્યારે ગરમ પાણીની બાલટી અને ટુવાલ મુકાઇ ગયા હોય. (સવારની સૌથી અગત્યની અને અનિવાર્ય ક્રિયા પોતાની જાતે પતાવી લે એટલો એમનો આભાર હં..કે!)

ટૂંકમાં સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી સંપૂર્ણપણે પરોપજીવી, સોરી પરાવલંબી હોય એવા ઘણા આત્માઓ તમે આજુબાજુ નજર કરશો તો તમને ભટકતા જોવા મળશે! પણ ચાલ્યા કરે, આપણે કેટલા ટકા? એ બે જણને જેમ પોસાતું હોય એમ કરે! પણ આમાં આપણને સમશ્યાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? જ્યારે આવા અપાહિજો પોતાની આ મર્યાદા અંગે ગૌરવ લેતા જોવા મળે (હદ તો ત્યારે થાય કે જ્યારે એમનાં શ્રીમતિજી પણ ગૌરવથી કહેતાં હોય, “અમારે એમને તો બધુ તૈયાર જોઇએ!) અને બીજા જે પુરૂષો ઘરમાં મદદ કરતા હોય એને નીચા દેખાડવાની અને ઉતારી પાડવાની કોશીશ કરે!

હા, આવા નમૂનાઓનો મને અનુભવ છે. પપ્પાની નોકરી પહેલેથી ગામડાંઓમાં અને ઘરમાં અમે પાંચ, મમ્મી-પપ્પા અને અમે ત્રણ ભાઈઓ. એક તો હું સૌથી મોટો અને બહેન ન મળે એટલે નાનપણથીજ, અનિવાર્ય સંજોગોમાં ઘરની જવાબદારી મારા પર આવે. ઘરનું તમામ કામ કર્યું છે અને આજે પણ કરું છું, (ને હવે કદાચ વધારે કુશળતાથી કરી  શકું છું!) લગ્ન પછી પણ આ અપલખ્ખણ છૂટવા નથી દીધાં! જ્યારે પણ તક મળે, રસોડાનો કબજો લઈ લઉં છું. ટીવી જોતાં જોતાં અટકચાળી આંગળીઓ હમેશાં રિમોટ પર નાચતી રહે ને ચેનલ બદલતી રહે, પણ જો કોઇ ચેનલ પર કૂકરી શો દેખાઈ ગયોતો ત્યાં બંદા અટક્યા સમજો! ચા તો વર્ષોથી જાતે બનાવેલીજ પીવાની ટેવ.

આવાં બધાં લખણને કારણે અમારા એક મિત્ર જે ઉપર જણાવેલી કેટેગરીમાં આવે, એણે એકવાર સંભળાવ્યું, “તું તો બૈરીનો ગુલામ છે, ગુલામ!”
આવા શબ્દો સાંભળીને કદાચ મોટાભાગનાની અંદર બેસેલો જુઠ્ઠો પુરુષવાદી અહં ઉછળી આવેને ગરમાગરમી થઈ જાય, પણ આપણને એવું ન ફાવે! મેં સાંભળી લીધા પછી બહુ શાંતિથી કહ્યું, “ભૈ..સાચી વાત હોં…તારા જેટલો નસીબદાર હું નહીં..તને તો બધું તૈયાર મળે, બરાબરને?”
એટલે એ મિત્ર ગૌરવથી કહ્યું, “હોવ્વે..આપણે  ઉઠીયે ત્યારથી આપણી સેવામાં હાજર..ચા પણ પથારીમાં આવી જાય!”
“અરે વાહ! અને જો ભાભી બિમાર હોય કે પછી બહાર ગામ ગયાં હોય ત્યારે શું કરે?”
“કરવાનું શું  વળી? ગામમાં હોટલું ક્યાં ઓછી છે!”
’અચ્છા..એટલે ભાભી જો તને ચા બનાવીને ન આપે તો તું ઘરની ચા પણ ન પી શકે એમને?”
“હાસ્તો વળી, એમજ હોય ને?”
હવે મારો વારો હતો,
“એ..એમજ હોય ની કાકી… ઇન્ડિપેન્ડન્ટ શબ્દનો અર્થ જાણે છે?  ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર થાય અને એનું વિરૂદ્ધ  
 ડિપેન્ડન્ટ એટલે થાય ગુલામ! તું નાનામાં નાની બાબત માટે તારી પત્ની પર ડિપેન્ડેન્ડ છે અને પાછો હોંશિયારી મારે છે? તને જો કોઇ ચા બનાવીને ન આપે તો તું ઘરની ચા ન પામે અને જો જમવાનું બનાવનાર ઘરે હાજર ન હોય ત્યારે બહાર હોટલ ગોતવી પડે એટલો અધારીત, મને જ્યારે મરજી થાય ત્યારે ચા બનાવીને પી  શકું. મને ગમતી નવી નવી રેસીપીના રસોડામાં અખતરા કરીને હું જાતે માણી શકું અને બીજાને પણ ખવડાવી શકું..તો સાલા પત્નીનો ગુલામ તું થયો કે પછી હું?”

બસ..તે દિ ની ઘડી ને આજનો દિ..એ ભાઇ ખો ભૂલી ગયા!

આપણા દેશનો પુરુષ, ભારતીય પુરુષ, ઘરનું કામ કરવામાં નાનમ અનુભવે છે, ઘરનું કામ એને હીણપતભર્યું લાગે છે અને એમાં મેલ ઈગો ઘવાતો લાગે છે એ હકીકત છે! પણ વિધાત્રીએ છઠ્ઠીને દાડે કોણ જાણે શું આડાઅવળું ચિતરામણ કર્યું હશે કે મને એ વાતનું  ગૌરવ છે કે સ્ત્રી ઉપર કુદરતે જે જવાબદારી નાખી છે એને બાદ કરતાં હું એ દરેક કામ કોઇ પણ સ્ત્રી જેટલીજ કુશળતાથી કરી શકું છું અને એવું જાહેરમાં ગૌરવથી બોલી પણ શકું છું!

3 comments:

  1. સવાર ની ક્રિયા વિષે જોરદાર લખ્યું છે। .

    ReplyDelete
  2. ઘરકામમાં મદદ વાળો પ્રોગ્રામ રવિવાર સુધી સીમિત રાખ્યો.. છે.. પણ ખુબ મજા આવે છે...

    ReplyDelete