ગળથૂથી:
ક્યારેક ક્યારેક બહુમતીનો અર્થ એ થાય છે કે લગભગ બધાજ મૂર્ખ એકમત છે!
અમારી ઇન્ડિકા બન્ને બાજુ ચા ના બગીચાઓ વચ્ચે કાળી સડક પર ટોપ સ્ટેશન તરફ દોડી રહી હતી, અને એ સડક ઉપરથી સાઇડમાં રહી ગયેલ મુન્નારના મકાનો લીલીછમ્મ ટેકરીઓ ઉપર ઘેટાં ચરતાં હોય એવાં દેખાતાં હતાં. રસ્તો ચઢાણવાળો અને કાતિલ વળાંકોથી ભરપૂર હતો પણ અમારો ડ્રાયવર સેલ્વમ, ખુબજ કુશળ અને પોતાના કામમાં માહિર હતો, ક્યારેક વળાંકમાં સામેથી કોઈ કાર અચાનક આવી જાય ત્યારે થોડીવાર ધબકારા વધી જાય એવું શરૂઆતમાં થતું હતું પણ પછી અનુભવે સેલ્વમ પર ભરોસો બેસી ગયો હતો.
આટલા દિવસ પછી સેલ્વમ અમારા માટે હવે ફક્ત ડ્રાયવર જ નહોતો પણ એક ગાઈડની સાથે સાથે એક ફેમિલી મેમ્બર પણ હતો, નાની નાની બાબતમાં પણ એ અમારી પૂરતી કાળજી લેતો હતો અને અમે પણ એની સાથે હળી મળીને એના ગામ વિશે, એની પત્ની અને એના બન્ને બાળકો મોટો ચાર વરસનો શિવા અને નાના છમહિનાના શ્રી હરિ વિશે રસપૂર્વક વાતો કરતા, વચ્ચે એની પત્ની સરીથાનો ફોન આવે ને એમાંથી પણ કોઇ એવી વાત હોય તો અમારી સાથે વાત કરે. સેલ્વમની એક ખાસિયાત હતી જે આજસુધી અમને બીજા ડ્રાયવરોના જે અનુભવ હતા એનાથી એને અલગ પાડતી હતી, સામાન્ય રીતે ડ્રાયવરને જમવાનું પેસેન્જરની સાથે અને પેસેન્જરના પૈસે હોય છે, પેસેન્જરની આ મોરલ ડ્યુટી હોય છે જેને મોટાભાગના ડ્રાયવર એક્દમ ધાર્મિકપણે વળગી રહેતા હોય છે! પણ સેલ્વમ શક્ય હોય ત્યાં સુધી પોતાના માટે સસ્તામાં સસ્તું જમવાનું શોધી ને જમી લેતો, જેની અમને ખબર પણ પછી પડે! એક્વાર તો હાઈ વે પર અમે બધા સાથે જ્મ્યા પણ એણે અમને એનું બીલ ચૂકવવાની ના પાડી, પછીથી એણે કહ્યું કે ત્યાં ડ્રાયવરને માટે કન્સેશન રેટમાં ૨૦ રૂપિયામાં થાળી હતી જે્ના અમે ચૂકવત તો પૂરા પૈસા લેત.
અમારી ઈન્ડિકા જેમ જેમ આગળ વધતી હતી એમ કુદરતે પોતાનો રંગ બદલવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે છાંટા ચાલુ થયા ને પછી વરસાદ. છત્રીસ કિલોમીટરનો પલ્લો કાપીને અમે જ્યાં ટોપ સ્ટેશન પહોચ્યા ત્યારે તો એવી જમાવટ થઈ ગઈ કે ગાડીમાંથી ઉતરવાનું પણ શક્ય નહોતું. હવે અમે તામિલનાડુની હદમાં હતા, ત્યાં છેલ્લો એક કિલોમીટર જેટલો રસ્તો પણ એકદમ ખરાબ, કાચો અને સાંકડો હતો અને એમાં ધોધમાર તૂટી પડેલા વરસાદ વચ્ચે, ટોપ સ્ટેશનનો નઝારો માણવા આવેલા મુલાકાતીઓની ગાડીઓની લાંબી લાઇન હતી. અમે વરસાદ અટકે એ આશાએ ગાડીની અંદર ધીરજપૂર્વક બેઠા હતા એ આશાએ કે ’ફ્ળ મીઠાં’ વાળી કહેવત સાચી પડે! અને એ કહેવત સાચી પડી પણ ખરી પરંતુ જરા જુદી રીતે, ત્યાં આજુબાજુમાં લાગેલી હાટડીઓમાં એક નવી જ જાતનું ફ્રૂટ નજરે પડ્યું, એટલે કુતૂહલવશ, પલળવાનું જોખમ લઈને પણ એ ખરીદ્યું અને ચાખ્યું તો બહુજ મીઠું હતું, એનું નામ પૂછ્યું તો જાણવા મળ્યું ’પેશન્સ ફ્રૂટ’! પણ વરસાદે તો બિલકૂલ મચક ના આપી તોયે બહેન-બનેવી પલળવાનું જોખમ લઈનેય ઊતરીને ઊંચાઇ ઉપરથી દેખાતું ખીણનું સૌંદર્ય માણવા ગયા પણ વેરી વરસાદ દસ ફૂટથી વધારે દૂરનું ક્યાં જોવા દે એમ હતો! છેવટ અમે હિંમત હારી અને પાછા વળ્યા મુન્નાર તરફ, પણ આ શું? જેવા ચાર પાંચ કિલોમીટર વટ્યા કે વરસાદ બંધ! આને અવળચંડાઇ કહેશું કે પછી માણસવેડા?
પણ અરધીએક કલાક પછી અને કેટલાક કિલોમીટર કાપ્યા પછી એક જ્ગ્યાએ બધાં વાહનો સાઈડમાં રોકાઇ ગયેલાં અને રસ્તાની બીજી બાજુ લોકોનાં ટોળાં કંઈક જોતા હોય એવું લાગ્યું, કુતૂહલવશ અમે પણ ગાડી પાર્ક કરી અને ટોળાંમાં જોડાયા ને અમને જે દ્રશ્ય જોવા મળ્યું એથી અમારો ટોપસ્ટેશનથી ખાલી હાથે પરત થવાનો અફસોસ તો દૂર થઈ જ ગયો અને માત્ર આજનો જ નહી પણ સમગ્ર કેરાલાનો ધક્કો વસૂલ થઈ ગયો એમ લાગ્યું, રસ્તાથી પચ્ચીસ ત્રીસ મીટર દૂર, ખીણમાં જંગલી હાથીનું એક ટોળું આરામથી આજુબાજુ શું બની રહ્યું છે એની પરવા કર્યા સિવાય ચરતું હતું. છ હાથી હતા એમાં પાંચ પુખ્ત ને એક મદનિયું. હાથીની કુટુંબપ્રિયતા વિશે આજસુધી વાંચ્યું હતું પણ આજે પ્રત્યક્ષ જોયું. ચરતી વખતે મદનિયું બધા હાથીથી ઘેરાયેલું રહે એનો સભાનતાપૂર્વક પ્રયાસ થતો હતો એટલે અમને માંડ માંડ એની ઝલક જોવા મળતી હતી અને એનો ફોટો ખેંચવામાં તો સફળતા મળી જ નહીં! થોડું દેખાય, કેમેરા તાકીએ ને વળી પાછું બીજા હાથી એને સંતાડી દે, આતો જાણે બેબી ’બી’!
સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાંથી એસ.ટી. બસ દ્વારા પસાર થતી વખતે એના કુદરતી આવાસમાં વિહરતા સિંહોના દર્શનનો લાભ ઘણી વાર મળ્યો છે પણ આ ધરતી પરના સૌથી કદાવર પ્રાણીને આ રીતે આઝાદ રીતે શ્વાસ લેતું પહેલી વાર જોયું ને મનને ખરેખર સારૂં લાગ્યું! જીવનમાં પહેલી વાર જોવા મળેલા આ દ્રશ્યને અમે બધાએ મનભરીને માણ્યું અને પછી ફરી પ્રયાણ મુન્નાર તરફ.
રસ્તામાં Gundala Lake અને ત્યારબાદ Madupetty Dam અને ત્યાં આવેલ ઇકો પોંઈટ જોવા રોકાયા પણ ત્યાં નદીને કાંઠે લાગેલી હાટડીઓની હાર નદીના સૌંદર્યની ગળી જતી હતી અને ઈકો પોંઇટને અમારી વાતનો પડઘો પાડવામાં રસ હોય એવું લાગ્યું નહીં પણ અહીં લોકો પોતાના અવાજોનો પ્રતિધ્વની સાંભળવા માટે જે જાતજાતના ચિત્રવિચીત્ર અવાજો કરતા હતા એ ખરેખર મનોરંજક હતું!
નૂરગિરી રેસ્ટોરંટમાં બપોરે સાડાત્રણ- ચાર વાગ્યે લંચ પતાવ્યા પછી આ રસ્તા ઉપરનું અમારૂં છેલ્લું ડેસ્ટીનેશન હતું બ્લોસમ પાર્ક જ્યાંથી મુન્નાર હવે માત્ર ત્રણ કિલોમીટર દૂર હતું. માત્ર દસ રૂપિયાની પ્રવેશફીમાં કેરાલા સરકારની માલિકીના બ્લોસમ પાર્કમાં જે અદ્ભૂત કુદરત અને એના વિવિધ રંગો માણવા મળ્યા એ અહીં શબ્દોમાં બયાં કરવાનું શક્ય નથી એના માટે તો રૂબરૂ જ જવું પડે! અહીં એ ગુલદસ્તામાંથી માત્ર થોડા ફોટા મૂક્યા છે જેનાથી આછી-પાતળી ઝલક મળે.
સાંજે મુન્નાર પાછા ફરતી વખતે સેલ્વમભાઇએ મોંકાણ ના સમાચાર આપ્યા કે ઠેકડી જવા માટે જે બીજા દિવસે સવારે નવ વાગે નીકળવાનું હતું એના બદલે રાત્રે દોઢ વાગ્યેજ નીકળી જવું પડશે, કારણ કે પેટ્રોલમાં આવેલા બે રૂપિયાના વધારાને કારણે તે દિવસે કેરળ બંધનું એલાન હતું, અને અમારે જે રસ્તે મુન્નારથી ઠેકડી જવાનું હતું એ હતો લાલભાઇઓનો ગઢ, એટલે બંધના એલાનમાં ચકલુંયે ફરકી ના શકે! સાંજે મુન્નારની બજારમાં આંટો મારી, સર્વાનાભવનમાં જમી ને પાછા હોટેલ ટી કેસલ ઉપર આવી ગયા, કેમ કે સામાન પણ પેક કરવાનો હતો અને સવારે છ વાગ્યાથી બંધનું એલાન લાગુ પડે એ પહેલાં ઠેકડી સુધીનો રસ્તો કાપી નાખવાનો હતો એટલે રાત્રે દોઢ-બે વાગ્યે નીકળવામાં અમારી સાથે બીજી પાંચ કાર પણ હતી. પણ ત્યારે એ ક્યાં ખબર હતી કે ઠેકડી અમારી ઠેકડી જ કરવાનું હતું!
ગંગાજળ:
મમ્મી એટલે એક એવી વ્યક્તિ જે તમે નાના હતા ત્યારે વહેલી ઊઠીને એક કપ ચા બનાવી આપતી હતી, હવે તમારૂં લગ્ન થઈ ગયું છે એટલે વહેલી ઊઠીને બે કપ ચા બનાવી આપે છે!
સારું. આખા પ્રવાસનું એકાદ નાનકડું પુસ્તક ના કરી શકાય ? કદાચ કેરળપ્રિયો રાજી થાય .
ReplyDeleteદેર સે આયે દૃસ્ત આયે !! ઘણા દિવસ સુધી રાહ જોવડાવ્યા પછી આ હપ્તો આવ્યો પણ રાહ જોયી તે ફળી !!
ReplyDeleteકેમેરા તાકીએ ને વળી પાછું બીજા હાથી એને સંતાડી દે, આતો જાણે બેબી ’બી’! - સરસ પન્ચ ....
Mukulbhai..........Vicharto hato badha bhag ek sathe vagar interval vanchis pan na rahevayu atle....aaje badhaj bhag ek sathe vachi lidha have bhag 8 kyare apo cho..............
ReplyDeleteકેરળ નું કુદરતી સૌંદર્ય અદભુત છે... તમારી કલમે એ વધારે ખીલી ઉઠે છે. ગમ્યુ.... ભાગ-૮ ક્યારે આપો છો બોસ્સ??
ReplyDeleteસરસ સાહેબ અદ્દભુત વર્ણન પ્રવાસનું.
ReplyDelete- સત્ય
very nice.... after reading your blog and looking at natural pics... now eagerly waiting for January ... :))
ReplyDeleteThanks,
ભાઈ; ગઈકાલે મુકેલી પોસ્ટ મુકતા કંઈ ગડબડ થઈ હશે નહિ તો સંજુભાઈ પછી તરત મેં કૉમેંન્ટ મુકેલી...ખેર...આ બહાને વધુ સારુ લખાશે...મુકુલભાઈ;આ હિમશિલા(નું ટોચકું)જોતા જ લાગે કે આખ્ખું સૌંદર્ય કેવું લાજવાબ હશે...વર્ણન પણ એટલું જ સારુ...મુકુલભાઈ;બને તો આ પ્રવાસ નો અંત થોડો લંબાવો...અને કંઈ નહી તો એક કરો...અત્યાર સુધી ન મુકેલા ફોટોગ્રાફ્સ મુકો અને એની નીચે તેની થોડી ટીપ્પણી...આખ્ખો પ્રવાસ એ રીતે ફરી થી આવરી લો...અને હા;સંજુભાઈ એ કહ્યું તેય ગંભીરતા થી વિચારો છો ને?...નાનકડું પુસ્તક...હો જાયે...
ReplyDeleteમુન્નારના મકાનો લીલીછમ્મ ટેકરીઓ ઉપર ઘેટાં ચરતાં હોય એવાં દેખાતાં હતાં... મુકુલકાકા આવા લીલ્લાછમ્મ ઘેટાંઓ જોવા માટે હવે તો કેરેલા જવુ જ પડશે... "મુકુલકાકા ના સીધ્ધા ચશ્મા" ના હવે પછી ના ૮ મા એપીસોડ ની રાહ મા ... મુકુલકાકા એક વાત તો અહી કહેવી પડે કે ... મનુબાપા ના મુકુલ ને ચીતારવો ના પડે...
ReplyDeleteBaby 'B' wah! maza avi gai.
ReplyDeleteવાહ, શું બીરદાવ્યો છે વરસાદને ’માણસવેડા’ વડે. મારો મત પણ વાળા સાહેબ સાથે જ છે કે આ પુસ્તક રૂપે પ્રગટ કરો પ્રભુ. પ્રદેશની પ્રક્રુતી અને પ્રદેશના લોકોની પ્રક્રુતી બન્નેને સરસ રીતે રજુ કરી છે.
ReplyDeletemaja aavi......
ReplyDelete