Sunday, December 18, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૮


ગળથૂથી:
ये सारा जिस्म झुक कर बोझ से दुहरा हुआ होगा,
मैं  सजदे में  नहीं  था आपको धोखा हुआ होगा.
- दुष्यंत कुमार
-
જો દિવસની મુસાફરી હોત તો જે રસ્તાનું સૌથી મોટું આકર્ષણ હતું રાત્રીની મુસાફરીમાં સૌથી મોટું જોખમ બની જતું હતું, એટલે જંગલી હાથીઓની બીકે અમારે મૂળ પ્લાનિંગ મુજબ જે રસ્તે જવાનું હતું એના બદલે બીજો રસ્તો લેવો પડ્યો હતો. કેરળમાં મુસાફરી કરવી અને રાત્રે મુસાફરી કરવાની ફરજ પડે એતો જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે સીધું પહોંચાડવું! રાત્રીની મુસાફરીને કારણે કેરળના સુંદરત્ વિસ્તારની મુસાફરી અમારા માટે આનંદદાયક ને બદલે સજા હતી અને અમે રસ્તામાં અમારા પેકેજ મુજબનું જે જોવાનું અને ફરવાનું હતું એવું Signal Point View, Lockhart Gap View, Chinnakkanal Falls , Panniar Dam, Tea Factory, Spice Plantation વગેરે વગેરે ગુમાવી આશરે ૧૦૦થી ૧૧૦ કીમીની મુસાફરી કરી ઉજાગરા અને થાકથી લોથપોથ હાલતમાં અમારી હોટલ સાન્ડ્રા પેલેસ, કુમિલી પહોંચ્યા ત્યારે સવારના વાગી ચૂક્યા હતા અને ચક્કાજામના એલાનને કારણે થનારી તકલીફથી છટકી ચૂક્યા હતા. કુમિલી અને ઠેકડી એટલાં હળીમળી ગયેલાં છે કે એમાં ક્યું કુમિલી અને અને ક્યું ઠેકડી અમને હજુ સુધી સમજાયું નથી! અમે અમારા શેડ્યુલ મુજબ સાંજે અહીં પહોંચવાના હતા પણ સવારે વહેલા પહોંચી ગયા એટલે હોટલના રૂમ સાફ થઈને તૈયાર નહોતા પણ અમારી હાલત એવી હતી કે ફૂટપાથ પર પણ ઊંઘ આવી જાય, એટલે કોઈ પણ જાતની લપ્પનછપ્પન કર્યા વગર, જે રૂમ મળ્યા એમાં ઘૂસી ને પથારી ભેગા તે વાગ્યા સીધા સાડા અગિયાર!
               
                હા, અમે હવે ઠેકડીમાં હતા, એ ઠેકડી જ્યાં ભારતની સૌથી મોટી વાઇલ્ડલાઈફ સેન્ચુરી પેરિયાર વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, એ ઠેકડી જ્યાં ૧૨૦ વર્ષ જૂનો સુરકી ડેમ આવેલો છે અને ભારતનું એક્મેવ ટાયગર રિઝર્વ, પેરિયાર ટાયગર રિઝર્વ અહીં આવેલ છે. ૭૭૭ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલ આ સેન્ચુરીમાં આવેલ આ ટાયગર રિઝર્વ, ભારતની સાત અજાયબીઓમાં ગણાય છે, આ સેન્ચુરીમા વાઘ સિવાય જંગલી હાથી, જંગલી પાડા, મોટા કદની મલાબાર ખિસકોલી, જંગલી સૂવ્વર, જાત જાતના હરણ, નોળિયા ઊપરાંત સૌથી ધીમી ગતિ માટે દુનિયામાં મશહૂર સ્લોથ જાતિનું રીંછ ખાસ આકર્ષણ છે. પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી માણવા માટે કેરાલાના જંગલખાતાએ સરસ વ્યવસ્થા કરી છે, જંગલખાતા દ્વારા સામાન્ય ફી માં મુલાકાતીઓને બોટ દ્વારા દોઢથી બે કલાક માટે પેરિયાર લેઇક ફેરવવામાં આવે છે, એક બોટની ક્ષમતા ૧૦૦ થી ૧૫૦ જેટલા પેસેન્જરની હોય છે અને આવી પાંચ બોટ રાખવામાં આવેલી છે પરંતુ મુલાકાતીઓનો ધસારો એટલો બધો હોય છે કે સવારે સાત વાગ્યાના પહેલા ફેરા માટે સવારે છ વાગ્યે ટીકીટબારી ઊઘડે છે પરંતુ વહેલી સવારના ચાર વાગ્યાથી લાઇનમાં ઊભી જવું પડે છે! અમે બીજા દિવસે સવારે લાઈનમાં ઊભવાનું ટેન્શન લઈ બપોરે લંચના સમયે બ્રેકફાસ્ટ કર્યો અને ચક્કાજામના કારણે ટાઉનના વિસ્તારથી બહારતો જવા એમ હતું નહીં એટલે વળી પાછા હોટેલની રૂમમાં પૂરાઈને ઊંઘની ખાધ પૂરી કરી!

        ઊંઘીને કંટાળ્યા એટલે ચારેક વાગ્યે વળી પાછા ટાઉનમાં આંટો મારવા નિકળ્યા, બજારમાં મોટા ભાગે સ્પાઇસની દુકાનો દેખાતી હતી અને એમાં જયારે અમુક દુકાન ઉપર સાઇન બોર્ડમાં (ભલે ભાંગીતૂટી) ગુજરાતીમાં લખાયેલા મસાલાના નામ વાંચ્યા ત્યારે ગુજરાતથી આટલે દૂર જાણે કોઈ સ્વજન મળી ગયું હોય એટલો આનંદ થયો! અલબત્ત, મુન્નારમાં અને અહીં દરક સ્થળે, ગુજરાતી ઉચ્ચારો તો કાનમાં એટલા બધા રેડાતા રહ્યા કે ક્યારેક તો અમને શંકા જતી હતી કે અમે ગુજરાતમાં તો છીએ કે ગુજરાતની બહાર! જે કોઈ પણ સ્થળે ગયા ત્યાં સૌથી વધારે ગુજરાતીઓની ભીડ હતીને અને પછી બીજા નંબરે મહારાષ્ટ્રીયન. અને એટલે જ અહીં મોટાભાગની દુકાન ઉપર ગુજરાતી અને મરાઠી શબ્દો લખેલા દેખાતા હતા. સ્પાઈસ માર્કેટમાં અમે જ્યારે દુકાનની અંદર ગયા અને ભાવ જાણ્યા ત્યારે અમારો સ્પાઈસ ગાર્ડમાંથી ખરીદીનો જે આનંદ હતો એ ઓસરી ગયો! અહીં મરી-મસાલાની ગુણવત્તા સારી હતી અને ભાવ પણ ઓછા.એટલે પરત જઈએ ત્યારે કેરાલાના સંભારણા તરીકે સ્વજનોને ગિફ્ટ આપવામાટે અહીં કેટલાંક ગિફ્ટપેક તૈયાર કરાવી લીધાં.
       
        અહીં ઠેકડી મરી-મસાલા માટે પ્રખ્યાત છે એમ આયુર્વેદિક સારવારની સાથે સાથે માર્શલ આર્ટ કલરીપટ્ટુ અને પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય કથકલી માટે પણ જાણીતું છે. એમ કહેવાય છે કે કલરીપટ્ટુ એ ૩૦૦૦ વર્ષ જૂની અને આજની તમામ માર્શલ આર્ટસ ની જનેતા છે. એવી માન્યતા છે કે ભગવાન પરશુરામે આની શરૂઆત કરેલી પછી ધીમે ધીમે બૌધ સાધુઓ એને થોડા ફેરફારો સાથે ચીન લઈ ગયા ને કુંગ ફૂ તરીકે પ્રસાર થયો. જોકે અમારામાંથી બહુમતીને એ જોવા જવામાં રસ નહોતો એટલે બજારમાં ફરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

        ઠેકડીમાં ત્રણ-ચાર શુધ્ધ શાકાહારી રેસ્ટોરંટ છે, રાત્રીના ભોજન માટે એમાંથી સેલ્વમની ભલામણથી લોર્ડ અન્નપૂર્ણા અમે પસંદ કરી. આજે અહીં ઠેકડીમાં ટુરીસ્ટની બહુજ ભીડ અને એ ભીડમાં પણ ગુજરાતી વધારે અને શાકાહારી રેસ્ટોરંટ ઓછાં એટલે સ્વાભાવિક છે કે અહીં લોર્ડ અન્નપૂર્ણામાં બહુજ ભીડ હતી, એટલે સર્વિસમાં વાર લાગતી હતી પણ ફૂડ પ્રમાણમાં ઘણું સારૂં હતું, ખાસ કરીને કેરાલા પરાઠા મને બહુજ પસંદ આવ્યા. અહીં એવા પણ ઘણા પ્રવાસી હતા જે આજે પેરિયાર વાઇલ્ડ સેન્ચુરીની મુલાકાતે જઈ આવ્યા હતા, એમને મળીને જાણવાની કોશીશ કરી તો જાણવા મળ્યું કે મોટાભાગનાને બે-ચાર હરણ સિવાય ખાસ કંઇ જોવા મળ્યું નહોતું! એટલે પછી અમે પણ નક્કી કર્યું છે ખાલી હરણને જોવા માટે રાતની ઊંઘ કુરબાન નથી કરવી, સવારે નિરાંતે ચા-નાસ્તો પતાવીને પછી જ જવું અને જો તક મળે તો નવ થી અગિયારની ટ્રીપમાં જઈ આવવું. એ મુજબ સવારે બ્રેકફાસ્ટ પછી જ અમે પેરિયાર સેન્ચુરી સુધી ગયા અને ત્યાં પાર્ક કરેલાં વાહનોની સંખ્યા પરથી જ અંદાજ આવી ગયો કે કોઈ ચાન્સ નથી! અને સાચ્ચેજ ત્યાં અમને કેટલાક એવા પરિવાર મળ્યા જે સવારે ચાર વાગ્યાથી ટિકીટ માટે લાઇનમાં ઊભા હતા અને એમનો વારો છેક બપોરના બે વાગ્યાની ટ્રીપમાં હતો! અમે ઊંઘ બગાડીને વહેલા લાઈનમાં ન ઊભવાના અમારા ડહાપણભર્યા નિર્ણયથી ખુશ હતા, પણ ખરેખર જોવા જઈએ તો આગલા દિવસે નાઇટ જર્નીને કારણે ઓન ધ વે આવતાં જોવાનાં સ્થળ તો અમે ગુમાવીજ દીધાં હતા અને આજે ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્ષણ કહી શકાય એવું આ પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી જોવાની ની તક પણ ગુમાવી. આમ આખી વાતનો સાર આટલો નીકળે કે ઠેકડીમાં અમે માત્ર હોટેલ સાન્ડ્રા પેલેસમાં આરામ કરવા માટે જ આવ્યા હતા!
       
        બપોરે લંચ પછી ઠેકડી છોડ્યું અને અમારી કાર કોચી તરફ દોડતી હતી. વચ્ચે આવતાં દરેકે દરેક ગામ લાલ ઝંડા ને લાલ રંગના તોરણોથી શણગારેલાં હતાં, આ વિસ્તારમાં સામ્યવાદીઓનું વરચસ્વ સ્પષ્ટ દેખાતું હતું. અને બીજી એક ખાસ વાત ઊડીને આંખે વળગે એવી એ હતી કે દરેકે દરેક ગામમાં ચર્ચ દેખાતું હતું પણ મંદિર કોક જ્ગ્યાએ જ દેખાયું. રસ્તામાં કોચીની નજીક પહોચીને એક જગ્યાએ કેરલાના પરંપરાગત પીણા તાડીની લિજ્જત માણી.

        છેવટે કોચી પહોચ્યા ત્યારે સાંજના ચાર થવા આવ્યા હતા, કોચીમાં પ્રવેશતાં જ દરિયાની ખાડીમાંથી આવતી ખારી હવામાં ભળીને આવતી માછલીની ખુશ્બૂએ મનને તરબતર કરી દીધું. ખુશ્બૂ? એક શુધ્ધ શાકાહારીને માટે માછલીની ગંધ એ ખુશ્બૂ? ના, કશીજ ભૂલ નથી થતી, સભાનપણે અને સકારણ આ શબ્દ અહીં લખાયો છે!

ગંગાજળ:
આજે એક ભોળા માનવીના ભોળપણનો સાચૂકલો કિસ્સો:
લગભગ બાવીસેક વરસ પહેલાંની વાત છે, મારા એક દોસ્ત પ્રદીપના લગ્ન હતાં અને એની તૈયારીરૂપે ઘરમાં રંગરોગાન ચાલતું હતું. એ અરસામાં પ્રદીપે નવા નવા કોન્ટેક લેન્સ કરાવ્યા હતા, એ પેલા રંગકર્મી, સોરી...સોરી.. કલર કરવાવાળાની(થિયેટરવાળાની લાગણી દુભાઇ જાય ભાઈ!) નજર સામે લેન્સને એની ડબ્બીમાંથી કાઢીને અરિસામાં જોતાં જોતાં આસ્તેથી આંખમાં પહેર્યાં, હવે આ આખી પ્રક્રિયા પેલો કલર કરવા આવેલો કારીગર કુતૂહલથી જોઈ રહેલો એટલે છેવટે એણે પૂછ્યું કે આ શું છે? અમે એને વિગતવાર સમજાવ્યું કે આ હવે આ રીતે ચશ્માના વિકલ્પે આવેલ છે અને આ રીતે વાપરી શકાય છે...ત્યારે એ ભોળા માનવના મોઢામાંથી વિસ્ફારીત આંખે જે શબ્દો નિક્ળ્યા એ આ હતા, “ સરકારે પણ કેવી કેવી યોજના કાઢી છે!”
કેરાલા ટુરિઝમની પેરિયાર ખાતેની બુકીંગ  ઓફિસ

21 comments:

 1. very nice, lucid style of writing.Keep it up Mukulbhai.

  ReplyDelete
 2. પેરિયાર લેક માં બોટ ની સફર નો આનંદ અમે લીધો છે. નસીબદાર અમે કે, તે વખતે એટલી ભીડ નહોતી. ઘણા પ્રાણી પણ જોવા મળ્યા હતા.
  એક મજેદાર કિસ્સો- એક મદ્રાસી કુટુંબ, ઘણા લોકો હતા. વડીલ પાસે વિડીઓ કેમેરો. પ્રાણીઓ ને જોઇને શુટિંગ શરુ કર્યું, મને હસવું આવે...કૈંક બબડતા જાય, મને સમજાય નહિ. એટલામાં એમની દીકરીએ કેમેરા લેન્સ નું કવર કાઢવા ટકોર કરી :)
  *
  “ સરકારે પણ કેવી કેવી યોજના કાઢી છે!” સરસ અવલોકન.

  ReplyDelete
 3. તમારા અનુભવેલાં પ્રસંગો સાથે ગળથૂથી થી ગંગાજળ અને ફોટોગ્રાફસ ખરેખર કેરાલા માં બનેલી બધી જ ઘટનાઓ જાણે આંખ સામે જાણે તરવરી રહી છે......... અતિ સુંદર આંખે દેખ્યો હેવાલ. ..

  તમારી પરિભાષાનું સાહિત્ય અમારા હ્યદયમાં એક મશાલની જેમ પ્રકાશ આપતું રહે તેવી અમારી ભાવના અને અમારા સર્વેના મીઠા કે પછી આક્રોશ ભરેલા ભાવ-પ્રતિભાવોની બાદ પણ તમારી કલમ ચાલતી રહે એજ અમારી પ્રાર્થના….

  ReplyDelete
 4. Lord Annapurna restaurant... Noted with Thanks :)

  ReplyDelete
 5. બહુત મજા આયા મુકુલભાઈ...જમે રહો.

  ReplyDelete
 6. મુકુલ ભાઈ,
  કેરલા જતા મિત્રો ને આ વર્ણન ની સંદેહ ખુબ સારો સંદર્ભ આપશે.
  સાથે સાથે આપનું આવતા વેકેસન નું ડેસ્ટીનેસન જાણવા ની ઇન્તેજારી રહેશે !!!

  ReplyDelete
 7. THE WHOLE ARTICLE IS VERY NICELY WRITTEN.. & THE BEST PART WAS THE TAIL PIECE IN THE FORM OF "GANGAJAL" NU AACHAMAN..!!
  AND THE INTERSPERSED PHOTOGRAPHS ARE TRULY MARVELLOUS......

  ReplyDelete
 8. કેરાલા પરાઠા અને તડી ની સોડમ અમે પણ અનુભવી...માછ્લી ની ગંધ માટે પ્રયોજાયેલ ખુશ્બુ શબ્દ માટે નુ કૌતુક વધારી દિધું.

  ReplyDelete
 9. wah mukulbhai tamari har ek blog vanchya pachi hu next blog ni j wait karti hov chhu........ane ek j karan chhe eni pachhal tamari lakhvani "KALA".

  ReplyDelete
 10. ગયા અઠવાડીયે એક સાથે સાત ભાગ વાંચ્યા પછી આતૂરતા થી આઠમા ભાગ ની રાહ જોઇ ને બેઠો હતો......મુકુલભાઇ.........ખુબજ મજા આવી........ખુબ ખુબ આભાર .......

  ReplyDelete
 11. પેરિયાર હાઉસ નામે કેટીડીસીનું સરસ રેસ્ટહાઉસ પેરિયાર માં છે. ત્યાં રાત્રીરોકાણની એક મઝા છે. તમે એ લીધી હોત તો જલસો હતો. પણ તમે ઠેકડી પણ સરસ ઉપસાવ્યું. હવે છેલ્લો હપ્તો જ રહ્યો. પછી ક્યાંક પાછું જાવું પડશે. તો જ આવું લખાશેને ????

  ReplyDelete
 12. જાણે કોઈ સ્વાદિષ્ટ વ્યંજન મોઢેથી ખાવાને બદલે પેટ સુધી કોઈ નળી વાટે સીધું પહોંચાડવું! ઘણું કહી દીધું

  ReplyDelete
 13. સરસ સાહેબ......આ વખતે ગંગાજળ પીવાની મજા આવી.... અને ઓલો કાચબો ગમ્યો આપણને.............
  - સત્ય ઓઝા

  ReplyDelete
 14. thekdi thay emne...!!!mithai nali vate pet sudhi....!! ma6li ni khushbu....!!!..........................,,,,,,,,,
  ajanya vistar ma aapna gam nu kutru joiye toy ketlo aanand....!!! :)

  ReplyDelete
 15. wondeful sir.. u enjoyed very well and we enjoy by reading very well thanks

  ReplyDelete
 16. લા-જવાબ. તમે જે કેરાલા પરાઠાનો ઉલ્લેખ કરેલ છે તે પરથી એક બીજું પ્રવાસ વર્ણન યાદ આવે છે. જે આ પ્રવાસ વર્ણનથી તદ્દ્ન વિપરીત છે.

  વલસાડમાં મારા મિત્ર પરીવાર અને કેટ્લાક જ્ઞાતી મિત્રો ૭ દિવસના ઉત્તર ભારતના પ્રવાસે ગયા હતા. કોઇ એક વ્યક્તી એ પ્રવાસ વર્ણન લખેલ અને બાકીના બધા અભીભુત થઈ એ નોટની કોપી કરતા હતા (તે વખતે ઝેરોક્સ આજ ના જેટલી પ્રચલીત અને સુલભ ન હતી)ફરતી ફરતી નોટ મારા હાથમાં આવી અને ઉત્સુકતા પણ હતી કે ચાલ બેઠા બેઠા ઉત્તરપ્રદેશ જોઇ લઈએ.

  દરેક દિવસ પ્રમાણે સ્થળ હોય, અને આખે આખું મેનુ લખેલ હોય - જેમ કે આગ્રા ગયા.. તાજ મહેલ જોયો. નાસ્તામાં - થેપલા, દહી અને સુકી ભાજી. બપોરે લાલ કિલ્લો જોયો. જમવા માં - ફરી થી આલુ પરાઠા, ગોબી, દાલ રાઇસ અને પાપડ.

  સવાલ એ હતો કે મેનુ બુક હતી કે પ્રવાસ વર્ણન???

  ReplyDelete
 17. તાદ્રશ્ય વર્ણન...અગાઉના હપ્તાઓ યાદ કરીએ તો ચોક્કસ કહી શકાય કે પ્રવાસ વર્ણન માં હથોટી આવતી જાય છે;પક્કડ રહે છે અને જામતું જાય છે...ખુબ સરસ...તમે હવે ના તમારા પ્રવાસ સ્થળ વિષે અમને અગાઉથી જ કહી દેજો જેથી અમે ત્યાં નુ માંડવાળ કરીએ અને તમારા લેખ ની રાહ જોઈએ...

  ReplyDelete
 18. આપનું પ્રવાસ-વર્ણન વાંચતાં કાકાસાહેબ કાલેલકરનું સ્મરણ થયું.એમનું "પ્રકૃતિનો આનંદ"પુસ્તક ઉદાહરણરૂપ ગણાય છે.જીવંત ચિત્રીકરણ સાથે માનસિક સંવાદો અને અનુભૂતિ ની અભિવ્યક્તિની આપની રજૂઆત ખરેખર અસરકારક છે.વિવિધ સ્થળો,માણસો,વસ્તુઓ,ઘટનાઓ અને મનોભાવો ના સળંગ વર્ણનને આપણે 'પ્રવાસ-વર્ણન'કહીએ છીએ.પણ એનું સ્થૂળ આલેખન તો કંટાળાજનક બની જાય.પ્રવાસ-વર્ણનમાં જો વાર્તા-તત્વ,કાવ્યમય શૈલી,પ્રવાહિતા,અલંકારી છતાં સરળ ભાષા,લાઘવ,ઘટના અને વિચાર-બંનેનું સમાંતર આલેખન-આટલી બાબતો સહજ રીતે આવતી હોય તો જ પ્રવાસ-વર્ણન રસપ્રદ બને.આપના 'પ્રવાસ-વર્ણનમાં આ બધું મોજુદ છે એટલે વાંચવામાં બહુ જ મજા આવી.ધન્યવાદ,મુકુલભાઈ.

  ReplyDelete
 19. ઠેકડીનું જ નહીં પણ સમગ્ર કેરાલાનું સૌથી મોટું આકર્ષણ કહી શકાય એવું આ પેરિયાર વાઇલ્ડ સેન્ચુરી જોવાની ની તક તમે ગુમાવી.... પણ આના કારણે અમો એ પણ અએ સ્થળના વર્ણન ની મજા ગુમાવી...અને તમોને દરેકે દરેક ગામમાં જે ચર્ચ દેખાતા હતા ત્યાં ફરી પાછા જશો ને ત્યારે કોક જ્ગ્યાએ દેખાતા મંદીર પણ ચર્ચમા ફેરવાયી જશે...

  ReplyDelete
 20. tamari aa aakhi yatra kerala janar ne ek guide na rup ma help kari shake aevi chhe.....
  and pic really excellent

  ReplyDelete