ગળથૂથી:
જે વસ્તુ ઘણીવાર આપણને સાવ સામાન્ય લાગતી હોય તે આપણા માટે ખૂબજ જરૂરી હોઈ શકે અને જેના માટે આપણે ઝૂરતા હોઈએ તે તદ્દ્ન નકામી પણ હોઈ શકે! (અહીં વસ્તુની જગ્યાએ વ્યક્તિ શબ્દ મૂકી દો તો પણ ચાલશે!)
વલ્લરપદમ ચર્ચ |
સૌરાષ્ટ્રની છેક દક્ષિણે, અરબસાગરને સાવ કાંઠે આવેલું ટપકાં જેવડું જુનાગઢ જીલ્લાનું (એ સમયે અમરેલી) ગામ. એ ગામમાં જિંદગીનાં પહેલાં સત્યાવીશ-અઠયાવીશ વરસ કાઢ્યા પછી, સંજોગો અચાનક રાજકોટ જેવા શહેરમાં લઈ આવે તો હોમ સિકનેસ થવી એ સ્વાભાવિક ઘટના છે. ઘર બહુ જ યાદ આવે પણ પાંચ-છ મહિને એકાદ વખત જવાનો મોકો મળે. રાજકોટથી આશરે છ કલાકની મુસાફરી થાય અને પાંચેક કલાકની મુસાફરી પછી વેરાવળ આવે, બસ ભીડિયાની ખાડી પાસેથી પસાર થાય અને દરિયાની ખારી હવામાં ભળીને આવતી મચ્છીની તીવ્ર ગંધથી મોટાભાગના મુસાફરોની જેમ નાક આડે રૂમાલ દેવાઈ જાય. પણ શરૂશરૂમાં જ, પછી તો આ ગંધની સાથે એવું તો અનુકૂલન સધાયું કે એ ગંધ આવે ને એમ થાય કે બસ હવે તો એક જ કલાક, એક કલાક પછી એ ગામ, ફળિયું, એજ રાજીપો દેખાડતાં દોડીને સામા આવતાં શેરીના કૂતરાં ને પછી પપ્પાની વ્હાલભરી નજર અને માં નો હેતાળ હાથ! (આપણા દરેક ગમા-અણગમાની સાથે આવું કોઇને કોઇ conditioning જોડાયેલું હશે? માનસશાસ્ત્રીઓને ખબર!)
કોચી અથવા કોચીન જે આજ સુધી ફોટામાં ચાઇનીઝ ફિશીંગનેટ(જે પૂરા વિશ્વમાં ચાઇનાની બહાર માત્ર અહીંજ જોવા મળે છે.) તરીકે જોયેલું તે હવે આંખ સામે અને શ્વાસમાં ગંધરૂપે પ્રત્યક્ષ હતું. કેટકેટલો ઈતિહાસ પોતાના પેટમાં ધરબીને બેઠું હતું કોચી? કહેવાય છે કે ચીની શાસક કુબ્લાઈ ખાનના દરબારના વેપારીઓએ કોચીને એનું નામ આપ્યું છે, આ સિવાય પણ કેટકેટલા દેશના લોકોને કોચી પોતીકું લાગ્યું છે? અંગ્રેજોએ કોચીને ’મિની ઈંગ્લેન્ડ’ કહ્યું તો ડચ લોકોને ’હોમલી હોલેન્ડ’ લાગ્યું અને પોર્ચુગીઝોએ વળી નામ આપ્યું ’લિટલ લિસ્બન’! તો વળી ઈટાલિયન પ્રવાસી નિકોલસ કોન્ટીએ પોતાની પ્રવાસકથામાં લખ્યું, “જો ચાઇના પૈસા કમાવા માટે છે તો ચોક્કસપણે કોચી એ પૈસા ખર્ચવા માટે!” એક સમૃધ્ધ બંદર અને ગરમ મસાલાના વ્યાપારી મથક તરીકે કોચી હમેશાં વિદેશી પ્રવાસી અને વ્યાપારીઓને આકર્ષતું રહ્યું છે પછી એ પોર્ચુગીઝ વાસ્કો-ડી-ગામા હોય, ચાઇનીઝ ફા-હ્યાન હોય કે પછી બ્રિટીશ સર રોબર્ટ બ્રિસ્ટોવ.
ઇસ્વીસન ૧૫૩૦થી શરૂ કરીને છેક દેશની આઝાદી ૧૯૪૭ સુધી કોચી, પોર્ચુગીઝ, હોલેન્ડ અને છેલ્લે અંગ્રેજો જેવા અલગ અલગ વિદેશી શાસકોના કબજામાં રહ્યું હોઈ શહેરની સંસ્કૃતિમાં પણ અલગ અલગ દેશની ઝલક જોવા મળે છે. પહેલવેલો યુરોપિયન કિલ્લો પણ અહીં પોર્ચુગીઝો દ્વારા બંધાયો. એકાબીજાથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ એર્નાકુલમ અને કોચી હવે એવાં તો એકબીજામાં ગુંથાઈ ગયાં છે કે ક્યાંથી કોચી પુરૂં થાય છે અને એર્નાકુલમ શરૂ થાય છે એ ખબર જ ના પડે! કોચી ફોર્ટ વિસ્તારમાં આવેલ બે ચર્ચની મુલાકાત લીધી, આ ચર્ચ પોર્ચુગીઝ શાસન સમયના એટલે કે ચારસોથી પાંચસો વર્ષ જૂનાં હતાં એથી વિશેષ કોઈ આકર્ષણ એમાં હોય એવું લાગ્યું નહીં એના કરતાં મરીન ડ્રાઇવ અને ત્યાં આવેલ ચાઇનીઝ નેટ જોવાની મજા આવી. સાંજે વળી પા્છી બેકવૉટરમાં સહેલ, અમારા કેરળના છેલ્લા મુકામની હોટેલ સી લોર્ડ થી થોડાક મીટરના અંતરે આવેલ સી લોર્ડ જેટી પરથી જળવિહારની સરસ સગવડ છે, પ્રાઇવેટ ટુરિસ્ટ બોટ એશોસિએશન દ્વારા ફક્ત પચાસ રૂપિયામાં દોઢ કલાકનો જળવિહાર કરી ને આવ્યા હોટેલ સી લોર્ડ પર કેરળની અમારી છેલ્લી રાત્રી પસાર કરવા. અમને હોટેલ પર ડ્રોપ કરી સેલ્વમ નજીકમાં આવેલા એના ગામ ગયો, આજે પાંચ છ દિવસ પછી એ શિવા અને શ્રી હરિનું મોઢું જોવાનો હતો એની ખુશી એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી!
છેલ્લા દિવસની સવાર પડી, આજે જોવાનું ખાસ બચ્યું નહોતું, બસ વલ્લરપદમ ટાપુ પર આવેલ વલ્લરપદમ ચર્ચ જોવાનું હતું, વચ્ચે ટાપુ પર આવેલ KTDC હોટેલ જોઇ અમે વલ્લરપદમ ચર્ચ પહોંચ્યા, આ ચર્ચ ખરેખર ભવ્ય હતું. આ ચર્ચ The Basilica of Our Lady of Vallarpadam તરીકે પણ ઓળખાય છે, ચર્ચના પ્રવેશદ્વારની જમણી બાજુ આવેલ એક જ્ગ્યાએ મીણબત્તી પ્રગટાવવા માટેની જ્ગ્યા હતી અમે પણ મીણબતી વેચાતી લઈને પ્રગટાવી. ડાબી બાજુએ આવેલ ટાવરમાં છેક ઉપર સુધી જવાની સગવડ હતી લગભગ ૧૫૦ પગથિયા, જેમાંથી અરધે સુધી લિફ્ટ લઈ જાય અને બાકીનું ચડવાનું. ઉપર પહોંચ્યા પછી નાળિયેરીના ઝાડ અને બેકવૉટર વચ્ચે ઘેરાયેલું કોચી બહુ સુંદર દેખાતું હતું. જમણી બાજુ ભારતનો સૌથી લાંબો રેલબ્રીજ લગભગ આખેઆખો દેખાતો હતો જે ૧૬ નવેમ્બરના કરોડપતિમાં પચ્ચીસ લાખના સવાલના પ્રત્યુત્તરરૂપે હતો.
છેવટે એ ઘડી આવી પહોંચી, અમારી કેરાલા છોડવાનું હતું, એક બાજુ ગુજરાત સાદ પાડીને બોલાવતું હતું અને કેરાલા કહેતું હતું કે બસ “બસ છ જ દિવસ? છ દિવસમાં જોયું શું? છ દિવસમાં પણ જેટલું જોવાનું હતું એમાંથી પણ ઘણું છૂટી ગયું હતું!” સાચી વાત હતી આટલા દિવસમાં જેટલું જોયું, માણ્યુંએ માત્ર બુંદ જેટલું જ હતું, મહાસાગર જેટલી તરસ તો હજુ અકબંધ હતી. ફરી પાછું આવવુંજ પડશે....
વળી પાછી ટ્રેન, બપોરના બાર વાગ્યાની હાપા એક્સપ્રેસ અને ત્રણ મહિના પહેલાં બુક કરાવેલી ટિકિટ (IIac કે IIIac ની ટિકિટતો મળેલી જ નહીં) છતાં છેલ્લી ઘડી સુધી લટકતી તલવાર! છેવટે ટિકિટ કનફર્મ થઈ ગઈ ને કોચીને બાય બાય કહેતા અમે ટ્રેનમાં બેઠા. કેરળમાં ટ્રેનની બાબતમાં અમુક નિયમો આપણા કરતાં જુદા પડે છે એટલે એની સાથે અનુકૂળ થવામાં થોડી અકળામણ થાય છે અને જો ધીરજ ખોઈ બેઠા તો ઝઘડો પણ ચોક્કસ થવાનો. અહીં આપણને કઠે એવી બાબત એ છે કે દિવસ દરમિયાન સામાન્ય ટિકિટ ઉપર સેકન્ડ સ્લીપરમાં મુસાફરી કરી શકાય છે. (કદાચ સવારના આઠ થી રાત્રીના આઠ સુધી) એટલે પરિસ્થિતિ ક્યારેક એવી થાય કે આપણી પાસે રિઝર્વેશન હોવા છતાં બહુજ મુશ્કેલીથી બેસવા જેટલી જગ્યા મળે છે. અમે કેરળ છોડી કર્ણાટકની હદમાં પ્રવેશ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી અને આ વખતે પણ દૂધસાગર જોવાનું નસીબમાં નહોતું! સવાર પડી ત્યારે મહારાષ્ટ્રની હદમાં હતા બપોરે બારની આસપાસ વસઈ સ્ટેશને સાત-આઠ દિવસનો વહાલી મોટી બહેન અને પ્રેમાળ જીજાજીનો સથવારો છૂટતો હતો એ બહુ આકરૂં લાગ્યું, અંશુલને તો ખાસ. એ આટલા દિવસમાં ફઈની સાથે એવો તો હળી ગયો હતો કે એને એમજ હતું કે ફઈને ફૂવા પણ આપણી સાથે રાજકોટ સુધી આવવાના છે! થોડા કલાકો પછી ગાડી ગુજરાતની હદમાં હતી ને સામે હતાં એજ ગંદકીથી ભરપૂર અને ઘોંઘાટીયાં પ્લેટફોર્મ! અલબત્ત કેરાલામાં અમે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એટલા બધા ગુજરાતી પ્રવાસીઓ હતા કે ગુજરાતને અમે જરાયે મિસ કર્યું નથી! ( એક વર્ષ પહેલાં ઓરિસ્સા જવાનુ થયેલું અને ત્યાં દશેક દિવસ રહેવાનું થયેલું ત્યારે મારા કાનને સળંગ એટલા દિવસના ગુજરાતી ભાષાના નકોરડા થયેલા!)
છેવટે રાત્રે સાડાબાર વાગ્યે ટ્રેન રાજકોટના પ્લેટફોર્મ પર આવીને ઊભી ત્યારે રસિક ઝવેરીની ’અલગારી રખડપટ્ટી’ માં આવતા કાનજી ખવાસના શબ્દો સાંભર્યા કે “જલમભોમકા ઈ જલમભોમકા!”
ગંગાજળ:
કાકાસાહેબ કાલેલકરના પુસ્તક ’હિમાલયનો પ્રવાસ’માંથી એક અદ્ભૂત પ્રસંગ યાદ આવે છે, જો એનો મર્મ સમજાય તો આપણે આપણી માથે જે કંઇ જાત જાતની માન્યતાઓનાં પોટલાં ઊંચકીને આજીવન ચાલતા રહીએ છીએ એમાંના ઘણાં ઊતરી જાય!
વાત કૈંક આમ છે; કાકા સાહેબ, સ્વામિ આનંદ અને અનંતબુવા આ ત્રણ હિમાલયના પ્રવાસે પગપાળા નીકળેલા, એક પછી એક પહાડોના ચઢાણ પછી એક દિવસ એક ગામમાં રાતવાસો કરવા રોકાયા. રાત્રે ગામલોકોની સાથે અલકમલક્ની વાતો ચાલતી હતી એમાં ગામના એક વૃધ્ધાની જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં કાકા સાહેબે પોતાના વતન વિશે માહિતી આપી કે “અમારા પ્રદેશમાં આવા અને આટલા બધા પહાડો ના હોય પણ સપાટ મેદાનો હોય...” આ સાંભળી પેલાં વૃધ્ધાએ થોડાક આશ્ચર્ય અને થોડી સહાનુભૂતીથી કહ્યું,” અરર..સાવ સપાટ મેદાનો હોય? તો તો તમને ચાલવામાં કેટલી બધી તકલીફ પડતી હશે નહીં?”
વાહ મોટાભાઇ.......ખુબજ આનંદ થયો....... હું ક્યારેય દક્ષીણ ભારત ફર્યો નથી પણ તમારા આ પ્રવાસ નિબંધ થી મને ઘણી બધી ઉપયોગી માહિતી મળી ગઇ.........હવે પછી ની જે પણ રજાઓ હશે એ નક્કી દક્ષીણ ભારત માં...........ગંગાજળ માં કાકા સાહેબ નો પ્રસંગ ટાંકી ને તમે સાચેજ જીવન ની બહુ મોટી વાસ્તવીકતા સમજાવી દીધી........ખુબ ખુબ આભાર....... આજ રીતે અમને સારૂ વાંચન મળી રહે એવુ લખતા રહો........એવી શુભ કામનાઓ.......
ReplyDeleteજેની શરુઆત છે એનો અંત પણ છે જ. એ ન્યાયે; આ પ્રવાસ પણ ક્યારેક તો પુરો થવાનો જ હતો...પણ આનંદ અને પ્રત્યક્ષતાની અનુભૂતિ જે આમાંથી મળ્યા છે;એજ કાયમ છે અને એની જ ખરી મઝા છે...અભિનંદન-તમે આટલો મોટો પ્રવાસ પણ આટલી સરસ રીતે માણી આવ્યા...અને પછી 'ગમતાનો કર્યો ગુલાલ'...અમનેય તમારી 'સંજય-દ્રષ્ટી'નો લાભ આપ્યો...શક્ય હોય તો એક કૃપા હજુયે કરજો-ફક્ત ફોટો દર્શન;અને એય તમારી ખાસ ટિપ્પણીઓ સાથે મુકો તો?...
ReplyDeleteહવે ખાસ...પુસ્તક સ્વરુપે ક્યારે પ્રગટો છો?
કંટાળાપ્રદ પ્રવાસ વર્ણનો કરતાં કંઈક અલગ અને ખુબ રસપ્રદ રજુઆત કરી આપે...ખાસ તો આપની વિનોદવૃત્તિને કારણે ખુબ મઝા આવી..
ReplyDeleteવાહ...વાહ મુકુલભાઈ ...મારાં કાનને ગુજરાતી ભાષાનાં ઉપવાસ થયાં એ નવતર રૂઢિપ્રયોગ ખૂબ ગમ્યો...પેલી વૃદ્ધાએ " તો તમને ચાલવામાં તકલીફ નહિ પડતી હોય ને..." એવું નહિ કહ્યું હોય??? વૃધ્ધાને સપાટ મેદાન હોય તો ચાલવામાં સરળતા રહે એમ નહિ?? જવાબ વાળજો. એ જ ઈશાન અમદાવાદી.
ReplyDelete@ishan bhavsar
ReplyDeleteદોસ્ત ઈશાન,
મેં આમાં શરૂઆતમાં જ લખ્યું છે કે"જો એનો મર્મ સમજાય તો આપણે આપણી માથે જે કંઇ જાત જાતની માન્યતાઓનાં પોટલાં ઊંચકીને આજીવન ચાલતા રહીએ છીએ એમાંના ઘણાં ઊતરી જાય!"
આમાં જ તારી વાતનો જવાબ આવી જાય છે!
મુકુલભાઇ, બહુ જ સરસ. જે શરૂ થાય તે અંત તરફ જ હોય છે. આ ૯ હપ્તા એ પાછા જુના પ્રવાસ કથા વાંચવા તરફ વાળવા મજ્બુર કરી દીધા. ઓવર ઓલ ટીપ્સ, અને બધી ખાસીયતને તમે એક એક બાબતમાં વણી લીધી.
ReplyDeleteઅને હિમાલયના પ્રવાસના પ્રસંગ - સોનામાં સુગંધ. અદભુત..
ખુબ અભિનંદન.. સુંદર પ્રવાસ વર્ણન બદલ.
સરસ સાહેબ તમે તમારો પ્રવાસનો અનુભવ સુંદર રીતે રજુ કર્યો.
ReplyDelete- સત્ય
ખુબજ સુંદર વર્ણન ! ખાસ કરી ને પ્રવાસ ભૂમિ થી જન્મભૂમિ ને જોડી ને લાગણી ઓ ને ઝંજોડી દીધી.
ReplyDeleteસાથે કોચી નું ઐતહાસિક વર્ણન વાંચી ને ખુબ મજા આવી.
સર્વ રીતે આનંદપ્રદ લેખમાળા.
Bahu ja saras varnan saheb... maja aavi gai... 1st to 9th all part were awesome, informative... thanks a lot for sharing
ReplyDeleteસરસ. જોકે હવે આખો પ્રવાસઆલેખ સાથે વાંચીએ તો વળી કૈક જુદી અનુભૂતિની શક્યતા. હું કરવાનો છું, તમે ??
ReplyDelete@Sanju Vala poet-critic and editor
ReplyDeleteએકદમ સાચી વાત છે આ જુદી અનુભૂતી વાળી...એકવાર સાચૂકલો પ્રવાસ, બીજીવાર કટકે કટકે કલમના(કે કી બોર્ડના?) સથવારે અને હવે સળંગ પણ જરૂરી છે.
ગમવું અને નાં ગમવું એ આપણા મનમાં સંગ્રહિત થયેલી સારી નરસી બાબતો સાથે સંકળાયેલું હોય છે.જે બાબત આજે ગમતી નથી તે બાબત સાથે હકારાત્મક બાબતો જોડીએ તો એક સમય એવો આવશે કે આ નાં ગમતી બાબતો પણ ગમવા માંડશે... તેણે જ મનોવિજ્ઞાનમાં અભીસંધાન (કન્ડીશન) કહેવાય છે.... ભાવ પણ અભીસંધિત હોય છે જો સતત હકારાત્મક બાબતો મળે તો ભાવ જળવાય રહે અને જો તેમાં નકારાત્મકતા ઉમેરાય તો ગમતો ભાવ પણ અણગમતો બની શકે,,,,,
ReplyDeleteમેરિ ક્રિસમસ નો દિવસ અને ચર્ચ વગેરેની મુલાકાત, કદાચ અનાયાસે, પ્રાસંગિક બની રહી.કોઇ પણ પ્રકાર નુ કન્ડીશનીંગ ને જ ગમો -અણ્ગમો કહેવાતુ હશે કદાચ...ડ્રાઇવર ના ઘરે જવા ના પ્રસંગ ને પણ તમે માનવિય દ્રષ્ટિકોણ આપ્યો...ગંગાજળ સાત્વિક અને તાત્વિક અર્થ મા "ગંગાજળ" બની રહ્યુ...બસ, તમે પ્રવાસ કરતા રહો અને અમે માણતા રહીએ..!
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteખુબ ખુબ આભાર.....બહુ સુંદર અને સરળ ભાષામાં પ્રવાસ વર્ણન કરેલું છે,પ્રવાસ કરતા કરતા પ્રક્રુત્તિનું સુંદર વર્ણનખુબ રસપ્રદ રજુઆત કરી આપે,આપના અગાઉના લેખ જેવો જ ઊંડાણમાં માહિતી આપનાર પ્રવાસ વર્ણન વાંચી ઘણું જાણવા મળ્યું .પ્રવાસ ના અનુભવો સરસ રીતે આલેખ્યા છે.
ReplyDeleteહું ખંભાત રહેતી ત્યારે પાણી ઉકાળીને જ પીતી, ખારાશ ઓછી કરવા. આપણને ચા પણ નમકીન લાગે એવું 'મીઠું' પાણી. વારુ, એક દિ મેં પડોશની તરુણીને મારા વતનમા વેકેશન કરવા માટે આમંત્રી. એનું નામ ધરતી અને લાડકું નામ ભૂમિ! એ કહે કે પોતે બે દિ થી વધુ ખંભાત બહાર ના રહી શકે કેમકે, 'યક્ક, મીઠું પાણી પીવું પડે.' જલમભોમકા ભાઈ !
ReplyDeleteબહુ સુંદર અને સરળ ભાષામાં પ્રવાસ વર્ણન કરેલું છે......... હું ક્યારેય દક્ષીણ ભારત ફર્યો નથી પણ તમારા આ પ્રવાસ નિબંધ થી મને ઘણી બધી ઉપયોગી માહિતી મળી ગઇ............કંટાળાપ્રદ પ્રવાસ વર્ણનો કરતાં કંઈક અલગ અને ખુબ રસપ્રદ રજુઆત કરી આપે...ખાસ તો આપની વિનોદવૃત્તિને કારણે ખુબ મઝા આવી..
ReplyDeleteસર્વ રીતે આનંદપ્રદ લેખમાળા.
Wonderful script Sir!
ReplyDeletemaja aavi reallyyyyy
ReplyDeleteમુકુલદાદા,,
ReplyDeleteઆજે FB પરથી તમારા બ્લોગ પરપધરામણી કરી અને શરુ કરી કેરેલા ની અદભુત સફર..
બસ એટલુજ કહેવું રહ્યું " અદભુત".. બાકી સબ્દો નથી.... પ્રવાસ નું એટલું જોરદાર અને રસદાર વર્ણન હતું કે એકજ બેઠક માં ૧ થી ૯ ભાગ પૂર્ણ કરી ને જ નિરાંત વળી.. ઓફીસ માં બેઠા બેઠા જ કેરેલા ની ટુર થય ગય. સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મત.. અને વધુમાં પ્રવાસ ની તૈયારી થી માંડી ને પાછા ફરવા સુધી ના સુખદ અને દુખદ અનુભવ પણ,, દરેક ગુજરાતી કે જેમના માટે ફરવું એ જન્મસીધ અધિકાર છે એમના માટે એકવાર આ લેખ જરૂર વાંચવો રહ્યો અને ઉપલક માં ગળથૂથી અને ગંગાજળ ના અવતરણ... વાહ મજા આવી ગાય.. આભાર..
આપના આ પ્રેમભર્યા પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર!
Delete