Saturday, December 03, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૬


ગળથૂથી:
મોટાભાગના લોકો પોતાના દિમાગનું મૂલ્ય સમજે છે એટલે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે પરંપરાઓને પસંદ કરે છે!
ઝરૂખામાંથી
કેરલા પ્રત્યે કુદરતનો પક્ષપાત ઊડીને આંખે વળગે એમ દેખાઇ આવે છે, નહીંતર આ દેશમાં ક્યું એવું રાજ્ય છે જેને ગોવા જેવા સુંદર સુંદર સમુદ્રના બીચીઝ ની સાથે સાથે કાશ્મીરની જેવા લીલાછમ પર્વતોની સુંદરતા પણ સાંપડી હોય! તમીલ શબ્દો Munu (વૃક્ષ) અને aaru(નદી) મળીને આ નામ પડ્યું છે મુન્નાર. 1600 મીટરની ઊચાઇએ નજર પહોંચે ત્યાં સુધી ચા ના બગીચાથી છવાયેલી કાનન દેવનની પહાડી ઉપર  Madhurapuzha, Nallathanni અને Kundaly નદીઓનો સંગમ અને એ સંગમ ઉપર આવેલું મુન્નાર દક્ષિણના કાશ્મીર તરીકે ઓળખાય એમાં નવાઈ ખરી?
ટી મ્યુઝીયમ
        અમારી હોટલ ટી કેસલ, હાઈ વે ને સ્પર્શીને, એક ખીણની ધાર ઉપર હતી જેના દશમાંથી પાંચમો માળ ગ્રાઉન્ડ ફ્લોર હતો બાકીના નવમાંથી પાંચ ઉપર અને ચાર નીચે ખીણમાં!(આ અજબ સ્થાપત્યને કારણે અમે લિફ્ટની ચાંપ દાબવામાં વારંવાર ગોટાળા કર્યા!) અમારો મુકામ નવમા માળ ઉપર હતો. સવારે અમારા ભાગના ઝરૂખામાંથી બહાર નજર નાખીતો દિલ બાગ બાગ થઈ ગયું. ઝરૂખાની બરાબર નીચે ઊંડી ખીણ જે થોડે દૂર જતાં ઉપર ચડીને પર્વતનું રૂપ લઈને પોતાની ચા ના બગીચાથી લીલીછમ ગોદમાં દોડાદોડી કરતાં પોમેરેનિયન જેવાં શ્વેત બચુકડાં વાદળાને રમાડતી હતી!
એડીંગ મશીન
8mm પ્રોજેક્ટર

        મુન્નારમાં અમારૂં સૌથી પહેલું લક્ષ્ય હતું, ટી મ્યુઝીમ જોવાનું, આપણને એમ કે ટી મ્યુઝીયમમાં તે વળી શું જોવાનું હોય? બહુ બહુ તો અલગ અલગ જાતની ચા બતાવતા હશે! પણ અંદર એન્ટ્રી લીધી ત્યારે ખબર પડે કે આ મ્યુઝીયમ તો એના પેટમાં ચા સિવાય પણ બીજો ભૂતકાળ સંઘરીને બેઠું છે! જૂના જમાનાનું ૮ એમ એમ અને ૧૬ એમ એમ ના પ્રોજેક્ટર, આજના કેલ્ક્યુલેટરના પરદાદા સમું એડીંગ મશીન (જે એના નામ મુજબ માત્ર સરવાળામાં જ કામ લાગતું), લાકડાનું બાથટબ, જૂના ટેલિફોન અને મને સૌથી રસપ્રદ લાગ્યું એ જૂનું ટેલિફોન એક્સચેન્જ, આજની મોબાઇલીયા જનરેશનને કદાચ ચકરડું ઘુમાવીને ડાયલ કરાતો ફોન ફિલ્મોમાં જોયો હશે પણ જો એને કહીએ કે આજથી ચાલીસ પચાસ વરસ પહેલાં એવા ફોન હતા જેમાં ડાયલ કરીને પણ નંબર લગાડવાની સગવડ નહોતી પણ વચ્ચે એક માણસ રહેતો જેને કહેવું પડતું કે મને અમુક તમુક નંબર જોડી આપો એટલે એ આ દર્શાવેલ મશીનમાં પીન ભરાવીને નંબર જોડી આપે પછી જ વાત થઈ શકતી તો કદાચ એ લોકોને આ પરીકથા લાગે! આ બધો અમૂલ્ય ખજાનો જોયા પછી અમને ઉપર એક સાંકડા હોલમાં લઈ જવામાં આવ્યા જ્યાં મોટા મોટા ટાંકાઓમાં ચાના પાંદડાં સૂકવવા માટે રાખેલાં હતાં એની ફરતે તમામ મુલાકાતીઓને ગોઠવવામાં આવ્યા અને એક કર્મચારીએ એક થોડી ઊંચી જગ્યાએ ગોઠવાઈ અને મલયાલમ લઢણ વાળી અંગ્રેજીમાં આ ચા ઊગાડવાથી માંડીને ને કઈ રીતે વિણવામાં આવે છે અને પછી અહીં લાવીને એના ઉપર કઈ કઈ પ્રકિયા કરવામાં આવે છે એ સડેડાટ ઝૂડવા માંડ્યું જે ત્યાં હાજર સાડત્રણસોથી ચારસો મુલાકાતીઓમાંથી મોટા ભાગનાને ટચ કર્યા વિના ઉપરથી જાયે સ્વાભાવિક હતું! મુલાકાતીઓમાંથી એક ગુજરાતી ભાઇએ ઉગ્ર વિરોધ નોંધાવીને હિન્દીની માગણી કરી પણ પેલો બંદો ક્યાંથી માને! કેમકે એના માટે એ શક્ય નહોતું! છેવટે જેમ તેમ એ પ્રવચન સહન કરી બધા નીચે બીજા એક હોલમાં આવ્યા જ્યાં ચા ની લીલા પાંદડાં માંથી કાળી ભૂકી સુધીની યાત્રા જોવા માટે એક મિની પ્લાન્ટ હતો જેમાં ચા ના પાંદડાં નાખ્યા પછી છેક છેલ્લે અલગ અલગ સાઇઝની ચાળણી દ્વારા અલગ થતી ચા ની ભૂકી જોઇ. અહીં કંપનીનીજ રીટેઇલ શોપ હતી, ત્યાંથી જાત જાતની ચા ની ખરીદી અમે અને અમારા જેવા બીજા બધાએ કરી, છેલ્લે કંપની તરફથી અમને કોમ્પલીમેન્ટરી ચા પીવડાવવામાં આવી જે મારા માટે એક સજા હતી કેમકે ચા મશીનની હતી.
        Eravikulam Rajamalai National Park કે જ્યાં પહાડી બકરાની પ્રજાતિ છે અને એવું કહેવાય છે કે લગભગ વિનાશના આરે પહોંચેલી આ પ્રજાતિની વિશ્વમાં જેટલી વસ્તી છે એની અરધી તો અહીં જ છે. ટી મ્યુઝિયમ જોયા પછી અમે અહીં પહોંચ્યા જ્યાંથી ટીકિટ કઢાવી અમારે પાર્કની બસમાં બેસીને અંદર લગભગ પંદરેક કિલોમીટર જેટલું જવાનું હતું, પણ પાર્કમાં પ્રવેશવા માટેની મુલાકાતીઓની લાઇન જોઇ અમારાં મોતિયાં મરી ગયાં! હાલત જોતાં એવું લાગતું હતું કે વારો આવવામાં બેથી ત્રણ કલાક નીકળી જાય એમ હતા એટલે પછી બકરાઓને બકરીઓના ભરોસે છોડીને અમે ટોપ સ્ટેશન જવાનું વધારે યોગ્ય માન્યું. (આગલા હપ્તામાં સંજુભાઇની બે બકરા વાળી કોમેન્ટ વાંચ્યા પછી થયું કે જો આટલો સમય બગાડીને લાઈનમાં ઊભીને ગયા હોત તો ખરેખર ’બકરા’ બન્યા હોત!)
        ટોપ સ્ટેશન એ મુન્નારથી ૩૬ કિલોમીટર દૂર, તામિલનાડુની સરહદ ઉપર સમુદ્રથી ૧૯૦૦ મીટરની ઉંચાઇએ આવેલી જ્ગ્યા છે, જ્યાંથી તામિલનાડુ અને કેરાલા બન્ને દેખાય છે, આ જ્ગ્યાની બે વિશેષતાઓ છે જે એને ખાસ બનાવે છે એક તો એ ભારતમાં સૌથી ઊંચી જગ્યા છે જ્યાં ટી પ્લાન્ટેશન છે અને બીજું તો ખરેખર અજાયબી કહી શકાય એવું છે, અહીં નીલકુરીન્જી (Neelakurinj) નામનું એક રૅર કહી શકાય એવું ફૂલ થાય છે જે બાર વર્ષે એક વાર ખીલે છે ત્યારે આ આખો વિસ્તાર ટી પ્લાન્ટના લીલા અને નીલકુરીન્જીના નીલા રંગોથી છવાઇ જાય છે. છેલ્લે ૨૦૦૬માં આ ફૂલો ખીલ્યાં હતાં એટલે ૨૦૧૮ માં ચાન્સ લેવા જેવો ખરો!
        અમારા ભાગે નીલકુરીન્જી તો જોવાના હતાં જ નહીં એ તો અમને ખબર જ હતી પણ ટોપ સ્ટેશન પહોંચીને પણ કુદરતના હાથે બકરા બનવાનું છે એ ખબર નહોતી!
ગંગાજળ
મંદિર-મસ્જીદ-ગુરૂદ્વારાની
દિવાલો વચ્ચે
અકળાયેલું પરમતત્વ
વ્યથિત સ્વરે
પૂછે છે:
હું તને પામવા મથું છું,
હે માણસ,!
તું ક્યાં છો???”
-શૈલેન રાવલ.


       

14 comments:

 1. વાહ જાનીદાદા...

  ReplyDelete
 2. વાહ મુકુલભાઇ જામે છે. તમારી શૈલી અનોખી છે. લગે રહો...

  ReplyDelete
 3. સરસ સાહેબ ચા વિશે કાંઈક નવું જાણવા મળ્યું. ચાને માણ્યા પછી.
  - સત્ય

  ReplyDelete
 4. અહીં તમે જે એડીંગ મશીનનો ફોટૉ મુક્યો છે ને લેખમાં ઉલ્લેખ કર્યો છે તેવું FACIT કંપનીનું એડીંગ મશીન વર્ષો પહેલાં મારા પપ્પાની ઓફિસમાં હતું. જ્યારે પણ પપ્પાની ઓફિસે જતો ત્યારે તે મચડ્યા કરતો..હું આટલા વર્ષો પછી ચોક્કસ નથી પરંતુ મારી મેમરી મુજબ તે મશીન માં સરવાળા અને બાદબાકી બંન્ને થતા હતા.

  ReplyDelete
 5. સાહેબજી કેરળની વાતો સાથે જો ચાની ચુચ્કી હોઈ તો વાત જ પૂછો નહિ કે કેટલી મઝા આવે ,આપની શૈલી રસાળ છે ,મઝા પડે છે ,અમે તો આપે કહયા તેવા મોબાઇલીયા છીએ આપના વર્ણન પરથી પેલું ટી મ્યુઝીયમ વાળું જૂનું ટેલિફોન એક્સચેન્જ અમે તો નથી જોયું ,જોવાની ઈચ્છા થઇ છે .સાહેબ આપનો પ્રવાસ ભાવકોને પણ કેરલ તરફ ખેચી રહયો છે ,સાચી કૃતિઓ એ જ કે એ અંગુલીનીર્દેશ કરીને પોતાના શબ્દોને રસમાં ઓગાળીને ભાવકના મનમાં સ-રસ છાપ છોડી જાય અને શબ્દોનું પેલું અણીયાળાપણું ક્યાય પણ વાગ્યા વગર હદયાદગારોમાં ભળી જઈને ભાવકને ત્યાં સુધી ખેચી જાય .કાકાસાહેબ કાલેલકરનો''હિમાલયનો પ્રવાસ'' વાંચીને ઘણા લોકો હિમાલયનું સોંદર્ય માનવા હિમાલય સુધી ગયેલા એવું જ આપના કેરલનો પ્રવાસ વાચ્યા પછી થાય છે આપે મુકેલી તસ્વીરો જોઇને આપનું વર્ણન વાચતા એવું લાગે છે કે તસ્વીર જ આ બોલી રહી છે કે શું ? સરસ સાહેબજી ,નવો ભાગ ક્યારે આપો છો ? આ માંગણી જ સમજજો હો!અમે તો એવા ભાવકો છીએ કે માંગી જ લઈએ.
  -ભરત ખેની

  ReplyDelete
 6. તમારી શૈલી થકી,તમે લિધેલ આનન્દ અમે પણ માણીએ છીએ.તમે વર્ણવેલ ટેલિફોન એક્ષ્ચેન્જ અને ફેસીટ સાથે વરસો સુધી અમારો પનારો રહ્યો હતો. આજ્નુ ગંગાજળ અતિ સંવેદન શીલ છે.

  ReplyDelete
 7. vaah... Tea museum to jovo ja rahyo Janisir... thanks for sharing

  ReplyDelete
 8. વાહ...... સારા લેખક છો એ તો સૌ જાણે જ છે... સાથે સારા ફોગ્રાફર પણ છો.... કુદરતી સૌન્દર્ય ને સારું કેદ કર્યું છે....

  ReplyDelete
 9. વાહ...!!! ચા તેમજ મ્યુઝીયમની ખુબ જ સરસ જાણકારી મળી.
  ધન્યવાદ.

  ReplyDelete
 10. બહુ મજાનું વર્ણન. મજા આવી ગઈ. ફોટોગ્રાફી પણ મજાની છે. ધન્ય હો!!

  ReplyDelete
 11. great sir... u give feeling of kerala thanks

  ReplyDelete
 12. ૨૦૧૮ માં નીલકુરીન્જી જોવા જવાનું ફાઇનલ.... અહીં (કેન્યા માં) પણ ચા ના બગીચા ઓ ખુબજ છે...

  ReplyDelete
 13. kerala jaiae aetle venis na jaia ae to chale

  ReplyDelete
 14. "એટલે પછી બકરાઓને બકરીઓના ભરોસે છોડીને..... " સારું થયું તમે બકરા બનતા બચી ગયા. આ ૨૦૧૮ કીધું એટલે મારે પણ ત્યારે જ જવાનું નક્કી કરવું પડશે, નહીતર હું પણ બકરો બનીશ.

  ReplyDelete