Friday, September 26, 2014

ટોપીવાળો અને વાંદરાની અધૂરી વાર્તા!

ટોપીવાળો અને વાંદરાની વાર્તાનો લેખક બિચારો મુંઝાઇને માથે હાથ દઈને બેઠો હતો. કોઇ વાતે વાર્તા આગળ ચાલતી જ નહોતી, કાં ટોપીવાળો આડો ફાટે ને કાં વાંદરા! કોઇ વાતે મેળ પડે નહીં!

ટોપીવાળાએ શહેરમાં એરકન્ડીશન્ડ શોપિંગ મોલ ખોલી નાખેલો એટલે એ હવે ટોપીની ફેરી કરવા તૈયાર નહીં ને શોપિંગ મોલમાં વાંદરાને એન્ટ્રી નહીં...બોલો હવે આમાં વાર્તા લખવી કેમ?

તો પણ પછી લેખકે હાથેપગે લાગી, વિનંતી કરીને માંડ ટોપીવાળાને મનાવ્યો, ટોપીની એક ફેરી કરવા માટે મનાવ્યો. ટોપીવાળાએ પણ શરતોનું લાંબાં લિસ્ટવાળો કોન્ટ્રેક્ટ સાઇન કરાવ્યો, જેમકે,
-મજકૂર સ્થળ સુધી જવા આવવા માટે  મર્સીડીઝની વ્યવસ્થા કરવાની રહેશે.
-જમવાનું કોઇ ફાઇવસ્ટાર હોટલનું સાથે લેવાનું રહેશે.
-જે ઝાડ નીચે ઊંઘવાનું છે ત્યાં ડનલોપિલોનો બેડ નંખાવી દેવો તેમજ આજુબાજુ એર કુલરની વ્યવસ્થા રાખવી.
-કોઇ વાંદરો બચકું ભરી જાય તો એના માટે વીમો લઈ રાખવો.
-જેટલી ટોપી ઓછી પરત આવે એની નૂકશાની ભરપાઇ કરી આપવી.

વગેરે...વગેરે...

લેખક બિચ્ચારો મજબૂર..એને તો કોઇ હિસાબે વાર્તા પૂરી કરવાની હતી એટલે શું કરે? માંડ કરીને કોઇને સ્પોન્સર થવા મનાવી લીધો ને બધી શરત રાખી મંજૂર, ને જંગલ નજીકના કોઇ ગામની પસંદગી કરવામાં આવી ને બધા આવ્યા ત્યાં.
એક ઝાડની પસંદગી કરવામાં આવી, ત્યાં નીચે બેડ નંખાયો, બાજુમાં ટોપીનું બોક્સ રાખીને ટોપીવાળાએ લંબાવ્યુંને લેખક સહિત બાકીના બધા આજુબાજુના ઝાડ પાછળ સંતાઈને હવે પછી બનનારી ઘટનાની રાહ જોવા લાગ્યા. બેડ પર પડેલો ટોપીવાળો ઝીણી આંખ કરીને આ બધું જોતો હતો, ઊંઘ તો શાની આવે?

એવામાં  એક વાંદરો આવ્યો, એણે ટોપીવાળાને જોયો, ટોપીનું બોક્સ જોયું, પોતાનો સ્માર્ટફોન કાઢી ટોપીવાળાનો ને ટોપીના બોક્સનો ફોટો લીધો ને વોટ્સએપ પર અપલોડ કર્યો. થોડીવારમાં બીજા ચારપાંચ વાંદરા આવ્યા, કૂતુહલથી બધું જોયું, ઊંઘવાનો ડોળ કરતો ટોપીવાળો પડેલો એની આજુબાજુ બેચાર ચક્કર માર્યાં, પણ માળા કોઇ ટોપીને અડે નહીં! લેખક વળી પાછો મુંઝાયો, જો આ વાંદરા ટોપીને અડે નહીં ને ટોપી પહેરે નહીં તો વાર્તા આગળ કેમ ચાલે? આતો બધો ખર્ચ માથે પડવાનો! વાંદરા એક પછી એક આવે, ટોપી હાથમાં લે, કૂતુહલથી આમથી તેમ ફેરવે, પણ માળા માથે ન મૂકે! હવે એનું કરવું કેમ? ગામના એક મોટી ઉંમરના જમાનાના ખાધેલ ભાભાને પૂછ્યું કે આમ કેમ? ત્યારે એ ભાભાએ ખુલાસો કર્યો, કે “આ બધી પળોજળ પડતી મેલો, એકેય વાંદરો ટોપી નહીં પહેરે”
“પણ શું કામ નહીં પહેરે? ને ન પહેરે તો મારી વાર્તાનું શું થાય?” ’તારી વાર્તા ગઈ તેલ લેવા, પણ આમાં થયું છે એવું, કે થોડાંક વરસથી જંગલમાં એક જોરૂકા વાંદરાએ આ ટોપી પેરીને કાળો કેર વર્તાવી દીધો છે, કાંઇક બીજાં પંખીના ભાગના ઝાડમાંથી ફળ પડાવી લીધાં છે, જમીન ઉપર પ્રાણીઓને હરવા ફરવાના પણ હપ્તા ઉઘરાવે છે ને નદી તળાવ પર કબજો કરીને પાણી પણ વેચે છે, ટૂંકમાં આ ટોપીવાળા વાંદરાએ છેલ્લાં આઠદહ વરહથી જંગલમાં એટલાં કૌભાંડ કર્યાં છે કે જંગલમાં ટોપીની આબરૂ કોડીની થઈ ગઈ છે, જે કોઇ ટોપી પહેરે એને બધા શંકાની નજરે જૂએ છે એટલે આ કોઇ ટોપી પહેરવા તૈયાર નથી!”

લેખક મુંઝાયો, હવે કરવું શું? વાર્તા આગળ કેમ વધે? એવામાં ત્યાંથી એક મફલર વિંટેલો ને બિમાર જેવો ખાંસતો ખાસતો એક જણ નીકળ્યો. એણે આ બધો તમાશો જોયો. એણે ચેલેન્જ ઉપાડી, વાંદરા ટોપી શું ન પહેરે..હું પહેરાવી દઉં!
“અરે ભાઇ તો તો તારા જેવો ભગવાન પણ નહીં, જલદી બધાને ટોપી પહેરાવી દે જેથી મારી વાર્તા આગળ વધે.” લેખકને હાશકારો થયો.
મફલરવાળાએ પોતાના ડબલ એક્સ એલ શર્ટના ખિસ્સામાંથી નોકિયાનો ૩૩૧૫ કાઢ્યોને પછી કાંઇક એસ એમ એસ ટાઇપ કરી ને સેન્ડ કર્યો. ને ચમત્કાર થયો! થોડી વારમાં જંગલની દશે દિશાઓમાંથી વાંદરાનાં ટોળે ટોળાં ઉમટ્યાં, જાડા વાંદરા, પાતળા વાંદરા, ખૂંખાર વાંદરા, લુચ્ચા વાંદરા, હરામખોર વાંદરા ને ભોળા વાંદરા, ખહુડિયા વાંદરા ને આંખમાં ચિપડા વાળા વાંદરા! જાતજાતના વાંદરા આવ્યા ને ટોપી પહેરવા પડાપડી કરવા લાગ્યાં! ટોપી ખૂટી પડી, બીજી તાત્કાલિક મંગાવવી પડી!

લેખક ને અને બીજાઓને સવાલ થયો કે આ પેલા મફલરવાળાએ મેસેજમાં એવું તો શું લખ્યું હશે કે વાંદરાઓ ટોપીને સુંઘતાએ નહોતા એના બદલે પડાપડી કરી મૂકી? જે હોય તે પણ હાશ થઈ! હાશ હવે વાર્તા પૂરી થશે!

લેખકે વાર્તાને આગળ ચલાવવા માટે ટોપીવાળાને ઈશારો કર્યો કે હવે તારી ટોપી ઉતારીને નીચે નાખ! ટોપીવાળાએ એમ કર્યું પણ વાંદરાઓ પર કોઇ અસર નહીં! ટોપીવાળાએ વળી ટોપી પહેરી ને વાંદરા જૂએ એમ નીચે નાખી, કેટલાક વાંદરાઓએ એનું અનુકરણ કર્યું પણ બાકીના લુચ્ચાઇથી હસતા રહ્યા!

લેખકે પેલા મફલરવાળા સામે જોયું, તો એ ખંધાઈથી હસતો મોઢું ફેરવીને ખાંસવા લાગ્યો! ખાંસતાં ખાંસતાં એના હાથમાંથી એનો મોબાઇલ પડી ગયો એ લેખકે જોયું. લેખકે હળવેથી કોઇને ખબર ન પડે એમ મોબાઇલ સેરવી લીધો ને મેસેજ બોક્સમાં સેન્ડ મેસેજમાં જઈને જોયું તો ત્યાં મેસેજ વંચાયો,

“જે કોઇ પણ આ ટોપી પહેરશે એ બધાનાં બધાં પાપ એક ક્ષણમાં ધોવાઈ જશે ને એ બધા હરીશચંદ્ર કરતાં મોટા સત્યવાદી ગણાશે. જો આ ટોપી પહેરનાર કોઇ ઉપર કોઇ આક્ષેપ થશે તો એની તપાસ માત્ર આંતરિક બંધારણ મુજબજ કરવામાં આવશે. આ ટોપી પહેરનારની પ્રામાણીકતા ઉપર આંગળી ઉઠાવનારને અદાણી-અંબાણી ના એજન્ટ જાહેર કરી દેવામાં આવશે. આ ટોપી પહેરનાર અભી બોલા અભી ફોક કરે તો પણ એને નખશીખ પ્રમાણીક ગણવામાં આવશે. ટોપીવાળા પર કોઇ કારણસર પોલિસ પગલાં લેશે તો સમસ્ત ટોપી સમાજ એની સામે ધરણા દેશે. ઈન્ટરનેટનાં કૌભાંડ હોય કે પછી રાશનથી દુકાનનાં, તમામ કૌભાંડની આંતરીક તપાસ કરીને તમામ ને પાકસાફ જાહેર કરી દેવામાં આવશે…”

લેખકે કપાળ કૂટ્યું…ટોપીને ન અડનારા અચાનક કેમ ટોપી પહેરવા માટે પડાપડી કરવા માંડ્યા અને હવે કેમ ટોપી કાઢવા તૈયાર નથી એ સમજાઈ ગયું ને વાર્તા તો છેવટે અધૂરીજ રહી!

લખ્યા તારીખ: ૨૨.૦૩.૨૦૧૪

No comments:

Post a Comment