Friday, September 26, 2014

ગતકડું: અમેરિકા એક ભંગાર દેશ!

"અરે પણ સાવ આવું તે કાંઈ હોતું હશે?"

"શેની વાત કરો છો ગરબડદાસ?"

"અરે પણ આ તો ખરેખર હદ કે’વાય!"

"શું હદને શેની હદ એ મગનું નામ મરી પાડો તો કાંક ખબર પડે!"

"અરે ઓધડદાસ, આ અમેરિકા જુઓને...કેવો ભંગાર દેશ છે!"

"કાં લે વળી..તમને શું વાંધો પડ્યો અમેરિકા સામે? સાહેબને વિઝા નહોતા આપતા એટલે? હવે માફ કરી દો એ વાત પર..હવે તો ઉંબરે કંકુ-ચોખા પણ મૂકી ગયા પછી શું છે?"

"અરે ઓઘડદાસ, એમ વાત નથી!"

"તો? તો કેમ વાત છે? તમે ઓલ્યા પચા-પંચાવન જણે વિઝા ન આપવાની અરજી કરેલી ઈ માઇલા છો કે નોતરું મળવાથી દુ:ખી થઈ ગ્યા?"

"અરે ના ભઈ...ઈતો તેડાવે એની ગરજે એમાં આપણા કેટલા ટકા!"

"તો પછી આટલા આકળા કેમ થયા છો અમેરિકા ઉપર? હવે તો પેલાં દેવયાની બેન વાળું પણ ટાઢું પડી ગયું!"

"ઓઘડદાસ....એ ખોબ્રાગડે સારુ હું મારું ખોપરું ખપાવું  ઇ માઇલો નઈ હો...તેલ લેવા ગઈ એ બાઇ!"

"અરે હા ગરબડદાસ, તેલ ઉપર યાદ આવ્યું, મને લાગે છે કે આ ઈરાકમાં અમેરિકાએ જેદી જરૂર નોતી તેદી જમાદારી કરીને હવે જરૂર છે ત્યાર હાથ ઊંચા કરી લીધા એમાં તમને વાંધો પડ્યો હશે, નંઈ?" 

"ઓઘડદાસ...ઓઘડદાસ....ઝીંકાઝીક બંધ કરો ને હું કહું છું ઇ સાંભળો, નકર મારા પંડ્યમાં બગદાદી આવવાની તૈયારી છે!"

"તી હું યે કંઇનો ઈજ કઉં છું કે આમ આડાઅવળી વાત કરવા કરતાં ભહી નાખોને સીધેસીધું કે અમેરિકા તમને ભંગાર કેમ લાગ્યું?"

" આ તમે છાપામાં નોં વાંચ્યું ઓઘડદાસ આજે?"

"શું વાંચવાનું? છાપામાં તો ઘણું આવે છે, વશીકરણ ની જાહેરતાથી રાશિભવિષ્ય સુધીનું..આમાં અમેરિકાને શું લેવા દેવા?"

"અરે ભઈ...ઈ નહીં...ઓબામાભાઇના સમાચાર હતા એની વાત કરું છું!"

"ઓબામાભાઇના એવા શું સમાચાર હતા કે તમે આમ આખા અમેરિકા ઉપર અકળાઇ ગયા?"

"બન્યું એવું કે કાલ્ય ઓબામાંભાઇ કોઇ હોટલમાં જમવા ગયેલા.."

"હા તે જાય..એમાં શું થઈ ગ્યું? બચાડાં મીશેલ બેનને પણ રાંધણિયામાં કોક દિ તો રજા જોયેને! એમાં અમેરિકા ઉપર કાં અકળાઇ જાવ?"

"અરે પણ ઓઘડદાસ તમે પૂરી વાત તો સાંભળો, ઈ હોટલમાં ખાવાવાળાની લાંબી લાઇન હતી..."

"બચ્ચાડા બધા ઘરના દુખિયા હશે!"

"ઓઘડદાસ...હવે વચમાં એક અક્ષર બોલ્યા છો તો..."

"અરે નહી બોલું...ઓઘડદાસ બોલો બોલો આ લાંબી લાઇન હતી એમાં અમેરિકા કેમ ભંગાર દેશ?"

"આ ઓબામાભાઇને બિચારાને કેટલા વહીવટ હોય..એટલે એમણે લાઇનમાંથી બેચાર જણને ઠેકાડીને પોતાનો વારો લઈ લીધો, એમાં તો પબ્લીકે દેકારો કરી મૂક્યો ને બિચારા ઓબામાભાઇએ માફી માગવી પડી!"

"હા હો ગરબડદાસ...માળું બેટું ઈ જબરું કેવાય! આપણી ન્યાં તો પચ્ચાહજારની વસ્તીવાળા ગામનું બે બદામનું કોર્પોરેટરિયું હોય તો એને પણ કાંઇ કેવાય નહીં, નહીંતર ફડાકાવાળી થઈ જાય!"

લખ્યા તારીખ: ૧૨.૦૭.૨૦૧૪

No comments:

Post a Comment