Friday, September 26, 2014

"બે યાર....આવું તે કાંઇ હોતું હશે?" ભાગ-૧

હજી તો માંડ જરીક આંખ લાગી હતી ત્યાં ધડામ દઈને ઢીંઢા પર કાંક વાગ્યું. પડખું ફરીને આંખ ચોળતાં ચોળતાં જોયું તો પાંચ હાથ પૂરો ને વાને ઉજળો એક જણ હાથમાં ગદા લઈને ઊભો છે. બોસ, થોડીવાર માટે તો લિટરલી આપણી ફાટી ગઈ! યમદૂતનાં તેડાં આવી ગયાં કે શું? પણ ના ના…જમડા આવા રૂપાળા તો નોજ હોય, કોઇ સીરિયલમાં કે ફિલમમાં આવો હેન્ડસમ જમ કે જમદૂત જોયો નથી, આ ઈતો નથીજ. પણ રખેને નવી ભરતી થઈ હોય!

“દુષ્ટ, નાલાયક…તારી આવી ગુસ્તાખી?” આગંતુકે ગુસ્સાથી ગદા ઉગામતાં બરાડો પાડ્યો. હવે મારી આંખ બરાબર ઊઘડી ગઈ, આગંતુકનો ચહેરો જાણીતો લાગ્યો. જરી વધારે ધ્યાનથી જોયું તો…

“અરે..અરે…ઝુકર પ્રભુ, આપ સાક્ષાત! આપ સાક્ષાત મારે આંગણે? હું તો ધન્ય થઈ ગયો!”

“હવે ધન્યવાળી…તારો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? મારે રૂબરૂ ધક્કો ખાવો પડ્યો!”

“પ્રભુ, આ રાજકોટ છે, અહીં બપોરે ૧.૩૦ થી ૩.૩૦ બધાના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે…”

“હેં? હેં? હે? એવડું મોટું જામર લગાડેલું છે? પણ જામર પણ માત્ર નેટવર્ક ખોરવાનું જ કામ કરી શકે, આ એવી કેવી નવી ટેકનોલોજી છે કે જેનાથી બે કલાક માટે લાખો ફોન સ્વિચ ઓફ થઈ જાય? “

“ અરે ના પ્રભુના, એવી કોઇ ટેક્નોલોજી નથી. આતો બપોરે અમારા રાજકોટવાળાના જઠરની બેટરી જેવી રિચાર્જ થાય એવુંજ દિમાગનું નેટવર્ક ખોરવાઈ જાય છે અને બધા બે કલાક માટે સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે. બીજા પ્રદેશના અદેખા લોકો આને બપોરની ઊંઘ કહીને અમને બદનામ કરે છે…”

“ઠીક છે ઠીક છે, બહુ હોશિયારી ના માર..તું તારી જાતને એટલો બધો હોશિયાર માને છે કે ગુજરાતનો ફેસબુકનો નિયમ તોડવાની ગુસ્તાખી કરે છે?”

“ક્ષમા કરો પ્રભુ, મને કાંઇ ખ્યાલ નથી, અજાણતાં મારાથી કોઇ અપરાધ થઈ ગયો હોય તો ક્ષમા કરો..આપ જણાવો કે મારાથી શું અપરાધ થયો છે અને પ્રાયશ્ચિત આપો..”

“હે ગુસ્તાખ ફેસબુકિયા મનુષ્ય, ગુજરાતના મોટા ભાગના ફેસબુકિયા મૂવી જોઈ આવ્યા પછી સૌ પ્રથમ ધાર્મિક શ્રદ્ધાથી જે કાર્ય કરે છે તે હજી બે બે દિવસ વિતી જવા છતાં તેં કર્યું નથી! તારી આવી હિંમત?”

“કયું કાર્ય પ્રભુ? હું કાંઇ સમજ્યો નહીં!”

“જા જા..બહુ ભોળા બનવાનું નાટક ના કર, ભૂતકાળમાં તો તેં પણ આ નિયમ બરાબર પાળ્યો છે. આ વખતેજ ચૂકી ગયો!”

“કયો નિયમ પ્રભુ? જરીક ફોડ પાડીને વાત કરો તો સારું!”

“બહુ હોશિયારી ના માર, આ પહેલાં તું જ્યારે પણ મૂવી જોઇને આવ્યો છે ત્યારે તું ક્યારેય એનો રિવ્યૂ લખવાનું ચૂક્યો નથી ને આ વખતે બે દિવસ વિતી જવા છતાં હજુ તારી વોલને ’બે..યાર’ના રિવ્યૂથી ધન્ય નથી કરી!”

“ઓહ પ્રભુ, તો એમ વાત છે! અ વખતે મેં લખ્યું નથી એનું કારણ એ છે ઝુકર પ્રભુ, કે હું આ મૂવી છેક ચોથા વિક માં જોવા ગયો, ત્યાં સુધીમાં બાકીના બધા ફેસબુકિયા વિવેચકોએ આ મૂવી અંગે એટલું બધું વિશ્લેષણ કરી નાખ્યું (મૂવીની ઘણી ખૂબીઓ અને વિશેષતાઓ તો અભિષેક જૈનને પણ આ રિવ્યૂ વાંચ્યા પછી ખબર પડી!) કે આ બધા રિવ્યૂની સામગ્રી પરથી ’બે યાર’ની બીજી આઠ દસ રિમેક આરામથી બની જાય!”

“ઠીક છે ઠીક છે…તો પણ એક કટ્ટર ફેસબુકિયા તરીકે તું આ જવાબદારીમાંથી છટકી ના શકે, તારે પણ રિવ્યૂ લખવો જ પડશે, કોઇ બહાનું નહીં ચાલે!”

“ઝુકર પ્રભુ, અમે કાઠિયાવાડી, આમ કાંઇ લુખ્ખીથી ડરી ના જઈએ, લખું કે ના લખું એ મારી મરજી..આમ ધમકી ના આપો…ના લખ્યું તો શું કરી લેશો?”

“દુષ્ટ તારી આટલી બધી હિંમત કે મારી સામે થાય છે? હું તને નર્કમાં નાખીશ!”

“ખી...ખી…ખી…ખી…” મારાથી જોરથી હસી પડાયું!

“કેમ દાંત કાઢે છે? તને નર્કની બીક નથી લાગતી?”

“બીક? નર્કની બીક? ઝુકર પ્રભુ, મને તો શું કોઇ ભારતીયને નર્કની બીક ના લાગે! સવારે જાગે ત્યારથી જદ્દોજેહદમાં લાગી જતા,લોકલ ટ્રેનની ભીડમાં અથડાતા-કૂટાતા, સરકારી ઓફિસોમાં અધિકારીઓના હાથે હડધૂત થતા, રેશનની લાઇનોમાં થોડીક ખાંડ કે બે લિટર કેરોસીન માટે કલાકો સુધી તપ કરતા, મજબૂરીવશ સરકારી હોસ્પીટલોમાં સબડતા ને ગેસના એક વધારાના સિલીન્ડર માટે એજન્સીવાળાને લબડતા કોઇ પણ ભારતીયને તમે નર્કની બીક આપીને ડરાવી ના શકો!”

“મૂર્ખ…મારું નર્ક એનાથી પણ વધારે યાતનામય છે, મારા નર્કનું નામ પડે ત્યાં ભલભલા થથરી જાય છે, આતંકવાદીઓ પણ પોતાનું હથિયાર હેઠી મૂકીને શરણે આવી જાય છે!”

“પ્રભુ, એવું તે વળી શું છે આપના નર્કમાં?”

“ઠીક છે, તો હવે તને નર્કનો અનુભવ કરાવીજ દઉં…આજથી તને તારા ફેસબુકના મિત્રો દ્વારા રોજના ૧૫૦ લેખે પોસ્ટમાં ટેગ કરવામાં આવશે, રોજની તને કેન્ડીક્રશ સાગા રમવાનીની ઓછામાંઓછી ૭૫ રિકવેસ્ટ આવશે, રોજ તને ઓછાંમાં ઓછાં ૩૦ ગૃપમાં એડ કરવામાં આવશે……”

“નહીં પ્રભુ..નહીં…આવો જુલમ ના કરો…હું આપ કહો તે કરવા તૈયાર છું, આપ કહો તો નથી જોયાં એવા મૂવીના રિવ્યૂ પણ લખી નાખું, આપ કહો તો હજુ  નથી બન્યાં એવાં મૂવીનાં રિવ્યૂ પણ લખી નાખું…પણ આવી ભયાનક સજા ના કરો!”

ને મારી આંખ હવે ખરેખર ઊઘડી ગઈ, એટલો પરસેવો થયો હતો કે પથારી પણ ભીની (પરસેવાથી સ્તો વળી!) થઈ ગઈ હતી. આજુબાજું માં કોઇ નહોતું. હાશ…આ સપનું જ હતું, એક ભયાનક સપનું…પણ તોયે જોખમ ના લેવાય, હવે રિવ્યૂ તો લખવોજ પડશે, ’બે યાર’નો રિવ્યૂ ના લખ્યો ને રખે ઝુકર પ્રભુએ સપનામાં આપેલી ભયાનક અતિભયાનક ધમકી સાચી પડી ગઇ તો? આમાં જોખમ ના લેવાય બોસ!

તમારે ’બે યાર’નો એક વધુ રિવ્યૂ સહન કરવોજ રહ્યો…આવતી કાલે!
લખ્યા તારીખ ૨૩.૦૯.૨૦૧૪

No comments:

Post a Comment