ઝુકર પ્રભુ તો ગયા, મારી નીંદર બગાડીને ને મને ધંધે લગાડીને! જે મૂવીને રિલીઝ થયે ચાર વિક થઈ ગયાં હોય, જેનાં બે-પાંચ હજાર રિવ્યૂ લખાઇ ચૂક્યા હોય, એનો રિવ્યૂ લખો એટલે કોક ને કોક કાંઠલો ઝાલે કે આતો મેં લખ્યું ’તું એની કોપી કરી! પણ સામે, ન લખવા બદલ જે ભયાનક કાર્યવાહીની ધમકી હતી એ જોતાં ’કોપી’ કર્યાની ગાળ ખાઈ લેવી સારી એમ માનીને કલમ, સોરી, કી બોર્ડ ઘસડવાનું ચાલુ કરું છું….
ફિલ્મમાં આમતો બે નહીં પણ ત્રણ યાર છે પણ પ્રોડ્યૂસર કે પછી ડિરેક્ટરને લાગ્યું હશે કે ત્રણનો આંકડો અપશુકનિયાળ કહેવાય, એટલે પછી ફિલ્મનું નામ ’બે યાર’ રાખ્યું હશે એમ માની શકાય. (બે…યાર! સમજા કરો!). આ ફિલ્મના કાસ્ટીંગની શરૂઆત ઊંધેથી થઈ હશે એવું લાગે છે, કારણ કે ટીનીયાની સામે જિગલી છે, જાડીયાની સામે બુકાની છે પણ ચકાનો વારો આવતા સુધીમાં બજેટ ખતમ થઈ જાય છે અને ચકીની વ્યવસ્થા થઈ શકતી નથી! જેના કારણે આખી ફિલ્મ “આવતી કાલે મોર અને ઢેલ લગનના માંડવામાં બંધાઈ જશે..” “કેટલાંક રૂપજ એવાં હોય છે કે જેને ધરાઈ ધરાઈને પીવાનું અને પછી બોલવાનું મન થાય…” “હું તમારી બન્ને પાપણ નીચે મારી પ્રિતનાં તોરણ ટીંગાયેલાં જોઇ શકું છું..” જેવા સર્વકાલિન રસપ્રચૂર સંવાદોની વંચિત રહી જાય છે!
ફિલ્મની શરૂઆતમાં લાભુ માતાજીની એન્ટ્રી થાય છે ત્યારે એમ લાગે છે કે એક મહાન ધાર્મિક ફિલ્મ જોવા મળશે! પણ જ્યાં તમે શ્રદ્ધાથી હાથ જોડી, આંખ બંધ કરી…(નહીં નહીં..આંખ બંધ થાય તો ફિલ્મ કેમ જોઇ શકાય? એટલે આંખ બંધ કરવાનું કેન્સલ!) ભક્તિભાવપૂર્વક ફિલ્મની સાથે તાદાત્ય્મ સાધો છો ત્યાંતો ફિલ્મ ઊંધે માથે પછડાય છે અને ડિરેકટરની આ “મેં ઈધર જાઉં, યા ઉધર જાઉં..” પ્રકારની ચંચળ મનોવૃત્તિનો ભોગ બિચારા ભોળા પ્રેક્ષકો બને છે અને એક મહાન ધાર્મિક ગુજરાતી ફિલ્મના પુણ્યથી વંચિત રહી જાય છે!
ખેર, ફિલ્મમાં આવતી (કે આવતો?) લાભુ માએ ભલે લોકોનાં સપના પૂરાં ના કર્યાં પણ આ ફિલ્મે અમારી જીંદગીનાં મોટામાં મોટાં બે સપનાં પૂરાં કર્યાં છે. મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે પાંચ વરસ બગાડનારા અમોને એક વાતનો હમેશાં અફસોસ રહેતો કે કોઇ ફિલ્મના હીરો તરીકે એમ.આર. શા માટે નહીં? હીરો રિક્ષાવાળો, રેંકડીવાળો, શાકભાજીવાળો, પાકિટમાર, ચોર હોય પણ એમ.આર. નહીં! ગુજરાતી તો ઠીક પણ કોઇ હિન્દી ફિલ્મમાં પણ નહીં! કોઇ પ્રોડ્યૂસર કે ડિરેક્ટર એકાદવાર ફિલ્ડમાં જઈને જાતે અનુભવ કરે તો ખબર પડે કે એક એમ.આર.ની જોબ, ઉપર દર્શાવેલ કામ કરતાં કેટલી બધી સંઘર્ષપૂર્ણ છે! છેવટે અભિષેક જૈને અમારું આ સપનું પુરું કરી દીધું ને સાથે સાથે એનાથી પણ મોટું એક સપનું પણ પુરું કર્યું. એમ.આર. તરીકે અમો ડૉક્ટર્સના હાથે હડધૂત થતા, મેડીકલ સ્ટોરવાળાના હાથે અપમાનિત થતા ત્યારે અમને જાગતાં, ખુલ્લી આંખે એક સપનું આવતું કે એકવાર, બસ એકવાર કોઇ એક ડોક્ટરને ચોક્કસ જગ્યાએ લાત મારવા મળે અને પછી એને “હડ્ય..હડ્ય..” કહી દઉં! પણ એ કદી શક્ય બન્યું નહીં. “બે યાર”માં ચકો અને ટીનીયો જે રીતે ડોક્ટરની ચેમ્બરમાં પાવો વગાડે છે, જે રીતે ડોક્ટરને બોલતા અટકાવીને ઊંચા અવાજે સામે બોલી અપમાન કરે છે, જે રીતે ડોક્ટરની હાજરીમાંજ પેશન્ટને ધમકાવે છે, એણે અમારા એમ.આર.ભાઇઓના યુગો યુગોથી થતા અપમાનનો બદલો લઈ લીધો છે! મારું ચાલે હું ખાલી આ એક સીન માટેજ આ ફિલ્મને ઓસ્કર આપી દઉં! અલબત્ત, ફિલ્મોના ઈતિહાસમાં આ કદાચ પહેલી ફિલ્મ એવી હશે કે જેમાં હીરો, હીરોઇન સામે પાવો વગાડવાને બદલે ડોક્ટરને રિઝવવા પાવો વગાડે છે! જોકે આ અંગે અમારા ગરબડદાસનું કહેવું એવું છે કે મદારી જે હેતુથી મોરલી વગાડે છે એવું આમાં સમજવું!
ફિલ્મમાં જેમ ચકો અને ટીનીયો, એમ.આર. તરીકે માત્ર એકજ ડોક્ટરને મળે છે એજ રીતે ચકાના બાપાની હોટેલમાં આખી ફિલ્મમાં આ ત્રણ મફતિયા, ચકો, ટીનીયો અને ઉદય સિવાય કોઇ ઘરાક નથી, બોલો! અને કોઇ ઘરાક નથી આવતા એ ગમમાં ચકાના બાપા જીતુભાઇ, સામેની ભીંતે ટિંગાડેલા પેઈન્ટિંગને જોઇ જોઇને દિવસો કાઢે છે, પણ પછી ચકાની મુર્ખામીને કારણે જીતુભાઇનું એ એકમાત્ર સુખ, ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો એકમાત્ર સહારો પણ છિનવાઈ જાય છે અને એના આઘાતને કારણે જીતુભાઇનું માનસિક સંતુલન એટલું બધું ગરબડ થઈ જાય છે કે ખરેખર સારું શું અને ખોટું શું એ ભૂલી જાય છે અને પોતાનું દુ:ખ ભૂલવા પોતાના સગ્ગા દીકરાને દારુના રવાડે ચડાવી દે છે! (શીસ્સ….ચૂપ..કોણ બોલ્યું કે એ દારુવાળા સીને વખતે જીતુભાઇને તો પેઇંટીંગની વાત ખબર પણ નહોતી!)
બાપાની પ્રેરણાથી દારુની લતે ચડી ગયેલો ચકો, સારા નરસાનું ભાન ભૂલી જાય છે અને ખાસ ભાઇબંધ ટીનીયા સાથે મારા મારી કરી બેસે છે. એ પછી નશો ઉતરતાં એને પસ્તાવો થાય છે અને લાગે છે કે આમાં બધો વાંક એના બાપનોજ છે, એના બાપ જીતુભાઇને એને દારુની લતે ચડાવ્યો તો એને ટીનીયા સાથે ઝગડો થયો ને! એટલે પછી ચકો પોતાના બાપા સાથે ડખો કરે છે! છેવટે એને સમજાય છે કે આમાં બાપાનો પણ વાંક નથી પણ બધાના મૂળમાં પેલું પેઈન્ટીંગ છે, એટલે એ ભિષ્મ પ્રતિજ્ઞા કરે છે અને ગાંધીને ફોન પર પોતાની “મારીને મૂકી દેવાની” પ્રતિજ્ઞા સંભળાવે પણ છે. અહીથી વાય બી ગાંધીને પાડી દેવાનું પ્લાનિંગ ચાલુ થાય છે અને એમાં જોડાય છે ’વીર તાંબાના હાંડા-ઘડા વાળો’ પ્રબોધ ગુપ્તા. એક વાત તો ખરેખર અદ્ભૂત છે કે આ પ્રબોધ ગુપ્તા નામના તાજા જન્મેલા ચિત્રકારનો પ્રોફાઇલ આ લોકો એટલો સ્ટ્રોંગ બનાવે છે કે એનો ઈન્ટર્વ્યૂ કરનાર જય વસાવડા જેવા, પોતાને હમેશાં છેલ્લામાં છેલ્લી માહિતીથી અપડેટ રાખતા, ગુજરાતના સૌથી લોકપ્રિય લેખકને પણ ખ્યાલ નથી આવતો કે આ હજુ બે દા’ડા પહેલાં પેદા થયેલો ચિત્રકાર છે!
છેવટે ચકો, ટીનીયો, જીગલી, બુકાનીવાળીનો ઉદયો અને આ તાંબાના હાંડા-ઘડાવાળો ભેગા થઈને વાય બી ગાંધીનો ઘડો લાડવો કરી નાખે છે અને જીતુભાઇને પોતાની ઘરાક વિનાની દુકાનમાં સમય પસાર કરવાનો સહારો પાછો મળી જાય છે. આમ લાભુ માંની કૃપાથી સૌ સારાં વાના થાય છે. લાભુ માં ચકા ટીનીયાને ફળ્યાં એવાં સૌને ફળજો!
ફિલ્મ જોઈને આવેલા અમારા ગરબડદાસે આવીને મને સવાલ કર્યો, “ આ ફિલ્મમાં બધાની(___) ચાયનિઝ છે?”
“કેમ તમને એમ લાગ્યું ગરબડદાસ?” મેં સામો સવાલ કર્યો.
તો ગરબડદાસ કહે, “બધાની કેવી તકલાદી છે! વાતે વાતે ફાટી જાય છે!”
_____________________________________________________________
લખ્યા તારીખ: ૨૪.૦૯.૨૦૧૪.
No comments:
Post a Comment