Sunday, November 27, 2011

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૫


               ગળથૂથી:
"આ ગુજરાતી ભાષા જેવી સરળતા જો બીજે ક્યાંક જોવા મળે, તો તમે નવી શોધ કરી છે એમ માનજો."
-ફાધર વાલેસ

               આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી, હવે ઘાટનો રસ્તો શરૂ થઈ ગયો હતો, અને અંશુલની ઊલ્ટીઓ પણ! અંશુલને કારની મુસાફરીની એલર્જી છે, જ્યારે પણ કારમાં અરધા કલાકથી વધારે મુસાફરી કરવાનું થયું છે ત્યારે ઊલ્ટી થાય જ છે એટલે પૂર્વતૈયારી રૂપે પ્લાસ્ટીકના ઝબલાં ભેગાં રાખવા સિવાય અમારી પાસે કોઇ ઇલાજ નહોતો! (જે ઈલાજ પહેલા દિવસે સાંજે અર્નાકુલમ ઉતર્યા ત્યારથી લઈને છેલ્લે અર્નાકુલમ થી ટ્રેન પકડી ત્યાં સુધી કામ લાગ્યો!)
વેલ્લેરા ધોધ
                મુન્નાર જ્યારે ૪૨ કિલોમીટર છેટું હતું ત્યારે ભારતના સુંદરતમ માર્ગોમાંના એક NH49 ઉપર અમારા માટે સૌથી પહેલું નજરાણું હતું તે હતો અર્નાકુલમ જીલ્લાની પૂર્વે સરહદ ઉપર અને ઈડ્ડુકી જીલ્લામાં દેવિયાર નદી પર આવેલ આવેલ વલ્લેરા ધોધ. અંગ્રેજીમાં આનો સ્પેલિંગ Valara એવો છે પણ સ્થાનિક લોકો વલ્લેરા અથાવા વલ્લારા એવો ઉચ્ચાર કરે છે. હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. અમે  પણ રોકાયા, ફોટા પડ્યા, આજુબાજુ લાગેલી હાટડીઓમાંથી વિન્ડો શોપિંગ કર્યું અને વલ્લેરાને આવજો કહેતા આગળ જવા નીકળ્યા. હજુ માંડ દશેક કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં અમારી જમણી બાજુ NH 49 થી થોડે દૂર ચીયપ્પારા(cheeyappara) ધોધ દેખાતો હતો, કોઇ અણમાનીતી રાણીના કુંવર જેવા આ ધોધને જોવા માટે એકલદોકલ કાર રોકાતી હતી અને એ પણ કારમાંથી નીચે ઉતરવાની તસ્દી લીધા વગર! એવું નથી કે આ ધોધ સુંદરતામાં કોઈ રીતે કમ હતો પણ મનભાવતાં ભોજન પેટભરીને ખાધા પછી આઇસ્કીમ પ્રત્યે પણ અરૂચી થઈ જાય, એવું જ કદાચ આ ધોધની સાથે પણ થતું હતું! એક કારણ એ પણ છે કે વલ્લેરા સાવ હાઈવે ને અડીને છે જ્યારે આ ચીયપ્પારા હાઈ વે થી સો દોઢસો મીટર જેટલો દૂર ઊભો છે, જે હોય તે પણ અમને તો સાત પગથિયાં ઊતરીને નીચે આવતો ચીયપ્પારા પણ એટલોજ વહાલો લાગ્યો!
ચીયપ્પારા ધોધ
                કેરાલા એના મરીમસાલાના ઉત્પાદન ને કારણે સદીઓથી વિદેશીઓ માટે પણ આકર્ષણ રહ્યું છે, જેમ મુન્નાર નજીક આવતું હતું એમ ઠેક્ઠેકાણે રસ્તામાં આવેલા સ્પાઈસ ગાર્ડનવાળા હાથ ઊંચા કરી અમને એમના સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપતા હતા. છેવટે આવા એક સ્પાઇસ ગાર્ડન Dreamland Spices Park પાસે અમારી કાર રોકાઇ અને અમે અમારી અને કેમૅરાની પ્રવેશ ફી ભરી ગાર્ડનમાં પવેશ્યા. ઊંધા શંકુ આકારના આ બગીચામાં ઉપરના ભાગમાં જાતજાતના મરી મસાલા અને ઔષધિનીની વનસ્પતી હતી અને વચ્ચે ખીણમાં ઢોળાવો ઉપર ચાના બગીચા. ખીણની ધાર ઉપર સાંકડી કેડી, અને કેડી પર હાથી પોતાની પીઠ ઉપર માણસો ને બેસાડીને ચાના બગીચામા ચક્કર મરાવતા હતા એ દ્ર્શ્ય ગમ્યું નહી. કોણ જાણે કેમ પણ ધરતી પરના સૌથી કદાવર અને તાકાતવર જાનવરને આમ લાચાર અવસ્થામાં માણસની ગુલામી કરતું જોઇને હમેંશા ખિન્નતાજ અનુભવી છે.
                વર્ષોથી જે મસાલાઓ ઘરમાં વપરાતા આવ્યા છે એના વૃક્ષો, વેલાઓ અને છોડ જોવાનું હમેશાં રોમાંચક લાગે છે, (આજની જનરેશન ને માટે ઘઉં,બાજરી અને ચોખા જેવાં  ધાન્યો કોઈ કારખાનામાં નથી બનતા પણ ખેતરમાં પાકે છે એ પણ સ્કૂલમાં ભણવામાં આવે ત્યારે ખબર પડે છે!) પરંતુ અમારા આ વનસ્પતીઓ જોવાના ઉત્સાહ ઉપર એક તો વરસાદે ઠંડું પાણી રેડવાનું ચાલુ કર્યું અને બીજું એ પાર્કના સ્ટાફને અમારા જેવા પર હેડ ૧૫૦ રૂપિયા જેવી ફી ચુકવનાર કડકા ગ્રાહકો કરતાં હાથીની સવારી સાથેનું ૭૫૦ જેવું પેકેજ લેનારા મલાઇદાર ગ્રાહકોમાં વધારે રસ હોય એ સ્વાભાવિક હતું! અને એ બેવકૂફ જાનવર, ચાર અલમસ્ત હાથી પોતાના જ ઈલાકામાં, આ તુચ્છ માનવજંતુઓના પેટ ભરવા માટે અન્ય માનવિઓનું મનોરંજન કરવાની મજૂરી કરતાં હતાં!
                છેવટે અમે અમારી રીતે જ પાર્કની વનસ્પતિઓની સાથે ઓળખાણ કરવાની કોશીશ ચાલુ કરી. આ પાર્કનું ખરેખર આકર્ષણ કહી શકાય તો એના બે ટ્રી હાઉસ, એમાનું એક તો ખૂબજ ઊંચા વૃક્ષ પર બાંધેલું હતું. અને અન્ય આકર્ષણ હતું પાર્કમાં આવેલ રિટેઇલ શોપમાંથી મસાલાઓની ખરીદી કરવાનું. અમને અમારા તરફ એટેન્શન ના આપવામાં આવ્યું અને સરખી રીતે પાર્ક બતાવવામાં ના આવ્યો એનો અફસોસ, આ ખરીદી વખતે થોડો ઓછો થયો કે ચાલો બીજું કંઇ નહીં તો સસ્તા ભાવે મસાલાઓની ખરીદી તો થઈ! પણ એ આનંદ પણ જ્યારે આગામી દિવસોમાં ઠેકડીની સ્પાઇસ માર્કેટમાં પહોંચીએ ત્યાં સુધી ટકવાનો હતો એની અમને ત્યારે ખબર નહોતી!
                છેવટે અમે છ-સાત કલાકની મુસાફરી પછી થાક્યા પાક્યા અમારા ઉતારાની હોટેલ ટી કેસલ પહોંચ્યા જ્યાંથી મુન્નાર હજુ બાર કિલોમીટર દૂર હતું. રાત્રે જમીને એવી તો ઊંઘ આવી કે એકેય એવું સપનુંયે ના આવ્યું જેમાં ધોધ, ચાના બગીચા કે હાથી દેખાય!


ગંગાજળ:
આજે માણીએ ચોથા હપ્તામાં એક મિત્ર મિતેષ પાઠકે કરેલી કોમેન્ટમાંથી મજેદાર અંશ...
"મને તો ઘણી વાર એવું થાય કે આપણી સૌરાશ્ટ્ર જનતા કે મેઇલ જો લુટાય ને તો ૫-૭ હજાર થેપલા ડાકુને મળે!"

16 comments:

 1. પ્રવાસ ની વર્ણન સાથે સાથે આપે એને જે માનવીય ટચ આપ્યો એટલે કે ...

  ૧. વૃદ્ધ સ્ત્રી જેવો ધોધ
  ૨. અણમાનીતી રાણી ના કુંવર જેવો ધોધ
  ૩. ધરતી પરના સૌથી કદાવર અને તાકાતવર જાનવરને આમ લાચાર અવસ્થામાં માણસની ગુલામી કરતું જોઇને હમેંશા ખિન્નતાજ અનુભવી છે.

  તે આ પ્રવાસ વર્ણન ની ચીર સ્મરણીય બનાવે છે.

  ReplyDelete
 2. khub j sarar mukulbhai, mane lage chhe k hu valara falls jai ne aavyo..

  ReplyDelete
 3. મુકુલ ભાઇ નો પ્રવાસ આગળ વધે છે તેમ તેમ અમારી ઉત્સુકતા પણ વધે છે.મુખપ્રુષ્ઠ કોચી ની ફિશીંગ નેટ નુ લાગે છે. હાથી પ્રત્યે ની હમ દર્દી એક ભાવક હોવા ની અનુભુતિ કરાવે છે.એલ્લપ્પી કુમાર્કોમ કોત્તયમ વગેરે ફર્યો છુ, હવે તમારા અવલોકન અને આનન્દ ના સથવારે બીજીવાર..!

  ReplyDelete
 4. ડીયર ! તમે ફાધરને ટાંક્યા ને અમને આખી વાત વાંચતા એજ યાદ આવ્યા કરે એ તમારી સફળતા કે ફાધરની એની તો અમને કૈ ખબર નો પડે. અમને એટલી ખબર પડી ગઈ કે તમે બહારથી કેરલને અને અંદરથી કેર[care}ને જાણો છો. તો 'રાજામાંલ્લા 'મા બે જ બકરા છે એ કાં નો કીધું ?

  ReplyDelete
 5. mukulkaka superb.....
  Fabulous write up supported by some stunning pictures.
  Thanks for sharing the detailed information.
  Posts like these are to be bookmarked as a reference material.
  I really enjoyed the article. It proved to be Very helpful to me and I am sure to all the commenters here It’s always nice when you can not only be informed, but also entertained I’m sure you had fun writing this article.

  ReplyDelete
 6. મુકુલભાઈ.. શાકાહારી ભોજન, ધોધ... અને મસાલા વાળી માહિતી બહુ ગમી... મારી કેરાલા (જાન્યુઆરી) મુલાકાત માટે નું બહુ જ સરસ સાહિત્ય તમે પીરસી રહ્યા છો... આભાર...

  ReplyDelete
 7. મનીષ દેસાઈNovember 28, 2011 at 12:38 PM

  મુકુલભાઈ....પ્રવાસ વર્ણન વાંચવાનો અનુભવ સામાન્યતઃ ખુબ કંટાળાપ્રદ હોય છે...પણ મારે કહેવું પડશે કે ખુબ રસપ્રદ શૈલીં, માનવીય અભિગમ અને આપની સેન્સ ઓફ હ્યુમર ને કારણે ન કેવળ વાંચવાની મઝા આવી કિન્તુ, ઉત્સુક્તા પણ જળવાઈ રહી...ખુબ ખુબ અભિનંદન.

  ReplyDelete
 8. saras ane sumadhuar ane saral varan! :)
  વર્ષોથી જે મસાલાઓ ઘરમાં વપરાતા આવ્યા છે એના વૃક્ષો, વેલાઓ અને છોડ જોવાનું હમેશાં રોમાંચક લાગે છે, (આજની જનરેશન ને માટે ઘઉં,બાજરી અને ચોખા જેવાં ધાન્યો કોઈ કારખાનામાં નથી બનતા પણ ખેતરમાં પાકે છે એ પણ સ્કૂલમાં ભણવામાં આવે ત્યારે ખબર પડે છે!)
  ek dam dhardar pan atlu j... :)sathe dhodh ma pan bhinjaya... :)

  ReplyDelete
 9. Waah! Khub Saras. Kerala na badha dhodh to joya ta pan tena naam have khabar padi :)

  ReplyDelete
 10. વાહ સાહેબ, જમાવટ કરી છે. આમ તો તમે ત્યાં જવા મજ્બૂર કરી દીધો, હવે તો ચોક્ક્સ જઈશ.

  ReplyDelete
 11. ખુબ સરસ, સરળ છતાં રસપ્રદ વર્ણન. એમાંય તમારી 'જે વિચારો છો એ જ લખો છો' રીત ગમી.
  મસાલા અને ચા વિ.ની ફેક્ટરી જોઈ પણ કેરાલામાં ટાઈપીસ્ટ કે સ્ટેનો બનાવવાની ફેક્ટરી જોઈ કે નહિ?
  મોશન સિકનેસ માટે એવોમીન (ડોક્ટરને પૂછીને) લેશો તો ઉલટી નહિ થાય (કદાચ ઊંઘ આવે એ વાત જુદી છે !)

  ReplyDelete
 12. કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું... આ શબ્દ નો પ્રયોગ આ પહેલા કયરેય કોઇ એ કરેલો નહી હોય.. સરસ.. અને મુકુલકાકા હવે મને સમજયુ કે તમે કાર શું કામ નથી લેતા.. બાકી કુદરતી દર્શ્યો નુ વર્ણન ખુબજ રસપ્રદ રહીયું...

  ReplyDelete
 13. વાહ સાહેબ, જમાવટ કરી છે.કુદરતી દર્શ્યો નુ વર્ણન ખુબજ રસપ્રદ રહીયું...ખુબ રસપ્રદ શૈલીં

  ReplyDelete
 14. amane sathe lai na gaya aeno afsos.

  ReplyDelete
 15. "હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું!"

  અને ગંગાજળ તો જોરદાર.

  ReplyDelete